રુદિયાનું દરદ

25 Apr, 2017
12:00 AM

PC: staticflickr.com

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)

 

રોજની અટકળ ઉપરથી સોમાને થયું કે ડાકોરની ગાડી આવી ગઈ હોવી જોઈએ. પરંતુ ગાડી આવી હોય તો દીકરી કેમ ન આવે? આવતી કાલે દવાખાનામાંથી એને રજા મળવાની હતી, બાપ-દીકરી લાંબો પરદેશ ખેડી ઘેર જવાનાં હોય તેટલો બંનેને ઉમંગ હતો. સવારમાં ગાડીએ જતી વખતે મણિએ બાપને કહ્યું હતું કે, જો આજે મારા પૈસા મળશે તો અમુક ચીજો પોતે ખરીદશે. સોમાએ એવી ચીજોમાં પૈસા બગાડવા નથી એમ કહી દીકરીને ધમકાવી કાઢી હતી. પરંતુ દીકરીના ગયા પછી એને પસ્તાવો થયો હતો કે મા વગરની છોડી બાપ આગળ લાડ ન કરે તો કોની આગળ કરે? એણે મોટી વિસાતેય શું માગી હતી? ચાંલ્લો કરવાની કંકુની શીશી, માથું ઓળવાની કાંસકી અને શહેરની છોડીઓને જોઈને ચોટલે બાંધવાના ફૂમતાં.

સોમાએ મનથી નક્કી કર્યું હતું કે દીકરીને આજે મારા પૈસા ન મળે તો પણ એને જોઈતી એ ચીજો જ નહિ પણ વધારામાં તૈયાર સીવેલાં નવાં ઘાઘરીપોલકું પણ લઈ આપવાં. જોકે જરૂર વગરના પૈસા ખરચવામાં ડહાપણ ન હતું. પરંતુ દીકરીમાં ભીખ માંગવાની આવડત ન હોત, હિંતમ ન હોત - દસેક વર્ષની છોડીમાં હોય પણ શી રીતે? - તો પોતે પંદર-વીસ દહાડા દવાખાનામાં ખાટલે પડ્યો તે વખતે ખવડાવત કોણ? ડાકોર લાઈનમાં જતાં ભીખ ઠીક ઠીક મળતી હતી એટલે સોમાને થયું કે, ડાકોરવાળો રણછોડરાય કિરપા કરીને આપે છે તે ઉડાઉપણું ગણાય તો પણ દીકરીને નવાં ઘાઘરી પોલકું તો લઈ જ આપવાં!

આ વઘાઈ ખાવા સોમો દરરોજ કરતાં વધુ ઉત્સુકતાથી દીકરીના આવવાની રાહ જોતો હતો. દવાખાનાના સામાન્ય વૉર્ડમાં અવરજવર ચાલુ હોય એટલે દરેક પગરવે દીકરીનાં પગલાંના ભણકારા સાંભળતો સોમો ખાટલામાંથી ઊંચે થઈને જોતો હતો. બાજુના ખાટલાવાળા દર્દીએ પૂછ્યું પણ ખરું કે, કેમ વારે વારે ઊંચા થાઓ છો ? દીકરીની અધીરાઈમાં પોતાથી એમ થઈ જાય છે તેમ કહે તો બીજા હસે, માની સોમાએ ભળતું કહ્યું : 'પેટમાં ગોટા વળે છે, જાણે હમણાં ઊલટી થઈ જશે એમ થયા કરે છે!'

મહિના દહાડાથી દવાખાનામાં રહેવાથી રીઢા થઈ ગયેલા એ દર્દીએ કહ્યું : 'તો કહોને નર્સને ? એક ડોઝ આપશે એટલે તરત મટી જશે.' અને તે વાતમાં સોમો સંમતિ આપે તે પહેલાં લૉબીમાં થઈને એક નર્સ જતી હતી તેને બૂમ પાડી : 'એ બહેન !' નર્સ વૉર્ડમાં દાખલ થઈ એટલે સોમા તરફ આંગળી કરી ઉમેર્યું : 'આમને પેટમાં કંઈક થાય છે.'

સોમાએ વાત માંડી વાળતા કહ્યું : 'એ તો એની મેળે મટી જશે. નહિ માટે તે રાત્રે સૂતાં પહેલાં કહીશ.' લપમાંથી બચી એનો છૂટકારો અનુભવતી હોય તેમ કંઈ પૂછપરછ કર્યા વગર વધારાનું ડહાપણ કરનાર દર્દી ઉપર રોષભર્યું જોઈને પગ ઉપાડ્યો. તે વખતે નર્સના કાંડા ઉપર ઘડિયાળ તરફ નજર કરતાં સોમાએ પૂછ્યું : 'બૂન ? કેટલા વાગ્યા હશે !'

'સાડા છે !' એમ સાંભળતાં સોમાને પેટમાં જે ગોટો વળ્યા કરતો હતો તે વૉર્ડના સૌને ઉદ્દેશીને એણે વ્યક્ત કર્યો : 'ડાકોરવાળી ગાડી આવી ગઈ હશે?'

એ ગાડીમાં આવેલા એક મુલાકાતીએ ઉત્તર આપ્યો : 'ગાડી આવ્યે કલાક થઈ ગયો.'

વૉમિટનો પેટમાં ઓચિંતો ઊથલો આવ્યો હોય તેમ સોમો એકદમ ઊંચકાઈ ગયો. એની પોતાની અજાયબી વચ્ચે, ક્ષણ પહેલાં એણે જે અસત્ય ઉચ્ચાર્યું તે સત્ય થઈને ઊભું રહ્યું. આરસની લાદી ઉપર બપોરના ખાધેલ દાળભાત, પાચનક્રિયાની એના ઉપર સહેજ પણ અસર ન થઈ હોય તેમ, એવાં ને એવાં પેટમાંથી બહાર દડી આવ્યાં. એનું ચિત્ત આખો દહાડો દીકરીમાં રહ્યું હતું એટલે ઊંચે જીવે જઠન પાચનક્રિયાનું કામ કરી પણ શી રીતે શકે? તેમાં ગાડી આવી ગયે એક કલાક થયો છતાં દીકરી ન આવી તેનો પેટમાં ધ્રાસકો પડતાં, અન્નનો ગોટો અત્યાર સુધી પેટમાં ભૂલો પડ્યો હોય તેમ ભમ્યા કરતો હતો તે બહાર ઊછળી આવ્યો.

ઘડી પહેલાં નર્સને બોલાવનાર દર્દીનું મોં બગડી ગયું. મન બબડ્યું પણ ખરું કે, મૂળ ઢેડની જાતને ! આ તુચ્છકાર એણે ખુલ્લી રીતે વ્યક્ત કર્યો હોત, પરંતુ દવાખાનું મિશન-ઢેડ-નું, એમ મનમાં માનતાં એમના ચોકામાં 'ઢેડ' કહીને તુચ્છકાર બતાવવો વ્યવહારુ નહિ માની એણે બીજા શબ્દોમાં ઠપકો આપ્યો. પેલી નર્સને વધુ લપમાં પડવું પડ્યું એટલે તેને મોંએ 'ઢેડ' શબ્દ તો આવ્યો, પણ એનો બાપ જ ઢેડમાંથી ખ્રિસ્તી થયેલો એટલે એ શબ્દની આમન્યા રાખતાં એણે નાક ફુંગરાવીને બબડાટ કર્યો : 'ગામડાના જંગલી...'

સોમો ગુનેગાર હોય તેમ દયામણું મોં કરી નીચે જોઈ રહ્યો. પેટમાં વેદનાપૂર્ણ ચૂંક આવે અને માણસ એમાંથી બચવા જેમ બે હાથે પેટ દાબે તેમ સોમો પેટ દાબી રહ્યો હતો. છતાં પીડા ન સહી ગઈ એટલે એણે રેડી દીધું. ઘડી પહેલા ચિડાયેલા દર્દીને હમદર્દી જાગી કે બિચારી ઢેડની જાત, મફત દવા કરાવવાની એટલે પેટમાં પીડા થતી હશે તો પણ કહી શકાયું નહિ. આશ્વાસનભર્યા મીઠા સ્વરે એણે પૂછ્યું : 'રડો છો શું કરવા? શું થાય છે?'

સોમાએ પેટછૂટી વાત કરી નાખી : 'મારુ દરદ પેટનું નથી, રુદિયાનું છે.'

સોમાનું રુદિયાનું દરદ બીજાઓને સમજાવવું મુશ્કેલ હતું. એનો પ્રદેશ ઉત્તર ગુજરાત. રાધનપુર ભણી એનું ગામ આવ્યું. દુકાળનું વરસ હતું એટલે કંઈ મજૂરી મળતી ન હતી, લોક ભૂખે મરતાં હતાં. એમાં એણે સાંભળ્યું કે ચરોતરમાં જોઈએ તેટલી મજૂરી મળે છે. એનો પોતાનો ભૂખ્યાં મરવાનો સવાલ હોત તો એ બીજાઓની જેમ ભૂખ્યો તરસ્યો ગમે તેમ વરસ કાઢી નાખત, પરંતુ ત્રણ બૈરીએ એકની એક દીકરીએ એનું વાંઝિયાપણું ટાળ્યું હતું. મોટી ઉંમરે ત્રીજી વારનું બૈરું ન કરવાની સલાહ આપનારને દીકરીના જન્મ પછી એ કહ્યા કરતો હતો : તમે બધાં ના કહેતાં, પણ મારો રુદિયો અંદરથી કહે તે હું જાણું તો ! હવે તમને બધાંને ખાતરી થઈને કે હું વાંઝિયો નથી?

સોમાની લવરી સાંભળી લોકોને લાગતું કે વહેલોમોડો એ ગાંડો થઈ જશે. પરંતુ દીકરીને એક વરસની મૂકીને ત્રીજા વારનું બૈરું પણ મરી ગયું છતાં સોમાની ડાગળી ન ખસી ગઈ. ત્યારે લોકોને થયું કે, એનું મગજ છે તો ઠેકાણે. પાછલી ઉંમરમાં એકલે હાથે રોટલો બાળી ખાવી, મજૂરી કરવી અને દીકરીને ઉછેરવી એ સોમાને માટે વસમું હતું. એટલે દયા ખાઈને લોકો કહેતાં : 'નવું બૈરું કરો, તમે તો ઠીક, પણ આ છોડીનું શું?'

સોમો બધાંને જવાબ આપતો : હવે મારે બૈરું શું માતાએ ચડાવવું છે? મારું વાંઝિયામહેણું ટળ્યું એટલે બસ. નવા બૈરા પાછળ ખર્ચ કરું તેના કરતાં એટલું છોડી ઉછેરવામાં વાપરું તે શું ખોટું?

સોમાએ કરી પણ બતાવ્યું. દીકરીને હથેળીમાં ને હથેળીમાં રાખી. હુલાવી ફુલાવીને ઉછેરી. આથી એણે મજૂરી કરવા તરફ ઓછું ધ્યાન આપ્યું હતું. કામ કરતો હોય પણ એનું ચિત્ત દીકરીમાં જ હોય એટલે કામમાં બરકત ઓછી આવતી, આથી એને મજૂરી પણ ઓછી મળતી. એણે મન વાળ્યું કે, પોતાનો અને દીકરીનો દહાડો જશે એટલે વસ. આમ નવ વરસથી એણે ખાધા જેટલી મજૂરી કરીને, દીકરીને જ દેવ માની એની અંદર મન પરોવી રાખ્યું હતું. એ દીકરી દુકાળમાં ભૂખે મરે તે એનાથી કેમ સહ્યું જાય?

આખી જિંદગી મજૂરી કરી પેટ ભરનાર સોમાને ભીખ માગવાનો વિચાર આવે જ ક્યાંથી? પરંતુ ભૂખના કડાકા થયા પછી એણે જ્યારે અમદાવાદના સ્ટેશને જુવાનજોધ જેવાં સ્ત્રીપુરુષોને ભીખ માંગતાં જોયાં ત્યારે એને થયું કે, પોતે ભીખીને શું કામ ભૂખી દીકરીને ન ખવડાવે ? એને ઈચ્છા તો ઘણી થઈ પણ જીભ ઊપડે શી રીતે? આણંદ જવા એ ગાડીમાં બેઠો ત્યારે પાછા ભીખ માગનાર શરૂ થઈ ગયા હતા, દીકરી કરતાંય નાનાં છોકરા ભીખ માગતાં હતાં. કોઈ કોઈ એ નાનાં છોકરાના હાથમાં પૈસો મૂકતું તેમાંથી મણિએ જ સવાલ કર્યો : 'બાપા ! હું માગું ?'

સોમાએ દીકરીને કંઈ જવાબ આપ્યા વગર મોં ફેરવી લઈ આંખમાં આવેલું પાણી છાની રીતે લૂછી નાંખ્યું હતું. આણંદના સ્ટેશન બહાર આવતાં મણિએ સહજ પ્રેરણાથી બે ઊભેલા સદ્દગૃહસ્થ સમક્ષ જઈ હાથ ધર્યો : 'ભૂખી છું, પાઈ પૈસો આપો, મા-બાપ!'

સોમો પણ સંકોચાતો નજીક ગયો. એણે પોતાના દુઃખની વાત કરી. મજૂરી આપવાની એ સદ્દગૃહસ્થો પાસે તૈયારી ન હતી અને અંતરમાં દયા વસી હતી એટલે ખિસ્સામાંથી હાથ બહાર કાઢતાં એક જણે ચાર આની આપી. સોમાંનું માથું ઉપકારથી નમી પડ્યું.

ઉંમરને લીધે એનાથી દારી મજૂરી થઈ શકતી નહિ. એટલે એક દિવસ કામ આપનાર બીજે દિવસે એને સંઘરતો નહિ. છતાં એના વતનમાં જિલ્લા કરતાં મજૂરી પેટે દામ વધુ મળતાં હતાં. સાથે વસ્તુઓ પણ મોંઘી મળતી એટલે એ જેમ તેમ પૂરું કરતો હતો. એને અહીં જિંદગી પણ ક્યાં કાઢવી હતી? ચોમાસું આવે, વરસાદ પડે અને ખેતી શરૂ થાય એટલે એનો પોતાનું ગામ સંઘરવાનું હતું, ખેતીની મજૂરી પણ સોંઘીમોંઘી મળી રહેવાની હતી. એટલે બે-ત્રણ મહિના એણે ધક્કા ખાઈને મજૂરી મેળવીને જેમ-તેમ ખેંચી કાઢ્યા હતા.

આકાશમાં વાદળાં ઘેરાવા લાગ્યાં અને સોમાને હૈયામાં વતનનો સાદ ગાજવો શરૂ થયો. વરસાદ પડે કે તરત ઘેર જતાં રહીશું તેમ એ દીકરી સાથે વાત કરીને હૈયાને આશ્વાસન આપતો હતો. પોતે ઘેર જશે એટલે વાસનાં બધાં લોક ફરી વળશે અને પોતે પરદેશની ચરોતરની વાતો કરશે એમ એ સ્વપ્નાં રચતો હતો. ભોળી દીકરી પહેલે દહાડે ભીખ માગતાં ચાર આના કેવી રીતે મળ્યા તે વાત કરે તો આબરૂ કોડીની થઈ જાય એ બીકે દરરોજ સાંજે પાઠે કરાવતો : 'જોજે, ભીખની વાત ભૂલેચૂકે પણ કહેતી !'

સોમો જેટલી ઉત્કંઠાથી રાહ જોતો હતો તેટલી જ વેગભરી રીતે વરસાદ પણ આવ્યો. સમી સાંજથી તે અર્ધી વાત સુધી મૂશળધાર પડ્યો. પાછલી રાતના, જુવાન વિધવા પતિને સંભારી રહીને કલ્પાંત કરે તેમ ઝાપટાંની ઝડીઓ વરસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે મુકામ નાખી પડેલાં ભિખારીઓ અને સોમા જેવા મજૂર વરસાદ પડતાં બાજુની પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં ધસી ગયાં. વરસાદ આવે ત્યારે એમાં પેસી જવાની ગણતરી સૌએ કરેલી, પણ સૌ એમાં સમાશે કે નહિ તેનો વિચાર કોઈએ કરેલો નહિ. વરસાદની સવારી આવતાં ધર્મશાળામાં યુદ્ધ મચી રહ્યું. સોમા જેવા નબળાને ધક્કા ખાઈ વરસાદમાં પલળવું પડ્યું. જે કંઈ કપડાંધાગડી હતાં તે પણ પલળી ગયાં, કોલાહલ શમતાં એક ખૂણે એને જગા તો મળી પણ એકેય લૂગડું કોરું ન હતું કે એ પહેરીને ઠંડીથી બચે. શરદીનો ભોગ થઈ એ સવારે તો તાવમાં પટકાયો.

એક જણની સલાહ ન મળી હોત તો તાવમાં એ ખલાસ થઈ જાત. મફત દવા અને રહેવાનું મળે તેનો એને ખ્યાલ ન હતો. અનુભવીએ કહ્યું કે, ખ્રિસ્તી કહેજે એટલે મિશનનાં દવાખાનામાં મફત દાખલ કરશે. સોમો એના સ્વભાવ પ્રમાણે આનાકાની કરવા જતો હતો એટલે પેલાએ શિખામણ આપી : 'ખ્રિસ્તીઓ પણ હિંદુ થવાથી લાભ મળતો હોય ત્યારે હિંદુ કહે છે. તું તો ઢેડ છે એટલે ખ્રિસ્તી કહેવામાં કંઈ વાંધો નહિ. હું બે વાર એવું લખાવીને દાખલ થયો છું!' અને એ પવિત્ર કામ એ અનુભવીએ જ સોમા સાથે જઈને પાર પાડી આપ્યું.

સોમાને તરત ખાટલો મળી ગયો એટલે પોતાના વિજયના ગર્વમાં પેલા અનુભવીએ બીજી સલાહ આપી : 'આ છોડીને ગાડીમાં ભીખ માગવા મોકલજે. ખંભાત અને ડાકોરવાળી ગાડીએ જાત્રાળુ લોક હોય છે એટલે એમાંથી દયા ધરમ કરનાર વધારે મળી રહે છે.'

મણિને એ વાત ઘણી ગમી ગઈ. સોમાની ઈચ્છા-અનિચ્છાનો સવાલ રહ્યો નહિ. ઘેર જવા માટે એણે જે પેટે પાટા બાંધી પૈસા બચાવ્યા હતા તે માંદગીમાં ખૂટી જવાના હતા. બીજે દિવસે ઘણી ઘણી શિખામણ આપી. ગાડીમાંથી બહાર જવું નહિ, એ જ ગાડીમાં પાછા વળવું. સ્ટેશનેથી ઊતરીને દીકરીને દવાખાનું જડશે કે નહિ તેની પૂછીને ખાતરી કર્યા છતાં એને સંતોષ ન થયો તે પરીક્ષા લીધી. સ્ટેશનેથી દવાખાનું એટલું સીધું હતું કે પાંચ મિનિટમાં દીકરી દોડીને જઈ આવી. છતાં તે દહાડે દીકરી ગાડીએથી સાંજે પાછી આવી ત્યાં સુધી એને ચેન ન પડ્યું હતું, અને એ આવી ત્યારે હૃદય સાથે એટલા જોરથી ચાંપી કે એટલો ઉમળકો ક્યારેય બતાવ્યો ન હતો. બીજો, ત્રીજો, ચોથો એમ દિવસ વીતતાં સોમાને સહજ થતું ગયું. તેમાં ડાકોર લાઈન ઉપર સારા પૈસા મળવા માંડ્યા એટલે દીકરી વિદાય થતી ત્યારે સોમો રોજ ઉમંગથી કહે : 'કાલના કરતાં આજ પાછી ન પડતી હોં !'

તેમાં આજે છેલ્લે દિવસે જ ન આવી ! કોઈએ કારણ આપતાં કહ્યું : 'સ્ટેશનની બહાર ગઈ હોય અને ગાડી ઊપડી ગઈ હોય.' પણ દીકરી ગાડીથી અળગી થાય એમ એના માન્યામાં ન આવ્યું એટલે બીજાએ બીજું કારણ કહ્યું : 'ટી.ટી. આજે ગયો હોય અને ભીખારીઓને ઉતારી પાડ્યાં હોય...'

સોમાને વાત કંઈક ગળે ઊતરી. એમાંથી એને ચિંતા પેઠી કે રાત એ ક્યાં રહેશે? એકલી ક્યાંય રહેલી નહિ એટલે એનું શું થશે?

વૉર્ડમાં બધા ઊંઘતા હતા ત્યારે સોમો પેટમાં જબ્બર ચૂંક આવતી હોય તેમ પેટ દબાવીને પથારીમાં આમતેમ આળોટતો હતો. જેમ જેમ રાત ઊતરતી હતી તેમ તેમ એને મનની ભૂતાવળ બિવડાવતી હતી. કદાચ કોઈ છોડીને ભોળવીને લઈ ગયું હશે તો? એ સાથે જ, રાધનપુરમાંથી એવી રીતે એક બ્રાહ્મણની છોડીને કોઈ ઉપાડી ગયેલું તે પ્રસંગ તેને યાદ આવ્યો. મણિ દેખાવે રૂપાળી હતી. ઉંમરમાં નાની કહેવાય, પણ નાની-મોટીનો આજના કળજગમાં લોકો ક્યાં વિચાર કરે છે? એના જ ગામમાં સીમમાં ઢોર ચારતી એવડી ઉંમરની છોડી ઉપર એક જણે બળાત્કાર કર્યો ને છોડી મરી ગયેલી તે કરુણ કિસ્સો સાંભરી આવતાં સોમાના આખા શરીરે પરસેવો છૂટી ગયો. ખાટલો, દવાખાનાનો વૉર્ડ, આખી પૃથ્વી જાણે ચક્કર ચક્કર ફરી રહી !

સોમાને થયું કે દીકરી ગુમાવ્યા પછી પોતે ઘેર શું મોડું લઈને જાય ! લોકોને શું કહે ? છોડી ભીખ માગવા ગઈ હતી તે ખોવાઈ ગઈ ! પિત્રાઈઓ તો એમ જ કહે કે કૂવો હવાડો કરવાનું ન સૂઝ્યું અને ભીખ માગવાનું ક્યાંથી સૂઝ્યું?

સોમો આંખ મીંચી ગયો તો પિત્રાઈઓ અંદર-અંદર કાનકૂસિયાં કરતાં સંભળાયાં : 'પરદેશમાં પૈસા લઈ છોડી વેચી દીધી હશે તો પણ કોને ખબર?'

સોમાને કમકમાં આવી ગયાં. સાથે નીચ વિચાર પણ આવી ગયો : દીકરી મરી ગઈ એમ ગામમાં બધાંને કહું તો? કોઈ બટકબોલો બોલતો સંભળાયો : 'દીકરીને રુદિયા આગળ ને રુદિયા આગળ રાખતા'તા, છતાં રુદિયું કેમ ફાટી ન ગયું?'

આખી રાત સોમાને મનની ભૂતાવળે ઊંઘવા ન દીધો, જંપવા ન દીધો. ડાકોરની ગાડી સવારે આઠ વાગે આવતી હતી. પરંતુ એના મનકૂજામાંથી આખી રાત ધીરજ ચૂકી ગઈ હતી, એટલે હૈયામાં કેવળ  અધીરાઈ ગાજી રહી હતી. પોતાના મનની આ વાત કોઈ જાણી ન જાય તેમ સવારમાં એ ખાટલામાંથી ઊભો થયો. જાજરૂ જતો હોય તેમ એ દિશા તરફ વળ્યો. ઢોંગ કરવા ખાતર જાજરૂમાં ગયો પણ ખરો, બહાર નીકળીને એણે પોતાના વૉર્ડનું કોઈ જોતું તો નથી તેની ખાતરી કરી ઝડપથી પગ ઉપાડ્યા. કદાચ કોઈ પૂછે તો પગ છૂટો કરવા ફરે છે એમ એણે જવાબ પણ તૈયાર રાખ્યો હતો.

પરંતુ એવી કોઈ મુશ્કેલી વચ્ચે ન આવી. એ સ્ટેશન ઉપર પહોંચ્યો ત્યારે બધી તરફની ગાડીઓ આવવાની વાર હતી એટલે સ્ટેશન સૂનું હતું. જાણે એની ઉતાવળે ગાડી વહેલી આવવાની હોય તેમ ડાકોરવાળા પ્લેટફૉર્મ ઉપર જઈને લાંબી ડોકે એ રેલના પાટા ઉપર મીટ માંડી રહ્યો, એના હૈયામાં રાતની ભૂતાવળ હૂપાહૂપ કરી રહી હતી.

છેવટ, સોમાને રગરગાવીને ગાડીને આવવું પડ્યું. પ્લેટફોર્મ ઉપર ગાડી ઊભી રહે તે પહેલાં એણે સ્થળ ગજવી મૂક્યું : 'મણિ ! મણિ! ઓ મણિ !' લોકોએ ગાડીમાંથી ઊતરી ઊતરીને દાદર ભણી દોડવા માંડ્યું એટલે ટોળામાં દીકરી કદાચ બહાર નીકળી જાય એ બીકે 'મણિ... મણિ...'ની મોંએ માળા ચાલુ રાખીને એણે દાદર ઉપર દોટ દીધી. આખી ગાડી ખાલી થઈ ગઈ પણ દીકરી હોય તો બોલ દે ને?

દીકરીને ખોવાયે બે વરસનાં વહાણાં વાઈ ગયાં. છતાં 'મણિ... મણિ...'નો જાપ સોમાએ છોડ્યો ન હતો. ગામડે ગામડે સોમો ટેલિયા બ્રાહ્ણણની માફક ટહેલ નાખતો ફરતો હતો કે કોઈએ મારી મણિ જોઈ?

લોકો એને ગાંડો માનતા હતા. એની દયા ખાઈ ખાવાનું આપતાં એથી સોમો પેટ ભરતો પણ સાથે કહેતો : 'હું ગાંડો નથી, મારી દીકરી ખોવાઈ ગઈ છે, એને શોધી કાઢ્યા હું હવે જંપનાર નથી !'

શનિવારનો દિવસ હતો. સવારની નિશાળ છૂટવાનો ઘંટ વાગતાં કન્યાશાળાને વિદ્યાર્થીનીઓએ મચ્છી બજાર જેવું બનાવી મૂક્યું હતું. એ વખતે સોમો થાક્યોપાક્યો નિશાળના ઓટલે આવી પહોંચ્યો હતો. એના મોં ઉપર દાઢી વધી ગી હતી, શરીર ક્ષીણ થઈ ગયું હતું. આંખો ઊંડી ગી હતી, છતાં એના રુદિયામાં જોમ તો એનું એ હતું કે દીકરી મને જડ્યા વગર રહેવાની નથી !

હાજરી પુરાઈ રહેતાં એક વર્ગ જેવો શાળાની બહાર નીકળ્યો તેવો સોમાને જોતાં વીંટળાઈ વળ્યો. એમાં મણિ પણ હતી. પરંતુ જેમ સોમાનો વેશ બદલાઈ ગયો હતો તેમ એનો પણ બદલાઈ ગયો હતો. એણે ધોયેલા ધોળાં ઘાઘરીપોલકું પહેર્યા હતાં. માથે બે ચોટલા ગૂંથ્યા હતા અને દરેક ચોટલે રંગરંગી કપડાનાં ફૂમતાં નહિ પણ ફૂલની વેણી બાંધી હતી. બે વરસમાં એનું શરીર પણ ચડતા લોહીમાં સારું વિકસ્યું હતું. બાપ-દીકરી સામસામાં ઊભાં હતાં, પરંતુ બંનેમાંથી કોઈ એકબીજાને તરત ઓળખી શકે તેમ ન હતું.

સોમો કંઈ પોતાની વાત ડાહ્યાડમરાં માણસોને જ કહેતો એવું ન હતું. એ રસ્તે જતાં ઝાડપાન, પશુપક્ષીને પણ પૂછતો કે મારી મણિ તમે જોઈ છે? એટલે નિશાળનાં છોકરાંને કેમ મણિની વાત ન કહે? એ વાતનો તાંતણો સંધાતાં મણિ પોકારી ઊઠી : 'બાપા !' સોમો એની સામે નજર માંડે તે પહેલાં દીકરી બાપના કોટે બાઝી પડી હતી.

આશ્રમની છોકરીઓ બોલી ઊઠી : 'મંછી ! અલી આ તારા બાપા કે ?'

મણિએ આશ્રમમાં એનું નામ મંછી જણાવ્યું હતું. એમાં એનો પણ દોષ ન હતો. ડાકોરથી પાછાં ફરતા, ઉમરેઠ સ્ટેસને એને ટી.ટી.એ. ગાડીમાંથી ઉતારી મૂકી હતી. એણે કહેલું કે દવાખાનામાં મારા બાપા માંદા છે તેને ટી.ટી.એ જૂઠું માન્યું હતું. એ દિવસ ગાડીનો ડબલ ચાર્જ ભરે તેટલા પૈસા પણ મળ્યા ન હતા, એ રીતે એના ખ્યાલમાં પણ ન રહી. ગાડી ઊપડી ગઈ અને એ ફાટી આંખે જોઈ રહી. ગાડી અલોપ થતાં ચક્કર ખાઈને એ બેભાન થઈને ભોંયે પટકાઈ પડી. અને કોણે જગાડી, ક્યારે જાગી, એ તો ઠીક પણ એ કોણ હતી, ક્યાં જવા માંગતી હતી. એ આખા ભૂતજીવનની સ્મૃતિ જ અલોપ થઈ ગઈ હતી, એને સ્મૃતિમાં રહ્યું હતું એ ઢેડ હતી એટલું જ.

હિન્દુઓએ એક પરોપકારી કૃત્ય કર્યું. બધાને અભડાવી ન મારે એ કારણે અનાથની દયા ખાઈને એને હરિજનવાસનો મારગ બતાવી દીધો. એણે ત્યાં માગી ખાઈ પડી રહેવા માંડ્યું. નામ પૂછનારને એણે સૂઝ્યું તે મંછી કહી નાખ્યું હતું. એક હરિજન કાર્યકર્તાને મંછીની ખબર પડતાં હરિજન કન્યાછાત્રાલયમાં મૂકવા એ પ્રેરાયા. ગામડામાં ચાલતાં જિલ્લાના એક આશ્રમમાં એને એમણે દાખલ કરાવી દીધી.

શરૂઆતમાં એણે રાત્રે ધૃણવા માંડ્યું, ભૂત આવે છેમ કહેવા માંડ્યું. બીજી છોકરીઓને કનડવા માંડ્યું, અને લાગ જોઈને બેએક વાર એ ભાગી પણ ગઈ, પરંતુ એને અનાથ માની સંચાલક ભાઈ દયાથી પ્રેરાઈને પાછી પકડી લાવ્યા. એક વરસ એને નિશાળે મોકલવા છતાં કંઈ ભણી ન હતી. એની હિલચાલ જોતાં સંચાલકને વસી ગયું કે, એના મગજને ગમે તે કારણે ધોકો પહોંચેલ હોવો જોઈએ. આશ્રમની છોકરીઓને એની સાથે માયાળુપણે વર્તવાની કડક ચેતવણી આપી હતી. એ પોતે અને ગૃહપતિ તરીકે કામ કરતાં એમનાં પત્નીએ એને અંગત વિશ્વાસમાં લીધી. બધામાં એ પ્રિયપાત્ર હોય તેમ તેને એ દંપતી લાડ લડાવતાં, રોજ કંઈ ને કંઈ ચીજ પોતાના ઘરમાંથી ખાવા આપતાં. કંઈ કામ સોંપ્યું હોય અને ન કરે તો હસીને માફ કરતાં.

બરાબર ચૌદ મહિને એની સ્મૃતિ પાછી આવવા લાગી. એણે છોકરીઓને કહેવા માંડ્યું કે એ અનાથ નથી, એને બાપ છે. ગૃહપતિ બહેન પાસે આ વાત જતાં એમણે એને સોડિયામાં લઈ પટાવીને પૂછવા માંડ્યું. તાજું બોલવા શીખેલું બાળક અતિ ઉત્સાહમાં ગોટાળો કરી નાખે તેમ એણે ગોટાળાભર્યો એનો ઈતિહાસ કહ્યો. મહિનો જતાં એમાં વધુ સ્પષ્ટતા પુરાઈ. એનું ખરું નામ, બાપનું નામ તથા ગામનું નામ ખાતરીબંધ કહ્યું. સંચાલકભાઈએ એના બાપને પત્ર લખ્યો. કંઈ જવાબ ન આવ્યો એટલે એકાદ મહિનાની રાહ જોયા પછી સંચાલકભાઈ એને ગામ પણ જઈ આવ્યા હતા.

સોમાના મનમાં આ બધી વાત સાંભળતાં એક જ ભય વ્યાપી ગયો કે આશ્રમવાળાએ બે વરસથી દીકરીને ઉછેરી મોટી કરી તે હવે એમ ને એમ પોતાને નહિ સોંપે ! કહે કે બે વરસની ખાધાખોરાકી લાવો તો પોતે ક્યાંથી આપે? સોમાને પ્રથમ તો એ જ નહોતું સમજાતું કે ઢેડની છોડીને આમ કોઈ મફત રાખીને ભણાવે શું કામ? તેય જે એમને અડકતાં અભડાય તે ઊંચ વરણના લોક આણંદના દવાખાનામાં રહ્યા પછી ખ્રિસ્તીઓ આવું કરે એ એે સમજાતું હતું, પરંતુ જે લોકો એને ઢેડ જાણતાં અભડાઈ જવાની બીકે એઠું જૂઠું ખાવાનું આપતાં પણ અટકી જતાં, એ લોકો આવો આશ્રમ ચલાવે એવું એણે જનમ લઈને આજ સુધી સાંભળ્યું ન હતું.

મણિે અને બીજી છોકરીઓએ કહ્યું : 'ચાલો, હવે આશ્રમમાં દાદા અને બહેન તમને જોઈને રાજી રાજી થઈ જશે.' એકાદ બે છોકરીઓ તો દોડીને બહેનને વધાઈ ખાવા પહોંચી પણ ગઈ હતી.

સોમાએ મણિને ઉદ્દેશીને કહ્યું : 'પેલી ભાગોળે મેં મારી પોટલી મૂકી છે તે લઈ આવીએ.'

એક છોકરીએ પૂછ્યું : 'ધર્મશાળા છે એમાં મૂકી છે?'

સોમાએ ડોકું હલાવી હા પાડી.

સોમો અને મણિ પેલી ભાગોળ તરફ વળ્યાં એટલે દીકરીએ આશ્રમનાં વખાણ કરવા માંડ્યાં. સરકારના મોટા સાહેબો અને પ્રધાનો પણ આશ્રમમાં આવે છે, એમ વાત કરી મણિ ગૌરવ લેતી હતી ત્યારે સોમાના પગ ભાંગતા હતા. આશ્રમની સરકારમાં જો લાગવગ હોય તો પછી ખાધાખોરાકી લીધા વગર છોડીને સોંપે જ શાના?

સોમાને આવો આશ્રમ શા માટે ચલાવતા હશે તે સવાલ વધુ ને વધુ ગૂંચવતો હતો. આવી છોડીઓને ભણાવી મોટી કરીને પરણાવીને મોટી રકમ પરણનાર પાસેથી લેતા હશે? ચરોતરના ઢેડને પરણવામાં બબ્બે હજાર રૂપિયા થાય છે એમ એણે સાંભળ્યું હતું, ઉજળિયાત વરણના ભણેલા છોકરા ભણેલી કન્યા માગે છે એમ ચરોતરના ઢેડ ભણેલા છોકરી માગતા હશે માટે આશ્રમ કાઢી છોડીઓને ભણાવતા હશે? કોઈ પારકાને એક ટંક ખવડાવતું નથી તો ઉજળિયાત લોકોની સારા ઘરની છોડીઓની જેમ ઢેડની છોડીઓને આશ્રમમાં રાખે શું કામ?

સંચાલકભાઈને 'દાદા' કહીને મણિ વખાણ કરતી હતી ત્યારે સોમાનું મન બીજું જ વિચારતું હતું : બાપ થઈને મારાથી એક છોડી ન પલવાઈ તે ભીખ માગવા મોકલવી પડી. તો આશ્રમની બધી છોડીઓનો કંઈ મતલબ વગર કોઈ 'દાદો' થાય? મને શોધવા એ ગામ ગયો હશે તેની શી ખાતરી? વગર ગયે, વગર કાગળ લખ્યે દીકરીને પટાવતો હોય તો પણ કોણ પેસી નીકળ્યું છે? કદાચ પૈસા પડાવવા ગયો હોય તો પણ શું કહેવાય? એનું રુદિયું એક જ વાત ઢોલ વગાડીને કહેતું હતું કે, બે વરસ પછી ઉછેરીને મોટી કરેલી છોડીને મફત તો પાછી નહિ જ સોંપે ! કોઈ બાઈ પહેલા ધણીનું છોકરું લઈ બીજાનું ઘર માંડે છે ત્યારે છોકરું ઉછેર્યાની ખાધાખોરાકી નાત પણ ક્યાં નથી અપાવતી? એટલે આશ્રમ ખરચ માગે તે કાયદેસર જ ગણાય. પારકા પરદેશમાં વગર પૈસે, ખોટી રીતે પોતે આશ્રમવાળા ભણેલાઓની સામે પહોંચી પણ શી રીતે શકે?

સોમાએ મનનો ભાવ વ્યક્ત કરતાં મણિને કહ્યું : 'બેટા ! આપણે અહીંથી છાનામાના ચાલ્યાં જઈએ તો?'

મણિ નવાઈ પામતાં બોલી : 'દાદાને મળ્યા વગર તે જવાતું હશે? બહેન તો તમને જવા જ નહિ દે. કહેશે કે આશ્રમમાં રહી જાઓ, ખાજો, પીજો અને કામ કરજો.'

સોમાને વસી ગયું કે આશ્રમમાં જવાની ચોખ્ખી ફસામણી હતી અને પોતે સીધો આશ્રમમાં ન જતાં દીકરીને ગામની દૂર ભાગોળે લાવ્યો તે જ સારું જ કર્યું હતું. દીકરીના મનની વાત જાણી લેવા એણે વાત લંબાવી : 'બેટા ! તને બુન આવવા ન દે તો?'

મણિ હર્ષમાં હતી એણે કહ્યું : 'બાપા ! તમે એક વખત આશ્રમ જોશો એટલે જોજોને તમને ગમી ના જાય તો ! બહેન તમને રહેવાનું કહેશે એટલે તમે જ હા પાડશો.'

સોમો : 'તારા જેવી ચોડીઓને જ્યાં રાખવાની હોય, ત્યાં મને શી રીતે રાખે?'

મણિ : 'બહેને મને એક દહાડો કહ્યું'તું કે તારા બાપા જડશે તો આશ્રમનું કામ એમને સોંપશું અને પરાણે રાખીશું.'

સોમો : 'એટલું બધું કરવાનું બુનને શું કામ?'

મણિ : 'મારા ઉપર એટલો બધો ભાવ છે.'

સોમો : 'તો તને મારી સાથે આવવા દેશે?'

મણિ : 'તમે, બાપા ! આશ્રમમાં જ રહી જજો ને?'

સોમાને લાગ્યું કે આશ્રમમાં ગયા પછી છોડી પોતે ફરી બેસે તો? એ લોકો એને શિખવાડે એટલે છોકરાનું શું ઠેકાણું? કહે કે મારે નથી આવવું ! સુખની માયા મોટા મુનિવરને લાગે છે, તો છોડીનું શું ગજું? સોમાને કિનારે આવેલું વહાણ ડૂબતું લાગ્યું, અવતાર છૂટી પડતો લાગ્યો.

ભાગોળ પૂરી થઈ અને ધર્મશાળાનો છેડો આવી રહ્યો અને સોમાની ધીરજનો અંત આવી રહ્યો. ભાગોળ પૂરી થતાં, ધોરી માર્ગની બાજુમાં થઈને એક આડફંટો રસ્તો જતો હતો, ભૂલો પડી સોમો એ રસ્તે ચડી ગયો હતો, એટલે એ અનુભવ અત્યારે એને કામમાં આવ્યો. નાના છોકરાને તેડે તેમ ઓચિંતી દીકરીને તેડી લીધી. દીકરીએ ભડકીને 'બાપા, બાપા !'ની બૂમ પાડી મૂકી. પણ સોમાના જીર્ણ ખોળિયામાં તેજી ઘોડાનો પ્રાણ આવીને વસ્યો હોય તેમ એણે દીકરીને તેડી આડફંટે દોડ્યે રાખ્યું. દીકરી ગભરાઈ ગઈ હતી એટલે પોતાનું વજન સામી દિશામાં નમાવી દઈ, બાપની પકડમાંથી છૂટવાનું વિચારી શકી નહિ. ફક્ત થોડે થોડે અંતરે એના ગળામાંથી, 'બાપા... બાપા !'નો અવાજ નીકળ્યા કરતો હતો.

અર્ધા માઈલ પછી સોમાનો શ્વાસ વધતો ચાલ્યો, હાંફ માતો ન હતો, પગ સામસામા અથડાતા હતા. તે છેવટે પોણા માઈલને અંતરે એનો જીવનબંધ તૂટી ગયો. એ ઊથલી પડ્યો, એના મોઢામાં ધૂળ ભરાઈ ગઈ, ડોળા ફાટી ગયા, છતાં દીકરી સાથે પડેલી મડાગાંઠ છૂટી નહિ. નીચે પડતાં દીકરી કાંપી ઊઠી, વનવગડાને ભયથી ભરી દેતી એણે ઘા નાખી : 'બાપા ! બાપા ! ઓ બાપા!'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.