દ્વંદ્વ યુદ્ધ

30 Apr, 2017
12:00 AM

PC: alicdn.com

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)

ચિત્રકલા પ્રદર્શન એ મુંબઈ નગરી માટે નવી વસ્તુ ન હતી. પરંતુ અગાઉનાં પ્રદર્શનો કરતાં આ વખતનો પ્રસંગ નવીન હતો. મુંબઈના નામદાર ગવર્નર એનું ઉદ્દઘાટન કરવાના હતા તે કારણે એ કલા પ્રત્યે અરુચિ સેવનારાઓનું ધ્યાન પણ એ તરફ ગયું હતું. અંગ્રેજોની એકેએક નાની-મોટી વાતમાં હિંદ બાળકની માફક મુગ્ધતા અનુભવી રહ્યું હતું તે કળબળનું કારણ પણ એમાં હતું. એટલે અગાઉ ચિત્રપ્રદર્શન વખતે ન આવેલો નવીન પ્રેક્ષકવર્ગ પણ મોટો હતો.

પ્રદર્શન ખુલ્લુ મુકાયેલું જાહેર થતાં જોનારા કલાના પરીક્ષકો હોય તેમ ચિત્રોની સમાલોચના કરવા લાગી ગયા હતા. એનું કારણ, પરીક્ષકો જે ચિત્રને પ્રથમ ઠરાવે તેને રૂપિયા હજારનું પારિતોષિક મળવાનું હતું. એના પરીક્ષક હતા જે.જે.સ્કૂલ ઑફ આર્ટસના પ્રિન્સિપાલ અને હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ એમ બે અંગ્રેજો. અને ત્રીજા મદ્રાસી કલાવિવાચક. એ ત્રણે જણ હજુ પોતાનો ચુકાદો જાહેર કરતાં કરશે, પણ તે અગાઉ પ્રેક્ષકોએ પોતાના અભિપ્રાયો છૂટથી આપવા માંડ્યા હતા.

અભિપ્રાયો આપવામાં સૌથી મોખરે હતી સુકલા. નામ પ્રમાણે એને કલાના સારા-ખોટાની પરખ હતી. એ પોતે પણ કલાનો એક નમૂનો હતી. સૌંદર્યમૂર્તિ તો હતી જ. સાથે સાથે કલાપારખુ હતી, એટલે એનો દેહ અને એની હરેક નાની-મોટી પ્રવૃત્તિ કલામય બની રહેતી. લક્ષાધિપતિની દીકરી હતી એટલે કલાકાર થઈ શકે તેવી એને બધી અનુકૂળતાઓ પણ હતી. કુટુંબ સંસ્કારી અને કલાની કદરવાળું હતું એટલે એની પ્રવૃત્તિને અનુકૂળતા કરી આપવા તત્પર રહેતું. સુકલાની પોતાની મહત્ત્વાકાંક્ષા પણ કલાનાં કોઈ ક્ષેત્રે સિદ્ધિ મેળવવાની હતી. સાહિત્ય, સંગીત, ચિત્ર, નૃત્ય વગેરે ક્ષેત્રે એણે પોતાની શક્તિની કસોટી માંડી જોઈ હતી, એ દરેકમાં એને નાની-નાની સિદ્ધિ મળી હતી, પરંતુ એકેય ક્ષેત્રે પ્રથમ પંક્તિની મહત્ત્વાકાંક્ષા સંતોષાય એવી આશા એને ઓછી દેખાતી હતી. નાની ઉંમરમાં એને પોતાની શક્તિમર્યાદા સમજાઈ ગઈ હતી, પરિણામે એ પોતે કલાકાર થવાને બદલે કલાપારખુ થઈ ગઈ હતી.

કલા ઉપરનાં એનાં વિવેચનો ઊંચી કક્ષાના ગણાતાં હતાં. કલાકૃતિનો આત્મા પકડવાની એની દૃષ્ટિના સારા વિવેચકોએ વખાણ કર્યા હતાં. એ પોતે પ્રથમ પંક્તિનું નૃત્ય નહોતી કરી શકતી પણ એ કેવું હોઈ શકે તે સમજતી અને એની પરીક્ષા કરી શકતી હતી. ચિત્રકલામાં તો એણે નૃત્ય કરતાં ઓછી શક્તિ બતાવી હતી, છતાં પરીક્ષકદૃષ્ટિ એટલી જ ઊંચાઈ ધરાવતી હતી. એ કારણે બે-ચાર મિત્રો સાથે એ પ્રદર્શન જોઈ રહી હતી અને બીજાઓ અધીરા થઈ ઘડીકમાં અભિપ્રાયો આપતા અને ઘડીકમાં બદલતા હતા ત્યારે એ મૂંગી મૂંગી દરેક કૃતિનું નિરીક્ષણ કરી આગળ વધતી હતી. મિત્રો એની શક્તિને સારી રીતે જાણતા હતા એટલે એનો અભિપ્રાય જાણવા ઉત્સુક હતા. પરંતુ બધી કલાકૃતિઓ જોયા વગર કંઈ ઉચ્ચારવું વ્યર્થ હતું માની મૌન સેવી એ પ્રદર્શનમાં પ્રવાહમાં આગળ વધી રહી હતી.

છેલ્લા ચિત્ર આગળ આવી પહોંચતાં બધા મિત્રોની ધીરજ એકસામટી ખૂટી ગઈ હોય તેમ સાથે બોલી ઊઠ્યા : 'સુકલા ! હવે તો કંઈ બોલીશ કે નહિ?'

સુકલાના મોં ઉપર આછું સ્મિત પ્રગટ્યું. બધાંને પોતાની પાછળ આવવાની ઈશારત કરતાં કહ્યું : 'ચાલો બતાવું, હું જેને પહેલા નંબરનું ચિત્ર કહું છું તે.'

એક ખૂણામાં મુકાયેલા ચિત્ર સામે સુકલાએ આંગળી કરી ત્યારે બધાંએ એકબીજા સામું જોયું : એ અર્થમાં કે સુકલા આપણી મશ્કરી તો નથી કરતી ને? કારણ કે એ ચિત્ર સૌએ જોયું હતું ત્યારે કોઈએ નોંધપાત્ર પણ નહોતું ગણ્યું!

સુકલા મિત્રોનાં મોંના ભાવ સમજી ગઈ હતી એટલે સ્પષ્ટતા કરતાં બોલી : 'આમાં રંગનો ભભકો નથી તેમજ દૃશ્યની કોઈ ભવ્યતા નથી એટલે તમને લાગશે કે આ ચિત્રમાં પહેલા ક્રમે આવવા જેવું શું છે? પરંતુ આખા પ્રદર્શનમાં આના જેટલું સજીવ ચિત્ર કોઈ નથી.'

કેવળ પેન્સિલથી જ ચિત્રકારે ઉઠાવ આપ્યો હતો. એક શાકવાળી માથે ટોપલો અને કેડે બાળક તેડી ગ્રામધરતીની કેડી ઉપર ઝડપથી પગ ઉપાડી રહી હતી. તેવું એ સાદું ચિત્ર હતું. સુકલાએ ચિત્રની સજીવતાનો ખ્યાલ આપતાં કહ્યું : 'શાકવાળીના હૈયામાં જે વેદના ચાલી રહી છે તેનો દરેક પડઘો ચિત્રકારે એના અંગેઅંગમાં આલેખ્યો છે. એના મોં સામે તમે ધારીને જોઈ રહેશો તો હમણાં એ ડૂસકું ભરશે તેવું તમને લાગશે, ડૂસકું ભરવા જેવું એને શું દુઃખ છે તે જોવું હોય તો એની હરિણીના જેવી આંખોમાં જે ગભરાટ છે તે જુઓ. એ ગભરાટ માતાનો છે, પત્નીનો નથી. એણે કમરે તેડ્યું છે તે સિવાય બીજાં નિરાધાર બાળકો ઘેર મૂકેલાં છે એ સમજી શકાય છે. હાથે બંગડીઓ છે એટલે બાળકોનો પિતા હયાત છે, પરંતુ એના સૂકા હોઠ જોતા એ પતિની વિયોગણ છે એમ ચોખ્ખું પારખી શકાય છે...'

એક જણે વચ્ચે પ્રશ્ન કર્યો : 'સૂકા હોઠ અને વિયોગને શો સંબંધ?'

સુકલાએ હસીને કહ્યું : 'પરણ્યા પછી તને એ સમજાશે.'

'પણ તું ક્યાં પરણી છે કે તને એ પહેલાં સમજાયું?'

'હું કલાને પરણી છું ને?'

વાતને આડે પાટે ચડતી જોઈ બીજું બોલ્યું : 'એ બધી ચર્ચા ઠંડા પહોરે રાખીશું. હમણાં આ ચિત્ર સમજી લેવા દ્યો ને !'

સુકલાએ એને સ્વીકારી લેતા કહ્યું : 'કલાશાસ્ત્ર પ્રમાણે એમ મનાય છે કે, રસનું સિંચન સ્ત્રીપુરૂષ વચ્ચે ઓષ્ટ દ્વારા થાય છે. એટલે વિયોગી સ્ત્રી કે પુરૂષમાં બીજા ફેરફાર થાય કે ન થાય, પરંતુ હોઠ ઉપર એની અસર થવાની. સુક્કા ઓષ્ટ એ વિયોગપણાની નિશાની.'

કોઈએ મુદ્દામાં વાંધો ન ઉઠાવ્યો એટલે સુકલાએ આગળ વિવેચન શરૂ કર્યું : 'કમાઉ પતિનો વિયોગ હોત તો કેવળ હોઠ સુક્કા હોત, પરંતુ આંખ નીચે કાળાશ વ્યાપી ગઈ છે એટલે પતિ તરફથી સ્ત્રીને આજ સુધી નિરાશા સાંપડેલી છે. અને આશાનું કાંઈ ચિહ્ન દેખાતું નથી. એનું પેટ ઊંડું પેસી ગયું છે, એટલે એને ભૂખના કડાકા છે અને એના પગમાં ચાલવાની પણ પૂરતી તાકાત નથી, હમણાં ઊથલી પડશે તે એ લચી ગઈ છે. એ સાથે સાથે માથે મૂકેલ ટોપલો ઝૂકી ગયો છે તેથી એમાં શું વેચવાનું છે તે પણ જોઈ શકાય છે. ટોપલો અર્ધો ખાલી છે એટલે તેની પાસે શાક પણ પૂરતું વેચવા માટે નથી. અને જે કંઈ થોડું છે તે પણ ગઈ કાલે નહિ વેચાયેલું વાસી છે એટલે કેટલું ખપશે તે સવાલ છે. જો સસ્તું વેચવું પડશે તો ધંધામાં ખોટ જશે. કમરે બાળક ચોંટી ગયું છે અને રડતું નથી એનું કારણ એ સમજુ છે એમ નહિ, પણ એની આંખો ધારી ધારીને જોશો તો ખાતરી થશે કે ધાવવા માટે એ રડી રડીને થાકી ગયું છે, પણ માના સ્તનમાં દૂધ નહિ હોવાથી એની એ આશા ફળી નથી અને નિરાશ થઈ એણે રડવાની તાકાત પણ ગુમાવી છે!'

સુકલા અટકી એટલે સૌ બોલી ઊઠ્યાં : 'આવા ધ્યાન ન ખેંચે તેવા ચિત્રમાં આટલા બધા સજીવ ભાવ છે એ તો તેં વર્ણવ્યું ત્યારે અમે જોઈ શક્યાં.'

સુકલા : 'બીજાં ચિત્રોમાંય સજીવતા સારા પ્રમાણમાં છે, પરંતુ એમાં ચિત્રકારે ઓછેવત્તે અંશે રંગ દ્વારા કે બહારના દૃશ્ય દ્વારા ભભકો આણી જોનારને આંજી નાખવાનો પ્રયત્ન કરેલો છે. અને એટલા પ્રમાણમાં કલાનો આત્મા ઝાંખો પડ્યો છે અને કૃત્રિમતા આવી ગઈ છે, જ્યારે આ ચિત્રકારે ગરીબાઈ, દુઃખ, નિરાશા વગેરે ભાવોને પેન્સ્લિના એક કાળાં રંગથી એવા સજીવ કર્યા છે કે ચિત્રની રેખાએ રેખામાંથી શાકવાળીનો આત્મા નીતરી રહ્યો હોય તેમ જોઈ શકાય છે. પ્રદર્શનનું મારી દૃષ્ટિએ આ શ્રેષ્ઠ ચિત્ર છે અને તેને પહેલું ઈનામ મળવું જોઈએ.'

માહિતી મેળવવા માગતા પ્રેક્ષકો માટે દરવાજા આગળ પૂછપરછ ઑફિસ રાખી હતી. પ્રેક્ષકોને પોતાના અભિપ્રાયો લખી જણાવવા માટે વિઝિટબુક પણ ટેબલ ઉપર રાખવામાં આવી હતી. પ્રદર્શન ખુલ્લું મુકાયેલું જાહેર થતાં જે વર્ગ જોવા દાખલ થયો હતો તેમણે અંદરોઅંદર અભિપ્રાયો આપ્યા હતા. પરંતુ હજુ સુધી કોઈએ પોતાનો અભિપ્રાય વિઝિટબુકમાં લખ્યો ન હતો. પોતાને જે કલાપારખુ માનતા તેમની પણ એમ કરતાં હિંમત ચાલી નહોતી, કારણ કે તે પછી પરીક્ષક સમિતિ પોતાનો અભિપ્રાય જાહેર કરવાની હતી એટલે એ કસોટી પ્રમાણે પોતાનો અભિપ્રાય ન ઊતરે તો દરેકને પોતાની પરીક્ષા થઈ જાય તેવી બીક હતી. એ મુશ્કેલી ન હોત તો ઘણાએ વિઝિટબુકમાં ઘસડી માર્યું હોત !

સુકલાએ વિઝિટબુકમાં સૌ પ્રથમ પોતાનો અભિપ્રાય લખ્યો. 'શાકવાળી' એ ચિત્રને પોતે પ્રદર્શનનું ઉત્તમ ચિત્ર શાથી કહે છે તેનાં કારણો આપ્યાં, અને પ્રથમ કક્ષાનાં બીજાં ચાર-પાંચ ચિત્રો શાથી એનાથી હારી જાય છે તેપણ જણાવ્યું. સુકલા સામાન્ય રીતે પ્રથમ પંક્તિના કલાકારોને ઓળખતી, અગર એણે નામ ન સાંભળ્યું હોય તેવું ભાગ્યે જ બનતું હતું. પરંતુ 'શાકવાળી'ના ચિત્રકાર વિનાયકનું એણે આજ સુધી નામ સાંભળ્યું ન હતું એટલે પૂછપરછવાળી ખુરશીમાં બેઠેલા યુવકને એણે માહિતી પૂછી. જે.જે. સ્કૂલનો એ સ્કૉલર હતો છતાં એણે પણ કહ્યું કે, પોતે પણ એ નામ વિષે કંઈ જાણતો નથી. ચિત્રોની યાદી કાઢીને વિનાયક ક્યાં રહેતો હતો એટલી જ એ માહિતી આપી શક્યો. સુકલાએ એની ડાયરીમાં નામ સરનામું લખી લીધું.

મિત્રોમાંથી કોઈએ પૂછ્યું : 'સરનામાની કેમ જરૂર પડી?'

સુકલા : 'ઈનામ જાહેર થશે ત્યારે એને અભિનંદન આપવાં પડશે ને?'

પરિણામ જાણવા માટે વિનાયક જેટલી જ સુકલાને ઉત્સુકતા હતી. સવારમાં છાપું આવતું ત્યારે એ પથારીમાં ભાગ્યે ઊઠી હોય, પરંતુ આજે એની આંખો છાપું આવતાં પહેલાં ઊઘડી ગઈ હતી. સૌ પ્રથમ અભિનંદન આપવા પોતે જઈ પહોંચે તે માટે એ નાહીને ઝડપથી પરવારી પણ ગઈ. બાથરૂમમાંથી એ બહાર નીકળી ત્યારે છાપાવાળાની ઘંટડી રણકી. તે ઝડપથી એની સામે દોડી. પહેલા પાના ઉપર જ પરિણામ હતું અને 'શાકવાળી' ચિત્ર માટે વિનાયક પ્રથમ ઈનામ જીતી ગયો હતો. સુકલાની શ્રદ્ધા, પરખ સાચી પડી હતી.

નળબજારના એક જૂના માળા આગળ જઈને કાર ઊભી રહી અને સુકલા દોડતી ચોથા માળની સત્તરમી રૂમ આગળ પહોંચે તે પહેલાં બારણામાં એક વ્યક્તિ ઊભેલી જણાઈ. એને થયું કે સૌ પ્રથમ આવવામાં પોતે મોડી હતી.

તે સાથે આવેલા પુરુષના અભિદન શબ્દો કાને પડ્યા : 'સવારના પહોરમાં છાપામાં વાંચીને તો દોડતો આવ્યો છું, અને તમે ના કહો તો હું શી રીતે માનું?'

વિનાયકનો અવાજ સંભળાયો : 'છાપામાં તમે વાંચ્યું તે સાચું. એ તો ઈનામ જાહેર થયાની ખબર છે પરંતુ એ રકમ મળવાની બાકી છે.'

પેલો પુરુષ : 'એવાં ઊઠાં તમે ભણાવો પણ હું ભણું એવો નથી. રકમ આપવાની બાકી હોય તો છાપું ઈનામ મળ્યું તેમ લખે શી રીતે?  હજાર જેવી રકમ મળી, છતાં ભાડું આપવાની દાનત નથી એનો શો અર્થ? હજાર જણના તમે દેવાં કર્યાં હશે એટલે હું મોડો પડું તો ખોઈ બેસું માટે વહેલો આવી પહોંચ્યો છું અને ચૂકતે રકમ લીધા વગર જનાર નથી.' સુકલા વાત પામી ગઈ. ભાડું વસૂલ કરનાર મુનીમ ઉઘરાણઈ કરી રહ્યો હતો, અને ગયા જેવી રકમ વસૂલ થાય તો શેઠ ખુશ થઈ શકે તે કારણે એ તકાદો કરી રહ્યો હતો. સુકલાના હૃદયમાં ચીરો પડ્યો. આજે ધન્ય દિવસ કલાકારને સૌપ્રથમ અભિનંદન આપનાર પણ કેવો મળ્યો છે!

મુનીમની નજર બહાર ઊભેલી સુકલા તરફ જતાં બારણામાંથી એ ખસી ગયો. વિનાયકની નજર એના ઉપર પડતાં એણે પૂછ્યું :

'આપને કોનું કામ છે?'

એ વિનાયક હતો એની સુકલાને ખાતરી હતી એટલે એ બોલી : 'એક અજ્ઞાતનાં આપને અભિનંદન!'

વિનાયકે હસીને 'પધારો' એમ તો કહ્યું, પરંતુ પહેલી ક્ષણે એ ગર્ભશ્રીમંત છોકરીને પામી ગયો. એટલે એને લાયક પોતે આસન શું આપશે એ વિમાસણમાં પડી ગયો. એની બધી ચિંતા બા કરતાં હતાં એટલે કંઈ ન સૂઝતાં વિનાયકે કહ્યું : 'બા, આ બહેનને બેસવાનું આસન આપજો.'

સુકલા પણ વિનાયકની મૂંઝવણ પામી ગઈ હતી એટલે એનો સંકોચ દૂર કરવા બોલી : 'મને બેસવા કરતાં, ઊભાં ઊભાં તમારાં ચિત્રો જોવામાં વધુ આનંદ આવશે.'

બા બિચારાં, દીકરાં પાસે માળામાંથી કોઈ કોઈ છોકરી ભરવા ગૂંથવા માટેનું ચિત્ર દોરાવવા આવતી તેવું કોઈ હશે માની સિમેન્ટની ખાલી થેલીનું પોતાના માટે રસોડામાં બેસવાનું આસન બનાવ્યું હતું તે લઈને એમણે બહાર ડોકિયું કર્યું અને સુકલાને જોતાં એ એવા અંજાઈ ગયાં કે એમનાં હાથમાંથી આસન નીચે પડી ગયું. સુકલા પોતે પણ વિમાસણમાં પડી ગઈ. ચિત્રકારનું ઘર આટલું ગરીબ હશે તેની એને કલ્પના પણ આવી ન હતી. પોતાની હાજરી એમને બોજારૂપ થશે એમ એને લાગ્યું હોત તો પત્ર એણે અભિનંદનન પાઠવ્યાં હોત. પરંતુ હવે આવી જ હતી એટલે તરત ચાલી જાય તો ગરીબાઈને લીધે એમ કર્યું તેવી ખોટી છાપ ન પડે તે કારણે એણે ત્વરાથી બાના હાથમાંથી નીચે પડી ગયેલું આસન ઉપાડી લીધું.

મુનીમ બોલ્યો : 'શો જવાબ આપો છો?'

વિનાયકે સુકલા તરફ નજર કરી મુનીમને ઉદ્દેશીને કહ્યું : 'આ બહેન તમારી પછી આવ્યાં તે તો તમે જોયું. હું એમને ઓળખતો પણ નથી, એમને મેં કંઈ કહ્યું નથી તે પણ તમે જાણો છો. એમને પૂછો કે ઈનામની રકમ મને મળી ગઈ કે મળવાની બાકી છે?'

સુકલા કંઈ જવાબ આપે તે પહેલાં મુનીમ બોલ્યો : 'આવું હોય તો બહેન પૈસાદાર દેખાય છે. તમને ઉછીની રકમ આપે અને ઈનામની રકમ મળે ત્યારે તમે એમને આપી દેજો.'

સુકલા : 'કેટલી રકમ છે?'

મુનીમ : 'ચાલુ માસ સાથે તેર મહિનાનું ભાડું છે, એકસો પંચાણું રૂપિયા પુરા.'

સુકલાએ પોતાના પર્સમાંથી વિઝિટિંગ કાર્ડ કાઢીને મુનીમના હાથમાં આપતાં કહ્યું : 'બપોરે એક વાગે આ સરનામે આવીને મારી પાસેથી એ રકમ લઈ લેજો.'

વિનાયકને ઘણો સંકોચ થયો, પણ મોમાંથી કંઈ બોલી શક્યો નહિ, સુકલાના આત્માએ એની ઉપર એવી છાપ પાડી કે ગરીબાઈ કે અગવડનો સંકોચ વિનાયકને રહ્યો નહિ. કલાની, બીજાં ચિત્રોની, એમ ઘણી વાતો બંનેને થઈ. બા પણ વચ્ચે વચ્ચે પોતાના જીવનની, ગરીબાઈની, દીકરાના સ્વભાવની, ચિત્રો પાછળ ગાંડા થવાની ધૂનની. એવાં એવાં ટમકા પૂરતી હતી. છેવટે સુકલા વિદાય થવા તૈયાર થઈ ત્યારે વિનાયકે કહ્યું : 'ઈનામની રકમ આવશે એટલે તરત તમને રૂપિયા પહોંચાડી દઈશ.'

સુકલા બંગલે આવી છતાં વિનાયકે એનો પીછો છોડ્યો ન હતો. શાકવાળીનો એક ગરીબ છોકરો, માતૃભાષાનું માંડ શિક્ષણ પામેલો, આમ કુદરતી રીતે કલાની ધૂન પાછળ જીવન ખર્ચે એ કંઈ જેવો તેવો પ્રસંગ ન હતો. ચિત્રકલાનું પ્રત્યક્ષ જ્ઞાન એને મળ્યું ન હતું, શાસ્ત્રીય અભ્યાસ વિષે એ કંઈ જાણતો ન હતો, છતાં હૈયાની સૂઝે એને ઉત્તમ ચિત્રકાર બનાવ્યો હતો. સુકલાએ એનાં બીજાં ચિત્રો જોયાં હતાં એ ઉપરથી એને ખાતરી થઈ હતી કે, વિનાયકને જો વ્યવસ્થિત જીવન મળે. તો પુરુષાર્થ કરવાની એની એવી તમન્ના હતી કે હિંદનો એક નામાંકિત કલાકાર થઈ શકે.

સુકલાએ એ આખો દિવસ વિનાયકને પોતે શી રીતે મદદગાર થઈ શકે તેના વિવિધ વિચારો કર્યા. દાનની રકમ એ સ્વીકારે તેમ ન હતો એની સુકલાને થોડા વખતમાં ખાતરી થઈ ગઈ હતી. એને સારી નોકરી મળે તો પણ એનું ચિત્ત એમાં ચોંટતું નહિ, એટલે એ કામ શોભાવી શકે તેમ ન હતો. એનાં ચિત્રોનો જો ઉપાડ થાય તો રસ્તો નીકળે ખરો. પરંતુ શેઠિયાઓ પૈસા ખર્ચીને જ જાતનાં ભભકાદાર ચિત્રો પોતાના બંગલાઓની દીવાલ ઉપર ટિંગાડીને કલાની કદર કર્યાનું ગૌરવ લે છે, એ જાતનાં વિનાયકનાં ચિત્રો ન હતાં.

સુકલા રાત્રે સૂઈ ગઈ ત્યારે પણ વિનાયક એના પલંગ ઉપર આવીને બેઠો હતો! સુકલાને પોતાને નવાઈ લાગી કે વિનાયક પોતાનો આવો પીછો શી રીતે લઈ રહ્યો હતો? વિનાયક કરતાં મોટા મોટા ચિત્રકારોને તે ઓળખતી હતી, અમુક સાથે એને મૈત્રી પણ હતી. તો પછી વિનાયકમાં એવું શું હતું કે સુકલાનું ચિત્ત એમાં રત રહ્યું હતું? વિનાયક જન્મનો કલાકાર હતો. જન્મના કલાકારો બીજા પણ હતા, પરંતુ બીજાઓને પોષણ મળ્યું હતું ત્યારે પાંગર્યા હતા, વિનાયક વગર પો,ણે, શક્તિના પ્રચંડ વેગથી ધરતીમાંથી પથ્થર ફાડીને બહાર નીકળ્યો હતો. એક સામાન્ય શાકવાળીનો દીકરો અસામાન્ય ચિત્રકાર તરીકે કલાની દુનિયામાં 'પહેલો ઘા રાણાનો' એવા વિજયથી પ્રવેશતો હતો.

મોડી રાત સુધી સુકલાને વિનાયકના વિચારો આવ્યા કર્યા. એમાંનો એક તરત એ પણ આવ્યો કે પોતે એને પરણે તો? એ સાથે એ પોતે એવી શરમિંદી બની ગઈ કે એમાંથી બચવા એણે પલંગને છેડે પડેલો ચારસો ખેંચીને માથે ઓઢી લીધો અને પોતાના મનની ઝડતી લઈ રહી. વિનાયક પ્રત્યે ગમે તેટલી સહાનુભૂતિ હોય પણ કોઈ જાતની સમાનતા વગર લગ્ન સંભવી શકે કઈ રીતે? નવલકથાનાં પાત્રો દ્વારા લેખક એવી ધૂન પોષી શકે, પણ ધરતી ઉપરનાં જીવંત પાત્રો માટે એ શી રીતે શક્ય હતું? આવેગનું માર્યું કોઈ એવું પગલું ભરી બેસે પણ એ ટકે કેટલો વખત? જાણે પોતાને એવો વિચાર આવ્યો જ ન હોય તેમ નિચિંત બની સુકલા ઘસઘસાટ ઊંઘી ગઈ.

પરંતુ સવારમાં જાગી ત્યારે એ જ વિચાર બીજી રીતે એની સમક્ષ ઊભો રહ્યો. વિનાયક અને પોતાનામાં સમાનતા નથી શું? એ કલાકાર છે, પોતે કલાની ભક્ત છે. આ શું જેવી તેવી સમાનતા છે? કલાની ભક્ત કલાકારને નહિ ભજે તો કોને ભજશે? સમાનતા બાહ્ય જીવનની જોવાની કે આંતરજીવનની? બંગલામાં વસનાર અને ઝૂંપડીમાં રહેનાર જો એક જ દિલનાં હોય તો એમનામાં અસમાનતા ક્યાં રહી? એથી વિરુદ્ધ, બંગલામાં વસનારાં વચ્ચે દિલની અસમાનતા હોય તો બાહ્ય જીવન એ સાચી સમાનતા શી રીતે કહેવાય?

સુકલા આમ ખેંચતાણમાંથી પસાર થતા સમયમાં વહવા સાથે છેલ્લા નિર્ણય ઉપર આવી કે લગ્ન એ આત્માનું જોડાણ હોય તો વિનાયક અને પોતે જોડાય તેમાં બહારની ભલે ગમે તેટલી અસંગતિ દેખાતી હોય. આત્માની સંગતિ તો હતી જ. પોતે વિનાયકની કલાને ચાહે છે, એ કલાને પોતાના જેવી જીવનસંગિની મળે તો પણ પોષણ મળે તે સ્પષ્ટ હતું. ગરીબાઈ વિનાયકની સાથી બનીને શોક્ય બની રહી હતી, તેને બદલે સુકલા વિનાયકની સાથી બનીને ગરીબાઈ હઠાવશે. અને એની સાથે બનીને એની બધી ચિંતા પોતાના લઈ લેશે. વૃદ્ધ બા દીકરાનો ભાર ઉઠાવતાં અટકી જાય તે પહેલાં કોઈએ તે જવાબદારી લેવાની જરૂર તો છે જ - વિનાયક માટે નહિ તો એને કુદરતે બક્ષેલી કલાની ખાતર.

વિનાયક સાથે લગ્ન કરવાની સુકલાએ જ્યારે ઈચ્છા જાહેર કરી ત્યારે પપ્પા ધ્રૂજી ગયા એટલું જ નહિ, સારા સમાજમાં ખળભળાટ મચી ગયો, પરંતુ સુકલાનો નિર્ણય પૂરતા વિચાર પછીનો હતો એટલે એમાં કોઈ ફેરફાર કરાવી શક્યું નહિ. વિનાયક પોતાએ પણ અસમાન જીવનનો મેળ ન બેસે તેમ કહી પોતાની મુશ્કેલીનો ખ્યાલ આપ્યો હતો, પરંતુ એ બધો વિચાર સુકલાએ કરી લીધો હતો એટલે વિનાયકની દલીલ પણ કામ લાગી નહિ. પપ્પાએ ધમકી આપી કે પોતે એ લગ્નમાં સંમતિ નહિ આપે એટલું જ નહિ, ધમભંડારમાંથી એક નાનામાં નાનો સિક્કો પણ નહિ આપે!

સુકલાએ બધી ગણતરી કરી લીધી હતી એટલે એ ધમકીથી બી જવાનું એને કારણ ન હતું. એની પોતાની પાસે વિવિધ શક્તિ હતી. કલાનાં વિવેચન એ લખતી હતી એ આર્થિક રીતે એને પગભર કરે એવું ન હતું. પરંતુ બાલમંદિર ચલાવી, નાનપણાથી ઊગતી પ્રજામાં કલા, સંગીત, નૃત્ય વગેરેના સંસ્કાર સીંચી પ્રેમ દ્વારા કેળવણી આપવી તે સુકલાની ગણતરી હતી. એમાંથી એટલી આજીવિકા મળે કે વિનાયક નચિંત થાય અને દુનિયાને ભૂલી એ એની કલાની ઉપાસનામાં ડૂબી રહે તે સુકલાને પૂરતું હતું.

સુકલાએ પોતાની ભાવિ યોજના મિત્રોને કહી ત્યારે સૌએ હસી કાઢેલી. લગ્નની આસક્તિમાં એ ભાન ભૂલી છે : સમાનતાની ભૂમિકા વિના જન્મેલો પ્રેમ અલ્પજીવી હોય છે તે સુકલાને આજે નહિ સમજાય, ભવિષ્ય આપોઆપ સમજાવશે. પરંતુ સુકલા એવી માટીની નીકળી કે મિત્રોની એ ગણતરી પણ ખોટી પડી. લગ્નજીવનનાં વરસો વીતવા લાગ્યાં. તેમ એ વિનાયકની આદર્શ પ્રેરણામૂર્તિ બની ચાલી. પપ્પા પણ અનુભવે સમજી ગયા કે સુકલા ધૂની ન હતી, પરંતુ એનો આત્મા સાચેજ વિનાયકને ઝંખતો હતો એટલે એને માટે બીજો કોઈ માર્ગ નહોતો. પોતે પિતા થઈને દીકરીને તરછોડી દીધી હતી તેનો તેમનો પસ્તાવો થતો હતો. વિનાયકે દસકામાં હિંદના પ્રથમ પંક્તિના ચિત્રકારોને ભૂલવી નાખે તેવી શક્તિ ઉત્તરોત્તર બતાવી હતી, અને એનો યશ સુકલાને હતો. પરિણામે, એ લગ્નનો વિરોધ કરનારાં સૌ હાર્યા હતા અને સુકલાની ભાવનાનાં, શક્તિનાં સૌ વખાણ કરતાં હતાં, એટલું નહિ, પણ ભક્ત બન્યાં હતાં. પપ્પા એ સૌમાં મોખરે હતા. એમણે છેલ્લે હઠ લીધી કે જો હવે મારી લક્ષ્મીનો ઉપયોગ દીકરી તું નહિ કરે તો તેં મને માફ કર્યો નથી એમ જ હું માનીશ !

પપ્પાનો આગ્રહ એણે માન્ય રાખ્યો અને વિનાયક સાથે સુકલા એમના ભેગી રહેવા ગઈ. પપ્પાના આનંદની સીમા ન હતી, તેમ વિનાયકને પણ ઓછો હર્ષ ન હતો. સુકલા ઉપરથી વિનાયક એક બેનમૂન કલાકૃતિ તૈયાર કરવાનો મનોરથ સેવતો હતો. પરંતુ સુકલા એટલે પ્રવૃત્તિમાં રહેતી કે નિયમિત પોઝ માટે બેઠકનો સમય કાઢવો મુશ્કેલ હતો. વિનાયક પોતે પણ એમાં પોતાની બધી કુદરતી શક્તિ ખર્ચવા માગતો હતો, એટલે ઉતાવળથી કંઈ કરવા તૈયાર ન હતો.

સુકલાએ જે ભાવના પોતાના માટે બતાવી હતી તેનો યત્કિંચિત બદલો એની બેનમૂન કલાકૃતિ સર્જી વિનાયક આપવા ઈચ્છતો હતો. એવી નિરાંત હવે પપ્પાને લીધે મળશે. પોતાનું સ્વપ્ન સફળ થશે તેનો વિનાયકને આનંદ હતો.

એવી બેનમૂન કલાકૃતિ સર્જવા માટે વિનાયકે પ્રેરણા બ્રહ્મા પાસેથી લીધી હતી. કહેવાય છે કે, બ્રહ્માએ સફળ સૃષ્ટિ સર્જ્યા પછી પુરૂષ સર્જ્યો. છેવટે એના સાથીદાર તરીકે સ્ત્રી સર્જવાનું છેલ્લું કાર્ય હાથ લીધું. બ્રહ્માની મહેચ્છા હતી કે પોતે સૃષ્ટિમાં સુંદર કલાતત્વો સર્જ્યા છે તે દરેકનો સમન્વય સ્ત્રીમાં કરવો અને જગતને ઉત્તમોત્તમ કલાકૃતિ તરીકે સ્ત્રીની ભેટ આપીને હાથ ધોઈ નાખવા. એટલે સફળ સૃષ્ટિનાં તત્વોનો સ્ત્રીમાં સુયોગ કરવા બ્રહ્માએ પુષ્પોમાંથી સૌંદર્ય લીધું, પક્ષીઓમાંથી સંગીત લીધું, મેઘધનુષ્યમાંથી સપ્તરંગો લીધા, દરિયાની મીઠી લહેરમાંથી ચુંબન લીધું. ઊછળતાં મોજાંમાંથી હાસ્ય લીધું. ઘેટામાંથી નમ્રતા લીધી, વરસાદનાં ઝાપટાંમાંથી ચંચળતા લીધી અને એક કલાપૂર્ણ સ્ત્રી સર્જી.

વિનાયક સુકલાનો પોઝ લઈ, બ્રહ્માની કલાપૂર્ણ સ્ત્રીને ચિત્રકલામાં તાદૃશ કરવા માગતો હતો. સુકલામાં ભારેભાે સૌંદર્ય હતું, તેમ બ્રહ્માએ મૂકેલા જુદાં જુદાં ગુણો પણ હતા, અને એ વિનાયકે જાણ્યા હતા. સુકલાનું ચિત્ર જોતાં કલાની દૃષ્ટિવાળો કોઈ પણ કલારસિક એ બધા ગુણો જુદાં જુદાં અંગોમાંથી ઊપસી આવતા જોઈ શકે તેવી સજીવ કલાકૃતિ તૈયાર કરવાની વિનાયકે બધી યોજના ઘડી રાખી હતી. વખત, નિરાંત અને સ્ફૂર્તિની રાહ જોતી એ યોજના હવે લાંબુ ખેંચવા ન માગતી હોય તેમ પપ્પાના બંગલે મુકામ આવ્યો અને એણે આળસ મરડી, બેઠી થઈ અને હાકલ કરી.

સુકલાએ વિનાયકની કીર્તિમાં પોતાની કીર્તિનું સમર્પણ કર્યું હતું, એટલે પોતાના પોઝથી પોતાની કીર્તિ વધે એવો મોહ નહોતો. પરંતુ બીજી કોઈ પણ સ્ત્રી કરતાં પોતાના પોઝમાં વિનાયક આત્માનું ચૈતન્ય વધુ રેડી શેક એમાં સુકલાને શંકા ન હતી. એટલે એક ઉત્તમોત્તમ કૃતિના નિર્માણ માટે સુકલાએ બહારની બીજી પ્રવૃત્તિઓમાં કાપ મૂકીને વિનાયકને બેઠક આપવાનું સહર્ષ સ્વીકાર્યું હતું. એની શરૂઆત થતાં, સૂકલામાં માનવસહજ પોતાપણાની આસક્તિ પણ એ ચિત્ર માટે જન્મી અને જેમ જેમ ચિત્ર આકાર લેતું ગયું તેમ તેમ સુકલા ગર્વ અનુભવવા લાગી કે પોતાની જગાએ બીજી વધુ સુંદર સ્ત્રી હોત તો પણ વિનાયક આટલો આત્મા રેડી ન શકત એ ચોક્કસ ! ચિત્ર તૈયાર થતાં સુકલા પોતે જ પોતાના પ્રેમમાં પડી ગઈ હોય એવી એની સ્થિતિ થઈ. વિનાયકની શક્તિ વિષે એના કરતાં બીજા કોને વધુ માન હોય? છતાં આવું અલૌકિક ચિત્ર વિનાયકની પીંછીએ નહિ, પણ ઈશ્વરી શક્તિએ અદૃશ્ય રીતે દોર્યું છે, એમ એને વસી ગયું. વિનાયકે પોતે પણ આટલી ઉત્તમ કૃતિ કલ્પી ન હતી. સાચે જ એમાં કુદરતનો હાથ છે એમ એ માનતો હતો. પપ્પા તો એ જોઈને ગાંડાઘેલા થઈ ગયા હતા. એ ચિત્ર નજરાઈ ન જાય માટે એમણે પ્રથમ ફ્રેમમાં મઢી લઈ એક ખૂણે ગળીનો દોરો બાંધ્યો હતો ! ચિત્ર હજુ જાહેર કરવામાં આવ્યું ન હતું. છતાં સ્નેહીઓને બતાવવામાં આવતાં સૌ આફરીન થઈ જતાં હતાં.

જાણે આ ચિત્રની રાહ જોવાતી હોય તેમ એ તૈયાર થતાં જગતની અપ્રગટ ઉત્તમ ચિત્રકૃતિઓનું પ્રદર્શન અને હરીફાઈ લંડનમાં યોજાવાનું જાહેર થયું. સુકલાનો હર્ષ સમાયો નહિ, પરંતુ એ ચિત્રને હરીફાઈમાં મોકલવાના મતનો વિનાયક વિરોધી નીકળ્યો. એણે એક જ દલીલ કર્યે રાખી : 'અમુક વસ્તુ હરીફાઈથી પર હોય છે. આ ચિત્રકૃતિ પોતાના આત્માના આનંદ માટે સર્જી છે, એને હરીફાઈમાં મૂકવાની વૃત્તિથી હાથ ધરાઈ હોત તો ઈશ્વરી શક્તિએ છૂટે હાથે જે પ્રેરણા પીરસી હતી તે અટકી ગઈ હોત.'

સુકલા સામી દલીલ કરતી : 'મારો પૉઝ છે માટે હું કંઈ આગ્રહ કરું છું એવું નથી. જગતભરની હરીફાઈઓ સુયોગ વિરલ હોય છે, મુંબઈની એક નાની હરીફાઈમાં જો તમને મોટો ફાયદો થયો તો જગત-હરીફાઈમાંથી કેવો લાભ થશે એ શું કહેવાય?'

વિનાયક એકનો બે ન થયો : 'સુકલાનો સંયોગ થયા પછી હવે કોઈ બીજી મહેચ્છા મારે રહી નથી!'

પરંતુ સુકલાને વિનાયકની કીર્તિમાં વધારો થાય એ વગર બીજી ઝંખના ન હતી, એટલે એણે જ્યારે જોયું કે કોઈ ઉપાયે વિનાયક હરીફાઈમાં ઊતરવા તૈયાર નથી ત્યારે એનાથી છાનું 'સુકલા' ચિત્ર એણે હરીફાઈ માટે રવાના કરી દીધું.

વિનાયકે સુકલાનું આ તોફાન જાણ્યું ત્યારે સસ્મિત એને માન્ય રાખ્યું. પરંતુ એના હૃદયમાં ઘમસાણના મોજાં શરૂ થયાં. ધારો કે એ ચિત્ર જગતનું શ્રેષ્ઠ ઠર્યું તો? પછી પોતાનો ધર્મ શો રહેશે? એથી સવાયું ચિત્ર દોરી જે સ્ત્રીએ પોતાના જીવનમાં આત્માનું ઐક્ય સ્થાપ્યું હતું તેને ઝાંખી પાડવી? એ ચિત્રને કાયમ નૂતન રાખવા માટે પરીક્ષાર્થી પર રાખવા એ માગતો હતો, જેથી ક્યારેય એમ ન લાગે કે આ કૃતિ બીજા કરતાં ઊતરતી છે. એ તક કો કીર્તિના મોહમાં સુકલાએ ઝૂંટવી લીધી હતી. એ પછીની કલાકૃતિને દરેક એની સાથે સરખાવશે અને એથી સારી કે નરસી એમ અભિપ્રાય આપશે, નરસી આપે ત્યાં સુધી તો વાંધો ન હતો, પરંતુ એથી ઉત્તમ એમ અભિપ્રાય આપે તો સુકલાનું ગૌરવ હણાવાનું કે બીજું? અને એનું નિમિત્ત પણ મારે જ બનવાનું!

સુકલા પ્રત્યેના અસીમ પ્રેમને લીધે વિનાયક બેચેન બની ગયો હતો. જો એથી ઉત્તમ ચિત્ર દોરે છે તો સુકલાનું ખંડન થાય છે. હવે પીંછી નથી પકડતો તો કલા રિસાય છે. કલા એવી હઠીલી છે કે વિનાયક ગમે તેટલી મનથી પ્રતિજ્ઞા કરે પણ પીંછી પકડાવ્યા વગર રહી શકે જ નહિ ! વિનાયક માટે પીંછી એ જીવન છે તો સુકલા એ શ્વાસોચ્છ્વાસ છે.

અંદરથી કલા કહેતી હતી :'હજુ તારે ઘણાં શિખર સર કરવાનાં છે. અહીં અટકી ગયે કેમ ચાલશે?'

પત્ની પ્રેમ કહેતો હતો : 'કીર્તિનાં શિખરોના દિગ્વિજય કરવા જતા છેલ્લા શ્વાસોચ્છ્વાસ સુધી અંત નહિ આવે અને છતાં બીજો નવો કલાકાર આવશે ત્યારે એ શિખરોને પણ ઝાંખાં પાડી દેશે. માટે એ મોહ જતો કરી, પત્નીના પ્રેમનું શિખર કાયમ ઉન્નત રહે તે માટે પીંછી પકડવાની વાત છોડી દે. પીંછી પકડ્યા વગર ન જ રહી શકતો હોય તો, નવા નવા ઊગતા કલાકારોને પીંછી પકડતાં શીખવ એટલે કલાને રિસાવાનું પણ નહિ રહે અને તારી કલાની ઉપાસના તો પણ ચાલું રહેશે.'

હરીફાઈનું પરિણામ આવતા સુધી વિનાયકની અંદર પડેલા કલાકારે અને પ્રેમીએ દ્વંદ્વયુદ્ધ કર્યા. 'સુકલા' શ્રેષ્ઠ ચિત્ર જાહેર થતાં વિનાયકની અંદરનો કલાકાર હાર્યો અને પ્રેમી જીત્યો. એણે મનથી નક્કી કર્યું કે 'સુકલા'નો ઝાંખી પાડે તેવી કૃતિ હું નહિ સર્જું !

પરંતુ વિનાયકે થોડા વખતમાં જોઈ લીધું કે અંદરનો કલાકાર આ નિર્ણયથી જંપ્યો ન હતો. પ્રેમને શી રીતે હરાવવો તેના પેંતરા તે ગોઠવવાની વેતરણમાં પડ્યો હતો. વિનાયકને થયું કે, પોતે આ બેની સાઠમારીમાં માર્યો જશે, ગમે તેમ કરી એકનો અંત આણવો જોઈએ. અને કોનો અંત લાવવો એ અંગે એ સંદેહમાં ન હતો. કલાકારને એ હવે વિદાય કરવા માગતો હતો. 'સુકલા'ને ભૂંસી નાખે તેવો કલાકાર હવે એને ખપતો ન હતો. પીંછીની કલાની દૃષ્ટિ નવા કલાકારોને આપીને વિનાયક હવે પછીના જીવનથી સંતોષ માનવા તૈયાર હતો.

એ માટે વિનાયકને એક જ નચિંત રસ્તો દેખાતો હતો. પીંછી પકડવાની શક્તિ હશે ત્યાં સુધી કલાકાર જંપવાનો ન હતો. એટલે એ શક્તિને હણી નાખી નિર્ભય થવું શું ખોટું? જમણા હાથના અંગૂઠાનું છેદન કરી નાખવામાં આવે તો કલાકાર ક્યારેય યુદ્ધમાં ઊતરી ન શકે, છતાં એની દૃષ્ટિ નવાઓ માટે પ્રેરણારૂપ બની રહે એટલે શક્તિનો સદુપયોગ ચાલુ રહી શકે.

બીજે અઠવાડિયે કલાજગતે ધરતીકંપનો આંચકો અનુભવ્યો, વિનાયકે એક મિત્રનું કારખાનું જોતાં જોતાં અકસ્માતથી જમણા હાથનો અંગૂઠો ગુમાવી દીધો હતો !

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.