એક ટૂંકી મુસાફરી
(વાર્તાકાર: ધૂમકેતુ)
આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારેતરફ પાણીપાણી જ થઈ રહ્યું, અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળાં મારતા સરોવર જેવો થઈ રહ્યો : ગામની બહાર નીકળીએ એટલે ચારેતરફ જાણે મહાસાગર ભર્યો હોય તેવો દેખાવ નજરે ચડે. આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું વિતાવ્યું. બરાબર ચૌદ માઈલ ઉપર સ્ટેશન હતું અને ત્યાંથી પણ ગાડી ચાલુ નહિ થયેલી, એટલે બીજા વીસ માઈલ ચાલવાનું હતું. જેમ તેમ કરીને દેવા રાવળને મનાવ્યો, અને તેણે સાંઢ લઈને સ્ટેશન સુધી આવવાનું કબૂલ કર્યું. ત્યાર પછીની મુસાફરી જોઈ લેવાશે એમ આકાશી આધાર રાખી લીધો.
સવારે સાતે દેવાને ઘેર પહોંચ્યો, ત્યારે એ હજી નિરાંતે સૂતો હતો. તેને ઊઠાડ્યો. ‘મારાથી તો નહિ અવાય, સાથી આવશે,’ એમ કહીને એ તો પાછો સૂઈ ગયો. હજી વિચાર કરું છું કે શું કરવું, એટલામાં બરાબર સાડાચાર ફૂટ લાંબુ, જાડું, ટૂંકા હાથ-પગવાળું, બેઠી દડીનું એક મનુષ્ય દેખાયું : જાડા ટૂંકા વાળ, ઉઘાડું શરીર અને મોટા નસકોરાંથી શોભતું તે છેક પાસે આવ્યું.
‘લ્યો ચાલો, તૈયાર જ સો નાં ?’
ગુપચુપ સામાન મૂક્યો. સાંઢ પર કાઠું મુકાયું, ને એ પડ્યા કે મર્યા એમ કરતુંકને, પોતાના શરીર જેટલી જ કઢંગાઈનું ઊંટ બેઠું થયું. દેવાએ સૂતે સૂતે કહ્યું : ‘એલા ધ્યાન રાખજે, શેઠ પડે નહિ ને સાંઢ ફસાય જાય નહિ.’
‘હવે એમ તે ફંહાય ? અમેય જન્મારો કાઢ્યો સે કે વાતું ?’ એમ બોલતાંકને આ ટૂંકા માણસે ઊંટ હાંકી મૂક્યું.
થોડેક ગયા એટલે એણે વાત ઉપાડી : ‘ઈ તો દેવાને મારું કર્યું નો કર્યું કરવાના હેવા સે. બાકી મારી બોન બધુંય હમઝે એવી સે તો !’
ખાસ અતિશુદ્ધ બોલવાના આગ્રહમાં કેટલાક અતિપંડિતો અતિ અશુદ્ધ બોલે છે. તેમ આ ઊંટ પરનો સજ્જન પણ, પછી પોતે શુદ્ધ ભાષા બોલે છે એમ બતાવવા માગતો હોય કે ગમે તેમ, પણ ગામડિયાની જાતમાં પણ નથી એવો ‘હ’ ને ‘સ’ નો ક્યારેક ‘ચ’ ને ‘છ’ નો વિચિત્ર રમૂજ મેળ કરવા લાગ્યો. વરસાદના જરાજરા છાંટા પડવા લાગ્યા એટલે તેણે કહ્યું : ‘સેઠ ! ભો રાખસો મા હો. હા. તમતમારે ‘ચત્રી’ ઉઘાડવી હોય તો ઉઘાડજો ભઈ ! સાંઢનો ભો રાખહો મા. મારો હાથ વરતે તો.’
એ જ વખતે જરાક ઉતાવળે ચાલતાં, સાંઢનો પગ એ ગયો, એ ગયો એમ થઈ ગયું.
‘તમારે દેવો શું થાય ?’
‘કેમ વળી ? દેવાના ઘરમાં મારી બોન સે તો. દેવામાં શું અકલેય બળી સે; મારી બોન જ બધુંય હાચવે કારવે.’
‘એ…મ?’
‘તંઈ !’
એટલામાં નીચે ચીકણો કાદવ આવતાં સાંઢનો પગ ફરી વાર સર્યો અને એક તરફથી વાડામાં ‘જોયાં. કંટોલાં?’ એમ કહીને મને તે કંટોલાંનો વેલો બતાવવા ગયો ત્યાં સાંઢ વાડના વેલા જ ખાવા માંડી ને વાડમાં જ પેસવા માંડી. એને જોર કરીને તે હાંકવા ગયો એટલે સાંઢ ગાંગરવા માંડી, ને ત્યાં ગોઠણપૂર પાણીમાં જ ઝૂકાવવાનો સદાગ્રહ શરૂ કર્યો. છેવટે તે ચાલી તો ખરી, પણ સેવકનું ખાસ્સું અરધું ધોતિયું વાવટાની જેમ કેરડાના છોડ પર લટકતું રહ્યું અને એનો અફસોસ પણ કરવાનો વખત મળે તે પહેલાં ‘ઓ-ય-રે!’ કરીને, જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમ તે અરધો ઊભો થઈ ગયો. નીચે જમીન પર કાળો સોયરા જેવો એક સર્પ ફૂંફાડા મારતો ચાલ્યો ગયો.
‘સાંઢને નો ડગવા દઉં હોં; મારો હાથ વરતે તો. દેવાને હાથ નો રિયે.’ એમ કહીને તેણે સાંઢ હંકારી. હવે આ સદગૃહસ્થનું મુબારક નામ જાણવાની ઈચ્છાથી મેં પૂછ્યું : ‘તમારું નામ ?’
‘મારું નામ કાળો.’
‘એમ કે કાળાભાઈ…. તમે આ ધંધો –’
હું કાંઈ વધુ બોલું તે પહેલાં તેણે કહ્યું : ‘આ સાંઢ મારો હાથ બહુ વરતે તો. દેવાને હાથ નો રિયે.’
‘હા પણ કાળાભાઈ….’
પૂરું વાક્ય જ ક્યો ભાઈ થાવા દે ? સવાલ પુછાય તે પહેલાં તો કાળાની જીભ છૂટી : ‘મારા ફઈએ તો મારું નામ કચરો પાડ્યું’તું. હું નાનપણમાં બહુ રૂપાળો હતો – ઈ તો હવે બહુબહુ દખ પડ્યાં.’
‘ના પણ કાળાભાઈ. તમે અત્યારેય કાંઈ ઓછા રૂપાળા નથી તો !’
અબનૂસના લાકડા જેવો કાળો ચળકતો વાંસો, કોઈ ચિત્રકારને ‘બ્લૅક’ નો કે ‘શિલહુટ’ નો બહુ શોખ હોય તો ખપ આવે તેવો, મારે સ્ટેશને પહોંચતા સુધી, ભાવિક ભક્તની જેમ એકી નજરે જોવાનો હતો; એટલે મેં શ્રદ્ધાથી કાળાભાઈના વાંસાની તારીફ કરી. ‘ના, પણ તોય, હવે ઉંમર થઈ ગણાય. તમે કેટલાં વરહ ધારો સો ?’
મેં પાંચ વરસ ઓછાં કહેવા ધારેલું, પણ કળિયુગ કર્મયુગ કહેવાય છે તેથી, કે ગમે તેમ, હું જવાબ આપું તે પહેલાં સાંઢનો પગ સર્યો ને લગભગ ગોઠણભેર થઈ જાશે તેમ લાગ્યું. પણ જ્યારે જ્યારે સાંઢ જરાક થડકે ત્યારે ‘સાંઢ મારો હાથ વરતે તો, દેવાને હાથ નો રિયે’ – એટલું અચૂક બોલવાનો કાળાનો નિયમ લાગ્યો.
હવે આને બહુ વાતોએ ચડાવવો નહિ, કારણકે એના મનમાં એની આવડતની રાઈ ભરી છે, અને દેવાના કરતાં પોતે હોશિયાર છે એ વારંવાર સિદ્ધ કરવાની એને ટેવ લાગે છે, માટે ચૂપ જ રહેવું, નહિતર જો સાંઢ ફસાઈ ગઈ, તો નીચે ઊતરવાનો વખત પણ નથી રહેવાનો. ત્રણ દિવસ પહેલાં જ આવી રીતે સાંઢ ફસાઈ પડતાં, એક વાણિયાનું હાડકું ભાંગ્યાના સમાચાર હતા. એટલે મેં તો અરધું ધોતિયું ગયા વિષે મનમાં ને મનમાં કરુણપ્રશસ્તિ શરૂ કરી, ત્યાં તો કાળો બોલ્યો :
‘આ ગામ આવ્યું ઈ રોડું.’
‘હં.’
‘ન્યાં મારી માશી રિયે સે. એણે મારું નામ પૂંજો પાડ્યું તું. ઈ તો પછી મારી ફઈએ ફેરવ્યું કે ના, પૂંજો નથી સારું, કચરો પાડો.’
‘કાળાભાઈ ! દેવચંદ શેઠનું હાડકું ભાંગી ગયું, એમ ?’
મારું ધ્યાન હવે તો કાળો સાંઢ ઉપરથી નીચે પાડે નહિ એ ઉપર જ ચોંટ્યું હતું. એટલે ત્રણ દિવસ પહેલાંનો બનાવ સંભારી તેને સાવચેત રહેવા માટે કહેવું હતું, ત્યાં તો કાળાએ જવાબ વાળ્યો :
‘તે નો પડે ? શું ભૂરા રાવળે બાપદાદે સાંઢો રાખી છે ? મારા બાપને ત્યાં તો પંદર સાંઢ. અમારો તો પંદર પેઢીનો ધંધો.’
‘માર્યા. એ….ગ…યા….’ મારા મોંમાંથી નીકળી ગયું. સાંઢનો પગ શેવાળવાળી જમીન પર આવી ગયો હતો ને સરતો સરતો લાંબો લસરતો કરતો સરતો જ ગયો. ગોઠણ હેઠે દબાયેલી લાકડી તો નીચે પણ જઈ પડી હતી.
‘તમે શું કરવા ભો રાખો સો ? આ સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો એને નો ગાંઠે.’
‘હં.’ મેં બહુ જ ટૂંકો અને તે પણ મંદ સ્વરે જવાબ વાળ્યો. હવે કાળાભાઈ સાથે વાત કરવાની હોંસ પૂરી થઈ હતી. હવે તો જો હેમખેમ સ્ટેશન ભેગા કરે, તો પછી એને બે વેણ કહેવાનું મન થઈ ગયું હતું. પણ, અરે રામ, આ કાળાભાઈએ ફરી શરું કર્યું.
‘હું પહેલા તો ગધેડામાં જાતો. અને મારો મોટો ભાઈ સાંઢ સાચવતો. પછી મારા કાકાએ મારા બાપને કહ્યું કે, સાંઢ્યુંમાં ભીખલાને મોકલો, ભીખલાને.’
માર્યા. મારાથી રહેવાયું નહિ : ‘ભીખલો કોણ ?’
ભાઈશ્રી કાળાભાઈ હસ્યા : ‘મારો કાકો વળી મને ભીખલો જ કહીને બોલાવતો. હું નાનો હતો તઈં બહુ રૂપાળો, એટલે મારી કાકી તો મને તેડીને જ ફર્યા કરે, હો !’
‘એમ કે ?’
‘ને હું એની પાસે રોટલો માગું એટલે પછી મારું નામ ભીખલો પડ્યું.’
મારા મનમાં શંકા ઊઠી કે આવા રૂપાળા ‘ભીખલા’ ભાઈનું ‘કાળો’ નામ શી રીતે પડ્યું અને સેવકને વ્યાકરણવ્યુત્પત્તિ સાથે ખૂબ વેર, એટલે કોઈ રીતે ‘ભીખલો-કીકલો-કીલો-કાલો’ એવાં રૂપાંતર હૈયે ચડે નહિ. એટલે શંકા પ્રબળ થતી ગઈ. પણ એટલામાં થોડે દૂર ચીકણા કાદવનો ખાડો અમારા રસ્તામાં જ આવતો દેખાયો એટલે એ શંકા શમી ગઈ. ‘કાળાભાઈ ! જોજો હો, કાદવ આવે છે.’
‘અરે, સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો કાંઈ કહેવાય નહિ.’
એટલામાં ઈશ્વરના ધામ જેવું સ્ટેશન દૂરદૂરથી દેખાવા લાગ્યું.
‘કાળાભાઈ ! આપણો મારગ તો આ જ કે ?’
‘અમારે તો આ જમીન પગ નીચે નીકળી ગઈ છે – હો. જો ને – આઘે જાળનું ઝાડ દેખાય.’
‘હા.’
‘આ ઈ મારા દાદાનું ખેતર. અમે કાંઈ મોળા નહિ હો. ઈ તો હવે એવો દી આવ્યો. નકર આ દેવો છે નાં, ઈ તો મારે ત્યાં કામ કરતો હોય. અને હજીયે મારી બોન જ બધુંય જાળવે છે.’
‘એમ કે ?’
‘તંઈ ! આ જાળ દેખાય છે નાં, ન્યાં, હું ગધેડાં ચારવા આવતો. તે દી અમારે ત્યાં બે ત્રણ સાંઢ પણ ખરી.’
મનમાં વિચાર્યું કે માર્યા, હવે કાળો છાનો રહેવાનો સંભવ નથી.
‘એ ભાઈ, હું જાઉં ને ત્યાં એક રાવળની છોકરી હંમેશા ખાડું લઈને આવે.’
હરિ ! હરિ ! હવે કાળો પ્રેમકથા કાઢશે ને કદાચ સાંઢનો પગ લસર્યો – કારણકે સાંઢને ચોમાસામાં હાલવું એ તો મરવા જેવું લાગે ને રેતી માટે નિર્માણ થયેલા પગ કાદવમાં તો ડગલે ને પગલે સરકે. તેમાં જો જરાક હાંકવાવાળો મોળો હોય તો સાંઢ ધબ દઈને નીચે જ પડે, ને તે પણ બેસનારના ઉપર જ પડવાનો સંભવ; એટલે કાં તો આજે આપના રામ રમવાના છે. પણ હવે થાય શું ? સ્ટેશન આવે તો એને બે વેણ કહેવાય.
કાળાએ તો આગળ હાંક્યું : ‘પછી ભાઈ, હું એ વખતે જુવાનીમાં ને છોકરી પણ જુવાન. એનું નામ કાળી. તે હંમેશાં ખાડું ચારવા આવે. ને અમે બેય જણાં – આ તળાવ દેખાય છે નાં – ન્યાં બેઠાં બેઠાં વાતું કરીએ. કાળી પોતાના ઘાઘરાને ભરત ભરે ને હું મારી નાડી ગૂંથું. એમ કરતાં કરતાં અમારો જીવ એક થઈ ગયો. પણ પછી અમારો દી ઊતરતો આવ્યો. એટલે કાળીનું તો મારા ઘરમાં બેસવાનું મન બહુ, પણ એનો બાપ ઝેર ખાવા તૈયાર થયો. અને કાળીને કહ્યું કે જો તું મારું નો માને તો હું મરું. મને સાંભરે છે કે બીજે દિવસે કાળી ખાડું ચારવા આવી ત્યારે ઈ ઝાડ – જો, પેલુ દેખાય ઈ – ત્યાં રોઈ; અને મને બધી વાત કરી. ‘મેં તો કહ્યું, હાલ્ય ને પરદેહમાં હાલ્યાં જઈ : ન્યાં કોણ ભાવ પૂછે ?’
પણ કાળીએ કહ્યું, ‘ના, મારી મા મરી ગઈ, ને અમારામાં તો નાતરું-આછું-પાતળું મળી જાય તોય મારે બાપે કહ્યું હતું, કે ના ભાઈ, હું બીજું ઘર કરું ને મારી દીકરી દુ:ખી થાય એ મારે નો જોઈ. મારે બાપે એટલું કર્યું ને આજ હું હવે નગણી થાઉં ?’
‘તઈં, તારા જીવ મારી હારે ભાળ્યો નથી નાં ?’ મેં પૂછ્યું.
કાળીએ જવાબ વાળ્યો : ‘તારી હારે મારો જીવ ચોંટી ગયો છે. પણ મારે બાપે મારા સાટુ આટલું વેઠ્યું ને હું હવે નગણી થાઉં તો મનખાદેહ લાજે.’
‘પછી મન મૂકીને અમે રોયાં. છૂટાં પડ્યાં ઈ પડ્યાં. આ આજની ઘડી ને કાલનો દી. તે દીથી કાળીને મેં ધરમની બોન માની. ને મારું નામ પણ પછી કાળો પડી ગયું. તી બીજી બાયડી, માતર માટે હરામ, લ્યો. બે પૈસા થાય તો કાળીને કાપડું કરવાનું. એનો જીવ તો આપણી હારે જ ભળ્યો તો, પણ ધરમ મોટી વાત છે નાં ? આ દેવાના ઘરમાં છે કે નહિ, એ જ મારી ધરમની બોન… કાળી !’
‘હેં !’
‘હા.’
‘ત્યારે દેવો તમારો સગો નથી એમ ?’
‘ના. પણ કાળી મારી ધરમની બોન છે. હજી ઠેસણે જાવું હોય ને ગાડું જોડીને નીકળીએ તો ઝાડ આવે ત્યારે પાછા ઈ દી સાંભરી આવે. પણ કાંઈ ધરમ-વરત ચુકાય ?’
દૂર દૂર સ્ટેશન દેખાવા લાગ્યું અને કાળો પણ કાંઈક વિચારમાં પડ્યો હોય તેમ ગુપચુપ થઈ ગયો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર