અમે રે ઊડણ ચરકલડી

19 Mar, 2017
12:00 AM

PC: elephantjournal.com

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

મારા વહાલા,

હું શું લખું? બહુ મૂંઝાઉં છું. આ તમારી મસિયાઈ બેન રમાએ સમ દીધા એટલે લખું છું ને મારા અક્સરની મશકરી કરશો નહીં. તમે મુંબઈથી રજામાં અંઈ આવ્યા'તા ને મેં ધનતેરસે પેલી વાર જોયા'તા ને ઈ ટાણે જ મારી છાતી તો ધડકી ગઈ'તી ને હું લાપસીનું ભૈડાવવા જોતી'તી. રાતેય જાતે તમે જ દેખાઓ. તમારા સમ. ખોટું નથી કેતી. તને રયા એટલા દિવસ રોજ બપોર ચડીને તમે રમેશને ઘેર પત્તાં રમતા ઈ લપાઈને જોતી'તી. મેં સતનારાયણની કથાય માની'તી કે જો તમારી હારે... મને જો બળ્યું લખતાં... પણ આ રમલી પરાણે લખવાનું કે' છે. ઈ મૂઈએ શું જાદુ કર્યું'તું કે મારી બા તમારે ઘેર માંગું લઈને આવી કે તમારા કાકા ને બાપુજીએ હા પાડી દીધી ને તમારે ઘેર તમારી બા નંઈ એટલે મારી બાને સંકોચ થતો'તો ને તમારા કાકાએ શરત મેલી છે કે અમારો છોકરો ભણવામાં હુંશિયાર છે. શેરમાં ભણે છે તો શાંતાએ ભણવું જોશે. તે મેં ક્યાં ના પાડી છે અને તમે કેશો ઈમ કરીશ. મારા વહાલા, અંબામાને વીનવું છું કે મજામાં રૂયો ને ખૂબ ભણો. કાગળ નક્કી લખજો રમેશને ઘેર, ઈ મને દઈ દેશે.

એ લિખીતંગ શાંતાનાં પ્રણામ.

* * *

પ્રાણપ્રિય અનંત,

કાલે જ તમારો પત્ર મળ્યો ને હૈયું હાથ ન રીયું ને તરત જ કાગળ લખવા બેસી ગઈ. તમે કોલેજમાં પેલા આવ્યા ને મને કેટલો આનંદ થયો ! ઘરમાં તો મોં બંધ રાખીને રેવું પડે. બીજા કોને કહું? બપોરે ઘર જંપી ગયું ત્યારે દોડીને રમાને ઘેર ગઈ ને એને કાંઈ ભેટી પડી છું! ને રમલી ઘણી બૂમો મારે હું કાંઈ તારો વર છું? મને છોડ. પણ સાચ્ચું કહું તો ઈ ઘડીયે તો મને એવો જ ઉમળકો આવી ગયેલો હોં કે!

તમને વચન દીધા પ્રમાણે દશ ધોરણ સુધી તો ભણી ને તમે આગળ ભણવાનું લખો છો પણ ઈમાં હું શું કરું? આંઈ સગવડ જ નથી. ને બાજુના શેરમાં મને કોણ ભણવા જવા દે? તમારા કાકા બાપુજી મારી બા બધાં વડીલો ઘસીને ના પાડે છે. તે ભલે ના પાડે, મનેય હોં છે ને તમનેય છે. ને લગન પછી તો કોઈ કાંઈ કહેવાનું છે? તમ તમારે તમે જ ભણાવજો.

મારી વાની તબિયત ગરમ રે' છે, એટલે હવેલીએ પૂજાનું પાણી ભરવા જાઉં છું. હમણા તમારા કાકા રોજ મારે ઘેર આવે છે ને બધાં ભેગાં થાય છે ને લગનની વાતો ને વેવાર નક્કી થાય છે. મને તો ઈ શેમાંય રસ નથી મને તો રાત દિ' તમારાં જ સપનાં આવે છે ને નદીની દેરીએ તમે મને પકડીને ઊભા છો એમ માની હું પાણી પાણી થઈ જાઉં છું. તમે લખ્યું છે કે મારી આંખો તમને બહુ ગમે છે. હું મેશ આંજવા અરીસામાં જોઉં ત્યારે મારી આંખમાં મને તો તમે જ દેખાઓ છો.

કાગળ લખવાનો તમારો દાવ છે હવે. બાને ખબર તો પડી ગઈ છે કે આપણે કાયમ એકબીજાને કાગળ લખીએ છીએ. તો તમે હવેથી મારે ઘરને સરનામે જ કાગળ લખજો. હવે તો જાન લઈને આવો એની જ વાટ જોઉં છું.

લિખીતંગ તમારી જ શાંતાનાં પ્રણામ વાંચશો.

* * *

પ્રિય સ્વામીનાથ,

પિયર આવી છું પણ ક્યાંય દિલ લાગતું નથી. મારી બાની તબિયત બગડ્યાનો કાગળ નો આવ્યો હોત તો કાંઈ આવત નહીં. છો કે' બધા વરઘેલી.

હમણાં રમા જીઆણું કરવા આવી છે એટલે મળવા બેસવાનું ઠેકાણું થાય. બાકી બેનપણીઓ તો બધી ક્યાંની ક્યાં પરણીને ગઈ હોય! અમારો સ્ત્રીઓનો અવતાર ! આપણાં લગ્નમાં મારી બેનપણીઓ ગાતી'તીને 'અમે રે ઊડણ ચરકલડી,ઊડી જાશું પરદેશ જો' આ તો મારું ઘર તોય તમારી માયા વિસરાતી નથી. આપણું ઘર ને કેવી સગવડ, નોકર. સાચ્ચે ક્યાં શે'રની સુખી દુનિયા અને ક્યાં ગામડાંની ધૂળ હેં!

મારી બાને હવે સારું છે, એટલે બે દિવસ તમારાં કાકી મને લઈ ગ્યાં'તાં. મને કયે તારાં રૂપગુણ જોઈને જ તને પસંદ કરી'તી. બાકી વિધવા ગરીબ બાઈની દીકરીનો હાથ શું કામ ઝાલીએ? અમે તો તારી પર રાજી છીએ. પણ હું તો કહું છું કે મેં ગોરમા પૂજ્યાં'તાંને એટલે તમે મને મળ્યા.

બીજું ખાસ લખવાનું છે, પણ લખતાં શરમ આવે છે, મારી તબિયત સારી રેતી નથી. રાંદલમાઁ રીઝ્યાં છે ને ખોળો ભરાશે. બસ, એટલામાં સમજી જાજો ને મને તેડાવવાનો ઝટ કાગળ લખજો.

મને અંગરેજી બોલતાં ચાલતાં બધું શિખવાડે છે તે ખ્રિસતી બાઈનેય યાદ દેજો. ને જલ્દી કાગળ લખજો. ઉજાગરા કરીને તબિયત બગાડતાં નહીં. તમારા વિના સોરવતું નથી.

લિ.

તમારી વહાલી શાંતાનાં અનેક ચુંબનો

* * *

પ્રિય હૃદયનાથ,

આજે જ તમારો દિલ્હીથી લાંબો કાગળ આવ્યો અને હું ઘેલી ઘેલી થઈ ગઈ. તરત જ કાગળ લખવા બેઠી. બહારના રૂમમાં મિસ જોન બેઠી બેઠી હસે છે. પણ મને શી શરમ? બેડરૂમ બંધ કરીને એકલી પડી ત્યારે જ ખ્યાલ આવ્યો કે શું લખવું એ જ સૂઝતું નથી.

તમે મારા માટે શું શું ખરીદ્યું એનું વર્ણન કરો છો, પણ મને તો તમારામાં જ રસ છે. પ્રિયતમ ! તમે ક્યાં જાણતાં નથી ? નાનકડો મયૂર પણ તમને ન જોતાં પપ્પા પપ્પાનું જ રટણ કરે છે.

