એક નાની પળ
(વાર્તાકારઃ ધૂમકેતુ)
પગી માવદાન રાતના નવ વાગે એટલે વિશાળ બંગલાના કંપાઉન્ડને ચારે તરફ ફરતો એક આંટો મારી આવે. પછી દરવાજો બરાબર દેવાયો છે કે નહિ તે જોઈ આવે. અને પછી એક ઠીબડાની સગડીમાં થોડો દેવતા હોય, ને એમાં એક બે નાનકડા લાકડાના કટકા મૂક્યા હોય, તેને સંકોરે. ધીમે ધીમે તાપ થાય, એટલે એ બેઠો બેઠો ત્યાં ભજન લલકારે. ભજન એનો જીવનરસ બની ગયો હતો. અને અજ્ઞાત રીતે એ ભજનો પણ એને ઘડી રહ્યાં હતાં. એનો કંઠ ભારે મિઠ્ઠો, ઘૂંટાઈ ઘૂંટાઈને એવો ઘાટીલો બની ગયેલો કે, પોતે સંગીત-બંગીતમાં કે રાગમાં કાંઈ સમજે નહિ, છતાં એના ગળામાંથી જ્યારે ભજન છૂટે. ત્યારે બે ઘડી તો માણસ ડોલી જાય. એ ભજનિક બની ગયો હતો. રાતની ચોકીએ એને ભજનિક બનાવી દીધો હતો. એની કેટલીક બીજી ખાસિયતો પણ એણે આ નોકરીને અંગે ઘડી કાઢી હતી. એવા એના નિત્યના સાદા જીવનવ્યવહારે એનું જીવન ઘડ્યું હતું, એમ કહી શકાય.
સવારમાં એ અચ્છેર લોટનો બાજરીનો એક ટીકડ બનાવી કાઢે, ને શાક કરે. આગલી સાંજે દૂધ મેળવ્યું હોય, એની એક છાલિયું છાશ. બસ, સવારનું એનું ભોજન કામ પતી જાય.
સાંજે એક ભાખારી, અને અચ્છેર કે પોણો શેર દૂધ.
આ એનો હંમેશનો ક્રમ. એમાં કોઈ દિવસ ફેરફાર નહીં. કોઈ એની મેળે બંગલામાંથી કાંઈ આપી જાય તો ભલે, બાકી પગી માવદાન પોતાના પગાર સિવાય, બીજી કોઈ આશા કદી રાખે નહિ. એ એના સ્વભાવમાં જ નહિ.
રાતના નવ વાગે એને ભજન ગાતાં સાંભળવો. એટલે જાણે ભક્તિરંગમાં ડૂબી જવું. એ બેઠો બેઠો ભજન લલકારતો જ હોય :
ગરવ કર્યો સોઈ નર હાર્યો,
સીયારામજી સેં, ગરવ કર્યો
સોઈ નર હાર્યો.
એનો એ પ્રલંબ મધુર અવાજ હવામાં ફેલાતો રહે. અને રાતના દસ, અગિયાર, બાર એમ ટકોરા પડતા રહે. દોઢ બે વાગે એ જરાક ઝંપે. પણ એની નીંદર એ કાગાનીંદર, જરાક સંચળ થાય કે એણે ખોંખારો ખાધો જ હોય, ડાંગ સમારી હોય, અને 'ગરવ કર્યો'ના મિઠ્ઠા ભજનનો અવાજ પાછો હવામાં ફેલાઈ રહે.
એની જરૂરિયાત, એણે ઓછામાં ઓછી રાખેલી. એને લીધે એને જીવનમાં એક જાતનો સંતોષ પણ આવી ગયેલો. એનાં બૈરાંછોકરાં ચાર પાંચ ગાઉ છેટે, ગામડાગામમાં રહેતાં. ત્યાં પસાયતું પડું હતું. એ સંભાળતાં ને વારે તહેવારે આવી ચડતાં. એના ટૂંકા પગારને આ ઠીક ઠીક ટેકો હતો. કદાચ જીવનની જીવાદોરી હતી.
આમ પગીનો સંસાર નભતો જતો હતો. એને બીજું કોઈ વ્યસન ન હતું. બહુ ઝાઝી લપનછપન ન હતી.
પણ ધીમે ધીમે મોંઘવારીની આકરી ભીંસ એને પણ હવે લાગવા માંડી હતી. એના મનમાં મૂંગો ને મૂંગો સવાલ થતો હતો કે આમ આ બધું ક્યાં સુધી નભશે? ક્યાં સુધી ચાલશે?
આ પ્રશ્ન એનો એકનો ન હતો. હજારો ને લાખોનો હતો. પણ એનો કોઈ જવાબ કોઈ પાસે ન હતો, સિવાય કે થોડાંક સમજ્યા વિનાનાં ગોખેલાં ભાષણો, બનતા સુધી અંગ્રેજીમાં આપેલાં, કે જેનો એક અક્ષર પ્રજાનો પા ટકો પણ સમજે નહિ ! આ ભયંકર ગોખેલી 'ડિમોક્રસી' એ એનો જવાબ ! પગી પણ આમાં કાંઈ સમજતો નહિ. પણ મનમાં ને મનમાં ભજન લલકારતો. અને સવાલ-જવાબ બન્નેને ભૂલી જતો. બીજો કોઈ માર્ગ એને દેખાતો ન હતો. આટલાં વર્ષે બીજો નવો ધંધો હાથ પણ ક્યાંથી કરે?
પણ છોકરાને નિશાળમાં હવે પૈસાની જરૂર હતી. ચોપડીઓ, ફી, એ ખરચ આકરું હતું. ઘર પડે તેમ હતું. વરા માથે લટકતા હતા. એને પોતાનો સંસારભાર વધતો જણાતો હતો. અને જીવનબળ ઘટતું જતું હતું. બે વરસ પછી તો કદાચ, આ નોકરી પણ ન હોય. વર્ષો થયાં જે એકધારી શાંત હવામાં એ રહેતો હતો, એ હવા જ હવે જાણે ફરી ગઈ હતી. કોઈ એવી હવા ફેલાઈ ગઈ હતી કે જાણે માનવને ભરખી લેવા માટે, એ તરસી હોય ! છતાં માવદાન ધીમે ધીમે પોતાનું ગાડું ગબડાવ્યે જતો હતો.
ખૂબી આ હતી, જ્યાં એ ચોકી કરતો, છેલ્લાં લગભગ પચીસ-ત્રીસ વર્ષ થયાં, ત્યાં પણ કોણ જાણે શું થયું હતું. માણસો. તીરરસમ, વાતચીત, વ્યવહાર, બધાં જ બદલાઈ જવા માંડ્યાં હતાં.
તે પહેલાં તો ત્યાં - ચોકીદાર માવદાનની પણ જરૂરિયાત, સારેનરસે પ્રસંગે કાંઈક હોય જ, એમ વગર કહ્યે સમજનાર માણસો હતા. હવે કોણ જાણે શું થયું હતું - "ક્યાં મફત કામ કરે છે? આપણેય ધારાધોરણ પાળવાં પડે છે નાં?" એવી કાયદા વાત આવી ગઈ હતી. એનું કારણ સ્પષ્ટ હતું. માનવ સંબંધો સુધારનાર કાયદાએ પહેલું કામ જ આ કર્યું હતું. માનવને જ મારી નાખ્યો હતો ! કારણ કે કાયદો કરનારા, કેવળ ગોખણપટ્ટીના માણસો હતા. એમાં ભાગ્યે જ કોઈ જીવનનો - દેશજીવનનો - આદમી હતો.
એક વખતની વાત છે. માવદાન પોતાને ઘેર ગયો હતો, બૈરાંછોકરાંની ખબર કાઢવા. પોતે ચોકીદાર હતો, એટલે ખેતર તો એણે અરધિયાણ ખેડવા માટે આપ્યું હતું. એ જૂની રીતરસમ પ્રમાણે કામ ચાલતું હતું. પણ એણે જોયું કે એનું ખેતર ખેડનારો માણસ, જે એનો દૂરનો સગો પણ હતો, તે આજ દિવસ સુધી પાંચ પાલી કઠોળ પાક્યું હોય, તો અઢી પાલી ઘેર આવીને વગર કહ્યે પહોંચાડી જતો હતો. તે માણસ પણ મનમાં માનતો થઈ ગયો હતો કે, આ માવદાન મારી રહેમ ઉપર જીવે છે! હમણાં જો હું કાંઈક આડોઅવળો જવાબ આપું. તો એ રખડી પડે ! આ બુદ્ધિ, એને બુદ્ધિહીન કાયદાઓએ આપી હતી અને ચારે તરફની હવાએ એ દૃઢ બનાવી હતી. માવદાને જોયું કે, પોતાના ગામમાં જે થોડી ઘણી પ્રીતહવા જીવતી રહી હતી, અને જે સુધારવા માટે, એ ગામનાં માણસોને જ ભેગાં કરીને, સંસ્કાર બંદોબસ્ત કરવાની પહેલી જરૂરિયાત હતી, એને બદલે આ અર્ધદગ્ધ એવો અક્કલ વિનાનો માર્ગ આવ્યો હતો કે, માણસમાત્રના દિલમાં દિલચોરી ઊભી થઈ ગઈ હતી. અને વધુમાં તો જાણે ધરતી પણ દિલચોરી કરવા માંડી હતી !
પણ જ્યારે માવદાને પોતાના નાનકડા ગામમાં પણ, શઠના શઠ જેવા માણસોને સેવાના સ્વાંગ નીચે, અનેક સાચાંખોટાં, નાનાંમોટાં, સરકારી, અર્ધસરકારી, કામના ઓઠા નીચે, સિફત ભરેલી લૂંટમાં સંડોવાયેલાં જોયાં, ત્યારે તો એનું હૃદય તદ્દન ભાંગી ગયું. જીવનમાં એનો વિશ્વાત ઊઠી જતો હતો. અને આ જેવીતેવી ભયંકર ખીણ ન હતી. એણે જોયું કે એનું આખું ગામ આ ખીણમાં પડ્યું હતું. તે દિવસે સાંજે, એ ગામના જૂના જાણીતા પ્રતિષ્ઠિત, પોતાની હિતસ્વી, એવા એક મુખ્ય માણસને મળવા ગયો. એના માટે નાનપણથી જ એના દિલમાં એક એવો અચળ વિશ્વાસ બેઠો હતો કે, મેરુ ડગે તો ભલે, પણ આ માણસ ન ડગે. એને એ મળવા ગયો. નાનકડા ગામડામાં તો કાયદો નહિ, આ વિશ્વાસ, આ હવા, આ સાદી સમજણ જ, બધાને જાળવી રહી હતી. અને ભલે કોઈને કોઈ દુર્જન, એ હવાને ન માને, છતાં સર્વવ્યાપક, અને સસ્તો અને સહજ અને તત્કાળ અસરકારક તો એ ઉપાય હતો - સંસ્કાર મર્યાદાનો પણ એ તૂટ્યા પછી તો હવે દરેક માણસ લોભમાં પડ્યો હતો. પગીએ જોયું કે આંહીં પણ હવે ક્યાંય અગાઉની સાદાઈ કે સલૂકાઈ દેખાતી ન હતી.
અને એ નવાઈ પામી ગયો. જેમને એ મળવા આવ્યો હતો તે ભાઈ બહાર આવ્યા. પણ એણે એની સાથે ઉપરટપકેની જ વાત કરી. માવદાનનું મન ભાંગી ગયું. તે થોડી વાર પછી ત્યાંથી બેઠો થઈ ગયો. એણે જોયું કે સામાન્ય માણસની સામાન્ય મુશ્કેલીનો કોઈ જ માર્ગ કોઈની પાસે ન હતો. બધાની પાસે ઉપદેશ હતો. અને તે પણ નકારાત્મક. બીજાએ પાળવાનો, પોતાને નહિ.
(2)
બીજે દિવસે માવદાન પાછો પોતાની ચોકીદારી ઉપર હાજર થવા માટે ઘર-આંગણેથી નીકળવાનો હતો. એનો સાથ લઈને એક ગાડું પણ નીકળવાનું હતું. ગાડામાં પેલા જ પ્રતિષ્ઠિત ભાઈની દીકરી પણ સાસરે જવા માટે નીકળવાની હતી. માવદાન જેવો સાથ હતો. એટલે એમણે પોતે જ માવદાનને બોલાવીને કહ્યું હતું કે, તું સાથે છો. એટલે વાંધો નથી. બાકી હમણાં ગાડામાં એકલા નીકળવા જેવું રહ્યું નથી. બધેથી જાણે માણસાઈએ વિદાય લીધી છે. પણ ખૂબ આ હતી. આ એમનો અંગત મત હતો. જાહેર મત બીજો જ હતો. ખૂબી આ હતી.
એટલે માવદાન કાંઈ બોલ્યો નહિ - પણ એનું દિલ આક્રંદ કરી રહ્યું હતું.
એણે જ આ પ્રતિષ્ઠિત ગૃહસ્થ વિષે ઘણાને મોંએ સાંભળ્યું હતું કે એણે નવા ધારાધોરણનો લાભ ઉઠાવીને હજારો રૂપિયા જમીનમાંથી જ ઉપજાવી લીધા હતા. અને પાછાં સેવાભાવી ભાષણોનો મારો પણ ચાલુ રાખ્યો હતો ! ખરેખર, જાણે નવા માનવી જ આવ્યો હતો !
પણ જ્યાં હવા જ ફરી ગઈ હતી, ત્યાં માવદાન કે કોઈ બીજો શું કરવાનો હતો? પેલો ભર્તૃહરિનો શ્લોક નથી : 'ખલનો વાર્તાલાપ તો સાંભળવો પડ્યો, પણ મનમાં જાણતા હતા કે એની આ તદ્દન શઠવાત છે, તો પણ હસતું મોં રાખીને એ સાંભળવો પડ્યો. દુઃખ તો આ હતું. હસતું મોં રાખીને બધું સાંભળવાનું !' બધે બધાની આ જ દશા હતી. પણ મોંને હસવાનું હતું ! એટલે માવદાન પણ ગુપચુપ પેલા પ્રતિષ્ઠિત સજ્જનની વાત સાંભળી રહ્યો. મનમાં ઊંડી ઊંડી એવી આશા પણ ખરી કે એ ભાઈ ધારે, તો વખતે હજી પણ મદદ કરે. એટલે મૂંગી સંમિત આપી.
ગાડામાં એની પુત્રી આવવાની હતી. પોતે એનો હસતે મોંએ ને આક્રંદ કરતા દિલે ચોકીદાર થઈને ચાલ્યો !
મનમાં તો એને એવી ખાઈ ગઈ હતી કે આ બધાય ધોળા દીના ધોળા લૂંટારુ જેવાતેવા ભયંકર ન હતા ! છતાં એના સ્વભાવમાં બેઠેલી ચોકીદારની ઈજ્જતે અને દુરાશાએ એને આ કામ માથે લેવરાવ્યું.
ચાંદની રાત હતી. ગાડું આગળ ચાલ્યું. પોતે સાથે ચાલ્યો.
ધીમે ધીમે ગાડું રસ્તો કાપતું આગળ વધી રહ્યું હતું.
ગાડાવાળો માવદાનને ઓળખતો હતો. તેણે તેને ટાળવા માટે હોય તેમ એક વખત કહ્યું : 'તમારે માવદાનભાઈ ! આંહીં આ ટૂંકી કેડીએ જવું હોય તો તમતારે જાઓ. અમે લાંબે ગાડામાર્ગે હમણાં તમને પકડી પાડીશું. બેન બેઠાં છે. એટલે ગાડામાં બેસવાનું તો તમને કહેવાય નહિ. નકર તો ગાડામાં જ બેસારત !'
'કાંઈ વાંધો નહિ મનજી કોળી ! અમે તો ઠર્યા ચોકીદાર ! અમારું તો આમ જ ચાલે. અમારે તો રાત પડે, એટલે દિવસ ઊગે?'
ગાડું આગળ ચાલ્યું. થોડી વાર એ એમ ચાલ્યું. ત્યાં તો ધીમે ધીમે રાતનો અમલ ઝાંખો પડતો જણાયો.
મનજી કોળીએ ગાડું ઊભું રાખ્યું. 'હું આ આવ્યો' કહીને પોતે નીચે ઊતર્યો. પડખેની એક થોરની વાડ પાછળ જરાક ગયો, અને એક બીડી ચેતાવતો ત્યાંથી તરત પાછો આવ્યો.
'આવોને માવદાનભાઈ !' ત્યાં બેઠાંબેઠાં જ એણે કહ્યું : 'જરાક બે ફૂંક મારી લઈએ. ટાઢ પણ પાછલે પો'રે શરૂ થાય છે !'
માવદાન એની તરફ ગયો.
મનજી કોળીએ એને બીડી આપી. માવદાને ચેતાવી. બન્ને જણા સામસામા ફૂંક લેતા ત્યાં બેઠા.
મનજીએ અચાનક પૂછ્યું : 'કેટલાં થયાં માવદાનભાઈ?'
'આ પંચાવન તો પૂરાં થઈ ગયાં. છાપન ને સત્તાવનમું ચાલે છે!'
'હવે તો કે' છે ધારા થયા છે : સાઠે બુદ્ધિ નાઠી. ગમે એવો જાટલીમેંટ હોય - સાઠ વરસે ઘેર બેસારી દેવો. તમારેય એવું થાશે નાં?'
'હા ભાઈ ! અમારેય એવું. એમાં કાંઈ ના પડાય? ધણીનો કોઈ ધણી છે?'
'પણ તમારાં છોકરાં તો નાનાં છે. તમે હજી કડેધડે છો. એક કલમને લસરકે બધુંય નો હાંકતા હોય.'
'ભૈ ! ધણીનો કોઈ ધણી છે ? ધારો ઈ ધારો.'
'અરે શું ધારો? આ બધાય ધારાને ઘોળીને પી ગ્યા નથી?'
'કોણ?'
'નકર તો જાણે તમે નહિ જાગતા હો. આ ગોદાવરી, જેને મૂકવા જાવ છો, એના જ બાપ - તમે કહેતા'તા ને સો ટચનું સોનું છે, એ પોતે જ !'
'ભૈ એ તો કળજગ છે !'
'પણ આવાને લૂંટ્યા હોય તો પાપ નો લાગે હો, માવદાનભાઈ ! બાપના સમ, મને તો મન થાય છે કે કામ કાઢી નાખું. પણ તમે ભેગા છો. એટલે શું કરું ? પણ એમ કરોને - '
'શું ?'
'આ તમારાં છોકરાં છે નાનાં. આવતી કાલે નોકરી 'ન' હોય. બચારાં ગભરુ દખીના ડાળિયા થઈ જાશે. કે'શે અમારા બાપે ખાવા જેટલી જાર પણ રહેવા દીધી નહિ. આખો મલક હેરાન થાય છે, ને આખો મલક લૂંટ કરે છે ! આવાને તો આવે ટાણે એવો ઘા મારી લેવો જોઈએ કે મારા બેટા જિંદગીભર ખો ભૂલી જાય ! એણે કૈંકને લૂંટ્યા છે. આપણે... એને... તમતારે જરાક આડાઅવળા થઈ જાવને... તમારે ક્યાં છતું થાવું છે? આગળ થોરનું નાળિયું આવે છે. એમાં એ કાકો બેસાર્યો છે ! ને તમારો ભાગ મારે પો'ચાડવો. રાત જેવું ધાબું છે. ખોટું નહિ બોલું. એક જ કલાક છે. આખી જિંદગીનું સુખ થઈ જાશે. નહિ નહિ તો પાંચેક હજારનો માલ હશે. તમતારે હજી ભળભાંખળું છે ત્યાં, લોટો લઈને રાક આઘાપાછા થઈ જાજો ને અટલે બસ. તમારે ક્યાં બીજું કાંઈ કરવું છે? તમને તમારો ભાગ તમારે ઘેર પહોંચતો નો કરું તો બે બાપનો કે'જો ! મા અંબા મા, મને ભરખે. વાત અરધા કલાકની છે !'
માવદાન કાંઈ બોલ્યો નહિ. પણ એનાથી જરાક ઠેકડિયાત જેવું હસાઈ ગયું. ને ધીમેથી બોલાઈ પણ ગયું : 'કળજગ-કળજગ, મને ને તને, બધાયને હવે વળગી પડ્યો છે. થાક રોનક જેવું !'
મનજી એનો મર્મ સમજી ગયો.
વધારે બોલ્યા વિના જ બન્ને જણ બીડી ફેંકી દઈને, પાછા ગાડા તરફ આવી ગયા.
'મલક આખો લૂંટે છે !' મનજીનું એ વાક્ય સચોટ નીવડ્યું હતું. માવદાન પણ વિચારમાં પડી ગયો હતો. 'એક ગડીયા જેટલો એનો આધાર હતો, એ પણ ઝૂંટવાઈ જવાનો હતો ! પોતે આ ઉંમરે ક્યાં જવાનો હતો?'
'છોકરાં ખાશે શું?'
'બચારાં ભણશે નહિ તો મારી પેઠે ભૂખે મરશે ! પંદર રૂપિયે મણ દાણો - માણસ ખાશે શું? ને મને ચોકીદારને કોણ ધીરવાનો હતો?'
એના મનમાં આવા તુફાનવિચારોનો એક સાગર રેલાઈ રહ્યો હતો. પોતે બાંધેલી જીવનમર્યાદાઓ ઉપર એમનો હલ્લો હતો.
પણ રહી રહીને હવે ધોળામાં ધૂળ, એવા વિચાર પણ એને આવ્યા. એટલામાં થોડું થોડું ભરભાંખળું થવા માંડ્યું. વખત ઝપાટાબંધ વહી રહ્યો હતો. અરધી કલાક પછી તો કાંઈ વાત નહિ હોય !
થોરની લાંબી નેળ દેખાણી. મનજીએ ગાડાને ઉતાવળે ઉપાડ્યું. 'અરે હો હો !' કરીને બળદને હાંકી મૂક્યા !
અચાનક માવદાને પૂછ્યું : 'લોટો બોટો છે?'
'હા છે ને ! મનજીએ કહ્યું. 'ભંભલી ભરી છે. નીચે લટકે છે. પાછા ખોટી થાતા નહિ ! અમે તો હમણાં સામે નીકળી જઈશું !'
'ખોટી શું થાશે? આ આવ્યો. આ તો ભળભાંખરું થયું છે, એટલે હવે વાંધો નથી - તું જરાક ઉતાવળે હાલતો થા...'
મનજીએ ગાડું હાંકી મૂક્યું.
પગી માવદાનના મનમાં એ વખતે એક વિચાર આવી ગયો. વરસોની નીતિમર્યાદા છોડતાં મન બળવો કરતું હતું. પણ એ મનમાંથી જ એક ઉપાય સૂઝ્યો. કાંઈ સંભળાય નહિ, એટલે દૂર ચાલ્યા જવું. એટલે પોતાને ખબર જ ન પડે, ને પોતે પોતાની વાત પણ જાળવી કહેવાય !
મનની આ ઠગારી વાતને સમજવા જેટલી એનામાં શક્તિ ન હતી એમ નહિ, પણ પોતાની મુશ્કેલીનો સહેલો ઉપાય એને આકર્ષી રહ્યો હતો !
એટલે એ થોડેક વધારે દૂર ચાલ્યો ગયો. મનજીનો ડચકારો હવે સંભળાતો ન હતો. છતાં એ હજી થોડેક આઘે ગયો. મન માનતું ન હતું. અને એને મનાવવું તો હતું જ. ઉપર-ટપકે દેખાવ જળવાઈ જાય તો એ પણ, એને આશ્વાસન સમું જણાતું હતું !
પણ જ્યાં એ થોડોક વધારે આગળ ગયો, ત્યાં પાછળ ઊંડો માર્ગ જતો હતો. સુકાઈ ગયેલા વોંકળાનો એ માર્ગ હતો. ત્યાંથી અચાનક એક કરુણ ચીસ એને કાને આવી. અને એ થંભી ગયો... કોઈ બાઈ માણસનો, હૃદય વિદારી નાખે તેવો, અનાથ, ફાટી જતો, ભયથી ધ્રૂજતો, મદદ માટે ધા નાખતો, એવો અવાજ આવી રહ્યો હતો : 'કોઈ ધોડો, કોઈ ધોડો, કોઈ બચાવો ! કોઈ બચાવો, મારી નાખી રે.. ઓ મા !'
અને પગી માવદાન કાંઈ વિચાર કરે એ વધુ કાંઈ સાંભળે તે પહેલાં તો એના પગ જ ઉતાવળે એ દિશામાં દોડી રહ્યા હતા ! વર્ષોથી પડેલા સંસ્કારને લીધે, એ તરત એ બાજુ દોડી જ ગયો. વિચાર કરવા થોભ્યો જ નહિ !
પણ વોંકળાના કાંઠા ઉપર આવતાં એની આંખ ચાર થઈ ગઈ. અંદર વોંકળામાં એણે જોયું તો કોઈ અનાથ જુવાન સ્ત્રી ઉપર કોઈ માણસ હલકટ હુમલો કરી રહ્યો હતો. પેલી સ્ત્રી હાંફી ગઈ હતી. એક જ પળ મોડું - માત્ર એક જ પળ મોડું - અને એ બિચારીનું જીવન વેડફાઈ જવાનું હતું. પગી વિચાર કરવા થોભી શક્યો જ નહિ. જીવનભરની ઉપાસના જાગ્રત થઈ ગઈ. એણે તો તરત પડકાર ફેંક્યો. વોંકળામાં જવા માટે ઊભી દોટ જ મૂકી.
પણ એને ધડબડ ધડબડ આવેલો જોતાં જ, પેલો કાયર ઘાતકી એકદમ ભાગ્યો !
પગી એની પાછળ દોડતો હતો - પણ ત્યાં પેલી બાઈએ જ ફાટી ગયેલા અવાજે આજીજી કરી : 'ભાી, મને મૂકીને જતા નહિ, જતા નહિ. એ મારો રોયો ગુંડો છે. મને મોટે મારગે પહોંચાડી દ્યો. ભગવાન તમને બદલો આપશે. મને ઝટ, મોટે મારગે મૂકી દ્યો !'
માવદાને પેલાની પાછળ જાવાનું પડતું મૂક્યું. અને તરત મોટા મારગ સુધી સાથ આપ્યો. પેલી બાઈએ ત્યાંથી તો એ મારગ ઉપર કોઈ હળ હાંકી જતું હતું તે દેખાયું. એની સાથે બાઈ ચાલી ગઈ, એને મોટી ચિંતા, પોતાને કોઈ ઓળખી લે તેની લાગી. એટલે એણે ઉતાવળે એ સાથ મળતાં જ, માવદાનને 'ભાઈ, હવે વાંધો નહિ, ભગવાન તમને બદલો આપશે ભાઈ !' એમ કહીને ઉતાવળે રજા જ લઈ લીધી.
માવદાનને હવે તરત નાળિયાને માર્ગે જતું પોતાનું ગાડું સાંભર્યું.
પણ એના પગ હવે દોડતા જ હતા. એણે દોટ મૂકી. નાળિયાના માર્ગે ગાડું લૂંટવાનું હતું. એ એને સાંભરી આવ્યું. પોતે જ એમાં મૂંગી સંમતિ આપી દીધી હતી, એ પણ યાદ આવી ગયું. એના પગ એના મનને જાણે ઠપકો આપતા હોય તેમ, નાળિયાને માર્ગે વેગથી દોડતા ઊપડ્યા. એક નવી નવાઈની વાત બની હતી. મન, પગને હુકમ કરે. હમેશાં આમ જ થાય. આંહીં, પગ, મનને હુકમ કરતા હતા ! એને લાગ્યું કે એ વખતસર નાળિયામાં પહોંચી ગયો હતો. તેણે ગાડાને ત્યાં ઊભેલું જોયું. કોઈકના હોંકારા પણ સાંભળ્યા. શી વાત હતી. એનું અનુમાન કરવાની એને જરૂર જ ન હતી. વાતની એને ખબર જ હતી. એણે વિચાર વિના, અચાનક જે મોટેથી તરત પડકાર ફેંક્યો : 'અલ્યા કોણ છે એ? કોણ છે બે માથાવાળો? કોણ છે અલ્યા મનજી કોળી? સંભાળજો હો ! મારા દેખતાં જો કાંઈ આડુંઅવળું થયું છે, તો કોઈની ભલીવાર નથી. કોણ છે ઈ બે માથાવાળો? કોણ ગાડું રોકીને આડો ઊભો છે?'
મનજી કોળી પહેલાં તો એમ સમજ્યો કે માવદાન દેખાવ રાખવા પૂરતો આવી પહોંચ્યો છે. એટલે એણે કાંઈ જવાબ ન વાળ્યો. પોતે ગાડેથી નીચે ઊતરીને આઘો જ ખસી ગયો હતો.
'અલ્યા કોળા, સંભાળજે હો!' માવદાને ઉશ્કેરાટમાં આવીને હાથમાંના લોટાનો છુટ્ટો ઘા જ કર્યો.
એ ઘા ધડાક કરતો, પેલા મનજીભાઈના શાગીર્દને બરાબર કપાળમાં વાગ્યો.
અને વાગ્યો તે એવો વાગ્યો કે આ દેખાવ નથી, પણ ખરાખરીનો ખેલ છે, ને માવદાન આડો ફાટ્યો છે, એ સમજતાં મનજીને વાર ન લાગી, એને નવાઈ લાગી.
'હત ગોલીના કોળા ! મને ફસાવ્યો નાં?' એમ મોટેથી બોલતોકને પેલો શાગીર્દ તો તરત જીવ લઈને ભાગી જ છૂટ્યો.
માવદાન આગળ આવ્યો. તેણે મનજીને કડક અવાજમાં કહ્યું : 'મનજી ! ગાડે ચડી બેસ, ને નાળિયામાંથી ઝટ લઈ લે. મારા બેટા બધે પોલ ભાળી ગયા છે. ઉપાડ જલદી ગાડાને !'
'અરે પણ ભાઈ ! માવદાનભાઈ ! તમે ય તે શું પેલાને બિચારાને, કારણ વિનાનો ગૂડી નાખ્યો.'
'હવે કારણ ને બારણ... તું એમાં શું સમજે ?'
'અરે પણ શું મારા ભાઈ ! તમે ય તે...'
મનજી મૂંગો મૂંગો ગાડે ચડી બેઠો. ને કાંઈ બન્યું ન હોય તેમ એણે ઉતાવળે ગાડું ઉપાડ્યું.
માવદાને ભજન ઉપાડ્યું : 'ગરવ કર્યો સોઈ નર હાર્યો, સીયારામજી સેં, ગરવ કર્યો, સો ઈ નર હાર્યો !'
પણ મનજી કોળીને આના આ અચાનકના થયેલા ફેરફારનો ભેદ હજી સમજાયો ન હતો. એ, 'હો હો !' કરીને, ગાડું હાંકતો જ રહ્યો.
જ્યારે નાળિયાની બહાર નીકળ્યા ત્યારે તો ઠીક અજવાળું થઈ ગયું હતું. મનજીએ માવદાન સામે જોયું, એને બે વેણ કહી નાખવાની એના મનમાં તાલાવેલી જાગી હતી. એને એમ થતું હતું કે, આને પણ છતરાયો તો કરું, એટલે એ પણ જાણતો જાય.
એટલે એ કરડાકીમાં જ બોલ્યો : 'કાકા ! માવદાનકાકા ! વશવાસઘાત જેવું કોઈ પાપ નથી હોં !'
માવદાન કાંઈ બોલ્યો નહિ.
મનજી ફરીને બોલ્યો : 'કાકા ! માવદાનકાકા ! વશવાસઘાત જેવું કોઈ પાપ નથી !'
માવદાને જવાબ વાળ્યો : 'તારી વાત સાચી છે, ભત્રીજા ! વિશ્વાસઘાત જેવું પાપ કોઈ નથી. મારા પગ - એણે મને, જિંદગીભર સેવા આપી છે. આજ પણ એણે જ મને રસ્તો બતાવ્યો. અને સમો જાળવી લીધો, એમ સમજને ! એણે મારો વિશ્વાસઘાત ન કર્યો. પણ જો સાંભળ, હું ત્યાં ગયો'તો નાળિયાથી આઘે, ત્યાં પણ, કોઈક લફંગો, કોઈક બાઈ માણસને સતાવી રહ્યો હતો. જાણે હવે ક્યાંય કોઈનો કડપ જ રહ્યો નથી. કોણ જાણે શું થયું છે? ધોળે દિવસે માણસ લૂંટાય - આ તે કેવી વાત ? પણ મારું મન તો વિચાર કરતું કરે છે, ત્યાં તો મારા પગ વીજળી જેમ ધોડ્યા.
'આ ત્યારે જ હું સમજ્યો કે માળું, જે કામ કર્યું છે, ઈ ખરે ટાણે જવાબ આપે જ છે.
'ત્યાં જ મને થઈ ગયું કે વિશ્વાસઘાત જેવું બીજું કોઈ પાપ નથી. અને મારા પગે જ મને દોડાવ્યો !'
'મનજી કોળી ! મન ઘડે છે પગને, પણ પછી તો પગ ઘડે છે આપણને. અમથા કાંઈ ભગવાને બધી ઈંદ્રિયોને દેવતા કહીને હાથ જોડ્યા છે?'
'આ પગ, હાથ, આંખ, કાન એ તો આપણા દેવતા છે.'
'આજ આ પગદેવતાએ મને એક પળમાં માણસમાંથી, કમાણસ થતો બચાવી લીધો. હે હવે, ઉતાવળો થા, આપણે દી ઊગ્યા પહેલાં પહોંચી જવું છે!'
'હો - હો ! હો !' કહીને મનજી બળદને હાંકવા માંડ્યો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર