વર્તનનું મેનેજમેન્ટ

30 Jun, 2017
12:00 AM

અથર્વ

PC: menshealth.com

આજે આપણા વર્તન અને આપણા રિએક્શન્સ વિશે થોડી વાતો કરવી છે. વ્હોટ્સ એપ પર થોડા સમયથી એક મજાનું ક્વોટ ફરે છે, જેના પરથી આ આખી વાત આલેખવાનું મન થયું. એ ક્વોટ એવું હતું કે, ‘નકામા લોકો અને કપરી પરિસ્થિતિ બંનેથી મૂંઝાવું નહીં. તમે જો એમને પ્રતિભાવ ન આપો તો બંને શક્તિહિન થઈ જાય છે.’ બહુ મજાની અને ઉંડાણ ધરાવતી આ વાત છે. ચાલો આ વિશે થોડો વિચાર કરીએ, થોડો હકાર ભણીએ.

પહેલા તો આપણે આ ક્વોટની વાતથી જ શરૂ કરીએ. આપણે ચાહીએ કે ન ચાહીએ, પણ આપણા બહોળા કુટુંબમાં અથવા સગામાં, પાડોશમાં કે કામના સ્થળે એવા કેટલાક લોકો હોવાના જ જેઓ નાની નાની વાતોએ આપણી વાતમાં, આપણા કામમાં કે આપણી પ્રગતિમાં કે આપણા જીવનમાં અવરોધ ઊભા કરતા હશે. અથવા આપણને ન ગમે એવી પ્રવૃત્તિઓ કરતા હશે. અથવા હાથે કરીને કોઈક વાતે તલનું તાડ કરીને આપણને ઉશ્કેરતા રહેતા હશે. 

આવું કંઈ પણ થાય ત્યારે સ્વાભાવિક રીતે આપણું મન એમની પ્રવૃત્તિઓમાં ઉલઝેલું રહેવાનું અને ઘણે અંશે અશાંત રહેવાનું. એ માનસિક અશાંતિને કારણે ન તો આપણે આપણા કામમાં ધ્યાન પરોવી શકીએ કે નહીં આપણે આપણા જીવનમાં સરખું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આથી આપણો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. અંતે થાય છે શું કે, એકાગ્રતાના અભાવે કે માનસિક અશાંતિને કારણે ક્યાં તો આપણું કામ બગડે છે અથવા આપણા ચીડિયા સ્વભાવને કારણે આપણે કોઈકની સાથે સંબંધ કે સમીકરણ બગાડી બેસીએ છીએ. એ જ રીતે જેમ સામેના માણસનું વર્તન કે ક્રિયા આપણા મનને ખલેલ પહોંચાડે છે એમ જીવનની કપરી પરિસ્થિતિ અથવા અમુક સંજોગો પણ આપણી માનસિક શાંતિ છીનવીને આપણું કામ બગાડી શકે છે.

માનવસર્જિત અથવા કુદરતસર્જિત આવી પરિસ્થિતિઓ વખતે મૂંઝાઈને આપણે આપણું કામ બગાડીએ કે આપણા લક્ષ્યથી ભટકી જઈએ એ જરાય યોગ્ય બાબત નથી. આ રીતે મૂંઝાઈ જવાની કે એમની સામે રિએક્ટ કરી આપણું કામ બગાડવાની વાતને હું તો એમ કહીશ કે, આપણે સામે ચાલીને ઉપાધી વહોરી લીધી છે. અને સામે ચાલીને આપણે આપણા હથિયાર એ પરિસ્થિતિઓની સામે ફેંકી દીધા…!

યાદ રહે, માણસના રોજબરોજના જીવન કે કામમાં એણે અનેક કપરી પરિસ્થિતિ અને પડકારોનો સામનો કરવો પડવાનો જ છે. એમાં લોકો દ્વારા ઊભા કરેલા વિઘ્નો પણ હોવાના. પરંતુ એ બધી પરિસ્થિતિઓ દરમિયાન માનસિક રીતે અત્યંત સ્થિર રહેવું અત્યંત મહત્ત્વનું છે. જો માનસિક રીતે સ્થિર અથવા પ્રફુલ્લિત હોઈશું તો આપણે આપોઆપ જ એ પડકારોમાંથી સાંગોપાંગ પાર થઈશું. આ માટે એક જ બાબત કરવાની જરૂરત છે. આપણે કેટલાક માણસો અને કેટલીક પરિસ્થિતિને સમૂળગી અવગણી કાઢવાની છે અને એમની રજ માત્ર પરવા કર્યા વિના આગળ વધવાનું છે. જો આપણે રિએક્ટ જ નહીં કરીશું અથવા અમુક માણસો કે કપરી પરિસ્થિતિને ધ્યાનમાં જ નહીં લઈશું તો એક તબક્કે એમને પણ અહેસાસ થશે કે, અમે આણેલા વિઘ્નોની આમના પર કોઈ અસર થતી નથી. 

આ તો રિએક્શનની વાત થઈ. આ સિવાય બીજો જે મુદ્દો ચર્ચવાનો તે એ કે ઘણી વખત આપણે આપણા વર્તન અથવા સ્વભાવને કારણે જીવનમાં ઘણા પાછા પડી જતા હોઈએ છીએ. એટલે કે, ઘણી વાર આપણે ખૂબ સારા મુલ્યો ધરાવતા હોવા છતાં અથવા આપણે ખૂબ સારું કે વિઝન સાથેના વિચાર કરતા હોવા આપણા સ્વભાવની કેટલીક મર્યાદાઓ કે આપણું વર્તન આપણી પ્રગતિને આડે આવે છે.

ઘણા માણસો ખૂબ શોર્ટ ટેમ્પર્ડ હોય છે. નાની નાની વાતોએ ગુસ્સે થઈ જતા હોય છે અને ગમે એને મન ફાવે એમ બોલી દેતા હોય છે. જોકે થોડો સમય વીતે પછી થાય એવું કે ગુસ્સો કરનાર માણસને કે ગમે એમ રિએક્ટ કરનાર માણસને થોડા સમય પછી એના વર્તન પર ખૂબ પસ્તાવો થાય અને એ પસ્તાવાથી બચવા તે સામેવાળાની માફી પણ માગી લે. પરંતુ જિંદગી કંઈ દર વખતે ભૂલ સુધારવાની તક નથી આપતી. ક્યારેક એ તક હાથમાં જ નહીં આવી તો માણસ ભલે ઘણો નિખાલસ હોય, ઘણો વિઝનરી હોય કે સિદ્ધાંતો સાથે જીવનારો હોય, પરંતુ એનું મૂલ્યાંકન એના વર્તન મુજબ જ થશે એને લાભ-ગેરલાભ પણ વર્તન મુજબના જ હોવાના. 

એટલે કે, જો ગુસ્સામાં આવીને એક્સાઈટ થઈને તમે ગમે એમ વર્તન કરી નાંખો તો તમારી સારી બાબતો કોઈના ધ્યાનમાં નહીં આવે. અને સંબંધ હોય કે કોઈ ઑર્ગેનાઈઝેશન હશે, એમાં સામેવાળાની પ્રતિક્રિયા કે તમારું વળતર તમને તમારા વર્તનના હિસાબનું જ મળશે. 

ઈનશોર્ટ આજથી બે વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક તો એ કે, આપણી વિષમ પરિસ્થિતિઓ કે આપણા માર્ગમાં કોઈ પણ રીતની બાધા નાખનારા લોકોને કે એમની વાતને ક્યારેય ધ્યાનમાં નહીં લેવાના અને એમની સામે રિએક્ટ નહીં કરવાનું. અને બીજું એ કે જ્યારે આપણી પાસે વિઝન, મિશન કે આવડત તેમજ સારપ હોય ત્યારે માત્ર શોર્ટ ટેમ્પર્ડ સ્વભાવને કારણે આપણી પ્રગતિના લાખના બાર નહીં કરવાના. તમારું શું માનવું છે આ બાબતે? 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.