પરિવર્તનનો સ્વીકાર એટલે જીવનનો સંચાર
પરિવર્તન કુદરતને ખૂબ ગમે છે. આ કારણે જ એણે આપણા વર્ષને ત્રણ ઋતુઓમાં વહેંચ્યું છે અને એ ત્રણેય ઋતુઓની મુખ્ય લાક્ષણિકતામાં વધારો ધટાડો થતો રહે છે. આ તો ઠીક છાશવારે થતાં રહેતા ભુકંપો, ત્સુનામી કે વાવાજોડા પણ એવા જ કુદરતી પરિવર્તનોના ભાગ છે. પરિવર્તનનો અર્થ જ બદલાવ થાય છે અને દરેક નવા બદલાવને એક સ્વીકાર અને શરૂઆતની જરૂર હોય છે. પ્રકૃતિ અને કુદરત પાસે સ્વીકાર અને શરૂઆત કરવાની તાકાત છે એટલે જ પ્રકૃતિમાં સતત ફેરફારો, અવનવા પરિવર્તનો થતાં રહે છે. પરંતુ આપણા પક્ષે જ્યારે પરિવર્તનના સિદ્ધાંતની વાત આવે છે ત્યારે આપણે પરિવર્તન સ્વીકારતા થોડા ગભરાઈએ છીએ, થોડા ખચકાઈએ છીએ.
આપણું જ નહીં, પરંતુ જીવમાત્રનું જીવન અત્યંત પરિવર્તનશીલ છે. જીવનમાં જો પરિવર્તનો નહીં થતાં રહે તો આપણું જીવન એની અવિરતતા પણ ગુમાવી બેસે છે. અલબત્ત, આપણા શરીર સાથે જે કુદરતી પરિવર્તનો આવે છે એ આપણે સ્વીકારતા હોઈએ છીએ. પરંતુ એમાં આપણે કશું કરી પણ નથી શકતા એટલે નાછૂટકે આપણે એ સ્વીકારતા હોઈએ છીએ. બાકી જો કોઈ એમ વિકલ્પ આપે કે આધેડાવસ્થા કે વૃદ્ધાવસ્થા નહીં સ્વીકારવાની કોઈ સ્કીમ છે તો આપણે સૌએ જરૂરથી વૃદ્ધાવસ્થાને આપણાથી દૂર રાખી હોત.
શારીરિક પરિવર્તનો બાદ વાત આવે છે જીવન, કરિયર કે સંબંધોમાં આવતા કેટલાક પરિવર્તનોની. આગળ કહ્યું એમ આપણે કુદરતી રીતે થતાં શારીરિક પરિવર્તનો તો મને, કમને સ્વીકારી લેતા હોઈએ છીએ, પરંતુ આપણી સાથે ગાઢ નિસ્બત ધરાવતા અન્ય પરિવર્તનો ઝડપથી સ્વીકારતા નથી અથવા એને સંપૂર્ણપણે ફગાવી દેતા હોઈએ છીએ.
સંબંધ હોય, કરિયર હોય કે જીવનનો કોઈ તબક્કો હોય. આ તમામ જગ્યાએ આપણી નિયતિ આપણને એક એવા મોડ પર લાવીને મૂકી દેતી હોય છે કે, એ મોડ પર આપણે કેટલાક કઠોર અથવા લાઈફ ચેન્જિંગ કહી શકાય એવા નિર્ણયો લેવાના હોય છે. એ નિર્ણયોની સાથે જ આપણા જીવનમાં મસમોટા પરિવર્તનો આવતા હોય છે. તો કેટલાક કિસ્સામાં જીવન ધરમૂળથી બદલાઈ જતું હોય છે. જોકે એવુંય નથી કે આપણે જે નિર્ણય લઈએ એ અથવા આપણે જે પરિવર્તન સ્વીકારીએ એ આપણા માટે લાભદાયી જ હોય. અથવા એવું પણ બને કે, એ નિર્ણયને કારણે શરૂ શરૂમાં આપણને ખૂબ તકલીફ પડે. અને આવા જ ડરને કારણે આપણે નક્કર નિર્ણય લઈ લેતા ગભરાઈ જઈએ છીએ અને આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકતા નથી.
જોકે આવે ટાણે એક વાત અત્યંત મહત્ત્વની છે કે, ભલે જીવનમાં થોડા ઉતાર ચઢાવ આવે અથવા ભલે થોડો સંઘર્ષ કરવો પડે. પરંતુ અમુક તબક્કે ચોટ ખાઇને પણ અમુક નિર્ણયો કરવા અને પરિવર્તનો સ્વીકારવા મહત્ત્વના બની જાય છે. એ નિર્ણયો અને એ પરિવર્તનો જ આપણી અંદર નવી ઊર્જાનો સંચાર કરે છે અને નવી ઊર્જા દ્વારા જ આપણે જાતજાતના સાહસો કરી શકીએ છીએ.
વળી, એકવિધ જીવન જીવવાથી જીવન પ્રત્યે હતાશા વ્યાપે છે. ઉપરવાળાએ આપણને જીવન હતાશ થઈને કશું ન કરવા માટે નથી આપ્યું. અહીં આપણે જાતજાતના એડવેન્ચર્સ કરવા આવ્યા છીએ. અહીં આપણે જીવનના જાતજાતના રંગો માણવાના છે અને જ્યારે અહીંથી વિદાય લઈએ ત્યારે જીવી લીધાનો સંતોષ લઈને જવાનું છે. અને આ બધું કરવા માટે જીવનમાં પરિવર્તનો સ્વીકારતા રહેવું અત્યંત જરૂરી છે. આગળ કહ્યું એમ પરિવર્તનો સ્વીકારતી વખતે કદાચ એમ બને કે આપણને ભવિષ્યની ચિંતા થાય અથવા નિષ્ફતાનો ડર લાગે. એવું થવું વાજબી પણ છે. પરંતુ સાથે એ વાત પણ એટલી જ વાજબી છે કે, નિષ્ફળતાની પરવા કરીને ક્યારેય આગળ વધવાની પ્રક્રિયા અટકાવવી નહીં. જીવનમાં સફળતા અને નિષ્ફળતા કરતા વધુ મહત્ત્વની એક વાત એ છે કે, જીવનમાં સતત ચાલતા રહેવું કે ટકી રહેવું ખૂબ મહત્ત્વનું છે અને એ માટે પરિવર્તન સ્વીકારવું અત્યંત મહત્ત્વનું બની રહે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર