ઉંમરના કોઈ પણ પડાવ પર થઈ શકે છે નવી શરૂઆત

23 Jun, 2017
12:00 AM

અથર્વ

PC: aromahead.com

ફેસબુક પર એકવાર એક સરસ મજાનું ક્વોટ વાંચવા મળેલું. એમાં લખેલું, ‘જો તમારા શ્વાસ ચાલુ હોય તો ઉંમરના કોઈ પણ પડાવ પર કોઈક નવા કામની શરૂઆત કરી શકાય છે.’ પહેલી નજરે કદાચ એમ લાગે કે, આ ક્વોટ વ્હોટ્સ એપના કોઈ ફોરવર્ડ જેવું સામાન્ય કક્ષાનું છે. પરંતુ સહેજ વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે, આ વાક્ય ઘણું હકારાત્મક છે, એ ઘણું ઉંડાણ ધરાવે છે અને કંઈક અંશે આપણને એ લાગુ પણ પડે છે. આપણી જાતની સહેજ ઉલટ તપાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે, જીવનમાં અનેક વખત આપણને કશુંક નવું કરવાની, કશુંક જુદુ કરવાની ઈચ્છા થાય છે અથવા ઘણી વાર કોઈ તક સામે ચાલીને આપણી પાસે આવતી હોય છે, પણ પછી આપણે એમ વિચારીએ છીએ કે, હવે આ ઉંમરે આપણે કરી પણ શું શકવાના? આવા કામ તો યુવાનીમાં જ થઈ શકે. તો એનાથી ઉલટુ જુવાનિયાઓ એમ વિચારતા હોય છે કે, આપણે કશુંક નવું તો કરવું છે, પરંતુ એ કામ કરવા માટે જે અનુભવ જોઈએ એની આપણી પાસે કમી છે.

એ વાત સાચી કે, કોઈ પણ મોટો કે મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લીધો હોય તો એમાં ઉત્સાહ અને શક્તિ, થોડો અનુભવ તેમજ ઘણું બધું રિસર્ચ વર્ક- હોમ વર્ક હોવું અત્યંત જરૂરી છે. ઑવર કૉન્ફિડન્સમાં આડેધડ કોઈ બાબત પર કામ શરૂ ન કરી શકાય. પરંતુ આગળ જણાવ્યું એ બધુ હોવા છતાં જો આપણી પાસે આત્મવિશ્વાસ નહીં હોય તો આપણે જે પામવું હોય એ આસાનીથી પામી નહીં શકીએ. જીવનના કોઈ પણ પડાવ પર, કોઈ પણ પ્રકારના કામ માટે કે નવી શરૂઆત માટે આત્મવિશ્વાસ કે જાતમાંની શ્રદ્ધાનું હોવું અત્યંત મહત્ત્વનું બની જાય છે. 

પરંતુ ઘણી વાર આપણી પાસે ક્ષમતાઓ હોવા છતાં તેમજ કામ પ્રત્યેની સમર્પણ ભાવના હોવા છતાં આપણી પાસે આત્મવિશ્વાસનો અભાવ હોય છે, જેને કારણે આપણે જીવનમાં સાહસ કરતા ગભરાઈએ છીએ. જીવનમાં આત્મવિશ્વાસ એ રીતે ઘણું મહત્ત્વનું પાસું છે. જો આત્મવિશ્વાસ હશે તો માણસ થોડીઘણી પછડાટ ખાઈને પણ અનુભવ તો મેળવી જ શકે છે અને એ અનુભવને પગલે જ, ભલે એની ઉંમર નાની હોય તોય સફળતા હાંસલ કરી શકાય છે.

ઉપર આપણે જે ક્વોટ વાંચ્યું એને હવે જરા જુદી રીતે પણ વિચારીએ. કારણ કે એ ક્વોટ જરા જુદા સંદર્ભમાં પણ લાગુ પડે છે. જુદો સંદર્ભ એટલે એ કે, માણસને ક્યારેક જિંદગી એવી પછડાટ આપે કે, એ અડધે રસ્ત્તે પહોંચ્યો હોય કે ખૂબ ઊંડો ઉતર્યો હોય તોય એણે પથારા સમેટીને પાછા વળવું પડે. પેલા ગીતમાં કહેવાયું છેને કે, ‘યે તો સિકંદર ને ભી નહી સોચા થા… મંજિલ પે આ કે હી જાન ચલી જાયેગી…’ વાસ્તવિક જીવનમાં ઘણા માણસો સાથે એવું થતું હોય છે. કોઈક બાબતમાં ખૂબ ઉંડા ઉતર્યા હોય ત્યારે જ એમણે અધવચ્ચેથી પાછા ફરવું પડે છે. આવા સમયે માણસ બહારથી ભલે નોર્મલ લાગતો હોય, પરંતુ અંદરથી એ તૂટી જતો હોય છે. એ તૂટનનું સંધાન થવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે. 

એક વખત તૂટી ગયેલા માણસ માટે ફરી શૂન્યથી શરૂઆત કરવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે. એનામાં આગલી નિષ્ફળતાની નકારાત્મક્તા તો હોય જ. પરંતુ એના દિલમાં એક ભય પણ ઘર કરી ગયો હોય છે કે, એ ઘણો નિષ્ફળ માણસ છે અને એના માટે હવે નવી શરૂઆત કરવું અશક્ય છે. વળી, એણે કોઈ કામ કે પ્રોજેક્ટમાં ઘણા વર્ષો કે દાયકા પણ આપી દીધા હોય. એટલે એ એવું વિચારતો હોય કે હવે એની પાસે પહેલા જેવી ઊર્જા કે સમય નથી રહ્યા, જેનાથી એ કોઈ નવો પ્રોજેક્ટ હાથ ધરી શકે. આવે ટાણે ઉપર જણાવેલું ક્વોટ રામબાણ સાબિત થાય છે અને આવા સમયે જ એનું ઉંડાણ આપણને ખ્યાલ આવે છે કે, ભલે લાખ વખત નિષ્ફળતાઓ મળી, ભલે કોઈ કામની પાછળ વર્ષો કે દાયકા ખર્ચી કાઢ્યા હોય કે ભલે હવે પહેલા જેવી ઊર્જા કે સમય નથી. પરંતુ જો જાતમાંની શ્રદ્ધા અકબંધ હશે અને શ્વાસ ચાલતા હશે તો એકવાર નહીં વારંવાર શૂન્યથી શરૂઆત કરી શકાય છે. અને શરૂઆત જ નહીં. જો પ્રોપર પ્લાનિંગ અને આવડત હશે તો શૂન્યમાંથી સર્જન પણ કરી શકાય છે. બસ જરૂર છે થોડા આત્મવિશ્વાસની અને નવું સાહસ કરવાની હિંમતની. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.