જૂનાં સંસ્મરણોનું એક પાનું

07 May, 2017
12:00 AM

PC: campus.edublogs.org

મને ઘણી વખત થાય છે કે જો એનાં થોડાંક પણ સંસ્મરણો મેં નોંધી લીધાં હોત ! એના જમાનાનું સાચું કે ખોટું ગમે તેવું ચિત્ર એ આપી જાત એ વાત મહત્ત્વની ન હતી. પણ વધુ કીમતી વાત તો આ હતી કે એક માનવના અંતરની અતિશય રમણીય કરુણ કથા, એમાંથી ઊભી થાત ! અને માનવની કરુણકથા જેવો વૈભવ બીજે ક્યાં જડવાનો હતો?

લાંબો, સુક્કો, ઝાંખો એનો ચહેરો આજે પણ યાદ આવે છે. એની આંખે એ વખતે ઝાંખ આવી ગયેલી. અવસ્થાએ પણ ઠીકઠીક ઘા કરેલા. એટલે એ શરીરે સાવ નંખાઈ ગયો હતો. છતાં દરરોજ સાંજે દરવાજા બહારની એક નવરાધૂપની હોટલમાં, એક જુનવાણી ખુરશી ઉપર, પાસેના ત્રણ-ટાંગ મેજ ઉપર પોતાનો, તૂટેલો પ્યાલો ને ફૂટેલ રકાબી લઈને એ ચા પીતો બેઠો જ હોય, અચૂક બેઠો હોય. શિયાળો, ઉનાળો, ચોમાસુ એ ત્રણે ઋતુઓ એને મન સરખી હતી. હોટલવાળો દેવજી પણ અરધિયાણ પૈસાનો નિત્ય મહેમાનને ઓળખી ગયો હતો. અરધિયાણ પૈસાનો એટલા માટે કે ક્યારેક એ પૈસા આપતો, ક્યારેક ન પણ આપતો. જૂની પ્રીતને આધારે દેવજી પણ એની આ અનિયમિતતા ચલાવી લેતો.

એનું નામ રાઘવ. રાઘવ નાયકના પ્રેમ ભરેલા નામથી એને સૌ કોઈ બોલાવતા. એની રંગભૂમિનો જમાનો યાદ રાખનારા વૃદ્ધો તો હજી પણ એના જમાનાને ભૂલ્યા ન હતા. જમાનો બદલાઈ ગયો હતો એ ખરું, માણસો પણ બદલાઈ ગયાં હતાં એ પણ ખરું, ફેશન બદલાઈ ગઈ હતી, એ પણ સાચું, નાટકો મરી પરવાર્યા હતાં એ પણ હકીકત, છતાં રાઘવ નાયકે હજારોની આંખમાં એક દિવસ આંસુ આણ્યાં હતાં. એણે જ સેંકડોને રંગશાળામાં રોવરાવ્યાં હતાં. અને એ જ રાઘવ નાયક જ્યારે હસાવતો, ત્યારે લાગતું કે દુનિયામાં દુઃખને આવ્યાંને વર્ષો થઈ ગયાં હશે!

એમાં પણ એની વહુ જ્યારે જોવા આવી હોય અને છોકરો ને છોકરી આગલી પાટલીમાં બેસીને એને પોતાનો વેશ ભજવતો જોતાં હોય, ત્યારે રાઘવ એવો ખીલતો, કે જોનારા કહેતા કે, એ રાઘવ નાયક છે એમ કોઈ માની શકે જ નહિ. એક વખત એ મિથિલાપતિના નાટકમાં ઊતર્યો, એણે પંડિત શ્રુતદેવનો સ્વાંગ એવો તો અજબ રીતે ભજવ્યો હતો કે જોનારા એ સ્વમાની, શબ્દેશબ્દેમાં શુદ્ધ, સરસ્વતીના મહાન ઉપાસકનું ગૌરવ દિવસો સુધી ભૂલી શક્યા ન હતા. રાઘવ અજબનો નટ હતો. એ વેશ ભજવતાં પોતાની જાતને જ ભૂલી જ જતો.

પણ આ રાઘવ નાયકને પોતાના જમાનાનાં સંસ્મરણો કહેતો સાંભળવો એ જીવનની એક અનોખી જ મોજ હતી. એ વખતે એ જીવનની એવી એવી વાતો આપતો કે એ અતળ ઊંડાણમાં ક્યાંની ક્યાંથી આવે છે એ વિશેનું આશ્ચર્ય થઈ જતું ! એક અદ્દભુત રંગદર્શી પોતાના જમાનાનું સુંદર ચિત્ર ખડું કરીને જ્યારે કોઈક વખત એ કરુણ સ્મિત-છાંટથી એનો અંત લાવતો... 'અને એ સઘળું જ ચાલ્યું ગયું !' એમ હાથના એક અભિનયથી સર્વનાશની મુદ્રા કરતાં એ વાક્ય એ બોલતો, ત્યારે તો લાગે કે પોતાના જમાનાને જાણે એ પ્રત્યક્ષ ચિત્રમાં જોઈ રહ્યો છે ! એ આવી આપવીતી કહેતો ત્યારે જાણે પળેપળે એ જીવન ફરીને જીવી રહ્યો હોય તેમ લાગી આવતું !

રાઘવની વહુ ફલકુ તો માયાળુ ને પ્રેમાળ હતી. અને રંગભર્યા જીવનની પણ અજબ શોખીન હતી. નાટક તો હંમેશાં જોવા આવતી. પણ જ્યારે રાઘવ નાયક મુખ્ય પાઠમાં આવવાનો હોય ત્યારે તો એ બનીઠનીને આવતી. અને રાણીવેશ સિવાય બીજા વેશમાં ભાગ્યે જ કોઈએ જોઈ હશે. પણ જેવી એ શોખીન, રંગદર્શી અને રસીલી હતી, તેવી જ બુદ્ધિમાં કાંઈક મંદ હતી. એનો લાડભર્યો પ્રેમ મૂર્ખાઈની પરિસીમા ઉપર અટકતો. એનું પરિણામ રાઘવને સહન કરવું પડ્યું. પોતાના જે એકના એક છોકરા ઉપર એણે આ અજબ જેવી કલાનો તંતુ ચાલતો રાખવાનો મનસંકલ્પ કર્યો હતો. અને જે વાત એને જીવનમાં જીવનથી પણ જાણે પ્યારી હતી, તે વાતમાં જ એ માર ખાઈ ગયો. એનો છોકરો નંદજી - એને સૌ લુહામણા નામે નંદજી કહીને બોલાવતા, ને પછી એ જ નામ થઈ ગયું હતું - એનો છોકરો નંદજી સત્તર વર્ષની વયે 'એક દાન દસ' ગોખતો ગયો ને 'માસ્તર' ત્રણ કલાક ભણાવવા આવતા છતાં એને એ પણ યાદ રહેતું ન હતું. ફલકુ કહેતી કે માસ્તરો બધા ભણાવવા આવતા નથી, પણ નાટક જોવા માટે જ આવે છે, નહિતર નંદજીને આટલું ન આવડે એવું હોય? એ શું કાંઈ ઠોઠ છે? ને ઠોઠ હોય તો આટલાં બધાં ગાયનો એને ક્યાંથી મોંએ હોય?

નોકરિયાત ને આસપાસ ફરવાવાળા પણ નંદજીનો જ પક્ષ લેતા. એટલે પાંચ-પંદર દિવસે માસ્તરો બદલાતા રહેતા ને નંદજી તો હતા ત્યાં ને ત્યાં જણાતા !

નંદજીને આંક ને વાચન કાંઈ ન આવડે એનો પણ રાઘવ નાયકને બહુ અફસોસ ન હતો. પણ નાટકની રંગભૂમિમાં પણ એ એવું કઢંગું. ભયંકર અને બેહૂદું અનુકરણ કરતો કે સૌ એને સાંભળીને હસી પડતા ! સૌને લાગતું કે આ ભાઈ નાટકભૂમિમાં ઊતરશે ત્યારે બાપનું નામ બોળશે! પણ અજબ જેવી વાત હતી કે ફલકુને એ એમ જણાતું ન હતું. એ માનતી કે છોકરો બાપની ધાકને લીધે ખીલી શકતો નથી, બાકી જ્યારે ખીલશે ત્યારે એ જ ખીલશે!

પણ પ્રેમની આ ગાંડી ફિલસૂફીએ નંદજીને મૂરખ રાખ્યો. અને પોતાના છોકરાની સૌ જાણી જોઈને નાનમ કરે છે એ જોઈને ફલકુને આકરી ને આકરી રાખી. અને રાઘવ નાયકને સ્વપ્નના ભંગાર વીણનારો હતાશ આદમી કરી નાખ્યો !

અજબ જેવો નટ, જે જીવનના અંતરંગે અંતરંગને રંગભૂમિ ઉપર સજીવન કરીને, હજારોને હસાવતો, રડાવતો, ઉશ્કેરતો, મોહ પમાડતો, મૂરખ બનાવતો, ડાહ્યા બનાવી દેતો, વેરાગી કરી નાખતો, રાગમાં ગાંડા કરી દેતો. બોલમાં ઘેલા બનાવી દેતો, એવો અજબ જેવો નટ, પોતાના કુટુંબજીવનનાં માત્ર ત્રણ જ પાનાં બરાબર બંધ બેસારી શકતો ન હતો, અને છેવટે બંધ બેસારી શક્યો નહિ અને એને પરિણામે એ જીવન જીવી તો ગયો, પરંતુ એના મનથી એ હારી ગયો ! વિચિત્ર ઘટના ! લાગે કે માણસ પરિસ્થિતિનો સ્વામી છે અને છતાં દાસનો દાસ છે !

રાઘવ પોતાનાં એ સંસ્મરણોની કથા જ્યારે કહેતો ત્યારે સાંભળનારા સૌ એકચિત્ત થઈ જતા. રાઘવ નાયકને મેં એમ ઘણી વખત ત્યાં બેસીને સાંભળ્યો હતો. એને સાંભળતાં જ લાગતું કે એ પળેપળે પોતાનું અનોખું જીવન જીવી રહ્યો હતો. અને એની ચારે તરફ વહી રહેલો દુનિયાનો મહાગંભીર નાદ તો એની ચિત્તસૃષ્ટિમાં જાણે ક્યાંય સ્થાન જ પામ્યો નથી ! કેવો અજબ આદમી ! કેટલો ડાહ્યો અને કેવો ગાંડો ! પણ દુનિયામાં ડાહ્યાં અને ગાંડા એવા મિશ્રણવાળા માણસો જીવી શકે છે. નથી જીવી શકતા કાં કેવળ ગાંડા, કાં કેવળ ડાહ્યા ! એ બિચારા પોતાના વિશિષ્ટ જીવનમાં પોતે ખલાસ થાય છે. ને લોકોને તો એક જોણું વધારે મળે છે... એટલું જ !

એક વખતની વાત છે. શિયાળાની ઠંડી કાતિલ રાત્રિઓ ચાલતી હતી અને ગામમાં કોણ જાણે ક્યાંથી એક નાટક કંપની ટપકી પડી હતી. એના લપેડા લગાવેલા છોકરાઓ ગામમાં ફરવા નીકળતા ને રંગભૂમિનું આકર્ષણ જમાવી રહ્યા હતા. એ વખતે ઘણું કરીને એમણે પોતે જ પ્રગટ કરેલું કોઈક રાજાનું નાટક નાખ્યું હતું. એ નાટકનું આકર્ષણ થયું એટલે એ લોકો તો રહી ગયા. ને એક પછી એક નાટક માંડ્યાં.

એમાં નાટક કંપનીએ કોણ જાણે કઈ રીતે વીર વિક્રમનું નાટક નાખ્યું. વીર વિક્રમનો પાઠ તો રાઘવ નાયકનો ભજવેલો જોનારા અનેક માણસો હજી ગામમાં હતા. એટલે એ નાયક પડ્યું ને વખણાયું પણ ખરું. પણ અનેક માણસો બોલવા મંડ્યા કે વીર વિક્રમ તો એક જણો થતો, એના જમાનામાં, અને તે રાઘવ નાયક ! બીજા વીર વિક્રમ થાય તેમાં એ રંગ કોઈ દિવસ હવે આવે નહિ ! ગાદી ઉપર વીર વિક્રમ થઈ ગયો, ને નાટકની રંગભૂમિ ઉપર રાઘવ નાયક થઈ ગયો ! એ બતાવે તો આ લોક પણ જાણે કે આનું નામ રાજાપાઠ ! આ વીર વિક્રમ !

રાઘવ નાયકે આ સાંભળ્યું. ને એને પણ કોણ જાણે ક્યાંથી અજબ જેવું શૂર ચઢ્યું. એનો દેહ તો હવે જર્જરિત થઈ ગયો હતો. ફલકુ તો પછી પાછળથી જ્યારે એ પૈસાબેસા બધું ખોઈ બેઠો, ત્યારે કહેવાતું હતું કે ભાગી ગઈ હતી. અને એનો છોકરો નંદજી તો ગાંડાની જેમ ગમે ત્યાં રખડતો. એટલે રાઘવ નાયકને ઘર ગણો, બાર ગણો, વાતચીતનું ઠેકાણું ગણો, પ્રેરણાસ્થાન ગણો કે છેવટે વખત ગાળવાનું સ્થાન માનો, પણ તે આ દેવજીની હોટેલ જ હતી. એક સાંજે એ એમ બેઠો હતો ત્યારે ઘણાએ એને કહ્યું : 'રાઘવ નાયક ! એક વખત રાજા વીર વિક્રમ બતાવો. એક જ વખત ! એ આંખમાં બેસી ગયેલો વીર વિક્રમ અમારે ફરીને જોવો છે !'

રાઘવ દુઃખભર્યું મીઠું હસ્યો : 'અરે ભાઈ ! એ રંગત, એ જમાવટ, એ જમાનો, એ વાત, એ છટા, એ કાંઈ હવે આવે? એ તો એક સ્વપ્ન થઈ ગયું ! હવે ઊતરવું એટલે ફીફાં ખાંડવાનાં' અને પછી પોતાની લાક્ષણિક સર્વનાશની પેલી મુદ્રાનો હાથ અભિનય કરતાં ઉમેર્યું : 'એ બધું તો ગયું ! હવે એ પાછું ફરે?'

'રાઘવ નાયક ! કોઈ ફર્યું છે કે એ ફરે?' કોઈકે કહ્યું : 'પણ જીવતો જીવ છે, કોઈક વખત એ રંગતનો પડછાયો જોવાનું મન તો થઈ આવે. આજે એ વખત છે!'

રાઘવ નાયક કેટલીય વાર સુધી બોલ્યાચાલ્યા વિના આકાશ સામે જાણે કાંઈક જોતો હોય તેમ જોઈ રહ્યો : પછી દુઃખભર્યું મીઠું હસી પડ્યો : એનું એ દુઃખભર્યું મીઠું હસવું કોઈક વખત પોતાની એક એવી અનોખી કરુણછાંટ જાળવતું કે એ સાંભળતાં જ હૃદય હાલી ઊઠે! અત્યારે એ એવું જ કરુણ દુઃખભર્યું મીઠું હાસ્ય હસી રહ્યો હતો. પછી એ બોલ્યો : 'સૌને બહુ મન છે તો ભલે. આવતી કાલે આપણએ ઊતરીશું!' અને પછી સ્વગત બોલતો હોય તેમ એણે ધીમે શબ્દે ઉમેરુયં : 'જોવાવાળા તો અનેક હશે... પણ જોવાવાળી હવે ક્યાં છે? અને તેના વિના...' રાઘવ નાયકે વાક્ય પૂરું ન કર્યું. એનું ચિત્ત ઊંડેઊંડે જાણે કાંઈક શોધી રહ્યું હતું !

બીજે દિવસે જ્યારે ગામમાં ખબર પડી કે રાઘવ નાયક પોતે વીર વિક્રમનો પાઠ લેવાનો છે, ત્યારે ગામ આખું તો ઠીક, પાંચપાંચ દસદસ ગાઉથી લોકનાં ટોળેટોળાં પોતાના પ્રિય નટને જાણે છેલ્લી વખત જોઈ લેવાનો હોય તેમ દોડતાં આવ્યાં. સમય થયા પહેલાં જ આખો રંગમંડપ તો હકડેઠઠ ભરાઈ ગયો હતો. ક્યાંય એક તસુ જમીન પણ ખાલી ન હતી.

તે દિવસે રાઘવ નાયકે વીર વિક્રમનો જે પાઠ દર્શાવ્યો તે આજ પણ હજી આંખમાં જાણે વસી રહ્યો છે. ઉજ્જૈનનો અસલ પરદુઃખભંજની વીર વિક્રમ ત્યાં ઊભો હતો. ને એવી જ પરદુઃખભંજનની ગજબની વાર્તાનું આકર્ષણ જમાવી રહ્યો હતો. એના કાનમાં લાખોનાં કુંડળ લટકતાં હતાં. માથા ઉપર મહામૂલ્યવાન મુગટ હતો. આંખમાં અજબનું તેજ હતું. મુખમુદ્રામાં કાલિદાસ કવિની શ્લોકછાયા પથરાઈ ગઈ હતી. હાથમાં ઇંદ્રને શરમાવે તેવી સમશેર હતી. એનું જર્જરિત શરીર કોણ જાણે ક્યાંથી ઊડી ગયું હતું. વૃદ્ધાવસ્થા કોણ જાણે કેવી રીતે પીગળી ગઈ હતી. વદન ઉપરના દુઃખના ઘા ક્યાંયના ક્યાંય ધકેલાઈ ગયા હતા.

જમાનાજૂનો સંસ્કૃતયુગનો અસલ વીર વિક્રમ ત્યાં આવી ગયો હતો ! એની તેજસ્વી આંખ પ્રેક્ષકો સામે મંડાતાં તો આખી રંગભૂમિમાંથી તાળીઓની હેલી ઉપર હેલી વરસવા માંડી !

પણ એ અનુપમ દૃશ્ય છેલ્લું હતું. બુઝાતા દીપકની એ છેલ્લી જ્યોતિ હતી ! હજી તો જ્યાં તાળીઓના ગડગડાટનો પડઘો શમ્યો પણ ન હતો, લોકો એ પરદુઃખભંજની માત્ર વીર વિક્રમની આંખના આકર્ષણે જ, ઘેલા જેવા થઈ જવાની તૈયારીમાં હતા, ત્યાં કોણ જાણે શું થયું, રાઘવ નાયક મંચ ઉપર જાણે વીજળીથી ખેંચાતો હોય તેમ આગળ ખેંચાયો, ને કોઈ જાણે કેશું થયું છે, શું વાત છે, કોની સામે આ પ્રમાણે એ જઈ રહ્યો છે, તે પહેલાં તો એનો દેહ ઢગલો થઈને ત્યાં પડી જતો દેખાયો.

અને લોકનાં ટોળાં ઊઠીને મંચ તરફ દોડે તે પહેલાં તો એ બધાં હતાં ત્યાં જ સ્તબ્ધ થઈ ગયાં.

રંગભૂમિ ઉપર એક કૃશ. જર્જરિત, કંગાલ જેવી બાઈ દોડી આવી હતી. તે ત્યાં હીબકાં લેતી બેસી ગઈ હતી. રાઘવ નાયકના માથાને ખોળામાં લઈને છૂટે મોંએ હૃદયફાટ રુદન કરી રહી હતી.

મારી પાસે ઊભેલો કોઈ જૂનો જોગી અચાનક મોટેથી બોલી ઊઠ્યો : 'અરે ! આ તો એની ફલકુ ! આજ એની ફલકુ ક્યાંથી આવી ગઈ?'

રાઘવ નાયકનું એ છેલ્લું દૃશ્ય જોવાનું મહાભાગ મને મળી ગયું. એ હજી પણ ભૂલ્યું ભુલાતું નથી ! કદાચ કોઈ દિવસ ભુલાશે પણ નહિ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.