ઊડી ગયેલું પંખી

16 Apr, 2017
12:00 AM

PC: shutterstock.com

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

 

રંજુએ બારીમાંથી ફરી ડોકિયું કર્યું, પરંતુ પરિમલનું સ્કૂટર ક્યાંય દેખાયું નહીં.

કેમ મોડું થયું હશે એને? બે તો વાગી ગયા હતા અને ત્રણનો શો હતો. આ જન્મદિવસે પપ્પાએ ભેટ આપેલી સાડી ને પર્સ કાઢીને તૈયાર રાખ્યાં હતાં. પરિમલ આવે એટલે તરત નીકળી જ જવાનું હતું. અને સ્કૂટર પર થિયેટર જતાં શી વાર... પણ પરિમલ જ આવ્યો નહોતો ત્યાં!

સાડી સાથેનું મળતા રંગનું બ્લાઉઝ શોધવા એ ગઈ હતી. ફરી બારી પાસે આવીને ઊભી રહી. નિર્જન લાંબા રસ્તા પર સૂની બપોર વૃક્ષને છાંયે બેસી કૂતરાની જેમ હાંફતી હતી. રસ્તાની ધારે વાવેલાં વૃક્ષોની ઘટામાંથી લીલેરો તડકો ઝમતો હતો. આમ તો રોજ એ આ સમયે કંઈ ને કંઈ ભરતકામની અવનવી ડિઝાઈન ભરતી હોય, અથવા સૂતી સૂતી કોઈ નવલકથાના રસમાં તરબોળ બની ગઈ હોય. પણ આજે સવારે એણે પરિમલને કહ્યું હતું :

'આજે બપોરના શોમાં ફિલ્મ જોવા જઈએ તો?'

'બપોરના શોમાં? પણ ઑફિસ...' પરિમલ આવી વાતથી એટલો ચકિત થઈ ગયો હતો કે એ જેમ હતો એમ જ ઊભો રહી ગયો હતો.

એ ખડખડાટ હસી પડી હતી. 'અરે, તમે એટલી નવાઈ પામી ગયા છો કે જાણે તમને મેં એક દિવસમાં માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરવાનું કહ્યું હોય ! બસ, આજે એક પિક્ચર જોઈ નાખીએ.'

'પણ ઑફિસ...'

'એક દહાડો ગુલ્લી. અરે, ચાલુ દિવસે ઑફિસમાંથી ભાગી જઈ ફિલ્મ જોવાની પણ લિજ્જત છે.' એણે લહેકાથી કહ્યું હતું.

પરિમલની વ્યવસ્થિત દુનિયામાં આ એક અજબ વાત હતી. ટિકિટો લઈ સમયસર આવી જવાનું કહી પરિમલ ગયો હતો. પણ જતાં જતાંય એની આંખોનું કુતૂહલ ઓસર્યું નહોતું.

એય આવી જ નજરથી એને તાકી રહેતી અને એ શ્વાસ જેટલો નજીક આવી, ધીમેથી એના હોઠ પર નામ મૂકી દેતો...

રંજુ.

એ ચમકી ગઈ. એ જ અવાજ ! સ્પંદનરહિત અને મધુર, સમયનું વન વીંધીને દૂર દૂરથી હવાની જેમ વહી આવતો.

આવી જ સૂની તપતી બપોરે શીતળ ફોરાંની જેમ એ વરસી પડતો. ભરતકામની ડિઝાઈનમાં કોઈ દોરાના રંગની પસંદગીમાં એ ગૂંચવાઈ ગઈ હોય ત્યાં બારણાં પર ઘંટી જોરથી વાગી ઊઠે. એ જ હોય. ઉતાવળો, શ્વાસભર્યો એ કહેવા લાગતો - જલદી કર, રંજુ ! દસ જ મિનિટ બાકી છે. જર્મનીની સરસ ફિલ્મ આવી છે એની ટિકિટો લાવ્યો છું.

અથવા તો એ સાંજની રસોઈમાં ગૂંથાઈ હોય ત્યાં એ ધરે આવીને ખેંચવા જ લાગે - આજે તો રંજુ ! દરિયાનાં પાણીમાં ઊભા ઊભા જ સૂર્યાસ્ત જોવો છે. એ કંઈ બોલે ત્યાં એનો હાથ પકડી ચાલવા જ લાગતો હતો.

એ લોકોની જિંદગીમાં સઘળું અચાનક અને યોજના વિનાનું જ રહેતું. પણ એ આડાઅવળા રંગોના લસરકામાંથીયે કેવી જીવનની ભાત ઊપસતી!

બારીના સળિયામાંથી રસ્તો ટુકડાઓમાં વિભાજિત દેખાતો હતો. સૂરજની સુવર્ણતંતુની ફેલાયેલી જાળમાં ફસાઈને હવા તરફડતી હતી. પરિમલ ક્યાંય દેખાતો ન હતો.

જેના સ્મરણને પંખીની જેમ ઊંચે ઉડાડી મૂક્યું હતું એ ફરી ટહુકો બનીને કેમ ખરી પડતું હતું? હવે એની સાથે શો સંબંધ? કોઈએ કહ્યું હતું, તારી સાથે છૂટાછેડા પછી તરત જ પરદેશનાં કોઈ દૂરનાં સ્થળે ચાલી ગયો છે. વકીલની ઑફિસમાં એને છેલ્લે જોયો હતો. જરા દૂબળું પડી ગયેલું શરીર, શ્યામ મુખ, કરચલીવાળાં કપડાં અને ટૂંકા કાપેલા વાળ. એને જોતાં જ એના મનમાં વેદનાની એક ટશર ફૂટી હતી. કેબિનમાં દાખલ થતાં જ એણે ધીમું હસીને પૂછ્યું હતું - કેમ છે તું, રંજુ? પછી ગુનેગારની જેમ નીચું જોઈ બેસી રહ્યો. વકીલ સાથે કાગળિયાંની વિધિ પૂરી થઈ ત્યાં સુધી એ કશું બોલ્યો ન હતો. પછી એકદમ ઊભો થઈ એને તાકી રહ્યો. એની નજર જાણે ટાંકણાની જેમ એને ખોદતી હતી અને એ રજ રજ બની વેરાતી હતી. એ વિહવળ બની ઊભી થઈ ત્યાં એ ચંપલ ઘસડતો કેબિન બહાર નીકળી ગયો હતો. એની પાછળ જવાનું કરે ત્યાં વકીલ એની સાથે શેકહેન્ડ કરતો હતો - આખરે તમે એ અજબ જાનવરથી છૂટ્યા.

જવાબમાં કશુંક અસ્પષ્ટ બબડી એ ઝડપથી બહાર આવી, ત્યારે એ તો રસ્તો ઓળંગી સામેની ફૂટપાથ પર ઊભો હતો. ત્યારે એ એટલો અસહાય અને ખોવાયેલા બાળક જેવો લાગતો હતો કે રંજુને એની પાસે દોડી જવાની ઈચ્છા ક્ષણભર થઈ આવી.

પણ એમ જઈનેય શું? મુક્તિ એ જ બંધન હતું. કોર્ટની વિશાળ ઈમારતને પગથિયે ઊભી રહી અને એ રસ્તાની ઊભરાતી ગિર્દીમાં ઓગળી ગયો. નજરની અદૃશ્ય, એમ જ જીવનમાંથી પણ પછી કદી એને વિશે ન સાંભળ્યું હતું, ન જોયો હતો. પપ્પાની કાર એને લેવા માટે આવી હતી. એમાં બેસી, એ સુખ અને સલામતીની દુનિયામાં પાછી ફરી હતી.

તો પછી હજી આ નવી દુનિયામાં એ આગંતુક બની ઉંબર પર જ કેમ ઊભી હતી? ઊલટાનું એણે ખુશ થવું જોઈએ. જેવી ઈચ્છા કરી હતી એમ જ બન્યું હતું. એનાં પપ્પા-મમ્મી નિરાંતનો શ્વાસ લઈ કહેતાં : હાશ ! રંજુ એનાથી છુટ્ટી થઈ ગઈ.

હવે પરિમલ સાથેની જિંદગી ખૂબ વ્યવસ્થિત અને ગોઠવાયેલી હતી. એની ટેવો નિયમિત હતી. જવાબદારીના સંપૂર્ણ ભાનવાળો યુવાન. ઑફિસની અત્યારની પોઝિશન માટે એણે કેટલી મહેનત કરી હતી ! ઉપર ચડવાના એક પછી એક સોપાન પર જ એનું લક્ષ્ય કેન્દ્રિત હતું : પૈસા... પોઝિશન... કાર... બંગલો...

આ દુનિયામાં ચલણી સિક્કાની જેમ રણકતી ચીજો પરિમલ પાસે હતી, જે એણે રંજુને આપી હતી.

જ્યારે અત્યાર સુધી એને શું મળ્યું હતું? એ તો હતો ધૂની, અલગારી, કેટલી નોકરીઓ ખોઈ હતી! વારુ, આમ જ તો ઑફિસમાં એણે રજા માગી હતી. ત્રણ-ચાર દિવસની અને એક નાનકડા ગામની ધર્મશાળામાં જઈને રહ્યા હતા. એ કહેતો - રંજુ ! સાથે તું હોય, કોઈ અજાણી નદીને કાંઠે અજાણ્યું જંગલ હોય, બસ... એ રખડપટ્ટીનો આનંદ છે તે શહેરમાં ક્યાંથી?

'પાગલ' કહી એ ચિડાઈ હતી. પણ એ મસ્તીનો કેફ એને રૂંવે રૂંવે દીવો બની પ્રગટ્યો હતો અને અજવાળું ઝાકમઝોળ. જ્યારે કેફ ઊતર્યો ત્યારે ઑફિસ પર ઘર, બંને મોરચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. રંજુના પપ્પા ધૂંઆપૂંઆ થઈ ગયા હતા, આવી મૂર્ખામી અને છોકરમત!

પણ એ તો એ જ મસ્તરામ. ન કશી ફિકર, ન પરવા. એની સાથેનું જીવન એટલે તોફાની ધસમસતો પ્રવાહ. એ એમાં તણાઈ ગઈ હતી. મુગ્ધ પ્રણયના, ખુમારીવાળા લગ્નજીવનના એ દિવસો ! જાણે કોઈ વિશાળકાય ગરુડની પાંખ પર બેસી એ ઊંચે ઊંચે ભૂરા આકાશમાં ઊડતી હતી.

ઓહ! તો પછી ક્યાં શું બન્યું હતું કે એવા ભરપૂર જીવનને એણે ત્યજી દીધું હતું ! કેટલું દુષ્કરર કાર્ય હતું ! વીતી ગયેલી હજારો ક્ષણોના ઢગલામાંથી કોઈ નિશ્ચિત ક્ષણ શોધીને કઈ રીતે કહી શકાય કે આ જ ક્ષણથી પોતે એને ધિક્કારવા લાગી હતી?

એમ તો આ પ્રસંગ લો.

જ્યારે રોહિતની મા બહુ બીમાર હતી ત્યારે એણે મુઠ્ઠીભરની બચત ખર્ચી નાખી હતી. અથવા એની છેલ્લી નોકરી ગઈ એ સમયની વાત. માંડ માંડ પપ્પાની ભલામણથી એને નોકરી મળી હતી અને એને લાત મારીને એ ચાલ્યો આવ્યો. એટલી સરળતાથી એણે કહ્યું હતું : રંજુ ! આજે નોકરી છોડી દીધી. ત્યાં એટલો અન્યાય અને ભ્રષ્ટાચાર...

એ આઘાતથી તાકી રહી હતી. ન કોઈ ડિગ્રી, ન કોઈ લાગવગ કે ન બાપદાદાની મૂડી.

'કેમ મને ભૂખે મારવી છે?' ધારદાર સ્વરે એણે પૂછ્યું હતું.

એ સ્વરની તીક્ષ્ણતાથી એ છેદાયો હોય એમ એની આંખો આંસુથી છલકાઈ ગઈ. ધબ ધબ એ દાદર ઊતરી ગયો, તે છેક બે દિવસે આવ્યો.

ઉત્સાહની છાલક ઉડાડતો એ બોલ્યો, 'રંજુ ! નોકરી મળી ગઈ.'

અખબારમાં કમ્પોઝિટર બન્યો હતો. દરરોજ રાત્રે પ્રેસમાં સાઈકલ પર નાઈટડ્યુટી પર જતો. પપ્પા-મમ્મીએ બહુ માથાં કૂટ્યાં. અરેરે, આ દીકરીની હાલત ! રંજુનો સંસાર પણ કોઈને બતાવતા શરમ આવે.

રંજુએ એક દિવસ પૂછ્યું હતું : કદી તમને મોટો માણસ બનવાની આકાંક્ષા જ નથી થતી?

'મોટો માણસ? બાળક જેવું એ હસી પડ્યો હતો. હું તો હજી માણસ થવાની કોશિશ કરું છું રંજુ!'

રંજુ હવે ખુલ્લી આંખે ચારે તરફ જોતી હતી. હા, વાત તો સાચી હતી. કશું જ ન હતું એની પાસે અને કશું પામવાની આશા પણ ન હતી. આ માણસ એને શું આપવાનો હતો?

ભૂતકાળના બંધ ખંડમાં એ ઊભી હતી. એના બારણે ટકોરો થયો. એ ચમકી ગઈ. વર્તમાન જીવનને ધક્કો લાગ્યો. ઘડિયાળમાં અઢીનો ટકોરો થયો હતો અને પરિમલની કશી ખબર ન હતી. પણ બહાર જવાનો ઉમળકો હવે ન હતો. જાણે પ્રબળ હવાની લહેરથી તારીખિયાનાં પાનાં ઊડાઊડ કરતાં હોય એમ એ વર્તમાનમાંથી ભૂતકાળમાં ફંગોળાઈ જતી હતી. જાણે અચાનક જ છાતીના ધબકારની જેમ, એ એની નજીક જ હોય એની પ્રગાઢ અનુભૂતિ થતી હતી.

અને છતાં એ ખંડમાં એકલી ઊભી હતી. બારીમાંથી દૂર સુધી સરી જતો લાંબો નિર્જન રસ્તો એ સાફ જોઈ શકતી હતી. ઘડિયાળનો કાંટો એક એક ક્ષણને ધક્કો મારતો આગળ ચાલતો હતો. બે ને પાંત્રીસ થઈ હતી, પણ પરિમલ હજુ આવ્યો ન હતો.

એ અંદરના ખંડમાં આવીને, અજાણ્યા મહેમાનની જેમ ઊભી રહી. પરિમલે કેટલા જતનથી શણગારેલું, કાળજીથી એક એક વસ્તુ પસંદ કરીને ગોઠવેલું આ ઘર. ઘર? આ મારું ઘર? એ વિસ્મિત બની ચારે તરફ જોવા લાગી. તો પછી આ દીવાલો પર પોતીકાપણાનો રંગ કેમ નથી?

આ જ ઘર એ ઈચ્છતી હતી. આવી જ જિંદગીની એને ખેવના હતી - સીધી દિશામાં ગતિ કરતી, ગોઠવેલી, વ્યવસ્થિત. ક્યાંય કશું અણધાર્યું બનતં નથી. આવનારી પ્રત્યેક ક્ષણ પરિચિતતાનો ચહેરો લઈને આવે છે.

જે માંગ્યું તે જ મળ્યું છે. તો પછી હૃદયમાં આ દર્દ શાને? આ સૂની બપોરે કેટલાંય સ્મરણો સૂકા ઘાસની જેમ ભડભડ સળગી ઊઠ્યાં છે, એની આગ એને શા સારુ બાળી રહી છે?

બારણાની બેલ ઉતાવળી વાગી રહી છે. પણ રંજુ અહીં તો નથી. આ ઘર, એની દીવાલો, એની છત વીંધીને એનું મન આ ભૂરા અનંત આકાશમાં ઊડી ગયેલા પંખીને શોધે છે, જેનો ટહુકો એના પાલવમાં ખરી પડ્યો છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.