થાય સરખામણી જો…
આજે સરખામણીની વાત કરવી છે. આ બાબતે સહેજ ઊંડો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે, આપણા જીવનના કેટલાક દુઃખો આપણે માત્ર ને માત્ર સરખામણીને કારણે ઊભા કર્યા છે. સરખામણીને અસંતોષ સાથે સીધો સંબંધ છે. કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈની સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણી અંદર ક્યાંક ને ક્યાંક અસંતોષ જ ઊભો થાય છે. અને એ અસંતોષ જ આપણું ચેન, આપણા મનની શાંતિ હણી જાય છે.
કુદરત ક્યારેય બધાને એકસરખું આપતી નથી. એને વિવિધતા ખૂબ ગમે છે અને એ વિવિધના સિદ્ધાંતને હિસાબે જ કુદરતે આ સુંદર દુનિયાનું સર્જન કર્યું છે. અહીં ફૂલો પણ જુદા જુદા રંગો અને જુદી મહેકના છે અને અહીંની ભૂગોળ પણ જુદી જુદી છે. ક્યાંક રણ તો છે, તો ક્યાંક બરફ છે તો ક્યાંક લહેરાતા ખેતર છે. આપણા માણસોમાંય કેટકેટલી વિવિધતા… કોઈક ગોરું તો કોઈક કાળું. કોઈક ઊંચું તો કોઈક ઠીંગણું, કોઈક અત્યંત બુદ્ધિશાળી તો કોઈ એવરેજ બુદ્ધિક્ષમતા ધરાવતું… જોકે કુદરતના તમામ વશંજોમાં એકમાત્ર માણસ એવો છે જે, હંમેશાં સરખામણી કરતો રહે છે. જોકે પોતાની જાતની બીજા સાથેની આવી સરખામણી જ એને જીવનના મૂળભૂત આનંદથી દૂર કરી દે છે.
મોગરાનું ફૂલ ક્યારેય ગુલાબના ફૂલ સાથે એની સરખામણી કરતું કે, કે આ ગુલાબના ફૂલોને કેટકેટલા રંગ છે અને એનો આકાર તો કેવો મોટો? કારણ કે મોગરાને ખબર છે કે, ભલે એ શ્વેત ફૂલ નાનકડું હશે, પણ જો એ મહોર્યું હશે તો દૂરથી પણ કોઈ એને પારખી લેશે કે, ક્યાંક મોગરો મહોર્યો છે…! એની ફોરમ જ એવી અહ્લાદક હોવાની કે એના નાનકડા કદ વિશે કોઈને રજમાત્ર ફરિયાદ નહીં રહે.
આ આખી બાબતમાં બીજું એક તારણ એમ નીકળે છે કે, બીજાઓ સાથે સરખામણીઓ કરતા રહેવા કરતા પોતાને જે મળ્યું છે એનો સંતોષ માનવો જોઈએ અને એનો જ આનંદ પણ માણવો જોઈએ. પરંતુ બહુ રેર કેસમાં આપણે આવું કરી શકીએ છીએ. આપણી પાસે જે છે એનો આપણને ક્યારેય સંતોષ કે ગર્વ નથી હોતો. એટલે જ આપણે જે નથી એને પામવા ઉચાળા ભરીએ છીએ. સતત એવી બાબતોની પાછળ દોડતા રહીએ છીએ, જે બાબતો કદાચ આપણી થવાની જ નથી અને થાય તો એને માણી શકાય એવી આપણી ક્ષમતા રહેતી નથી.
જોકે આપણે તો સરખામણીની વાત કરતા હતા. મોટાભાગના લોકોને પોતાની જાતની, પોતાની આવડતની અથવા પોતાની પાસે જે હોય એની બીજાઓ સાથે સરખામણી કરવાની આદત હોય છે. એ અત્યંત સ્વાભાવિક છે કે, કુદરત કંઈ બધાને એક સરખી પ્રતિભા કે આવડત આપતી નથી હોતી. બધામાં કશુંક યુનિક હોવાનું, પરંતુ આપણને એ યુનિકનેસની કદર નથી હોતી. આપણે તો બસ એક જ બાબતે મૂંઝાતા રહેવાના કે આપણી પાસે આવી ક્ષમતા કે આવી પ્રતિભા કેમ નથી? કાશ મારી પાસે ફલાણા જેવી આવડત હોત તો હું આજે કોઈક જુદી જ દિશામાં હોત.
આ તો ઠીક આપણે ભૌતિકતાની બાબતે પણ સતત બીજાઓ સાથે સરખામણી કરતા રહેતા હોઈએ છીએ. જો આપણી પાસે નાનકડી ફેમિલી કાર હોય અને બે કે ત્રણ માણસના ખૂબ નાના કુટુંબને એટલી જ કારની જરૂર હોય તોય આપણને સતત એવી ઝંખના રહ્યા કરતી હોય છે કે, નાની કાર તો ઠીક છે. બાકી, ઘરમાં તો મોટી કાર જ શોભે. અને બસ આ જ બાબત આપણા અંતરને સતત કોરતી રહે અને આપણી પાસે જે છે એના આનંદથી દૂર કરતી રહે. પહેલી વાત તો એ જ કે, ભૌતિક બાબતોની બાબતે ક્યારેય સરખામણી હોવી જ નહીં જોઈએ. ભૌતિકતા કદાચ આપણને સગવડ આપી શકે, પરંતુ ભૌતિકતા આપણને સુખ કે આનંદ તો નહીં જ આપી શકે. કારણ કે, ભૌતિકતાને બાહ્ય બાબતો સાથે, ઉપરછલ્લી બાબતો સાથે નિસ્બત છે અને સુખ કે આનંદને આંતરિક બાબતો કે, આપણા હ્રદય સાથે સંબંધ છે.
ઈનશોર્ટ જો આપણું સુખ કે આપણા આનંદની આત્મહત્યા કરવી હોય તો જ બીજાની પ્રતિભા, કોઈની આવડત, કોઈની સફળતા અથવા કોઈની ભૌતિકતા સાથે આપણી સરખામણી કરવી. કારણ કે સરખામણી આપણને આપણા આનંદથી દૂર રાખે છે. હા, જીવનમાં કશુંક પામવું હોય, કોઈ એક ચોક્કસ મુકામ પર પહોંચવું હોય તો એ માટે સતત પ્રયત્નશીલ જરૂર રહેવું. ખૂબ મહેનત કરવી અને જીવનમાં કશુંક મેળવવું તો જોઈએ જ, પરંતુ મેળવવાનો ધ્યેય કે હેતુ હંમેશાં શુદ્ધ હોવો જોઈએ. કોઈકે એ મેળવ્યું છે એટલે મારે પણ એ મેળવવું છે એવું નહીં. નહીંતર બની શકે કે, તમારામાં શ્રેષ્ઠ લેખક બનવાની પ્રતિભા હશે અને તમે કોઈકને જોઈને સીએ બનવા જશો તો સીએ બની લાખોની રોકડી કરવાની વાત ઓ દૂર સીએની પરીક્ષા પણ નહીં પાસ થઈ શકો…
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર