માછીમારનું ગીત
(વાર્તાકારઃ ધૂમકેતુ)
જ્યાં ભૂરા વ્યોમ જેવો નિર્મળ દરિયો છે. જ્યાં ચોખ્ખાં અગાધ પાણી, સ્વચ્છ મનુષ્યના મનની માફક હેલે ચડે છે પણ તોફાને ચડતાં નથી, જ્યાં સંધ્યાના લાખો રંગથી ભરેલો સાળુ દરિયાની દેવી હંમેશાં પહેરે છે. જ્યાં નીલમ જેવા જળમાં સોનેરી, રૂપેરી, તારાની માફક માછલીઓ કૂદી રહી છે. એકએક કરોડ તરંગમાં ઊછળતાં સમુદ્રફીણ જ્યાં પવિત્ર મનુષ્યના સ્મિત જેવાં સુંદર દેખાય છે. જ્યાં નાખી નજર ન પહોંચે એટલે દૂર જલસુંદરીઓ હરરોજ અને હરઘડી નૃત્ય કરે છે, જ્યાં મૂંગા શબ્દોમાં સચરાચર પ્રાણ ભર્યા છે, જ્યાં પવન નહિ પણ પ્રેરણા ને પવિત્રતા જ આવ્યા કરે છે, જ્યાં રસસુંદરી જેવી ઉષા, દરિયાની ભૂરી ચાદર ખસેડાતાં પહેલાં, ઋગ્વેદની ઋચા જેવું સંગીત બજાવે છે, ત્યાં.
હિંદી મહાસાગરને કિનારે મદ્રાસ પાસે માછીમારોનાં નાનાં નાજુક ઝૂંપડાંથી વસેલું એક અત્યંત સુંદર ગામ હતું. તેને ફરતી નાળિયેરીનાં ઝાડની ઘટા હતી. આસપાસ જંગલ હતું. છીપમાં બેઠેલ મોતી જેવું તે સુંદર લાગતું.
આ ગરીબ ગામમાં એક વૃદ્ધ માછીમાર રહેતો હતો. સાઠ-સિત્તેર વર્ષ થયાં દરરોજ સવાર ને સાંજે એણે હિંદી મહાસાગરના રૂપને નિહાળ્યું હતું. એ બાળક હતો ત્યારે મહાસાગર યુવાવસ્થાનું રૂપ ધારીને ગર્જતો હતો. આજે જ્યારે તે વૃદ્ધ થયો ત્યારે દરિયો સ્વચ્છંદી બાળકના જેવું રૂપ ધારી રહ્યો હતો. એમાં પાણી એટલાં જ હતાં, કાંઠો એવો જ ચોખ્ખો હતો, રેતીમાં એટલી જ સોનેરી-રૂપેરી છીપો હતી, માછલીઓ એની એ જ હતી, માત્ર એકલો માછીમાર જ વૃદ્ધ હતો.
આ માછીમારની પાસે એક-બે અમૂલ્ય વસ્તુ હતી, એની પાસે દુનિયાનું ઝવેરાત તુચ્છ લાગે. ભરદરિયે નીલાંકાળાં પાણીમાં અકસ્માત હાથ પડેલી છીપમાંથી મળેલું, રતિની નશાભરેલી આંખ જેવું એક સુંદર મોતી તેની પાસે હતું. જ્યારે એ જુવાન હતો, જ્યારે મહાસાગરનાં પંદર પંદર માઈલનાં પાણી કાપીને સાંજ પડ્યે પોતાના ત્રાપાને કાંઠે પહોંચાડવાની એનામાં શક્તિ હતી. જ્યારે દરિયો રમવાના મેદાન જેવો લાગતો હતો ત્યારે એની વહુના ગળામાં પહેરાવવા માટે, મોટાં શહેનશાહબાનુને પણ ન મળે એવું, આ મોતી તેણે હાથ કર્યું હતું. એ વખતે એની જુવાની હતી. એને જમીન કરતાં દરિયો વધારે વહાલો લાગતો. જમીન ઉપર એ મૂંઝાઈ જતો. હલેસાં મારીને મોજાં ઉપર ચડવા-ઊતરવાની મજા માણવામાં જ એણે જીવન વિતાવ્યું હતું. એ ખરેખર દરિયાનો જ બન્યો હતો. જુવાનીમાં તો એ બે જ જણાંનો ભક્ત હતો : દરિયાનો અને એની જુવાન વહુનો. એ બેમાં કોણ વધારે વહાલું એમ જો કોઈ માછીમારને પૂછતું તો એ બિચારો ગભરાઈ જતો, એ કાંઈ બોલતો નહિ. બન્ને સરખાં વહાલાં, પણ કોણ વધારે વહાલું એ કેમ ખબર પડે? જેમ તેમ આ માછીમાર પણ કાંઈ જવાબ આપી શકતો નહિ. એક રહે ને એક જાય, એવી અવસ્થા સાચો પ્રેમ ક્યારેય કલ્પી શકતો જ નથી. પણ માછીમારને દરિયા કે વહુ વિશે ન પૂછો તોપણ પેલા મોતી સિવાય એક બીજી એવી જ અમૂલ્ય વસ્તુ એની પાસે હતી. જીવનની કોઈક પળે જ, બહુ સાચવી સાચવીને પ્રેમથી એને એ લડાવતો, પોતે આનંદ પામતો ને પાછો ધીમેથી એને મૂકી દેતો. એ વસ્તુ પણ દરિયામાંથી જ મળી ગઈ કહેવાય. રત્નાકર વિના બીજે ક્યાંથી આવાં રત્નો મળે?
(2)
આ વસ્તુ તે એની વહુએ એક સાંજે દરિયામાં ગાયેલું ગીત હતું. એ જુવાન હતો ત્યારે તેને એ મળ્યું હતું અને હજી સુધી તેણે એને જતનથી સાચવ્યું હતું. એક વખત સ્વચ્છ ચાંદની ખીલી હતી. ભૂરું વ્યોમ દૂધ જેવા દરિયા પર અનેક તારાઓથી ભરેલું વસ્ત્ર ધરી રહ્યું હતું. આવી રળિયામણી રાતે મેદાનમાં ફરવાનું મન કોને ન થાય? માછીમારને પોતાના મેદાન પર બે ઘડી ફરવાની મરજી થઈ. અને જુવાન વહુ વિના એકલા ફરવાનું ફાવે જ નહિ. એટલે એને પણ સાથે લીધી. ઘાટા જાંબુડિયા રંગની આકાશી કોરવાળી સાડી પહેરીને એ પણ દરિયાના મેદાને બે ઘડી સફર મારવા ચાલી. હોડકું દરિયાના શાંત તરંગો પર ધીમેધીમે આગળ ને આગળ ચાલતું ગયું.
માછીમારને પોતાના કાંઠા પર તો વિશ્વાસ હતો જ, પણ એથી વધુ તો પોતાના દોસ્ત દરિયા પર એને અનહદ વિશ્વાસ હતો. એ વારંવાર કહેતો કે દરિયો મને કોઈ દિવસ દગો નથી દેવાનો. એનાં પાણી જોઈને મને પ્રેમ છૂટે છે. એનાં તોફાન જોઈને મને નાચવાનું મન થાય છે. એની શાંતિ જોઈને ગાવાની ધૂન ચડે છે. દરિયો મને કોઈ દિવસ નહિ ડુબાડે એ વાત ચોક્કસ છે.
આજ તો રળિયામણી રાત હતી. દૂધ જેવી ચાંદની હતી. શાંતિભર્યો સાગર હતો. ઠંડો પવન આવતો હતો. લાખો તારાથી શણગારેલી રજનીરાણી ખીલી હતી અને માછીમાર પ્રેમની પ્રતિમા જેવી જુવાન વહુની નવી સાડીની સુગંધી સોડમાં ભરાઈને બેઠો હતો. વહુનું કાળું તેજસ્વી વદન હસુંહસું થઈ રહ્યું હતું. વહુની આંખમાં પણ આજે કાંઈ અજબ તેજ હતું. રાગ અને પ્રેમની વચ્ચે હીંડોળે ચડી હતી. રાગ હતો કે પ્રેમ એ ખબર ન પડે. માછીમાર પણ વહુનો તંદુરસ્ત હાથ મરડીને ગાલ પર બે-ચાર હેતની નિશાની મૂકવા અધીરો બની રહ્યો હતો અને વહુ આવા તોફાનની આશા રાખીને, મસ્તીખોર નશાભરી આંખે માછીમારને નિહાળી રહી હતી અથવા માછીમારને તોફાન કરવા આમંત્રી રહી હતી!
પણ હોડકાની બધી રમત જાણનાર માછીમાર પોતાની વહુને ગાલ પર હેતથી જરા ટાપલી લગાવીને જ અટકી ગયો. સમતોલપણું ખોઈને પાણીથી તરબોળ થવાની સજા ભોગવવાની એને ઈચ્છા ન હતી.
તેણે વહુનો હાથ પકડ્યો, વહુએ હાથ પાછો સેરવ્યો, પણ માછીમારે છોડ્યો નહિ. 'રખ્ખી ! રખ્ખી ! આજ તો હવે એક ગીત ગા!'
'કયું ગાઉં?'
'પેલું - તારી દાદીએ શિખવાડ્યું છે તે, એવું કોઈને નથી આવડતું એ ગીત એકલું જ છે અને તને એકને જ આવડે છે. બસ, આજ તો એ ગીત ગા !'
રખ્ખીની દાદીએ જૂના વખતથી મોંપાઠમાં જળવાઈ રહેલું એક અદ્દભુત હલકવાળું ગીત રખ્ખીને શિખવાડ્યું હતું. દાદી મરી ગયા પછી રખ્ખી સિવાય બીજા કોઈને તે આવડતું નહિ. રખ્ખીએ એ ગીત એક જ વખત શરદપૂનમની રાતે ગાયું અને તેની હલક, મીઠાશ, તેજ અને વાતાવરણથી માછીમારો ગાંડા-ગાંડા થઈ ગયા હતા. એ લોકગીતમાં પ્રેમની, રાગની, મસ્તીની એવી-એવી વેદના ભરી હતી કે ફરી વાર એ ગીત કોઈ માછીમારને રખ્ખીએ સંભળાવ્યું ન હતું. સંભળાવ્યું હોત તો સોમરસના અધિકારીની માફક કે સિંહણના દૂધની જેમ માછીમારોના નબળા દેહ આટલું રસાયન જીરવા શકત નહિ. એ લોકગીતમાં વીંધી નાખે તેવા હજારો શબ્દો હતા. માછીમારો સોમરસ માટે તૈયાર ન હતા. રખ્ખીએ કોઈ દિવસ એ ગીત ગાયું ન હતું. નહિ તો અપાત્રે રેડેલી વિદ્યાની માફક કંઈક તોફાન જાગી ઊઠત !
આજે રખ્ખીને માછીમાર કનૈયા જેવો રૂપાળો લાગતો હતો. રાતની રાણી તો 'રાધા તું ગોરી ગોરીક્કની જેમ કાંઈ અજબ બની રહી હતી. અને રખ્ખી પોતે સ્ત્રીની આખી જુવાની વીતી જાય ત્યારે એકાદ વખત દર્શન-માત્ર દઈ જાય છે, એવી પ્રેમ અને રાગની હીંડોળ ભરેલી અવસ્થામાં હતી. હોડકું સ્થિર બન્યું હતું. માછીમાર ભૂરા-ભૂરા પાણી ઉપરથી નજર ફેરવી લઈ વહુને નિહાળવા લાગ્યો. અને રખ્ખીએ પોતાની દાદીએ બતાવેલી હલકથી એ અજબ અને અદ્દભુત લોકગીત છેડ્યું.'
(3)
છેલ્લામાં છેલ્લી ટોચ પર પડેલા સાચા દિલના શબ્દો મૂળ તત્વો જેવા છે : અવિનાશી.
રખ્ખી જે ગાઈ રહી હતી, તેમાં ઘણુંઘણું ભર્યું હતું. એ હલક અજબ હતી, પણ શબ્દોની સરળ મીઠાશ હૃદય ભેદી નાખે તેવી હતી. મૃત્યુ કરતાં પણ વધારે બળવાન એવા પ્રેમનું એ ગીત હતું. સાતસાત સાગરને વીંધીને મેઘલી રાતે પ્રિયતમને મળવા જનારી પ્રિયતમાનું અને આવી જ રાત્રે મળવા માટે પ્રિયતમને આમંત્રણ કરનાર પ્રિયતમાનું - એવું બેવડું રસાયન એક જ ગીતમાં ગૂંથેલું હતું. મળવા આવે તો આવી જ રાતે આવજે. બીજી રાતે આવતો નહિ - એમ આવાહન કરી રહેલી પ્રેમની મૂર્તિ એમાં ખડી થઈ હતી, અને એ ગીતમાં પ્રેમનાં તોફાન, વેદના, વ્યથા, વિરહ અને જ્વાલા ભારોભાર છલકાતાં ભર્યા હતાં. પ્રેમનું રૂપ ન સમજનારને જાણે કોઈ જોબનવંતી નારી, ઈશારા કરીને રાગમાત્રને જગાડી રહી હોય એવું લાગે - અને પછી તો જાગેલા રાગની જ્વાલાઓ ફૂંફાડા મારતા વિષધરોની પેઠે, શરીરને વીંટાઈને એની રગેરગમાં મોહનું ઝેર દોડતું કરી દે ! મિસરની મશહૂર રાણી ક્લીઓપેટ્રાએ પોતાના એક આશકને ઝેરનો પ્યાલો દેતાં પહેલાં ઈશ્કની જરાક ચટકી દેખાડવા માટે શરીર પરથી એકનું એક અમૂલ્ય વસ્ત્ર ફેંકી દઈને જેવું નૃત્ય કર્યું હતું તેવું જ નૃત્ય આ ગીતમાં પણ જાણે કે રાગની મૂર્તિ જેવી સ્ત્રી કરી રહી હોય એવું લાગે! ઈશ્કમાં આંધળી બનેલી કોઈ ફાટફાટ જોબનવંતી નારી સાત સમુદ્રની પાર નરને સાદ દઈ રહી છે, પણ યૌવનનો આટલો તનમનાટ ને ઉકળાટ એ માત્ર ઉપરનો ખોટો ચળકાટ હતો - અંદર, એ ગીતમાં તો સાતસાત સાગર વીંધીને તરનારો, જીવન-મૃત્યુની ગાંઠ બાંધનારો નિઃશબ્દ ને નિર્વિકાર. અદ્દભુત અને અનન્ય આત્માની જ્યોતિ જેવો પ્રેમનો સાદ હતો - એવો સાદ હતો કે જેવો રતિએ કામને માટે કર્યો હતો. જેવો શંકરે પાર્વતી માટે કર્યો હતો, જેવો પંપાસરોવરને કિનારે રામચંદ્ર ભગવાને સીતાજીને માટે કર્યો હતો.
(4)
રખ્ખી જેવી મીઠી હલકદાર જુવાન સ્ત્રી ગાનારી, આવું રૂડું ગીત, શબ્દ, તાલ, સરળતા, સંગીત અને ભાવ - બધાંનો દૂધ-સાકરના જેવો એકરસ થયેલો મેળ. એકાંત શાંત રાત્રિ અને દરિયાના દોસ્ત જેવો માછીમાર સાંભળનારો, પ્રેસાગરના સંગીત જેવું એ અનન્ય ગીત, બન્ને જુવાન વરવહુ ફરીફરીને ગાતાં લાગ્યાં, ફરી ફરીને છીલવા લાગ્યાં. એક ગીત તે બન્નેનું બની ગયું. માછીમારને એ ગીત આવડી ગયું.
પણ વહુએ કહ્યું હતું કે 'જોજે, માછીમાર ! આ ગીતને આવી હલકથી ક્યારેય ગાતો નહિ. કોઈ એને સમજશે નહિ. એ ગીત સાંભળીને માછીમાર તાડી પીવા દોડશે. દારૂ પીવા દોડશે, ઈશ્ક કરવા દોડશે અને જેમ શેતાનની સેના છૂટે તેમ વિકાર-માત્ર છૂટા થશે. એ ગીત સાંભળનારાઓમાં અજબ જોર ને અજબ સંયમ જોઈએ. જોજે, ભૂલેચૂકે આ ગીત ગાતો નહિ. દાદીએ ગાવાની ના પાડી છે. છોકરાથી છાશ પિવાય નહિ. કોઈને આપતો નહિ. એના કરતાં તો દરિયામાં જ દફનાવજે.'
એ દિવસે ગાયેલું ગીત વહુએ પછી ફરી વાર ક્યારેય ગાયું નહિ. માછીમારે એને ફરીફરીને મનમાં સંભાર્યે રાખ્યું. અને જેવું એનું મોતી હતું તેવું આ ગીત બની ગયું. મોતી જેમ વહુની યાદ આપતું, તેમ ગીત વહુને સંભારી આપતું. પછી કાળે-કાળે વહુ તો ગઈ, માછીમાર વૃદ્ધાવસ્થામાં એકલો થઈ ગયો. પણ દરિયો રહ્યો, પેલું મોતી રહ્યું ને આ ગીત રહ્યું.
(5)
જુવાન માછીમારે વૃદ્ધાવસ્થા સુધી જે એક-બે અમૂલ્ય ચીજો સંઘરી હતી તેમાં એક તો પેલું મોતી હતું ને બીજું આ ગીત હતું. વહુના મરણ પછી તો માછીમાર દરિયા માટે જ જીવતો હતો. મોતી નિહાળવું. ગીત ગાવું ને દરિયો ખેડવો - બસ, એ વૃદ્ધ બન્યો ત્યાં સુધી આટલી જ ક્રિયા કર્યે રાખતો. આ બધાં જીવનમિત્રોને પોતે પ્રેમથી લડાવતો ને તેમની પાસેથી પ્રેમ મેળવતો. જ્યારે ભૂરા દરિયામાં એકલો હોય ત્યારે જ માછીમાર એ ગીત ગાતો.
એક દિવસ માછીમારોનો ઉત્સવદિન હતો. નવા શણગાર સજીને અનજાન લોકની આનંદ પ્રદર્શિત કરવાની રીત પ્રમાણે મીઠાઈ ઉડાવી દારૂની મજા ચાખવા સૌ સજ્જ થયા હતા. એટલામાં એક જુવાને કહ્યું ને સૌએ ઝીલ્યું કે ચાલો વૃદ્ધ માછીમાર પાસે, એને એની વહુ પાસેથી જે ગીત મળ્યું છે તે ગવરાવીએ.
માછીમારો આવ્યા ત્યારે સાંજ પડતી હતી અથવા પૃથ્વીના મનુષ્યો દિવસે જેટલા જુદા જુદા રસ અનુભવે તે બધામાં પીંછી બોળીને કોઈએ આકાશને રંગી દીધું હતું. જેનું હૃદય લાગણીપ્રધાન હોય તેને માટે આ સમયે અનેક સંદેશ અનેક વાચા અનેક ગુપ્ત મંત્રો ભર્યા હોય છે. માછીમાર પોતાની જુવાન વહુની સાડીના રંગ આકાશમાં નિહાળતો બેઠો હતો. એટલામાં આ ટોળાના નાયકના જેવો પેલો જુવાન માછીમાર આવ્યો. બેસતાં જ તે બોલ્યો :
'આજે સૌ શોખમાં છે. તમે પેલું ગીત ગાશો?'
'કયું?'
'પેલું તમારી વહુ પાસેથી શીખ્યા છો તે.'
'હા - પેલું ....કાં?.... પણ બીજું ગાઉં તો?'
'ના, એ તો એ જ. આજ સૌને સાંભળવું છે !'
'એમ?'
તે ઘડીભર જવાબ આપ્યા વગર આકાશમાં જોઈ રહ્યો. સાંજ એવી સુંદર હતી કે રાત્રી વધારે સુંદર બનવાની આગાહી આપી રહી હતી. આવી રાત્રે એ ગીત ગાવા માટે માઝીમારનો જીવ પણ તલપાપડ થવા લાગ્યો.
'તમારામાં હોડકું હાંકવામાં સૌથી હોશિયાર કોણ છે? શરત કરી હોય તો કોણ સૌથી આગળ જાય?'
જુવાન કાંઈ બોલ્યો નહિ, પણ ધીમેથી ડોકું નીચું નમાવ્યું : 'સૌથી પહેલો તો હું જ આવું!'
વૃદ્ધે તેને ઘડીભર નિહાળ્યો : ' આજે કેમ તને એ ગીત સાંભળવાનું મન થઈ આવ્યું?'
'ઈશ્કની વાત જુવાનીમાં કોને ન ગમે?'
વૃદ્ધે એક પળમાં નિશ્ચય કર્યો હોય તેમ અકસ્માત બેઠો થયો, ઝૂંપડાની અંદર ગયો ને એકદમ બહાર આવ્યો.
'જો આ શું છે?'
વૃદ્ધના હાથમાં પેલું મોતી હતું. શું તેનું તેજ ! ઘૂંટીઘૂંટીને ચંદ્રને કોઈએ નાનો બનાવી દીધો હોય!
જુવાનને લલચાવતું જાણે બોલતું હોય તેમ, વૃદ્ધના હાથમાં તે શોભી રહ્યું. કામદેવને મોહ પમાડવા જાણે રતિ આખું શરીર સંતાડીને માત્ર એક આંખ દેખાડી રહી હોય!
વૃદ્ધે જુવાનની છેક નજીક તે ધર્યું : 'આ જોયું? કાળાંભમ્મર પાણીમાં, કોઈ પચાસ-સો વર્ષે, શરદપૂનમની રઢિયાળી રાતે. અકસ્માત્ એકાદ સોનેરી જલબિંદુ પડે તેનું આ મોતી બંધાય છે. એ પૃથ્વીમાં મળતું નથી ને સ્વર્ગમાં બનતું નથી. આની જોડ આખી દુનિયામાં કોઈની પાસે નથી.'
જુવાન આશ્ચર્યમુગ્ધ બનીને બધું સાંભળી રહ્યો. વૈશાખમાસની પૂનમે જેમ કોઈ ધન્ય પળે બંસી બજતી હોય. સારસ હલક દેતાં હોય, ઠંડો હિમાળા જેવો પવન આવતો હોય. જળમાં પોયણી ખીલીને ચંદ્ર સામે નીરખી રહી હોય, સૃષ્ટિ જાણે પ્રેમથી ભરીભરી લાગતી હોય, એ વખતે કોઈ વિરલ સ્ત્રી ઓધાન ધરે ને એમાંથી જેમ દુનિયાના મુકુટમણિ જેવો પુરુષપ્રવર બહાર આવે, તેમ આ મોતી કોઈ ધન્ય પળે ઝિલાયેલું સોનેરી જલબિંદુ હતું : અને હતું તો જલબિંદુ, પણ રતિએ કામદેવને પિવરાવવા પ્રેમરસનું જે છલોછલ પ્યાલું ભર્યું હતું. તેમાંથી અકસ્માત જ પડી ગયેલું.
જુવાન અનિમિષ તે મોતી નિહાળી રહ્યો, નિહાળી જ રહ્યો. મોતી આટલું સુંદર હોઈ શકે, એવી કલ્પના પણ એને ક્યારેય થયેલી નહિ.
'આ મોતી તારું છે, તને આપું છે.' વૃદ્ધ માછીમાર શાંતિથી બોલ્યો. જાણે ભયંકર અકસ્માત થયો હોય તેમ જુવાન સ્થિર રહી શક્યો નહિ. અતિ આનંદ અકસ્માતનું જ રૂપ છે.
'મારું?... મા...રું?... હેં !'
વૃદ્ધે શાંતિથી - દૃઢતાથી જવાબ વાળ્યો - 'હા, તારું - પણ એક શરતે.'
જુવાન આવા અમૂલ્ય મોતીના બદલામાં મળનારી શરતની કલ્પનાથી ધ્રૂજવા લાગ્યો.
'મને હોડીમાં બેસારીને, બધા માછીમારો આંહી પહોંચે તે પહેલાં દરિયામાં હું કહું ત્યાં તારે હોડી છોડી દેવી.'
આવી સહેલી શરતથી જુવાન રાજીરાજી થઈ ગયો. તેણે થોડી વારમાં દરિયાકિનારે પહોંચી વૃદ્ધને બેસારીને હોડી હંકારી મૂકી ને તેને મૂકીને પવનવેગે બીજી હોડીમાં પાછો આવી ગયો. તેના હાથમાં પેલું અમૂલ્ય મોતી ચળકતું હતું !
(6)
જુવાન માછીમાર પાછો આવ્યો ત્યારે બીજા બધા વૃદ્ધના ઝૂંપડામાં એકઠા થઈ ગયા હતા. કેટલાક કહેતા હતા હતા કે એને બાંધીને પણ આજે ગવરાવવું. કોઈએ કહ્યું કે ગીત તો આપણે લઈ જ લેવું છે. એટલામાં આ જુવાન માછીમાર પાસે આવ્યો.
એક ઝપાટે સૌ તેના તરફ ફર્યા. છુપાવવાનું મન હોય છે. છતાં માણસ હદ ઉપરાંતનો મનોભાવ છુપાવી શકતો નથી. તે આનંદથી હસુંહસું થઈ રહ્યો હતો.
'લઈ લીધું ! આવી ગયું ! હવે જખ મારે છે !'
'શું ? શું ? શું લઈ લીધું?' ના અવાજોથી ટોળું તેને વધારે ને વધારે ઘેરવા લાગ્યું.
માઝીમાર તરીને સૌથી દૂર ઊભો. તેણે હથેળી ઉઘાડી : 'જુઓ, આ શું છે?'
'આ હા હા હા !' એક અવાજે સૌ બોલી ઊઠ્યા.
'આ તે મોતી કે પાર્વતીના પ્રેમનું આંસુ !.... પણ... એ ક્યાં છે? એ ડોસો ક્યાં છે? પેલું ગીત ક્યારે ગાય છે?'
અત્યાર સુધી જુવાન ગીતની વાત જ ભૂલી ગયો હતો. તેને હવે તે સાંભરી. 'આ હા હા હા ! ત્યારે એ ગીત - એ ગીત તો ખોયું !'
'કેમ, ક્યાં છે એ? ક્યારે ગાય છે?'
'વૃદ્ધ માઝીમાર તો દરિયામાં પહોંચ્યો. હું જ તેને મૂકી આવ્યો.
'બસ, ચાલો !j પીછો પકડીને આજ તેની પાસેથી સાંભળવું છે તે ચોક્કસ છે, આ મોતી આપીને તેણે તને ઠગ્યો. ચાલ, એ પાછું એને આપી દેવું છે.'
માછીમારો ઝપાટાબંધ દરિયા તરફ ઊપડ્યા. પણ થોડી વારમાં શબ્દો સ્પષ્ટ ન સંભળાય તેમ ગીતના સ્વર કાને આવવા લાગ્યા. વૃદ્ધ માઝીમાર ગાતો હતો. પણ આજે ગાનને ગાનારો બન્ને જુદાં હતાં. આજે તો જાણે માઝીમારનો આત્મા શબ્દરૂપ બનીને ધીમેધીમે ઊંચે ને ઊંચે ચઢી રહ્યો હતો !
માઝીમારો પાસે ને પાસે જવા લાગ્યા. ગીત વધારે સ્પષ્ટ થવા લાગ્યું. વિરહ ને વ્યથા એટલાં હતાં, પ્રેમ ને વિયોગ એવાં ભર્યા હતાં કે સાચી વ્યથાને, સાચા પ્રેમને, સાચા આંસુને જાણે વૃદ્ધ માઝીમાર સાદ કરી રહ્યો હતો. એ સંગીત ન હતું, સાદ હતો.
એણે દૂરદૂર પોતાના દોસ્ત દરિયાના તરંગ પર, હજારો રંગની સાડી પહેરીને નૃત્ય કરતી પોતાની જુવાન વહુને જોઈ હોય કે ગમે તેમ, તે સાદ કરી રહ્યો હતો. અથવા સાદ દઈ રહ્યો હતો.
આગળ વધતા માછીમારો છેક પાસે આવ્યા. બોલાવે તો સંભળાય એટલું જ છેટું રહ્યું. ગીતની છેલ્લી - છેક છેલ્લી - એવી તો અજબ મીઠાશ ને વેદનાથી ભરેલી હલક આવી કે ન જાણનારા માછીમારોએ પણ કહ્યું : 'અરેરેરે! આ છેલ્લું લાગે છે. ગીત છેલ્લું છે. નહિંતર આટલી મીઠાશ ન જ હોય.' સાગરના તરંગેતરંગમાં એના સ્પષ્ટ પડઘા પડી રહ્યા હતા.
'આ હા હા ! શી હલક છે !' સૌ એકીસાથે બોલી ઊઠ્યા. એ વખતે ગીતમાંથી શબ્દો નહિ. પણ પ્રેમનાં આંસુ ટપકતાં હતાં.
માછીમારો આગળ ને આગળ વધવા લાગ્યા. વૃદ્ધ માછીમાર સ્પષ્ટ દેખાવા લાગ્યો. જાણે દરિયાના તરંગો પર તેણે કાબૂ મેળવ્યો હોય તેમ જલ શાંત બન્યાં હતાં. હજારો સોનેરી, રૂપેરી ને આસમાની માછલીઓ પોતાનાં ડોકાં કાઢીકાઢીને આવો સાદ ક્યાંથી આવે છે તે સાંભળી રહી હતી. રાત થંભી ગઈ હતી. તારાઓ સ્થિર બન્યા હતા. કાળ અટકી ગયો હતો. માછીમાર સંગીત નહિ પણ આર્ત્તનાદ - રણમાં ભૂલો પડેલો માણસ પોતાના સાથીને કરે છે તેવો - દરિયાના અગાધ જલમાં કરી રહ્યો હતો. અને એ છેલ્લું હતું.
માછીમારો જ્યારે છેક પાસે આવ્યા, જ્યારે એક હોડીમાંથી બીજીમાં કૂદાય એટલું જ છેટું રહ્યું. ત્યારે છેલ્લો બોલ પૂરો થયો. અને વૃદ્ધ માછીમાર તેમની સામે જોયા વિના શૂન્ય બનીને, શાંત બનીને તદ્દન સ્થિર ઊભો રહ્યો !
પણ આકાશ, દરિયો ને અંતઃકરણ પેલી હલકના પડઘાથી અનેક શબ્દો બોલી રહ્યાં હતાં.
'અમને એ ગીત ફરી સંભળાવ - શિખવાડ!' માછીમારોએ કાંઈક આવું કહ્યું.
પણ બોલ્યા વિના, માત્ર દૃષ્ટિથી જ જાણે જવાબ અપાઈ ગયો હોય તેમ જરાક નજર કરીને માછીમાર પાછો સ્થિર ઊભો રહ્યો.
એટલી વારમાં તેની દૃષ્ટિ દરિયાના લાખો તરંગો ઉપર ફરી વળી પછી તે ધીમેથી બોલ્યો :
'દોસ્ત ! મિત્ર ! તેં મને કેટલું ને કેવું કેવું રમાડ્યો છે ! આજ હવે છેલ્લે પણ એવું જ રમાડજે.' માત્ર પોતે જ સાંભળે તેવા આટલા શબ્દો બોલીને વૃદ્ધ માછીમાર પોતાની હોડીમાં આગળ વધ્યો.
તેને અટકાવવા પેલા જુવાન માછીમારે એક છલાંગ મારી અને પેલું અમૂલ્ય મોતી તેના તરફ ફેંક્યું 'લે, આ તારું મોતી લે !'
પણ એ શબ્દો પૂરા સાંભળ્યા ન સાંભળ્યા તે પહેલાં વૃદ્ધ ઊંચે કૂદ્યો, પોતાના બધા જોરથી દરિયામાં- પોતાના મિત્ર જેવા દરિયામાં - એણે ભૂસકો માર્યો. તેના માથા પર અથડાઈને પેલું મોતી થોડેક ઊંચે ઊડ્યું ને જ્યાંથી નીકળ્યું હતું ત્યાં જ, પોતાના સ્વામીની સાથે, પાછું દરિયામાં પડ્યું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર