અનુરાધા

25 Dec, 2016
12:00 AM

PC: wordpress.com

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

 

અનુરાધાએ તાળામાં ચાવી ફેરવી.

એની પીઠ હોવા છતાં એ જાણતી હતી કે સામેના ઘરની સ્ત્રી એકીટસે એને જોયા કરતી હતી. નીચા નમી બેગ લેવા જતાં એ થોડું ફરી અને પાછળ જોયું. પેલી સ્ત્રીએ ફટ ડોકું અંદર ખેંચી લીધું અને બારણું ધક્કા સાથે બંધ થઈ ગયું.

અનુ બેચાર વખત, નવા ઘરની સામાનની ગોઠવણ માટે આવી હતી ત્યારેય આ સ્ત્રી આમ જ બહાર આવીને ઊભી રહી જતી. એના અધખુલ્લા બારણામાંથી, બાળકોની તીણી ચીસો અને કોઈ સ્ત્રીની તારસપ્તક પરની વાગધારા વચ્ચે જામેલી જુગલબંધીના સૂરો વહી આવતા. એ સ્ત્રી એની જેઠાણી અથવા સાસુ હોવી જોઈએ - જો એણે જરાય આ સંબંધ વિષે વધુ જાણકારી મેળવવાની ઈચ્છા દર્શાવી હોત તો એ સ્ત્રી ખૂબ ઉત્સુક હતી. એ તો અનુ સ્પષ્ટ જોઈ શકી હતી.

જ્યારે અનુએ એ સ્ત્રી અવગણીને સીધું ઘરમાં જ જવા માંડ્યું, એટલે એ સ્ત્રીએ શિકારની જેમ એની પર હલ્લો જ કર્યો. એક બપોરે, નોકરને સાથે લઈ ઘર સાફ કરાવવા આવી, ત્યારે એ સ્ત્રી લડાયક મુદ્રામાં એના ઘરની પાસે જ ઊભી હતી. હમણાં અનુ ઘરમાં ઘૂસી જશે એ ભયથી એણે કશી પ્રસ્તાવના કર્યા વિના જ બારણાની તકતી તરફ આંગળી ચીંધીને સીધું જ પૂછ્યું હતું :

'આ અનુરાધા ઝવેરી લખ્યું છે, એ જ તમારું નામ ને !'

અનુએ જરા હસીને ડોકું ધુણાવ્યું. ત્યાર પછી બીજો પ્રશ્ન શો હશે તે પણ એ જાણતી હતી.

'તે તમારા એકલાનું નામ કેમ? તમારા વરનું.....'

'હું પરણી નથી.'

અનુરાધાને અનુભવ હતો કે જ્યારે પણ એણે આ શબ્દો કોઈ સ્ત્રીને કહ્યા છે, ત્યારે હંમેશાં એમના ચહેરા પર કુતૂહલ છવાઈ જાય છે. પોતે હજી સુધી શા માટે પરણી નથી એ જાણવાની તાલાવેલી પણ એમની આંખોમાંથી સ્પષ્ટ વાંચી શકાય છે.

એ ઘરમાં પ્રવેશી અને બારણું બંધ કર્યું. ક્ષણભર તો એ એમ જ ઊભી રહી ગઈ. એક અજબ આત્મીયતાએ એને બાથમાં લઈ લીધી. આ મારું ઘર. મેં વસાવેલું. માનસશાસ્ત્ર વિષયનાં એનાં પુસ્તકોની રોયલ્ટી, રેડિયો, ટીવી કે વ્યાખ્યાનોનો પુરસ્કાર, એ સઘળી રકમ એ ઘર ખાતે જમા કરતી, અને આખરે એનું સ્વપ્ન આ સિમેન્ટ-કોન્ક્રીટની દીવાલોમાં ચણાયું હતું.

એ ઘરમાં ફરવા લાગી. એક મોટો દીવાનખંડ, રસોડું અને આ બાલ્કની. ઘર જોવા આવતાં પહેલાં જ એણે દલાલને પૂછ્યું હતું, 'ઘરમાંથી આકાશ દેખાય છે ને ! એક ઓરડો ઓછો હોય તેનો વાંધો નહીં, પણ નાનકડી બાલ્કની તો જોઈએ જ.'

દલાલ નવાઈ પામી એને જોઈ રહ્યો હતો.

આખરે એવું જ ઘર મળ્યું હતું. શાંત વિસ્તારમાં નાનકડી બાલ્કનીવાળું બે ઓરડાનું ઘર. દીવાનખંડના ખૂણાની ટિપાઈ પર બાપુજીની તસવીર હતી. ચોરસ ફ્રેમમાંથી બાપુજી સ્થિર નજરે જાણે એને જ જોઈ રહ્યા હતા. બાપુ એટલે અંગત મિત્ર. આ ક્ષણે બાપુ હોત તો અનુને નજીક ખેંચી, એના માથે હાથ ફેરવતાં ગૌરવથી કહેત, મારી અનુએ બાંધેલો આ રાજમહેલ.

બાપુનાં સ્મરણોનું જાળું એની આસપાસ ગૂંથાઈને એને જકડી લે એ પહેલાં, વાર્તાની અધૂરી ચોપડી લઈ એ પલંગમાં પડી. જમવાનું બહાર પતાવીને આવી હતી, એટલે રસોઈની નિરાંત હતી.

બારણાંની ઘંટી રણકી ઊઠી. અનુરાધા નવાઈ પામી ગઈ. હજી નવા ઘરમાં હમણાં જ એ રહેવા આવી. સરનામું પણ ખાસ કોઈ જાણતું ન હતું. એણે બારણું ખોલ્યું.

એ જ તો હતી સામેના ઘરની સ્ત્રી. એના ઘરની ધાંધલધમાલના અવાજોનું આવરણ પહેરીને એ જાણે ઊભી હતી અને એની આંખોમાં અનેક પ્રશ્નોનો સળવળાટ હતો.

બારણાની વચ્ચે જ ઊભા રહી અનુરાધાએ પૂછ્યું :

'શું કામ છે તમારે?'

અનુરાધાની અલગપણાની દીવાલ ભાંગવા એ પણ આજે સજ્જ થઈને આવી હતી. એટલે એ મક્કમતાથી ત્યાં જ ઊભી રહી, પણ અનુરાધા નિરસ રીતે છેક જ આવો પ્રશ્ન પૂછશે એવું કદાચ એણે ધાર્યું નહોતું.

હસવાનું કરતાં એ બોલી :

'કામ તો શું હોય મારે? આ તો આપણે પાડોશી. તમે નવાસવા છો આ ઘરમાં. કાંઈ જોઈતું-કારવતું હોય... હેં... હેં...'

'થેંક યૂ, મારે કંઈ જોઈતું નથી.'

'અરે બાઈ કાંઈ જોઈતું હોય તો બોલાવશો ક્યાંથી, નામ તો તમે પૂછ્યું નહીં, ને મેં કીધું નહીં. મારું નામ હસુમતી. ચૌદ વરસ થઈ ગ્યા આ ઘરમાં.'

એ વિષે અનુરાધાને પોતા તરફથી કંઈ ઉમેરવા જેવું ન લાગતાં એ ચૂપ રહી. એ ઘર બંધ કરી લે એ પહેલાં, અનુરાધાની બાજુમાંથી અંદર સુધી નજર દોડાવી લીધી.

'તમારી બા કે કોક સગુંવહાલું તો હશે ને. બાકી ઘરમાં એકલાં નો સોરવે હોં. પુરુષોની વાત નોખી પણ આપણે બાઈ માણસને બધાંય જોવે.'

અનુરાધાને કહેવું પડ્યું.

'આજે હું ખૂબ થાકી ગઈ છું. હવે સૂઈ જાઉં.' અને તરત બારણું બંધ કરી દીધું.

વાર્તા પૂરી કરવામાં રાત્રે સૂતાં મોડું થઈ ગયું. એટલે સવારે પણ મોડું થઈ ગયું. એ નહાવા બાથરૂમમાં ગઈ, ત્યારે પેલી સ્ત્રીનો કર્કસ ઘાંટો અને બાળકોની ચીસાચીસ પાણીના ધારા વીંધીનેય બરાબર સંભળાતાં હતાં.

ઝડપથી તૈયાર થઈ એ કૉલેજ પહોંચી ત્યારે હંમેશની જેમ થોડી વહેલી હતી. કૉલેજની કેન્ટીનમાં રોજની જગ્યાએ ગોઠવાઈ એણે ચા અને ટોસ્ટ મંગાવ્યાં, અને બાજુમાં પડેલું સવારનું છાપું ખોલ્યું.

'મિસ ! તમારી સાથે જરા વાત કરવી છે.'

અનુરાધાએ છાપું ગડી કર્યું. 'અરે શુભદા ! અરે એમાં સામે ઊભી રહી રજા શું માગે છે? બેસ. ચાલ ચા પીશે મારી સાથે?'

શુભદા સંકોચાતી સામેની ખુરશીમાં બેઠી. અને નીચું જોઈ ચોપડીનાં પાનાંની કોર વાળવા લાગી.

અનુરાધા હસી પડી.

'કેમ રે શુભ ! શરમાય છે શાની? લગ્ન છે ને તારાં ?'

શુભદા ચમકી પડી,

'તમને કેમ ખબર પડી? મેં તો હજી કોઈને કહ્યું નથી.'

એના કંપી ઊઠેલા હોઠ અને ઢળી પડેલી કાજળઘેરી પાંપણો જોઈ રહેવાનું અનુને મન થયું.

'એમાં મારે જ્યોતિષી બનવાની કે કોઈને પૂછવાની જરૂર નથી. શુભ ! તારી આંખોમાંથી તો મેં વાંચ્યું. ફૂલ રોજ સવારે ઊગે છે ત્યારે એની પાંદડીઓ પર સૂરજનાં કિરણોનો હિસાબ નથી લખતું, શુભ !'

શુભદા લજ્જાથી ઝૂકી ગઈ. અનુરાધા એને જોઈ રહી. અઢાર-ઓગણીસની પાંગરતી વય. આ વયમાં મા-બાપોને પુત્રીઓની આંખોમાં સ્વપ્નાં રોપવાનું કેમ સૂઝતું નહીં હોય ! શુભદા સુંદર હતી, હસમુખી હતી. કોઈ પણ યુવક એને પસંદ કરી લે અને મા-બાપ શાંતિનો શ્વાસ લે. હાશ ! દીકરી ઠેકાણે પડી ગઈ. આખરે સારો વર, સાસરું મળી જાય એથી વિશેષ છોકરીને જીવનમાં બીજું જોઈએ શું? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર કે ડૉક્ટરછોકરો મળ્યો તો તો મા-બાપ ધરતીથી બે વેંત ઊંચાં. પણ જો ગ્રીનકાર્ડવાળો ફોરેનનો મળી ગયો તો તો ધનભાગ્ય ને ધનઘડી.

'અચ્છા શુભ, શરમાયા જ કરીશ કે પછી કંઈક કહીશ ખરી?'

અનુરાધાએ ચાનો ઘૂંટ ભર્યો શુભદા તરફ ટોસ્ટની પ્લેટ ખસેડી બીજી ચા મંગાવી. આ જ શુભદાને એણે કહ્યું હતું,

'શુભદા ! તું પેઈન્ટિંગ ખૂબ સરસ કરે છે, તો તું એસ.એસ.સી. પછી સીધી આર્ટ સ્કૂલમાં કેમ ન ગઈ? તું બી.એ. શું કામ કરે છે?'

શુભદાએ તોલદાર ના પાડેલી.

'ના, મિસ ! એની વેલ્યૂ શી? ભાઈએ પણ ના પાડી. એ કહે દિવાળીમાં રંગોળી કાઢતાં આવડે એટલે બસ.'

વેલ્યૂ, કિંમત. સ્વપ્નોની કિંમત આંકતાં આ ઊગતી છોકરીઓને કોણ શીખવશે? આવી સરસ, ગભરુ છોકરીઓ પર ડિગ્રીનાં લેબલ લગાવી દેવાથી લગ્નનાં બજારમાં માલ તરત વેચાઈ જાય છે.

અનુએ પૂછ્યું :

'કોણ છે યુવાન? શું કરે છે? એને સાથે લાવી હોત તો?'

'સાથે કેવી રીતે લાવું. મિસ ! એમના વિષે હજી મને કંઈ વધારે ખબર નથી.'

'એટલે ?'

'હું હજી એમને મળી જ નથી, મિસ !'

અનુરાધા આઘાત પામી ગઈ ! 'અરે શુભ ! જેની સાથે તારાં લગ્ન થવાનાં છે એને તું મળી નથી?... હું માની નથી શકતી, શુભ !'

શુભદાનું મોં ફરી ખીલી ઊઠ્યું.

