ભૂખ ભૂત

01 Nov, 2016
12:00 AM

પ્રક્ષાલી દેસાઈ

PC: pararationalise.files.wordpress.com

ગામનાં માથે રાતની ચાદર વીંટાઈ ગઈ હતી. કારતક મહિનાની અમાસ હતી. આજે હવાનું જોર પણ વધારે હતું, ઠંડા ખંજર જેવો પવન સીધો હાડકા કોરીને મજ્જા સુધી ઊતરી રહ્યો હતો. દિતિયાએ ઘરની બહાર પગ મૂક્યો ત્યારે એને એ ભાન ન રહ્યું કે એણે કઈ દિશામાં જવાનું છે. એનું નામ દિત્તુ હતું, પણ ઘર અને ગામમાં દિતિયાને નામે જ ઓળખાતો. એને એટલું જ યાદ રહ્યું હતું કે નવ વખત નવ ડગલાં ચાલવાનું છે. આ વાત યાદ કરીને એણે નાકની દાંડીએ સીધા દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ્યું. જમીનમાં થોડો ઢોળાવ હતો, પગ જાણે ગબડતાં હતાં. દિતિયાના હાથમાં ફૂટેલાં માટલાંની નીચેનું અડધિયું હતું, જેના પર લાલ કપડું પાથરેલું હતું અને ઉપર લોટથી બનેલા ચાર પૂતળાં રાખેલાં હતાં. બે હાથ, બે પગ એક માથું, માનવ આકૃતિ જેવું. આજુબાજુ જોયાં વગર એણે દક્ષિણ દિશામાં જવાનું હતું ને ગામનાં અંતિમ ઉકરડાં પર આ પૂતળાંઓને મૂકીને, પાછળ જોયા વગર, કોઈની સાથે પણ વાતચીત કર્યા વગર પાછું ઘરે પરત થવાનું હતું.

દિતિયો એક એક ડગલું ભરતા થોડો ગભરાતો, થોડું મનને સમજાવતો ધીમે ધીમે આગળ વધતો હતો, સાથે નવ-નવની ગણતરી પણ રાખવાની હતી. એણે મનમાં વિચાર્યું, કેટલી વખત નવ-નવ ગણીને ચાલ્યો એ તે કઈ રીતે યાદ રાખશે? એટલે નવ પછી દસ અને આગળની સંખ્યા એણે ગણવાનું રાખ્યું. એને વિશ્વાસ જ નહોતો કે 81 પછીની સંખ્યા એને આવડતી હોય. કારણ કે ઘરના કામ છોડીને શાળાએ ઓછું જવાનું થતું.

શરીર પર લપેટેલી જૂની ગોડદીનો ગાભો જેમતેમ શરીર પર વીંટાડતો ઠંડીથી બચવાની કોશિશ કરતો એ સીધો ચાલ્યો જતો હતો.

ફૂટેલા માટલાંનાં ઠિબડાંમાં સૂતેલાં પૂતળાં કોઈ ગેબી જગ્યાનાં ભૂતોની અનુકૃતિ હતાં. તે ભૂતોએ દિતિયાની જુવાન મા ને ઘણી જ બિમાર કરીને ઘરડી કરી મૂકી હતી. આ પૂતળાં બનાવ્યાં હતાં, દિતિયાનાં ગામથી ચાર ગામ દૂરનાં કોઈ બડવા(ભુવા)એ અને દિતિયાનાં મોટા ભાઈ રુગ્ગાએ એને કહ્યું હતું કે, ગામની બહાર એકદમ દૂર મોટાં ઉકરડાં પર આને ફેંકીને આવવાનાં છે. અને જો દિતિયો આવું નહીં કરે તો એ લોકોની મા જીવતી નહીં રહે એવું પેલા બડવાએ પણ કહ્યું હતું. મોટો ભાઈ રુગ્ગો એને ફેંકવા નહીં ગયો કારણ કે તે તો, જેને ત્યાં હાળી (બાંધેલો મજૂર) હતો તેનાં ખેતરે રાત સૂવા ગયો હતો અને રાત્રે જ્યારે લાઈટ આવે ત્યારે તેનાં ધણીયામાંનાં ખેતરમાં ઘઉંને મીટર પંપ ચાલુ કરીને પાણી પાવાનું હતું. એટલે રુગ્ગાએ દિતિયાને સમજાવેલું કે જો આ કામ જરા પણ ડર રાખ્યાં વગર બરાબર કરવાનું છે. જરા જેટલી ચૂકથી બડવા(ભુવા) દ્વારા કરેલું અનુષ્ઠાન બહાર જશે. એ અનુષ્ઠાન કરાવવા પાછળ ઘણો ખર્ચ થયેલો, રુગ્ગાએ પોતાનાં કાનમાં પહેરેલી ચાંદીની કડીઓ સુદ્ધાં વેચીને બડવાની માગ પૂરી કરેલી. દિતિયો મોટાભાઈની વાત સમજતો હતો અને મા પણ કેટલી ત્રસ્ત હતી કેટલાય સમયથી. એની પીડાથી દિતિયાનાં પગ ઝડપથી ચાલવા લાગ્યાં. હા, હવે તો એ લોકોની માને સારું થઈ જ જશે. છેલ્લાં સાત-આઠ મહિનાથી માને સતત ઝીણો તાવ રહેતો, શરીરમાં હાડકાં ને ચામડાં જ દેખાતાં હતાં. એનાં ગળે રાબડી જેવું પ્રવાહી પણ જેમતેમ ઊતરતું.

ને દિતિયાનાં પિતા ગયા હતા ગામનાં બીજા લોકો જોડે કોટા-રાજસ્થાન મજૂરી કરવા. તે વર્ષના આઠ મહિના ત્યાં જ રહેતાં. ત્યાં તેઓ સલાવટી કામમાં મજૂરી કરતા. વાર-તહેવારે તેઓ આવે ત્યારે થોડાંક રૂપિયા લઈને તેઓ આવતાં અને ઘરમાં જાણે ચીજ-વસ્તુનું અજવાળું થતું. બંને ભાઈ મળીને ચૂલો લીંપતાં, લાકડાંની કથરોટ ઘસીને સાફ કરતાં. અને બહુ દિવસો બાદ ઘરની બહાર કાગડો આવીને બેસતો એઠવાડની આશામાં! બાપ બહારગામ હોય એટલા દિવસ દરમિયાન બંને ભાઈ નાની-મોટી મજૂરી કરે કે પછી ચકલાં મારીને રાંધી ખાઈને કામ ચલાવતા. કોઈ વખત તેઓ ગામનાં તળાવની સેવાળ લાવતા અને તેને ઉકાળીને સુપ જેવું કરી મા તેમજ પોતાનું પેટ ભરતા. પિતા પાસે વારે વારે ગામડે આવવાનાં ભાડાંતોડાં ક્યાં હતાં? સરકારી શાળામાં મધ્યાહન ભોજન મળતું તે પણ જુલાઈ અને ઓગસ્ટ મહિના સુધી જ. પછી કોઈ અધિકારી શાળા તરફ જોવા આવતાં જ નહીં. એટલે બંને ભાઈ પછી નિશાળે પણ નહીં જતાં.

છેલ્લે જ્યારે પિતા આવેલા ત્યારે તેણે મોટાભાઈ રુગ્ગાને ગામનાં મોટાં ખેડૂતને ત્યાં ગિરવે રાખ્યો. (બાંધેલો મજૂર) કારણ કે પિતાએ તે ખેડૂત પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા માની દવા માટે, પણ તે દવાથી પણ કોઈ ફાયદો નહીં થયો, એટલે પિતાના ગયા પછી રુગ્ગાએ કાનની કડીઓ વેચી બડવાને બોલાવ્યો હતો. બડવાની શરત હતી કે આ ભૂત કાઢવાનાં બદલામાં બંને ભાઈઓએ એક જોડી સારાં કપડાં, એક મરઘી, એક બોટલ દારૂ, રસોઈનો સામાન આપવો. તો જ તે એમની માને સાજી કરવા તેમનાં ઘરે આવશે.

ને બડવો એમનાં ઘરે આવ્યો મોટી કિનારીવાળું સફેદ ધોતિયું, માથે સફેદ પાઘડી, ખભે લાંબો લટકે એવો ખલતો ઘાલીને. ઘરમાં આવ્યાં પછી ન તો એણે માની નાડી જોઈ કે ન તો મા સૂતી હતી ત્યાં સુધી ગયો. જમીન પર એક જગ્યા પર ઘેરો બનાવી પોતાનાં ડાકલાં અને તંત્ર-મંત્રનો સામાન તેમાં મૂક્યો અને બીજો ઘેરો બનાવી પોતે તેમાં બેઠો. મોટાભાઈ પાસે છાણાં સળગાવીને ધૂપ કરવાનું કહ્યું. મોટાભાઈએ ધૂપ એક ઠીકરાંમાં રાખીને તેની સામે મૂક્યું. તેણે જય ભૈરુ બાપજી એમ કરીને ત્રાડ નાંખી ને ધુણવાનું ચાલુ કર્યું. વચ્ચે વચ્ચે અસ્પષ્ટ શબ્દોમાં કંઈ ન સમજાય તેવા મંત્રો એ બોલતો જતો હતો. દસેક મિનિટ સુધી આવું કરતો રહ્યો અને વચ્ચે વચ્ચે જય ભૈ બાપજી એમ ત્રાડ નાંખતો રહ્યો. દિતિયો ચકળવકળ થઈને એને જોતો રહ્યો. બડવો થોડો શાંત થયો અને રુગ્ગાને પાસે બોલાવી કહ્યું, ‘થોડો અડદનો લોટ, ઘઉંનો લોટ અને ઘી જોઈશે.’ રુગ્ગો એનાં ઘણીયામાંને ત્યાં દોડીને ગયો અને મગાવેલી વસ્તુઓ લઈ આવ્યો. આવા કામમાં કોઈ ના નહીં પાડે એવી તેની ખાતરી કામ લાગી. બડવો મંત્રો બોલતો જતો હતો અને બંને પ્રકારનાં લોટમાં ઘી નાંખતા નાંખતા લોટ બાંધતો જતો હતો. પછી તેણે તેમાંથી માનવઆકૃતિનાં ચાર પૂતળાં બનાવ્યાં. છાણાં હવે બળી ચૂક્યાં હતાં અને તેની કાળી રાખમાંથી તે પૂતળાંનાં આંખ નાક મોઢાં બનાવ્યા. તે બંને ભાઈઓનાં ઘરમાં ગામનાં ઉત્સુક લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું. જોવાવાળાં અંદર-અંદર વાત કરતાં હતાઃ અદ્દલ ભૂત આ પૂતળાં જેવાં જ હોય, બસ ખાલી લંબાઈ પહોળાઈ માણસો કરતાં મોટી હોય...

દિતિયો એક બે જણ પાસે જઈને પૂછવા લાગ્યો, ‘તેઓએ ખરેખ ભૂત જોયાં છે?’ પણ લોકોએ તેને જવાબ આપવાને બદલે ધમકાવીને કહ્યું, ‘જેઓ ભૂત જોઈ લે તેની હાલત તારી મા જેવી થઈ જાય.’ દિતિયો ઓછવાઈ ગયો. એ તો જાણવા ચાહતો હતો કે, જેણે ભૂત જોયાં હોય તે વધારે જાણકારીપૂર્વક તેને જણાવે, પણ બધુ વ્યર્થ.

લોટના પૂતળાંઓને બડવાએ એમની માનાં શરીરે સ્પર્શ કરાવ્યાં, ત્યાર પછી મંત્રો બોલતાં બોલતાં ઘરમાં ચારેકોર પાણીનો છંટકાવ કર્યો. અંતમાં ફૂટેલાં માટલાંનાં ઠિબડામાં લાલ કપડું પાથરી ઉપર ચાર પૂતળાં મૂકીને રુગ્ગાના હાથમાં સોંપતા તેણે કહ્યું હતું. ‘આજે રાત્રે આ વસ્તુને ફેંકીને આવવાનું છે, તમારી મા સારી થઈ જશે.’ ત્યાર પછી બડવો તેનું દપ્પુ સમેટીને તેના ગામ જવા નીકળી ગયો હતો.

રુગ્ગાએ એના માલિકને ત્યાં સૂવા જતાં પહેલાં આ બધું ફેંકવાનું દિતિયાને સમજાવતાં કહ્યું હતું.

‘ડરીશ તો નહીં?’

‘ડરવાની શું વાત છે? આ કંઈ ખરેખર ભૂત થોડી છે, લોટનાં તો બનેલાં છે.’

‘અરે! ખરેખર કેમ નહીં? બડવાએ માનાં શરીરમાંથી તો કાઢીને આ પૂતળાંઓમાં નાંખ્યાં છે ભૂતોને!’

‘આટલાં બધાં? ચાર!’

દિતિયાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું.

રુગ્ગાએ દિતિયાના માથે પ્રેમથી એક ટપલી મારતાં કહ્યું.

‘જા રે ગાંડા! આ ખરી વાત છે. જે કહ્યું એ કરજે નહીં તો આપણી મા નહીં રહે.’

દિતિયાનાં રૂવાંટા ઊભા થઈ ગયા અને એના પગ પણ ગામની દક્ષિણ દિશામાં ઉકરડે જઈને ઊભા રહી ગયાં. તેણે તે પૂતળાંઓ પર એક ધારદાર નજર નાંખી અને ફેફસાંમાં એક શ્વાસ સાથે હવા ભરી, ‘હં.... તો આ ભૂતોએ મારી માને પકડી રાખી હતી...’ બાવડામાં જેટલું જોર હતું એ બધુ ભેગું કરીને જોરથી હાથમાંનું ઠિબડું ઉકરડામાં ફેંક્યું. લોટનાં ભૂતો પણ ઉકરડાં પર જાણે ક્યાં ક્યાં જઈ પડ્યાં.

પાછળ જોયાં વગર દોટ મૂકીને દિતિયો ઘર ભેગો થયો અને સીધો મા પાસે જઈ બેસી પડ્યો. માનાં ગાલ પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહેવા લાગ્યો, ‘મેં તારી અંદરથી ઊતારેલા ભૂતોને ફેંકી દીધા છે, હવે તો જોજેની તું સારી થઈ જ જવાની.’

મા જવાબમાં તેના માથે હાથ ફેરવતાં બોલી,

‘સારું કર્યું, સારું કર્યું…’ એક શ્વાસ લીધો અને થોડું હસી, જાણે એક ભારી બોજ શરીર પરથી ઊતર્યો હોય એમ!

ત્યાર પછી તો માની તબિયત પ્રતિદિન સારી થતી ચાલી. તેનાં ચહેરા પર શાંતિ દેખાતી હતી. હવે મા હસતી-હસતી ઘરનાં કામ કરવા લાગી, બંને ભાઈ ખુશીથી પોતાનાં કામમાં ડૂબવા માંડ્યા ને ઘરના વાતાવરણમાં જે ધૂંધળું ધુમ્મસ હતું તે ધીરે ધીરે નીકળવા લાગ્યું.

દિતિયો દોસ્તારો સાથે પોતાનો આનંદ અનેક ગણો વધારતો અને મા કેવી રીતે સારી થઈ તેની વાત વારંવાર કહેતો.

પણ અચાનક એક દિવસ તેનો આનંદ અને ઉત્સાહ વિલાઈ ગયાં. એક દિવસ મોટાભાઈ રુગ્ગાએ તેને પાછો બોલાવી પૂછ્યું, ‘કેમ પેલાં પૂતળાંઓને તું ક્યાં ફેંકી આવ્યો હતો?’

‘કેમ? જ્યાં તેં કહ્યું હતું ત્યાં.’

‘પણ ક્યાં?’

‘અરે, બરાબર ડગલાં ગણતાં ગણતાં ગામની દક્ષિણ દિશાનાં ઉકરડાં પર.’

‘અરે, દક્ષિણ દિશામાં તો ખરું પણ તારું મોઢું કયા ખૂણામાં રાખેલું તેં?’

‘એ…એ... હવે મને કંઈ યાદ રહે? એક તો ઠંડી, ઉપરથી અંધારું.’ દિતિયાએ રુગ્ગાને થોડું ચિઢાઈને, થોડું ગભરાતાં અને નવટાંક ગુસ્સો કરતા કહ્યું.

દિતિયો પછી બોલ્યો, ‘પણ મા તો સારી થઈ ગઈ છે, હવે શું?’

‘કેટલાં દિવસ? કેટલાં દિવસ હેં? તેં ખૂણાનું ધ્યાન નહીં રાખ્યું.’

કપાળે હાથ મારતા રુગ્ગો બોલતો હતો.

દિતિયાની હાલત ખરાબ થઈ ગઈ. એ એકદમ ઉદાસ થઈ ગયો. ઘણીવાર સુધી ચૂપ રહ્યાં બાદ ધીરેથી બોલ્યો. ‘આપણે બડવાને પાછો બોલાવીશું.’

‘બડવાને પાછો બોલાવશું! અરે બડવાને પાછો બોલાવવાનું કંઈ સહેલું છે. આપણી પાસે તેનું ટાપું ભરવાનાં રોકડાં ક્યાં છે?’

રુગ્ગો ઊદાસી મિશ્રિત ગુસ્સાથી બોલતો હતો.

હવે દિતિયો રડવા લાગ્યો, તેને પોતાની પાસે સોડમાં ખેંચતાં રુગ્ગો કહેવા લાગ્યો ‘ચાલ કંઈ નહીં... કંઈ નહીં... એમાં મારી જ ભૂલ છે, મોટાભાઈ થઈને મેં તે ફેંકવાનું કામ તને સોંપ્યું... ચાલ માને નહીં કહેતો…’

દિતિયાને થોડી નિરાંત થઈ. આંસુ લૂંછતા તે કહેવા લાગ્યો, ‘મોટાભાઈ, આજકાલ આપણાં ગામમાં પણ એક બડવો રહેવા આવી ગયો છે તેને બોલાવી લેશું.’

રુગ્ગો ચોંકી ગયો... અરે વાત તો ખરી છે, એક બડવો ગામમાં આવીને રહેવા તો લાગ્યો છે. અત્યારે અત્યારે ગામમાં હંમેશાં કોઈને કોઈ ઘરમાંથી ભૂત કાઢવાના કાર્યક્રમ થતાં જ રહે છે. અને ભૂતોનાં પૂતળાંઓ પણ ઉકરડાંઓ તેમજ ચાર રસ્તે દેખાઈ જતાં હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી પૂતળાંઓ ફેંકવામાં તો આવે છે, પણ બીજે દિવસે દેખાતાં નથી. તો શું તે ભૂતો ઊડી ઊડીને લોકોનાં શરીરમાં ભરાઇ રહ્યાં છે. તેથી જ તો અત્યારે આખા ગામમાં લોકો બહુ જ બિમાર પડવા લાગ્યાં છે.

તે દિવસથી દિતિયાના ઉત્સાહમાં થોડી ખલેલ પડી હતી. તે સતત મા પર નિગરાની રાખતો કે મા ના શરીરમાં કોઈ ગડબડી તો નથી ને! મા સમય પર સવારે નહીં ઊઠે તો તે માની છાતી પર હાથ મૂકીને વારે વારે જોતો. ધડકનો ચાલુ તો છે ને!

રાત્રે પણ અનેક વાર માની છાતી પર હાથ મૂકીને જોતો રહેતો.

દિવસમાં દિતિયો ગામનાં ઉકરડા પર ફરી ફરીને ધ્યાનથી જોવા લાગ્યો, તેણે જોયું કે ફેંકવામાં આવેલાં ભૂતોનાં પૂતળાં એક બે દિવસ પછી ખોવાઇ જાય છે.

તે વિચારતો ‘અરે, કૂતરાં ખાઈ જતાં હશે. કે પછી તે ઊડી ઊડીને પાછાં સ્વચ્છ માણસોમાં ભરાઇ જતાં હશે?’

બહુ વિચાર પછી તેને સૂઝ્યું, કદાચ બાવાની કોઈ ચાલબાજી તો નથી...? એકનું કાઢેલું ભૂત બીજાનાં શરીરમાં પ્રવેશ કરાવીને પોતે પૈસા બનાવતો હોય? તેનું બાળમન બહુ જ વિચારતું અને વિચારતા વિચારતા એ થાકી જતો ત્યારે સૂનમૂન બેસી રહેતો.

એક દિવસ દિતિયો પોતાની ઉદાસી સાથે એમ જ ગામમાં ફરી રહ્યો હતો ત્યારે તેની ઉંમરનો છોકરો ભેરુસિંગ તેને મળી ગયો. તે ગામનાં છેવાડે રહેતો હતો. ભેરુસિંગ તેને જોઈને ખુશ થઈ ગયો. મળતાં જ કહેવા લાગ્યો ‘સાંભળ્યું કે ભાઈ તું તો બહુ જ બહાદુર છો. અડધી રાતે ભૂતનાં પૂતળાં ગામનાં ઉકરડે ફેંકવા જાય છે.’

દિતિયો ફીકું હસીને કહેવા લાગ્યો, ‘અરે, ભેરુસિંગ આપણે આદિવાસીના છોકરાંઓ તો સાત-આઠ વર્ષની ઉંમરમાં જ મર્દ થઈ જતા હોઈએ છીએ.’

‘અરે, જેના મા-બાપ હોય ને તે મર્દ થઈ જાય!’ એવું કહી ભેરુસિંગ પણ ફીકું હસ્યો.

તેની ઉદાસી સાથે દિતિયાની ઉદાસી બેવડાઈ ગઈ. ભેરુસિંગનાં મા-બાપ કોણ હતા ખબર નહીં. સાંભળેલું કે, તેના પેદા થવાની સાથે જ મા તો મરી ગઈ હતી અને ત્યાર પછી બાપ પણ. ગામનાં લોકોએ જ તેનું ‘જીવન’ સાચવ્યું હતું. ભેરુસિંગ હવે કેટલાક મોટાં ખેડૂતોનાં ઘરનાં ઢોર ચરાવવા જતો. તેનાં બદલામાં ખાવાનું અને ઢોરની ગમાણમાં સૂવાનું મળી જતું હતું. ખેડૂતોનાં ઘરે સાંજે જે કંઈ ખાવામાં બચી જતું તે ભેરુસિંગને મળતું ને તે પણ કોઈ વખત કોઈ નહીં આપે તો એ ભૂખ્યા પેટે પડી રહેતો. બીજો કોઈ ઉપાય નહોતો ભેરુસિંગ પાસે.

દિતિયો તેનાં બરડે હાથ રાખી કહેવા લાગ્યો.

‘દોસ્ત તારા પણ દિવસ બદલાશે એક દિવસ.’

ભેરુસિંગે કોઈ જવાબ નહીં આપ્યો. ઉંચે આકાશમાં નજર ખોડીને બેસી રહ્યો. થોડી વાર પછી એમની સામે જે ઝાડ હતું તેનાં પર એક હોલડું (હોલો પક્ષી) આવીને બેઠું. તે જોઈ ભેરુસિંગ કહેવા લાગ્યો ‘દિતિયા મેં એક હોલડું આજે માર્યું છે, રાત્રે રાંધીશ. આવશે ખાવા? જો ખાવાનું મન હોય તો આજકાલ હું જ્યાં ઉંઘુ છું એ ગમાણમાં આવી જજે.’

ઈચ્છા બહુ નહોતી તો પણ દિતિયો રાત્રે ભેરુસિંગની જગ્યાએ ગયો. તેને જોઈને ભેરુસિંગ ખૂબ ખુશ થઈ ગયો. જાણે કોઈ મોટા મહેમાનને આવકારતો હોય એવા ઉત્સાહથી કહેવા લાગ્યો જો ‘દિતિયા હાંડલામાં હોલડું ચઢાવી રાખ્યું છે. ચૂલા પર... ચૂલો તો શું, ત્રણ ઈંટ ગોઠવીને નીચે લાકડાં સળગાવી દરેક ઈંટ પર નાનાં પથ્થરોનું ટેકણ ગોઠવીને ઉપર હાંડલું ચઢાવેલું હતું. હાંડલામાં કંઈક ખદબદવાનો અવાજ આવતો હતો. ગમાણમાં અંધારું હતું. છાણમૂત્રની વાસ પણ હતી. હાંડલાને જોઈને દિતિયાની ભૂખ પણ સચેત થઈ ગઈ. ભેરુસિંગે થોડીવાર પછી હાંડલું ઊતારી નીચે મૂકીને અંદરનાં પદાર્થને ઠંડો થવા દીધો અને જે કંઈ રંધાયેલું હતું તે થોડીવાર પછી નાની ઠિબડીઓમાં કાઢીને પિરસી દીધું. ચૂલાની આગ ઠરવામાં હતી. ખાવાનું તો થોડું થોડું જ હતું. બંને મિત્રોએ ખાઈ લીધું અને તૃપ્ત થઈ બેઠા.

દિતિયાએ કહ્યું, ‘અરે કેવું સરસ હીલડું યાર, એકપણ હાડકું નહીં?’

ભેરુસિંગ બોલ્યો, ‘અરે મારો યાર ખાવા આવવાનો હતો આજે મારે ત્યાં. મેં તો પહેલાથી બહુ જ ખુશ હતો. હોલડું સાફ કરીને એક એક હાડકાં કાઢી નાંખ્યા હતાં. અરે, દિતિયા માંસ ખાતી વખતે હાડકાં મોઢામાં આવે તો ખાવાની મઝા મરી જાય, સમજ્યો!’

દિતિયો તેની વાતથી પ્રસન્ન થતો પાછો પૂછવા લાગ્યો.

‘અરે, યાર પણ શું રાંધ્યું હતું હોલડું. એકદમ કોમળ માંસ. પણ એ તો કહે કે, વઘાર્યું શા માટે હતું? ઘી-તેલ જેવું કંઈક લાવ્યો હતો?’

ભેરુસિંગ તેનાં બરડે હાથ મૂકતાં બોલ્યો, ‘દોસ્ત માટે તો બધી વ્યવસ્થા થઈ જાય.’

રાત વધતી હતી એટલે દિતિયો ઉઠ્યો અને ભેરુસિંગને કહ્યું, ‘પાછો જ્યારે હોલડું રાંધે તો મને બોલાવજે.’

ત્યાર પછી ઘણાં દિવસે ફરી તેઓ ભેગાં થયાં દિતિયાએ લાગલું જ પૂછ્યું, ‘કેમ હોલડું આજદિન સુધી પાછું નથી મરાયું?’ ભેરુસિંગે કહ્યું, ‘ના રે, સમય પણ નહીં મળ્યો અને અત્યારે દેખાતાં જ નથી.’

બે-એક મહિના એમ જ ગયાં અને એક દિવસ ભેરુસિંગ ભાગતો ભાગતો દિતિયાના ઘરે આંગણામાં આવીને એને બૂમ પાડવા લાગ્યો. ‘અરે ઓ દિત્તિયા રે... આજે એક હોલડું માર્યું છે રાત્રે ખાવા આવજે...’

અને તે રાત્રે દિતિયો તેને ત્યાં ગયો. બંનેએ મળીને ખાધું પછી બંને વાતે વળગ્યાં. દિતિયાની વાતમાં માની માંદગી હતી. તેની માની તબિયત ફરી પછી કથળી રહી હતી. તેણે ભેરુસિંગને કહ્યું, ‘અરે યાર આ હોલડું મારીને રાંધીને માને ખવડાવીએ તો કેમ? થોડી તાકાત તો આવે. ભેરુસિંગ મારી મા માટે આપણે કરીએ તો કેમ?’

ભેરુસિંગ તેની એકદમ નજીક આવી કાન પાસે મોઢું લાવી બોલવા લાગ્યો, ‘અરે યાર તને શું લાગે છે મારીથી હોલડું મરાય છે? એ તો કેટલું ચપળ પક્ષી.’

દિતિયાએ ચોંકીને પૂછ્યું ‘કેમ યાર? તેં મને ખવડાવ્યાં તે?’

ભેરુસિંગ : ‘તને શું લાગે છે, તને ખવડાવ્યાં તે હોલડાં હતાં?’

દિતિયો : ‘તેં તો એવું જ કહેલું.’

ભેરુસિંગ : ‘કહ્યું તો હતું, પણ તે હોલડાં નહોતાં.’

દિતિયો : ‘કેમ? તો શું હતું તે?’

ભેરુસિંગ : ‘પહેલાં તે હોલડું ખાધું હતું કોઈ દિવસ?’

દિતિયો : ‘ના કોઈ દિવસ નહીં. આ તો તેં ખવડાવ્યું તે ભાવ્યું.’

ભેરુસિંગ : ‘પણ એક વાત કહું, તારી મા આ ખાશે? જો ખરું કહું, આ હોલડાં હતાં જ નહીં એ તો પેલાં ઉકરડાં પર લોકોએ ફેંકેલાં લોટનાં બનાવેલાં ભૂતોના પૂતળાં હોય છે.’

દિતિયો એકદમ છળીને પોતાનું માથું પકડતાં બેસી ગયો અને રડતાં રડતાં કહેવા લાગ્યો.

‘હવે આપણને ભૂત ખાઈ જશે. આપણે ભૂતને ખાઈ ગયાં ભૂખને કારણે....’

તેને છાનો રાખતાં ભેરુસિંગ કહેવા લાગ્યો, ‘અરે હું તો ભૂખ લાગે ત્યારે ઉકરડાંમાંથી તે જ શોધી લાવતો લોકોની ચોરીછૂપીએ. ને ઘરે લાવી ઉકાળીને ખાતો, મને ક્યાં ભૂતોએ પકડ્યો છે? મને તો કંઈ નથી થયું અત્યાર સુધી.’

વાત તો ખરી હતી. દિતિયો ઘણીવાર સુધી વિચારતો રહ્યો પછી બોલ્યો, ‘અરે ભેરુ, તું તો ભૈરવ મહારાજનો અવતાર. તને ભૂત કંઈ પકડે?’

ભેરુસિંગ તેનાં આંસુ લૂછતાં કહેવા લાગ્યો, ‘ખાધું તો તેં પણ. તને ક્યાં કોઈ ભૂત લાગ્યું છે?’

દિતિયો એકદમ શાંત થયો અને કહેવા લાગ્યો, ‘ખરી વાત તારી, ચાલ આપણે માને સાચી વાત કહ્યા વિના તેને પણ ખવડાવશું, તેમાં લોટ ને ઘી તો છે, જે શરીરને કામ આવે.’

ભેરુસિંગ આંખ મિચકારતાં બોલ્યો, ‘હોલડું’ તો આમ જ આવે

બંને ખૂબ પ્રસન્ન હતાં.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.