બે સૂર
સંગીતના ક્ષેત્રમાં હોવાથી એનું જીવન મધુર નહોતું. ક્યાંકને ક્યાંક જીવનનો કોઇકને કોઇક તાર એના લયમાં વાગતો નહોતો એટલે અંતે એણે દિવસોના દિવસો સુધી પોતાને નજરકેદ રાખ્યા પછી ફોન ચાલુ કરીને અવનીને લગાડી જ દીધો. ફોન ઉઠાવતાની સાથે જ અવનીએ ફરીયાદ કરી કે તને આ થઇ શું જાય છે ? આ સવાલની સાથે સાગર ઊંડા પેટાળમાંથી ફેંકાઇને સપાટી પર આવ્યો અને તેની ગ્લાનિ અદૃશ્ય થઇ ગઇ. સાગર હવે ફરીથી તરોતાજા સાગર હતો અને એણે કહ્યું, 'છોડને એ બધું. તને તો ખબર છેને કે મને આવા દિલના દોરાની જેમ દિમાગના દોરા પડતા હોય છે. સાંજે સેફરન ચા પીએ?'
અવની માટે વહી ગયેલી હર પળ એક યુગ બની જતી હોય અને કાંઇ ક્યારેય થયું જ ના હોય, ક્યારેય કોઇ વાત બગડી જ ના હોય કે બની જ ના હોય એમ સહજતા તેને ઘેરી વળતી. એણે તરત જ જવાબ આપ્યો. 'અફ કોર્સ. ઘણા દિવસથી સેફરનની ચા મેં પણ પીધી નથી.'
*******
આજે આટલા વર્ષો પછી તે વડોદરા આવ્યો છે. સેફરન પર જઇને એકલો બેઠો છે ત્યારે તેને એક દસકા પહેલા બનેલી બધી ઘટનાઓ પુરપાટ વેગે ફરી જીવંત થતી લાગે છે. હા એ સાંજે પોતે અવનીને મળવા ગયેલો. અવની ભૂલી ગયેલી કે સાગર ઘણા દિવસથી પોતાનો સેલફોન બંધ કરીને રૂમમાં પુરાઇને બેસી રહેલો. પણ એણે રાહ જોયેલી કે અવની એને પૂછે કે એને શું થયેલું. અવનીએ કોઇક વાત નીકળતા એને ચીટ્યો ભરીને પૂછેલું પણ ખરું કે થયું તું શું ? અને સાગરની માત્ર ઇચ્છા હતી કે અવની પૂછે, બસ એટલું જ. એને ક્યાં જવાબ આપવો હતો, એની પાસે ક્યાં જવાબ હતો ?
*******
સાગર ફરી પાછો એના શહેર જુનાગઢ જાય છે. વડોદરાની એની બિઝનેસ ટ્રીપ કેટલી સફળ રહી એ એને ખબર નથી પણ જીવન ટ્રીપ સફળ રહી હતી કારણ કે એને પરત આવ્યાના માત્ર બે દિવસમાં જ એક નિર્ણય પર આવવું પડે એવી પરિસ્થિતી હતી. એની મ્યુઝિક મેલોઝનો એક સાથી અને એનો ખાસ મિત્ર ધંધામાં ભાગીદાર થયા પછી સતત એની વિરૂદ્ધમાં લોકોની પાસે ઝેર ઓકવાનું કામ કરતો હતો.
*******
વડોદરાથી જુનાગઢ પરત થયાના બે દિવસમાં જ સાગરે જે નિર્ણય લેવાનો હતો એ નિર્ણય એણે લીધો કે ગમા-અણગમાથી પર સબંધનું, એકબીજાની સાથે એકબીજાના રાજી-ખુશીથી જોડાયા હતા એ વાતનું મહત્ત્વ છે અને એટલે જ જોડાવા માટે જેમ બંને વ્યક્તિઓની રજા જોઇએ તેમ છૂટા પડવા માટે પણ બે વ્યક્તિઓની રજા જોઇએ. સાગરે એ રજા ના આપી અને એટલે જ મ્યુઝિક મેલોઝનો એનો સાથી એટલે કે મિલન અને સાગર બંને એમણે બનાવેલી ધુનને શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ પ્રાપ્ત થયો તે લેવા મુંબઇ જઇ શક્યા. સાગરને સ્ટેજ પર એને મળેલા એવોર્ડની ખુશી વ્યક્ત કરવાની હતી અને સ્ટેજ પર જઇને એ ઊભો રહી ગયો. એની અંદર લાંબો સંવાદ ચાલ્યો પણ વ્યક્ત ના થયો. ૨-૩ મિનિટના મૌન બાદ એ માત્ર થેંક્યુ બોલી શક્યો. આ થેંક્યુ એવોર્ડ આપનારને, એના આયોજકને કે એને વધાવતા પ્રેક્ષકોને નહોતું, એ થેંક્યુ એણે અવનીને કહેલું.
અવની સાગરને મળી એ પહેલા મયંકની ક્લાસમેટ હતી. બંને વચ્ચે મિત્રતા થઇ અને મિત્રતા પ્રેમમાં પરિણમી. મયંક પોતાની કરિયર શરૂ કરવા માટે વડોદરાથી દિલ્હી ચાલ્યો ગયો અને અવની વડોદરામાં જ રહીને ઉચ્ચ અભ્યાસ કરવા લાગી જ્યાં તેને સાગર મળ્યો. સાગર અને અવનીની મિત્રતા થઇ અને સાગર માટે એ મિત્રતા પ્રેમમાં પરિણમી. અવની પોતાની બધી જ વાત સાગરને શેર કરતી જેમાં એણે એ પણ શેર કરેલું કે મયંકથી એને શું શું ફરીયાદો છે. સાગરને લાગતું કે આ ફરીયાદો હોય તો અવનીએ મયંકને છોડી દેવો જોઇએ. એક તરફ ફરીયાદ અને એક તરફ પ્રેમ એ બંને કેમ સાથે પાંગરી શકે એવું સાગરને ત્યારે લાગતું. સાગર આવું વિચાર્યા કરતો હોવા છતાં ક્યારેય અવનીને કહી ના શક્યો અને એ પણ ના કહી શક્યો કે તે અવનીને કેટલો પ્રેમ કરે છે.
સમય જતા એણે જોયું કે એ પોતે અવનીને ખુબ જ ચાહતો હોવા છતાં એને પણ અવનીથી ફરીયાદો છે. પહેલી ફરીયાદ એ હતી કે તે શા માટે મયંકને છોડી નથી દેતી. અને આ સમજતાની સાથે જ તેને સમજાયું કે બે સૂર અલગ-અલગ જ રહેવાના અને એ સૂર સાથે મળીને સંગીત પણ ઉત્પન્ન થવાનું છે, ભલે બંને રહ્યા ભિન્ન. અને આ સમજની સાથે જ સાગરે જીવનને આગળ ધપાવ્યું. મ્યુઝિક મેલોઝના એના સાથીને એની વિરૂદ્ધ હોવા છતાં છોડવાની પહેલ ના કરી અને એ સાથ જ અંતે સાર્થક સિદ્ધ થયો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર