નારીનો પરાજય
(વાર્તાકારઃ ધૂમકેતુ)
આટલી મોડી રાતે કોણ સાંકળ ખખડાવતું હશે? એ વિચાર આવતાં હું જાગી ગયો. તરત સાંભર્યું કે એ તો પડખેવાળા બાબુભાઈ નાળિયેર રમવાના શોખીન છે તે મોડા આવે છે, એમના ઘરનું બારણું ખખડતું હોવું જોઈએ. ફરીથી જાગ્રત સ્વપ્નનિંદ્રામાં પડી ગયો. પડખું ફરીને સોડ સરખી કરી. ત્યાં ફરીવાર સાંકળ ખખડવાનો અવાજ આવ્યો. કાન દીધા. ખાતરી થઈ કે ઘરની સાંકળ જ કોઈક ખખડાવી રહ્યું છે.
'કોણ હશે અત્યારે?' મનમાં સવાલ ઊભો થયો. ગામમાં છેક છેવાડે હું રહેતો હતો. સવારે ચોરામાં જઈને છોકરાં ભેગાં કરીને ભણાવતો. બપોરે ત્યાં જ કથાવાર્તા માંડતો. સાંજે ગોપાળ ધોળિયાને ત્યાં અરધોએક કલાક સભા ભરાતી તેમાં હાજરી આપી આવતો. ગોપાળને જરા કોઢ જેવું દેખાતું હતું, એટલે આખું ગામ તેને ગોપાળ ધોળિયો કહેતું. બાકી આખા ગામમાં એ એક જ 'જનરલ' વેપારી હતો. અને ઘણાની ઊઠબેસ તેમ લેવડદેવડ એને ત્યાં જ થતી.
પણ મારી આ પ્રવૃત્તિએ મને ગામમાં ઠીક જાણીતો કર્યો હતો. એટલે કેટલીક વખત ચોવટમાં પણ કોઈ ને કોઈ મને બોલાવવા આવતા. આજે ગોપાળ ધોળિયાને ત્યાં સાંજે સાંભળ્યું હતું કે, જસતાભાભાની કેશીની ફારગતીની વાત ચાલે છે, ને કાલે એ બધાં આવવાનાં છે.
એ વાતને આ સાંકળ ખખડાવવા સાથે સંબંધ હશે એમ કલ્પના કરીને હું ઊઠ્યો.
જસતાની છોકરી કેશી રૂપનો ભંડાર હતી. હસમુખી પણ એવી હતી કે ન પૂછો વાત ! પણ કોણ જાણે શું હતું. પહેલા ધણી સાથે ન બન્યું. છ-આઠ મહિનામાં લખાવટ થઈ ગઈ. બીજા સાથે સંસાર ચાલતો હતો. ઠીક હતું. એક છોકરો પણ એને થયો હતો. એટલામાં વળી સમાચાર ફેલાયા કે ત્યાં પણ કાંઈક તોફાન જાગ્યું હતું.
ને આવતી કાલે ફારગતી લેવા દેવા સુધીની વાત થતી હતી! આવતી કાલે સાસરિયાંવાળાં આવવાનાં હતાં.
આ વાત ગોપાળ ધોળિયાની દુકાને થઈ ત્યારે જસતો ત્યાંથી નીકળ્યો પણ હતો.
મને સાંભર્યું. એ વખતે જ એ મને કાંઈક કહેવા માટે રોકાયો પણ હતો. પણ પછી કહેવાનું રહી ગયું ને એ કામે ચાલ્યો ગયો હતો.
એટલે કદાચ એ જ હોવો જોઈએ એમ મેં ધાર્યું. છતાં ચેતતા નર સુખી કરીને ગામડા ગામના ધોરણ પ્રમાણે મેં દીવો કર્યો. ખૂણામાં પડી હતી તે લાકડી લીધી. માથે ફાળિયું પણ વીંટી લીધું. એક ખોંખારો ખાધો ને પછી નરસિંહ મહેતાનું એક ભજનિયું બોલતો જોડા પહેરીને અવાજ થાય તેમ ફળિયામાં આવ્યો. બારણું ઉઘાડતાં પહેલાં જ મોટેથી પૂછ્યું : 'અલ્યા કોણ છે ભાઈ! અત્યારે?'
'એ તો હું છું બાપા ! જસતો...'
'હાં, હાં, મેં મનમાં તો ધાર્યું તું કે જસતાભાઈ જ હોવા જોઈએ !'
'કેમ જસતાભૈ! છો તો મજામાં નાં? આજ તો કાંઈ અત્યારે નીકળ્યો?'
જાણે, બહુ જ છાની વાત કહેવા માગતો હોય તેમ જસતો ધીમેથી બોલ્યો : 'બાપા ! કાલ તમારો બે ઘડી ખપ પડ્યો છે !'
'મારો ? કેમ, એવું શું છે?'
'આ વાત ઈમ છે કે આપણી કેશીની લખાણપટી હવે કાલ કરી નાખવી છે, કજિયાનું મોં કાળું!'
કેશી એને બીજે ઘેરથી પણ છોકરો લઈને ભાગી આવી હતી, ને સામાવાળાને નોટિસ આપીને, પછી ભરણપોષણનો દાવો માંડ્યો હતો. એમાં હુકમનામું થયું હતું.
સામી વળી અપીલ થઈ હતી. એ પાછી નીકળી ગઈ હતી. એમ કરતાં-કરતાં બે-ત્રણ વરસે છેવટે ઘરમેળે ફારગતીની વાત નક્કી કરવા બંને કબૂલ થતા હતા. ત્યાં સુધીનો લાંબો ઇતિહાસ મારી જાણમાં હતો. કાલે એ પ્રમાણે કેશીનો વર ને સૌ આવવાના હતા એ પણ મને ખબર હતી.
એટલે મેં કહ્યું : 'સારું, ક્યારે, કાલે નવ વાગે આવવાનું છે?'
'હા, નવ વાગે. પણ આવજો. ચોક્કસ હો બાપા ! તમ વના કામ નથી થાય હોં ! ઈ છે બે'ક લોંઠ હો! ને ઈને કાયદાનું બહુ જોર છે!'
'આમાં હવે કાયદાનું ક્યાં કામ છે? જ્યાં તમે બેય સમજીને સમાધાન કરો છો ત્યાં? આવીશ તો ખરો. પણ કેશીને પૂછ્યું?'
'એને તો પરથમ પૂછ્યું છે. એ ક્યાં ના પાડે ઈમ છે?' એય હાથ જીભ કાઢી ગઈ છે!
થોડીવાર પછી જસતો ગયો. પણ મારી નિંદર લેતો ગયો. રાત આખી મને નિંદર આવી નહિ. કેશીના જ વિચાર આવ્યા કર્યા.
કેટલી રમતિયાળ, કેવી હસમુખી, સ્વતંત્ર અને મુક્ત પંખી જેવી એ છોકરી હતી! અને તે આંહીં - જ્યાં બધે જ બંધિયાર પાણી હતાં ત્યાં!
એનો દોષમાં દોષ હોય તો એક જ. એનો ચહેરો ને દેહ બંને જાણે આખો દિવસ હસતાં જ હોય ! જ્યારે જુઓ ત્યારે એની પાસેના વાતાવરણમાંથી પણ રમૂજ, ટીખળ, વિનોદ, આનંદ, મસ્તી, રમત-ગમત નીકળતાં જ હોય!
કોઈ કવિ હોય તો કલ્પના કરે કે મૃત્યુ પણ રડ્યા વિના આને ઉપાડશે શી રીતે? એટલો આનંદ તેની પાસે હતો. એને જસતાએ પરણાવી ત્યારે આખા ગામે કહ્યું હતું કે, 'અલ્યા ! આ તો તેં રૂપરૂપની જળદેવીને ખારા સમુદ્રમાં વળાવી!'
અને થયું પણ તેમ જ. કેશીને છ-આઠ મહિનામાં પાછું ફરવું પડ્યું. પણ ગોપાળ ધોળિયાએ તરત બીજે વેતરણ પાર ઉતારી.
એટલે જસતાએ એને બીજે ઠેકાણે બેસારી. એ સંસાર થોડો વખત ચાલ્યો પણ ખરો. એક છોકરો પણ કેશીને થયો. પણ માણસ એવો વહેમીલો નીકળ્યો કે, એ સંસારનું વહાણ પણ તોફાને ચડી ગયું. એને લાગ્યું કે, હવાની સાથે પણ આને દોસ્તી છે, એટલે એ જાપ્તો રાખવા માંડ્યો.
તો કેશી એના માથાની નીકળી, ઊભીઊભી અમસ્તી હસતી હોય! પેલો નીકળે એટલે જાણે પોતાની વાત કળાઈ ગઈ હોય તેમ ગભરાય! પેલો ઠોંટબુંહટ કરે ત્યાં સુધી તો જવાબ ન દે. પછી પેલો રાતોપીળો થાય ત્યારે ખંડેરમાં ઊભેલો ગધેડો બતાવીને કહેશે : 'મૂઆ ! હું તો આને હસતી હતી!' એના વરનું મોં જોવા જેવું થતું!
પણ એ ખિજાળને મૂકીને છેવટે કેશી ભાગી. અને પિયરમાં આવીને બેસી ગઈ. ત્યાર પછી તો કેસ વગેરે થઈ ગયા.
અને છેવટે હવે આવતીકાલે એ વાતનો ઘરમેળે નિકાલ થવાનો હતો. કેવો લગ્નસંસાર !
(2)
બીજે દિવસે નવ વાગે હું જસતાને ત્યાં ગયો.
ત્યાં ફળીમાં બે ખાટલા ઢાળ્યા હતા. ચાર-પાંચ માણસો ત્યાં બેઠાં હતાં. ગોપાળ ધોળિયો પણ ત્યાં આવી ગયો હતો. કેશીનો વર પણ ત્યાં હતો. માથે સાફો બાંધીને એ ખાટલા ઉપર બેઠો હતો. એનો પીળો, સુક્કો, લાંબો, શૂન્ય ચહેરો હું જોઈ રહ્યો. જેની સાથે અમસ્તું બેસતાં પણ થાક ચડી જાય તો એવો એ ચહેરો હતો, તેની સાથે આ હસમુખી છોકરીએ આટલા દિવસો શી રીતે ગાળ્યા હશે એ જ મારા મનને એક મોટો કોયડો થઈ પડ્યો. હું એની સામે જ જોઈ રહ્યો. એ કોઈની સાથે બોલતો ન હતો.
હું પણ ત્યાં સૌ સાથે બેઠો. થોડી વાર પછી કલમ ખડિયો મુકાણાં. કાગળ નીકળ્યો. ગોપાળ ધોળિયો આગળ આવીને બેઠો. એને વાતમાં કાંઈક સર હોય તેમ જણાયું. ત્યાં જસતાએ મને કાનમાં કહ્યું : 'આપણે તો ભરણપોષણની જ વાત કરી હતી, મનખાદેહ છે, વહેલીમોડી મનની મૂંઝવણ ટળે તો, પાછો સંસાર બંધાઈ જાય તો બંધાય ! પણ એમને વાત ચમડીદમડીની થઈ. એટલે હવે ભલે ફારગતી કરી દો, બીજું શું?
એટલામાં જસતાને મારી સાથે વાત કરતો જોઈને ગોપાળ ધોળિયો આગળ સર્યો. તે ધીમેથી બોલ્યો :
'ઘર ને વર બે'ય મારા ખીસામાં છે, જસતાભાઈ! ને કેવાં? કંચન જેવાં ! હું કહું છું, હવે તો કરી જ નાખો! કાં બાપા? આમાં કાંઈ રેણ હાલે છે? આ તો હૈયાં!'
'હવે તો કરવા બેઠા જ છીએ નાં? પણ કેશીનું મન માનવું જોઈએ નાં?' જસતો બોલ્યો.
'એને શું વળી?'
મને નવાઈ લાગી. એટલામાં અંદરના બારણામાંથી કોઈનો હાથ મને બોલાવતો હોય તેમ લાગ્યું.
ભ્રમ હશે એમ માનીને હું તો પાછો ધોળિયા સાથે વાતોએ વળગતો હતો ત્યાં જસતો જ બોલ્યો : 'કેશી તમને બોલાવતી લાગે છે બાપા ! એને સમજાવજો... જઈ આવો તો.'
શું સમજાવવાનું એ હું કાંઈ સમજ્યો નહિ. હું ઊઠ્યો. ઘરમાં જવા માટે ઓશરી ઉપર પગ મૂકું છું, ત્યાં ગોપાળ ધોળિયો મારી પાછળ આવ્યો. મારા કાનમાં કહ્યું : 'જુઓ બાપા ! છોકરી છે રીંગી. પણ જસતાને માથે દોઢસોનું નામું તો આપણે ત્યાં છે. ટેટા જેવો છોકરો પાસે રાખવાનું કરશે, તો વાત વળે ચડી જાશે! એને તો હજી જોઈએ એટલાં છોકરાં આવશે! આ છોકરામાં શું સોનું નાખ્યું છે? કેશીને સમજાવજો.'
હું ગોપાળ સામે જોઈ રહ્યો. એે આ દોઢસોનો સ્વાર્થ હતો એ સમજાઈ ગયું. ફારગતી સામાવાળા લખી આપે તો નુકસાનીના પૈસા દઈ જાય. એટલે તરત ગોપાળના હાથમાં પૈસા આવી જાય, પણ છોકરાની શી વાત એ કહી રહ્યો હતો તે તરત કાંઈ સમજાયું નહિ. હું ઘરમાં ગયો ત્યાં કેશી ઊભી હતી. એની પાસે ઘોડિયામાં એનો છોકરો સૂતો હતો. કેશીના ચહેરા ઉપર ઉગ્ર મથામણ દેખાતી હતી. પણ તે શાંત હતી. છતાં તેણે મને જોયો અને એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એના ઘરને મારા ઉપર પ્રેમ હતો.
'બાપા !' કેશી બોલી. એનો અવાજ ધ્રૂજતો લાગ્યો : 'હું આને છોડવાની નથી હો... જેને જી કરવું હોય ઈ ભલે કરી લ્યે!' કેશીએ ઘોડિયાની પાસે આડે ઊભાં રહેતાં મને કહ્યું. એની આંખમાં એ શબ્દો બોલતાં ગજબની દૃઢતા વસી ગયેલી મેં જોઈ.
હું તેની સામે જોઈ રહ્યો. તેના રમતિયાળ, વિનોદી, હાસ્યના ફુવારા સમા ચહેરા ઉપર આજે મેં જે જોયું તે કાંઈક જુદું જ હતું. એ ઘોડિયાની આડે એવી રીતે ઊભી રહી હતી કે જાણે એમ માનતી હોય કે કોઈક એનું છોકરું ઉપાડી લેવા આવવાનું છે, ને એને ત્યાં દેહ અર્પણ કરવો પડે તો તે કરીને પણ છોકરાને જાળવવાનો છે!
હું તો આભો બની ગયો. એ વખતે મને એ પોતાના બચ્ચાં આડે ઊભેલી સિંહણ જેવી લાગી.
ગોપાળ ધોળિયાની વાત હવે સમજાઈ ગઈ. કેશીનું મન અતિ દૃઢ હતું. એ છોકરાને છોડવા માગતી ન હતી.
'મેં આ તમને કહ્યું ઈ, બાપા! બીજું કાંઈ નહિ. મને એક વાતનો પેલો ફોડવો પાડો.'
પછી તે વધારે દૃઢતાથી બોલી :
'આ છોકરો કોનો?' તેણે સૂતેલા બાળક ઉપર એક દૃષ્ટિ કરી ને મારી સામે જોયું, 'પહેલાં મને એ સમજાવો. પછી તમે લખાણપટ્ટી કરો. આ છોકરો કોનો?'
'છોકરો તો બાપનો જ હોય નાં? આખી દુનિયા એ જાણે, કોરટ પણ એમ જ કહે, છોકરો એના બાપનો!'
'એના બાપનો?'
'હાસ્તો!'
'ના ના, છોકરો તો મારો છે.' કેશી બોલી : 'એને મોટો હું કરીશ!'
'મોટો તું કરજે ભલે પણ મોટો થયા પછી પણ, તારે એને સોંપવો પડશે! હમણાં તું રાખ!'
કેશીના ચહેરા ઉપર એક પ્રકારની શોકછાયા વળતી જણાઈ.
એટલામાં મારા નામની બહારથી બૂમ પડી. હું પગ ઉપાડતો હતો ત્યાં તો કેશીએ અચાનક જ છોકરાને ઘોડિયામાંથી ઉપાડીને પોતાની છાતીસરસો લઈ લીધો હતો. તે અત્યંત દૃઢતાથી ધ્રૂજતા અવાજે બોલી : 'તમારે ભાયડાઓને જે કરવું હોય ઈ કરજો. પણ આ છોકરાને મારી છાતીએથી છોડાવનારો મારું મડદું દેખશે. આને હું નથી છોડવાની તે નથી જ છોડવાની!'
'પણ તો તારે ધણી સાથે રહેવું પડશે. કાં છોકરો દેવો પડશે. નહિતર તો પેલા સાથે જવું પડશે!' મેં આંગળીની નિશાની કરીને બહાર બેઠેલા એના વરને બતાવતાં કહ્યું : 'પેલા સાથે? છો તૈયાર?'
'હા, હા, તૈયાર છું!' કેશી બોલી : 'ઈ બાયલાનો ટોટો પીસીને એને ત્યાં રહીશ - અને એને ટપલામાં દઈને રોટલો લઈશ. પણ મારા આ આધારને હું નહિ છોડું તે નહિ જ છોડું. તમે જઈને એને સંભળાવી દ્યો!... જાવ!'
હું બહાર આવ્યો. ત્યાં કેશી પણ મારી પાછળ જ આવી રહી હતી. એણે છોકરાને છાતીસરસો એવી રીતે ચાંપી રાખ્યો હતો, કે જાણે એને કોઈ ઉપાડી જવાનું હોય! પછી એના પેલા સાફાવાળા ધણીના પાસે જઈને એ ઊભી રહી ગઈ.
એ ત્યાં ઊભી રહી ગઈ અને એટલામાં આછકલી લાજમાંથી આવતું એનું વેણ સાંભળતાં અમે સૌ સ્તબ્ધ થઈ ગયા. લખાણ લખાણને ઠેકાણે રહી ગયું. કેશી એના ધણીને કહી રહી હતી : 'ધૂડની ઘોડ્યે બેઠા છો શું? મોઢા આગળ થાવ! હાલો, હું તમારી વાંહોવાંહ હાલી આવું છું!'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર