જિદ્દ

16 Jul, 2017
12:01 AM

PC: khabarchhe.com

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)

બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશને અમે ટેક્સી કરી મારતે ઘોડે આવી પહોંચ્યા ત્યારે ગુજરાત મેલ ઊપડવાની દસ મિનિટ બાકી હતી. પ્લેટફોર્મમાં દાખલ થઈ. ઝાંપાના મોખરે બેઠેલા ટ્રેન ક્લાર્કને ઈશ્વરે પૂછ્યું : 'સેકન્ડમાં જગા છે?'

માસ્તરે ઊંચે જોયા વિના જ ઝટ જવાબ દઈ દીધો : 'ના.'

એટલી જ ઝડપે ઈશ્વરે કહ્યું : 'ફર્સ્ટમાં?'

ફર્સ્ટ શબ્દ સમી માસ્તરે નજર ઊંચે કરી. એને થયું કે, ગમે તેમ પણ ઊંચે નજર નાખવા જેવાં પ્રાણીઓ તો હશે જ. ઊંચું જોતાં એણે કહ્યું : 'હા.' અને વખત બગાડ્યા વિના બુકિંગ ક્લાર્ક ઉપર ફર્સ્ટની બે ટિકિટ ઈશ્યુ કરવા એક ચબરખી લખી દીધી.

હું પોતે થર્ડનું જ પ્રાણી. પરંતુ ઈશ્વર સાથે હતો એટલે મુંબઈ આવતી વખતે એના આગ્રહને લીધે મારે સેકન્ડમાં બેસવું પડ્યું હતું. અને બાળમિત્રના સ્નેહમાં એણે મુંબઈમાં મારા માટે પાણીની પેઠે પૈસો વાપર્યો હતો તેથી એને આનંદ થતો હતો. પરંતુ મને બેચેની રહ્યા કરતી હતી. તેમાંય એણે સેકન્ડની ટિકિટ ન મળી ત્યાં ફર્સ્ટની વાત કરી તે મારે માટે હદનો સવાલ હતો.

બુકિંગ ઑફિસ પાસે જતાં મેં ઈશ્વરનો હાથ પકડી રાખતાં કહ્યું : 'એમ કરીએ, એક ફર્સ્ટની ટિકિટ લ્યો અને એક થર્ડની.'

જોકે આ જ વાત મુંબઈ આવતી વખતે મેં કરી હતી, પરંતુ એણે ગણકારી ન હતી એટલે મેં આ વખતે એ કંઈ દલીલ કરે તે પહેલાં ઉમેર્યું ; 'ટિકિટ લેશે તો પણ મને એ ડબ્બામાં ઊંઘ નહિ આવે.'

ઈશ્વરે હસીને કહ્યું : 'કેમ, કીડીઓ અંદર ચટકા ભરે છે?'

હું : 'કીડીઓ ચટકા ભરત તો ઊંઘી શકત, પણ અકારણ પૈસા બગડે છે, તે એવા ચટકા ભરશે કે ઈચ્છીશ તોય ઊંઘી શકીશ નહિ.'

ઈશ્વરે ટિકિટ માટે સોની નોટ ક્લાર્કને આપતાં મને કહ્યું : 'થર્ડની ટિકિટ લઈને આવતાં સુધીમાં તો ગાડી પણ ઊપડી જાય.' અને ટિકિટ મળી જતાં અમે ઝડપથી ગાડી ભણી ચાલવા-દોડવા માંડ્યું. ડબ્બાનો નંબર ટ્રેન ક્લાર્કે આપ્યો હતો એટલે મજૂર અમે જઈ પહોંચીએ તે પહેલાં સરસામાન મૂકીને અમારી રાહ જોતો હતો.

મેં ચાલતાં ચાલતાં કહ્યું : 'કેટલાક રૂપિયા ફર્સ્ટના છે?'

ઈશ્વર હસ્યો. બોલ્યો : 'એ જાણીને તને પાછી ઊંઘ નહિ આવે.'

મેં કહ્યું : 'તે મને આ વખતે મુંબઈ લાવીને એવી શિક્ષા કરી છે કે ભવિષ્યમાં તારી સાથે કોઈ પણ જગાએ આવવાનું દિલ ન થાય.'

ઈશ્વર : 'ભવિષ્યની વાત જોઈ જશે. આજે તો ઊંઘવા માટે સાડી સાડત્રીસ રૂપિયા ખર્ચ્યા છે એટલે એને વસૂલ કરવા નિરાંતે ઊંઘજે.'

મેં ડબ્બા પાસે આવી પહોંચતાં કચવાતે મને કહ્યું : 'કારણ વગર 74 રૂપિયાનું પાણી કરી નાખ્યું ને?'

મજૂરે કહ્યું : 'જલદી ચડી જાઓ, ગાડી ઊપડશે.'

અમે બંનેએ ડબ્બામાં પગ મૂક્યો કે ગાડી ચાલી. ઈશ્વરે ખિસ્સામાં હાથ નાખતાં બેની નોટ હાથ આવી તે મજૂરને આપી. મજૂરે નોટને હાથમાં લેતાં કહ્યું, મારી પાસે છૂટા નથી ત્યાં એની કંઈ જરૂર નથી એમ ઈશ્વરે ડોકું હલાવ્યું.

હું બોલી ઊઠ્યો : 'અરે, મારી પાસે છૂટા હતા, આઠ આનાની જગાએ બે રૂપિયા આપી દેવાતા હશે?'

ઈશ્વર : 'રેલવેને આટલા આપી દીધા, તે કરતાં ગરીબ માણસને બે આપ્યા તે શું વધારે છે? કેટલો હરખાતો એ ગયો?'

મેં જોયું તો મજૂર એ ઉમંગમાં લાંબી ફલાંગો ભરતો પ્લેટફોર્મ વટાવી રહ્યો હતો. મેં ડબ્બાની અંદર નજર કરતાં કહ્યું : 'એક વખત જોઈ લ્યો, આપણો બધો સામાન આવી ગયો છે કે....'

મારું વાક્ય ત્યાં જ અટકી ગયું. ડબ્બામાં બેઠેલી એક સ્ત્રીએ તીણી ચીસ નાખી. એ ઊભી થવા જતી હતી ત્યાં પુરુષે એને પકડી લીધી, ખભા ઉપર હાથ મૂકી પરાણે બેસાડી દીધી. અમે બંને તરત પામી ગયા. સ્ત્રી ગાંડી હતી!

ઈશ્વરનું મોં એ સાથે જ ક્વિનાઈન પીધા જેવું થઈ ગયું. પેલા પુરુષનું ધ્યાન એ બાઈ તરફ હતું એટલે એ ન સાંભળે તેમ ધીમેથી મને કહ્યું : 'છોટુ! ફર્સ્ટ ક્લાસના પૈસા પાણીમાં ગયા. ઊંઘવા માટે પૈસા ખર્ચ્યા અને સપડાયા ગાંડી બાઈના પંજામાં.'

મેં જોયું તો ઈશ્વરના મોં ઉપર પૈસા ગયાનો શોક ન હતો. પરંતુ ગાંડી બાઈના પંજામાં સપડાવાનો ભય હતો. બાઈ અત્યારે ચૂપ બેઠી હતી. એ બીક લાગે તેવી દેખાવે ન હતી. આધેડ ઉંમરની સ્ત્રી હતી. દેખાવે રૂપાળી ન કહેવાય તેમ કુરૂપ પણ ન કહેવાય. ચૂપ બેસતી ત્યારે એના મોં ઉપર સૌમ્યતા જોઈ એમ લાગે કે બાઈ સ્વભાવે શાંત હશે. જે જાતની એ ચીસ પાડતી એ એના સ્વભાવ બહારની વાત દેખાતી હતી.

પુરુષ પણ સાલસ હતો. અમને તકલીફ પડશે એ ચિંતા એના મોં ઉપર સ્પષ્ટ જોઈ શકાતી હતી. વળી એ પણ મારા જેવા થર્ડક્લાસના પ્રાણી હતા તેમ જણાઈ આવતું હતું. ફર્સ્ટ ક્લાસના મુસાફર પાસે સાહ્યબીનાં જે સાધનો મુસાફરીમાં હોય તેમાંનું એક પણ લક્ષણ દેખાતું ન હતું. બિસ્તરો પણ શેતરંજી ઉપર સૂતરની દોરડીથી બાંધેલો પડ્યો હતો. મને થયું, બાઈ ગાંડી થઈ ગઈ છે એટલે આપદ્દધર્મ તરીકે એ પણ ફર્સ્ટમાં બેઠો છે.

ઈશ્વરના મોં ઉપર વ્યાપેલી કડવાશ હજુ દૂર થઈ ન હતી. એ ફરી બબડ્યો : 'છેલ્લી ઘડીએ આવીએ ત્યારે ઉતાવળી રાંડ છાજિયામાં પડે એના જેવો ઘાટ થાય.'

મેં ધીમેથી કહ્યું : 'એમાં દોષ મારો છે.'

'શો?'

'મારા કરમમાં ફર્સ્ટ ક્લાસ લખ્યો ન હોય અને તું વૈભવનો પરાણે લહાવો લેવરાવવા જાય એટલે આ વગર બીજું શું પરિણામ આવે?'

પેલા પુરુષે અમારી ગુસપુસ વાત સાંભળી તો ન હતી, પરંતુ અનુમાન કરી લેતાં કહ્યું : 'તમને લોકોને તકલીફ પડશે એમાં હું લાચાર છું....'

વચ્ચે હું બોલી ઊઠ્યો : 'આપને લાચારી બતાવવાની કોઈ જરૂર નથી. ઊલટા તમને અમે મદદરૂપ થઈ શકીશું તો આનંદ થશે.'

મેં આ કહ્યું તે સાથે ઈશ્વરનું મોં વધુ કટાણું થઈ ગયું.

પેલા પુરુષે કહ્યું : 'આ સ્થિતિમાં કોઈ સાથે હોય એ તો મને સહાયરૂપ લાગે જ, પરંતુ બીજાને તકલીફમાં મૂકી હું સહારો ઈચ્છું એ તો ઠીક ન કહેવાય, મને ઊલટું એમાં દુઃખ થાય.'

ઈશ્વરના મોં તરફ જોતાં હું મદદરૂપ થવાની વધુ ઉત્સુકતા ન બતાવી શક્યો.

એ ભાવ પામી ગયો હોય તેમ પુરુષે કહ્યું : 'દાદર સ્ટેશને મેલ ઊભો રહે ત્યારે બીજા ડબામાં જગા હોય તો તપાસ કરજો. મેં મજૂરને સામાન મૂકતી વખતે પણ બીજે જગા જોવા કહ્યું હતું, પરંતુ એણે કહ્યું, સાહેબે આ નંબર કહ્યો છે. તમે લોકો ગાડી ઊપડતી વખતે આવ્યા એટલે હું તમને મુશ્કેલી પડશે તેમ જણાવી શક્યો નહિ.'

એ પુરુષ એટલા વિનયથી અને લાગણીભર્યું બોલ્યો કે મને પોતાને મારી જાત પર શરમ આવી. એણે ડબ્બો બદલવાની સૂચના કરી તે મનથી ગમી હતી તે બદલ તિરસ્કાર પણ આવ્યો. મુસાફર તરીકે ફરજ પડી કે એને મદદરૂપ બનવું, ત્યારે મન સ્વાર્થી બની ભાગી છૂટવા ઈચ્છતું!

ઈશ્વરના મોં સામે જોયા વગર મેં કહ્યું : 'ડબ્બો બદલવાની કંઈ જરૂર નથી. ખરી રીતે મુસાફરના એક ધર્મ તરીકે, તમને મદદરૂપ થઈ શકાતું હોય તો...'

ઈશ્વરે મારો પગ દબાવ્યો. જાણે એ પગનો સ્પર્શ કહેતો ન હોય કે પંતુજીવેડા કર્યા વગર છાનોમાનો બેસી રહેને?

મેં ધીમેથી એને કહ્યું : 'દાદર સ્ટેશને જગા હોય તો તું ડબ્બો બદલી લેજે. એકાદ જગા ફર્સ્ટમાં મળી રહેશે.'

ઈશ્વર : 'તું અહીં રહે અને હું બીજે જાઉં?'

હું : 'એમાં કોઈ વાંધો નથી. મને રાતનો ઉજાગરો થશે તો વેઠી શકીશ... તારાથી નહિ વેઠાય.'

'છોટુ...'

મેં કહ્યું : 'હું સમજુ છું, મને મૂકીને તું બીજે બેસી શકતો હોય તો હું થર્ડમાં બેસત પરંતુ જ્યાં સુધી હું ખેંચાઈ શક્યો ત્યાં સુધી હું ખેંચાઈને અહીં સુધી આવ્યો. પરંતુ મારો મુસાફરધર્મ મને ડબ્બો છોડવાની મના કરે છે, એટલે હું લાચાર છું.'

દાદર સ્ટેશને ગાડી ઊભી રહી પણ ઈશ્વરે જગા શોધવાની તૈયારી ન બતાવી, મેં પણ મૌન જાળવ્યું પણ પેલા પુરુષને જંપ ન વળ્યો. એ બોલ્યો : 'તપાસ કરો ને? જગા મળી રહેશે.'

હું લાચાર બનીને બોલ્યો : 'એવી કંઈ જરૂર નથી.' અને ગાંડી બાઈ ગાજી ઊઠી : 'જુઠ્ઠો! લબાડ!'

મોં ઉપર હાથ મૂકતાં કહ્યું : 'હં ! હં !'

અને અમને ઉદ્દેશીને બોલ્યો : 'માઠું ન લગાડતા. એ તમને નથી કહેતી, અમારી દીકરીનું અપહરણ થયું તેથી એ આઘાત પામીને ગાંડી થઈ ગઈ છે. કાળું કામ કરનાર ગુંડાઓને ઉદ્દેશીને ગાળો બોલે છે.'

બાઈ જોરથી બોલી ઊઠી : 'મારી દીકરીને ઉપાડી જનાર નરાધમોને લબાડ, ગુંડા, ખૂની કહું તેમાં ગાળો શાની?'

અને બાઈ આંખોમાં વિકરાળપણું લાવીને અમારી પાસે તાકી રહી. જાણે પૂછતી ન હોય કે મારું કહેવું ખોટું છે?

પૂર્વ પાકિસ્તાનમાં શરૂ થયેલા તોફાનથી હિંદુઓની હિજરત મોટા પાયે શરૂ થઈ ગઈ હતી. હિંદુસ્તાનના હિંદુઓનાં દિલ મુસલમાનો પ્રત્યે ખાટાં થઈ ગયાં હતાં. હિંદી બંગાળના હિંદુઓ એટલા ઉશ્કેરાઈ ગયા હતા કે કલકત્તામાં મુસલમાનો ઉપર વેર લેવાનું શરૂ કરી દીધું હતું. કલકત્તામાંથી મુસલમાનોની હિજરત પણ શરૂ થઈ ગઈ હતી.

આવા તંગ વાતાવરણમાં દીકરીના અપહરણથી મા ગાંડી થઈ ગઈ હતી. એ સ્થિતિ પ્રત્યક્ષ જોતાં ઈશ્વર ઉશ્કેરાઈ ગયો, અને જાણે એમાં હું દોષિત હોઉં તેમ બોલ્યો : 'આ બધા દુઃખનું કારણ તમારા પંતુજીવેડા છે.'

કંઈ પણ કોંગ્રેસ સરકારની નીતિ વિષે વાત આવે એટલે હું ગાંધીવાદી હતો એટલે મિત્રો મારી ઉતર તૂટી પડતા. હું દલીલો કરતો. સિદ્ધાંત તરીકે તેમનાથી ઈન્કાર થઈ શકે તેમ નહોતો, તેથી છેવટ સિદ્ધાંત અને વ્યવહાર જુદી વસ્તુ છે, મિયાંભાઈ સાથે તો શઠમ્ પ્રતિ શાઠ્યમની નીતિ રાખવી જોઈએ. એ દલીલ કરતા અને ત્યાં જ અમારી વિચારસરણી જુદી પડતી એટલે હું વિતંડાવાદમાં પડ્યા વગર મૌન રાખી એમના પંતુજીવેડાની ગાળ સહી લેતો.

ઈશ્વર સાથે હું અત્યારે એ વિવાદમાં ઊતરવા માગતો ન હતો. મારું હૈયું ગાંડી બાઈની દીકરીના અપહરણના શ્રવણ માત્રથી લાગણીભીનું થઈ ગયું હતું. એ પ્રવાહમાં તણાતાં મેં પેલા પુરુષને કહ્યું : 'તમે ક્યાં રહેતા હતા?'

'ઢાકામાં.'

'ભાગલા પડ્યા તે વખતે તમે આવતા ન રહ્યા?'

પુરુષ : 'ભાગલા પડતાં પંજાબ અને સિંધમાં તોફાન થવા છતાં અમારી બાજુ શાંતિ હતી. અવિશ્વાસ અને છૂટાંછવાયાં છમકલાંથી વાતાવરણ ડહોળાયેલું હતું, પરંતુ છેલ્લા વીસ વરસથી અમે ત્યાં રહેતાં અને મુસલમાનો સાથે એવો નિકટનો સંબંધ થયેલો કે અમને એવું લાગતું કે ઢાકામાં અમે સહીસલામત છીએ.' એટલું બોલી સ્ત્રી તરફ નજર કરી કહ્યું : 'મારા કરતાં આને વધુ વિશ્વાસ હતો. બાકી એની ઈચ્છા રહેવાની ન હોત તો મેં એ સ્થાન ક્યારનું છોડ્યું હોત.'

સ્ત્રી સ્વસ્થ રીતે સાંભળતી હોય તેમ બોલી ઊઠી : 'વિશ્વાસઘાત કરી નરાધમોએ આપણું સર્વસ્વ લૂંટી લીધું. સામી છાતીએ કોઈ આવ્યું હોત તો હું અને મારી દીકરી ખબર પાડી દેત.'

મને બીક હતી કે આ વાત સાંભળતાં બાઈ ઉશ્કેરાઈ જશે અને ઓર વધુ મુશ્કેલી ઊભી થશે, મેં એ ભાવ વ્યક્ત કરતાં પેલા પુરુષને વાત પડતી મૂકવા હાથ વતી ઈશારત કરી.

બાઈ સમજી ગઈ. બોલી ઊઠી : 'હું કાંઈ ગાંડી નથી હો! જો કોઈ એ નરાધમોનાં મસ્તક કાપી લાવીને મારી સમક્ષ રજૂ કરે તો દ્રૌપદીની જેમ હમણાં મારો ક્રોધ શમી જાય.'

મને થયું, આ બાઈ ગાંડી નહિ હોય ત્યારે તો ભારે હિંમતવાળી હશે.

પુરુષે કહ્યું : 'આ વાત સાંભળતી વખતે એ ખાસ ઉશ્કેરાતી નથી, છેલ્લે જ વેર લેવાની વાત ન કરીએ તો પછી આપણું આવી બન્યું. ગાળોનો વરસાદ વરસાવે!'

જાણે આ સાંભળ્યું જ ન હોય તેમ બાઈ અંધારી રાતમાં બારી બહાર કોઈ વેર લેનાર ભૂતાવળને શોધતી હોય તેમ આંખો ફાડીને તાકી રહી હતી.

ઈશ્વર ખિજાઈને બોલ્યો : 'આપણે હિંદુઓ લૂંટાઈએ, કુટાઈએ અને કમોતે મરીએ એ જ દાવના છીએ. મુસ્લિમો ગુંડા છે એમ પશ્ચિમ પાકિસ્તાનના તોફાનતી અને લાખો કરોડો નિર્વાસિતો આ દેશમાં બેહાલ થઈને આવ્યા એથી સાબિત થયું હતું. છતાં પૂર્વમાં રહેલા તમારા લોકોની આંખો ન ખૂલી. ગુંડાબાજીમાં પણ એ લોકોનો વ્યવસ્થિત મોરચો છે. એક મોરચો તોફાન ચલાવે અને બીજો શાંતિ રાખે. થોડા વખત પછી એ શાંતિવાળો મોરચો સળગાવે. એવું નાનું બાળક સમજે તેવી ખુલ્લી વાત પણ તમે લોકો ન સમજો. બૈરાની બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખી ઢાકા જેવા ભરમુસ્લિમ શહેરમાં પડી રહો. પછી દીકરીને ગુંડાઓ ઉપાડી જાય અને બૈરી ગાંડી થઈ જાય એમાં મૂર્ખાઈ કોની?'

કોઈ દુઃખના ઘા પર મીઠું ભભરાવે એવું ઈશ્વરે કર્યું. એ જોઈ મેં એને વધુ મૂર્ખાઈ ન કરવા પગ દાબી રોક્યો. એને પણ એની ભૂલ સમજાઈ હોય તેમ તરત દિલગીરી વ્યક્ત કરતાં બોલ્યો : 'માફ કરજો, મારાથી કડવું વેણ બોલી જવાયું. મને તમારા દુઃખથી સાચે જ લાગે છે. પણ હિન્દુઓની બેવકૂફી ઉપર એટલી દાઝ ચડે છે કે, કોઈને દુઃખ લાગે તેવું બોલી જવાય છે.'

બાઈ હજુ બારી બહાર તાકી રહી હતી. પુરુષ કહ્યું : 'તમારી ઉપર માઠું લગાડું તો હું મૂરખ કહેવાઉં. મારા પ્રત્યે લાગણી બતાવી તમે ડબ્બો ન બદલ્યો, પછી તમે મને દુઃખ લગાડવા કંઈ બોલ્યો તેમ હું શી રીતે માનું? હિંદુઓનો કે મુસ્લિમોનો ન્યાય તોળવા હું કાજી નહિ બનું. પરંતુ અમે મૂર્ખ બનવા ઢાકામાં નહોતાં રહ્યાં એટલી જ વાત કરીશ.'

નમ્રતા અને વિનયથી એણે જેમ મારું પ્રથમ ધ્યાન ખેંચ્યું હતું, તેમ આ દુઃખમાંય એણે એક તત્વજ્ઞાની જેવા જે શબ્દો ઉચ્ચાર્યા તેથી મને એના પગમાં માથું મૂકવાની વૃત્તિ થઈ આવી. પરંતુ એ લાગણીનો બાહ્ય દેખાવ ન કરતાં મેં હૃદયથી એ પુરુષને પ્રણામ કર્યા.

પેલા પુરુષે વાત શરૂ કરી : 'મુસ્લિમો ગુંડા છે એનો ઢાકાનો તોફાન વખતે નજરે તોફાનો જોઈ અનુભવ થઈ ચૂક્યો છે, અને એ સાથે મુસ્લિમો સજ્જન પણ છે તેનો અનુભવ એમના ઘરમાં હિન્દુઓને રક્ષણ આપી જીવના જોખમે બચાવ કર્યો તે દ્વારા પણ થયો છે. રાત્રે ભરઊંઘમાં માણસો પડ્યાં હોય અને ઘરને અગ્નિ ચોમેર ઘેરો ઘાલે અને જાગ્યા પછી બહાર નીકળવું મુશ્કેલ બને, તેવી દશા ઢાકામાં તોફાન વખતે અમારી થઈ.'

બાઈએ અંદર નજર કરી, મને થયું એ ચીસ પાડી ઊઠશે. પરંતુ ડાહી હોય અને એને વાતમાં ટાપસી પુરાવે તેમ પુરુષે એને ઉદ્દેશીને કહ્યું : 'આપણે ઘેરાઈ ગયાં તે સ્થિતિ કેવી ભયંકર હતી?'

સ્ત્રીએ કહ્યું : 'માણસ વલખાં મારીને જીવવાની આશા ન રાખે તો ભયંકર સ્થિતિ એને શું કરે? મોતને ભેટીને ગુંડાબાજીથી બચી જવું એ સહેલી વાત છે. હિન્દુ સ્ત્રીઓ ગુંડાના અત્યાચારનો ભોગ બની તેનું કારણ મરવાની તૈયારી નહિ. બાકી ગુંડો પકડવા આવે તે વખતે એના કાળજાની આરપાર નીકળી જાય તેવાં બાણ મારીએ એ અત્યાચાર કરવાની ભૂલ એક ઝટકે માથું ન કાપી નાખે. હિંદુ સ્ત્રીઓને મરીને બચી જતાં ન આવડ્યું એટલે મુસ્લિમ ગુંડાઓ ફાવ્યા....'

એક બાઈ અને તેય પોચી ગણાતી ગુજરાતી બાઈને મોઢે વીરતાની વાત સાંભળી હું એને ચરણે માથું મૂકવાની મારી વૃત્તિ ન રોકી શક્યો. હું એને પગે લાગવા ગયો ત્યાં એણે મને લાત મારી. પેલા પુરુષે એનો પગ પકડી લીધો. બાઈ ગાજી : 'મને પગે લાગવું હોય તો મારી દીકરીનું અપહરણ કરનારનું માથું કાપીને મારા પગમાં મૂક!'

આ બાઈને ગાંડી કહેવી કે વીર કહેવી?

હું મારી જગાએ બેઠો એટલે ઈશ્વર બબડ્યો : 'પંતુજી તે પંતુજી જ રહ્યો!'

ચાલુ ઘરેડની બહાર હું કાંઈક બોલું એ પગલું ભરું એટલે મારે કરમે એ શબ્દ સાંભળવાનો લખાયો હતો એટલે મને એ સદી ગયો હતો.

વાતાવરણ શાંત પડવા દેવા કોઈ કંઈ ન બોલ્યું. બાઈએ બેઠક ઊપર સૂઈ જવા લંબાવ્યું. મેં ઈશારતથી કહ્યું : 'બિસ્તરો પાથરવો છે?'

પુરુષે એ જ પ્રમાણે ઈશારતથી જવાબ આપ્યો : 'હમણાં કંઈ જરૂર નથી. સૂએ તો સૂવા દ્યો.'

ઊંઘવાની હોય તેમ એણે આંખો પણ મીંચી.

ઈશ્વર પણ બોલ્યો : 'ઊંઘી જાય તો આપણા પૂર્વજન્મનાં પુણ્ય!'

બાઈને સહેજ જંપી જવા દીધા પછી તે પુરુષે કહ્યું : 'એણે કહ્યું તે ગાંડપણમાં કહ્યું નથી. અમે ઘેરાઈ ગયાં. હિંદુ સ્ત્રીઓનું અપહરણ થયું તે પણ જાણ્યું. ઓળખીતાં કુટુંબોમાંથી સ્ત્રીઓ ઉપર અત્યાચાર થયા. જુવાન અને સુંદર સ્ત્રીઓની આ દશા થઈ એમ નહિ, સ્ત્રીઓને ભ્રષ્ટ કરવી, અપહરણ કરવું, એ એક યોજના હોય તેમ માલમિલકત કરતાં સ્ત્રીને પહેલી લૂંટવામાં આવતી. એ સ્થિતિમાં અઢાર વર્ષની સુંદર દીકરી હતી તેની શા દશા થાય એ અમે પતિ-પત્ની મનોમન સમજી ગયાં.'

પુરુષનો કંઠ બોલતાં બોલતાં ભરાઈ ગયો. બારી બહાર થૂંકી એ બોલ્યો : 'એ વખતે હું હતાશ થઈ ગયો હતો પણ સૂતેલી સ્ત્રી તરફ નજર કરી જણાવ્યું, એણે મને હિંમત આપી કહ્યું, હિંમત હારવાનો આ સમય નથી. હારીને જીવવું એના કરતાં મરીને બચવું એ રસ્તો ઉત્તમ છે. અને એ પાઠ એણે દીકરીને પણ પઢાવ્યો. ગુંડાને હાથે બંનેમાંથી કોઈને પડવું પડે તો એ ગુંડાઓને ગાળોથી એવા ઉશ્કેરી મૂકવા કે માથું જુદું કરી શક્યા વિના એ રહી ન શકે.'

મારાથી પૂછ્યા વગર રહી ન શકાયું : 'તમો જ્ઞાતિએ કેવા છો?'

'વાણિયા.'

હું : 'વાણિયાની સ્ત્રીમાં આ વીરતા અજબ કહેવાય?'

પુરુષ : 'સૌરાષ્ટ્રનું પાણી જ એવું છે કે બ્રાહ્મણ હોય કે વાણિયો, એ કેડે તરવાર બાંધવામાં પાછો ન પડે.'

મેં અકારણ વાર્તાના પ્રવાહમાં ડખલ કરી હોય તેમ ઈશ્વરે કહ્યું : 'હં, પછી?'

પેલો પુરુષ : જૌહર કરવાના આમ દિવસો ગણાતા હતા, અને હિન્દુઓ તરફથી અણધારી મદદ આવી પહોંચી. મિલિટરીના જેવી મોટર લૉરી અમારા આંગણે આવીને ઊભી રહી. સ્ત્રીઓને બચાવવા જીવનું જોખમ ખેડીને એ ટુકડી વીરતા બતાવી રહી હતી એ જાણતાં હિંદુ તરીકે ગૌરવ પણ અનુભવ્યું. મા-દીકરીને એ લૉરી લઈ ગઈ. મારે કલકત્તામાં એ લોકોને મળવું તેવી ગોઠવણ હતી. માલમિલકત મૂકીને હિંદુ પુરુષો હિજરત કરી જતા હોય તો ખાસ ખતરા નાખવામાં આવતા ન હતા. બીજે અઠવાડિયે હું કલકત્તા આવ્યો ત્યારે આ ગાંડી થઈ ગઈ હતી. દીકરીનું અપહરણ થઈ ગયું હતું, તેનો આઘાત એનાથી સહ્યો ન ગયો.

હું બોલી ઊઠ્યો : 'એટલે ઢાકાથી કલકત્તા આવતાં મુસ્લિમ ગુંડાઓએ હુમલો કર્યો?'

પુરુષની આંખમાંથી ખળખળ આંસુ વહી રહ્યાં.

બાઈ આંખો મીંચી ક્યારની સાંભળી રહી હોય તેમ બેઠી થઈ ગઈ. બોલી : 'બાયલાની પેઠે રડો છો શું? રડવાથી જગતમાંથી ગુંડાઓ નાશ પામવાના નથી. એ ગુંડાઓની કતલ કરો!' અને હાથ ઊંચો કરી એ જોરથી ધ્યેયમંત્ર ઉચ્ચારતી હોય તેમ બે વખત બોલી : 'કતલ કરો, કતલ કરો!'

ઈશ્વરે સૂર પુરાવ્યો : 'મુસ્લિમોની કતલ કર્યા વગર હિંદમાં શાંતિ સ્થાપવાની નથી.'

બાઈ બોલી : 'મુસ્લિમોની કતલ કરતાં પહેલાં હિંદુ ગુંડાઓની કરો. મુસ્લિમ ગુંડાઓનો સામનો કરવા મેં એને શીખવ્યું હતું, પરંતુ હિંદુ ગુંડાઓ એને ઉપાડી...'

હું ધ્રૂજી જતાં બોલી ઊઠ્યો : 'તમારી દીકરીનું હિંદુઓએ અપહરણ કર્યું છે?'

પુરુષ બોલ્યો : 'કલકત્તા મુકામમાંથી રાતે મારી અને બીજી બે દીકરીઓને ઉઠાવવામાં આવી. લોહીનો વેપાર કરતી ગુંડાટોળકીને તો માત્ર નામે સ્ત્રી જોઈએ, પછી એ હિંદુની હોય કે મુસલમાનની હોય!'

સ્ત્રીએ ગર્જના કરી : 'મારી દીકરીનું અપહરણ કરનારની ખોપરીમાં સ્નાન ન કરું ત્યાં સુધી હું ખાવાની નથી, પીવાની નથી!'

પુરુષે દુઃખપૂર્ણ સ્વરે કહ્યું : 'બસ! આની આ જ રઢ લીધી છે!'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.