જમાનો તમારો એ અમારો જમાનો

20 May, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

રાહુલ, તારું ટિફિન ટેબલ પર મૂક્યું છે, લઈ જજે. હું બજાર જાઉં છું.’

મમ્મી આજથી નો ટિફિન. રોજ રોજ એકનું એક રોટલી–શાક ખાઈને હવે બોર થવાય છે ને હવે તો ફ્રેન્ડ્સ પણ મશ્કરી કરવા માંડ્યા છે. મને દેશી બૉય કરીને બોલાવે છે. હું નહીં લઈ જાઉં. પ્લીઝ, ડોન્ટ ફોર્સ મી, ઓકે?’

સ્મિતાના પગ દરવાજા પાસે જ અટકી ગયા. આ શું? આટલાં સરસ દિલ દઈને બનાવેલાં રોટલી–શાક દેશી? રોજ રોજ જુદા જુદા શાક તો હોય છે. કોઈ વાર ચેઈન્જ ખાતર ફરસાણ ને મિષ્ટાન્ન પણ મૂકુ જ છું. હું નહીં જાણું કે કયું ખાવાનું સારું? તો કોણ જાણે? આ ફાસ્ટફૂડવાળા? અરે દાટ વાળ્યો છે આ ફાસ્ટફૂડવાળાઓએ તો. કુમળા બાળકોની જિંદગી સાથે, પોતાના ફાયદા ખાતર રમત રમીને આખા જનરેશનને પોતાના ઈશારે નચાવવા માંડ્યા. શું હોય છે આ ફાસ્ટફૂડમાં? મેંદાના લોચા? વાસી ને સડેલા શાકભાજી? ને વા જ, ચટણી ને કહેવાતા સૉસ?

બજાર જવાનું બાજુ પર રાખી સ્મિતા રાહુલને સમજાવવા ગઈ. ‘જો બેટા, રોટલી–શાક તો ઘરનાં બનેલા હોય, સ્વચ્છ હોય ને પૌષ્ટિક હોય. બહારના ખાવાનામાં શું હોય? ને તને એમાંથી શું મળે? તબિયત બગડે તે જુદી. હું તને રોજ જુદાં જુદાં શાક જ આપું છું ને? તારી ઉંમરમાં તો સારો ને ઘરનો જ ખોરાક જોઈએ. અમે લોકો તો ટિફિનમાં ભાખરી ને ગોળ જ લઈ જતાં. તે જમાનામાં વળી શાક કેવાં?’

પ્લીઝ પ્લીઝ પ્લી...ઝ મમ્મી, તારા જમાનાની તો વાત જ નહીં કરતી. સો વાર સાંભળી ચૂક્યો છું ને બસો વાર તને ના પાડી ચૂક્યો છું. તમારા જમાનામાં તમે ગમે તે ખાધું હોય, આઈ ડોન્ટ કૅર. પતી ગયો એ જમાનો. આ જમાનો અમારો જમાનો છે ને અમારા જમાનામાં ફાસ્ટફૂડ જ ચાલે છે, ગૉટ ઈટ? તું મને સો રૂપિયા આપી દે. હું બહાર ખાઈ લઈશ.’ રાહુલ કંઈક વધારે પડતું જ બોલી ગયો. કદાચ બહુ દિવસોનો એનો ગુસ્સો આમ અચાનક જ નીકળી આવ્યો હતો.

સ્મિતાએ સમય વર્તી રાહુલને સોની નોટ પકડાવી દીધી. ‘થૅંક્સ મૉમ’ કહી સ્મિતાને ભેટીને રાહુલ સ્કૂલે જવા નીકળી ગયો. સંતાનના આવા વર્તનથી સ્મિતા ભાંગી પડે કે નિરાશ થઈ જાય એમાંની નહોતી. સોહમના ગયા પછી એકલે હાથે રાહુલને મોટો કરવામાં પડેલી બધી તકલીફોનો એણે હિંમતભેર સામનો કર્યો હતો.

એ બધી તકલીફોની સામે તો આ કંઈ જ નહોતી. તો પણ આખરે રસ્તો તો એણે જ શોધવાનો હતો. આજે ફક્ત ટિફિન ખાતર રાહુલનો અવાજ ઊંચો થયો, કાલે બીજી કોઈ ડિમાન્ડ માટે જીદ કરશે ને ઊંચા અવાજે વાત કરશે તો? ચલાવી લેવાનું? ના, હરગિસ નહીં. મનોમન સ્મિતાએ કંઈ નક્કી કરી લીધું ને બજાર જતી રહી.

બજારથી પાછી ફરેલી સ્મિતાએ કિચન કૅબિનેટમાં સામે જ દેખાય એમ ‘હેલ્ધી હોમ મેઈડ ફાસ્ટફૂડ રેસિપીઝ’ની બુક ગોઠવી, ને મલકાઈને થેલીમાંથી ફાસ્ટફૂડ બનાવવાની સામગ્રીઓ કાઢી. રાહુલને સરપ્રાઈઝ આપવાના વિચારમાં એણે બે–ત્રણ વાનગીઓ પર નજર ફેરવીને, છેલ્લે પિત્ઝા પર જ પસંદગી ઉતારી. રાહુલના ફેવરિટ પિત્ઝા! સ્મિતાએ તૈયારી શરૂ કરી. કાલથી પછી ટિફિનમાં શું શું આપવાનું તે પણ લિસ્ટ તૈયાર કરી લીધું. ‘આવ બચ્ચુ, તારી મા બી કંઈ કમ નથી જોઈ લે.’

સોહમના અકાળે મૃત્યુનો બહુ હિંમતભેર સામનો કર્યો હતો સ્મિતાએ. પિયરમાં તેમ જ સાસરામાં કોઈ ન હોવાને કારણે અને વળી સોહમની નાનકડી ઓફિસનું કામ સંભાળવાનું હોવાથી સ્મિતા દીકરાને લઈને કશે શિફ્ટ થઈ શકે એમ પણ નહોતી. નાનકડા શહેરમાં હવે તો બન્ને ટેવાઈ ગયેલાં. માબાપ વગરની સ્મિતા રાહુલના બાળમનમાં ઊઠતા સવાલોથી સારી પેઠે વાકેફ હતી. મનથી ઢીલા પડવું કે દિલને કમજોર બનાવીને રડતાં રહેવું એને પહેલેથી જ નહોતું ગમતું. રાહુલને પણ એણે નાનપણથી જ બહાદુરીના ને સંજોગો સામે લડવાના પાઠ ભણાવવા માંડેલા. જમાનાની હવા ભલભલા તણખલાને ઊડાડી શકે તો રાહુલ તો હજી બચ્ચું જ કહેવાય. એને અસર ન થાય તો કોને થાય ? મમ્મીને ખૂબ ચાહતો ને માન આપતો રાહુલ, ફક્ત મમ્મીની અમારા–તમારા જમાનાવાળી વાતથી બહુ નારાજ હતો. કોઈ પણ વાત હોય મમ્મીનો જમાનો ખબર નહીં ક્યાંથી હાજર થઈ જતો! ઘણી વાર આ વાત પર એ મમ્મીથી રિસાઈ પણ જતો, ‘મમ્મી પ્લી...., હવે કોઈ નથી બોલતું કે અમારા જમાનામાં આમ ને અમારા જમાનામાં તેમ. તું બહુ સારી છે મમ્મી પણ આ વાત નહીં કર.’

સ્મિતાએ પોતાનો પૂરેપૂરો સમય રાહુલને ઘડવામાં જ ફાળવી દીધો હતો. બાકીનાં બધાં કામ એને માટે ગૌણ હતાં. રાહુલ એક સારો ઈન્સાન બને એ જ સ્મિતાની મંઝિલ. કોઈ દુ:ખી ફિલ્મી મા જેવી બની રહેવામાં સ્મિતા નહોતી માનતી. એને એવી બધી વેવલી વાતોથી હસવું આવતું. બાળપણથી જ સારી સારી વાર્તાઓ અને પુસ્તકોની સોબતમાં બંને મા–દીકરો ખોવાયેલાં રહેતાં. સ્કૂલમાં ભણવાની સાથે રમતગમત અને ઈતર પ્રવૃત્તિઓમાં પણ રાહુલ ઉલટભેર ભાગ લેતો. એમાં દોરીસંચાર તો મમ્મીનો જ વળી. પછી તો રાહુલ પણ આ બધી વાતોથી ટેવાઈ ગયો. બંને જીવન સફર બહુ આરામથી ને મોજથી માણતાં હતાં ત્યાં આવી ટીનએજની સવારી !

રાહુલમાં શારીરિક ને માનસિક ફેરફારો શરૂ થઈ ચૂક્યા હતા. બદલાવા માંડેલા અવાજને કારણે પણ એને હવે પોતાના યુવાન થવાનો અહેસાસ થઈ રહ્યો હતો. મરદ! આ શબ્દ જ એનામાં ઝણઝણટી ફેલાવી દેતો. સ્કૂલના મિત્રોની જાતજાતની વાતો ને માબાપ સાથેના ઘર્ષણ કે ટકરાવની વાતો એને નવાઈ પમાડતી. મમ્મી સાથે તો હંમેશાં એ ફ્રેન્ડની જેમ જ રહ્યો છે. કદાચ આ લોકોની મમ્મી મારી મમ્મી જેવી નહીં હોય. એને હસવું આવ્યું. ‘માય મૉમ ઈઝ વર્લ્ડ્સ બેસ્ટ મૉમ!’

જોકે, બીજા બધા છોકરાઓ ક્યાં એના જેવા હતા? કોઈ પણ સીધાસાદા છોકરાની મજાક કરવી, એ લોકો માટે ટાઈમ પાસ કરવા સિવાય કંઈ નહોતું. બે–ચાર દિવસ સળંગ રાહુલના ટિફિનની મશ્કરી કરીને, હુરિયો બોલાવીને એ લોકો રાહુલને તંગ કરતા રહ્યા. આવી મજાકોથી ન ટેવાયેલો રાહુલ આખરે ટિફિનની વાતને લઈ મમ્મી પર ઊખડી બેઠો. જો કે સ્કૂલે જોશમાં ગયેલો રાહુલ સાંજ પડતાં સુધીમાં તો નોર્મલ થઈ ગયેલો. મમ્મીને સૉરી કહેવાનું નક્કી કરીને ઘરમાં પ્રવેશેલા રાહુલે જોયું તો મમ્મી ટેબલ પર પિત્ઝાબૉક્સ લઈને બેઠેલી. ‘ઓહ મમ્મી...યુ આર ગ્રેટ. બહુ દિવસોથી આપણે પિત્ઝા ખાવા નહોતા ગયા. હું તને કહેવાનો જ હતો. થૅંક્સ મૉમ. તું ખાવાનું ચાલુ નહીં કરતી, હું હમણાં આવ્યો.’

પળે પળે ‘યમ્મી… યમ્મી….’ ને ‘વાહ વાહ’ બોલી બોલીને ખાતા રાહુલને જોઈ સ્મિતા મનોમન મલકાતી રહી. ‘બેટા, કાલથી તારા ટિફિનમાં પણ હોમમેઈડ ફાસ્ટફૂડને પણ સ્થાન મળશે. હા, પણ એક વાત નક્કી કે હું તને રોજ તો આવું ફાસ્ટફૂડ નહીં જ આપું. ફાસ્ટફૂડની સાથે હેલ્ધી ફૂડ પણ એટલું જ મહત્ત્વનું છે. પણ ક્યારેક ફોર એ ચેન્જ ઠીક છે. શું કહ્યું?’ સ્મિતાની વાત સાંભળીને રાહુલ પણ મલકી ઉઠ્યો. સ્મિતાના નિર્ણયની સાથે એ પણ સંમત થયો હોય એમ તેણે તેનું માથું હકારમાં હલાવ્યું. નવી સદીના બાળકોની જેમ સ્મિતાએ પણ નવા જમાનામાં પ્રવેશ કરી દીધો હતો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.