'આનંદ અમેરિકા સેટલ થયો છે. મળવાની કે વાતો કરવાની તક જ ક્યાં મળી છે એમને? એ ત્રણ અઠવાડિયાં માટે આવે છે. અહીં એમનાં કુટુંબ સાથે લગ્નનું બધું નક્કી થઈ ગયું છે. આનંદ આવશે કે તરત લગ્ન પછીનાં બે અઠવાડિયાં કાશ્મીર ફરીશું ને પછી અમેરિકા.'

ઠંડી પડી ગયેલી ચાના કપમાં માખી તરફડતી હતી. જોરથી ફરતા પંખાને લીધે ટોસ્ટ હવાઈ ગયા હતા. કેન્ટીનમાં પ્યાલા-રકાબીનો ખણખણાટ અને બૂમો વધી ગયાં હતાં. એ અવાજોની ઊછળતી છોળો વચ્ચે અનુરાધા જાણે ટાપુ રચીને બેઠી હતી. કશું જ એને સ્પર્શ્યું નહીં.

અનુરાધા પરાણે પણ કોન્ગ્રેચ્યુલેશન્સ ન બોલી શકી.

'અચ્છા શુભ ! તું તો પછીથી અમેરિકા જશે ને? પરીક્ષા બહુ દૂર નથી!'

'ના, મિસ ! આનંદની બહુ ઈચ્છા છે કે જોડે જ જવું, અને બધાં કહે પેપર્સ તૈયાર છે પછી શું કામ રોકાઈ જવું? બી.એ.ની ડિગ્રીની ત્યાં કંઈ વેલ્યૂ નથી, મિસ ! મારું અંગ્રેજી સરસ છે એટલે વાંધો નહીં આવે. ચાલો મિસ ! ઊઠું. શોપિંગ પર જવું છે. ખાસ તમને મળવા જ આવી હતી. કંકોત્રીનો સમય રહ્યો નથી, હું તમને ફોન કરીશ. લગ્નમાં આવવાનું છે, નહીં તો મને ખોટું લાગશે.'

શુભદા ચાલી ગઈ. અનુરાધાએ ઈશારો કર્યો. કેન્ટીનનો છોકરો ટેબલ પરથી કપરકાબી લેવા આવ્યો. બધું જેમનું તેમ જોઈ, એણે વીલા મોંએ પૂછ્યું :

'ચાય અચ્છા નહીં ક્યા?'

'નહીં, નહીં, ચા ફર્સ્ટક્લાસ થા.' ટેબલ પર પૈસા મૂકી એ ઊભી થઈ ગઈ. શુભદાનું લજ્જાભર્યું ઢળેલું મુખ એના હૃદયમાં દર્દ જગાવવા લાગ્યું. એણે શા માટે આમ દુઃખી થવું જોઈએ? આટલાં વર્ષના અધ્યાપનના અનુભવમાં ઘણી બધી શુભદાઓ આમ જ પરણીને ચાલી ગઈ હતી. કૉલેજનું નવું સત્ર ખૂલતાં જ ગયા વર્ષના ઘણાં પરિચિત ચહેરાઓ વર્ગમાં દેખાતા નહીં.એ એમને વિષે પૂછતી, ત્યારે ખબર પડતી એમાંની ઘણી છોકરીઓ લગ્ન કરી 'ઠેકાણે' પડી ગઈ હતી, અને પછી જીવનના નકશા પરથી ભૂંસાઈ જતી.

માનસશાસ્ત્રનો વિષય શીખવતાં શીખવતાં, એ છોકરીઓનાં અરમાનો, આકાંક્ષાઓ જગાવવાનો પણ પ્રયત્ન કરતી. એ કહેતી, લગનસંસ્થા સામે મારો વિરોધ થોડો છે? મનગમતો સાથીદાર મળવો એ જેવું તેવું નસીબ નથી. પણ પરિણીત જીવનમાં તમારું અસ્તિત્વ પણ ન રહે એમ ઓગળી ન જાઓ. જીવનનો એક ટુકડો એવો બાકી રાખો, જે તમારો જ હોય. એના પર કોઈનો માલિકીહક્ક ન હોય.

અનુરાધા ધીમે પગલે કેન્ટીનમાંથી બહાર નીકળી.

અને હવે આ જ શુભદા થોડાં વર્ષો. પછી ક્યાંક રસ્તામાં મળી જશે. શરીર પર સંપત્તિની ચરબી જામી જશે. કાનમાં હીરાનાં લવિંગિયાં ચમકતાં હશે, બે-ત્રણ બાળકો અમેરિકી અંગ્રેજીમાં બોલતાં હશે, અને શુભદા હસીને બળાપો કરશે - જુઓને મિસ ! મહિના માટે ઈન્ડિયા આવી હતી. પણ યૂ.સી. ફાવતું નથી અહીંયાં.

એ બોલતી રહેશે અને અનુરાધા મેઈકઅપના થર નીચે એક પોયણી જેવો ચહેરો શોધતી રહેશે.

એ કૉરિડોરમાં આવી. બેલ વાગવાને વાર નહોતી અને છોકરાં-છોકરીઓનાં ટોળાં અહીંતહીં ફરતાં હતાં. છેલ્લામાં છેલ્લી ઢબનાં આધુનિક વસ્ત્રો, હેરસ્ટાઈલ, મેઈકઅપ-આ સઘળાં આધુનિક આવરણો નીચે હજી એ જ ગઈ સદીની છોકરી વસતી હતી જે કુટુંબીજનોને એક ઈશારે પાનેતર પહેરી બેસી જવાની હતી.

હજી ત્રણ-ચાર દિવસ પહેલાં જ શ્વેતા મળી ગઈ હતી. એક વખતની કૉલેજની પ્રસિદ્ધ ભારતનાટ્યમ ડાન્સર. કૉલેજનાં બધાં ફંકશનોમાં શહેરની જાણીતી સામાજિક સંસ્થાઓથી માંડીને આંતરરાષ્ટ્રીય યુથ ફેસ્ટિવલ સુધી સૌની માનીતી. ઘણાં ઈનામો મેળવ્યાં હતાં એણે.

અચાનક શ્વેતા મળી જતાં અનુરાધા ખુશ થઈ ગઈ.

'કેમ શ્વેતા ! મુંબઈમાં જ રહે છે કે શું? મળવા કેમ નથી આવતી?'

શ્વેતાએ ઉમળકાથી અનુના હાથ પકડી લીધા. 'એ તો લાંબી વાત છે, નિરાંતે કહીશ. પણ તમે શું જાણો, હું તમને ખૂબ યાદ કરું છું.'

એના આ શબ્દોની સપાટી નીચે કશુંક હતું. અનુરાધા એ પકડી ના શકી. એથી અસ્વસ્થ થઈ તેણે તરત પૂછ્યું :

'તારી નૃત્યસાધના કેમ ચાલે છે? તું તો કુચીપુડીનાં રિસર્ચ કરતી હતી, ખરું? તારી થીસિસ પ્રગટ થઈ ગઈ? ને તારા ડાન્સના ક્લાસમાં તો મને કોઈ વાર બોલાવ.'

અનુરાધાને થયું એના હાથમાં જકડાયેલા શ્વેતાના હાથ અચાનક ઠંડા પડી ગયા છે. હાથ સેરવી લઈ હસવાનું કરતાં એ બોલી :

'થીસિસ તો અધૂરી જ રહી મિસ ! હા, દાળ-તેલના ભાવ કહો તો કડકડાટ મોંએ બોલી જાઉં.'

અનુરાધા કશું ન બોલી શકી. આમ જુઓ તો આઘાત ન લાગવો જોઈએ. ઘણીવાર આવા અનુભવો થયા છે એને. આ જ તો કથા હતી, જેનું હંમેશાં પુનરાવર્તન થયા કરતું.

'લગ્ન પહેલાં મેં મારા પતિને બધી વાતો કરી હતી. તોય નૃત્યની કેરિયર છોડવી જ પડી. સૌને ઘરમાં વરણાગિયાવેડા લાગતા હતા. હા, એમની સાથે ક્લબમાં ડાન્સ સરું છું. લ્યો ત્યારે જાઉં? ક્યારેક કૉલેજમાં ટપકી પડીશ.'

વર્ગમાં લેક્ચર આપતાં શુભદાનો ચહેરો સતત નજર સામે તરવરતો હતો. એણે ક્લાસ વહેલો છોડી દીધો અને સ્ટાફ રૂમમાં આવી કડક ચા પીધી, છતાં મૂડ ન આવ્યો. એની બાજુમાં જ ટ્યૂટૉરિયલ્સનો થોકડો પછાડતાં મિસિસ મહેતા આવીને બેઠાં.

'તમે નસીબદાર છો હોં, અનુરાધાબહેન !'

મિસિસ મહેતાની વાત શરૂઆતથી માંડીને અંત સુધી એ કલ્પી શકતી. છતાં એ રસથી સાંભળવાનો દેખાવ કરતી.

'કેમ, મારા નસીબ પર આજે ખુશ થઈ ગયા?'

'ન કશી ઘરની ચિંતા, ન બાળકોની જવાબદારી, નહીં વરની તાબેદારી. સાચું પૂછો તો મને તો કૉલેજનું કામ કરવાનો પૂરો સમય પણ નથી મળતો. રોજ તમારી ઈર્ષા કરું છું.'

અનુરાધા ચૂપચાપ હસી. આવી વાતનો શો જવાબ હોઈ શકે? એ જાણતી હતી, આ જ મિસિસ મહેતા કહેતા હોય છે. નક્કી દાળમાં કાળું છે એટલે જ તો અનુ રહી ગઈ છે.

મિસિસ મહેતા સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ છે. છતાં માને છે કે લગ્ન સિવાય સ્ત્રીનું પરમ સૌભાગ્ય બીજું કશું નથી. કૉલેજમાંથી મળતા પગાર સિવાય બીજા શેમાંય એમને રસ નથી. એમના વર્ગમાં પણ પરીક્ષાની દૃષ્ટિ રાખી જરૂર પૂરતું શીખવે છે.

સાંજે ઘરને લગતું થોડું શોપિંગ પતાવી, એ સાંજે ઘરે આવી ત્યારે બાનો પત્ર હતો.

'ચિ. વહાલી અનુ !'

આખરે તું નવું ઘર લઈને જ જંપી. આજે હરેક પેડી પર સ્નાન કરવા એક બાઈ આવી હતી. અદલ તારા જેવી લાગતી હતી. તું ખૂબ સાંભરી આવી. એની બે મઝાની દીકરીઓ જોઈ મારો જીવ બળી ગયો. અરે રે ! મારી અનુના નસીબમાં આ લખાયું જ નથી? મેં પહેલાં ય તને છુટ આપી હતી. તું પરજ્ઞાતિના છોકરાને પસંદ કરીશ તો હું વાંધો નહીં લઉં. તારી લીલી વાડી જોઈ આંખો ઠારીને જાઉં...'

બાના પત્રથી બાપુનું સ્મરણ તીવ્ર થઈ આવ્યું. કપડાં બદલી કૉફી બનાવી, એ બાલ્કનીમાં આવીને ઊભી રહી. બા સાથે આમ પણ પહેલેથી ઝાઝું બન્યું નહોતું. બા એનાં ધર્મકર્મ-ક્રિયાકાંડથી એટલી ઘેરાયેલી રહેતી કે એની પેલી પાર એ પતિ કે પુત્રીના હૃદય સુધી ક્યારેય પહોંચી શકી નહીં.

બાપુની તો વાત જ નિરાળી હતી. એ અંગત મિત્ર હતા. એ કૉલેજ સુધી ય પહોંચ્યા નહોતા. પણ હર વાતને એ જુદા જ દૃષ્ટિકોણથી જોઈ શકતા. બાપદીકરીનો એક આગવો પુસ્તકોથી ભરેલો ઓરડો હતો, જ્યાં બાની વ્યવસ્થાની સત્તા ચાલી શકતી નહીં.

અનુરાધા બી.એ.ના છેલ્લા વર્ષમાં હતી ત્યારથી બા રોજ બાપુની પાછળ પડતી : આ છોકરીએ જો ગજું કાઢ્યું છે. મારા ખ્યાલમાં બે-ત્રણ ઘર છે, આવતા રવિવારે...

'જો બા, એ જોવા-કરવાનું મને નહીં ફાવે, મને એનો ટેલિફોન નંબર આપ, હું તને પછી જવાબ આપી દઈશ.'

અને અનુએ ના પણ પાડી હતી - પ્લીઝ બા ! એ વાત રહેવા દે. મને એ તારા સુખી ઘરના એન્જિનિયર સાથે નહીં ફાવે.

બા તે દિવસે કંઈ રડી છે ! પણ બાપુ તો શાંત. હંમેશની જેમ પ્રફુલ્લ !

'એમાં રડે છે શાની? પ્રલય થઈ ગયો છે પૃથ્વીનો?'

'તમે બંને ભેગાં થઈ મારું જીવન ધૂળ મેળવશો. લગ્ન કરવાના એટલે કરવાના. એમાં ફાવવાનું શું? આખું ગામ પરણે છે તે મૂરખ હશે !'

'ગામની વાત હું શું જાણું? અનુની મરજી વિરુદ્ધ હું કંઈ નહીં થવા દઉં.' અચાનક અનુરાધાને પડખામાં ખેંચી સ્નેહથી કહેલું, 'જો બેટા ! લગ્ન કરવા ખાતરી કદી ન કરતી. જેની સાથે મનમેળ થાય એની સાથે જ લગ્ન કરજે. જિંદગી ખૂબ મલૂ્યવાન છે. એને વેડફી નહીં દેતી.'

પહેલી જ વાર બાપુ એને વૃદ્ધ અને હતાશ લાગ્યા હતા, અને પહેલી જ વાર એને પ્રશ્ન થયો હતો - બાપુએ આટલાં વર્ષો બા સાથે શી રીતે વીતાવ્યાં હશે?

એક ડૉક્ટરની સાથે એ થોડું ફરી હતી. એ ભોળો અને સીધો-સાદો હતો. અનુરાધાએ કહ્યું :

'બી.એ. પછી હું શું કરીશ એ તો તમે મને પૂછ્યું જ નહીં.'

'લગ્ન.' એણે સ્વસ્થતાથી હસીને કહ્યું હતું.

'લગ્ન પછી?'

'લગ્ન પછી ઘર, બાળકો અને હું...' એટલું કહેતાં એ ખડખડાટ હસી પડેલો.

'ખોટું. લગ્ન પછી પીએચ.ડી. અને કૉલેજમાં પ્રોફેસર.'

ડૉક્ટર હસતાં હસતાં અટકીને સ્થિર થઈ ગયા હતા, અને એટલું જ બોલ્યા હતા - ખરેખર?

'મને શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ રસ છે. મારા વિષયના સંશોધન સાથે લેખન પણ કરવું છે.'

'પણ નોકરીની શી જરૂર છે? મારી પ્રેક્ટિસ સરસ ચાલે છે, ઓનરશિપનો ફ્લેટ છે અને....'

ત્યાર પછી અનુરાધાને મળવાની એમણે કોશિશો કરી, પણ અનુરાધાએ વાતનો બંધ વાળી દીધો હતો. નહીં ડૉક્ટર. આપણને સાથે નહીં ફાવે. જિંદગીને જોવાની આપણી દૃષ્ટિમાં જ ફેર છે ત્યાં આપણે સાથીદાર શી રીતે બની શકીએ?

બાએ હંમેશની જેમ જીવ બાળ્યો હતો.

'નોકરીમાં શું હીરામોતી ટાંગ્યાં છે કે આવો છોકરો હાથમાંથી જવા દીધો?'

'એ તને નહીં સમજાય, બા ! પૈસા ખાતર માત્ર નોકરી કરવી છે એવું થોડું છે? પોતાની શક્તિનો આવિર્ભાવ એટલે શું, એ ઘણાં લોકો નથી સમજી શકતાં - ત્યાં તારો દોષ શી રીતે કાઢું?'

એ એમ.એ. થઈ ગઈ હતી, રિસર્ચ કરતી હતી ત્યારે બાપુ મૃત્યુ પામ્યા. બા પણ હવે હલ્લો ન કરતી. ક્યારેક નિમાણું મુખ લઈ રડી પડતી.

'હું જાણું છું તેં કંઈ નથી કર્યું, અનુ ! પણ લોકો તો ગણગણાટ કર્યા કરે કે છોકરીમાં કોઈ એબ હશે ત્યારે લગ્ન ન થયાંને!'

બા હવે સંપૂર્ણ એની ભક્તિના કિલ્લામાં કેદ થઈ ગઈ હતી. આજના કાગળની જેમ ક્યારેક બા એને સ્મરી લેતી.

રાત છલકાતી નદીની જેમ ખળખળ વહેતી હતી. એને કિનારે એ ઊભી હતી સ્વસ્થ. પોતાના ઘરમાં, પોતાના અસ્તિત્વની લીલી વાડીમાં, પોતે નિર્મેલી પોતાની સૃષ્ટિમાં.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.