કાલે જ સાંજે ઘણાં પુસ્તકો ખરીદી લાવી છું. મિસ જોન ચિડાઈ ગયેલી, કારણ કે પુસ્તકો ગુજરાતીમાં હતા. તમે પણ ગુસ્સે થશો, પણ વાંચનથી મને એકલતા સાલતી નથી. છતાં તમારી ખોટ તો શી રીતે પુરાય? પત્ર લખજો.

લિ.

શાંતાનાં સ્મરણો

* * *

પ્રિય અનંત,

કાલે રાત્રે તમારો કૉલ હતો. પણ તમે મને જાણો જ છો, ફોન પર પહેલેથી જ મને વાત કરતાં ફાવતી નથી. અરીસામાં જોઈ ચુંબન કરતાં હો એવું લાગે. ટેલિફોનથી હૃદય ભરાતું નથી. તમે મારી પર શહેરી જીવનનો ઢોળ ચડાવો તોય મારા મનમાં તો હજી ગામડાનાં લીલાછમ ખેતર જ લહેરાય છે. સાચું કહું? 19મા માળના આપણા આલીશાન ફ્લેટના બેડરૂમની બારી પાસે બેસી આ પત્ર લખી રહી છું. ઢળતા સૂરજની લાલિમામાં દરિયો અદ્દભુત લાગે છે. ઘડીભર લખવાનું ભૂલી એ દૃશ્ય જોયા કરું છું, પણ મારા મનમાં તો વહે છે આપણા ગામની બીજની બંકિમ રેખા શી નદી, એને કાંઠે કોઈ વિસરાયેલી સતીમાની દેરી અને એ દેરીની પાછળ એકબીજાના ગાઢ આશ્લેષમાં ઊભેલાં હું અને તમે.

તમે બિઝનેસ માટે બહારગામ જાઓ ત્યારે તમે ફુરસદ હોતી નથી. અને એટલે જ તમારો કોલ આવ્યો ત્યારે આશ્ચર્ય અને આનંદ બન્ને થયાં.

એમ જુઓ તો અહીં પણ તમને ભાગ્યે જ નવરાશ મળે છે. તમારું ધ્યાન ખેંચવા મેં આપણા રૂમમાં ફેરફાર કર્યો હતો. પછી મેં તમને પૂછ્યું હતું, યાદ છે? પણ તમને કશી ખબર પડી નહોતી.

મયૂરની પરીક્ષાના પરિણામનો રિપોર્ટ આવી ગયો છે. એમાં શું કહેવાનું હોય? હોશિયાર પિતાનો હોશિયાર પુત્ર. ચોથા ધોરણનાં બધાં ડિવિઝનમાં પહેલો આવ્યો છે.

મારી તબિયત સારી નથી રહેતી. ડૉક્ટર પાસે નિયમિત જાઉં છું એટલે એ ચિંતા કરશો નહીં. રુક્ષ્મણીબાઈના મેટરનિટી હોમમાં આજે જ નામ લખાવ્યું. કામની દોડાદોડી ન કરશો. ડૉક્ટરે ચેતવણી આપી છે તે યાદ રાખજો અને કોલેસ્ટરેલ વધે એવો ખોરાક ન લેશો. બહારગામ જવાનું ઓછું રાખો તો મને ગમે.

કૉલ કરી ફ્લાઈટ નંબર જણાવજો. એરપોર્ટ પર ગાડી મોકલીશ.

તમારી શાંતાની યાદ

* * *

પ્રિય રમા,

ઘણે સમયે તને પત્ર લખું છું. કદાચ મારા અક્ષર પણ નહું નહીં ઓળખી શકે, અક્ષર જ નહીં, મારામાં ઘણું બદલાઈ ચૂક્યું છે.

કેટલાં વર્ષો પહેલાં તું મુંબઈ આવેલી ! મયૂરના જન્મ વખતે ! યાદ જ હશે. ત્યારે ન તો તારી સાથે પૂરું બેસી શકાયું, ન વાતો થઈ શકી હતી. હુંયે મારા વિસ્તરતા જતા વૈભવની પકડમાંથી મુક્ત થઈ ત્યારે ત્યાં નિરાંતે નથી આવી શકી.

આજે તારા સિવાય કોને લખું? મારી બા મૃત્યુ પામી છે. અમારું કહી શકાય એવું હતું જ કોણ? અનંત બે કલાક માટે આવી ચાલી ગયા. ગામલોકો વીખરાઈ ગયા. પછી મોડી રાત્રે અંધારિયા ઘરના ફિક્કા પ્રકાશમાં તને આ પત્ર લખી રહી છું. અહીં આ જ ઓરડામાં બાનો મૃતદેહ કાલે સુવડાવ્યો હતો. બા કેટલી શાંતિથી સૂતી હતી! નાનકડા ગામડાની એક અભણ વિધવા સ્ત્રી. જીવન સામે ઝઝૂમવાનું આવું બળ એણે ક્યાંથી મેળવ્યું હશે?

આજે પહેલી જ વાર મને સાંભરે છે... પતિના મૃત્યુ પછી ઘરના ખૂણામાં બેસી રહી રડવાને બદલે નાનકડી દીકરીને સ્વમાનભેર ઉછેરવા ગામના શિવમંદિરના ફળફળતા ચોકમાં, કૂવેથી પૂજાનું પાણી બેડે બેડે સારતી બા... એની કૃશ કાયામાં આ તપશ્ચર્યાનું બળ કેવી રીતે સીંચાયું? કે પછી જન્મોજન્મના સંસ્કારનાં સુષુપ્ત બીજ અચાનક ધરતી ફાડીને એની મેળે ઊગી નીકળતાં હશે?

આજે નવી નજરે બાને જોઉં છું અને બાના મૃત્યુનું દુઃખ શતગણું અનુભવું છું. આજે હું એક માતા તરીકે, સ્ત્રી તરીકે બાને સમજી શકી છું ત્યારે જ બા ચાલી ગઈ છે. જે ક્ષણે વ્યક્તિને પામીએ એ જ ક્ષણે એને ગુમાવી દઈએ એ વેદનાની શૂળ કેવી ઊંડી ઊતરી જાય છે!

નાનકડી શ્યામા. મારી બાજુમાં બેસીને મને જોયા કરે છે. એને વાચા નથી, એ સાંભળી શકતી નથી. પણ એના હૃદયની ઉષ્મા હું પ્રતિપળ અનુભવી શકું છું. જાણે શ્યામાના જન્મ સાથે જ મારો પણ પુનર્જન્મ થયો છે.

તું મજામાં હોઈશ. તારા પતિને મારી યાદ આપજે. તારાં બાળકોને ખૂબ ખૂબ પ્યાર. ક્યારેક તારા વ્યસ્ત જીવનમાંથી સમય મેળવી, એકાદ પત્ર લખશે તો મને ખૂબ આનંદથશે. અને મુંબઈ આવો તો એથી રૂડું શું?

એ લિ.

તારી સખી શાંતાનાં સ્મરણ

* * *

પ્રિય અનંત,

ઘણા દિવસો થઈ ગયા તમારી વર્લ્ડ ટૂરને. તમારો ન પત્ર છે, ન કૉલ. તમે જે હોટલનું સરનામું આપ્યું હતું, ત્યાં આ પત્ર લખી રહી છું. તમને કદાચ આ પત્ર મળે કે ન પણ મળે.

તમારા આગ્રહ છતાં હું સાથે ન આવી, તેથી તમને મનદુઃખ થયું હતું એ જાણું છું. એથી રિસાયા છોને મારા પર? પણ તમે જ કહો હું શું કરું? શ્યામાને મૂકીને લાંબો સમય જવું મારા માટે શક્ય નહોતું. એની ભાષા, જરૂરિયાતો અને લાગણી હું જ સમજી શકું છું. એને સાથે લઈ લેવાની વાત તમને જચી નહોતી, એ તરત મારા ખ્યાલમાં આવ્યું. તમારે જે રીતે ત્યાં રહેવું હતું, એમાં શ્યામાનું સ્થાન નહોતું. તમને કદાચ ખબર નહીં હોય, શ્યામા સુંદર ચિત્રો દોરે છે. એની શાળાના શિક્ષક એની પ્રગતિ પર ખૂબ ખુશ છે. ડીફ એન્ડ ડમ્બ આર્ટિસ્ટનું ચિત્રપ્રદર્શન કલકત્તામાં છે, તેમાં મુકાવા માટે શ્યામાનું ચિત્ર પસંદ થયું છે.

મયૂરને તમે પત્ર લખવાનું કહ્યું છે. પણ હું જાણતી નથી એણે લખ્યો છે એ નહીં! તમારા જ પેગડામાં એનો પગ છે. બુદ્ધિ જ એને મન જગતનું અંતિમ સત્ય છે અને એટલે જ શ્યામા સાથે એને ફાવતું નથી, કારણ કે શ્યામા હૃદયની ભાષા જાણે છે. મયૂરનો સંબંધ વાણી સાથે છે, શ્યામાનો મૌન સાથે.

તમે ક્યારે પાછા ફરશો એમ આસુસ્તાથી લખું તોય તમે જલદીથી પાછા થોડા જ આવશો? છટાપૂર્વક લખી-બોલીને બિઝનેસ પાર્ટીઓમાં તમારી પત્ની તરીકે પ્રભાવ પાડી શકું એ માટે તમે મને વિદ્યાનો રાહ વર્ષો પહેલાં ચીંધ્યો હતો એ યાદ છે ને! મારા અંગ્રેજીની કસોટી કરવા અનુવાદ માટે મિસ જૉને મારા હાથમાં રામકૃષ્ણ પરમહંસનું જીવનવૃત્તાંત મૂકેલું. ભૂલથી એમ બન્યું હશે અને દીવાથી દીવો પ્રગટે એમ એ એક પુસ્તકે એવાં બીજાં અનેક પુસ્તકોનો પરિચય કરાવ્યો. મિસ જૉને અજાણતાં જ ફરી એક વાર મારા જીવનને પલટી નાંખવામાં મને સહાય કરી. આજે આટલી એકલતા જીરવી શકું છું એના જ પ્રતાપે.

કદાચ આ પત્ર લાંબો થઈ ગયો છે. પણ અહીં હો ત્યારે આવી વાતોનો અવકાશ જ ક્યાં રહે છે? તમે કુશળ હશો. તબિયત સાચવશો. અહીં રહીને કહું કે ખાવાપીવામાં સંયમ જાળવજો. તેથી તમને કશો ફેર પડવાનો નથી એ હું જાણું છું. છતાં -

લિ.

તમારી શાંતાની યાદ

* * *

પ્રિય રમા,

તારો પત્ર મળ્યો ત્યારે હું ઘેલી ઘેલી થઈ ગઈ. માનશે તું? તારા પત્રને મેં ચૂમી લીધો. આવડી મોટી માને એમ કરતાં જોઈ શ્યામાય હસી પડેલી.

તું લખે છે, તારી મોટી પુત્રીનાં લગ્ન લીધાં છે. હું જરૂર દોડી આવીશ. કંકોત્રીની રાહ જોવાય નહીં રોકાઉં. આવું આવું કરતાં મનને તેં જાણે ખેંચીને બોલાવ્યું છે. તું લખે છે : મયૂરનાં લગ્નનું શું?

હું શું જાણું ? નવાઈ ન પામતી. તું કહેશે, મા થઈને તું ન જાણે? પણ એમ જ તો છે. અમારી મા-દીકરીથી એ પિતા-પુત્રની એક અલગ દુનિયા છે, જેનું પ્રવેશદ્વાર ધીમે ધીમે ક્યારે વસાઈ ગયું એની ખબરેય ન પડી મને.

યૌવનનાં વર્ષોમાં તો શરીર જ બન્નેને એકીસાથે બાંધી દેનારું પ્રબળ બંધન હતું. એ કાળ વીતી ગયા પછી અત્યંત સૂક્ષ્મ રીતે અમે ક્યારે એકબીજાથી ધીમે ધીમે દૂર થતાં ગયાં એ જાણતી નથી. ભૌતિક રીતે એક પછી એક સફળતાનું પગથિયું એ ચડતા ગયા. મારી પાસે શ્યામા હતી એથી એમની ત્વરિત ગતિની સાથે હું કદમ ન મિલાવી શકી.

કદાચ એ સારું જ થયું.

જે લોકો આવી દોડી દોડી જ શક્યા ન હતા અને કશું પામ્યા ન હતા, એ લોકોની દુનિયા મેં જોઈ. આ લોકો પણ આ પૃથ્વી પર એક જ અક્ષાંશ-રેખાંશ પર આપણી સાથે જ જીવે છે એ હકીકત સ્વીકારવી તે ઘણું દુષ્કર કામ હતું.

શ્યામાને હું દરરોજ બહેરાં-મૂંગાંની શાળાઓ લઈ જતી. સમાજના એવા સ્તરમાંથી બાળકો અહીં આવતાં હતાં કે જે ઘણી ઘણી જાતના સતત અભાવો વચ્ચે જીવતાં હતાં. શ્યામા મારાથી જલદી છૂટી ન પડતી. મેં આજ દિન સુધી એને મારા પાલવના રક્ષણ નીચે રાખી હતી. એટલે મેં પણ એ જ શાળામાં બાળકોને ભણાવવાની થોડી જવાબદારી સ્વીકારી. શાળાનાં ઘણાં બાળકો ઝૂંપડપટ્ટીમાંથી આવતાં. તને ઝૂંપડપટ્ટી એટલે શું, એવી કલ્પના પણ ક્યાંથી આવી શકે?

ગઈ કાલે જ અનાથાશ્રમમાં અમારી શાળાની વિદ્યાર્થિનીઓને લઈ જઈ અમે રક્ષાબંધનનું પર્વ ઊજવ્યું હતું. શહેરની ફૂટપાથ પરથી મળેલાં ત્યજાયેલાં એવાં ઘણાં છોકરાંઓ અહીં રહે છે, જેમનું આવડી મોટી દુનિયામાં એક પણ સ્વજન નથી. જ્યારે છોકરીઓએ આ અનાથ ભાઈઓને રાખડી બાંધી ત્યારે છોકરાંઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં. એકસાથે પાંચસો-છસો છોકરાંઓને પોક મૂકી રડતાં જોવાની તારામાં હિંમત છે રમા?

એ જ ક્ષણે તિરસ્કાર અને દયા બન્ને થઈ આવ્યાં હતાં - સમાજના એવા લોકો પર, જેમનું હૃદય મૂંગું થઈ ગયું છે અને લાગણીઓ બહેરી બની ગઈ છે.

શ્યામાની ખોડ માટે હવે મને જરાયે દુઃખ રહ્યું નથી. હું સાચા અર્થમાં એને માણસ બનાવી શકી છું. વેદોમાં વૃક્ષોને વૈષ્ણવો કહ્યાં છે તે કદાચ આ જ અર્થમાં, બહારથી જડ-ખરબચડાં, પણ ભીતરી સંવેદનથી ભરપૂર.

લગ્નની તારીખ જણાવજે. હું આવવા માટે અધીરી થઈ ગઈ છું. અહીં મને રોકી લે એવું બંધન પણ નથી. હાથ પર ઊગી ગયેલી છઠ્ઠી આંગળીની જેમ હું અનંતના સંસારમાં જ છું - છતાં અલગ, વેગળી. મારા કોશેટામાંથી હું આજે મુક્ત થઈ છું.

તારી બાળસખી શાંતાની યાદ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.