બારીમાંથી જોતાં

02 May, 2017
12:00 AM

PC: wikimedia.org

(વાર્તાકારઃ ધૂમકેતુ)

 

મેં ઘણી વખત છેક સંધ્યાકાળે, જ્યારે બધાં આરામ કરતાં હોય ત્યારે, તેને પોતાના કામમાં મશગૂલ જોયો હતો. એ અને એની વહુ બંને જણાં બટન ચોડતાં હોય. ટાંકા દેતાં હોય, કપડાં જોતાં હોય, પણ એમના કામમાં મશગૂલ હોય.

એ આ લત્તામાં તદ્દન નવો જ હતો. અને એની કોઈ ઘરાકી જામતી હોય તેમ જણાતું ન હતું.

એનો પોતાનો પાતળો સુકલકડી જેવો દેહ. અને એવી જ પાતળી અને સુકલકડી જેવી એની વહુ. એ બંનેને ત્યાં બે-ત્રણ નાનાં બચ્ચાંથી વીંટાઈને બેઠેલાં જોવાં, એ કરુણ તો હતું. પણ ખરી રીતે એ હૃદયદ્રાવક હતું, કોઈ વખત તો સમજણ ન પડે કે શા માટે એ આ પ્રમાણે હતું? આ તો જાણે એમના દેહ હવા જેવા જણાતા હતા. શહેરમાં કોઈક પડેલું ખંડેર હોય તેવા! એક જ નાનકડી, માત્ર દસ ફૂટ લાંબી ને બાર ફૂટ પહોળી ઓરડીમાં, એક સંચો, એક નાનકડું કબાટ, એક ખાટલો અને થોડા રાચરચીલા સાથે કોઈક સંધ્યાકાળે. એને ખુરશી ઉપર તદ્દન શાંત બેઠેલો જોવો અને એની વહુ એની સામે, એક-બે બચ્ચાંને લઈને બેછેલી જોવી, એ કાંઈ આ દુનિયામાં નવી નવાઈની વાત ન હતી. પણ શહેરમાં કોઈ ખંડેર પડ્યાં હોય તો એ ખંડેરને માણસો મોંઘા મૂલે વેચાતાં લઈ લે છે. એની હરાજી બોલાય છે. ને એવી હરાજીમાં તો મોં માગ્યા દામ પણ ઊપજે છે. પણ શહેરની ભરચક વસ્તીમાં આવાં ખંડેર જેવાં માણસો બેસતાં હોય તો સૌના દિલમાં એક અરેરાટી કોઈ વખત આવે છે એટલું જ. પણ એથી વિશેષ કોઈ જ વસ્તુ બનતી નથી. જમીન અને માણસમાં આવો ફેર છે!

પણ આ માણસને એની વહુને ત્યાં જોવામાં એક વસ્તુ હંમેશાં જોવા મળતી. બીજી તમામ વસ્તુઓ કરતાં એ વસ્તુ જ ધ્યાન ખેંચી લેતી.

એનો એક મોટો છોકરો હતો. મોટો એટલે બહુ મોટો તો નહિ, હશે માંડ બારતેર વર્ષનો. પણ એ ઘરમાં તો એ મોટો સ્તંભ જેવો જણાતો હતો. એ છોકરો હતો અને એવડી જ ઉંમરની એની બહેન હતી. ક્યારેક આ ફ્રાંકલીન ને એની વહુ. એ રસ્તા ઉપર એકાદ છોકરું આંગળીએ વળગાડીને, એમના મનથી, જરા લટાર મારતાં હોય. ત્યારે આ છોકરાને ને પેલી છોકરીને, સંચા ઉપર કામ કરતાં જોવાં એ એક વિચિત્ર પળ સમાન હતું! ચિત્રમાં પણ એ જ હોય છે નાં? કોઈ એક વિરલ પળનું આલેખન!

આ બંને કિશોર જેવાં છોકરાંને પોતાની જવાબદારીના સતત ભાનથી ત્યાં કામ કરતાં જોવાં અને સાથે-સાથે સચિંત ચહેરે ચારે તરફ ઘરમાં દ્રષ્ટિ કરતાં જોવાં, એ ખરેખર એક ચિત્ર જ હતું. અથવા તો કાવ્ય હતું.

એ ચિત્ર હોય કે કાવ્ય હોય કે ન હોય, પણ ત્યાંથી નીકળતી વખતે જ્યારે જ્યારે આ બંનેના ઉપર મારી નજર જતી ત્યારે મને લાગતું કે પેલાં તદ્દન તેજવિહોણાં, પણ દિવસો ખેંચતા યુગ્મને પણ, આ છોકરાં તરફ નજર કરતાં એક જાતની પરમશાંતિ ઉદ્દભવતી લાગે છે. એમને લાગે છે કે આ એમના નાનકડી સૃષ્ટિના આ સ્તંભો, બીજું કાંઇ નહિ. આ ઘરને કોઈક વખત રફેદફે થવાનો વખત આવશે તો, પોતાના બળથી ટકાવી લેશે.

આ ભાવના એમની મુખમંદ્રામાં સ્પષ્ટ જોઈ શકાય તેવી રીતે અંકિત થયેલી હતી.

મોડી સાંજે નીકળો તો એ ઓરડીમાં બધી જ રચના બદલાતી હોય. સંચો ફેરવાતો હોય. ખાટલો બીજી જગ્યાએ જતો હોય. નાનકડું કબાટ અદૃશ્ય થઈ ગયું હોય. ખાણું નિરાંતે લઈ શકાય એવી જગ્યા ગોઠવાતી હોય. બધાં શાંત બેસી ગયાં હોય. મા કાંઈક વાનીઓ લાવતી હોય. પિતા કોઈ છોકરા સાથે ગેલ કરતો હોય. પેલાં બે કિશોરો બધું બરાબર ગોઠવવામાં પડ્યા હોય.

આ દૃશ્ય હંમેશાં જોવા મળે. હંમેશાં એ રસ્તે નીકળતાં આ કુટુંબ ધ્યાન ખેંચે, એમનો ઈતિહાસ બહુ જ થોડો હોય એમ લાગતું હતું. કોઈ દિવસ ત્યાં ભાણાં ખખડ્યાં જેવું જણાતું નહિ. પણ શાંત છતાં, કોઈ ભારે જ ચિંતા ભરી હવા ત્યાં દેખાતી.

મુખ્ય માણસના ચહેરા ઉપર કોઈક એક અદૃશ્ય ભાવિની અંધારાઘેરી છાયાનો અંચળો હંમેશાં જણાતો. તે કામ કરતો હતો. ખેંચતો હતો. તંદુરસ્ત ન હતો એમ પણ ન હતું. પણ ગમે તેમ એના ફિક્કાસ, સુક્કા, લાંબા, તેજહીણા ચહેરા ઉપર એક પ્રકારની અદૃશ્ય ઉદાસીનતા બેઠેલી હતી.

એને જોઈને, એક આમલીના ઘટ્ટ ઝુંડમાં છુપાયેલા વિદેશી કબ્રસ્તાની શિલાનોંધ કરનારા - એક અક્ષર કોતરનારાની યાદ આવી જતી હતી!

એ હંમેશાં સાંજે પોતાનું લેખકામ પતાવીને પાછો ફરે ત્યારે એના ચહેરા ઉપર કોઈક છાનું દર્દ જાણે બેઠું જ હોય.

એક વખત એને પૂછ્યું ત્યારે ખબર પડી કે એટલી બધી પ્રેમાળ માતાઓ, બાળકો, પ્રેમીઓ, વૃદ્ધ માબાપો, એમનાં બધાંનાં આંસુ એણે અક્ષરોમાં કોતર્યા છે કે એને હાથમાં બધે જ હવે અસ્થિર જગતમાંથી વિદાય લેનારાંઓની કરુણ માનવપંક્તિઓ નજરે તર્યા કરે છે!

આ આંહી ધંધો ચલાવી રહેલા મુખ્ય માણસના ચહેરા ઉપર પણ એ જ ઉદાસીનતા નજરે પડતી હતી.

ત્યાર પછી તો એ રસ્તે મારે ભાગ્યે જ જવાનું થતું. મારું નોકરીનું સ્થળ બદલી ગયું હતું ને રસ્તો પણ જુદો હતો. પણ કોઈકોઈ વખતે રહી રહીને તમે જૂનાં સ્થળોની મુલાકાત લ્યો તો તમને ન જણાયેલો ઘણો ઇતિહાસ મળે છે. ને માત્ર ઇતિહાસ મળતો નથી.તત્વજ્ઞાન પણ મળે છે. એટલે એક વખત આ રસ્તે નીકળવાનું થયું અને એ નાનકડી સૃષ્ટિ જોવા માટે આંખ ફેરવી તો કરુણ કાવ્યની પંક્તિઓ સમું એક દૃશ્ય જોવા મળ્યું. નાનકડાં ભાઈ ભાંડરું બધાં ત્યાં ગુપચૂપ શાંત એક નાનકડા ગોળમાં બેસી ગયાં હતાં. કોઈ કાંઈ બોલતાં ન હતાં. પણ એમના એ મૂંગા ચહેરાઓમાંથી જે ભાષા આવી રહી હતી તે ભાષાંતરથી પર હતી!

શું થયું હતું તે સમજતાં વાર લાગે તેવું ન હતું. મુખ્ય માણસ ચાલ્યો ગયો હતો.

મા-છોકરાં ત્યાં એ જ ઓરડીમાં એના એ જ સંચાની પાસે બેસીને મૂંગાંમૂગાં પોતાનું કામ સંભાળી રહ્યાં હતાં. એમને જાણે શોક કરવાનો પણ પોસાય તેમ ન હતું. તે સૌ કામમાં લાગી ગયાં હતાં. મુખ્ય માણસની વિદાયને બહુ દિવસો થયા હોય તેમ પણ લાગ્યું નહિ. સૌના ચહેરા ઉપર હજી આંસુ હતાં!

એ દૃશ્ય જોયા પછી એ સ્થાન ઉપર જવા માટે જાણે હવે પગ ના પાડતા હતા. મુફલિસ ખીસાની એક પણ પાઈ કોઈને ઉપયોગી થાય તેવું તો હતું નહિ. કેવળ હૃદય ઉપર ભાર લેવા જવું એ વસ્તુ પણ નિરર્થક જ હતી. કોઈને કહેવાથી આનું કોઈ ફળ ન હતું. જ્યાં દરેક પોતપોતાનાં તાનમાં હતો ત્યાં આવી વાતનો કોઈ અર્થ ન હતો. ભગવાન બુદ્ધની પેઠે આખી દુનિયાનું દુઃખ ઝીલવાની કોઈ અસાધારણ શક્તિ ન હતી. એટલે ભાગવાનો વ્યાપક કાયર ધર્મ જ કપાળમાં રહ્યો હતો!

તે છતાં એક દિવસ વળી જવાનું મન થઈ આવ્યું. ઠીક ઠીક મુદત વીતી ગઈ હતી એટલે આશા હતી કે એ નાનકડી સૃષ્ટિનો પોતાનો આનંદ હવે તો પાછો ફર્યો હશે !

પણ ત્યાં તો પેલાં બે કિશોર-કિશોરી બેઠાં હતાં. ભાઈ સંચા ઉપર હતો. બેન નીચે કામ કરી રહી હતી. એક નાનકડું છોકરું ઘર વાળી રહ્યું હતું. બે ભાંડરું એકબીજાને આધારે ઓટલા ઉપર બેસીને રસ્તામાં કચરો વાળતા ભંગીને જોવામાં તલ્લીન હતાં ! તેમના મોં પાસે થોડાક દાળિયાના દાણા પડ્યા હતા !

અને... એ જોતાં તો હૃદયમાં એક ઘા જેવું થઈ ગયું... પેલી મા પણ ત્યાં - હતી એ શું?

જાણી જોઈને કોઈ કપડાંની સિલાઈ વિશે પૃચ્છા કરવા માટે પગ એની નાનકડી દુકાન તરફ ચાલ્યો.

અને છેવટે પૂછ્યું : 'તમારાં 'મધર' બહારગામ ગયાં છે?'

'હા'. પેલા કિશોરે મંદ શોકઘેરા અવાજે કહ્યું. એની આંખમાં એક અદૃશ્ય આંસુ આવી જતું દેખાયું : 'બહારગામ ગયાં છે. પણ છેક આકાશ સુધીની મુસાફરી છે !'

અને તે પોતાનો સંચો ચલાવવા મંડ્યો.

એક પણ શબ્દ બોલવો નકામો હતો.

મૂંગામૂંગા ત્યાંથી વિદાય લીધી. પણ તેના બાપે ધાર્યું હતું તેમ આ બહાદુર ઘરસ્તંભોએ ખરેખર ઘરને ટકાવ્યું જણાતું હતું.

કોઈ અદૃશ્ય સૃષ્ટિ હોય તો ત્યાંથી એની એ વહાલસોયી માતા આ દૃશ્ય જોયા વિના રહી શકે ખરી?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.