મદદગાર

23 Jul, 2017
12:01 AM

PC: sipse.com

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

મુંબઈની ગલીકૂંચીઓનાં જાળામાં બિસ્માર મકાન માંડ ઊભું રહ્યું હતું. ગમે તે ક્ષણે એ કાટમાળનો ઢગલો થઈ જાય એમ હતું. ઉપરનો માળ તો ધીમે ધીમે ઉજ્જડ થઈ ગયો હતો અને વચ્ચેના માળ પર બે-ચાર રડ્યાં-ખડ્યાં ઘર બાકી રહ્યાં હતાં, નીચેની દુકાનો પણ અડધી બંધ હતી, અને બાકીના ભાગમાં રાત્રે પેટ્રોમેક્સને અજવાળે આંકડા, દારૂ- બધું ધમધોકાર ચાલતું.

શંકર રોજ રાત્રે નવ વાગ્યે આ ખડખડિયા ચંપાનિવાસ પાસે આવીને થોડી વાર નીચે ઊભો રહી જતો. નામ તો હતું શિવશંકર પણ જ્યારથી ચોટલી કપાવી, સુરેન્દ્રનગરથી ઊપડતી ગાડીમાં મુંબઈ આવવા નીકળ્યો ત્યારથી એણે નામ શંકર કરી નાખ્યું હતું. ચકચકતું તેલિયું કપાળ અને હાફકોટ પહેરી એ ચકળવકળ આંખે મુંબઈ સેન્ટ્રલ ઊતર્યો હતો. એ વાતને આજે વર્ષો થઈ ગયાં હતાં. મુંબઈ નગરીની માયાએ એક ગરીબ બ્રાહ્મણને અહીં સુધી ખેંચી આણ્યો હતો, અને એના રંગમહેલ ચંપાનિવાસમાં એવો કેદ કર્યો હતો કે ત્યાંથી એ નીકળી જ ન શક્યો.

જાય પણ ક્યાં? સુરેન્દ્રનગરના 'શિવશંકર પાન હાઉસ'ના વેચાણની રકમ પર તો મુંબઈમાં માંડ બે મહિના ટકી શક્યો અને હા, ચંપાનિવાસની આ નાનકડી રૂમ મેળવી શક્યો એટલા એના ગ્રહ બળવાન હતા ખરા.

એક નાની ઑફિસની પ્યૂનની નોકરી સાંજે સાડા છએ પૂરી થઈ જતી. સલામ કરવી, ફાઈલો-કાગળો લે-મૂક કરવાં અને ખિસકોલીની જેમ કૂદીકૂદીને દાદર ચડઊતર કરવા-ઢીલોઢસ થઈ એ સાહેબની નરમ ખુરશીમાં અડધો કલાક ઊંઘી જતો. એક સિગારેટ ફૂંકી નાખતો. પછી ધીમે ધીમે ઑફિસ બરાબર બંધ કરી પગ ઘસડતો સાહેબને ઘેર ચાવી આપવા જતો.

પ્યૂનનું પદ ખાખી કપડાં સાથે ઑફિસમાં જ ઉતારી લેંઘો-ખમીસ પહેરી એ નીકળી પડતો. સાંજ પછી આમ તો એ છુટ્ટો પણ કશું જ કરવાનું હતું નહીં. એટલે ઘાંઘો ઘાંઘો ફર્યા કરતો. રાત્રે રાઈસપ્લેટ કે ઉસળપાંઉ દબાવી એ ઘરે આવતો. ઘર એટલે આ ચંપાનિવાસ. કિચૂડ કિચૂડ અજવાળાં અંધારિયાં દાદર ચડી એ ઘરમાં આવતો. એક નાની ખોલીમાં ઊગેલું થાંભલાઓના ટેકાઓનું જંગલ એટલે એનું ઘર.

એક વાર આમ બગાસાં ખાતો, રાત્રે અંધારા દાદર ચડતો હતો કે અચાનક પ્રકાશનો એક ઝબકાર થઈ ગયો. પહેલાં તો એ સમજી જ ન શક્યો. ચંપાનિવાસમાં વર્ષો થઈ ગયાં હતાં એને. આવું ક્યારેય બન્યું જ નહોતું. ચોટલી પંપાળવાની જૂની આદત પ્રમાણે માથે હાથ ફેરવી એ ત્યાં ઊભો રહી ગયો. એટલી વારે એને ખ્યાલ આવ્યો કે પોતે ઊભો રહી ગયો હતો અને એ ઝડપથી ચાલી ગઈ હતી.

આવી સુંદર શાંત યુવતી ચંપાનિવાસના ભાગ્યમાં ક્યાંથી? તે રાત્રે, તેલના ડબ્બાની જાહેરાતવાળા લક્ષ્મીજીનાં કેલેન્ડર સામે જોઈ અડધી રાત જાગ્યો અને એને ફરી ફરીને સંભારવાની કોશિશ કરી જોઈ. કાકા અચાનક ગુજરી ન ગયા હોત તો રૂપી સાથે લગ્ન પણ થઈ ગયું હોત.... તો... તો... આમ કપાયેલી ડાળી પેઠે એ લટકતો ન રહી જાત.

પણ આ... કોણ હશે આ? એના જેવી યુવતીને અહીં મળવા આવવા જેવું કોઈ ઘર નહોતું. તો...?

તો પછી શું એ એણે સવારે જાણ્યું ત્યારે એ ગુમસૂમ થઈ ગયો. પોતાની બાજુની ખોલીમાંથી સવારે અત્યંત કોમલ અને હલકભર્યે સૂરે કોઈ ધીમેથી ગાતું હતું. થાંભલાઓના જંગલમાં ખરેખર ચંપાનું ફૂલ મહેકી ઊઠ્યું. સલામ-ફાઈલો કશું જ યાદ ન રહ્યું. એ ડોકું ધુણાવતો ખુરશીમાં બેસી રહ્યો.

'બંધ કર તારો રાગડો.'

એક કર્કશ ઘોઘરા સાદે જાણે ચકમકતી છૂરીના એક ઘાથી મીઠા સૂરની દોરી કાપી નાખી. શંકરનું માથું ગોળ ગોળ ફરતું બંધ થઈ ગયું અને રૂમની પાતળી જર્જરિત દીવાલોને હૈયું માંડી સાંભળતો રહ્યો.

એ રોજ કરતાં મોડો ઑફિસે જવા નીકળ્યો ત્યારે એ સમજી ગયો હતો કે બાજુની ખાલી રૂમમાં મીઠો સૂર અને કર્કશ ઘોઘરા અવાજે રહેવા માંડ્યું છે.

આજે ઑફિસમાં સલામ અને ફાઈલોની આપ-લેમાં ઘણો ગૂંચવાડો એણે કરી નાખ્યો હતો. હેડક્લાર્કે નવાઈથી પૂછ્યું ય ખરું - કેમ 'લ્યા શંકરિયા! ભાંગ ચડાવી છે કે?'

ઑફિસેથી છૂટીને આજે પહેલી વાર સાંજે જ ચંપાનિવાસ પહોંચી ગયો. જોકે કશું કરવાનું હતું નહીં એટલે ઘરમાં ખુરશીમાં અદબ વાળી એ બેસી રહ્યો. બાજુની ખોલી શાંત હતી. થોડી વારે એટલા જોરથી ધક્કા વડે એ ખૂલી. બાજુની ખોલીમાંથી ગરમાગરમ શબ્દોની ફેંકાફેંક અને મીઠા સૂરનાં ડૂસકાં સંભળાતાં હતાં. ખુરશીનો હાથો સજ્જડ પકડીને એ બેસી રહ્યો. આ ધમધમતા અંગારા જેવા શબ્દોની ફેંકાફેંકમાંથી સુગંધી ફૂલ જેવું એક નામ એના ખોળામાં આવી પડ્યું હતું - સીતા. અને એની પર આ નઠોર, ક્રૂર માણસ-જેને સીતા વિજય કહેતી હતી એ જુલમ કરી રહ્યો હતો.

રાત્રે એ ન રાઈસપ્લેટ ખાવા ઊતર્યો કે ન ચા. મીઠા સૂરના આછાં ડૂસકાં દીવાલ અને દિલને વીંધતાં રહ્યાં.

હવે ઑફિસમાં બધા કહેતા : શંકર! તું બદલાઈ ગયો છે. એ શું કહે? કઈ રીતે સમજાવી શકે? એ પોતેય ગૂંચવણમાં હતો. ક્યારેક હતાશ, કોમળ સીતાનું અલપઝલપ દેખાઈ જવું, અને પેલા રાક્ષસની મારપીટ અને ગાળો, એની ભૂખ-ઊંઘ બધું ઉપરતળે થઈ ગયું હતું. ક્યારેક લક્ષ્મીજીની છબી સામે નજર પડતાં રડું રડું થઈ જતો-કાયર છું હું કાયર. રાત્રે પેલો સીતા જોડે ઝઘડા શરૂ કરે ત્યારે ડંડો લઈ છાતી કાઢી એની રૂમમાં ઘૂસી જાઉં અથવા ક્યારેક અંધારા દાદર પરથી એને ગબડાવી દઉં. બિચારી સીતા એના હાથમાંથી છૂટે તો સુખી થાય. બસ બીજા કશાની પોતાને ઈચ્છા નથી. સીતાને સુખી જોઈ એનું હૈયું ઠરે.

એના પાંત્રીસ વર્ષના જીવનમાં, નાખી નજર નાખે ત્યાં સુધી કોઈ એવું નહોતું કે જેને માટે એ લાગણીથી વિચારે, કશું કરે. ચંપાનિવાસના થાંભલાઓનાં જંગલમાં ઊગી ગયેલા નકામા ઘાસ પેઠે એ જીવતો હતો.

- અને ત્યાં આ સીતાએ ચૂપચાપ એના જીવનમાં પ્રવેશ કર્યો હતો, હવાની જેમ. અને હવે સર્વસ્વ બની ગઈ હતી. નિરર્થક જીવનને કશુંક કારણ મળ્યું હતું. જીવવા માટે, વિચારવા માટે, ચિંતા માટે. ક્યારેક અંધારા દાદર પર ઝાંખા શ્વેત રંગના ચહેરામાં દીવાની શગ જેવી ઝગમગતી બે આંખો એને તાકી રહેતી. એનો જીવ હથેલીની મૂઠીમાં દબાઈ જતો, શબ્દો ગળામાં જ રહી જતા. ઘણી વાર વિચારતો. કહી જ દઉં : જુઓ સીતા! મારી કંઈ મદદ જોઈએ તો કહેજો, પણ તમે... તમે આ રાક્ષસ સાથે શું કામ રહો છો? ભાગી જાઓ, છોડી દો એને. ઘર છોડી દઈ ભૂલથી એની સાથે લગ્ન કર્યા તેથી શું? આવા નરાધમ જોડે રહેવાનું? જિંદગી ઓળઘોળ કરવાની? દારૂડિયો, જુગારી અને... આ મારપીટ. ભાગી જાઓ સીતા... ભાગી જાઓ.

લક્ષ્મીદેવીની છબી સામે બેસી, એમને સાક્ષી રાખતો હોય એમ બધું ય ગોઠવી ગોઠવીને બોલી જતો. પણ ક્યારેય સીતા આગળ બોલાતું નહીં. જે સીતાએ પોતાના અસ્તિત્વ માત્રથી જ એનાં શુષ્ક અને નિરસ નિષ્ફળ જીવનમાં અર્થ ભરી દીધો હતો અને એના માટે એ કશું નહોતો કરી શકતો!

એક વાર સવારે જ ભયંકર ઝઘડો ફાટી નીકળ્યો. વિજય ઘોરતો હશે અને સીતાથી કશો અવાજ થઈ ગયો. એ એકદમ બૉંબની જેમ ફાટી પડ્યો. ધખધખતી ભઠ્ઠી જેવા શબ્દોથી સીતાને દઝાડવા લાગ્યો. આજે તો સીતા ય વાજ આવી ગઈ હશે એટલે બોલી ઊઠતી હતી. ઑફિસ જવાનું વિચારી શંકર દીવાલને ટેકે ઊભો રહી ગયો. સીતા બોલતી હતી પણ રુદનથી શબ્દો વીખરાઈ જતા હતા. દીવાલમાંથી શબ્દો શોધવાના હોય એમ શંકર દીવાલને ચીપકી જ ગયો હતો.

.... બાપુજી તો ના જ પાડતા રહ્યા ને આપણે.... બોલો આટલા બધા રૂપિયા... ના. નહીં ચૂપ રહું... દારૂ પીવો.... પણ ચોરી... ઓહ પ્રભુ... મને મારી નાખ...

શંકરની આંખો છલકાઈ જતી હતી. દીવાલને ટેકે ટેકે ઊભા રહી એ રડતો રહ્યો.

'કૂતરી.' કર્કશ, ઘોઘરો અવાજ. શબ્દને જાણે થૂંક્યો : હમણાં હમણાં મારી સામે ઘૂરકે છે તું? કેમ! મારી સામે? હા, છે રૂપિયા, તું કોણ મારો હિસાબ પૂછનારી?

હવે સીતાએ બોલવાનું બંધ કર્યું હતું. એ રડતી જ રહી હતી.

કર્કશ અવાજ હવે વીફર્યો લાગતો હતો. ઝેરીલા શબ્દો ઓકતાં બોલ્યો : 'સતની પૂંછડી બહુ ભગવાન ભગવાન કરે છે તે તને જ એની પાસે પહોંચાડી દઈશ. આ રૂપાળી નાજુક ગરદનને બે હાથમાં...' કર્કશ અવાજ ખી ખી કરતો ખૂબ હસ્યો.

શંકર થથરી ગયો. ખરેખર આ નરાધમ ક્યારેક સીતાનું ખૂન કરી નાંખશે. ધડામ્ દઈને બાજુનું બારણું પછડાયું. પોતાના અર્ધા ઉઘાડા બારણાની તિરાડમાંથી વિજયનાં લાંબી ડાફ ભરતાં અસ્થિર પગલાં જતાં દેખાયાં.

એકદમ બધું શાંત થઈ ગયું. માત્ર પવનનાં ધ્રૂજતાં પાંદડાં જેવું સીતાનું આછું થરથરતું રુદન જર્જરિત દીવાલમાંથી ટપકતું રહ્યું. શંકર ધીમે પગલે ઘરની બહાર નીકળ્યો. બહાર રસ્તા પરની દુકાનમાંથી ઑફિસે ફોન જોડ્યો અને હેડક્લાર્કને કહી દીધું આજે એ ઑફિસે નહીં આવી શકે. નવાઈ પામી ગયેલો હેડક્લાર્ક કંઈ પૂછે તે પહેલાં ફોન મૂકી, એક હોટલમાં ચા પી લઈ એ ફરી પોતાના ઘરમાં આવ્યો. ચાલુ દિવસે આમ ઘરે બેસી રહેવું એ શંકર માટે ખરેખર અજાયબ ઘટના હતી. લોખંડના નાના પલંગ પર પડું પડું થઈ માથે તોળાઈ રહેલી છતને એ તાકી રહ્યો. કંઈ કરવું જોઈએ. પણ શું? કોને પૂછવું? હેડક્લાર્ક સમજુ અને ડાહ્યો હતો. એને પૂછ્યું હોય તો પણ એ ય સમજી શકશે ખરો?

સાંજે એ પાછો નીચે ઊતર્યો. ગલીમાં બે-ચાર ચક્કર માર્યા. બસ, હિંમત કરી સીધું સીતાને જ એક વાર મળવું. એને સમજાવવી. ભાગી જા અહીંથી. માવતર એ માવતર, જરૂર રાખશે. નહીં તો સીતા પાસેથી જ સરનામું લઈ પોતે જ એનાં માબાપને કાં ન મળી આવે? આવા સરસ વિચાર પર શંકર ખુશ થઈ ગયો. હા, એમ જ કરવું. સીતા ઘરમાંથી ભાગીને આવા મુફલિસને પરણી ગઈ તેથી મા-બાપ ગમે એવાં નારાજ હોય, પોતે સીતાની સ્થિતિનું વર્ણન કરશે, સમજાવશે અને સીતાને ત્યાં જઈ મૂકી આવશે.

શંકર પાછો ફર્યો ત્યારે એનાં પગલાં જોસભેર પડતાં હતાં. પહેલાં આવો વિચાર આવ્યો હોત તો સીતાને ક્યારની મા-બાપ પાસે પહોંચાડી યે દીધી હોત અને પેલો નરાધમ હાથ ઘસતો રહી જાત. પણ કંઈ વાંધો નહીં. કાલે સવારે થોડી ગાળાગાળી કરી ઘર બહાર જાય કે એ જરૂર સીતા પાસે જઈ એને આ આખી વાત કહેશે. જોસભેર અંધારો દાદર ચડતાં બે ઝગમગતી આંખો એની સામે હસી રહી હતી. પોતાની વાત સાંભળી એ આંખો છલકાઈ જશે. ઝૂકી જશે. પછી ચિરપરિચિત મીઠા સૂરે કહેશે : 'તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી શંકરભાઈ! તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું.'

એક કાળી ચીસના હુમલાથી એ પડતાં પડતાં રહી ગયો. તો મહાભારત શરૂ થઈ ચૂક્યું હતું! એ થોડી વાર ચાલીમાં જ ઊભો રહ્યો. એ નાની ખોલીમાં અવાજોનું ઘમસાણ મચ્યું હતું. રોજ કરતાં આજની હવાની રુખ જુદી હતી. ગાળો, મારપીટ, વસ્તુની ફેંકાફેંકી, ધમકીઓ - શંકર ઉશ્કેરાઈને ઘરમાં દાખલ થયો. ઠીક છે બચ્ચા, કાલે બતાવજે રુઆબ તારો, સીતા જ નહીં હોય ઘરમાં. સીતા નહીં માને તો ગમે તેમ સમજાવીને જોડે જ લઈ જઈશ એને ગામ. આવી ફૂલ જેવી એકલવાયી, ગભરુ છોકરી પર.... એકલવાયી શું કામ? પોતે છે ને! લક્ષ્મીજીનાં સોગન, કુળદેવીનાં સમ, જો કાલ ને કાલ સીતાને અહીંથી બચાવીને ન લઈ જાઉં તો.

કર્કશ ઘોગરા અવાજનું તાંડવ ચાલતું હતું. અરે સતી સીતાય રાવણને ત્યાં રહી હતી. તું કોણ? હેં!

મીઠો સ્વર કરગરતો હતો. ધૂળમાં રગદોળાતો હતો : 'ના ના, મને છોડી દ્યો, જવા દ્યો... મેં તમારું શું બગાડ્યું છે?'

કર્કશ સ્વર ઉન્માદમાં હતો. 'અરે, હવે તને જાવા દઉં? તું... તું... ઘણું જાણે છે, તું બદલો લેવા પોલીસમાં જ જાય. મારી મુઠ્ઠીમાંથી તને કોઈ નહીં છોડાવી શકે.'

હોઠ દબાવી શંકર બબડ્યો : હું છોડાવીશ. હું... સીતાનો મદદગાર છું. કાલે સાંજે તું ઘેર આવીને જો તો ખરો! પછી બાખડજે થાંભલા સાથે.

સીતાની ચીસ ઝેર પાયેલા તીરની જેમ એને વીંધી ગઈ. હમણાં જ જાઉં? વચ્ચે પડું? પણ શરીરમાં એ બળિયો છે એટલે તો આટલો વખત ચૂપ બેઠો. વચ્ચે પડું ને મને મારે એની પરવા નથી પણ સીતાને વધુ કૂટી નાખશે. સીતાની ચીસે ચીસે એનું હૃદય તરફડવા લાગ્યું. આજે વિજયનો મિજાજ બાવળની શૂળ જેવો તીખો લાગ્યો.

સીતાના ધમપછાડા ચાલુ હતા. વિજયનો અવાજ સૂસવતો હતો. આજે તને નહીં છોડું, આજે તારું ખૂન કરીશ, સતની પૂંછડી! જા તારા રામ પાસે.

શંકર પરસેવે રેબઝેબ થઈ ગયો. ના, ના. કાલ સુધી રાહ જોવાય એમ નથી. આ નરાધમ એનું ખૂન...

એણે હાંફળાફાંફળા ચારે તરફ જોયું. કંઈ પણ હથિયાર જેવું કે કંઈ પણ મળી જાય જેનાથી થોડી વાર પણ વિજય સામે ટકી જાય તો સીતા ભાગી જઈ શકે. આ ખુરશી જ ઊંચકીને...

એ ચમકી ગયો.

બાજુની ખોલીમાં બધું જ શાંત થઈ ગયું હતું. એક નાનો અવાજ સુદ્ધાં ફરકતો નહોતો. પછી ધીમે ધીમે ભારે ચીજ જમીન પર ઘસડાવાનો અવાજ આવ્યો. ફરી ચૂપકીદી. નહીં રુદન, નહીં ચીસો, સ્મશાનની શાંતિ.

ખૂન, સીતાનું ખૂન! પોતાની એક માત્ર વહાલી વ્યક્તિનું આવું કમોત! શંકરની છાતી ફાટી ગઈ. આંખો સામે સફેદ, કાળા, લીલા રંગોમાં લાલ લોહીમાં સીતાની લાશ પડી હતી. પોતે નમાલો હતો. સીતાને કશી મદદ ન કરી શક્યો. શંકર ખુરશીમાં બેસીને ચૂપચાપ રડ્યો. ખૂબ રડ્યો. બાજુની ખોલીમાં ફરી ઘસડાવાનો અવાજ... ધીમાં પગલાં...

શંકર ટટ્ટાર ઊભો થઈ ગયો. હજી વિજય ઘરમાં જ હતો. એ ભાગી છૂટવાની કોશિશ કરે એ પહેલાં જ પકડી લેવો જોઈએ. સીતાના ખૂનીને એ છટકી જવા દેશે તો એ લક્ષ્મીજીનો ગુનેગાર ગણાશે.

જરાય અવાજ ન થાય એમ એ બહાર નીકળ્યો. સાવચેતીથી દાદર ઊતર્યો. રસ્તા પર એ એકસરખું દોડશે તો વધુમાં વધુ પંદરથી વીસ મિનિટમાં જ પોલીસને બોલાવી લાવશે. પણ એ દરમિયાન વિજય પોબારા ગણી જાય તો? થોડે દૂરની દુકાનના ઓટલે તીનપત્તી રમતાં મવાલીઓને એણે માંડ સમજાવ્યા. તમે ચૂપચાપ દાદર પર ઊભા રહેજો. કોઈ જો દોડતું નીચે ઊતરી આવે તો પકડી રાખજો. જવા નહીં દેતા. સો રૂપિયા આપીશ.

- અને શંકરે મુઠ્ઠીઓ વાળી દોડવા માંડ્યું. અંધારામાં ઝગમગતી આંખો પ્રકાશ પાથરતી રહી. વધુને વધુ જોરથી એ દોડતો રહ્યો. ખૂન... સીતાનું ખૂન... પોતાના જીવનનો એક જ વાર એ ઉપયોગ કરતો હતો. એણે પગમાં પ્રાણ પૂર્યા.

પોલીસ જીપમાં તૂટક સ્વરે રડતાં રડતાં સબ-ઈન્સ્પેક્ટરને એ કહેતો રહ્યો- વિજયની મારપીટ... ગાળો, પચીસ હજાર રૂપિયાનો ઉલ્લેખ... ઝપાઝપી અને અંતે સીતાનું ખૂન...

ચંપાનિવાસ પાસે જીપ ઊભી રહેતાં એ નીચે કૂદી પડ્યો. દાદર ઉપર પેલા બે હજીયે ઊભા હતા એટલે એનો જીવ જરા નીચે બેઠો. હવે વિજય છટકી શકે એમ નહોતો. એક જ ઊંડો અફસોસ રહી ગયો - સીતાને બચાવી તો ન શક્યો પણ એને ખબર સુદ્ધાં ન પડી કે એનો મદદગાર હિતચિંતક કોઈ હતો પણ ખરો.

એણે સબઈન્સ્પેક્ટર અને હવાલદારોને ચૂપ રહેવાની ઈશારત કરી, રખે વિજયને અણસાર પણ આવી જાય. સાવધાન થઈ જાય! એ સીતાના શબને ખસેડવાની ચિંતામાં હોય ત્યાં જ પકડવો.

દબાતે પગલે ઘર નજીક પહોંચી અચાનક બધાંએ એકસાથે બારણાને ધક્કો માર્યો. બીજા ધક્કાએ તો બારણું તૂટી ગયું. પહેલો શંકર જ અંદર દોડી ગયો.

વિજયની લાશ પાસે હાથમાં રૂમાલ પકડી સ્તબ્ધ બનેલી સીતા ઊભી હતી!

અચાનક ધસી આવેલા પોલીસોને જોઈ એ ફાટેલી આંખે સૌને જોઈ રહી. ધીમે ધીમે એની નજર શંકરના ચહેરા પર આવીને જડાઈ ગઈ. ઝગમગતી આંખોનો પ્રકાશ ઝબકીને બુઝાઈ ગયો. પછી ધીમે પગલે ચૂપચાપ પોલીસ સાથે ચાલવા લાગી.

ઘરના ઉંબર પર ઊભી રહી એણે શંકર સામે જોયું અને ચાલી ગઈ.

શંકર થાંભલાઓના જંગલમાં નિર્જીવ લાકડું બની ઊભો રહ્યો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.