...અને રાવણ રડી પડ્યો
હું સન-ડેના ફ્રી મુડમાં દમણ પહોંચ્યો. સેલિબ્રેશનનું બહાનું હતું અને બસ એક પેગ પીવો હતો. હજુ તો હું મારું શરૂ નહીં કરું ત્યાં પોતાની જ ડેથ એનિવર્સરી સેલિબ્રેટ કરતો દશાનંદ મળી ગયો. દશાનંદ જેવો દશાનંદ ત્યાં હોય તો કંઈ મળ્યા વિના થોડું અવાય? એટલે આપણે એમની ટેબલ પર પહોંચ્યા અને હાઈ હેલ્લો કહીને થોડી ઔપચારિક વાતો શરૂ કરી. એ વાતો દરમિયાન કેટલીક ગંભીર વાતો પણ થઈ, જેના સંવાદો કંઈક આવા હતા.
રાવણ ઉવાચઃ ભાઇ આપ #મેરેમનકીબાતે #mereManKiBate લખો છો, આજે ટેબલની દોસ્તી થઇ તો એ ભાવે પણ #મેરેમનકીબાતે હાંભળ... મહાત્મા રાવણ મહેકશીમાં મસ્ત હતો..
આઇ સેઇડઃ ઈર્શાદ
દશાનંદ ઉવાચઃ હે અનાવિલ શ્રેષ્ઠ, તમે પણ જનોઇધારી છો અને હું પણ જનોઇધારી. એ હિસાબે આપણે બંને બ્રાહ્મણ. આ લોકો દર વર્ષે દશેરાના દિવસે મારા ખોટા ખોટા પૂતળા હળગાવે છે. પણ સાલું હું દશરેના દિવસે તો મર્યો જ નથી. અને મારો ભ્રાતા તેમજ પુત્ર મારી અગાઉ વૈકુંઠ પહોંચી ગયેલા. અલા, એ દિવસે તો રાક્ષસરાજ મહિષાસુર મરેલો, બામણરાજ રાવણ નહીં. સાલું રાક્ષસ સાથે બામણને સરખાવો એ તો નાઈનસાફી છે. યાર, અમારે પણ કંઈ ક્લાસ હોય.
આઇ સેઇડઃ અલા બામણ તને ચડી ગઇ છે... કમ ટુ ધ પોઇન્ટ. ખોટા ખોટા સગપણ ના કાઢ.
રાવણ ઉવાચ: હે અનાવિલ શ્રેષ્ઠ, વાલ્મીકિનું રામાયણ તો તમે વાંચ્યું છે. એમાં ક્યાંય નથી લખ્યું કે રાવણ દશેરાના દિવસે રામને હાથે મરાયો... ન તો તુલસીદાસનું જૈન રામાયણ એવું કહે છે.
આઇ સેઇડ: જૈન ઉપરથી યાદ આવ્યું કે, 1500 વર્ષ જૂનું જૈન રામાયણ તો લક્ષ્મણે રાવણને મારેલાનું લખે છે. હે મહાત્મા રાવણ મને વિસ્તારે કહો કે હુ કિલ્ડ રાવણ...? (કાગભુસંડીએ રાવણને અવતાર અને મહાત્મા કહ્યો છે. એ પણ રામકથા હતી!) જોકે વાલ્મીકિમાં સેન્સિબલ ઓરિજીનાલિટી હતી. ગાયત્રી મંત્ર ઋગવેદમાં લખેલો છે. એ મંત્રનાં 24 લેટર્સ છે. વાલ્મીકિ રામાયણમાં 24,000 શ્લોક લખ્યા છે. પહેલો અને પછીના પ્રત્યેક હજારમાં શ્લોકનો પહેલો લેટર જોડો તો ગાયત્રી મંત્ર બને છે... એટલે વાલીયો બરાબર કાવ્યાત્મક રીતે પણ વ્યક્ત થએલો. કવિઓનું કંઈ ના કહેવાય...
એટલામાં રાવણે બીજો બીયર ફોડ્યો
રાવણ ઉવાચઃ હે અનાવિલ શ્રેષ્ઠ, તમે વચ્ચે નહીં બોલો. હું કહું એ આગળ સાંભળો... જ્યારે મારા અતિપ્રિય પુત્ર ઈન્દ્રજીતનો વધ થયો ત્યારે મારી મિનિસ્ટરીમાંથી એક મિનિસ્ટર સુપાશ્ર્વએ મને સલાહ આપી કે, હે રાજન હવે આપ સ્વયં યુદ્ધ કરો.. અને હું મહાપ્રતાપી શિવ ભક્ત લંકાપતિ રાવણ, મહાદેવની પૂજા કરીને લડવા તત્પર થયો. આ સંવાદ વાલ્મીકિ મહારાજે લખ્યા છે... હવે ધ્યાનપૂર્વક સાંભળો, વાલ્મીકિના 'યુદ્ધકાંડ'ના સર્ગ 92ના શ્લોક 66 મુજબ સ્પષ્ટ લખેલ છે કે તે દિવસ અમાસનો છે.
અભ્યુત્થાનં ત્વમધૈવ કૃષ્ણપક્ષચતુર્દશી ।
કૃત્વા નિર્યાહ્યમાસ્યાં વિજય બલૈર્વૃત: ।।
ભાદરવી અમાસ પછીના દિવસે મેં ઘમાસાણ યુદ્ધ આરંભ્યું. એ વિશે યુદ્ધકાંડ અધ્યાયના સર્ગ 93થી 107મા યુદ્ધનું વર્ણન વાલ્મીકિએ વિગતવાર લખ્યું છે. જેમાં પણ યુદ્ધ વિરામ કે નાઇટ હોલ્ટ હતો નહીં અને ન તો તેની વાતો લખી. યુદ્ધકાંડ અધ્યાય સર્ગ 108ના શ્લોક 65 અને 66 મુજબ...
દેવદાનવયક્ષાણાં પિશાચોરગરક્ષસામ્।
પશ્યતાં તન્હદ્ યુદ્ધં સર્વરાત્રમવર્તત।।
નૈવ રાત્રિ નદિવસં ન મુહૂર્તં ન ચ ક્ષણમ્।
રામરાવણયો યુદ્ધં વિરામમુપગચ્છતિ।।
જ્યારે રામે રાવણના એટલે કે, મારા એક પછી એક માથા ઉડાવ્યા ત્યારે સાલા એકસો ને એક માથા પૂરા હતા. આ દશ માથાનું પણ ગપ્પું ચાલે છે ભાઇ...
એવમેવ શતં છિન્નં શિરસાં તુલ્યવર્ચસામ્।
ન ચૈવ રાવણસ્યાન્તો દશ્યતે જીવિતક્ષયે।।
આ 57મો શ્લોક છે. શતંનું દશંમ કરી નાંખ્યુ ભાઇ, ત્યારે યુદ્ધકાંડના અધ્યાય 107 મુજબ આ લડાઇ 7 દિવસ ચાલી.
હવે હે અનાવિલ શ્રેષ્ઠ, તમે અમાસ અને ત્યારબાદના 7 દિવસને જોડો... કયો દિવસ આવે...?
આઇ રિપ્લાઇડ: શહસ્ત્રાનંદ રાજન, ઓબવિયસલી આસો સુદ આઠમ... ડોન્ટ આસ્ક સિલી ક્વેશ્ન.
શહસ્ત્રાનંદે બીજો ગલાસ ભર્યોઃ ધેર યુ આર... ડિયર આ વિજયા દશમી અને દશેરાના દિવસે હું નથી મર્યો. રામે આસો સુદ આઠમે મને મારેલો. એ પણ પેલા રાસ્કલ ભાતૃદ્રોહી વિભિષણે આખું સસપેન્સ ફોડી નાંખેલું એમાં... બાકી હું કંઈ એમ ના મરું. સાલું મરવાવાળાને તો પૂછો કે, ભૈયા તુમ કબ મરે? મંડી પડ્યા પૂતળા બાળવા..
આઇ આસ્ક્ડ: હે કૈકશીનંદન, ચાલો માની લીધું કે આપ આઠમે આય મીન આજના દિવસે વૈકુંઠ ગયા... બટ આ રામ સાથે મચમચ થવાનું કારણ શું હતું...?
રાવણઃ ભાઇ, જનકે દીકરીનો સ્વયંવર રાખેલો એટલે આપણે પણ ત્યાં પહોંચી ગયા. મારા હાથે શિવધનુષ તૂટવાનો સવાલ નથી. આ લંકેશે તો શિવ અને પાર્વતી સાથે હિમાલય ઉઠાવ્યો છે. બટ મારો ટર્ન આવતા જ આ રામના એજન્ટોએ મને સમાચાર પહોંચાડ્યા કે સોનાની લંકા સળગી ગઇ. હવે આવા સમાચાર સાંભળીએ તો સ્વભાવીક રીતે માણસ દોડી જાય... હું પણ લંકા દોડ્યો, પણ એવું કશું નહીં હતું એટલે પાછો જનકપૂરી આવ્યો. પણ એટલા સમયમાં રામ સિયાને વરી ગયો... ત્યારે જોકે આપણે લેટગો પણ કર્યું, પરંતુ સાલું મારી બેન સુર્પણખાએ આઇ લવ યુ એન્ડ વોન ટુ મેરી યુ... એટલું કીધું એમાં એના નાક અને કાન કાપી લીધા.. બહેનની ફજેતી કોઇ ભાઈ ના ચલાવે. તો હું તો લંકેશ છું, એટલે રામની બાયડી ઉપાડી લાવીને બદલો લીધો.. અને રાવણ લક્ષ્મણ રેખા પાર નહીં કરી શક્યો એ પણ તુલસીદાસનું ગપ્પુ હતું. વાલ્મીકિને લક્ષ્મણ રેખા નહીં દેખાઈ અને તુલસીને દેખાણી...? મચમચની શરૂઆત રામે કરેલી, મેં નહીં... કોઇવાર રામ મળે તો પૂછજો, એમની પણ એક બહેન છે શાંતાતાઇ. ક્યારે રક્ષાબંધન કે ભાઇબીજ કરવા ગયા છો..? અને પાછા સતીની અગ્નિપરીક્ષા કરવા નીકળ્યા મર્યાદાપુરુષોત્તમ... અહો આશ્ચર્યમ!
આઇ સેઇડ: હે મહાત્મા રાવણ, હે બ્રહામણશ્રેષ્ઠ... આપની વાત સ્વીકારી શકાય એવી છે. ભાઇલા બડી જ્યાદતી હુઇ તુમસે... બટ કાંઇક તો કારણ હશે... બાકી ઘરાર આવું ગપ્પું ના થાય...
રાવણ ઉવાચ: પેલો મહામુર્ખ શિરોમણી, જે ડાળી ઉપર ઊભેલો હતો એ જ ડાળીને કાપતો હતો એવો કાલિદાસ રઘુવંશમ લખી ગયો, એમાં એ આવું ગપ્પું ઠોકી ગયો છે કે, રાવણ દશેરે મર્યો... એમાં વલ્લભ ભટ્ટે સૂર પુરાવ્યો અને બસ દોડતાને ઢાળ મળ્યો... અરે ચૈત્ર માસનાં શુક્લ પક્ષમાં રામને ગાદીએ બેસાડવાનું મુહૂર્ત વશિષ્ઠે કાઢેલું અને એ જ દિવસે 14 વર્ષનો વનવાસ થયો એટલે રામ ચૈત્રમાસનાં શુક્લપક્ષમાં બેક ટુ હોમ થયા. બાકી જો લેટ થતે તો ભરત ચિતાએ સળગી જતે. એમાં આ હારા મરાઠી માણુસો ગુડી પડવાને દા'ડે રામની વાપસીની પત્તર ઠોકે રાખે છે... તમે જ વિચારો કેમ કે હું તો આઠમે વૈકુંઠ હાલી ગએલો.
આઇ સેઇડ: હે રાવણ, યહાં મુર્ખો કી બસતી હે, ગુંગે બોલતે હે... બહેરે સુનતે હે... આગે તુમ સમજદાર હો... બાકી બાપુ, તારું રાવણત્વ અમર છે, જેનો પુરાવો પ્રતિવર્ષ બળાતા પૂતળા છે. બાકી વારે વારે બાળવા ના પડે અને આજે પણ દરેક બહેન રાવણ જેવો જ ભાઇ ઇચ્છે છે, નહીં કે રામ જેવો... યુ આર અ જેમ...
મારી વાત સાંભળીને લિટરલી રડી પડ્યો દશાનંદ. બાપડાને શાંત રાખવા એક ઝપ્પી આપવી પડી. ત્યાં તો એણે બીજો બીયર ખોલી નાંખ્યો અને ગ્લાસ ભરવા માંડ્યો...
મને થયું આ તો બહુ ચાલવાનું, એટલે મેં મારો સિંગલ પેગ બોટમઅપ કરીને આવજો કહી ચાલવા માંડ્યું... રાવણે મારો સેલ નંબર લીધો, વોટ્સેપ મેસેજ કરવા..
પાછળથી શિવ મહાસ્ત્રોતમવાળા બુલંદ સ્વરમાં અવાજ સાંભળ્યો. ઓઇ બેરા... દેસાઇ સાહેબ કા બિલ અપને ખાતે મેં ડાલ દેના. ઓર સા'બ કો ગાડી તક છોડ કે આના.. સાલા કોઇ તો સમજદાર મીલા..
(આ સંવાદો બેમતલબ છે. અસલમાં મારે સડી કરવી હતી, તંદ્રા તૂટી હોય તો જાગો અને લાગણી છંછેડાય હોય તો થેન્ક યુ... વળી, દશેરાએ પૂતળા બાળીને કાર્બન ડાયોકસાઇડનું લેવલ વધારો છો... બસ થોડા સોચના.)
(આ વિચાર લેખકના પોતાના છે. khabarchhe.com માત્ર આ વિચારોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. લેખકની કલ્પનાની જવાબદારી લેખકની ખૂદની છે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર