હકાર વિના સાહસ નહીં

16 Jun, 2017
12:00 AM

અથર્વ

PC: emaze.com

જીવનમાં વિચારની સાથે હકારનું હોવું પણ મહત્ત્વનું છે. જો વિચારમાં હકારનો અભાવ હશે તો એને વિચાર નહીં, પણ વિકાર કહેવાય. વળી, હકારનું હોવું માત્ર વિચારમાં જ નહીં, પણ જીવનમાં પણ સતત હકારનું હોવું જરૂરી છે. કારણ કે, હકારાત્મક્તા જ આપણને શક્તિ અને સામર્થ્ય પણ પ્રદાન કરે છે અને ઘણા વિઘ્નોમાંથી હેમખેમ પસાર થઈ જવાની આપણને હામ પૂરી પાડે છે. આ બાબત સમજવી હોય તો એક વાર્તા સમજવી પડે. એક નાના શહેરનો યુવાન ઘણી આવડત ધરાવતો અને એનામાં નવું નવું શીખવા સમજવાની ધગશ પણ ખરી. બીજાને જોઈને અથવા ખૂબ વાંચીને એ નવું નવું શીખતો રહે અને એની જાણકારીમાં વધારો કરતો રહે.

જોકે એ યુવાનની એક બહુ મોટી તકલીફ હતી કે, એ દરેક બાબતમાં થોડું નકારાત્મક વલણ ધરાવતો અને એના માર્ગમાં કોઈ બાબત આવે તો એ ઝડપથી સ્વીકારી પણ નહીં શકતો. એવામાં એ યુવાનને એના જ શહેરની એક પ્રાઈવેટ બેન્કમાં નોકરી મળી. કોઈ પણ જાતની ઓળખાણ કે લાગવગ વિના એણે માત્ર પોતાની આવડતના હિસાબે એ નોકરી લીધી હતી. ઈન્ટરવ્યૂ આપતી વખતે કે લેખિત પરીક્ષા આપતી વખતે સતત એના મનમાં એવા વિચારો રમ્યાં કરતા કે, આવી નોકરી મારા જેવા યુવાનને નહીં જ મળી શકે. અથવા હું ઈન્ટરવ્યૂ આપવા જઈશ ત્યારે ઈન્ટરવ્યૂ લેનાર મને કોઈ વાતે ટોકશે તો? બીજા યુવાનો તો મારા કરતા કેટલા સ્માર્ટ અને દેખાવડા હશે. એ બધાની સામે હું તો સાવ બાઘા જેવો લાગીશ…

સતત આવા વિચાર કરવાને કારણે એનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. છતાંય એનામાં આવડત હતી અને વિવિધ વિષયોની જાણકારી હતી એટલે બેન્કની પરીક્ષામાં એ ખૂબ સારા માર્ક્સથી પાસ થયો અને ઈન્ટરવ્યૂ વખતે પણ એના નસીબે એને સાથ આપ્યો એટલે સ્વસ્થ રહી એ આત્મવિશ્વાસ સાથે જવાબો આપી શક્યો. એના સારા પ્રદર્શનની સામે આ વખતે એનું નકારાત્મક વલણ હારી ગયું હતું. પરંતુ આ બાબતમાંથી એણે એવો કોઈ બોધ નહોતો લીધો કે, મારી પાસે પણ ઘણું કૌશલ્ય છે અને મેં મારી આવડત કે મેરિટના હિસાબે આ નોકરી મેળવી છે. બલ્કે, દરેક બાબતને શરૂઆતમાં જ થોડી નકારાત્મક્તાથી મૂલવવાની એની વૃત્તિ એણે ચાલુ જ રાખી.

એના કારણે સ્થિતિ એ થઈ કે, થોડા સમય પછી જ્યારે ઑફિસમાં એની જવાબદારીઓ વધવા માંડી ત્યારે એની અડચણો વધવા માંડી. પ્રાઈવેટ ફર્મમાં મેરિટના હિસાબે નોકરી મેળવી હોય પછી પણ રોજબરોજના કામમાં જાતજાતના પડકારો તો આવતા જ હોય છે અને સાથે જ વિવિધ ટાસ્ક્સથી તમારી મૂલવણી પણ થતી હોય છે. એ યુવાનને પણ એના કામમાં અવનવા પડકારો આવવા માંડ્યા. જેટલી મહત્ત્વની જવાબદારી એટલા જ મોટા પડકાર. એની સાથેના કર્મચારીઓની સ્થિતિ પણ એવી જ. પરંતુ બીજા બધા કર્મચારીઓમાં અને એ યુવાનમાં ફરક એટલો જ હતો કે, બાકી બધા લોકો એ પડકારોને પાર્ટ ઑફ વર્ક માનીને હોંશે હોંશે સ્વીકારતા અને પડકારોની સામે પડતા, જે દરમિયાન એમની કોઈક ભૂલ પણ થાય તો એમાંથી કશુંક શીખીને આગળ વધતા. પરંતુ પેલો યુવાન તો એની સામે પડકાર આવે એવો તરત ગભરાઈ જતો અને મારાથી આ કામ નહીં જ થાય એવું વિચારીને સતત ગૂંચવાતો-ગૂંગળાતો રહેતો. એની સ્થિતિ એ હતી કે, ચાલું કામમાં કશુંક અજુગતું આવી પડે તો એ કામ પડતું મૂકીને બીજાને સોંપી દેતો અથવા એમાં અસંખ્ય ભૂલો કરતો. એવું ક્યારેય નહીં બનતું કે એ યુવાન એની સામે આવી ચડેલી પરિસ્થિતિ વિશે શાંતચિત્તે વિચાર કરતો અને એમાંથી કઈ રીતે પાર થઈ શકાય એ વિશે કોઈ વિચાર કરતો. એને તો બસ એમ જ થાય કે, એની સાથે જે થઈ રહ્યું છે એ બીજા કોઈ સાથે નથી થતું અને કુદરત માત્ર એની સામે જ આવા પડકારો ફેંકે છે.

આ કારણે થયું એવું કે એના કામની ગુણવત્તા સતત ઘટતી ગઈ અને એના કામને કારણે બેન્કના સ્ફાટ કે ઉપરી અધિકારીઓ ઉપરાંત કસ્ટમર્સે પણ ઘણી નુકસાની ભોગવવી પડતી. એવામાં એક દિવસ એણે અત્યંત ગંભીર ભૂલ કરી, જેને કારણે બેન્કના મેનેજરે એને ઘરનો રસ્તો બતાડી દીધો અને આખરે એણે એની નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો.

એના કામમાં જ્યારે ભૂલો થતી અથવા એની સામે જ્યારે પડકારો આવતા ત્યારે બહુ જૂજ કિસ્સામાં એવું બનતું કે એના કોઈ સાથી કર્મચારીઓ એની મદદે આવતા. બાકી, મોટા ભાગે એની લડાઈમાં એ એકલો જ રહેતો. પણ એ તો દુનિયાનો નિયમ છે કે, આપણી લડાઈઓનો, આપણા પડકારોનો મોટેભાગે આપણે એકલાએ જ સામનો કરવાનો હોય છે. એટલે બીજાની અપેક્ષા તો આમેય નહીં રાખવાની હોય. વળી, આપણે એ બાબત પણ સમજવી રહી કે, જીવન હોય, અંગત સંબંધો હોય કે કરિયર હોય. એ બધામાં નાનીમોટી અગવડો, નાનામોટા પડકારો રહેવાના જ. અને આવું બધા સાથે જ બનતું હોય છે, માત્ર આપણી સાથે જ નહીં!

પરંતુ પેલા યુવાનની જેમ ઘણા લોકો એવું માની બેસતા હોય છે કે, પડકારો અને અગવડો માત્ર એમના જીવનમાં જ છે. બીજાઓના જીવનમાં તો માત્ર ને માત્ર સુખ જ છે! વળી, એ લોકો એમના કામ, જીવન કે સંબંધમાં આવેલા પડકારોને વધુ પડતી નકારાત્મક્તાથી સ્વીકારીને એવું માનતા હોય છે કે, આ તો ડેડ એન્ડ છે. અહીંથી આગળ જવાનો બીજો કોઈ રસ્તો જ નથી. પરંતુ આવે ટાણે તેઓ એવું ભૂલી જતા હોય કે, આ પડકાર તો એમના મારગમાં આવેલી નાની કાંકરી છે, જેને દૂર કરીને તેઓ ક્યાંય આગળ વધી શકે છે. જ્યારે બીજા લોકો એ પડકારોની સામે લડે છે અને અચાનક આવી પડેલી પરિસ્થિતિને હકારાત્મકતાથી સ્વીકારે છે. જેથી તેઓ જીવનની અવિરતતાને માણી શકે છે અને વિવિધ અનુભવોનું ભાથું લઈને આગળ ને આગળ વધતા રહે છે. આખરે આગળ કહ્યું એમ, પડકારો અને અગવડો તો બધાના જ જીવનમાં હોવાના પરંતુ એ અગવડો કે પડકારોને તમે હકારાત્મક રીતે કે નકારાત્મક રીતે સ્વીકારો એ વધુ મહત્ત્વનું છે. હકારાત્મકતા હશે તો સફળતા નહીં મળે તોય જીવનમાં રસ્તો તો મળી જ રહેશે અને સાથે અનુભવો મળશે એ વધારાના… પરંતુ નકારાત્મક વલણ બધા રસ્તા બંધ કરી દે છે, જેને પગલે માણસે માત્ર પસ્તાવાનો જ વારો આવે છે.

ચાલો તમે જ વિચારો જો પેલો યુવાન એની સામે આવેલા પડકારોને હકારાત્મક્તાથી લેતે અને એની મુશ્કેલીઓ સામે જીતવાનું તો ઠીક, માત્ર લડવાનું વલણ પણ રાખતે તો એની નોકરી ગઈ હોત ખરી? બલ્કે એની આવડત અને કામ પ્રત્યેની એની નિષ્ઠાના જોરે એ કરિયરમાં ઘણો આગળ નહીં વધી શક્યો હોત?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.