આપઘાત
(વાર્તાકારઃ વર્ષા અડાલજા)
પુરુષ ઝડપથી ચાલતો હતો. રેતીમાં એનાં પગલાંનો અવાજ નિર્જનતામાં રબ્બરના દડાની જેમ ઊછળતો ટપ ખાતો પાછળ દોડતો હતો. રાતના કાળા અંધકારને, ચંદ્રનું ફિક્કું અજવાળું ઘસીને ઊજળું કરવા મથતું હતું. સૂતેલ સમુદ્રના ક્યારેક સંભળાતા નિશ્વાસ સિવાય એક ઊંડી પ્રગાઢ શાંતિ ધરાઈ ગયેલા અજગરની જેમ નિશ્ચલ પડી હતી.
પુરુષનાં પગલાં વધુ ઉતાવળાં બન્યાં. કોટનું ગળું બરાબર બંધ કર્યું. ખિસ્સામાં બંને હાથ નાખી દીધા એટલે પવને વ્યૂહ બદલ્યો. હવે ઠંડા પવનની છાલક મોં પર વાગતી હતી. આંખ-નાકમાં જાણે ઠંડાં પાણી ભરાઈ ગયાં. હવે એણે લગભગ દોડવા જ માંડ્યું.
ઘર!
સુંદર રીતે શણગારેલું, વિશાળ ઘર. પણ તે કરતાંય ઘરની હૂંફ એને ગજબની મીઠી લાગતી. પાછી ઘરને નાના બાળકની જેમ હાથ લાંબા કરીને વળગી પડવાની ટેવ!
અને એક ચહેરો!
પ્રતીક્ષા કરતો, મુલાયમ, મનમાં છવાઈ જાય એવો ચહેરો ને ચહેરામાં મઢાયેલી ઘેરી શાંત આંખો, પુરુષને થયું એ ખૂબ ધીમે ચાલતો હતો. હૂંફાળું ઘર અને ઘરમાં પ્રતીક્ષા કરતો એ ચહેરો - એની સાથેનાં સુખદ સ્મરણોનું ટોળું એકાએક એની સામે ભીડ કરી રહ્યું. ભીડથી ગૂંગળાવાને બદલે પુરુષનું મન મહોરી ઊઠ્યું. મોં પર વાગતો ઠંડો પવન,
અજગર જેવી સ્તબ્ધ શાંતિ, સૂની નિર્જનતા અને તળિયા વિનાનો ઊઁડો અંધકાર... બધું જ સ્મૃતિના તાપણામાં ઓગળી ગયું. મનમાં રહી માત્ર છલકાતી, ઊભરાતી પ્રસન્નતા, સુક્કા હોઠ પર ગીતની પંક્તિ આછું ફરકી ગઈ.
એક આછો, અતિ આછો અવાજ કાને પડ્યો. ઝડપી પગલાં ઘડીભર થંભ્યાં, સ્મરણોનું જાળું ગૂંથાતું જરા અટક્યું. મુલાયમ ચહેરાની આંખોમાં ઈજન હતું. અવાજ ખંખેરી પુરુષે જલદી ચાલવા માંડ્યું.
પેલો અવાજ મોટો ને મોટો બની દરિયાનાં મોજાંની જેમ પછડાટ ખાઈ એની આજુબાજુ ફેલાઈ ગયો. પુરુષને થોભવું પડ્યું. ફીણ ફીણ થઈ ગયેલા અવાજને કાન માંડીને એણે સાંભળ્યો. મન સતેજ થયું.
અવાજ સ્ત્રીનો હતો. અને એની પીઠ પાછળથી આવતો હતો. મનમાં થોડી અવઢવ થઈ. પછી થયું અજાણ્યા અવાજો સાથે એને શું લાગવળગે? નકામો ખોટીપો થાય છે. પણ એ અવાજે જાણે એના પગમાં ગાળિયો નાંખ્યો. એ બંધાઈ ગયો. ઘર અને ચહેરાને થોડી વાર વીસરી એ અવાજ તરફ ગયો. કુતૂહલ. નર્યું કુતૂહલ. પુરુષે મનને મનાવ્યું.
ઘોર અંધરામાં ભેખડ પર એક સ્ત્રીની છાયા દેખાઈ - તેજ - છાયાનાં મિશ્રણથી કોઈ ચિત્રકારે રેખાંકન કર્યું હોય એવી. એ આકૃતિ તરફ આગળ વધ્યો. અવાજ બિલકુલ ચૂપ હતો. અને એની આંખો પહોળી થઈ ગઈ.
આકૃતિ ઊભી થઈ. વધુ પડતું ઝૂકીને એ નીચે જોવા લાગી. અરે... અરે... હમણાં જ કદાચ સ્ત્રી પડી જશે! પુરુષ ત્વરાથી નજીક પહોંચી ગયો. પગ નીચે ચંપાતી રેતીના કચડાટથી સ્ત્રીએ તરત એની સામે જોયું, હવે પુરુષ સ્ત્રીની તદ્દન બાજુમાં આવી ગયો હતો. ઉતાવળથી એણે પૂછ્યું :
'આટલી મોડી રાત્રે આવા નિર્જન સ્થળે...'
'એટલે જ હું અહીં આવી છું.' ધારદાર સ્વરે તરત જ સ્ત્રી બોલી.
સ્ત્રીના અવાજથી પુરુષને નવાઈ લાગી. 'એટલે?'
'મારે આપઘાત કરવો છે.' એક નાની કાંકરી ઉઠાવી સ્ત્રીએ જોરથી દરિયામાં ફેંકી.
પુરુષનું મોં પહોળું થઈ ગયું. આ... પ... ઘા... ત !
'ફાલતુ જિંદગીનો અંત આણી દેવો છે.'
સ્ત્રીના સ્વરની નિશ્ચયાત્મકતા, સખતાઈથી ભીડેલા હોઠ, અને ધનુષની તંગ પણછ જેવું તત્પર શરીર... પુરુષ ધ્રૂજી ગયો.
'ના, ના, એમ ન કરશો. જિંદગી ફાલતુ નથી. તમારે એનો અંત આણવાનો વિચાર સુદ્ધાં ન કરવો જોઈએ.'
એક ઝાટકા સાથે સ્ત્રીએ તેની ગરદન ફેરવી. ચંદ્રના ફિક્કા અજવાળામાંયે એની આંખોમાં ગજબની ચમક વરતાઈ. 'શું કહ્યું? જિંદગી ફાલતુ અને નક્કામી ચીજ નથી?'
'ના, જરાય નહીં. જિંદગી એક હસીન, ખૂબસૂરત ચીજ છે.' પુરુષના સ્વરમાં સ્વપ્નનું ઘેન હતું.
સ્ત્રી એકદમ ખડખડાટ હસી. નીચે બેસી પડી. એક મોટો પથ્થર ઝનૂનથી ગબડાવી દીધો.
'કેવા મહાન ભ્રમમાં તમે જીવી રહ્યા છો? મને તમારી દયા આવે છે.'
હવે પુરુષ આંચકો ખાઈ ગયો. 'કેટલી બેહૂદી વાત છે, તમારી? દયા તો મને તમારી આવે છે.'
'છટ્ દયા!' સ્ત્રીએ ફુત્કાર કર્યો. 'એ એક શબ્દ છે જેને હું અત્યંત ધિક્કારું છું. એ શબ્દના ઓઠા નીચે માણસ યુગોથી માણસનું શોષણ કરતો આવ્યો છે.'
પુરુષ ટટ્ટાર થઈ ગયો. ભેખડની કિનાર પર ઉભડક પગે બેસી દૃઢ સ્વરે કહેવા માંડ્યું :
'તમારી ભૂલ થાય છે. દયા, કરુણા, પ્રેમ જેવી ભાવનાઓથી જ જગતનું હૃદય ધબકે છે. એના પાયા પર જ ઈશ્વરે વિશ્વની રચના કરી છે.'
પોતાના સ્વરની ઉગ્રતાથી સ્ત્રી જરા પણ ઓઝપાઈ હોય એમ પુરુષને લાગ્યું નહીં. સ્ત્રીના હોઠ વધુ સખતાઈથી બીડાયા. હાથની મૂઠી વાળી એણે હવામાં ઉછાળી.
'આ જગતમાં સ્વાર્થ સિવાય બીજું કંઈ નથી. પ્રેમ, દયા, લાગણી એવાં નામના જુદા જુદા વાઘા પહેરાવવાથી એનું ક્લેવર બદલાય છે. ઈશ્વરનું કનિષ્ઠમાં કનિષ્ઠ સર્જન એટલે મનુષ્ય, એક જંગલી જાનવરથી બદતર... નીચ, હલકટ.'
પુરુષના હોઠ ઉપહાસભર્યા સ્મિતથી ખેંચાયા... 'તમે જિંદગીમાં સુખી નથી લાગતા!'
વળતો જ પ્રશ્નનો ઘા સ્ત્રીએ કર્યો 'અને તમે સુખી છો?'
પુરુષનો ઉશ્કેરાટ શમી ગયો. સંતોષથી એ મલક્યો, 'હા. હું સુખી છું, ખૂબ સુખી છું. કામધેનુની જેમ જિંદગીએ મેં જે માગ્યું છે, તે બધું મને આપ્યું છે.'
'ખૂબ, બહોત ખૂબ.' સ્ત્રીએ પગ પર થપાટ મારી, જોરજોરથી હસવા લાગી. એની આંખોમાં પાણી ભરાઈ ગયાં ત્યાં સુધી એ હસી. પુરુષ છોભીલો પડી ગયો. મોં પર ધસી આવેલા વાળને ઊંચા કરતી એ બોલી :
'અચ્છા, બહોત ખૂબ. તમારી જિંદગીના રંગીન પડદાને ચીરી નાખો. ધ્યાનથી જિંદગીની એક એક ક્ષણને ઉલટાવીને તપાસો, કોણ કહે છે કે તમે સુખી હતા? અરે, તમારી સાથે કેટકેટલા દગા, પ્રપંચ અને જૂઠાણાં ખેલાયાં છે, એનો વિચાર કર્યો છે?'
પુરુષ હેબતાઈ ગયો.
'ના ના ના,' પુરુષ ચીસ પાડી ઊઠ્યો, 'એ જૂઠાણું છે. નરાતળ જૂઠાણું છે.'
તરત સ્ત્રી ગોઠણભેર થઈ ગઈ. એની આંખો હિંસક પશુની જેમ ચમકતી હતી. શિકારીની અદાથી ઝપટ મારી એણે પુરુષનો હાથ પકડ્યો. ઝેરી સાપ શરીર પર આવી પડ્યો હોય એવા એક ઊંડા ભયથી પુરુષ થરથરી ગયો.
'અરે બેવકૂફ, ગાંધારીની જેમ આંખે પાટા દેવાથી શું ખરેખર વિદ્યમાન જગત સદાને માટે અંધકારમાં ગરક થઈ જવાનું છે? જે જે ક્ષણને તેં સુખી ગણી છે, ઊતરડી નાખ એનો ચહેરો. એનું વિકૃત રગતપીતિયું રૂપ જોઈને તું જ છળી જશે! જેને જેને તેં પ્રેમાળ, દયાળુ માન્યાં છે, ચીરી નાક એનાં ક્લેવર અને આંખો ફાડીફાડીને જોઈ લે નરાધમ રાક્ષસોને. તારી જ ભીતરમાં ઊતરીને તું જો... તને બેવકૂફ અને ઉલ્લુ બનાવી તારા અસ્તિત્વની કેવી ક્રૂર મજાક ઉડાડવામાં આવી છે!'
મંત્રેલું પાણી છાંટી, અડદના દાણા એની પર ફેંક્યા હોય એમ પુરુષ ઝાડનાં ઠૂંઠાંની જેમ જડ થઈ ગયો. સ્ત્રીએ પૂરી તાકાતથી એક જ પ્રહારે ભરી રાખેલું મનનું ભંડકિયું ખોલી નાખ્યું. વર્ષોથી ટૂંટિયું વાળીને પડેલા, કોહવાયેલા, દુર્ગંધ મારતાં સ્મરણોનાં ટોળે-ટોળાં ઊભરાઈ ચાલ્યાં. ભીડમાંથી આગળ આવવા, એનું ધ્યાન ખેંચવા ટોળામાં અંધાધૂંધી ને કોલાહલ થઈ ગયાં. પુરુષ ફાટી આંખે આદિવાસી જેવા જંગલી ટોળાને જોઈ રહ્યો. એને જાણે જીવતો સળગાવી દેવા, એનું શેકેલું માંસ ખાવા થાંભલે બાંધી દીધો હતો. ને તીર-કામઠાં લઈ સ્મરણોનું ટોળું તૂટી પડ્યું હતું એના પર.
પે... લ્લી રહી એ યાદ જેને જન્મટીપની સજાની જેમ મનનાં ઊંડા ભંડકિયામાં આજીવન પૂરી દીધી હતી. એ બળવાખોર કેદીની જેમ ટોળામાંથી આગળ આવી છાતી કાઢીને ઊભી રહી.
પુરુષને રૂંવે રૂંવે પરસેવો ફૂટી નીકળ્યો. પ્રેમ... લાગણી... વહાલ... સલામતી... બચપણમાં આમાંથી એ શું પામ્યો હતો? નિર્જીવ પૈસાના ઢગલા પર કુટુંબે બેસાડી દીધો હતો. અતિ સુંદર, ખૂબ શણગારેલા ઘરમાં એ એકલો કીમતી રમકડાંને ચાવી દઈ રમ્યા કરતો. ખૂબ બીક લાગે એવા અંધકારમાં, મોટા એરકન્ડિશન્ડ ખંડમાં ગરમ ધાબળાની હૂંફમાં એને ઊંઘાડવામાં આવતો. હાડમાચ અને લોહીનો એ પુત્ર નહોતો, વંશવારસાનું, કુળના અભિમાનનું એ પ્રતીક હતો.
... અને સૌ શો-કેસમાં ગોઠવેલી સુંદર અજાય વસ્તુની જેમ એના સુખને જોઈ ડોકું ધુણાવીને કહેતા : વાહ, શું સુખ છે! ક્યાંથી લીધું? કેટલામાં લીધું?
પુરુષના ડોળા ચકળવકળ ફરવા માંડ્યા. સ્મરણોને ભગાડી દેવાનો પ્રયત્ન કર્યો. પણ તોફાને ચડી ગયેલા ટોળાની જેમ, નસકોરાં ફુલાવી, સીનો ખેંચી ટોળું ઊભું જ રહ્યું. કોઈ હટવાનું નામ નહોતું લેતું.
ધીમે ધીમે, શબ્દને તોળી તોળીને એનો ઘા કરતી સ્ત્રીનો સ્વર તપેલી ભઠ્ઠી જેવો ઊનો ફળફળતો હતો.
'પૃથ્વી પર એક જ યુગ છે, અંધારયુગ. મોટી માછલી નાની માછલીને ગળે. બળવાન નિર્બળની ડોક મરડી નાખે. મારે જીવવું છે એટલે તારું અસ્તિત્વ ભૂંસીને જ જીવું. આ પૃથ્વી પર ક્યારેય સૉક્રેટિસ, ઈશુ, બુદ્ધ કે ગાંધી જન્મ્યા જ નથી. આ માયાનગરીનો મહેલ છે મૂરખ. જ્યાં સ્થળ છે ત્યાં જળ દેખાય છે, જ્યાં ખૂબસૂરતી છે, એ કુરૂપતાને ઢાંકવાનું રેશમી આવરણ માત્ર છે. માણસો એટલે કશું જ નહીં, ગંદકીમાં ખદબદતા, ધાનના કીડા થઈને જીવતાં પાત્ર જંતુઓ.'
પુરુષના હાથપગ પાણી પાણી થતા હતા. તીવ્ર ડંખની વેદના થતી હતી. ઝેરની આખી કોથળી ઓકાઈ ગઈ હતી. ઝેર ધીમે ધીમે પ્રસરતું હતું. એ પુરુષને બૂમ પાડી પાડીને કહેવું હતું... ખોટું છે... આ સદંતર ખોટું છે. પણ ગળામાં શોષ પડતો હતો. હાથપગ ખેંચાતા હતા. ઝેરથી શરીરનો વર્ણ બદલાતો હતો. એક શબ્દ એનાથી બોલાયો નહીં.
ચોમાસામાં ઊભરાતા, ચીતરી ચડે એવા સાપોલિયાં જેવાં સ્મરણો, સળવળ કરતાં અંગે ચડવા માંડ્યાં હતાં. સખત નફરત અને ઘૃણાથી ઊલટી થઈ જશે એવું મન ડહોળાઈ ગયું. શાંત નિર્મળ પાણીમાં તળિયાનો કાદવ ઉપર તરી આવ્યો.
પુરુષને સૌ પ્રેમાળ, ઉદાર, ભલો કહેતા. એ છૂટે હાથે પૈસા, ફી, કપડાં, ઘર, પુસ્તકો આપતો. લઈ જાઓ. જોઈએ તે લઈ જાઓ. સૌ સુખેથી જીવો.
પણ સુખના ઢાંકણમાં મોટી તિરાડ પડી ગઈ હતી. અને એ ફાટમાંથી એને અંદર સ્પષ્ટ દેખાતું હતું.
... બેવકૂફ, ઉલ્લુ, ઉડાઉ, અણઘડ, અક્કલહીન, હસી-મજાક, આંખ-મીંચામણાં, ફરેબ, દગો... દિલાવરીથી ન્યોછાવર થઈ જવાના સુખની નીચે કેવા કેવા શબ્દો છુપાઈને બેઠા હતા! કોઈ મને સમજતું નથી, એમ મન મોટું રાખી એ અત્યાર સુધી બધું ભૂલી ગયો હતો પણ અત્યારે એને બધું એકાએક સ્પષ્ટ થઈ ગયું. મનની અંધારગલીમાં ક્ષણભર માટે વીજળીના ચમકારથી બધું જ એ સ્પષ્ટ જોઈ શક્યો... કોઈ તેને નહોતું સમજતું એમ હતું જ નહીં. પોતે જ કોઈને સમજી શક્યો નહોતો.
અચાનક દૂરબીન ફેરવીને એ નવેસરથી જોતો હતો. નજીકનું દૂર ધકેલાઈ ગયું હતું. ને જે દૂર, ઘણું દૂર હતું તે અચાનક હાથથી સ્પર્શી શકાય એટલું નજીક આવી ગયું હતું.
ઑહ! કેટલી ઘોર વિટંબણા થઈ હતી એના પ્રેમની, લાગણીઓની! સર્વ સંચિત ખજાનો ક્ષણભરમાં લૂંટાઈ ગયો હતો. અસહાયતાનાં આંસુ એની આંખોમાં ધસી આવ્યાં. કોઈએ અચાનક હાડકાં ખેસવી લીધાં હોય એમ શરીર ચામડીનો લોચો થઈ ગયું, પુરુષે ગોઠણ વચ્ચે માથું ખોસી દીધું.
એક ઘાએ શિકાર કરી, માંસના લોચા ઊતરડતી, પંજો ચાટતી વાઘણની જેમ સ્ત્રી ઘૂરકતી હતી - ભીષણ ભૂખમરો, બધું બાળીને ખાક કરી નાંખતી આગ... કારમો દુકાળ... મા સંતાન વેચે એવી ભૂંડી ભૂખ... જીવલેણ અકસ્માત... ખૂન... મારામારી... તોફાન... અને હજીયે કહે છે, દુનિયા ખૂબસૂરત છે? દુનિયામાં જીવવા જેવું છે શું? ખૂનખાર યુદ્ધો... જીવલેણ શસ્ત્રો.... સત્તાની સાઠમારી....
સ્ત્રીના શબ્દો અસ્ખલિત ધારાની જેમ વહેતા હતા. એનાં પાણી ધસમસતાં હતાં. પ્રવાહમાં ભયંકર ખેંચાણ હતું... ખતરનાક વમળો ઘૂમરી ખાતાં હતાં... પુરુષને બધું ચક્કર ચક્કર ફરતું લાગ્યું. રાક્ષસી જડબાવાળા મગરો... માણસખાઉ માછલીઓ... ઝેરી લીલા-ચટ્ટક સાપ...
ઘેરાયેલા ધુમ્મસની પેલે પાર એક આછો કળાતો, મોહક ચહેરો... એની પ્યારભરી આંખોનું ઈજન... પુરુષે શરીરમાં ચેતનના સંચારનો ભગીરથ પ્રયત્ન કર્યો. પણ તત્ક્ષણ ફેણ પછાડીને એક ડર બેઠો થઈ ગયો. ચહેરો ખૂબ રૂપાળો હતો. કાયા પર આભૂષણો ચમકતાં હતાં.... પણ... એ ચહેરો ખરેખર પોતાને ચાહતો હતો? એની માદક આંખોમાં ઈજન હતું કે અઢળક રૂપની સ્વામિનીનો અહં હતો?
પુરુષનું મન ખડખડાટ હસવા લાગ્યું. અટ્ટહાસ્યથી એના કાન ભરાઈ ગયા. ઘોર વગડામાં, કાળી ચૌદસની રાતે ચુડેલ સામે આવીને ઊભી રહી ગઈ હોય એમ પુરુષના શરીરનું લોહીનું બુંદેબુંદ શોષાઈ ગયું. વાંસા વિનાની ચુડેલ જેવો એ ભય...
દર્પણમાં પોતાની જાતનું પ્રતિબિંબ હતું... કાળો ચાઠાંવાળો, ઢંગધડા વિનાનો ચહેરો, જરા કપાયેલો હોઠ, બેઠી દડીનું આદોદળું શરીર, ધોળા થતા વાળ. રાંટા પડતા પગ....
મન દાંતિયાં કરતું હસી પડ્યું. જોયું? જોઈ લો બરાબર. નીરખી લે તને. હજીયે તું ભ્રમમાં છે કે કોઈ તને ચાહે છે? આ જગતમાં પ્રેમ-ભલાઈ જેવું કંઈ છે જ નહીં.
બંને કાને હાથ દાબી પુરુષ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સૌ કોઈ સીડીના પગથિયાની જેમ એને કચરીને ચાલી ગયા હતા. અને એ સેવાના માનવતાભર્યા ખ્યાલમાં રાચી રહ્યો હતો. સ્વાર્થ... દંભ... બેવફાઈ... ઓહ! આ જિંદગી ફાલતુ છે. માણસમાત્ર નીચ અને હલકટ છે.
ભયની ચુડેલ એને વળગી પડી. એ જિંદગીમાં એકલો હતો. સદંતર એકલો. એનું કોઈ નહોતું. પુરુષે ઉપર જોયું. ચંદ્રને વાદળાએ ઢાંકી દીધો હતો. ઘેરું અંધારું બે મજબૂત હાથોથી એની ગરદન ભીંસતું હતું. શ્વાસ માટે પ્રાણ રૂંધાતા હતા. ઘરે દોડી જવું, એને હચમચાવી પૂછી લેવું? અને જો કદાચ... ના, ના, એ સત્ય નહીં જીરવાય. ઝેર પચાવવું દુષ્કર હતું. ખુદ શંકરે પણ એને કંઠમાં જ ભરી રાખ્યું હતું. તો માણસ તે કોણ? માણસ! છટ્. માણસ એટલે નીચ, હલકટ, માણસ એટલે ધનનો કીડો, જીવવા માટે વલખાં મારતું જંતુ.....
ક્યાં જવાનું? કોની પાસે જવાનું? શું કરવાનું?
'આ... પ... ઘા... ત....'
હિંસક પશુની જેમ પુરુષની આંખો ચમકી ઊઠી. એકાએક એ મોટેથી ખડખડાટ હસી પડ્યો. ફાલતુ જીવનનો અંત. અંગેઅંગ લોહી-પરુ નીગળતી, ખરતાં અંગોવાળી રોગિષ્ઠ જિંદગીનું ગળું દાબી દેવાનું.
પુરુષ ઊભો થયો અને ભેખડની કિનારી પાસે આવી એણે ઊંચે જોયું. વિશાળ બિહામણા રાક્ષસ જેવું આકાશ સહસ્ત્ર આંખોથી એને તાકતું હતું. એને કમકમાં આવી ગયાં. એકલતા વગડામાં માણસની ખોપરી સાથે રમતા તરસ જેવી ચીસો પાડતી હતી. દગો, પ્રપંચ, નીચ, હલકટ માણસોથી ભરેલી દુનિયા જંગલી જાનવર જેવા તીણા નહોર ભરાવતી, માંસના લોચા ખેંચતી હતી.
બસ... બસ... બહુ થયું. માથું ફાટતું હતું... હાથપગ ખેંચાવા લાગ્યા... આંતરડાં હમણાં ઊછળીને બહાર નીકળી પડે... આંખોમાં રણની રેતી ધગધગતી હતી... અસહ્ય હતું આ....
એક ભયંકર ચીસ સાથે પુરુષ દરિયામાં કૂદી પડ્યો.
પાણીમાં ગરક થતી લાશને સ્ત્રી એકશ્વાસે જોઈ રહી. એણે આસપાસ નજર ફેરવી. પવન મીઠું ગાતો હતો. આકાશમાં તેજના દીવા ઝૂકીને તેની સાથે ગોઠડી કરતા હતા. દૂર દૂર શહેરની રોશનીમાં ગજબનાક આકર્ષણ હતું.
સ્ત્રી બે ડગલાં પાછળ હટી ગઈ. પછી જલદી રેતી ખંખેરી એણે ચાલવા માંડ્યું.
શાંતિ, ઘડીક ખળભળી, ધ્યાનસ્થ મુનિની જેમ ફરી સ્થિર થઈ ગઈ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર