મંગળફેરા

26 Mar, 2017
12:00 AM

PC: indiasutra.co.nz

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)

વરરાજાની સુખપાલ આવી ગઈ તે સમાચાર કન્યાને માંડવે પહોંચ્યા કે વરને માટે ઉતારે ચા મોકલવામાં આવી. કન્યાના મામાનો દીકરો રાવજી આગળ ચાલતો હતો અને પાછળ ચાની કીટલી અને રકાબીપ્યાલા લઈને જેઠારાત ચાલતો હતો. બંને જણા ધર્મશાળામાં દાખલ થયા ત્યારે ઊલટી થતી હતી એટલે વરરાજા ઑક ઑક કરતા હતા.

સુખપાલ ઊંચકીને છ ભાઈ આવ્યા હતા. એક છત્રી પકડનાર વાઘરો હતો. એક ચોકિયાત તરીકે વરતણિયો હતો અને સેવક તરીકે વાળંદ હતો. જાનનાં વેન હજુ આવ્યાં ન હતાં એટલે જાનૈયો કોઈ હતો નહિ. એટલે ઊલટી કરનાર વરરાજા સિવાય બીજો કોઈ નથી એમ તરત બંનેને વરરાજાનું મોં જોયા સિવાય કપડાં ઉપરથી ખબર પડી ગઈ.

એ સાથે રાવજી બારણાંમાંથી વરરાજા તરફ ધાયો. જેઠારાત દોડ્યા તેથી પ્યાલારકાબી અથડાઈને અવાજ થયો, કીટલીના નાળચોડામાંથી ચા છલકાઈ ગઈ અને તેના ઊના છાંટા એના પગ ઉપર ઊડ્યા.

રાવજીએ નજીક આવતાં, વરરાજા પાસે બેસી જતાં પૂછ્યું :

'શું થયું?'

વરરાજાને ઊલટી એટલા જોરમાં ચડી હતી કે એને બોલવાની હોંશ ન હતી. પાસે ઊભેલા મંગળરાતે કહ્યું : 'તાપને લીધે લૂ લાગી હોવી જોઈએ.'

ઘડપણને લીધે ગાઉની લાંબી મજલ કાપતાં થાકી ગયેલો અને હજુ હાંફ ન શમ્યો હોય તેમ ધમણની માફક સહેજ દૂર બેસીને હાંફ્યા કરતો વરતણિયો, બીડીના દમ ખેંચી રહ્યો હતો એટલે ઉધરસને લીધે ખૂં ખૂં કરતો હતો. છતાં મંગળરાતની ગણતરી ખોટી છે એમ એને લાગ્યું, તેથી બોલ્યો : 'અહીં આવીને ઊલટી થઈ હોય તો લૂ માની શકાય, પણ ઘેરથી ગાઉ આવ્યા અને પહેલી ઊલટી થઈ એનું શું? એક ગાઉમાં તો કંઈ લૂ ન લાગી જાય ને?'

રાવજીથી બોલી જવાયું : 'રસ્તામાં પણ ઊલટી થઈ હતી.'

મંગળરાતે વરતણિયા તરફ આંખ તાણી તો ખરી, પણ એ ઘરડો વાંદરો બીડી પીવાની તલપમાં ઊંચું જુએ ત્યારે મંગળરાત તરફ એની નજર જાય ને? ધૂનમાંને ધૂનમાં એ બોલ્યો : 'રસ્તામાં ત્રણ વખત ઊલટી થઈ'તી.'

વરરાજાને ઊલટી શમી. પાણીથી કોગળા કરી નાખ્યા. ચા પીવાથી શાંતિ વળી જશે એમ બેચાર જણના સૂચનથી બે પ્યાલા ચા પીધી.

રાવજીએ પછી ઊઠતાં કહ્યું : 'ગામમાં ડૉક્ટર નથી, પણ મનસુખ વૈદ ડૉક્ટરને પાછા પાડે એવા છે. કહો તો બોલાવી લાવું. નાડી જોઈને પકડી આપશે તો જે હશે તે બેસી જશે.'

જ્યાં સુધી વરના બાપા અને ગામના ડાહ્યા ગણાતા આગેવાનો આવી ન પહોંચે ત્યાં સુધી કોઈ આવું પગલું ન ભરાય તેમ સમજતો મંગળરાત બોલી ઊઠ્યો : 'ના રે ના, આમાં વૈદ્ય કે ડૉક્ટર કોઈની જરૂર નથી, લૂને લીધે જ, બીજું કંઈ કારણ નથી.'

વરરાજા પાન ચાવતા હતા તે થૂંકવા ઊભા થયા, રાવજી અને વાળંદ વિદાય થવા ઊભા થયા. પણ બંને જણ બારણા સુધી ન પહોંચ્યા અને વરરાજાને જોરથી ઊલટીનો ઊબકો આવ્યો. બહુ દાબવા પ્રયત્ન કર્યો પણ એણે ઊલટું જોર બમણું કર્યું. બંને જણા બારણા બહાર નીકળી ગયા હતા. પણ ઑક ઑક કરતો જે અવાજ બંનેને કાને પડ્યો તે ઉપરથી બંનેને લાગ્યું કે ગઈ વખત કરતાં આ વખત મોટી ઊલટી થશે.

પરંતુ જાણે એની ખબર જ ન પડી હોય તેમ કોઈ પાછું ન વળ્યું, ન રાવજીએ જેઠારાત સાથે એ બાબતની વાત કરી. વાળંદનો તો સ્વભાવ છે કે એના પેટમાં વાત ખળભળ્યા વગર ન રહે, છતાં જ જેઠારાતે પણ કંઈ ખળભળાટ કાઢ્યો. બંને ચૂપચાપ, ઝડપથી પગ ઉપાડતા માંડવે પહોંચી ગયા.

જાન જમી ગયા પછી જાનૈયાઓમાંના અમુક સારી સૂવાની જગા અને સવારમાં નાહવા-ધોવાની સગવડ માટે ઉતારો છોડી ગામમાં સગાં-સંબંધીઓને ત્યાં ચાલ્યા ગયા હતા. એવી જેમને સગવડ ન હતી તે પેલા બહાર ચાલ્યા ગયેલાઓના વધેલાં ગોદડાંનો ક્વૉટા દબાવીને બહાર ઓટલા ઉપર બાજુમાં નિશાળનું સરકારી મકાન હતું તેના વરંડામાં, મીઠો પવન ખાતા પડ્યા હતા, છતાં પેટમાં ભારે વજન પડ્યું હતું, એટલે તરત ઊંઘ આવે તેમ ન હતી. એટલે કોઈ ઊંઘ્યું ન હતું. વાતોના તડાકા ચાલતા હતા. થોડા જે ધર્મશાળામાં સૂતા હતા તેમની નજર વરના પિતા અને ચાર-પાંચ આગેવાનો ગુસપુસ વાતો કરતા હતા તે તરફ મંડાયેલી હતી. આથી અંદરવાળાઓને પહેલો વહેમ પડ્યો કે માનો ન માનો પણ કાંઈ દાળમાં કાળું છે.

પછી ગુસપુસ કરનારે બે-ત્રણ વખત ગામમાં અને ઉતારે આવ-જા કરી એટલે બહાર સૂતેલાને પણ વસી ગયું કે કંઈક છે ખરું. અને મંગળરાત પાસેથી જાનૈયાઓએ જાણ્યું કે, કન્યા પરણવાની ના કહે છે, એ સાથે ઊંઘના ઘેનમાં મીંચાયેલી આંખો પણ જાગ્રત થઈ ગઈ.

અને અત્યાર સુધી આગેવાનો જ ગુસપુસ વાતો કરતા હતા તેને બદલે જાનૈયાઓ પણ ગુસપુસ વાતો કરવા લાગ્યા.

'ખરી રીતે, મગનના શરીરમાં દમેય શો છે?'

'મૂળજીકાકાએ ખરી રીતે એને પરણાવવોય નહોતો જોઈતો.'

'પણ ભા ! કુટુંબનો, અને તેય મૂળજી મોટાનો દીકરો કુંવારો રહે એ લાંછન કહેવાય ને?'

'એવા મિથ્યાભિમાનમાં કોકની છોડીનો ભવ બગડે ને?'

મિથ્યાભિમાનને લીધે રામભાઈ ત્યાં કન્યા આપવા તૈયાર થયા છે. બાકી એ વિવાહ કરવા આવ્યા ત્યારે ચારપાંચ છોકરા બતાવ્યા હતા, પણ એકેય પાસ ન કર્યો, છેવટે મગનને ચાંલ્લો શું કામ કર્યો?

'ગમે તેમ પણ છોડીનું ભાગ્ય તે ગ્રહણ વખતે સાપ નીકળ્યો.'

'પણ એમાં બંનેની આબરૂના કાંકરા ને?'

'અરે, મૂળજીકાકા આબરૂના કાંકરા ન થવા દે. ગમે તે ઉપાયે દીકરો પરણાવ્યા વગર ન રહે. આકાશપાતાળ એક કરીનેય આ નહિ તો બીજી કન્યા, પણ છોકરો કુંવારે લઈને એ પાછા ન જાય!'

પણ મૂળજીભાઈ અને એગાવનોનું કંઈ ન વળ્યું. કન્યાપક્ષને સમજાવવામાં, ગામના આગેવાનો પાસે ભાંજગડ કરાવીને નિકાલ કરવામાં સવાર થઈ ગયું પણ નાની હા ન થઈ તે ન થઈ. આખા ગામમાં રાતે ને રાતે વાત પ્રસરી ગઈ હતી. પરંતુ સવાર થતાં તો ચોરે ને ચૌટે એની જ ચર્ચા ચાલતી હતી.

સવાર થતાં સમાધાન થવાની પણ આશા ભાંગી પડી. કન્યા પક્ષ તરફથી ખડખડતું નાળિયેર આપી દેવામાં આવ્યું કે જાને વિદાય થઈ જવું. છતાં જાન વિદાય નહિં થાય તો પણ જમવાની વ્યવસ્થા થનાર નથી. અને એની ખાતરી કરવા પાંચેક જણ કન્યાને માંડવે તપાસ કરવા ગયા તો સાચે જ કન્યાનો મામો અને એનો દીકરો રાવજી ચૂલ્યો પૂરી દેતા હતા, એક-બે જણ માંડવો છોડી નાખવાતી શરૂઆત કરતા હતા.

જાનૈયાઓને ખાતરી થઈ ગઈ કે મૂળજી મોટા ભાગે હજુ દીકરો પરણાવવાની આશા રાખી રહ્યા હોય. કન્યાપક્ષ ન પરણાવવાના ચોક્કસ નિર્ણય ઉપર છે એમાં શંકા નહિ, પરંતુ મૂળજી મોટાની સંમતિ વગર જાનૈયા જાય તે પણ વિવેક ન કહેવાય. બે જણ એમની પાસે ગયા, રજા માગી.

મૂળજી મોટા ડોળા કાઢે તો આખું ગામ ધ્રૂજી જાય એને બદલે એમની આંખમાં પાણી આવી ગયું. ખેસ વતી એમણે આંખ લૂછી નાખી. એ કંઈ બોલે તે પહેલાં રજા લેવા આવેલમાંથી એક જણ બોલી ઊઠ્યો : 'મૂળજી મોટા ! તમારી આબરૂ એ અમારી આબરૂ. કન્યાની શોધમાં જેની જ્યાં લાગવગ હોય ત્યાં દરેકને રવાના થવા હું કહી દઉં છું.'

પરંતુ એમ કન્યા ઓછી રસ્તામાં પડી હતી? અને પડી હોત તો મૂળજી મોટાએ ગઈ રાતે જ મગનને કાણી, કૂબડી નામે નાતની કન્યા સાથે પરણાવી જ દીધો હોત ! એ માટે એમણે ગામના આગેવાનોને વાત પણ કરી. એક આગેવાને ગરીબ કહેવાતા કન્યાપિતાને રાતે ખાટલામાંથી બેઠો કરી કાને વાત નાખી. કહ્યું : 'બેની લડાઈમાં તારું કામ થઈ જાય છે, તારી છોડીનું ભાગ્ય ઊઘડી જાય છે. મૂળજી મોટાનો દીકરો તારે ઘેર ક્યાંથી હોય?'

પણ પેલો જાતનો અક્કર્મી એટલે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી ત્યારે કપાળ ધોવા ગયો. ખાટલામાંથી ઊભા થવાની તસ્દી લીધા વગર એણે કહી દીધું : 'ભૂખે મરીશ એ બહેતર, પણ કોઈનું ઓકેલું મારે ચાટવું નથી !'

મગન ગમે તેવો હોય, મૂળજી મોટાને કન્યા આપનાર નાતમાંથી ન મળે એવું તો ન હતું. પરંતુ એ સ્થિતિમાં કોઈ ઊભો થવો મુશ્કેલ હતો. તેમાંય મૂળજી મોટાની ઉમેદ તો ખરી કે જે ગામે દીકરો ઊઘલી આવ્યો છે તે ગામે જ એનું લગ્ન થાય તો નાક રહે. પરંતુ એ વાત એમણે નમતી મૂકી હોય તેમ ગમે ત્યાંથી કન્યા શોધવાની જાનૈયાની દરખાસ્તનો એમણે વિરોધ ન કર્યો.

પરિણામ એનું આવ્યું. જાનૈયા કન્યા શોધના નિમિત્તે પોતપોતાના વેન જોડી વિદાય થયા. એમાંથી કેટલા કન્યા શોધવા ગયા હતા, અને કેટલા જાનૈયા ઘરભેગા થઈ ગયા હતા, તે જાણવું મુશ્કેલ હતું.

મૂળજી મોટા પણ કાંઈ જાનૈયાઓની આશામાં બેસી રહે તેમ ન હતા. એમનો પોતાનો કેસ હતો, એટલે મડદાને મૂકીને જેમ ઘરના માણસથી દૂર ન ખસાય તેમ વરને મૂકીને મૂળજી મોટાને બહાર પ્રયત્ન કરવા જવાય એમ ન હતું, પરંતુ સવાર થતાં સંદેશા લગભગ પડી ભાંગ્યાં ત્યારે એક આગેવાન પોતાના ગામનું પાણી રાખવા, મૂળજી મોટા સાથે કાયમ બેઠા-ઊઠ્યા એટલે આ અવસર સફળ રીતે પાર પાડી આપી બેઠ્યું પરમાણ કરી આપવો, આ મામલાનો રસ્તો કાઢવા બહારગામ ઊપડી ગયા હતા. એની એ વાટ જોતા હતા.

બપોર થતામાં આગેવાન રેવાભાઈ આવી પહોંચ્યા. 'સિંહ કે શિયાળ' એમ એમના મોં ઉપરથી ભાવ કળવો મુશ્કેલ હતો, પરંતુ નાતમાં ચાણક્ય ગણાતા આગેવાન કિશાભાઈને સાથે તેડી આણ્યા હતા એટલે એમને દૂરથી જોતાં મૂળજી મોટાનો જીવ હેઠો બેઠો. ગમે તેમ પણ નેળનાં ગાડાં નેળમાં નહિ રહે તેવી આશા બંધાઈ.

કિશાભાઈ એકલા કન્યાને ઘેર ગયા. સૌથી મોટો વિરોધ કન્યાના મામાનો અને એના દીકરા રાવજીનો હતો તે એ જાણતા હતા. કિશાભાઈને નાતમાં કોઈ ન ઓળખે તેમ ન હતું. વળી નાતના એ લુખ્ખા આગેવાન ન હતા, પટલાઈ કરવામાં ઘરનું ગોપીચંદન પણ કરતા. કોઈ ગળે આવ્યો એનો અવસર પણ કાઢતા.

એટલે એ ગયા કે તરત કન્યાપિતાએ આવકાર આપ્યો. મામા અને રાવજી પણ એમને માટે હુક્કો ભરવા, ચા મૂકવાનું કહેવા દોડાદોડ કરવા લાગ્યા. બાજુના માણસો ભેગાં થઈ જાય, પણ એમણે પોતે જ કહ્યું કે કન્યાપક્ષ સાથે ખાનગી વાતો કરવી છે. એટલે આવેલા સૌ ચાલ્યા ગયા.

કિશાભાઈએ કહ્યું : 'ચા-હુક્કાની કોઈ દોડાદોડી કરશો નહિ. મારું માન રહેવાનું હોય તો મારું એ પીધું પરમાણ, બાકી...'

કન્યાપિતા બોલ્યા : 'કિશાભાઈ ! તમે તો સમજુ છો. હું તો શું પણ મારી જગ્યાએ મૂળજી મોટા હોય તો એય પોતાની કન્યા પરણાવે?'

મામા અને રવજી પણ આવી પહોંચ્યા હતા.

રાવજી બોલી ઊઠ્યો : 'મેં જાતે જ ઊલટીઓ જોઈ છે. વાળંદ છાનું રાખવા ફરતો હતો પણ વરતણિયો બોલી ગયો એટલે વહેમ કેમ ન જાય?'

કિશાભાઈ : 'પણા એનો રસ્તો કાઢવો તો જોઈએ ને?'

બારણાની પાછળ ઊભી ઊભી કન્યાની મા સાંભળતી હતી તે બોલી ઊઠી : 'આ કંઈ અમારે ઘેર જ થાય છે તેવું ઓછું છે? ગઈ સાલ, અમારા ગામની જાન, છોકરાને ચોરીમાં વાયુ થઈ આવ્યું અને બેભાન થયો તે પરણ્યા વગર પાછી આવી હતી. તમારું કંઈ ઓછું અજાણ્યું છે?'

કિશાભાઈ : 'પણ એનો દાખલો તમે લ્યો એ ન શોભે. જેણે પાછું કાઢ્યું એનું ઘર ક્યાં? તમારું ઘર ક્યાં? એને આબરૂ ક્યાં હતી કે જાય? જ્યારે તમારી અને મૂળજી મોટાની આબરૂ...'

મામા વચ્ચે બોલી ઊઠ્યા : 'આબરૂ ખાતર છોડીને જાણીને ખાડામાં નાખવી?'

'તમે હજુ મારું સાંભળો તો ખરા !' કિશાભાઈ પેટનું પાણી હલવા દીધા વગર બોલ્યા : 'હું ક્યાં કહું છું કે તમે એ મુરતિયા જોડે કન્યા પરણાવો...?'

મામા અને મા, બંનેને સાથે પેટમાં ટાઢક વળતાં તે બોલી ઊઠ્યાં : 'ત્યારે?'

કિશાભાઈ : 'આપણે કંઈ વિવાહ છોકરો કે છોડી જોઈ કરતાં નથી, પહેલું તો ઘર જોઈએ છીએ. હવે તમારા બંનેના છોકરાં પરણે તેમાં તમારાં બંનેની આબરૂ છે. મૂળજી મોટાના એ છોકરા ઉપરથી તમારું મન ઊઠી ગયું તો એથી નાનો છે એની સાથે પરણાવો. પીઠી ચડેલી કન્યાનું તમારું મૂરતેય સચવાય, મૂળજી મોટાને ય પૂજ્યો એટલો દેવ ઓછો થયો !'

વાત તરત ગળે ઊતરી જાય તેવી હતી. પરંતુ જે મુશ્કેલી હતી તેનો ઉલ્લેખ કરતાં રવજી બોલ્યો : 'ભાઈલાલને કોઢ છે એ ખાટલે મોટી ખોટ છે ને?'

કિશાભાઈ : 'પાંચેય આંગળીઓ એકસરખી ન હોય. કોઢના ચાઠાં પરણ્યા પછી નીકળે તો આપણે શું કરી શકીએ? એના શરીરમાં બીજો રંગ હોય તો કહો.'

મા અને મામાનો વિરોધ કન્યાના હિત માટે હતો, મડદા સાથે મીંઢળ ન બાંધવું જોઈએ એ અર્થમાં, રૂપમાં નહિ. વળી મૂળજી મોટા જવાને ના પાડવી પડે તેનું દુઃખ તો હતું. બીજા છોકરાની વાત આવતાં મામા વિચારમાં પડ્યા. કોઢનાં બેચાર ચાઠાં આંગળાં ઉપર હતાં તે ખોડ એ જતી કરવા તૈયાર થયા હોય એમ બોલ્યા : 'એને કેટલાં વરસ થયાં હશે?'

કન્યા કરતાં એકાદ બે વરસ નાનો હતો. પરંતુ એ વાંધો પણ ભારે ન હતો. માએ એને સ્વીકારી લેતાં કહ્યું : 'એક વરસ આમ કે એક વરસ તેમ, એ તો મોટા થાય એટલે સૌ સરખું જ દેખાય.'

કિશાભાઈ જોઈ શક્યા કે પોતાની દરખાસ્તથી ચાર જણ જે એક મતનાં હતાં તેમાં ભાગલા પડી ગયા હતા. કન્યાના પિતા અને રવજી એક પક્ષે હતા : કોઢ દિવસે વધતો જવાનો અને પછી ભવિષ્યની પ્રજાને થવાનો ભય ખરો, એમ માનીને.

કિશાભાઈ તેનો વિરોધ કરતા હતા : 'ભાઈલાલને કોઢ થયો છે છતાં એની પેઢીમાં કોઈને નહોતો, એટલે ભવિષ્યની પ્રજાને થાય, કે એ વારસાનો રોગ છે એવું કંઈ નથી. કોઢવાળાની પ્રજાને કોઢ નથી થયેલો તેવા પણ દાખલા છે.'

છેવટ મા અને મામો કિશાભાઈના પક્ષમાં ભળી તે દરખાસ્ત સ્વીકારવા તૈયાર થયાં, એના કરતાં મૂળ વર જ સારો ગણાય તેમ રાવજી અને કન્યાપિતા કહેવા લાગ્યા. કારણ કે, રોગ તો દવા કરતાં મટે પણ ખરો. એ રીતે મૂળ વર સારો થવાનો સંભવ ખરો. કોઢ તો ઊલટો દિવસે દિવસે વધવાનો એમાં શક પણ નહિ, અને દવા પણ નહિ. એટલે જો કન્યા પરણાવવી હોય તો મૂળ વરને જ પરણાવવી તેવો મત બીજા પક્ષનો પડ્યો.

કિશાભાઈએ જોયું કે, બે બિલ્લીની તકરારમાં ન્યાય કરવા બેસનાર વાંદરાભાઈ હવે જરૂર ફાવવાના. બંને પક્ષો થાકે તેવી ખેંચતાણ થવા દીધા પછી એમણે નવી દરખાસ્ત મૂકી, 'એમ હોય તો આપણે કન્યાના ભાગ્ય પર છોડી દઈએ. ચિઠ્ઠીઓ નાંખીએ. જેનું નામ આવે તેની સાથે પરણાવીએ.'

બંને પક્ષમાંથી કોઈ કંઈ ન બોલ્યું એટલે દરખાસ્ત સ્વીકારાઈ હોય તેમ કિશાભાઈએ ચિઠ્ઠીઓ તૈયાર કરી કહ્યું : 'આપણે કોઈએ નિમિત્ત બનવાનું શું કારણ છે? કન્યા જાતે જ ચિઠ્ઠી ઉપાડે, એના કરમમાં હશે તે સાથે એ પરણશે !'

કન્યા, મૂંગા ઢોરની માફક, દોરી દોરાઈ આવી, ધડકતે હૈયે અને ધ્રૂજતા હાથે એણે ચિઠ્ઠી ઉપાડી.

કિશાભાઈએ કહ્યું : 'તારા મામાને જ આપ.'

મામાએ ચિઠ્ઠી ખોલીને વાંચી. મૂળ વર-મગનનું નામ નીકળ્યું અને તે રાત્રે વાજતેગાજતે વરઘોડિયાં મંગળફેરા ફર્યા !

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.