હૃદય અને પ્રેમ
(વાર્તાકારઃ ધૂમકેતુ)
આ કેવળ શબ્દો જ છે એમ ઘણા કહે છે. એ એમ નથી. એમ પણ ઘણા કહે છે. મારો અનુભવ કહું. રંગદર્શી જીવનના મધુર ઉઘાડ વખતે જે યુવાન મને મળી ગયો હતો. એના વિશે જ્યારે જ્યારે હું વિચાર કરું છું ત્યારે ત્યારે મને લાગે છે કે દરેકને જેમ જુદીજુદી આંખ મળે છે, જુદીજુદી નાસિકા મળે છે, તેમ જ જુદુંજુદું હૃદય મળતું હોવું જોઈએ. એમ ન હોય તો એ શી રીતે બને કે દિવસો થયાં હું એને ભૂલી શકતી નથી! અને જેમજેમ ભૂલવા માગું છું તેમતેમ એની મનોહર આકૃતિ વધારે સ્પષ્ટ બનીને જાણે હૃદયને વધારે ગાઢ રીતે સ્પર્શ છે ! અને છતાં આ દુનિયામાં ઘણા માણસો ઘણું ભૂલી શકે છે! અને ભૂલવાનો આનંદ અનુભવી શકે છે!
મારી જ નાનપણની એક દિલોજાન દોસ્તી હતી. મોહિની એનું નામ. એ જિંદગીમાં ત્રણ-ત્રણ વખત બધું ભૂલી ગઈ હતી. પહેલાં એ એક નવજુવાનના સંસર્ગમાં આવી. બંને વચ્ચે પ્રેમાંકુર ફૂટ્યા. અત્યારે સૌને ફૂટે છે તેમ. બંને સાથે રમ્યાં, જમ્યાં, સાથે આનંદ કર્યો. પણ એટલામાં પેલા જુવાનને કોઈ વધારે શ્રીમંત છોકરીનો આધાર, સ્કૉલરશિપ માટે મળી ગયો. અને એણે મોહિનીને ધીમેધીમે છોડી દીધી! તો મોહિની પણ એ ઘા ભૂલી ગઈ ! ને બીજે જ વરસે બીજા એક જુવાન સાથે હસી હસીને તાળી લેતી જોવામાં આવી. પણ અનુભવે એને ખબર પડી કે એ દેખાય છે તેના કરતાં તદ્દન જુદો છે, તો એણે પોતે જ એને છોડી દીધો!
આ વખતે એને મેં હૃદયની વેદના વ્યક્ત કરતી જરૂર સાંભળી હતી. પણ પછી એ વાત ભૂલી ગઈ. અને કેટલી સુખી ! હકીકતમાં વળી આમાં કાંઈ નવી નવાઈની વાત પણ નથી. એકબીજાના પરિચયથી જ એકબીજાના વાણી-વર્તનની ખબર પડે. ને આવી જીવનભરની વસ્તુને એકદમ વગર સમજ્યે શાકપાંદડાની પેઠે ઉપાડી લેવી એ ઠીક નથી. એટલે એમાં કોઈ રીતે કાંઈ ખોટું પણ નથી.
પરંતુ આ બધું જાણતાં છતાં હું તો મને મળેલા મારા આ હૃદયની સામે ફરિયાદ નોંધાવું છું ! મારી ફરિયાદ એની સામે છે !
એની યાદશક્તિ કેટલી ભયંકર છે ! અમે બંને હું અને અનિલ - જે નદીને કાંઠે બેસીને માછલાંને મમરા નાંખતાં, એટલું એ ચિત્ર. આ મારા હૃદયને હજી પણ યાદ છે! માત્ર યાદ છે એટલું જ નહિ, એ નદી, એનો કાંઠો, એના સાંધ્યરંગો, ભૂખરા, પથરા, નિર્મળાં પાણી, એ સઘળું કોઈ રંગઘેલા ચિત્રકારની છટાથી એ મારી સામે એક ચિત્રમાં ખડું કરી શકે છે! હૃદયના આ જુલમને મારે શી રીતે પહોંચવું એ મને સમજાતું નથી!
અનિલ મને પહેલો જ્યાં મળ્યો હતો એ જગ્યા એને યાદ છે. અનિલનું અત્યંત મધુર, કળાય નહિ તેવું, આંખનું હાસ્ય એને યાદ છે. અનિલનો આકર્ષક જુવાન તેજસ્વી ચહેરો એને યાદ છે. એણે મને ચુંબન કર્યું હતું. એની સુગંધમય હવા એણે પોતાની યાદીમાં સંઘરી રાખી છે! મને ઘણી વખત થાય છે કે આ તે કોઈ હૃદય છે કે કેવળ બધું જ યાદીમાં સંઘરી રાખનાર અનંત કાલનું કોઈ મસ્તીખોર છોકરું છે?
અનિલ અને હું પહેલવહેલાં મળ્યાં ત્યારે અનિલે મને કહેલો પહેલો શબ્દ હજી મારું હૃદય મને સંભારી સંભારીને આપ્યા જ કરે છે. અનિલ બોલ્યો હતો : 'આજ મેં ચંપાકળીને - ગુલાબકળી સાથે ઝઘડતી જોઈ, રમા!'
હું પહેલાં તો એનો અર્થ સમજી શકી નહિ. પણ પછી એનો ભાવાર્થ સમજતાં જ છેડાઈ ગઈ હોઉં તેમ બોલી. 'અરે જાવ રે! તમે નવરા જુવાનિયા, આજ તમને એકમાં ગુલાબની કળી દેખાય અને બીજી જ વખતે એમાં લોઢાની મેખ જણાય! તમારો તે કંઈ ઢંગધડો છે?'
અનિલ મારી વધારે પાસે આવ્યો : તેણે એક જ વાક્ય કહ્યું : 'મરા! તને આંખમાં જોતાં આવડે છે? તો આ મારી આંખમાં જો. તારી આંખમાં મેં જોઈ લીધું છે! બીજાની વાત ન્યારી છે, હું તો મારી વાત જાણું અને તારી આંખમાં મેં જે જોયું છે તે જાણું.'
'શું જોયું છે?'
'પ્રેમનું તોફાન !'
'અરે જાવ રે! તમે લોકો તો છો જ એવા! જ્યાં ત્યાં પ્રેમ જ જોતા ફરો છો! મારી આંખમાં તો પ્રેમ પણ નથી ને તોફાન પણ નથી. અરે! મારે તો આંખ જ નથી ને!' મેં ત્યારે કહ્યું હતું.
'પ્રેમને આંખ હોતી નથી, રમા!'
અનિલના આવા સઘળા સંવાદોને, એના મુખભાવને અરે ! એની વાણીના રણકાને. આ મારું મૂરખું હૃદય, એવી રીતે સંઘરી બેઠું છે કે હવે એમાં બીજી કોઈ વાત આવતી નથી, આવી શકતી જ નથી! આ તે મારું હૃદય કેવું છે? આરસની પ્રતિકૃતિની માફક જેમજેમ સમયનો પવન અને સ્પર્શે છે, તેમતેમ એ તો પોતાની તમામ વાતને, વધારે સ્પષ્ટતાથી અને વધારે સુંદરતાથી કહ્યે જ જાય છે! એને હું ફેંકી પણ ક્યાં દઉં? એ પોતે જ વારંવાર કહે છે કે હું તારા વિના બીજે ક્યાં રહેવાનું નથી!
આજે દિવસો થયાં અનિલ આ પૃથ્વી ઉપર નથી. અમારો પ્રેમ જ્યારે કવિત્વપૂર્ણ શિખરે પહોંચ્યો, બરાબર ત્યારે જ. એ મને કોઈ ઊંડી ખીણમાં જાણે ધકેલીને ચાલ્યો ગયો. જે સાંજે એ મારી વિદાય લેવા આવ્યો હતો એ સાંજ આજ પણ મને બરાબર યાદ છે. અમારા હૈયામાં આનંદ હતો. આંખમાં શોક હતો. ચહેરામાં વિયોગી જીવનનો લેખ હતો. 'અનિલ!' મેં કહ્યું : 'ચોક્કસ બીજે દિવસે કાગળ લખજે હોં!'
એ વિનોદમાં બોલ્યો : 'હંમેશ લખું તો?'
'તમને લોકને મશ્કરી સૂઝે છે, પણ અમને કોણ જાણે ક્યાંથી આ મળ્યું છે!' મેં કહ્યું.
'શું?'
'આ...' મેં કહ્યું : 'આ અમારું હૃદય!'
'અને અમારે શું એ નથી?'
'તમારું હૃદય વજ્જરના કિલ્લામાં રહે છે : અમારું હૃદય વજ્જરને અંદર સંઘરે છે!'
'એ તો હવે જણાશે... રમા !'
અને એ વિદાય લઈને ગયો તે ગયો! હું એને જતો જોઈ રહી. સુંદર સશક્ત આનંદી આત્મા, પણ એ ગયો.
ત્યાર પછી એના મૃત્યુ સમાચાર જ મળ્યા! એ આપવા આવનારો મહેશ પહેલાં તો બોલી શક્યો નહિ. વાત કરતાં એ ધ્રૂજતો હતો.
પણ એ વાત કહીને ગયો ત્યારે જ મને ખબર પડી કે હું ડુંગરાની ટોચ ઉપરથી કોઈ અંધારી ખીણમાં જઈ પડી છું!
આ મારી પ્રેમવ્યથા હું કહું પણ કોને? મેં આ પ્રેમકથાની વાત જ કોઈને કરી ન હતી ને! કેવળ હું એ જાણતી હતી. અનિલ જાણતો હતો. આ મહેશ જાણતો હતો.
પણ પછી મારા હૃદયમાં જે શૂન્યતા વ્યાપી ગઈ એ હું જાણું છું. અને એમાં ક્ષણેક્ષણે અનિલની સ્મૃતિના જે ભણકારા વાગે છે તેની અપાર વ્યથા કેવળ હું એકલી જ અનુભવું છું! કદાચ મહેશ જાણતો હોય તો! આ અનુભવમાંથી એ ક્યાં પસાર થયો નથી? એટલે એ જાણી શકતો હોય તો! મહેશની એવી એક વાત હું જાણું છું. પણ એ મારું હૃદય નહિ કહી શકે! એ તો માત્ર પોતાની જ વાત કહે, મહેશનું હૃદય મહેશની વાત કહે - એ જ વધારે ઠીક. એમાં કેવાકેવા હૃદયરંગના ભેદ છે એ પણ એને જ ખબર હોય. હવે એ પોતાની વાત કહે!
* *
'ચાંદની રાત હતી. અને નદીના કાંઠાને અને એનાં જળને એણે આજે કોણ જાણે કેટલી પ્રેમમસ્તીની પ્યાલીઓ પાઈ દીધી હતી. મને બરાબર સાંભરે છે કે એ વખતે અનિલનો અને રમાનો પ્રેમ આવી ચાંદનીમાં જાગ્રત થતો હતો. એ બંને મને વારંવાર કહેતા કે મહેશ! અમને જીવનમાં કાંઈક નવુંનવું લાગે છે! પ્રભાત જેમ જાગે છે ત્યારે એમાં મધુરતા વસે છે. પ્રેમ પહેલવહેલો જ્યારે જાગે છે, ત્યારે એની મધુરતા પણ એવી અનોખી જ હોય છે.
'એ વખતે અનિલ શબ્દ બોલતો હોય તેમ લાગતું નહિ. વાક્યે વાક્યે જાણે એ પ્રેમની સૌરભ ઉડાડતો દેખાય! એ વખતે રમા પણ બોલતી હોય તેમ ન લાગે. એની વેણીની મત્ત સુગંધમાંતી પ્રેમની કાવ્યપંક્તિઓ વહેતી લાગે! મને તો ઘણી વખત એમ થતું હતું કે આ બંનેને પ્રેમનો કોઈ નવીન જ પ્રદેશ તપાસ કરતાં જડી આવ્યો છે કે શું? એટલી એ બંનેની અરસપરસ પ્રીતિ હતી. પણ મારી પાસે મારું હૃદય હતું. દરેક પાસે પોતપોતાનું હૃદય હોય છે. મારું હૃદય કાંઈ પ્રેમઘેલાં કાઢતું નહિ એમ નહિ. પણ એ સમજતું હતું કે પ્રેમનાં ઘેલાં એ જેમ કાઢવા માટે હોય છે, તેમ ભૂલી જવા માટે પણ હોય છે! વળી એ હૃદયને પણ પોતાના જખમ હતા. એ જખમ ઉપર મને તો લાગતું કે આ રમા જ પરમ ઔષધિ રૂપ બની શકે!'
'પણ જ્યાં એ અનિલ માટે ઘેલી હતી, અને અનિલ એને માટે ઘેલો હતો, ત્યાં મારી પિપૂડીનો અવાજ પણ કોણ સાંભળવાનું હતું?'
'પરંતુ હૃદય કેમ જગાડવું એની પણ એક અનોખી કલા છે. મારું હૃદય એમ જાણતું હોવું જોઈએ. ચાંદની જોઈને એ ધીમેધીમે રમાના ઘર તરફ ફરવા ચાલ્યું.'
રમા એ વખતે ઘેર જતી હતી. અમે આડીઅવળી અનેક વાતો કરી રહ્યા હતા. પણ મારું જાગ્રત હૃદય અંદરથી મને કહી રહ્યું હતું કે, 'હે ઘેલા ! તને તારી વાત કહેતાં આવડે તો તું આના હૃદયમાં સહાનુભૂતિનો. દયાંકુરનો એક એવો ફણગો આજે ઉગાડી જશે કે છેવટે એના હૃદયમાં તને પણ સ્થાન અપાવશે! અને પછી તો એને જલસિંચન કરતાં એમાંથી જ એક નવપલ્લવિત પ્રેમવૃક્ષ પ્રગટશે! આજે અનિલ બહાર છે ને આજે જ વખત છે. તારી વાત કહે, ઘેલા ! તારી વાત કહે.' આડીઅવળી અનેક વાતો કહી. અમે એના ફળીના નાનકડા બગીચામાં જરાક લટાર મારવા બહાર નીકળ્યાં. ચાંદનીએ આજે બધાંને થોડીથોડી પ્રેમની પ્યાલીઓ પાઈ દીધી હતી. નાનકડા વેલમંડપમાં ભાતીગળ થઈને પડેલી તેજછાયાની ગૂંથણીએ અમને ત્યાં રોકી રાખ્યાં.
'અમે છાની મધુર શૈશવ-સંસ્મરણોની વાતો કરી રહ્યાં હતાં અને એકબીજાના વધારે નિકટમાં આવી રહ્યાં હતાં. બંનેની ઓળખાણવાળી તારિકાનું તે વખતે નામ આવ્યું અને મારા અંતઃકરણમાંથી એક ઊંડી વેદનાભરેલી આહ નીકળી ગઈ'
'રમાએ એ સાંભળી. એ થંભી ગઈ. એ સમજી ગઈ. એના અંતઃકરણને મૃદુતા સ્પર્શી ગઈ.'
'તમે તારિકાને ઓળખતા કાં?' તેણે ભાવભરેલી વાણીમાં મને કહ્યું, 'મારે એ જ જોઈતું હતું.'
મેં કહ્યું : 'હું એને ઓળખતો હતો એટલું જ ક્યાં હતું? એ મારી હતી. હું એનો હતો રમા ! અમે જ્યારે એકબીજાના પરિચયમાં આવ્યાં, ત્યારે કોણ જાણે શું થયું, પહેલી જ ક્ષણે એને લાગ્યું કે આને હું ઓળખું છું ને મને પણ એમ જ થયું. મને લાગ્યું કે હું એને ઓળખું છું!'
'અમારો પ્રેમ અવનવાં રૂપ લઈને જે વખતે અમને પોતાની વાટિકાનાં મનોહર રંગોમાં ફેરવી રહ્યો હતો, બરાબર એ જ વખતે તારિકા ચાલી ગઈ! એટલી ઝડપથી એ ગઈ કે હું એને છેલ્લે મળી પણ શક્યો નહિ. એણે મને સ્વર્ગ બતાવ્યું અને પછી નર્કમાં ધકેલી દીધો. એણે મને દગો આપ્યો. એ હાથતાળી દઈને નાસી ગઈ. અને મને કેવળ એકલો, ભર્યાભર્યા જગતમાં કેવળ એકલો કરી દીધો! એકલાપણું અનુભવવું એ હલાહલ વિષ પીવા જેવું છે!'
'મેં નાનપણમાં માતા-પિતા ખોયાં હતાં. પિતાને તો મેં જોયા પણ ન હતા. માતને પણ મેં ખોયાં હતાં. જ્યારે અનેક કિશોરને ને જુવાનોને, પોતપોતાની અનેક વાતો લઈને સાંજે માતાની પાસે એ કહેવા માટે જતા હું જોઉં છું. ને જ્યારે ફળિયામાં માતાને જુવાન છોકરાને પાસે બેસીને વહે છે! પણ ત્યાર પછી, મારો એક મોટો ભાઈ હતો, તે મારો આધાર હતો. એને આધારે હું જીવનમાં કાંઈક આશા જોઈ રહ્યો હતો. પણ જ્યારે એ ગયો ત્યારે...'
'આહ ! મહેશ ! આટલી બધી દુઃખની કથા તેં ક્યાં સંઘરી રાખી હતી?'
'એ મેં સંઘરી રાખી હતી, કારણ કે છેવટે તારિકા મળી ગઈ હતી. એને હું જોતો અને મને લાગતું કે મારી મા પાછી આવી છે. પિતા, બંધુ, કુટુંબીજનોનો મેળો એની વાણીમાં હતો! શું એ વાણી હતી રમા ! મેં એવી વાણી ક્યાંય સાંભળી નથી. આજે હું શું છું? કેવળ અપંગ, અનાથ, એકલો... એકલો! કોઈ મળે નહિ. ઘેર જાઉં છું ખરો પણ કોને કોને માટે? આનંદ વિનોદ કરતો ફરું છું. પણ ભાગ પડાવનાર કોણ? હું એકલો છું ! એકલું કોઈ વૃક્ષ ઊભું હોય તો એ પણ હું જોઈ શકતો નથી?'
'મહેશ ! મહેશ ! એમ ન બોલતો, એમ ન બોલતો. અમે બધાં જ તારાં મિત્રો છીએ!' રમાએ ત્યારે કહી દીધું.
'મારું હૃદય એના આ વાક્યની જ રાહ જોતું હતું.' એને ખબર હતી કે પ્રેમ, જ્યરે દયામાંથી પ્રગટે ત્યારે એ પોતે પોતાનું સર્વસ્વ આપી દેવા મથે!
રમા, હમણાં નહિ, વખત જતાં, મારી થશે ને થશે એવું જબ્બર આશાબિંદુ ત્યાં આવ્યું હતું.
રમાએ મને પ્રેમથી સાંત્વન આપતાં કહ્યું, 'મહેશ ! અમે સૌ તારે માટે રાહ જોઈએ છીએ એમ સમજીને તારે આંહીં આવવું જવું. અમે તારાં જ છીએ!'
'પછી તો અનિલ ગયો. એ થોડા દિવસ તો રમા વ્યગ્ર બની ગઈ હતી. અનિલ માટેના એના પ્રેમની મને ખબર હતી. પણ સદ્દભાગ્યે મારા માટે એના હૃદયમાં સ્થાન થઈ ચૂક્યું હતું. એટલે મારી આશા માટે કોઈ પ્રશ્ન ન હતો.
પણ અનિલના મૃત્યુને દિવસો વીતતા ગયા, તેમતેમ રમા એની યાદીના તંતુને વધારે દ્રઢતાથી વળગી રહેતી જણાઈ. હું રાહ જોઉં છું કે એ કોઈ દિવસ કાંઈક ઉત્તેજનનો શબ્દ કહે, કોઈ વખત વિશ્રમ્ભકથા કહેવા થોભે. કોઈ વખત જરા જેટલી નિશાની આપે. પણ ના! મારું હૃદય વિચારમાં પડ્યું છે કે આ રમાનું હૃદય કઈ જાતનું છે? આ તે કોઈ સ્ત્રીનું હૃદય જ નથી કે શું? આટલા બધા દિવસ એક સ્વપ્ન-પ્રેમને કોઈ સંભાળી રાખે? પણ એનું હૃદય પોતાની વિશ્રમ્ભકથા કહે તો શી રીતે કહે? ક્યારેક હું એ સાંભળું છું!'
'મહેશ માટે મારા હૃદયમાં કોઈ સ્થાન નથી એમ તો મારું પોતાનું છાનું હૃદય પણ મને કહી શકે તેમ નથી. મારું છાનું હૃદય મને ઘણી વખત કહે છે: 'રે રમા! ગાંડી થા મા, ગાંડી થા મા. જિંદગી કોઈ આવી રીતે ગાળી શકે છે કે તું ગાળી શકીશ? મહેશ માટે તારા દિલમાં સ્થાન છે તો અનિલનું સ્થાન એને આપવામાં કઈ મોટી આપત્તિ આવવાની છે? કે કયો એવો સિદ્ધાંતભંગ થવાનો છે? કે કયો જીવનદ્રોહ એમાં વસી રહ્યો છે? મહેશના દુઃખને તું જાણે છે. તેં જ એને સ્વજનની અનુકંપાથી નવરાવ્યો ન હતો? તેં એના હૃદયમાં એક નાનું આશાનું બીજ મૂક્યું હતું. હવે કેમ તું તારો માર્ગ જોઈ શકતી નથી?'
'પણ મેં શરૂઆતથી નથી કહ્યું? કોઈને લક્ષ્મીનો વારસો મળે છે, કોઈને રોગનો વારસો મળે છે, કોઈને આળસનો વારસો મળે છે, તો શું પ્રેમનો વારસો કોઈને નહિ જ મળતો હોય?'
'એકલતા મહેશને મૂંઝવે છે. એકલતા મને પણ મૂંઝવે છે. અમે બંને એકાકી છીએ. બંને એકબીજાને ઓળખીએ છીએ. અને છતાં કોણ જાણે શું છે, મારું અંદરનું મન જાણે આ વાત આવતાં બળવો કરી બેસે છે! કોણ જાણે કેમ મને અંદરથી એક અવાજ આવે છે : 'આ તારું સ્વપ્નમનોહર પ્રેમજીવન શું ઓછું સુંદર છે કે હવે તું નવી કેડી પાડવા બેસે છે?'
'અને એ રસ્તો બરાબર નથી એ પણ હું જાણું છું. એ રસ્તા સિવાય બીજો રસ્તો મારે માટે નથી એમ મારું હૃદય કહે છે. હું તે કોની આજ્ઞા માનું? ને કોની ન માનું? હું જે જાણું છું તે પ્રમાણે કરું કે મારું હૃદય કહે છે તે પ્રમાણે કરું?'
'હૃદય અને હું બંને એક હોત તો મને જીવનમાં ભૂલી જવાનો કેવો આનંદ મળત!'
'હું ભૂલવા મથું છું, હું બધું જ ભૂલી જવા મથું છું. યાદ રાખવામાં મને પણ કોઈ મજા જણાતી નથી. પણ મને કોણ જાણે કઈ, ઘડીએ આ હૃદય મળ્યું છે ને એ હૃદય કોણ જાણે કયા પ્રેમ-ઝરણાંમાંથી ખોબો ભરીને જળ લઈ આવ્યું છે કે નથી એ સ્વપ્નને ભૂલવાનું ! નથી મને સ્વપ્ન ભૂલવા દેવાનું!'
મહેશને કહું છું 'મહેશ! અંધારાઘેરી રાત છે. નદીને આ કાંઠે એક પંખી બેસીને બીજે કાંઠે બીજું પંખી બેસે અને પોતાના પ્રેમગાનથી રાત્રિની આનંદ-મોહિનીને હિંચોળે હીંચકાવે. એ અણદીઠી ભોમની કલ્પના - મજા. શું ઓછી છે કે તું આંખને આંખનું, હાથને હાથનું, પ્રેમને પ્રેમનું ભાથું આપવા માગે છે!'
'આ ખળભળી રહેલા સંસારસમુદ્રમાં આપણે ત્રણે જણાં પોતાનું અવ્યક્ત ગાન ગાયાં કરીએ એમાં કોઈ ઓર મજા નથી કે તું જીવનના ભગ્ન અંશને પાછો બોલાવવા મથે છે?'
'હું તો હવે આમ જ બેસીશ. આમ જ રહીશ. આમ જ સંભારીશ. આમ જ જઈશ. કોઈ અતિ વાચાળ મને ઉપાલંભ આપીને કહેશે કે અરે! આ તે કાંઈ જીવન છે? આ તો નીરસતા છે! હું એટલું જ કહીશ કે ઘણી વખત જીવન શું છે એ જીવનની વાતો કરનારાને માલુમ પડતું જ નથી. જીવન તો એમાં કૂદી પડનારાને મળે છે. અને કૂદી પડનારાએ ક્યારે જોયું છે કે આ અગન છે કે જળ? અંધકાર છે કે અનંતતા છે?'
* * * *
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર