હૃદયસ્થ
હળવા હાથે જ્યોતિબહેને પોતાની અંગત ડાયરીનું પ્રથમ પૃષ્ઠ ખોલ્યું. પૃષ્ઠ ન ઉંચકાતા જાણે કાળ પડખું ફરી રહ્યો હોય તેમ જ્યોતિબહેન અંતરપટની પેલી તરફ પ્રવેશ્યા ને માનસપટ પર ખડો થવા લાગ્યો ભૂતકાળનો ભવ્ય મહેલ!
જ્યોતિનો ઘુંઘટ ઉંચકતાં જ તેના રૂપથી મદહોશ બની ગયેલા જનકની આંખો સામે જ્યોતિ તો જોઈ જ રહી. અંતે શરમની સેરો ફૂટતી હોવા છતાં એ અટપટા મૌનને ભાંગતા જ્યોતિ બોલી, ‘આમ શું જુઓ છો, જાણે ક્યારેય જોઈ જ ન હોય!’ જનકે હસતાં-હસતાં કહ્યું, ‘જોઈ છે ને, પરંતુ એ વિચારું છું કે આજે તો જાણે ઈન્દ્રએ ખુદ આવીને આ ફકીરના હાથમાં અપ્સરાનો હાથ સોંપી દીધો છે!’
‘તન અને મનથી આવો રૂપાળો ફકીર મળ્યો હોય ત્યારે તો અપ્સરાઓએ પણ સ્વર્ગથી નીચે ઉતરવું જ પડે ને?’ જ્યોતિ દ્વારા અપાયેલા આ ચબરાક જવાબથી એકદમ પ્રભાવિત થયેલા જનકે તેનો હાથ ઝડપથી પોતાના હાથમાં લઈ લીધો અને શરમાઈને જ્યોતિએ હાથ છોડાવીને પાછળ ખેંચ્યો, ‘અરે, આ શું કરો છો?’
હાથ પાછો ખેંચવા જતાં હાથમાંથી ડાયરી પડી ગઈ ને દીકરો કમલ ત્યાં અવાજ સાંભળતા જ દોડીને આવ્યો, ‘અરે મમ્મી અહીં શું કરો છો?’
‘કંઈ નહીં બેટા.’કહેતાં જ્યોતિબહેને ઝડપથી ડાયરી લઈને કબાટમાં પરત મૂકી. સામાન્ય રીતે આવું થતાં દુઃખ થવું જોઈએ પરંતુ જ્યોતિબહેનને તો અહીં હાથ ખેંચ્યાનો અપાર આનંદ થયો હતો. તો પછી કઈ વાસ્તવિકતાને સાચી ગણવી? તેવો પ્રશ્ન જ્યોતિબહેનને થયો. ભૂતકાળ અને વર્તમાનકાળ બંને જાણે એકમેકમાં ઓગળી રહ્યા હતા! કોણ કઈ તરફ દોડીને કોના બાહુપાશમાં સમાઈ ગયું છે તે નક્કી કરવું મુશ્કેલ હોય કે ન હોય પણ એવું કરવાની ઈચ્છા કે કારણ નહોતું જણાતું કારણ કે એ સહજ હતું.
વળી મૌન તૂટ્યું શતાવરીના અવાજથી, ‘મમ્મી, અહીં એકલા - એકલા મન વિચારે ચઢશે, મારી અને કમલ સાથે પરસાળના હિંડોળે બેસોને.’ દીકરાની વહુની વાત માની જ્યોતિબહેન ધીમા પગલે પરસાળ તરફ ગયા. તેમને એ નહોતું સમજાતું કે તેઓ ધીમા પગલે શા માટે ચાલી રહ્યા છે. પરંતુ પગ જ એ રીતે ડગ માંડી રહ્યાં હતાં. હિંડોળા પાસે કમલ, કમલની પત્ની શતાવરી અને તેમનો નાનકડો દીકરો શ્લોક હતાં. જ્યોતિબહેન હિંડોળા પર બેઠાને શ્લોક દોડતો ત્યાં આવ્યો ને બોલ્યો, ‘દાદીમાં હું તમને હીંચકો નાખું?’ એમ કહીને તેણે હીંડોળાને બરાબર ધક્કો માર્યો ને હિંડોળો પાછળની તરફ ગયો.
‘તને હિંચકા ખાવા ખુબ ગમે છે કેમ જ્યોતિ’ પાછળથી હિંચકાને ધક્કો મારતાં-મારતાં જનક બોલ્યો, ‘હા કારણ કે તમારા સંગીતની જેમ આમાં પણ એક તાલ છે. તમે જ્યારે પિયાનો વગાડો છો અને હું જેમ બીજા જ વિશ્વમાં ચાલી જાઉં છું, અદલ એ જ રીતે આ હિંચકો પણ મને લઈ જાય છે, કોઈ કલ્પનાની દુનિયામાં... જે મને વાસ્તવિકતાથી પણ વધુ વાસ્તવિક લાગે છે.’ ‘તો ચાલ આજે ભેગા કરીએ બે તાલ અને પ્રકટાવીએ વહાલ’, એમ કહી સામેના રૂમમાં પડેલા પિયાનોને થોડો ઢસડીને હિંડોળા તરફ લાવીને જનક વગાડવા લાગ્યો ને કિચડૂક-કિચડૂક અને સારેગમનું સાયુજ્ય જાણે મેઘધનુષ્ય બન્યું! ‘કેમ બાકી મજા પડી ગઈને?’ જનકે પૂછ્યું.
‘હા’ જ્યોતિબહેને કહ્યું એટલે તરત જ શ્લોક બોલ્યો, ‘દાદીમાં હું હિંચકો નાખું એટલે મજા જ આવે. દાદીમાં હવે હું તમારા ખોળામાં બેસી જાઉં?’ કાલીઘેલી ભાષામાં બોલી રહેલા શ્લોકને જ્યોતિબહેન જોઈ રહ્યા હતાં.
એક કાગળની કાપલીમાંથી જોઈ કમલ બોલ્યો, ‘મમ્મી પરમ દિવસે પપ્પાની પાંચમ છે એટલે કાકાને અને મામાને ફોન કરી દીધો છે, શતાવરીના પપ્પા જોડે પણ વાત થઈ ગઈ છે, સ્મિતાનો ફોન નથી લાગતો તેની જોડે ઓફિસેથી વાત કરી લઈશ. જોકે પરમ દિવસે રાજીવકુમાર સાથે વાત થઈ હતી.’
‘કાલે તો ચોથ છે ને?’ જ્યોતિએ પૂછ્યું ને જનકે કહ્યું, ‘હા ભાઈ હા કાલે જ છે તારી કરવા ચોથ’
‘તમે અમારી ચોથની મશ્કરી કેમ કરો છો?’ જરા નારાજ થઈને જ્યોતિએ કહ્યું.
‘અરે ભાઈ તમારી આ ચોથ અમારા હૃદયની શાંતિ હણી લે છે એટલે’ જનકે કહ્યું.
‘એ વળી કઈ રીતે?’ આશ્ચર્ય સાથે જ્યોતિએ પૂછ્યું.
‘આખો દિવસ તું ભુખી રહે છે એટલે...’ જનકે ભારે રોમેન્ટિક જવાબ આપ્યો.
‘આજીવન ભુખ્યા રહીને પણ જો તમારું હિત થતું હોય તો હું તો તે પણ કરું.’’ જ્યોતિએ હૃદયનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરતાં કહ્યું, ‘તો હવે મને ચોથ રહેવાની ના નહીં પાડતા.’
‘હા મમ્મી, કાલે તો ચોથ છે અને અમે તમને ચોથ રહેવાની ક્યાં ના પાડીએ છીએ.’ શતાવરી આશ્ચર્ય સાથે બોલી. જ્યોતિબહેન હિંડોળેથી ઊભા થઈને ઘરમાં ગયા.
ઘરમાં જનકભાઈની પાંચમની તૈયારીઓ થવા લાગી હતી. બધા મહેમાનો એક પછી એક આવવા મંડ્યા, જ્યોતિબહેનની દીકરી સ્મિતા પણ તેના પતિ રાજીવ અને દીકરી યજ્ઞજા સાથે આવી ગઈ હતી.
પાંચમના દિવસે સવારે 9 વાગ્યે વિધિ રાખવામાં આવી હતી. દીકરી સ્મિતાએ આવીને જોયું તો જ્યોતિબહેન તો ક્યારનાયે ઊઠીને પથારીમાં બેઠા હતા. ‘મમ્મી, હવે બધાનું ધ્યાન તારે રાખવાનું છે, તું ધીરજ રાખજે અને ચાલ તૈયાર થઈ નીચે આવ પંડિતજી રાહ જુએ છે.’ એમ કહીને સ્મિતા ચાલી ગઈ. જ્યોતિબહેન કબાટ તરફ ગયા, તેમનો હાથ સાડલા તરફ ગયો અને હાથમાં લગ્નનું ઘરચોળું આવ્યું.
‘બેટા જ્યોતિ, આજથી તારા સાસરીયામાં બધાનું ધ્યાન તારે રાખવાનું છે, ત્યાં દરેક કામ અને વાત કરવામાં ધીરજ રાખજે અને હા ઝડપથી તૈયાર થઈ નીચે આવ પંડિતજી રાહ જુએ છે.’
જ્યોતિએ લાલ ઘરચોળુ ધારણ કર્યું છે અને સોળે શણગાર સજી લીધા છે. ધીમે-ધીમે રૂમનો દરવાજો ખોલી ઉપરના દાદરેથી નીચે આવતા જ્યોતિબહેનને લાલ ઘરચોળામાં જોઈને બધા ચોંકી ઉઠ્યા. સ્મિતા ઝડપથી ઉપર આવી ને જ્યોતિબહેનને સમજાવવા લાગી. ‘મમ્મી, હું તારી લાગણીને સમજી શકું છું પરંતુ સફેદ સાડીના બદલે તું આ લાલ સાડીમાં....?’
‘તું આ લાલ સાડીમાં ખુબ જ સુંદર લાગે છે.’ માંડવામાં બેઠેલો જનક જ્યોતિના કાનમાં બોલ્યો.
જ્યોતિબહેન મક્કમ ડગલે આગળ ચાલ્યાં. છેલ્લું પગથિયું ઉતર્યા ત્યાં જ કમલ અને શતાવરી દોડીને આવ્યા, ‘મમ્મી, લોકો કેટલી ટીકા કરશે તમારા આ વર્તનથી, તમને એ ખબર છે કે પપ્પા સ્વર્ગસ્થ થયા છે અને મમ્મી તમને આ થયું છે શું? કેમ આમ શૂન્યમનસ્ક થઈ ગયા છો અને આ લાલ સાડી...’
‘આ લાલ સાડી આપણા પ્રેમનું પ્રતીક છે. તું રોજ સવારે આ જ સાડી પહેરી મને ઉઠાડવા આવજે.’ માંડવા વચ્ચે જનકે એક ચીઠ્ઠીમાં આવું લખીને આપતાં જ્યોતિ તો શરમાઈ ગયેલી.
જ્યોતિબહેન આવીને નીચે પંડિત પાસે બેસી ગયા. પંડિત તેમને લાલ સાડીમાં જોતા જ ભડક્યો અને ઊભો થઈ બોલ્યો, ‘રામ... રામ... સાઠે બુદ્ધિ નાઠી... જનકભાઈ સ્વર્ગસ્થ થયાને...’
જ્યોતિબહેન પંડિતની વાત કાપતા બોલી ઉઠ્યા, ‘સ્વર્ગસ્થ નહીં શબ્દસ્થ થયા છે... હૃદયસ્થ થયા છે... તમને કોઈને કદાચ નહીં સમજાય કે તે હૃદયસ્થ થયા છે....’
‘આજથી આપ બંને એકબીજાના શબ્દે શબ્દમાં સમાઈ શબ્દસ્થ અને એકબીજાના હૃદયમાં કાયમ માટે હૃદયસ્થ થયાં છો.’ જ્યોતિએ ફેરો ફેરવતાં પંડિતજી બોલ્યા, ‘હવે તમારા સ્નેહીજનોને મળી લો વિદાયનું મુર્હૂત વીતી રહ્યું છે.’ જ્યોતિ જેવી અંદર મળવા જઈ રહી હતી જનક તેના કાન પાસે જઈને ગણગણયો, ‘જરા ઝડપથી આવજે હો... જ્યોતિ મને તારા વગર અહીં એકલા નહીં ગમે.’ જ્યોતિ શરમાતાં-શરમાતાં, મંદ-મંદ હાસ્યવેરતી ગણેશ સ્થાપન પાસે ગઈ.
જ્યોતિબહેન બે હાથ જોડી ગણપતિજીને પગે લાગી રહ્યાં હતાં. સ્મિતા તેની પાસે આવીને બોલી, ‘મમ્મી તને થયું છે શું? કઈ દુનિયામાં છો? કયા વિચારોમાં ખોવાઈ છો? પાછી આવી જા મમ્મી.’ એમ બોલતા સ્મિતાથી રડી પડાયું. અચાનક ક્યાંકથી એક બિલાડી પરસાળ પાસે આવેલા હિંચકા પર કૂદી. હિંચકો હલતાં જ તેનો કિચડૂક કિચડૂક અવાજ આવતા બિલાડી ડરીને ભાગવા જતા પિયાનો ઉપર ચડતા તેનું ઢાંકળ ખૂલી જતા, ચાપ દબાતા બિલાડી ચાપ પર દોડીને, પિયાનોનો સ્વર કિચડૂકમાં ભળ્યો.
‘મમ્મી એ વાત સ્વીકારી લે કે પપ્પા હવે આપણી વચ્ચે નથી અને વાસ્તવિકતામાં પાછી આવી જા મમ્મી...’ કમલ બે હાથ જોડીને રડતાં-રડતાં જ્યોતિબહેનને વિનંતી કરવા લાગ્યો.
જ્યોતિબહેન ઉતાવળા પગલે ચાલ્યા અને ઝડપથી પંડિત પાસે આવીને નીચે ઢાળેલાં પાટલા પર બેસતાં-બેસતાં બોલ્યા...
‘લ્યો, હું પાછી આવી ગઈ...’ આટલું બોલતા તેણે આંખો મીંચી દીધી.’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર