મોટીબહેન
મોટીબહેનના ચુસ્ત વૈષ્ણવ મરજાદી આચારથી કેશવને નાનપણથી ધર્મ ઉપર ચીડ જન્મી હતી. હિંદુ સમાજમાં હરિજન વર્ગ પૂરતી અસ્પૃશ્યતા હતી, ત્યારે એના ઘરમાં તો મોટીબહેન ઘરનાં માણસોને પણ અસ્પૃશ્ય માની કોઈને સ્પર્શ ન થઈ જાય તેની ડગલે ને પગલે કાળજી રાખતાં. એ બીજાના હાથની રસોઈ જમતાં નહિ, પરિણામે મોટીબહેન રસોઈ કરવા બેસતાં. એમનું ચિત્ત એમના ધર્મધ્યાનમાં હોય એટલે રસોઈમાં ખાસ બરકત આવતી નહિ. પરંતુ બાપુજીની સૌને કડક ચેતવણી હતી કે કોઈએ રસોઈ ટોકવી નહિ. એમને ગર્વ હતો કે દીકરી બાળવયમાં, સંસારનું સુખ જોયા વગર વિધવા થઈ, તે દુઃખને વીસરી જઈ મીરાં જેવી વિરકત થઈ ગઈ હતી, તે કુટુંબની પેઢીના પુણ્ય વગર કળિકાળમાં બનવું સહેલું ન હતું.
કેશવ ત્રણ બહેનો વચ્ચે એકનો એક લાડકો હતો. બાપુજીએ જ વધુ લાડકો કરી મૂક્યો હતો એટલે ભોજનના સ્વાદનો એ રસિયો થતો ગયો તેમ તેમ મોટીબહેનની રસોઈ ટોકતો ગયો. મોટીબહેન કોઈના હાથનું જમતાં નથી માટે જ પોતાને એવી રસોઈ માથે મારે છે, એમ લાગતાં એને ધર્મના આચાર ઉપર અને છેવટ ધર્મ ઉપર જ નફરત થઈ હતી. મોટીબહેન જીભના સ્વાદનો વિનોદ કરતાં કે અમૂલો મનખાદેહ કંઈ ભોગ ભોગવવા નથી મળ્યો, મોક્ષ મેળવવા મળ્યો છે. એમાં દેહને જેટલું કષ્ટ પડે, ભોગચટાકા ન મળે, તેટલું મન પવિત્ર રહે! કેશવ વધુ પડતો બટકબોલો હતો એટલે જવાબમાં કહી નાખતો : 'એ તો તમે બાળવિધવા થયાં એટલે ભગતડાંની સોબતે આવું બોલો છો. બાકી બીજાની પેઠે ઘર લઈને બેઠાં હોત, છોકરાં હોત, તો તમેય સ્વાદ ન છોડત.'
મોટીબહેન એ વાતને ગંભીર લેખતા, ભાઈએ જાણે પોતાના વૈધવ્ય ઉપર મહેણું માર્યું હોય તેમ કલ્પાંત કરતાં. અને ભાઈને લીધે માબાપને પણ ઓશિયાળા બનાવતાં કે, મારો ભગવાન રૂઠ્યો ત્યારે મારે આમ ઓશિયાળું થવાનું ને?
દીકરીનું આ દુઃખ સહેવાતું નહિ એટલે માબાપ કેશવ ઉપર તૂટી પડતાં. એને લાડકો કરીને મોઢે ચડાવ્યો તેમાં જ એ બધાંને પી ગયો હતો એમ માની એ લાડ પણ ઓછાં કરવા માંડ્યાં. પરિણામે કેશવ મોટો થતો ગયો તેમ તેમ આ આચારવિચારની કઢંગી દીવાલોને લીધે એ મા-બાપનો અને મોટીબહેનનો અળખામણો થઈ પડ્યો. એનો રોષ કેશવે ધર્મ ઉપર ઉતાર્યો. : 'આ ધર્મનાં ધતિંગ તો કોણે ઊભાં કર્યાં હશે?'
પરિણામે, ધર્મ ઉપરની એની અનાસ્થાને લીધે મોટીબહેન અને માબાપને એ નાસ્તિક લાગતો હતો. તેમાંય એ મોટો થયો, સ્વતંત્ર રીતે બહાર રહેતો થયો, અને અસ્પૃશ્યતાના કે ખાવા-વટલાવાના આચારને તેણે તિલાંજલિ આપી દીધી, ત્યારથી તો કુટુંબમાં કુલાંગારા પાક્યો એમ સૌને વસી ગયું હતું. બાકી હતું તે માંદો થયો અને ડૉક્ટરે ઈંડાં ખાવાની ભલામણ કરી એટલે તેણે ખાધાં એટલું જ નહિ, પણ ચુસ્ત વૈષ્ણવ મરજાદી મોટીબહેનને એની વાત કરી એટલે મોટીબહેનને તો એનો પડછાયો લેવામાં પાપ જણાવા લાગ્યું. મોટીબહેન સ્વતંત્ર હોત તો 'મારા ઘરમાં તારો પગ નહિ!' એમ પણ કદાચ કેશવને કહી દીધું હોત. ધર્મ પાળવામાં પોતાનો ઓશિયાળો અવતાર કેવો દુઃખકારક હતો એમ ઓછું આવતાં મોટી-બહેનની આંખમાં પાણી પણ ભરાઈ આવતું હતું. પરિણામે, બાપના ઘરમાં કેશવ આવે ત્યારે ધર્મ સાંભળીને એનો પડછાયો સાચવી લેવો, પરંતુ એને ઘેર મોત આવે તો પણ ન જવું, એમ મોટીબહેને મનથી નક્કી કર્યું હતું.
કેશવથી આ ભાવ કંઈ અજાણ્યો ન હતો, પરંતુ એનામાં પણ ઉંમરને લીધે ઠરેલપણું આવતું જતું. હવે મોટી ઉંમરે બહેનના આચારવિચાર ફરે તેમ પણ એ નહોતો માનતો. એટલે ઘેર આવતો ત્યારે એમના ઉપર પ્રહાર કરવાની જૂની ટેવ એણે મૂકી દીધી હતી. છતાં મોટીબહેન જેમ એને ત્યાં જવા તૈયાર ન હતાં તેમ એમને તેડી જઈ ડગલે ને પગલે બંધનની આફત વહોરવા એ પણ ખુશી ન હતો. પરંતુ મા-બાપ ગુજરી ગયાં. બે બહેનો સાસરે રહેતી થઈ અને બાપદાદાના જૂના વિશાળ ઘરમાં મોટીબહેન એકલવાયાં રહેવા લાગ્યાં, એટલે કેશવને લાગ્યું કે, ભલે એ કાયમ પોતાની સાથે ન રહે. પરંતુ થોડા દહાડા મને વિસામો કરી જાય એ તો જરૂરનું ગણાય. એટલા દિવસ પૂરતું આચારનું બંધન સ્વીકારી લઈ એમને ખુશ રાખવાં એમ પણ મનથી નિર્ણય કર્યો હતો.
પરંતુ એના આગ્રહ છતાં મોટીબહેન જવા તૈયાર ન થયાં. કેશવે બાંયધરી આપી કે તમને રહેશો એટલા દિવસ તમારા આચાર પ્રમાણે જીવીશું, પણ મોટીબહેને જણાવ્યું કે ખોળિયું એક વખત ભ્રષ્ટ થયા પછી કંચનથી મઢો તો પણ કંઈ અર્થ નહિ. એ વખત જવા દઈ, બીજી વખત કેશવે પત્નીને કહ્યું કે તું આગ્રહ કરી જોજે. ભાઈ કરતાં ભાભી સારી હતી એમ મોટીબહેનને લાગતું હતું એ કેશવ પણ જાણતો હતો, એટલે મોટીબહેનની મૂર્ખાઈ પર હસતો પણ ખરો. કારણ કે પોતે જે આચાર પાળતો તે જ પત્ની પણ પાળતી હતી, જે કારણે પોતે મોટીબહેનનો અપ્રિય હતો તે બધાં કારણો પત્નીમાં પણ હતાં, ફક્ત એની જીભ મીઠી હતી એટલે કડવું બોલતી નહિ. અને એવો વખત આવે ત્યાં કડવું સત્ય ગળી જતી. કેશવની જીભમાં પ્રિય અસત્ય કરતાં અપ્રિય સત્ય વાસ કરતું હતું. ભાભીના આગ્રહને પણ મોટીબહેન વશ ન થયાં એટલે કેશવ પોતે વરસમાં બે વખત મોટીબહેન પાસે કુટુંબ સાથે આવતો અને દસ-પંદર દિવસ રહી જતો. પોતે ધારે તો કેવા કડક આચાર પાળી શકતો હતો તેની પરીક્ષા એ દિવસોમાંએ આપી જતો. પણ મોટીબહેનનું દિલ એને ઘેર જવા ન પીગળ્યું તે ન પીગળ્યું. આ કારણે કેશવને મોટીબહેન કરતાં ધર્મ ઉપર જ વધુ તિરસ્કાર આવતો હતો. અજ્ઞાન પ્રજાને આવાં ધર્મના ધતિંગ અફીણના ઘેનની ગરજ સારે છે, એમ એ માનતો હતો. અફીણ, દારૂ, જુગાર વગેરેની બંધીની સરકાર વાતો કરતી ત્યારે એ કહેતો કે એ સૌ કરશે તો પણ ધર્મ ઉપર સરબંધી નહિ કરો ત્યાં સુધી એ સૌ મિથ્યા છે! કારણ કે ધર્મમાં એ બધાં અનિષ્ટો એટલાં પ્રબળ રીતે પડ્યાં છે કે, દુઃખી થવા માટે ધર્મનો દુર્ગુણ જ પૂરતો છે !
ધર્મને દુર્ગુણ માનતા કેશવના હૈયામાં, ફેલાવનાર ધર્મગુરુઓ તરફ ઘૃણા હોય તે સ્વાભાવિક હતું. પરંતુ માણસને પસંદ ન હોય તેવા ઘણા વર્ગો દુનિયામાં મોજૂદ હોય છે અને તે સૌ પૂર્વગ્રહ હોય તો પણ એમને સહી લેવા પડે છે. એ રીતે કેશવ પણ ઘૃણા હોવા છતાં એ સમુદાયની ઉપેક્ષા કરતો, માનતો કે એમને પણ મારા જેવાઓ પ્રત્યે એટલી જ ઘૃણા હશે ને? દરેક પોતપોતાની રુચિ પ્રમાણે ન્યાય કરે તો કોઈ જીવી પણ ન શકે ! એટલે ધર્મ દુર્ગુણ હોય તો પણ એને સદ્દગુણ માનનારને એ ફેલાવવાનો હક છે, અને પોતાનો એ ડામવાનો હક કોઈ લઈ લે ત્યારે તે જ પોતે વાંધો લઈ શકે.
આ રીતે કેશવે ધર્મગુરુઓને અત્યાર સુધી માફ કર્યા હતા. પરંતુ મોટીબહેન માંદાં પડ્યાં, પથારીમાંથી ઉઠાતું ન હતું છતાં દવા પીને દેહને ભ્રષ્ટ કરવાનો ઈનકાર કરતાં હતાં, પોતાની સાથે શહેરમાં આવી વૈદકીય સારવાર લેવા કરતાં પ્રભુ પોતાની પવિત્રતા અકબંધ રાખીને બોલાવી લે તેમાં એ કાયાનું કલ્યાણ માનતાં હતાં ત્યારે કેશવ આવું હળાહળ પાનાર ધર્મગુરુઓ ઉપર ખિજાઈ ઊઠ્યો. એ વખતે જો કોઈ એની સમક્ષ હોત તો એ હિંસા પણ આચરી બેઠો હોત ! મોટીબહેન સાથે એ દલીલ કરીને થાક્યો એટલે એ ધૂંઆપૂંઆ થઈને ઘરની બહાર નીકળ્યો. દરરોજ મોટીબહેન વૈષ્ણવ મંદિરના મુખિયાજીની કથાવાર્તા સાંભળતાં એટલે કેશવને વસી ગયું કે એ જ મોટો ગુનેગાર છે. દુર્ગુણ ફેલાતો અટકાવવો હોય તો મુખિયાજીને ખબર પાડવી જ જોઈએ.
ક્યારેય નહિ અને આજે કેશવને મંદિરમાં આવેલો જોઈ મુખિયાજી વિચારમાં પડી ગયા. એના વિચારો મોટીબહેને કહેલા એટલે મુખિયાજી ભૂલમાં પડે એવા ન હતા. તેણે માન્યું કે એ દર્શન કરવા આવ્યો હશે. કેશવે બાણવૃષ્ટિ શરૂ કરી દીધી : 'તમે ધર્મને નામે આ માંડ્યું છે શું? માણસ મરવા પડે છતાં દવા ન પી શકે કે દવાખાનામાં જઈને સારવાર ન લઈ શકે એ ધર્મ તમે કાઢ્યો છે ક્યાંથી? હું તો શહેરમાં સ્વામીનારાયણના સાધુઓને ખ્રિસ્તી મિશનના દવાખાનામાં હરિજનોના હાથે દવા પીતા રોજ જોઉં છું. છતાં એમનો ધર્મ રસાતળ નથી જતો અને તમારા ધર્મનું સત્યાનાશ શી રીતે જતું રહે છે?'
એક વાક્યમાં મુખિયાજી પામી ગયા. કેશવ એવો ખિજાયેલો હતો કે એની સાથે દલીલ કરવી નકામી હતી. બાકી એમણે જ મરજાદી ધર્મનો ચેપ મોટીબહેનને આપ્યો હતો, મરજાદી દેહ તજે પણ ધર્મ ન તજે એ ઉપદેશ પણ એમણે જ પાયેલો હતો. પરંતુ જે ધર્મ માનતો નથી તે મુખિયાજીની પણ આમન્યા ન રાખે. અને એક વખત ભાવિકો સમક્ષ ધર્મગુરુનું કોઈ અપમાન કરે તો એની બૂરી છાપ પણ ભક્તો ઉપર પડે અને એથી ધર્મગુરુનું મહત્વ ઓછું થાય, આચાર ધર્મને ધોકો પહોંચે, આ બધા વ્યવહારધર્મને ક્ષણમાં સમજી જઈને મુખિયાજી તરત ગાદી ઉપરથી ઊભા થયા અને બોલ્યા : 'કેશવ ! તારા જેવો ભણેલોગણેલો. સમજુ પુરુષ આમ ધર્મનું અપમાન કરે તે સારું કહેવાય? દવા લેવાનું તારી બહેન ના કહેતી હોય તો એ એનો હઠાગ્રહ છે. આપદ્દ ધર્મ તરીકે એ છૂટ શાસ્ત્રે આપેલી છે જ.'
કેશવ કંઈ ધર્મનો શાસ્ત્રાર્થ કરવા આવ્યો ન હતો. એણે મુખિયાજીની એ વાત સ્વીકારી લેતાં કહ્યું : 'કૃપા કરીને ચાલો ત્યારે મારે ઘરે. ખાટલે પડેલી મોટીબહેન મૂર્ખાઈ ન કરે માટે એને શિખામણના બે શબ્દો કહો. મારે તો એ કોઈ ઉપાયે દવાખાનામાં દાખલ થાય એટલે બસ. અત્યાર સુધી હું એમના ધર્મની આડે આવ્યો નથી. પરંતુ ભાઈ થઈને એમની મૂર્ખાઈને લીધે હું મરવા તો નહિ જ દઉં.'
મુખિયાજીએ કેશવના ઘેર પગલાં કરીને મોટીબહેનને બોધ આપ્યો : 'દવા ન લેવી એ જેમ ધર્મ છે, તેમ દેહનો ભય ઊભો થાય. અને બીજો કોઈ ઉપાય ન રહે ત્યારે આપદ્દ ધર્મ તરીકે દવા લેવામાં બાધ પણ નથી, કારણ કે, મનુષ્યજન્મ મોક્ષ મેળવવા મળ્યો છે. એનું સ્થૂળ સાધન ખોળિયું છે. એ ખોળિયાને મોક્ષના કાર્ય માટે સાચવવું તે ફરજ છે. જો હઠાગ્રહ કરી દવા ન લઈએ, અને ખોળિયું પહેલું પડે અને સાધના અધૂરી રહે તો બીજો જન્મ લેવો પડે, એ કારણે મુમુક્ષુએ આપદ્દ ધર્મ તરીકે દવાનું શરણું લેવું એમ આપણો વૈષ્ણવધર્મ કહે છે. માટે તમે ભાઈ સાથે શહેરમાં જાઓ, ખુશીથી દવાખાનામાં દાખલ થાઓ અને શરીર નીરોગી કરી પાછાં આવશો એટલે હું પ્રાયશ્ચિત કરાવીશ. જેથી દવાને લીધે ખોળિયામાં આવેલી અશુદ્ધિ દૂર થઈ જશે.'
મુખિયાજીનો બોલ એ મોટીબહેનને માટે વેદવાક્ય હતો એટલે કોઈ વાદવિવાદ કર્યા વગર એ કેશવ સાથે જવા તૈયાર થયાં. ડૉક્ટરે સમજાવ્યું કે આ માંદગી સામાન્ય નથી, ઑપરેશન કરાવવું પડશે. મોટીબહેનની પોતાની ઈચ્છાનો સવાલ હોત તો એમણે પુરુષ ડૉક્ટરને પોતાના શરીરનો સ્પર્શ કરવા દીધો ન હોત, પરંતુ ગુરુઆજ્ઞા હતી એટલે આપદ્દ ધર્મ તરીકે શરીર નીરોગી કરવા જે કરવું પડે તે વેઠી લેવા એ તૈયાર થયાં હતાં. વળી ગુરુઆજ્ઞા મળ્યા પછી એ તૈયાર ન થાય તો કેશવ છોડે એવો પણ ન હતો એટલે થોડા દિવસ દવા ચાલ્યા પછી શક્તિ આવતાં ઑપરેશન કરવાનું નક્કી થયું.
ઑપરેશનનું કામ. ન કરે નારાયણ અને એમાંથી બેઠા થવા વખત ના આવ્યો તો, એમ માની પોતાની પાછળ પુણ્યદાન કરવાની લાંબી યાદી મોટીબહેને કરાવી. કેશવના નાસ્તિક વિચારોને લીધે બાપુજીએ દીકરીને ભાઈ તરફથી સહારો ન મળે તો દુઃખી ન થવું પડે ગુજારો થઈ રહે. ઉપરાંત ઘરેણાં પણ હતાં. એમાંની અર્ધોઅર્ધ રકમ ગામના વૈષ્ણવ મંદિરના મુખિયાજીને આપવાનું લખાવ્યું હતું. આ રકમ ભાઈએ પોતાના ખિસ્સામાંથી આપવાની ન હતી, વળી બાપુજી તરફથી મળેલી રકમમાંથી ત્રીજા ભાગની એમણે ભત્રીજાઓને આપવાની તથા જણસો ભાભીને આપવાનો યાદીમાં ઉલ્લેખ કર્યો હતો. છતાં ભાઈના નાસ્તિક વિચારો પ્રમાણે ધર્મદાન ન કરે એવો મોટીબહેનને વસવસો ખરો, પરંતુ ભાભી ઉપર પૂરો વિશ્વાસ એટલે મનને પૂરી શાંતિ હતી કે પોતાની ઈચ્છા અફળ નહિ જાય. છેલ્લે, પોતાનો દેહ જો પડે તો અગ્નિસંસ્કાર કરતાં પહેલાં મુખિયાજીને બોલાવવા અને એમને હાથે પ્રાયશ્ચિત કરાવીને શુદ્ધિ કરી અગ્નિને સ્વાધીન કરવું!
ઑપરેશનના ટેબલ ઉપર સુવાડ્યા પછી ડૉક્ટરને લાગ્યું કે જો થોડું લોહી આપી ઑપરેશન કરવામાં આવે તો દર્દી નિર્ભય થશે. આમેય ઑપરેશન કરવામાં વાંધો ન હતો, પરંતુ કદાચ પાછળથી વધુ પડતી અશક્તિ આવી જાય તો ચિંતા ઉપજાવે એ કરતાં લોહી આપીને આગળ વધવું એમ લાગતાં ડૉક્ટરે કેશવને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો.
દવાખાનામાં છેલ્લી સગવડ પ્રમાણે લોહીની તૈયાર શીશીઓ રાખવામાં આવતી ન હતી, કોઈ વખત જરૂર પડે તો કોઈ માણસમાંથી લોહી લઈને આપવામાં આવતું. એથી લોહી મેળવવામાં મુશ્કેલી પડતી કારણ કે જુદાં જુદાં લોહી તપાસ્યા પછી દર્દીને માફક આવે એવાં તત્વોવાળું લોહી હોય તો જ કામમાં આવે. જોકે દવાખાનામાં સ્ટાફનાં માણસો ટેવાઈ ગયાં હતાં, ટૂંકા પગારથી પેટ ભરાતું નહિ એટલે લોહી આપીને થોડા પૈસા મેળવી લેવામાં તેઓ સમજતાં. આથી આવા પ્રસંગે કેશવ જેવા માણસોને સરળતાથી થઈ પડતી.
છેલ્લી ઘડીએ લોહી આપવાની નવી મુશ્કેલી રજૂ કરતાં પ્રથમ ક્ષણે કેશવને ડૉક્ટર ઉપર ગુસ્સો આવી ગયો. આ લોકો છેલ્લી ઘડીએ 'પ્રશ્ચાત બુદ્ધિ બ્રહ્મ' ક્યાંથી થતા હશે? પરંતુ ડૉક્ટરો લોકોની દાન ભાવના ઉપર જીવતા નથી એટલે મુખિયાજીની માફક એમની ઉપર ગુસ્સે થવું શક્ય ન હતું. કેશવે ચર્ચામાં પડ્યા વગર કહ્યું કે મારું લોહી તપાસો.
ડૉક્ટરે કહ્યું : 'તમારામાં એટલું લોહી નથી કે તમે બીજાને આપી શકો. ઓછામાં ઓછું 8 ઔંસ લેવું પડશે.'
કેશવ : 'મારામાં લોહી વધારે નથી, તો એટલું ઓછું પણ નથી કે અશક્તિ આવશે તે હું વેઠી શકું. બહેન માટે ભાઈનું લોહી જો ઉપયોગમાં આવશે તો હું મારી જાતને એટલી ધનભાગી માનીશ. બહેને આજ સુધી મારી કંઈ સેવા લીધી નથી તેનો બદલો લોહીથી કંઈક વળતો હોય તો ચૂકવવા હું તૈયાર છું.'
કેશવની લાગણી જોતાં ડૉક્ટરે વિરોધ ન કર્યો. અશક્તિ આવવા ઉપરાંત બીજો ખાસ ભય ન હતો એટલે ડૉક્ટરે એની લાગણીને માન પણ આપ્યું. પરંતુ લોહી તપાસતાં રિપોર્ટ વિરુદ્ધમાં આવ્યો. તે પછી પત્નીએ પોતાનું લોહી આપ્યું તે પણ વિરુદ્ધમાં ગયું. લોહી આપવાનું જાણતાં દવાખાનાના સ્ટાફના બે-ત્રણ જણે ઈચ્છા વ્યક્ત કરી. છેવટે ત્રીજાનું લોહી અનુકૂળ આવ્યું. કેશવ એ બાબતની સંમતિ આપવા જતો હતો ત્યાં પત્નીએ દૂર બોલાવી કાનમાં કહ્યું : 'મોટીબહેન જાણશે તો જરૂર ના પાડશે.'
કેશવે પત્નીનું વાક્ય પૂરું થતાં પહેલાં પૂછ્યું : 'કારણ ?'
પત્ની : 'એ હરિજન છે.'
'તે શું થઈ ગયું?'
'તમારો ને મારો એમાં કંઈ વાંધો ન હોય, પરંતુ મોટીબહેન જેનો પડછાયો પણ ન લે તેનું લોહી પોતાની નસોમાં વહેવા જ શી રીતે દે?'
કેશવ હસ્યો.
પત્ની : 'એ હસવાની વાત નથી.'
'હું ધર્મને હસું છું. મોટીબહેન પોતાનાં ઊંચ વરણનું કેટલું અભિમાન લે છે? ત્યારે કુદરતે કેવી એમને જ તમાચ મારી છે? એમના જ લોહીએ ચુકાદો આપ્યો કે તમારી નસોમાં જે લોહી વહે છે, એ જ ગુણધર્મવાળું લોહી આ હરિજનમાં પણ વહે છે! પછી તમે પોતાની જાતને વધુ મોટી, પવિત્ર માનો તે ધર્મનું ચોખ્ખું ઘેન છે કે બીજું કાંઈ?'
'આ કંઈ ધર્મ ઉપર કટાક્ષ વેરવાનો અવસર નથી. મોટીબહેનની લાગણીનો સવાલ છે.'
'તે એમને શી ખબર પડવાની છે કે પોતાને આપ્યું તે લોહી હરિજનનું હતું?'
'આવી બાબતમાં એમની લાગણીને માન આપવું એ આપણો ધર્મ નહિ?'
'આપદ્દ ધર્મમાં આવું પગલું ભરવાનો આપણને હક છે. ઘેર ગયા પછી મૂખિયાજી એમને પ્રાયશ્ચિત કરાવવાના છે એટલે હરિજનનું લોહી પણ પવિત્ર થઈ જશે.'
અર્જુનની માફક વિષાદ ઊભો કરી ગીતા ગાવાનો અત્યારે વખત ન હતો એટલે કેશવે તરત પોતાનો નિર્ણય જાહેર કરી દીધો કે મોટીબહેનની જેમ આપણે મૂર્ખા બનવાનું કારણ નથી. હરિજનનું દસ ઔંસ લોહી મોટીબહેનની નસોમાં ડૉક્ટરે વહેતું કરી દીધું અને ઑપરેશન પણ કરી દીધું.
મોટીબહેનને ઑપરેશનમાંથી કદાચ બેઠું નહિ થવાય એવી બીક હતી, તેને બદલે ખાસ અશક્તિ પણ ન આવી. એમણે માન્યું કે પોતાના ધર્મની શક્તિનું એ પરિણામ હતું. એમને શ્રદ્ધા એટલી સજ્જડ બેસી ગઈ હતી કે દિવસે ન વધે તેટલી રાતે વધતી અને રાતે ન વધે તેટલી દિવસે વધતી હતી. એ શ્રદ્ધાનો જાપ કરતાં હોય તેમ વારે વારે એનો ઉલ્લેખ કરતાં. કેશવ એથી ચિડાતો. એને થતું કે ધર્મનું ઝેર જ એવું છે કે દિવસે દિવસે શરીરમાં એ વધુ ને વધુ વ્યાપતું જાય છે. ખરી રીતે તો દવા અને ઑપરેશનથી આરોગ્ય સુધર્યું એટલે એનો ઉપયોગ ન કરવાની જે જડતા હતી તે છૂટી જવી જોઈએ. વૈદકીય સારવાર ઉપર શ્રદ્ધા બેસવી જોઈએ. પરંતુ મોટીબહેનમાં એ જડતા આટલો પ્રત્યક્ષ લાભ વૈદ્યકીય સારવારનો મેળવ્યા છતાં વધતી જતી હતી. ક્યારે પોતે સંપૂર્ણ તંદુરસ્ત થઈ જાય, ઘરે પહોંચી જાય અને પ્રાયશ્ચિત કરીને પવિત્ર થઈ જાય !
કેશવ થાકતો ત્યારે મોટીબહેનને સાફસાફ સંભળાવી દેવાનું મન થતું કે, તમારા ધર્મે તો ધૂળે નથી કર્યું, જો એને આશરે રહ્યા હોત તો આજે દેવશરણ થઈ ગયાં હોત, પણ ઉપકાર માનો હરિજનનાં લોહીનો કે એણે તમારી નસોમાં વહીને શક્તિ આપી. જેથી નવો અવતાર જોવા ભાગ્યશાળી થયાં ! પરંતુ પત્નીએ એને પરાણે દબાવી રાખ્યો હતો કે જોજો, ભૂલેચૂકેય એવું બોલીને એમની ધાર્મિક લાગણીને આઘાત આપતા ! આપણે એમના ભલા માટે કર્યું હતું, પરંતુ એ પોતાનો દેહ ભ્રષ્ટ કર્યો એમ માની પૂરાં સાજાં થયાં વગર ઘેર ચાલ્યાં જશે.
કેશવેય દબાઈ રહ્યો હતો તે પત્નીની રોકટોકથી નહિ, પરંતુ મોટીબહેનને આઘાત લાગે તેની તેને ખાતરી હતી. આઘાત પહોંચાડવાનો એ ધર્મ પણ માનતો હતો, પરંતુ ધર્મના ઘેનમાં કદાચ પોતાનું સાંભળ્યા વિના એ સંપૂર્ણ આરોગ્ય મેળવ્યા વિના પાછા ચાલ્યાં જાય તો ફરી માંદગીમાં પટકાય અને કર્યુંકારવ્યું ધૂળમાં મળે, એ બીકે મોટીબહેનની અંધશ્રદ્ધાનો જાપ મોં કડવું કરીને કેશવ સાંભળી રહેતો હતો.
પરંતુ કેશવની તિતિક્ષા આટલેથી પૂરી ન થઈ. જેમ જેમ મોટીબહેનની તબિયત સુધરતી ગઈ તેમ તેમ એમણે દવાખાનામાં ભ્રષ્ટાચાર ઉપર પ્રહારો કરવા માંડ્યા. દવાખાનાના ડૉક્ટરો અને બીજા પુરુષો સાથે વગર સંકોચે વાત કરનાર અને હસનાર નર્સોનું વર્તન મોટીબહેનથી સહન ન થયું. સ્ત્રીએ પરપુરુષ આગળ ન છૂટકે ઊભવું પડે તો કેવી મર્યાદાથી વર્તવું જોઈએ એના જે આચાર મોટીબહેનના મનમાં હતા, તેનો એક અંશ પણ નર્સમાં ન જોતાં એ કહેતાં કે વેશ્યા પણ આટલી બધી નફ્ફટ થઈ શકતી હશે કે કેમ એની મને શંકા છે ! સુવાવડી સ્ત્રીઓને સૂતક ગયા પહેલાં ડૉક્ટરો અડતા અને નાહતા નહિ, એટલું જ નહિ, પણ એ પછી બીજા દર્દીઓને અડીને બધાંને અભડાવી મારતા. તે અધર્મ મોટીબહેનથી સહ્યો ન જતો એટલે બબડાટ કરતાં : 'પૈસાને ખાતર ભલે ને આજે એમને ધર્મ ન સમજાય ! પણ મરણ પછી એ પાપ બદલ જમદૂતો એમને ધખધખતા લોઢાના થાંભલાની બાથ ભિડાવશે ત્યારે ખબર પડશે કે પાપનાં કેવાં આકરાં ફળ ચાખવાં પડે છે !'
કેશવને માટે આ બધું સાંભળી રહેવું અસહ્ય હતું. કૃતઘ્ની માણસ પણ જેનો ઉપકાર હજુ ચાલુ છે તેના વિષે આવું હલકું બોલી શકે કે કેમ તેની શંકા હતી, તો પછી જે પોતાની જાતને ધાર્મિક વ્યક્તિ માને છે તે નશામાં ન હોય તો આવા શબ્દો ઉચ્ચારી જ શી રીતે શકે? નર્સો, દુનિયામાં જેમની સેવા માનવધર્મની એક કીમતી ફરજ ગણાય છે તેને વેશ્યા માનનાર ધર્મને હજુ શું દુનિયા ઉપર વધુ દુર્ગુણ ફેલાવવા જીવવા દેવાની જરૂર છે ખરી? જે ડૉક્ટરો દુનિયા ઉપર કરોડો લોકોને જીવતદાન આપે છે તેને જો ધર્મ ધખધખતા લોઢાના થાંભલાની સાથે બાથ ભિડાવતો હોય તો શું એ જ ધર્મને એ થાંભલે બાથ ભીડાવવાની જરૂર નથી? છતાં પોતાનાં વચનોથી મોટીબહેનની તબિયત ઉપર અસર થાય એમ માનીને કર્ણ જેમ જાંઘમાંથી લોહી નીકળતું હતું છતાં ગુરુભક્તિમાં પાછો ન પડતાં ચુપચાપ વેદના સહી રહ્યો હતો તેમ કેશવ પણ ચૂપ રહ્યો હતો.
મોટીબહેનનો ધર્મ પણ, એમની તબિયત જેમ જેમ સારી થતી જતી હતી, તેમ તેમ વધુ ને વધુ ધૂણતો હતો. બે દિવસ પછી ડૉક્ટરે છૂટ આપી હતી. પગ છૂટો કરવા એ સવારમાં બહાર ફરતાં હતાં તે ઘડીએ એમણે પેશાબખાના આગળ બોલાબોલ થતી સાંભળી. એક જણ જાજરૂ ગયો હશે. અને જાજરૂ એકેય ખાલી નહીં હોય તેથી પેશાબખાનામાં બેસી ગયો અને પેશાબખાનું સાફ કરવા જનાર ભંગીબાઈનું એને પકડી પાડવું. આવી રીતે પેશાબખાનાને જાજરૂ બનાવી દઈ અવારનવાર લોક ગંદકી ઊભી કરતાં હતાં એટલે એ બાઈએ છીંડે ચડેલ ચોરને બરાબર સંભાળવવા માંડ્યું હતું.
બાઈમાણસ આમ કોઈ પુરુષને ધમકાવે એ જ મોટીબહેનને માટે ધર્મભ્રષ્ટતા હતી, તેમાં જ્યારે એમણે જાણ્યું કે બોલનાર બાઈ ભંગી હતી અને સામો પુરુષ ઉજળિયાત વરણનો હતો, ત્યારે તો કારણ જાણવાની ધીરજ એમને રહી જ નહિ. એમના મગજ ઉપર એટલું લોહી ચડી આવ્યું કે, ઓરડી ઉપર આવતાં એમણે ઢેડભંગીની આખી જાતને સંભાળવવા માંડ્યું, દવાખાનાવાળા હલકા વરણને આટલી ચડાવી મારતા હતા તે ગુના બદલ એમના ઉપર પણ શાપ વરસાવ્યો. હલકા વરણને સઘરા જેસંગના વખતમાં પગે ઝરડું અને કોટે કુલડી બાંધવી પડતી હતી તે ધર્મની યાદ એમણે દેવડાવી. જેમનું પગલું પણ બીજી વરણને અપવિત્ર કરી નાખે નહિ તે માટે ઝરડા વતી પગલું પણ ભૂંસી નાખવું પડતું. અને થૂંકવું તો કૂલડીમાં જ થૂંકે જેથી કોઈના પગ નીચે થૂંક આવીને અપવિત્ર ન કરે. તેને બદલે આજે ભંગડી જેવી હલકી જાત ગમે તેમ ઉજળિયાત આદમીને બોલી જાય એ હડહડતો કળિકાળ નહિ તો બીજું શું?
કેશવથી છેવટ સુધી કર્ણ થઈ રહેવાયું નહિ. એ બોલી ઊઠ્યો : 'પણ તમને એ જ હરિજન લોકોએ બચાવ્યાં તેનું શું?'
'શી રીતે?' મોંની રેખાઓ તંગ કરતાં મોટીબહેને પૂછ્યું.
કેશવ : 'ડૉક્ટર કરતાં સારવાર કરનારની વધુ જરૂર છે તેમ તમને લાગ્યું છે કે નહિ?'
મોટી બહેન : 'તેમાં હરિજનને શું? આ દવાખાનું મિશનનું-ખ્રિસ્તીઓનું ક્યાં છે?'
કેશવ : 'દવાખાનું તો નાગરબ્રાહ્મણનું છે. તમને ઑપરેશન પણ એમણે જ કર્યું હતું. પરંતુ તમારી સારવાર કરનાર નર્સોમાંથી 70-80 ટકા હરિજન છે - ખ્રિસ્તી છે.'
મોટીબહેન : 'હેં ! તો મને અત્યાર સુધી કહ્યું કેમ નહિ?' અને હવે જાણ્યું એટલે દવાખાનામાં એક ક્ષણ ઊભા રહેવા એ ન માંગતાં હોય તેમ ઊભાં થઈ જતાં બોલ્યા - 'મારે હવે એક ઘડી અહીં નથી રહેવું !'
મોટીબહેન રૂમ બહાર નીકળવા તૈયાર થયાં તેથી કેશવને મોટો આઘાત લાગ્યો. આટલી બધી ધર્મની નશાબાજી? માણસમાં સત્ય જોવાની દૃષ્ટિ જ સાવ લુપ્ત થઈ જતી હશે? ધર્મ ઉપરનું ઝનૂન કેશવ મોટીબહેન ઉપર ઉતારી રહ્યો હતો એ એને થયેલા આઘાતમાં ભૂલી ગયો. એણે મોટીબહેનને બારણાં આગળ રોકતાં કહ્યું : 'દવાખાનામાંથી નાસી જશો એથી હરિજનથી તમે દૂર થઈ શકવાનાં નથી ! તમારી નસોમાં જે લોહી વહે છે તે હરિજનનું છે પછી તમે હરિજનથી શી રીતે દૂર થઈ શકવાનાં....'
કેશવનું વાક્ય ત્યાં જ અટકી ગયું. મોટીબહેનને અમળાઈ પડતા જોઈ એણે નીચા નમી બે હાથ ઉપર એમને ઝીલી લીધાં. પત્ની કંઈ કામ પ્રસંગે બહાર ગઈ હતી તે આવી પહોંચતાં મોટીબહેનને બેશુદ્ધ જોતાં ગભરાઈ ઊઠી. શું થયું, શું થયું, એમ એણે પૂછ્યું પણ કેશવની હિંમત જવાબ આપવાની ન રહી. મોટીબહેનને ખાટલામાં સુવડાવી એ ડૉક્ટરને બોલાવવા દોડ્યો.
ડૉક્ટરે આવીને નાડી જોઈ, સ્ટેથોસ્કોપથી શરીર તપાસ્યું હૃદયના ધબકારા જોયા. લોહીની ગતિ એકદમ થંભી ગઈ હતી. શરીરમાં ગરમી હતી, લોહી પણ પૂરતા પ્રમાણમાં હતું, છતાં લોહીની ગતિ કેમ અટકી ગઈ હતી તેની ડૉક્ટરને ખબર ન પડી. આવો કેસ આ પ્રથમ જ જોતા હતા એટલે જૂનો અનુભવ કંઈ કામમાં આવે તેમ ન હતો. ડૉક્ટરે સૂઝ્યા તે ઝડપથી અખતરા કર્યાં. પણ લોહી ગતિમાં જ ન આવ્યું. શરીરમાં ગરમી ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. ફક્ત એક જ વખત મોટીબહેનની આંખ સહેજ ઊઘડી, ભાભી તરફ મંડાઈ એને કહી ગઈ કે મારા શબને મુખિયાજીને બોલાવીને પવિત્ર કર્યા પછી અગ્નિસંસ્કાર કરજો!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર