એ સાત પગલાં

27 Oct, 2016
12:00 AM

શિવાની ભારડ

PC: allpostersimages.com

ફક્ત સાત જ પગલાં દૂર ઊભી હતી એ, ને હું અવઢવમાં ત્યાં જ જાણે દીવાલમાં ખીલો દીધો હોય એમ જડીને ઊભો રહ્યો. ફિલ્મોમાં થાય એમ જ એની આંખો, એના હોઠ, એનું  સ્મિત અને એના ચહેરા પર મારી નજર ફરતી રહી. હું એને કોઈ દિવાનાની જેમ તાકતો રહ્યો! કદાચ હું બહુ દૂર તો ઊભો ન હતો. એની નજર એક વાર મારી તરફ પડી ને પછી એમ જ ઉડી ગઈ. એના ચહેરા પર ના તો કોઈ ભાવ બદલાયા, કે નહીં એની આંખોમાં ચમક આવી. મારી હયાતીને જાણે એની એક નજરે સાવ નજરઅંદાજ કરી નાખી! હું ફરી અવઢવમાં ત્યાં જ ઊભો રહ્યો તોય એણે મને સાવ જોયો પણ નહીં એવું કેમનું બને? 

પરાગ નાણાંવટી માટે આ પેહલી વાર બનેલી વાત હતી! એ હતો જ એટલો સોહામણો કે એને આદત હતી કે છોકરીઓ એને ફરી ફરીને જોતી! ગર્ભશ્રીમંત ઘરમાં જન્મેલો પરાગ ભણવાની સાથે સ્પોર્ટ્સમાં પણ આગળ હતો. કોલેજની દરેક છોકરી એના નામ પર મરતી, પરાગ જ્યારે કેમ્પસમાં એનું લાલ બાઇક લઇને આવતો ત્યારે છોકરીઓ તો ઠીક છોકરાઓ પણ એની સ્ટાઈલ જોઈને જલી જતા. ઘણી વાર એવું જોવા મળે છે કે ગર્ભશ્રીમંત નબીરાઓ આવી લોકચાહનાનો ઉપયોગ કરી છોકરીઓને ફસાવવાથી લઇ ડ્રગ્સ સુધીનું બધું  જ ટ્રાય કરી લેતા હોય છે. પણ પરાગ કોઈ બીજા જ સંસ્કારો સાથે જન્મ્યો હતો. એના પપ્પા એને મજાકમાં કેટલીય વાર કેહતા કે હવે તો કોઈ ગર્લફ્રેન્ડ રાખ! પણ, એ હસી કાઢતો, મુક્ત વાતાવરણ સાથે ઘણા પૈસા વચ્ચે રહીને પણ એ સર્વગુણ સંપન્ન હતો. એની મા નો લાડલો હતો અને એના આ ગુણ એને એની મા પાસેથી મળ્યા હતા. 

પરાગ વિચારતો રહ્યો… 'એણે  મારી તરફ સરખી રીતે જોયું પણ નહીં? આમ તો છોકરીઓ મારી સાથે વાત કરવા મરતી હોય છે?' એ એના જમણા હાથની આંગળીઓ મસળતો રહ્યો!  જ્યારે એ અવઢવમાં હોય કે કંઈક વિચારતો હોય ત્યારે આંગળીઓ મસળવાની એને આદત હતી.

‘હાઈ…’ 

એ ચમક્યો! ખૂબ આશાઓ સાથે એણે અવાજની દિશામાં જોયું…

‘ઓહ દિશા તું…’

એના મોઢા પરથી લાગ્યું કે એ ભોંઠો પડ્યો. 

‘ના હું નથી! મારુ ભૂત ઊભું છે…’ 

‘ના…એટલે... હા તું જ હવે…’ એ માથું ખંજવાળવા માંડ્યો

‘હા હા, મને ખબર છે કે તું કંઈક બીજું એક્સપેક્ટ કરી રહ્યો હોઈશ. ક્યારની દૂરથી જોતી હતી. તું પેલી છોકરીને તાકી તાકીને જોતો હતો ને?’

‘શું હું? અરે ના રે… હું તો અહીં આદીની રાહ જોતો ઊભો છું…’

‘શું પરાગ તુંય. ઇટ્સ ઓકે… કોઈ વાર તો કોઈ ગમે એમાં તે કોઈ ગુનો નથી કર્યો…’

‘યાર પ્લીઝ, કોઈ ને કહેતી નહીં, એમાંય આદિને તો ખાસ નહીં. એ મારી ઉડાવશે અને આખી કોલેજમાં વાત વહેતી કરી દેશે… તને ખબર છે ને આદિની આદત..?’ 

ધબબ… ‘હાય બેસ્ટીઝ…’  કહીને આદિએ એ બંનેને ધબ્બા માર્યા અને દિશા ચિડાઈ. ‘આદિ તને કેટલી વાર ના પાડી છે મેં? આ હાઈસ્કૂલ નથી હવે, ફરી મને માર્યું તો એક લાફો પડશે…’

‘હા… એવું તું દર વખતે કહેતી હોય છે. પણ એક વાર એને મારી દે તો મનેય એ મારતો બંધ થાય…’ 

હસતા હસતા ત્રણેય મિત્રો એમના ક્લાસ તરફ ગયા…

*****

બીજે દિવસે દિશા સામે જ મળી. એણે ફરી એ જ વાત કાઢી. 

‘જો સાંભળ. મને એનું નામ ખબર છે. પણ હું એને ઓળખતી નથી એટલે તારા વતી હું કંઈ વાત કરવા નથી જવાની એ પેહલા જ કહી દઉં…’

‘અરે પણ, મારે નથી જાણવું કશું જ.’ પરાગ બોલ્યો. 

‘ચલ પરાગ, આવા નાટક તું કોઈ બીજા સામે કરજે. હું 15 વર્ષથી તારી મિત્ર છું. અને તારા કરતા વધારે તને ઓળખું છું. જો એનું નામ ખુશ્બુ છે અને મને એ પણ ખબર છે કે એ આપણી જુનિયર છે. હજી હમણા જ આવી છે.’

‘હમ્મ…’ પરાગ એટલું જ બોલી શક્યો !

દિશા એની સામે માથું ધુણાવી બોલી, ‘પ્લીઝ પરાગ ફૉર વન્સ થોડીક હિંમત કરી એની જોડે વાત તો કરજે. તને પણ હક છે જે ગમતું હોય એ માગવા નો… એને પામવા નો… નાનપણથી જ તને આદત છે તું કદી કોઈ માગણી કરતો નથી ઉપરથી તને કશું ગમતું હોય તો એનેય બીજા માટે જતું કરી દે.

ઘણી વાર સામે ચાલીને પણ કંઈક માગવું પડે છે. ચાલ મને પ્રોમિસ આપ કે, તું એની સાથે વાત કરીશ?’

‘ઓકે બસ… ચલ હવે ક્લાસનો ટાઈમ થઇ ગયો.’

દિશા એની સામે જોઈને હસી. પરાગે સામે સ્મિત કર્યું પણ એ એના સ્મિતનો મર્મ પામી શક્યો નહીં. એણે દિશાની આંખોમાં ધારીને આજ સુધી જોયું જ ક્યાં હતું ? નહીં તો એ જાણી જાત કે એ બે આંખો કેટલા ઊંડાણથી પ્રેમ કરી શકે છે અને કેટલી સહજતાથી એને છુપાવી પણ શકે છે! અમુક અવસરો આવતા જ્યારે એ આંખો બોલકી થઇને બધા રહસ્ય ખુલ્લા કરી દેતી, પણ પરાગ એ ક્ષણ હંમેશાં ચુકી જતો.

*****

ફરી એનો એ જ સિલસિલો ચાલ્યો. એ  જ રોજનો ક્રમ! સાત પગલાંનું અંતર, નજર પડવી અને ઊડી જવી! અવગણના, અવઢવ અને દિશાનો એ જ આગ્રહ! એ જ લોબી અને પાત્રો રહેતા, બસ દિવસો બદલાતા જતા…

એ દિવસે પણ ફરી એ જ ક્ર્મ બન્યો. ખુશ્બુની સખી અનુજાથી હવે ના રહેવાયું. ‘તને ખબર છે એ રોજ અહીં તને જોવા જ ઊભો રહે છે અને તું છે કે રોજ એને જોયો ના જોયો કરે છે. અરે… એ પરાગ નાણાંવટી છે. છોકરીઓ એની એક નજર માટે મરે છે!’

‘તો મરતી હશે. મારે શું?’ એણે છણકો કર્યો!

‘એમ? તને ફરક નથી પડતો? તો પેલી દિશા એની સાથે વાત કરતી હોય ત્યારે તું એને કેમ જુએ છે? તું વાત મારી સાથે કરતી હોય છે, પણ મારા ખભા ઉપરથી તારી નજર ત્યાં જ ફરતી હોય છે.’

ખુશ્બુએ હથિયાર હેઠા મૂક્યા. એમ પણ એ અનુજાથી કશું પણ છુપાવી શકતી નહીં, ‘હા… મને એ ગમે છે, પણ તું તો મને જાણે છે સમજે છે. પણ હું પહેલ કેવી રીતે કરું? સામેથી જઈશ તો લોકો કહેશે કે પૈસા પાછળ પડી છે. એટલે તો એને કોઈ પણ સંકેત આપતી નથી. પણ હા… દિલને એને જોવાની આદત પડી ગઈ છે. અને એમ પણ જો એ મને પ્રેમ કરતો હશે તો પેહલ તો એણે જ કરવી પડશે.’

‘પણ, ખુશ્બુ આમ કેવી રીતે ચાલશે? પ્રેમ તો વ્યક્ત થવાનો અને નમી જવાનો પર્યાય છે. એમાં કોઈ બંધનો નથી, કોઈ નિયમો નથી…’

‘હા, પણ તને મારા કારણો ખબર છે અને અત્યારે તો મારા ભાગમાં બસ રાહ જ જોવાની છે.’

*******

‘દિશા…  દિશા….’

‘અરે શું કામ સવાર સવારમાં બૂમો પાડે છે?’ દિશાએ બારીમાંથી મોઢું કાઢીને પૂછ્યું.

‘અરે મેં નક્કી કરી લીધું છે.’ પરાગે કહ્યું.

‘શું?’

‘હું એને આજે જ કહીશ… જલદી કર. ચાલ મારી સાથે.’

‘અરે! મારે મોડું થશે. તું નીકળ, હું આવું છું…’

‘સારું. જો જલદી આવજે. આજે મોડું નહીં કરીશ…’

પણ દિશાએ ખરેખર મોડું કરી દીધું હતું. ખૂબ જ મોડું!

*****

સાત જ પગલાંનું અંતર હતું ફરી! પણ આ વખતે આંખોમાં અવગણના નહતી, નીતરતો પ્રેમ હતો. નજર એના પર પડીને ઊડી નહોતી ગઈ. એના પર જ અટકી ગઈ હતી… આ વખતે કોઈનો આગ્રહ નહોતો,પણ પ્રેમના ખેંચાણમાં આવી ઊભેલો એક દેહ હતો.  આ વખતે કોઈ અવઢવ નહતી. અચેતન પડેલો દેહ હતો. નજરો એની આંખને મળવા તરસી રહી હતી. પણ એ આંખ હવે કાયમ માટે બંધ થઈ ગઈ હતી. મીંચાયેલી આંખો પણ  જાણે એના જ સપનાં જોતી હતી. આ વખતે કોઈ કારણો નહોતા, બંધનો નજીવા લાગતા હતા અને નિયમો સાવ નકામા. કોઈની પહેલનો આગ્રહ નહોતો, બસ પહેલ ન કરવાની ઊંડી નિરાશા, ઊંડો નિસાસો હતો! 

હવે એ ત્યાં ઊભી હતી, જમીનમાં જડાયેલા કોઈ ખીલાની જેમ! એ જીવતી તો રહી પણ એની જિંદગી એ સાત પગલાં માં જ અટવાયેલી હતી. સાત પગલાં… જીવનની આશાઓ સાથે બંધાયેલા સાત પગલાં. દરેક પગલે જ્યાં નવા સમીકરણો બંધાય એવા સપ્તપદીના સાત પગલાં! કોઈ બાળકે લડખડાતા ભરેલા પેહલાં સાત પગલાં, જે એની મા ને ખુશીથી બેબાકળી બનાવે છે! કોઈ પ્રેમીએ પોતાની પ્રેમિકા સમક્ષ વ્યક્ત થવા લીધેલા સાત પગલાં કેટલા ભારેખમ હશે એ તો એ જ કહી શકે! કોઈ વૃદ્ધે સાવચેતીથી ભરેલા સાત પગલાંમાં દરેક પગલે ઘડપણનો ભાર હશે કે જિંદગીનો અનુભવ?

આજે લોકો એને જોઈને હસે છે. કોઈ દયા ખાઈને કદીક એને એકાદ રૂપિયો આપી દે છે. એ આજે પણ એ જ જગ્યાએ મોટેથી ગણી ને સાત પગલાં ભરે છે. કદીક જોરથી હસી પડે તો કદીક રડવા માંડે… કદીક પરાગના નામની બૂમો પાડે તો કદી એક... બે... ત્રણ..... એમ સાત સુધી કલાકો સુધી ગણ્યા કરે…

દિશા એને ઘણી વાર મળવા આવે. એને સમજાવીને  કોઈ એનજીઓમાં ભરતી કરાવી આપે. પણ એ ફરી ફરીને એજ જગ્યાએ આવીને પોતાના જીવનને સાત પગલાંમાં માપતી રહે… 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.