એક હતા અ અને બ
(વાર્તાકારઃ વર્ષા અડાલજા)
એક હતા અ અને બ.
એક જ ઑફિસમાં નોકરી. 235 મેળવતા ક્લાર્કને હોય એવી મિડલક્લાસીય મિત્રતા. રવિવારે સાંજે પત્ની-બાળકોને લઈ 'બેસવા' જવાનું. ચા-ગાંઠિયાનો નાસ્તો થાય. - કાલે જ મારી નણંદની છોકરીનું વેવિશાળ કર્યું, મામીજીને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે, પણ જુઓને, જોવા નથી જવાતું - જેવી સ્ત્રીઓમાં વાતચીત ચાલે.
- "લ્યા જરા દોડ તો. કાકા માટે એક સિગરેટ લાવ તો. 'કે' છે દેસાઈ બિઝનેસમાં જામ્યો છે.'
- અ અને બની વાતચીતનો દોર ચાલે. કબાટમાં મૂકી દીધેલી સોપારી નીકળે અને પછી આવજો... આવજો... તમે હમણાંના આવ્યા નથી... વગેરે ચાલુ થાય.
ઑફિસમાં હૃદયના ધબકારાને ઘડિયાળના કાંટા સાથે હરીફાઈ ચાલે. બૉસ પોતે પણ કામઢા, પીલીને કામ લે. અ અને બનાં ટેબલ સામસામે. ફાઈલોના ઢગલા, ઈન-આઉટની ભરેલી ટ્રે. ટાઈપરાઈટરનો ધાણી ફૂટતી હોય એવો અવાજ... સાંજે ઘસડાતે પગલે અ અને બ બહાર નીકળે. ફૂટપાથ પર કામનો બોજ ખંખેરતા ઘડીક ઊભા રહે. ઠીક ત્યારે કાલે... પછી શેષનાગના પૂંછડા જેવી લાંબી ભરડો લેતી લાઈનમાં ધક્કા ખાવાના. ક્યારેક છૂટીને એક બનારસી પાન, તો કોઈક વાર રસ્તા પર ઊભા રહી સિત્તેર પૈસાવાળી 'પેશ્યલ સેન્ડવિચ' ખાઈ નાખવાની. પણ કોઈકવાર જ.
મહિનાની પહેલી તારીખે સવારે ચાલમાં થોડો ઉત્સાહ દેખાતો. નજર ઘડિયાળના લોલકની ખીંટી પર ટીંગાઈ જતી. લંચઅવરમાં રજિસ્ટરમાં સાઈન કરી કવર લેવાનું - 235.
પછી એકાએક જાયન્ટ વ્હીલનું છેક ઉપરનું ખાનું નીચે ધસી આવે એમ પેટમાં ચૂંથાવા માંડતું. ઉત્સાહ ઓગળી જતો. દેશમાં વિધવા માને મોકલવાના રૂપિયા ત્રીસ, કાકાની દીકરીના લગ્નનો ચાંદલો રૂપિયા અગિયાર, પત્નીનાં ચંપલ, બાબાનો યુનિફૉર્મ, આઠવલે પાસેથી ગયે મહિને લીધેલા ઉધાર દસ રૂપિયા - ધીમે પગલે, અ અને બ સાંજે છૂટી ફૂટપાથ પર ઊભા રહેતા. બંને વચ્ચે ઘટ્ટ મૌન રહેતું. ઠીક ત્યારે કાલે, એમ કહેવાતું નહીં. બંને પેલી શેષનાગના પૂંછડા જેવી લાંબી લાઈનમાં ધક્કા ખાવા ઊભા રહી જતા.
અને એક દિવસ નવી વાત બની.
બ આવ્યો જ નહીં!
આ સાચે જ નવી વાત બની. બ તો બહુ નિયમિત. ક્યારેય રજા ન લે. સી.એલ. પણ ઓછી. ત્યાં બના પાડોશીનો ફોન આવ્યો. બ મરી ગયો છે. હાર્ટ ફેઈલ. સવારે ચંપલ પહેરતાં પહેરતાં જ ઊથલી પડ્યો. ન દવા, ન ડૉક્ટર. ઑફિસના બીજા ક્લાર્ક લોકોએ ડોકું ધુણાવ્યું. સદ્દભાગી તો ખરો જ.
અ એકદમ સૂનમૂન બેસી રહ્યો. બિચારી, દેશની નોનમેટ્રિક વહુ, ત્રણ છોકરાં અને 235નું કવર બંધ! રોકકળ થતી હશે. સગાંઓ આવી ગયાં હશે, નનામી બંધાતી હશે. ટાઈપરાઈટરમાંના કોરા કાગળને કાઢી લઈ એ ઊઠ્યો. તરત જવું જોઈએ. ફરજ હતી. બિચારાં છોકરાંને ઘડીક પડખામાં ખેંચી છાનાં રાખવાં જોઈએ. બની વહુ રડી રડીને... અ આગળ ન વિચારી શક્યો.
અએ ઘડિયાળમાં જોયું. ચગદામાં બની પત્નીનું ચાંદલાવિહોણું મોં ને નીતરતી આંખો દેખાયાં. એને કમકમાં આવી ગયાં.
ત્યાં બૉસની ઑફિસ પાસે એણે ત્રણ-ચાર માણસોને દીઠા. નવાઈ લાગી. પૂછ્યું : જવાબ મળ્યો 'ખબર નથી? હેડ ક્લાર્કની જગ્યા પૂરવાની છે. આ ઉમેદવારો છે.'
હં હં કરતો અ ઊભો રહ્યો. બોસની રજા લેવી પડશે.
'તમે તો પાણી વગરના રહ્યા. સાચું પૂછો તે તમે સિનિયર છો. તમારે જ ટ્રાય કરવી જોઈએ.'
'હું?'
'શું કામ નહીં? મેનેજરે ખાનગીમાં કહ્યું - સિનિયોરિટી પ્રમાણે એની જગ્યા છે, પણ બાઘો છે. બૉસ પાસે ગયો જ નથી.'
'એમ?' અએ નખને દાંતથી કરડવા માંડ્યા.
'હજી શું ખાટુંમોળું થયું છે? બૉસનો મળો. કરગરો, ભાગ્ય ખૂલી જશે. પગાર ખબર છે?'
અ આંખ પટપટાવવાનું પણ ભૂલી ગયો. નખ દાંત વચ્ચે દબાયેલો રહ્યો. 350 + 25 -નું કવર!
બૉસને તરત મળવું જોઈએ. અએ ઘડિયાળમાં જોયું. એ થથરી ગયો.
ચાંદલા વિનાનું કોરું કપાળ, નીતરતી આંખો... ચીકાશમાં માખી ચોંટી જાય એમ ઘડિયાળના ચગદા પર એની આંખો ચોંટી ગઈ.
'જાઓ, જાઓ, મોડું થાય છે.' કોઈએ ખભાથી તેને હલાવ્યો.
અ ચમક્યો. ભાનમાં આવ્યો.
'હા, હા. મોડું થાય છે.' બબડતો ધીમે પગલે તે ઑફિસની બહાર નીકળી ગયો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર