ત્રિકોણ
(વાર્તાકારઃ ધૂમકેતુ)
શા માટે એ તો કોણ કહી શકે? એમને ક્યાં પોતાના મહાલયનો કોઈ વારસ આવે એની ચિંતા ભરી વાતો ઘેરી રહી હતી? છતાં કોણ જાણે કેમ, એ બંને ચકલાંએ પોતાનું કામ આરંભી દીધું હતું.
રાધાની એ નાનકડી પતરા-ઝૂંપડીના એક ખૂણામાં, એમણે ભગવાન શ્રીકૃષ્ણની છબી જોઈ. એ છબીની પાછળની જગ્યા પસંદ કરીને ત્યાં ઘાસ, રૂ, તણખલાં, સુંવાળાં પીંછાં - આખો દિવસ બંને ચકલો અને ચકલી ઊડતાંઊડતાં લાવે, ને પોતાના ભાવિ મહાલયની રચના કર્યા કરે!
એમના એ મહાલયની રચના શરૂ થઈ. આખો દિવસ એ પોતાના કામમાં પડી ગયાં. કામ ચાલતું રહ્યું.
સામે એક મહાલય હતો. સાચેસાચા અર્થમાં મહાલય હતો. એવી એની વીજળી-રચના હતી. ત્યાં પંખા ફર્યા કરતા. એની આરસ છાઈ બેઠકો ઉપર ઊંચા પ્રકારનાં આસનો પથરાયેલાં હતાં. પંચોતેર-પંચોતેર હજારના કોઈ મુંબઈના શ્રીમંતને ત્યાં જોયેલા, એવા ગાલીચા પણ મહાલય-માલિક ત્રિલોકપતિએ વસાવ્યા હતા. એ ગાલીચા ઉપર જ્યારે મેંદીરંગને હંફાવે એવી મોહિનીની પગપાનીઓ પહેલી વખત ત્રિલોકપતિએ જોઈ. ત્યારે એ તો જોઈ જ રહ્યો - એના મનથી એ અદ્દભુત સૌંદર્ય જોતો હતો. સામે લટકાવેલો અરીસો એની મોહછબી પ્રગટ કરતો હતો. અને એ મોહછબીને જાણે મેણાંટોણાં મારતાં હોય તેમ પેલાં બે ચકલાં, એ અરીસાની સામે બેસીને એને ચાંચ માર્યા કરતાં હતાં. એમના મનથી તો એ અરીસામાં પેસીને ગુપચુપ બેસી ગયેલાં, પોતાનાં જ બે જાતભાઈઓને બોલાવી રહ્યાં હતાં કે બહાર તો આવો ! જોવા જેવું તો આ જગત છે. અરીસામાં શું બેઠાં છો?
અરીસો હતો ઘણો મોટો અરીસો, એટલે એ બે ચકલાં દિવસનો ઘણો વખત ત્યાં બેસતાં. ને પછી ઝૂંપડીમાં રચાઈ રહેલા પોતાના મહાલયની વાત સાંભરે, એટલે ઘાસ-તણખલાં લેવા દોડ્યાં જતાં!
અને એ આખો વખત પેલી રાધા - એ પણ પોતાનું કામ કરતી હોય. કાં ઠામણાં ઊટકતી હોય, કાં સંજવારી વાળતી હોય. કાં લૂગડાં ધોતી હોય, કાં સીવતી હોય. પણ એક નાની સરખી ટોપલીમાં સુવરાવેલા પોતાના બાળકને એ વખતે પણ એ હીંચોળ્યા કરતી અને આવડે એવાં ગીત પણ સાથેસાથે ગાયા કરતી. એનો એ બાળક- નામ તો એનું કોણ જાણે શું હશે? પણ નાનકો કે પ્રેમકો : પ્રેમકો ઠીક છે એ પ્રોમકો પણ, માના હેતભર્યા અવાજને જાણે ઓળખી ગયો હોય તેમ, પેલી ભંગાર ટોપલીના ગાભા ઉપર પડ્યો પડ્યો, માનાં પ્રેમગીત સમજતો હોય તેમ, આનંદભર્યા અવાજે હિલોળા દેતો, જવાબ વાળતો હોય!
ચકલાં પોતાનો મહાલય રચી રહ્યાં હતાં, ભાવિમાં એમને ત્યાં આવનારા એમના વારસ માટે. રાધા પોતાના પ્રેમશિશુને હીંચોળી રહી હતી - પ્રેમભરેલી ગીતોની હલક સાથે. ત્રિલોકપતિ જોઈ રહ્યા હતા, મોહિનીની પંચોતેર હજારના ગાલીચા પર પડતી, લાલ ચટક મેંદીરંગી પાનીને - પ્રેમથી, મોહથી, માયાથી, લાલસાથી, અતૃપ્તિની હવાથી,
આવો એક નાનકડો ત્રિકોણ, વિશાળ દુનિયાના ગોળમાં, ત્યાં રચાઈ રહ્યો હતો.
રાધાનાં ગીતોમાં પ્રેમ ભરેલી હલક રહેતી. પણ પ્રેમ ભરેલી હલક કરતાં કાંઈક વિશેષ પણ એમાં હતું. અને એ વિશેષ જ મહત્ત્વનું હતું.
એનો પ્રેમકો માંડ છ મહિનાનો હશે, પણ એ પોતાના બંને પગ ખોઈ બેઠો હતો. એના બંને પગે પાટા હતા. એ અત્યારથી જ લંગડો થઈ ગયો હતો. પણ તેથી જ હશે, કે કોણ જાણે કેમ, રાધાના ગીતમાંથી તો પ્રેમવર્ષા વરસતી રહેતી. પણ એ ક્યારેક કામ કરતી ન હોય કે ગાતી પણ ન હોય - માત્ર પેલી ટોપલીને આમથી તેમ હલાવતી હીંચોળતી હોય - ત્યારે પણ, એના હાથમાંથી જાણે ગીત વહેતાં હોય એમ જોનારને લાગે. અને એ કોઈ સમજે કે ન સમજે, પણ પ્રેમકો સમજી જતો. ત્યાં ટોપલીમાં પડ્યો પડ્યો એ, એના હાથગીતોનો જવાબ વાળતો હોય તેમ, આનંદભર્યા ઘુઘવાટા દેતો હોય ! જાણે કેમ માનાં ગીતો સાંભળતો હોય - એના વહાલભર્યા હાથમાંથી !
ગમે તે કામ હોય ને ગમે તેટલું કામ હોય, પોતાના હાથથી પ્રેમકાને હીંચોળ્યા વિના, રાધાને ચેન જ ન પડે. એટલે એના હાથમાંથી પણ આ પ્રેમવાણી બોલાતી રહેતી.
પણ એક દિવસ આ કલ્લોલતો પ્રેમકો તદ્દન મૂંગો થઈ ગયો હતો.
પેલી ટોપલી ત્યાં હતી, પોતે અંદર રમતો હતો. સૂતો હતો તેમ જ સૂતો હતો. એના બંને પટાવાળા પગ પણ હતા તેમ જ હતા. બીજો કોઈ ફેરફાર ન હતો. ખુશનુમા હવા પણ હતી.
- પણ રાધાના પ્રેમવર્ષા વરસાવતા હાથને બદલે, એને અત્યારે હીંચોળી રહ્યા હતા - બીજા બે હાથ નહિ - બે પગ ! આજ એનો બાપ ત્યાં એને હીંચોળવા બેઠો હતો. અને એ કાંઈક ભેદભરમભરી એક નાનકડી ચોપડી વાંચતો હતો. એમાં એ તલ્લીન હતો, એને રસ પડ્યો લાગતો હતો. એટલે એક તકિયા જેવાને અઢેલીને, એ લાંબો પડ્યોપડ્યો પોતાના બે પગથી પ્રેમને હીંચોળી રહ્યો હતો. બે પગથી, એક હાથથી પણ નહિ !
અને પ્રેમવર્ષાભરી હાથવાણીની ગીતપંક્તિઓને ટેવાયેલો પ્રેમકો, આ ફેરફારથી મૂંઝાઈ ગયો હોય તેમ, તદ્દન મૂંગો શૂન્ય જેવો બનીને ત્યાં છાનોમાનો પડ્યોપડ્યો હીંચકતો હતો. પણ એ સમજી ગયો લાગતો હતો કે આજ એને કોઈ હીંચોળતું નથી. આજ એને કોઈક હલાવી રહ્યું છે - આમથી તેમ !
અને એ જ વખતે પેલાં બે ચકલાં, ત્યાં અંદરના ભાગમાં, પેલી ભગવાન શ્રીકૃષ્ણની છબી સામે સૂનમૂન બેસીને ટગર-ટગર જોયાં કરતાં હતાં.
અને નીચે એમનાં અકાળે પડી ગયેલાં ઈંડાની સામે જોઈ રહ્યાં હતાં. કેમ થયું એ એ સમજતાં ન હતાં. પણ અકાળે તૂટી ગયેલા એમના મહાલયનો ભંગાર પણ નીચે પડ્યો હતો ને એમાં રહેલાં ઈંડાં ફૂટી ગયાં હતાં !
અને પેલા સામેના મહાલયમાં ત્રિલોકપતિ પણ આજે, પેલી મેંદીભરેલી પાનીને નિહાળતા ન હતા. પણ ત્રિલોકપતિ અને મોહિની બંને મૂલ્યવાન સોફા સેટમાં બેસીને, ચા પીતાંપીતાં,, ધીમેધીમે વાતો કરી રહ્યાં હતાં. ત્રિલોકપતિ બોલતો હતો : 'મોહિની! આપણે ભૂલ કરી નાખી. વિજ્ઞાનનાં સાધનોની વિપુલતા છતાં, વહેલી લપ આપણે ત્યાં જ આવી ગઈ. મૂરખાઈ આનું નામ!'
અને વિશાળ ગોળ દુનિયાના. આ એક નાનકડા ત્રિકોણની સૃષ્ટિ જોઈને. કેટલાક ભ્રમર, ફૂલમાયામાં પુરાવું કે ન પુરાવું. એનો વિચાર કરતા હોય તેમ, ઘડીભર પોતાનું ગુંજન બંધ કરીને શાંત થઈ ગયા હતા !
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર