હરિ ! મને આપો એકાદી એંધાણી

23 Apr, 2017
12:00 AM

PC: fineartamerica.com

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

અંધકાર ભીનો હતો. હળવા વરસાદનાં ટીપાં આંગણાના પ્રકાશના વર્તુળમાં ચમકી ઊઠતાં અને તરસી માટીમાં શોષાઈ જતાં.

લાંબી સૂની પરસાળમાં રૂપા ઊભી હતી. એણે હાથમાં થોડાં ટીપાં ઝીલ્યાં અને પછી ધરતીને અંજલિ અપાતી હોય એમ ઢોળી નાખ્યાં. આમ જ મનના પાત્રને ઊંધું કોરી ઢોળી શકાતું હોત તો! તો કદાચ છાતીમાં પીગળતી વેદના પણ વરસાદનાં ટીપાંની સાથે ધરતીમાં શોષાઈ જાત, અને પોતે મોકળે મને શ્વાસ લઈ શકત.

એણે ચારે તરફ જોયું. અંધકાર અને વરસાદની પાતળી ધારાને વીંધીને ક્યાંક ક્યાંક ધૂંધળો પ્રકાશ દેખાતો હતો. હજી સઘળું જંપી નહોતું ગયું. ઘેરી વેદનાથી પીડાતા કોઈ કોઈ જાગતા હતા અને આશ્રમની રાતની છેલ્લી મહત્વની ક્રિયા બાકી હતી - પ્રાર્થના. એ રોજ પરાણે પ્રાર્થનામાં બેસવાની કોશિશ કરતી. નાનકડા પ્રાર્થનાખંડમાં હતાશ, થાકેલા, દુઃખથી રિબાતા અને કણસતા લોકો બેસૂરા અવાજે આંખો મીંચીને નિયમ મુજબ પ્રાર્થના ગાતા.

પણ એ કેમે કરીને એમાં સૂર પુરાવી શકતી નહીં અને આંખો ફાડી ફાડીને આ લોકોને જોઈ રહેતી. કઈ શ્રદ્ધાના બળે આ લોકો આમ ગાઈ શકતા હતા! ઈશ્વરે એમને માટે શું કર્યું હતું? પ્રાર્થનાખંડની ભીંતો પર સુંદર સુવાક્યો લખ્યાં હતાં. કૃષ્ણની એક મોટી તસવીર નીચે લખ્યું હતું : 'તમસો મા જ્યોતિર્ગમય.'

પણ ઈશ્વર તો આ સૌને નિબિડ અંધકારની ખીણમાં ગબડાવી દઈ છેક જ ભૂલી ગયો હતો. બેબાકળી બની એ ચારે તરફ નજર ફેરવતી. કુંભારે ઉતાવળમાં ચાકડેથી ઉતારી લીધા હોય એવા ઘાટઘૂંટ વગરના ચહેરા, પાટાપિંડી કરેલા હાથ-પગ, આંખોમાં નિર્જન રણની શૂન્યતા, સર્વત્ર છળી ઉઠાય એવી ભયંકર કુરૂપતા. પેટમાં કશુંક વલોવાઈ જતું અને એ ચાલુ પ્રાર્થનાએ ત્યાંથી ઊઠી જતી, અને અહીં આવીને ઊભી રહેતી. આકાશને તાક્યા કરતી. વિશાળ ઝગમગતા ભૂરા ઘુમ્મટની પેલે પારના ઈશ્વરની એકાદ નાની એંધાણીને શોધતી રહેતી. એ વિચારતી - એના અસ્તિત્વનો શો અર્થ હતો? કયા પાપની સજા એ ભોગવી રહી હતી? આ ભવમાં તો અજાણતાં પણ કશું ય પાપ કર્યાનું એને સાંભરતું ન હતું. એ હસમુખી ને સ્નેહાળ. છેક ભોળી, ઝાંઝરની જેમ મીઠું રણક્યા કરતી.

અચાનક જોરથી પાણીની વાછટ આવી અને એ થોડી ભીંજાઈ ગઈ.

આ પાણીએ જ તો એનો સર્વનાશ કર્યો હતો. એટલે જ તો એ જીવનના તોફાની ધસમસતા પ્રવાહમાંથી બળપૂર્વક ફેંકાઈને અહીં આવી પડી હતી - ગંધાતા, ફુગાઈ ગયેલા કચરાની જેમ. હવે કોઈને એનો ખપ નહોતો. કદાચ એ જીવે છે એ પણ સૌ ભૂલી ગયા હશે.

પરસાળની ભીંતે એણે માથું ઢાળી દીધું. બંધ આંખોની અંદર દૂર દૂર ક્ષિતિજે હોય એવું એક નાનું ઘર દેખાવા લાગ્યું. તરુણ અત્યારે સૂતો હશે? જાગતો હશે? રોજ રાત્રે એના ઓરડાની બારી કોણ બંધ કરતું હશે? એ મોટો થશે ત્યારે એને ઝાંખું ઝાંખું પણ સ્મરણ થશે કે એની મા એને કેટલું વહાલ કરતી હતી! એ ઉત્કંઠાથી ઘરનાં સૌને પૂછશે : મા કેવી હતી? ત્યારે કોઈ એનાં લગ્નની સુંદર રંગીન તસવીર બતાવી કહેશે :

'તારી મા ખૂબ સુંદર હતી. તને ખૂબ પ્રેમ કરતી હતી. એ ખૂબ દૂર ભગવાનને ઘરે ચાલી ગઈ, ભાઈ!'

ભીનો અંધકાર આંખોમાં ઊતરી આવ્યો. ચક્કર આવવા લાગ્યા. વરસાદના ટીપાની જેમ એ ફંગોળાઈ ગઈ. ભીંતને ટેકે ટેકે એ નીચે બેસી પડી.

તરુણ મોટો થશે, સરસ હસમુખ યુવાન બનશે. કદાચ, ક્યારેક, ક્યાંક રસ્તામાં સામે મળી જશે અને ઓળખ્યા વિના જ બાજુમાંથી પસાર થઈ જશે. હા, પોતે જરૂર એને ઓળખશે કારણ કે એ હંમેશાં દૂરથી છુપાઈને એને મોટો થતાં જોયા કરશે, પણ ન કદ એને છાતીસરસો ચાંપી શકશે, ચૂમી શકશે.

છાતી ફાટી જાય એવું ધ્રુસકું એના ગળામાંથી નીકળ્યું.

ઓહ! એ દિવસે પણ એ આટલું જ રડી હતી, જ્યારે એ ઘરની બહાર નીકળી હતી. સુબોધે કંપતા સ્વરે કહ્યું હતું :

'તું... તું... ગાડી થઈ ગઈ છે રૂપા? આ કંઈ ચેપી રોગ નથી. હવે તો કેટલી દવાઓ શોધાઈ છે ! અરે, તું એકદમ સાજી થઈશ. જોજેને હું જ તને વાજતેગાજતે તેડવા આવીશ. એક સરસ મોટી પાર્ટી ગોઠવીશંા - સેલિબ્રેશન. ઓ.કે. !'

આક્રોશની તીવ્ર ચીસથી હૃદય ભેદાઈ ગયું, પણ એ કશું બોલી ન હતી. માત્ર ડોકું ધુણાવી શકી હતી... તો હમણાં જ લઈ જાઓ, વાજતેગાજતે. મોટી પાર્ટી ગોઠવો. ઊજવો આ ઉત્સવને. કહી દો બધાંને ગળું ફાડીને કે મારી પત્ની રૂપાને રક્તપિત્ત થયો છે. અમે ઘરનાં સૌ એને આશ્રમમાં મૂકવા જઈ રહ્યાં છીએ. આવો અમારી પાર્ટીમાં. વિદાય આપો રૂપાને.

પણ ના. ગુપચુપ અંધારામાં નીકળી જવાનું હતું. કોઈને કશી ખબર ન પડવી જોઈએ. ચકલું સુધ્ધાં ન જાણે કે આ ઘરની વહુને રક્તપિત્ત થયો છે. કેવું મોભાદાર ઘર ! કેવું ખાનદાન કુટુંબ ! પતિ ડૉક્ટર, સાસુ સામાજિક કાર્યકર, દેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ.

જ્યારે લગ્ન થયાં હતાં ત્યારે ચોરીમાં બેસીને એ સાંભળતી હતી બહેનપણીઓની વાત. ઓહોહો ! રૂપા કેટલી નસીબદાર છે !

જેને વિદાય આપતાં માએ કહેલું, 'સુબોધ ! મેં રૂપાને ફૂલની જેમ સાચવી છે હોં ! મારી દીકરીએ સવળે હાથે ગોરમા પૂજ્યાં કે આ વર ને ઘર મળ્યાં.'

- અને આ વર ને ઘર આજે એને રસ્તામાંના પથ્થરની જેમ ઊંચકીને ફેંકી દેતાં હતાં. ધારો કે આજે મારી જગ્યાએ સુબોધને આ રોગ થયો હોત તો? તો શું મેં એને અડધી રાત્રે જાકારો દીધો હોત! ના. મારી પાસેથી તો અપેક્ષા રહેત, દિલ દઈને પતિની ચાકરી કરવાની. લોકો પ્રશંસાનાં ફૂલથી વધાવત, યાર્ન નારીનું બિરુદ આપત, સતીત્વની ધજા ફરકાવત.

ગોઠણ પર માથું ટેકવી એ પાણીની ધીમી ધારને પડતી જોઈ રહી. અવાજો પાંખા થઈ ગયા હતા, પ્રાર્થના કદાચ પૂરી થઈ ગઈ હતી. ચુપકીદીથી પ્રાર્થનાખંડમાંથી દર્દીઓ ધીમે ધીમે નીકળી પોતપોતાના આવાસ તરફ જતા હતા. ચુપકીદી, મૌન એમના જીવનનો એક હિસ્સો છે. રક્તપિત્ત શબ્દની ગંધ આવતાં જ સૌ ભડકી જાય છે.

હાથપગનાં આંગળાંની સાથે સંબંધો પણ ખરી પડે છે. ઘામાંથી નીકળતા પરુની સાથે મમતા પણ વહી જાય છે.

હવે છૂટાછવાયા દીવા પણ બુઝાઈ ગયા. વરસાદનું જોર વધ્યું લાગતું હતું. અંધકારનાં ઘૂઘવતાં પૂર ચોમેર ફરી વળ્યાં હતાં. ચિરપરિચિત વિશ્વની સઘળી સંજ્ઞાઓ સુપ્ત થઈ ગઈ. પોતાની પણ શી ઓળખ બચી હતી? આગળ-પાછળ, ઉપર-નીચે હતો કેવળ અંધકાર. ભૂતકાળ કે ભવિષ્યકાળના કશા અનુસંધાન વિને એ વર્તમાનની તૂટેલી ક્ષણને વળગી લટકતી રહી છે. એ છોડી દઈ આ હૂહૂકાર કરતાં અંધકારના પૂરમાં ઝંપલાવી દે તો? ન હોવાપણામાં કેટલી શાંતિ હતી !

બહાર વાહન ઊભું રહેવાનો અવાજ આવ્યો. જીપ આવી હશે. તો તો દીદી નક્કી કોઈ દર્દી લાવ્યાં હશે. વિચારમાત્રથી એ કમકમી ગઈ. પગલાંનો, સાથે ઘસડાવાનો અવાજ, ઑફિસમાં બત્તી, થોડી વાતચીતના અવાજ અને કોઈની મર્મભેદી ચીસ...

રહેવાયું નહીં. એ સફાળી ઊઠી. ઑફિસની બાજુના ઓરડામાં આવી. એ સાથે જ ભયંકર દુર્ગંધથી એનું માથું ભમી ગયું. ઊલટીમાં જાણે આંતરડાં ખેંચાઈ આવશે એવા ઊબકા આવવા લાગ્યા. સામે જ પાટ પર વૃદ્ધ સૂતો સૂતો ઊંહકારા કરતો હતો. અને દીદી મોંએ કપડું બાંધી, હાથમાં મોજાં પહેરી એ વૃદ્ધના હાથ પરથી કપડાંના ગાભા કાઢી રહ્યાં હતાં.

ઘા જોતાં રૂપાના ગળામાંથી હળવી ચીસ નીકળી ગઈ. વૃદ્ધના એક હાથનો અડધા ઉપરનો પંજો સાવ સડીને કોહવાઈ ગયો હતો. હથેળી આરપાર દેખાતી હતી. પાપડીની ઈયળ જેવા પુષ્કળ કીડા હાથ અને પગના જખમમાં ખદબદતા હતા. સડાને કારણે ચામડી તો શું હાડકાંયે ખવાઈ ગયાં હતાં.

દીદીએ ટર્પેન્ટાઈન રેડી ઘામાંથી કીડા કાઢવા માંડ્યા. ભયંકર ઊબકાથી રૂપાનું ગળું રૂંધાઈ ગયું. એ બહાર દોડી ગઈ. અંધારી લાંબી પરસાળમાં દર્દીની ચીસો અપંગની જેમ એની પાછળ ઘસડાતી આવી, એનો પાલવ આર્જવતાથી ખેંચવા લાગી. આંખે હાથ દાબી એ ત્યાં જ ઊભી રહી ગઈ. ઓહ ! કેટલા દિવસો, મહિનાઓથી જખમની શરૂઆત થઈ હશે ! શું કોઈએ જરીકે ધ્યાન આપ્યું નહીં હોય ! એ કલ્પી શકી. ઘરના દીકરાવહુઓ સહુએ મળી ગાયની કોઢમાં કે ગમાણમાં એને પૂરી રાખ્યો હશે. બહારથી જ કોઈના હાથ ખાવાનું મૂકી જતા હશે. પછી ગંધથી રહેવાયું નહીં હોય ત્યારે રાતના અંધકારમાં મરેલા ઢોરની જેમ ગામબહાર નાખી ગયા હશે અને ત્યાંથી દીદી એને અહીં શ્રમમંદિરમાં લાવ્યાં હશે.

આ જ કથા રોજ નવાં નવાં પાત્રો સાથે ભજવાતી રહે છે. કદરૂપા બનતા ચહેરાઓ, ખરી પડતી આંગળીઓ, સડીને શાકભાજીની જેમ કોહવાઈ જતા પગ, સંવેદના વિનાનું શરીર અને મન... લોહી, પરુ, આંસુ, ભૂતપલીત જેવી ભયંકરતા... કદાચ સાક્ષાત્ યમદેવતા પણ આ દૃશ્ય જુએ તો એમનું કાળજું થથરી જાય.

એને ખબર ન પડી, એમ જ આંખો મીંચી એ ક્યાંય સુધી ઊભી રહી હતી. કોઈનો ઋજુતાભર્યો હાથ એના માથે ફરતો હતો. એ ચમકી પડી : 'દીદી તમે?'

દીદીએ ધીમું હસીને કહ્યું :

'કેમ જાણ્યું હું છું?'

'આમ અડધી રાત્રે મારી કાળજી લેવાની પરવા તમારા સિવાય બીજા કોને હોય?' રૂપાએ કડવાશથી કહ્યું.

'એમ ! તો પછી તું મારી કાળજી લે ને !'

'હું ? તમારી... કાળજી ?'

'કેમ ! એક કપ ચા નહીં બનાવી આપે?'

'અ... હા. જરૂર દીદી.'

'હું ઑફિસમાં બેઠી છું. તું ત્યાં ચા લઈને આવ.'

રૂપા રસોડામાં આવી. રસોડું મોટું હતું. કેટલા બધા લોકોની રસોઈ અહીં થતી ! રસોડાને ભાગ્યે જ આરામ મળતો. દર્દીઓ આવતા રહેતા. કુટુંબીજનો મૂકી જતા કે પછી ભીખ માગતા રક્તપીતિયાઓ, ઝૂંપડાંઓમાં સંતાઈ રહેલા સડેલા, ગંધાતા દર્દીઓને દીદી લઈ આવતાં.

ચા કરતાં રૂપાને સાંભર્યું : દીદી બપોરથી બહાર ગયાં હતાં, કશું મોંમાં નહીં મૂક્યું હોય. આમતેમ ખાંખાંખોળાં કરતાં થોડી પૂરી મળી આવી. ચા અને પૂરી લઈ એ ઑફિસના ઓરડામાં આવી. દીદી ચોપડો ખોલીને બેઠાં હતાં. રૂપાએ બંધ કરી દીધો.

'માંદાં પડવું છે કે? કામ, કામ અને કામ ચાલો, થોડું પેટમાં નાખી લો.'

થાકથી નિસ્તેજ દીદીના ચહેરા પર હાસ્ય ફરકી ગયું.

'જોયું, હવે તું મારી કાળજી લે છે ને ! પણ એક રજિસ્ટર બંધ કરી દેવાથી દર્દીઓના બદકિસ્મતનો ચોપડો બંધ નથી થઈ જતો. એ માટે તો કામ જ કરવું પડે.'

'પ્રાર્થનાનો સમય ક્યારનો પૂરો થઈ ગયો છે, એટલે ઉપદેશ આપવાનો સમય ગયો. ચા ઠરી જશે. પી લ્યો.'

બન્ને થોડું હસ્યાં. દર્દીના ઊંહકારા બિલકુલ સંભળાતા નહોતા. રૂપા પૂછ્યા વિના સમજી ચૂકી. ઘેનના ઈન્જેકશનને લીધે એ બેભાન અવસ્થામાં હતો. સવારે એને આ વિશાળ આશ્રમના સૌથી રળિયામણા કૉટેજમાં રાખવામાં આવશે. દર્દીની આંખોમાં દીદીએ મૃત્યુનો પડછાયો જોયો હતો. હવે એને હૉસ્પિટલમાં રાખવાનો કશો અર્થ નહોતો. એ કૉટેજ હતું મૃત્યુની પ્રતીક્ષા કરતા દર્દીઓ માટેનું. આખા આશ્રમનું એ સૌથી રળિયામણું કૉટેજ હતું. શ્વાસની મૂડી ખર્ચાઈ ગઈ હોય એવા દર્દીઓના છેલ્લા દિવસો શાંતિથી-સુંદરતાથી વીતે એવી કોશિશો થતી.

'શું વિચારે છે, રૂપા?'

'કંઈ ખાસ નહીં.'

'તરુણ શું કરતો હશે? સુબોધ તને યાદ કરે છે કે નહીં, એમ જ ને !'

રૂપા વિસ્ફારિત આંખે તાકી રહી. દીદી ઊભાં થઈ એની નજીક આવ્યાં. એમના સ્પર્શમાં સ્નેહની સુગંધ હતી.

'ગાંડી નહીં તો ! હું જાદુગર થોડી છું? એક સ્ત્રી આ સંજોગોમાં શું વિચારે એ હું સ્ત્રી થઈને શું ન સમજી શકું? તને લાગે છે કે સાથે રહેવાના વચનને મારા પતિએ ક્ષણભરમાં કાચી દોરીની જેમ તોડી નાખ્યું, ખરું?'

ગળતા જખમ પર જ દીદીએ આંગળી મૂકી હતી. ઘામાં સડો પેઠો હતો. દર્દના લબકારા થતા હતા. ધ્રુસકે ધ્રુસકે રૂપા રડી પડી.

* * *

એ દિવસે નહાઈને એના બેડરૂમમાં આવી અને કપડાં બદલવા લાગી. સુબોધ હૉસ્પિટલે જવાની તૈયારી કરતો હતો. આયનામાં રૂપાની પાછળ એનું પ્રતિબિંબ પડ્યું, અને એણે બંને હાથોમાં રૂપાને સાહી લીધી.

'જાણો છો સુબોધ? તરુણના જન્મ વખતે બે મહિના બાને ત્યાં રહી, પણ તમારા વિના એટલી અકળાઈ ગઈ હતી.'

'બંદાની તો બદતર હાલત હતી અને એટલે જ તો બ્લડપ્રેશરના બહાને...'

'હાય હાય ! માંદગી બહાનું હતું?'

'બહાનું શેનું? તારા વિના બીમાર જ કહેવાઉં ને ! નહીં તો તારી બા પાંચ મહિના તને છોડત નહીં અને તારા સમ, મને ખરેખર બ્લડપ્રેશર થઈ જાત.'

'ઓ મા! મને છોડો, નહીં તો ગૂંગળાઈ જઈશ.'

એક આ દૃશ્ય.

અને બીજું આ દૃશ્ય.

એ દિવસે સવારે એ તરુણને નવડાવતી હતી. ટુવાલમાં એને વીંટાળી બાથરૂમની બહાર ઊભેલા સુબોધને આપ્યો. સુબોધની આંખમાં મસ્તી હતી. એ રમતમાં ઝડપથી બારણું બંધ કરવા ગઈ અને લોટાને પગ વાગ્યો. એમાંનું ગરમ પાણી પગ પર પડ્યું. સુબોધે ચિંતાથી કહ્યું,

'રૂપા ! બહુ દાઝી ગઈ?'

એ ખિલખિલ હસી પડી.

'ખરા વહુઘેલા છો. હું તો કંઈ દાઝી નથી.'

'પણ પાણી ગરમ હતું.'

'આ જુઓ ને, તરુણના જન્મથી જ પગ પર ઠંડું પાણી પડે કે ગરમ, કંઈ ખબર જ ન પડે. એક સુવાવડમાં હું બહુ બદલાઈ ગઈ, નહીં?'

સુબોધની આંખો અને ચહેરા પર આઘાત ! આખો દિવસ રૂપાને અજંપો રહ્યો. સુબોધને મારી કેટલી ચિંતા છે ! એ દાઝી પણ નહોતી અને છતાં સુબોધ કેટલો ડરી ગયો છે!

એ રાત્રે પણ સુબોધની આંખોમાં વિચિત્રતા હતી. સુબોધે એને કંઈ કેટલા પ્રશ્નો પૂછ્યા હતા અને એ મોતીની માળા વીખરાઈ ગયા જેવું હસી પડી હતી, પણ હંમેશની જેમ એણે કહ્યું નહીં - રૂપા ! તારું હાસ્ય તારા નામ જેવું જ. રૂપાની ઘંટડીનો રણકાર. રૂપાને લાગ્યું એ ધીમેથી જાણે પાછળ હટી ગયો છે. રૂપાએ નજીક સરકીને કહ્યું :

'વાહ ! તમે તો મારાથી હમણાં એવી રીતે દૂર ભાગો છો કે હું જાણે ચેપી રોગની દર્દી હોઉં !'

'તું છે જ રૂપા. તને... તને લેપ્રસી છે.' સુબોધ નીચું જોઈ એકશ્વાસે બોલી ગયો.

લેપ્રસી. રક્તપિત્ત !

સુબોધે ભયંકર ઝેરી નાગ ઉછાળીને પોતાની તરફ ફેંક્યો હોય એમ એ છળી ગઈ.

ડહોળાઈ ગયેલું જળ શાંત થતાં જેમ પ્રતિબિંબ સ્પષ્ટ અને સ્થિર થઈ જાય એમ સઘળું જેમનું તેમ નજર સામે સ્પષ્ટ આકાર ધરીને ઊભું રહ્યું.

એક જ શબ્દ !

પણ એ શબ્દે મહા વિનાશકારી શસ્ત્રની જેમ એની જિંદગી છિન્નભિન્ન કરી નાખી હતી. ત્યાર પછી શું શું બન્યું, કોઈ ઊંડી બેહોશીમાં હોય એમ અહીં કઈ રીતે પહોંચી - એ બધું જેમ જેમ ભૂલવા મથતી એમ ઉછાળેલા રબ્બરના દડાની જેમ સામે આવતું હતું. એને વધુ આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે અહીં આશ્રમમાં આવ્યા પછી જાણ્યું કે રક્તપિત્ત તો બિલકુલ સારો થઈ શકે એવો રોગ છે. એના જેવા શરૂઆતના રોગના તબક્કાવાળો રોગી તો ઘરે રહીને, ચેપના ભય વિના સારવાર લે એટલે છેક જ સારું થઈ જાય. સંપૂર્ણ રોગમુક્ત. ડૉક્ટર તરીકે સુબોધ આ બધું જાણતો હતો છતાં પણ...

એ દિવસે એ દાઝી નહોતી. પણ દાઝ્યાના ફરફોલા પડ્યા હોય એમ ખૂબ બળતરા થઈ આવી.

* * *

દીદીએ એનો હાથ પકડ્યો અને બંને પરસાળ ઊતરી નીચે ભીની માટીમાં ઊભાં રહ્યાં. વરસાદ થંભી ગયો હતો, ધરતી તરબોળ હતી, હવામાં પ્રસન્ન મધુરતા હતી. આ વિશાળ વસાહત અત્યારે નિઃસ્પંદ અને શાંત હતી. આ અંધકારના આવરણ નીચે કેટકેટલી આશા, હતાશા, સ્વપ્નો, હાસ્ય, આંસુ છુપાયાં હતાં !

આકાશમાં વાદળો મુસાફરની જેમ ચાલવા લાગ્યાં હતાં. દીદીએ એ તરફ આંગળી ચીંધીને કહ્યું :

'આ શું છે જાણે રૂપા? આ ઈશ્વરની લીલા છે. આ અઢળક સૌંદર્ય, લીલાંછમ્મ વૃક્ષો, નદી, પર્વતો, ચંદ્ર, તારા, સૂરજનો ગોળો અને એ સાથે જ પૃથ્વી પર આ વેદના, દુઃખ, ગરીબી, રોગ, ભૂખમરો - આ બધું જ ઈશ્વરનું સર્જન છે અને એનું દરેક સર્જન હેતુપૂર્ણ છે.'

'પણ શા માટે દીદી? શા માટે આ વેદના, એકલતા, પીડા, દર્દો? શા માટે ઈસ્વરનો આ શાપ?' રૂપા આક્રંદ કરી ઊઠી.

'આ બધી હરિ હોવાની એંધાણી છે, રૂપા. આ દુઃખદર્દો ને વલોવી નાખતી વેદના જોઈને તો લોકનો આતમરામ જાગે છે. માનવતા સળવળી ઊઠે છે અને પડી ગયેલાને ટેકો આપવા એ આગળ આવે છે. જન્મજન્માંતર ચાલે એવો આ યજ્ઞ છે. પ્રજાની માનવતા જાગ્રત રહે, ચૈતન્ય ધબકતું રહે એ માટે આ દુઃખદર્દોનું નિર્માણ, જેને ભાગે આ દુઃખો આવ્યાં છે એ આ પવિત્ર યજ્ઞમાં હોમાયેલાં ઈંધણ છે. ઈશ્વરે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે થોડાં લોકોની આહુતિ આપી છે, રૂપા ! એટલે જ એ લોકોને વધુ પ્યાર, વધુ મમતા આપણે આપવી જોઈએ.'

રૂપા અવાક બની દીદીને તાકી રહી હતી. હવે વાદળાં ખૂબ દૂર ચાલી ગયાં હતાં. અને ચંદ્રના પ્રકાશમાં વરસાદનાં ટીપાં ચમકતાં હતાં. બંને હાથ પકડી ઘેરું સાન્નિધ્ય અનુભવતાં ઊભાં હતાં. દીદીએ મૃદુ સ્વરે કહ્યું :

'તું જાણે છે, રૂપા ! આ પૃથ્વી પરનો એક એક વેદનાગ્રસ્ત માનવી હરિની આપેલી એંધાણી છે.'

* * * *

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.