કૂંપળ
સીટીના ઘોંઘાટીયા વાતાવરણથી દૂર રહેવા જવાનું વિચાર્યુ ત્યારે પશ્ચિમમાં આવેલી આ સોસાયટી હજી જસ્ટ બની જ હતી. બે-ચાર મકાન સિવાય બાકી આખો વિસ્તાર સાવ ઉજ્જડ જણાતો. મે કોમન પ્લોટની સામેની બાજુનો પ્લોટ પસંદ કરેલો, જેથી વર્ષો સુધી હવા-ઉજાસ જળવાય રહે. પ્લોટ જોવા ગયા ત્યારે મારી નજર તરત જ તે વડલા ઉપર પડી. આંતરિક રસ્તાની સામેની બાજુ કોમન પ્લોટમાં રસ્તા પાસે જ તે ઘેઘૂર ગર્વથી ઊભો હતો. કદાચ તે વડલા માટે જ કોમન પ્લોટની જગ્યા વધુ છોડાઈ હોય એવું લાગ્યું, પૂછતા ખબર પડી કે કોમન પ્લોટની ડાબી બાજુએ 'રાજેશભાઈ ઝવેરી'નો પ્લોટ છે તેમણે વડલા માટે એટલી જગ્યા છોડી છે.
રાજેશભાઈનું નામ સાંભળ્યું કે તરત મેં તે પ્લોટ લઈ લીધો. રાજેશભાઈની સજ્જનતાની શાખ વડલાની ઘેઘૂરતાની જેમ બધે પ્રસરેલી એટલે સારા પાડોસની સોબત ચૂકવા જેવી નોતી. એમનો 'બંગલો' તો તૈયાર થવા આવ્યો હતો અને અમે પણ બે-એક વર્ષે અમારો નાનો એવો માળો તૈયાર કર્યો. રહેવા આવતાની સાથે જ શ્રીમતીજી રાજેશભાઈના વાઇફ નલીનિબેનના ખાસ બહેનપણી બની ગયા. રોજ ઓફિસથી આવું એટલે અઢધો કલાક તેમની જ વાતો થાય. હું રહ્યો ઘરકૂકડી એટલે સોસાયટીમાં જવા-આવવાનું મારે સાવ ઓછું છતા સોસાયટીના બધા જ સમાચાર 'શ્રીમતીજી બુલેટીન' પાસેથી સાંજે મળી રહે.
'હેમાલીને તમારી પાસ મેથ્સ શીખવા આવવું છે.' એક દિવસ 'શ્રીમતીજી બુલેટીન'ની હેડલાઈન સાંભળીને હું ચોંકી જ ગયેલો. 'પણ મારી પાસે ક્યાં સમય જ છે?' મેં જવાબ આપ્યો. 'આ ઓફિસેથી આવી બહાર હિંચકે બેઠા બેઠા મચ્છરોને રક્તદાન કરો છો તેના કરતા પેલીને કાંઇક શીખવાડોને. તેની એક્ઝામ નજીક આવે છે અને મેં પણ નલીનિબેનને કહી જ દીધુ છે કે તમારા ભાઈ શીખવશે. તે બહુ ચિંતા કરતાતા.' શ્રીમતીજી એકી શ્વાસે બોલી ગયા. 'સારૂ, ક્યારથી આવશે...?' પરિણામ બદલવાનો ઝાઝો ચાન્સ ના હોય ત્યાં ખોટી દલીલ કરવી નકામી છે તેમ માની મેં હા પાડી દીધી. પછી તો તેની પાછળ તેનો નાનો ભાઈ વિવેક પણ મારી પાસે વખતોવખત પ્રોબલેમ સોલ્વ કરવા આવતો.
'રાજેશભાઈ આટલા પૈસા વાળા છે છતાં એમના છોકરાવ કેવા સંસ્કારી છે નહીં...?' શ્રીમતીજીએ વાત શરૂ કરી. 'હા, તે જ તો એમની સાચી કમાણી છે.' મેં જવાબ આપ્યો. આ વાર્તાલાપને હજી થોડા જ દિવસ થયા હશે ત્યાં સાંજે ઘર આવતાની સાથે જ શ્રીમતીજી એ સમાચાર આપ્યા. 'પેલો સામેનો વડલો છેને તે આજે પડી ગયો. સોસાયટી વાળા તો આખો કપાવી જ નાખવા માગતા હતા પણ રાજેશભાઈ એ કહ્યું કે તે વડલો મારી પ્રોપર્ટી છે. તો કો'ક કહે આ થડીયું તમને શું કામમાં આવવાનું છે? તો રાજેશભાઈ કહે કે મને બાળવા! એમ કહી પેલું થડીયું બચાવી લીધુ.' હું થોડો ઉદાસ થઈ ગયો. સોસાયટીમાં તે એક માત્ર મારો મીત્ર. રોજ સાંજે હિંચકે બેઠા બેઠા તેની સામે જોતાંજોતાં કલાકો કાઢતો. 'અને હા, રાજેશભાઇ આજકાલ કાઇક મુશ્કેલીમાં લાગે છે. નલીનિબેન કહેતા હતા કે હમણા હમણા તે બહુ ઉદાસ રહે છે અને કોઈ સાથે કાઇ વાત પણ નથી કરતા.' શ્રીમતીજીએ પોતાનું સમાચાર બુલેટીન આગળ વધાવ્યુ. 'હશે કાંઈક ધંધાનું ટેન્શન.' મેં વાત ટૂંકાવવા જવાબ વાળ્યો.
'ગજબ થઈ ગયું, રાજેશભાઈને પોલીસ પકડી ગઈ. ફોરેનથી મંગાવેલ સોના-ચાંદીના દાગીના કસ્ટમવાળાએ પકડી લીધા અને એમના શૉ-રૂમને પણ સીલ લાગી ગયું.' શ્રીમતીજીએ બ્રેકિંગ ન્યૂઝ આપ્યા. 'રાજેશભાઈ કંઇ ખોટું કામ કરે તેવા તો નથી.' મેં કહ્યું. 'નલીનિબેન કહેતા હતા કે ફોરેનથી જે માલ આવ્યો તેને છોડવવા કસ્ટમવાળાએ લાંચ માગી અને તે આપવાની રાજેશભાઈએ ના પાડી એટલે પેલા લોકોએ રાજેશભાઈને ફસાવી દીધા.' આખી વાત તરત સમજાય ગઈ. 'હું નલીનિબેન પાસે જાવ છું, છોકરાવ પણ સવારના ભૂખ્યા હશે.' મારા જવાબની રાહ પણ જોયા વગર શ્રીમતીજી તેનો સખીધર્મ નિભાવવા ચાલી નીકળ્યા.
'રાજેશભાઈનો પરિવાર બહુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે.' શ્રીમતીજી બોલ્યા. 'હા, કસોટીનો સમય છે તેમને માટે.' મેં ઉત્તર વાળ્યો. 'હેમાલીએ ટ્યુશન્સ શરૂ કરી દીધા છે, વિવેક કોલ સેન્ટરમાં જોબ પર જાય છે અને નલીનિબહેન ટિફિન અને નાસ્તા કરે છે. રાજેશભાઇ તો બિચારા કોર્ટ અને વકીલમાંથી જ નવરા નથી થતા.' મને મનોમન એ પરિવાર પર માન બમણું વધી ગયું. વડલાનું ઠુંઠુ આજે પણ અડીખમ ઊભુ હતું કારણ કે તેના મૂળિયા મજબૂત છે.
'એ ચાલો... હવે તો મચ્છરો પણ તમારું લોહી પીને એના ઘરે જતા રહ્યા.' શ્રીમતીજીનો અવાજ સાભળી હું પાછો વર્તમાનમાં આવ્યો. આ બધી વાતને આજે બે-ત્રણ વર્ષ થયા હશે. રોજની જેમ હું હિંચકે બેઠો બેઠો પેલા વડલાના ઠુંઠા ને જોતા જોતા વિચારે ચડી ગયેલો. 'રાજેશભાઈના શું સમાચાર છે?' મેં શ્રીમતીજીને પૂછ્યું. 'કાલે ચુકાદો આવવાનો છે, નલીનિબેન તો બહુ ચિંતામાં છે.' 'સૌ સારા વાના થઈ જશે.' મેં આશ્વાશન આપ્યું. આ વાર્તાલાપ પછી આગળ બોલવાની બંનેમાંથી કોઈની હિંમત ન થઈ.
રાત બહુ લાંબી લાગે છે. મગજનો કબજો રાજેશભાઈના જ વિચારોએ લઈ લીધો હોય તેમ વખતો વખત તેમના જ વિચાર આવ્યા કરે છે. તંદ્રા અવસ્થામાં જ એક પડછાયો નજરે પડ્યો. પડછાયો સીધો જ મને પેલા વડલા પાસે લઈ ગયો. વડલાને ફરતે એક ટોળુ ઊભેલું જોયું. 'હવે તું કેટલો સમય?' ટોળામાંથી કો'ક બોલ્યું. ત્યાં તો રાજેશભાઈના ઘર પાસે ભીડ જામતી જોઈ. પાસે જતા જ ત્યાં સફેદ કપડામાં વિંટેલા ચાર દેહો નજરે ચડ્યા. 'રાત્રે જ સામૂહિક આપઘાત કરી લીધો.' કો'ક બોલ્યું. 'પણ આજે તો કેસ નો ચુકાદો આવવાનો હતો ને?' કો'કે પૂછ્યું. 'પરિણામની ખબર પડી ગઈ હશે.' કો'કે જવાબ આપ્યો. 'સાચા માણસનું આ બધુ કામ નહીં.' ફરી કો'ક બોલ્યું. 'કળિયુગ છે કળિયુગ' કોરસમાં કેટલાકનો અવાજ. પાછા પગે ઘરે આવતા પેલા વડલાના ઠુંઠાને લોકો કાપતા નજરે પડ્યા. 'શું કરો છો?' કો'કે પૂછ્યું. 'કેમ આ લોકોને બાળવા લાકડા નહીં જોઈએ.'
પથારીમાં પરસેવે રેબઝેબ બેસતાની સાથે જ ખ્યાલ આવ્યો કે આ તો એક સપનું હતું. કેવું ભયાનક સપનું! તરત નજર બારી બહાર ગઈ, ચંદ્રના આછા પ્રકાશમાં વડલો હજી ઊભો હતો. ઘડિયાળમાં હજી સાડાચાર જ વાગ્યા હતા. ત્યાં જ બીજો ભયંકર વિચાર આવ્યો, આ તો વહેલી સવારનું સપનું! કોઇ જ માન્યતામાં ન માનનારો હું આજે અનાયાસે જ ચિંતાથી ઘેરાયો.
આખો દિવસ ચિંતામાં જ પસાર થયો. વખતો વખત રાજેશભાઈ અને તેના પરિવારના વિચારો મગજ પર હાવી થઈ જતા. દિવસ બહુ લાંબો લાગવા લાગ્યો. ક્યારે ઘરે જાવ અને તે લોકો વિશે સમાચાર મળે બસ તે જ રાહ જોવામાં ક્યાંય ચિત્ત નહીં ચોંટતુ. જીવનમાં પહેલી વખત 'શ્રીમતીજી બુલેટીન' સાંભળવાની ઇંતેજારી જાગી. ઘરે પહોંચતા જ શ્રીમતીજી રાહ જોતા હતા. 'રાજેશભાઈ કેસ જીતી ગયા.' હું કંઈ પૂછું એ પહેલા જ શ્રીમતીજી બોલી ગયા. ગઈ રાતથી જે ભાર લઈ ફરતો હતો તે અચાનક હળવો થયો હોય તેમ લાગ્યું. મારી નજર અનાયાસે જ પેલા વડલા તરફ ગઈ. નિરખીને જોયું તો એક નવી 'કૂંપળ' ફૂટેલી દેખાઈ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર