કેટલીક મધુર ક્ષણો

05 Mar, 2017
12:00 AM

PC: irishnews.com

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

 

આ સુજાતાનો અવાજ તો નહીં!

ગીતા ઘડીભર થંભી ગઈ. પણ એ શી રીતે બને? સુજાતા તો અમેરિકામાં અને અહીં ભારત આવે તો લખે તો ખરી ને!

'કેમ રે ! મોંમાં મગ ભર્યા છે, ગીતુડી? તારી સુજુ સાથે વાત નથી કરવી?'

ગીતા ઊછળી પડી. તો તો આ સુજાતા જ. 'સુજુ, તું? કશી ખબર આપ્યા વિના આમ અચાનક...'

'નહીં તો શું તું ઢોલત્રાંસા લઈ મારું સ્વાગત કરવા આવવાની હતી કે ! બોલ, કાલે ઘરે આવે છે? મીની પણ આવવાની છે.'

'મૂરખ હોય તે ના પાડે, બરાબર અગ્યારને ટકોરે.'

પણ અગિયાર સુધી ગીતાથી રહેવાયું નહીં. એ પહોંચી ગઈ વહેલી જ. બારણું ખૂલ્યું નહીં ત્યાં સુધી ઘંટડી પરથી આંગળી જ ન ઉઠાવી. બારણું સુજાતાએ જ ખોલ્યું. એ સાથે બન્ને સખીઓ ઉંબરામાં જ એકમેકને વળગી પડી. બન્ને હસતી હતી, અને આંખો છલકાઈ ગઈ હતી. મીની પણ વહેલી જ આવી ગઈ હતી. ત્રણે ય બહેનપણીઓએ વાતોની બેઠક જમાવી. કેટકેટલી ચડી ગયેલી વાતોના હિસાબનો ચોપડો સરભર કરવાનો હતો!

સુજાતાનાં બા મૃત્યુ પામ્યાં હતાં, અને એની એક માત્ર નાની બહેન અમી કેનેડા સ્થાયી થઈ હતી. સુજાતાના પતિ શરદનો દૂરનો ભાઈ અહીં ભારત રહેતો હતો, એમને ત્યાં બન્ને થોડા દિવસ ફરવા આવ્યાં હતાં. ગીતા બે બાળકોની મા બની ગઈ હતી, અને મીનીએ લગ્ન જ નહોતાં કર્યા. શિક્ષણખાતામાં એ બહુ ઊંચી પદવી પર પહોંચી ગઈ હતી.

ઓહોહો ! કેટકેટલી વાતો હતી ! કોની જૂની વાત યાદ કરે ત્યાં બીજાને હસવું આવે અને કોઈ રમૂજી પ્રસંગ યાદ કરી બોલવા જાય ત્યાં સુજાતા એની પૂર્તિ કરી નાખે. સુજાતાને મીની સાથેનાં અબોલાં સાંભળ્યા અને ગીતાએ ફિલ્મ જોવા જવા માટે સુજાતા સાથે કેવો ઝઘડો કર્યો હતો એ યાદ આવી ગયું. સ્મૃતિની કેડીએ ચાલતાં ચાલતાં મુગ્ધાવસ્થાનાં લીલાંછમ ઘેઘૂર વનમાં સૌ પહોંચી ગયાં હતાં, જ્યાં નાનકડાં તૃણાંકુરનું ઊગવું યે વિશ્વની કેવી મહાન રોમાંચકારી ઘટના હતી ! અર્થ વગરની વાતો, ઝઘડા, દરિયાકાંઠાની એક સાંજ પણ કેવું પારાવાર સુખ આપી જતાં હતાં !

વાતોથી થાક્યાં. શરદનાં ભાભી બધાં માટે વહેલી રસોઈ કરી ટેબલ પર ઢાંકી ઑફિસે ચાલી ગયાં હતાં. શરદ પણ એનાં જૂના કૉલેજમિત્રોને મળવા સવારથી નીકળી ગયો હતો. ઘરમાં આ ત્રણ બહેનપણીઓ જ એકલી હતી, એટલે મોકલે મને હસતાં, વાતો કરતાં બધાં જમાયાં. બપોરે વાતોની ગઠરી ફરી ખૂલી ગઈ.

સુજાતા પાસે તો પુષ્કળ ખજાનો હતો, - અવનવી વાતોનો અને વસ્તુઓનો, ગીતા અને મીની માટે એ સુંદર ભેટ લઈ આવી હતી, તે એમને આપી, ત્યાં જ ગીતાને યાદ આવ્યું -

'અરે સુજુ ! તારો જન્મદિવસ તો પરમદિવસે જ છે ! જો તો લુચ્ચી ! ક્યારની બોલતી નથી. બહેનબાને એમ કે પાંચ વર્ષની બર્થ-ડે પાર્ટી અમે સામટી માગશું.'

'તો માગશું જ ને? તારા વરને કહી દેજે, અમે છટકવા નહીં દઈએ. આમ પણ એને મળ્યા નથી, એટલે કોઈ ફર્સ્ટક્લાસ હોટલમાં જ મળીએ તો ઉત્તમ, ક્યું ઠીક હૈ?' મીની ઉત્સાહથી બોલ્યે જતી હતી. ગીતાએ ઈશારો કર્યો ત્યારે એનું ધ્યાન ગયું, સુજાતા રડું રડું થઈ રહી હતી.

'અરે સુજુ ! માફ કરજે. તને કશું દુઃખ લગાડ્યું અમે? વાત શી છે?'

સુજાતા સ્વસ્થ થવા મથી.

'દુઃખ તો છે, અને કશીક વાત પણ છે, પણ એમાં તારે માફી માગવાની જરૂર નથી.'

'કંઈ સમજાયું નહીં, સુજાતા ! શેની વાત કરે છે તું?'

'વાત કરું છું મારા દીકરા રાહુલની.'

બંને નવાઈ પામી ગયાં.

'તારો દીકરો ? એટલે કે તને દીકરો પણ છે ? રાહુલ ? તેં તો અમને કદી લખ્યું નહીં? અત્યારે બોલતી નથી, એ ક્યારે...'

'મીની ! મને બોલવા દેશે પ્લીઝ! બે વર્ષ પહેલાં રાહુલનો જન્મ થયો. અહીં આવીને તમને સમાચાર આપવા હતા. તું તો જાણે છે, મને બાળક થવાની કોઈ શક્યતા નહોતી. લખ્યું હતું ને તમને મેં ! પણ અમેરિકામાં તો કેટલી આધુનિક સારવાર ઉપલબ્ધ છે ! એને લીધે રાહુલનો જન્મ થયો, પણ એના જન્મના આનંદ સાથે જ કેટલી ગાઢ વેદના સંકળાયેલી હતી કે તમને કોઈને સમાચાર લખવા મને ઠીક ન લાગ્યું.'

'એવું તે શું બન્યું? શું એનું...' ગીતા અટકી ગઈ.

'ના ના ગીતા, એ જીવે છે, માત્ર શ્વાસ ચાલે છે એટલું જ.'

ત્રણે ય બહેનપણીઓ અગાસીમાં આવીને ઊભી રહી. સૂરજનાં સોનેરી કિરણો હળવે હળવે શ્યામ થતાં જતાં હતાં. તુલસીક્યારાની માટીમાં સૂરજની તેજલિપિનો છેલ્લો સંદેશ અંકાયો હતો. અહીંતહીં ક્યાંક એના પ્રખર તાપના ભરાવેલા નહોરના સોનેરી ઉઝરડા દેખાતા હતા. સંકેલાતા દિવસની આછી ઉદાસી સુજાતાની આંખોમાં છવાઈ ગઈ.

'રાહુલ જન્મ્યો, પણ માનસિક રીતે પછાત હતો. એના શરીરનો ય વિકાસ અશક્ય હતો. આવાં બાળકોને ડૉક્ટરો વેજિટેબલ લાઈફ કહે છે. બસ, થોડું પોષણ આપો અને એ જીવે એટલું જ, બીજું કશું નહીં. પહેલાં ડૉક્ટરોની દોડધામમાં ન લખાયું, પચી જાણીજોઈને ન લખ્યું.'

'કેમ સુજુ?'

'તમારા પત્રો એટલા આનંદ અને ઉત્સાહથી ભર્યા ભર્યા આવતા. શરદ અને મારી ઈચ્છા હતીી કે ઉલ્લાસ પર કશી છાયા નથી પડવા દેવી. રાહુલ અમારા જીવનનું પ્રેમનું કેન્દ્ર હતો. સગાંવહાલાંને જણાવી અને દયાનું પાત્ર નહોતો બનાવવો. બે-એક વર્ષમાં લોકોની નજર અને દયાનું પાત્ર રાહુલ બને એની આડે ઢાલ બની ઊભાં રહીએ એવાં અમે સશક્ત બન્યાં તારે એને લઈને અમે અહીં આવ્યાં.'

બન્ને ચમકી ગયાં.

'મતલબ, રાહુલ અહીં છે? તારી સાથે?'

'હા. હવે અંદર આવો.' સુજાતા બન્નેને છેલ્લા ઓરડામાં લઈ ગઈ. અહીં પથારી પર એક બાળક સૂતું હતું. બાળક ! કદાચ સુકાયેલા અને નિષ્પર્ણ વૃક્ષની વાંકીચૂકી ડાળી જ. રાહુલના હાથ બેય કોણીથી વાંકા વળી ગયેલા. અને પગ સખત જડ લાકડાંના ટુકડા જેવા અને લાંબા. માથું શરીરના પ્રમાણમાં મોટું, મોમાંથી સતત ટપકતી લાળ. આંખોમાં કસી સમજણ કે પ્રેમનો અણસાર સુધ્ધાં નહીં.

'આ મારો રાહુલ.'

સુજાતાએ ઝૂકીને પ્રેમનાં અમૃતબિંદુ જેવું ચુંબન કર્યું.

'પણ... અમે સવારથી આવ્યા છીએ તો ય અમને ન કહ્યું?'

'જુો, તમે મારાથી જુદા નથી, પણ બે વર્ષ ખબર નહોતી તો થોડા કલાક વધારે. કેટલો ઉમળકો અને મસ્તી હતી તમારા પ્રેમમાં! પહેલાં કહ્યું હોત તો એ ઉમળકાને જરા ઝાંખપ તો લાગત જ.'

મીની ચિડાઈ.

'ચલ હવે બહુ ફિલસુફી ડહોળી તેં! હું તો તને આવી વર્તણૂક માટે ક્યારેય માફ નહીં કરું.'

'ના, મીની ! તું મને સમજવાની કોશિશ કર. જેમનાં બાળકો એબનૉર્મલ હોય તેમનાં માતા-પિતાને પણ અમેરિકામાં ખાસ તાલીમ આપવામાં આવે છે. - આવી પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું, બાળક કેમ ઉછેરવું.'

'હા હા, એટલે જ તો તારા જન્મદિવસની વાત અમે કરી ત્યારે તું રડી, ખરું?'

રાહુલે કપડાં બગાડ્યાં હતાં, પણ એ તો એમ જ સંવેદનશૂન્ય ચૂપચાપ પડ્યો રહ્યો. સુજાતાએ એનાં કપડાં બદલ્યાં, સ્વચ્છ પથારી કરી, લાળથી ભીનું થયેલું ગળું લૂછ્યું. આ બધું કરવામાં સુજાતાને ખૂબ તકલીફ પડતી હતી. ચમચીથી દૂધ પાતાં એણે કહ્યું :

'ખરું કહું ? ક્યાંય બહાર જઈ શકાતું નથી. એક વખત હું અને શરદ, અમે નાટક જોવા ગયાં હતાં. અમેરિકામાં બેબીસીટર મળે, પણ બે-ત્રણ વખત ખૂબ ખરાબ અનુભવ થયા. આવું છોકરું તો પડ્યું જ રહેવાનું છે. બોલે નહીં, માગે નહીં, ચાલે નહીં. એ વાત પેલી બેબીસીટર બરાબર સમજે, એટલે રાહુલને એને સોંપીને જઈએ, એટલે એ પોતે ઘર બંધ કરી ચાલતી પકડે યા આના પ્રત્યે બિલકુલ બેદરકાર બની જલસા ઉડાવે. મેં કહ્યું ને કે હું અને શરદ નાટક જોવા ગયાં. પાછળથી રાહુલે પથારી બગાડી, પેલી બેબીસીટરના નશાબાજ દોસ્તારે રાહુલના પેટે સળગતી સિગારેટ ચાંપી ડામ...'

થોડી વાર સુજાતા બોલી ન શકી. રાહુલને માથે હાથ ફેરવતાં એ ધીમે ધીમે આંસુ પી ગઈ.

'બસ, ત્યારથી એને છોડીને ક્યાંય જતાં નથી. મારો અને રાહુલનો જન્મદિવસ એક જ છે, એટલે જરા મન ભરાઈ આવ્યું.'

સુજાતા સાચું જ કહેતી હતી. રાહુલની વાત જાણ્યા પછી ગીતા-મીનીના ઉલ્લાસને ઝાંખપ લાગી હતી. આમ પણ થાક્યાં હતાં. ઘરે જવાનું મોડું થતું હતું, એટલે સુજાતાને જન્મદિવસ ફરી મળવાનું નક્કી કરી સૌ છૂટાં પડ્યાં.

બીજે દિવસે સવારે ઑફિસ જતા પહેલાં મીની ગીતાને ઘરે આવી. બંનેએ કેટલી યે ચર્ચા કરી કે સુજાતાને જન્મદિવસે ભેટ શી આપવી? રાહુલનો પણ જન્મદિવસ હતો. કંઈ કેટલીયે વસ્તુઓનો વિચાર બન્નેએ કરી જોયો, પણ એવી તો ઘણી સુંદર વસ્તુઓ સુજાતા પાસે હતી. સુજુને એવું આપવું, કંઈક જુદું જ - અમારાં સ્મરણો જેવું જ અમૂલ્ય. કાળના વહેવા સાથે પણ ચિરંજીવ રહે એવું.

સુજાતાના જન્મદિવસે ગીતા અને મીની સુજાતાને ત્યાં પહોંચ્યાં ત્યારે શરદ અને સુજાતા એમની રાહ જ જોતાં હતાં. સાથે ટિફિન જોઈ સુજાતાને નવાઈ લાગી. ગીતાએ કહ્યું :

'યાદ છે, સુજુ ! તારા જન્મદિવસે તારાં બા હંમેશાં પૂરણપોળી અને દહીંવડાં બનાવતાં? આજે પણ બધાં સાથે મળીને એ જ ખાવાનું ખાઈશું, મજા આવશે.'

શરદનાં ભાઈ-ભાભી અને સહુ સાથે મળીને જમ્યાં. અણધારી વસ્તુની લિજ્જત ઓર હોય છે.

જમ્યા બાદ કોણ પાન લેવા જાય એનો વિવાદ ચાલતો હતો ત્યારે ગીતાએ કહ્યું :

'ચાલ સુજુ ! તમારી બેગ તૈયાર કરી લે.'

'એટલે?'

'સુજુ ! તને દરિયો ખૂબ ગમે છે ને? આ વરસાદી મોસમમાં તો તું એની પાછળ પાગલ. તમે બન્ને દરિયાકિનારાની હોટલમાં ઊપડી જાઓ. ત્રણ દિવસ ખૂબ ખૂબ મજા કરીને આવજો.'

'અરે પણ...'

'તારો રાહુલ અમારી પાસે રહેશે. તારા જેટલા જ પ્રેમ અને કાળજીથી અમે એને રાખીશું, સુજુ !'

'પણ તમને તકલીફ પડે ને!'

શરદનો વિરોધ તરત ગીતાએ ઉડાવી દીધો.

'કેમ ! રાહુલ મારો દીકરો હોત તો હું એને ન સાચવત ! સુજુના જન્મદિવસે થોડી મધુર ક્ષણોની અમે એને ભેટ આપવા માગીએ છીએ. તું જ્યાં પણ હોઈશ... આ જલ ભરેલા આકાશના ગુંબજ નીચે ગાળેલા થોડા કલાકો તને સદા સાંભરશે. એને કાળનો ઘસારો નહીં લાગે.'

સુજાતાની આંખો છલકાઈ ગઈ, પણ એમાં ન હતો વિષાદ, ન કોઈ અદૃશ્ય બોજની છાયા. એ ભીનું ભીનું હસી પડી... મારી ગીતા અને મીની બિલાડી.

* *

સુજાતાનો આજે જ અમેરિકાથી કાગળ આવ્યો છે.

'... હું પણ આવી મધુર ક્ષણોની ભેટ કોઈને આપું છું ત્યારે મને સાંભરી આવે છે ઊછળતા દરિયા સાથે અમે માંડેલી ગોઠડીની એ સાંજ. મારી એટલી અમૂલ્ય ક્ષણોની અમે જતનથી ગઠરી બાંધી રાખી છે.

લિ.

તમારી જ સુજુ.'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.