વિના વાંકે

02 Nov, 2016
12:00 AM

આલોક ચટ્ટ

PC: khabarchhe.com

ચૈત્ર મહિનાની એ બળબળતી બપોર હજીયે મને યાદ છે. હું મારા નિત્યક્રમ મુજબ દુકાનેથી ઘરે જમવા જઈ રહ્યો હતો. મારી દુકાનથી ઘરે જતાં રસ્તામાં કનકેશ્વર મંદિર આવે. ત્યાંથી હું પસાર થતો હતો ત્યાં એક ભિક્ષુક જેવા લાગતા વૃદ્ધને મેં મંદિર બહાર બેભાન થઈને પડેલો જોયો. ચૈત્ર માસના દનૈયા તપતા હોય એવામાં કોઈ બપોરે ઘર બહાર નીકળવાની હિંમત પણ ન કરે એટલે આખી શેરી ઉજ્જળ જ હતી. માણસ તો શું ચકલુંય ફરકતું ન હતું. મને ધ્યાન ગયું, પણ પહેલી નજરે તો એવું લાગ્યું કે કોઈ પી ને પડ્યું હશે. પરંતુ તરત જ બીજો વિચાર આવ્યો કે કોઈ સાચે બીમાર હશે તો..? એ વિચાર આવતાં જ મેં મારી બાઈકને ત્યાં જ બ્રેક મારી અને એક બાજુ પાર્ક કરીને હું તે વૃદ્ધ ભિક્ષુકની દિશામાં દોડી ગયો. નજીક પહોંચીને તેની દશા જોઈને મારી આંખમાં પાણી આવી ગયા. 43 ડિગ્રીના તાપમાં શરીર જાણે શેકાઈ ગયું હોય તેટલું ગરમ થઈ ગયેલું. મોઢામાંથી લાળ બહાર નીકળી ગયેલી જેનાથી કેટલાંય મહિનાઓથી વધેલી દાઢી ભીંજાઈ ગયેલી. નીચલો હોઠ એક બાજુ ખેંચાઈ ગયેલો, હાથ એક બાજુ વાંકો વળી ગયેલો અને ડોળા પણ બહાર નીકળી ગયેલાં. આવી હાલત જોતા મેં પહેલાં તો તેની નાડ જોઈ. નાડ અને શ્વાસ ચાલુ હોવાથી થોડી રાહત થઈ. મેં તરત જ તેમને ઊભા કરીને ઊંચકી લીધાં અને મંદિરની અંદર પ્રવેશતા આવેલ સત્સંગનાં હોલમાં સુવાડી દીધા અને તરત જ અમારાં ફેમિલી ડૉક્ટરને ફોન કર્યો. બે ત્રણ વાર રીંગ વાગ્યા પછી ડોકટરે ફોન સિસીવ કર્યો. મેં તેમને તરત જ તેમને કનકેશ્વર મંદિરે આવવા વિનંતી કરી. થોડી આનાકાની પછી તેઓ આવવા તૈયાર થઈ ગયા. મેં ત્યાં સુધીમાં મંદિરમાં આવેલી પરબમાંથી પાણીનો ગ્લાસ ભરીને તેમાંથી થોડું પાણી એ વૃદ્ધનાં મોઢાં પર છાંટ્યું. પછી તેમનું માથું અદ્ધર કરીને હોઠ પાસે ગ્લાસ માંડીને એમને પાણી પીવડાવવાની કોશિશ કરી. માંડ એકાદ બે ઘૂંટ પાણી અંદર ગયું, બાકીનું પાણી બહાર જ નીકળી જતું હતું. મેં ફરી એક વાર થોડું પાણી હાથમાં લઈને તેમનાં મોઢાં પર છાંટ્યું. આ વખતે થોડી અસર થઈ હોય તેમ તેમનાં ચહેરા પર થોડી હલચલ દેખાઈ. એટલામાં તો અમારાં ફેમિલી ડોક્ટર પંડ્યા સાહેબ તેમની વિઝિટીંગ બેગ લઈને હાજર થઈ ગયા.

તેમણે સૌ પ્રથમ તો સ્ટેથોસ્કોપથી એ વૃદ્ધનાં ધબકારા તપસ્યા. નાડી તપાસી પછી એક મોટું ઈન્જેકશન ભરીને કુલાના ભાગે લગાવ્યું. પછી અમે બંનેએ મળીને તેમને હૉલમાં એક બાજુ લઈ જઈને સરખી રીતે સુવડાવી દીધાં. પંડ્યા સાહેબના કહેવા મુજબ એ વૃદ્ધને લૂ લાગી ગયેલી અને સાથે ખેંચ (વાઈ) પણ આવી હતી. ઇન્જેકશનથી થોડીવારમાં ભાનમાં આવી જવાનું મને જણાવી તેઓ જતા રહ્યાં. હું થોડો અસમંજસમાં એ વૃદ્ધ વિશે વિચારતો રહ્યો. તેમની પડખે જ બેસીને મેં ઘરે પણ જાણ કરી દીધી કે મારે ઘરે આવતાં મોડું થશે. હું ક્યાંય સુધી એ વૃદ્ધને તાકતો રહ્યો. ધ્યાનથી નિરીક્ષણ કરતાં તો મને એવું લાગ્યું કે જો આ વ્યક્તિની સરખી સાફ સફાઈ કરવામાં આવે તો એ કોઈ સજ્જન વેપારી સદગૃહસ્થ જેવાં જ લાગે, પણ એવું જ હોય તો અહીં આવી રીતે ક્યાંથી...? તેમનું કોઈ જ નહીં હોય…? એવા કેટલાંય વિચારો હું કરતો રહ્યો. એવામાં એમના શરીરમાં થોડો સળવળાટ થયો અને મને થોડી રાહત પણ થઈ. તેમણે ઊભા થવાની કોશિશ કરતાં મેં તેમને ઊભા થવામાં મદદ કરીને ભીંતનાં ટેકે એમને બેસાડ્યા. એ મારી સામે વિસ્મય ભરી નજરે જોઈ રહ્યાં હતાં.

‘બાબા તમે કોણ છો..? અહીં ક્યાંથી..?’

મારાં સવાલ સાંભળીને એ થોડાં વધુ મૂંઝાયેલા જણાતાં કહ્યું,

‘બાબા હું આલોક, અહીં થોડે દૂર જ રહું છું, દુકાનથી ઘરે જતો હતો ત્યારે તમને મેં મંદિર બહાર રસ્તામાં બેભાન થઈને પડેલા જોયા એટલે તમને અંદર લાવીને સુવાડ્યા, ડોક્ટર પણ તમને તપાસીને ઇન્જેક્શન આપીને ગયા. તમને સારું થઈ જશે.’

મેં તેમને વિગતે વાત કરતાં એમને ધરપત થઈ, માંડ તૂટક શબ્દોમાં એ બોલ્યાં,

‘હું શેઠ મગનલાલ છું, અમદાવાદની પ્રખ્યાત મગનલાલ સુંદરજીની પેઢીનો માલિક...’ આટલું બોલતા જ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

બાબાની વાત સાંભળી મારી આખો આશ્ચર્યથી એકદમ પહોળી થઈ ગઈ. આટલી પ્રખ્યાત પેઢીના માલિક અને એ પણ આવી દશામાં..?

‘પણ બાબા તમે અહીં ક્યાંથી..?’ મેં એમને છાનાં રાખતાં પૂછ્યું.

‘શું કહું બેટા..? સમયની બલિહારી છે બધી. હું અહીં મંદિર બહાર બેસીને ભિક્ષા માગતો હતો. બે દિવસથી સરખું ખાધું પણ નથી....’ તેઓ રડતાં રડતાં તૂટક શબ્દોમાં બોલ્યા. એટલે મને અત્યારે વધુ કંઈ પૂછ્યું યોગ્ય ન લાગતાં બીજું કંઈ પૂછવાને બદલે મેં એમને મારાં ઘરે જ લઈ જવાનું નક્કી કર્યું. મેં મારાં બે ખાસ મિત્રોને ત્યાં મંદિરે બોલાવ્યા.

‘બાબા તમે મારી સાથે ચાલો મારાં ઘરે જ. તમે થોડું ખાઈ પી લેશો એટલે થોડું સારું પણ લાગશે તમને. એમણે હા-ના કરી પણ અમે ત્રણેયે આગ્રહ કરીને તેમને રીક્ષામાં બેસાડ્યા અને ઘરે લઈ ગયા. અમે લોકો પહેલાં માળે રહેતાં હોવાથી મારાં ઘરે નીચેનો મોટો રૂમ હંમેશાં ખાલી જ રહે. બાબાને ત્યાં જ મેં  એક પલંગ રાખેલો હતો તેની પર પથારી કરીને સુવાડ્યા. મારા બંને મિત્રોને બધી વાત કરી ત્યાં મારી પત્ની અવનિ થાળી લઈને આવી ગઈ. બાબાને અમે મળીને પ્રેમથી જમાડ્યા. કેટલાય દિવસો બાદ નિરાંતે જમ્યાની તૃપ્તિ તેમના ચહેરા પર સાફ દેખાઈ આવી. હું તેમને આરામ કરવાનું કહીને ઉપર જમવા માટે આવ્યો અને બંને મિત્રો પણ પોતાનાં ઘરે જવા રવાના થઈ ગયા. 

તે દિવસે સાંજે જ નજીકમાં જ વાણંદની દુકાન ચલાવતાં મુકેશ વાણંદને મેં ઘરે બોલાવી બાબાની બાલ દાઢી કરવા કહી દીધેલું. મુકેશના ગયા બાદ અવનિએ બાબાને નહાવાની વ્યવસ્થા કરી આપેલ. પપ્પાનાં એક જોડી કપડાં પણ આપી દીધેલાં. જેથી હું આવ્યો ત્યારે તો મને બાબા એક નવા અવતારમાં જ જોવા મળ્યાં. હવે તે મગનલાલ શેઠ જ લાગતાં હતાં. ચહેરા પર જ હવે તેમની રઇશી સાફ દેખાઈ રહી હતી. મેં પૂછ્યું,

‘બાબા કેવું છે હવે તમને..?'

‘એકદમ સારું. બહુ દિવસે આજે હું મને મારા જેવો લાગુ છું. તમારા બંનેના લીધે.’

‘બાબા, એ તો અમારું ભાગ્ય કહેવાય કે આવી રીતે તમારી સેવા કરવા મળી. પરંતુ બાબા હવે તમે આ દશામાં કઈ રીતે ..? એનાં વિશે તો માંડીને વાત કરો..’

હું તેમના પડખે જ બેઠેલો અને અવનિ સામે ખુરશી પર ગોઠવાઈ. બાબા તેમની કથની કહેવા લાગ્યાં.

‘બેટા, એક જમાનામાં હું બહુ મોટો વેપારી હતો. કિરાણાની જથ્થાબંધ બજારમાં મગનલાલ સુંદરજીની પેઢીનું બહુ મોટું નામ હતું. ભગવાનની દયાથી પત્ની પણ મને તારી પત્ની જેવી શાંત અને સરળ સ્વભાવની જ મળી હતી. લગ્નજીવનના પાંચ વર્ષમાં અમારે ત્યાં બે પુત્ર રત્નો પણ જન્મ્યા. જાણે કે ઠાકોરજીની અસીમ કૃપા અમારી પર વરસી રહી હોય તેમ બધી જ રીતે સુખી હતા. ધંધામાં, કીર્તિમાં, પારિવારિક રીતે, શારીરિક રીતે બધી જ રીતે સુખી હતાં. બંને પુત્રોને પણ મેં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, બંનેને એમ.બી.એ. કરાવ્યું અને ધંધામાં તાલીમ માટે દુકાને હાજરી અપાવવાનું પણ શરુ કરાવી દીધું. ધીમે ધીમે એ બંને ભાઈઓ પણ ધંધામાં સારી પકડ કરવા લાગ્યાં. એમને ધંધામાં જામી ગયેલા જોઈને મેં એમના લગ્ન કરાવી દેવાનું નક્કી કર્યું. એ વરસે જ બંનેના અમદાવાદમાં જ રહેતી શેઠ દ્વારકાદાસની પુત્રીઓ અને  બે સગી બહેનો સાથે લગ્ન પણ કરાવી દીધું. મેં ધીરે ધીરે બંને ભાઈઓને ધંધાની તેમજ ઘરની જવાબદારી સોંપવાનું ચાલુ કરી દીધું અને હું નિવૃત્તિ તરફ વળવા લાગ્યો. પણ ઠાકોરજી ને કંઈક જુદું જ મંજૂર હોય એવું લાગ્યું. એક પ્રાણઘાતક હૃદયરોગના હુમલામાં મારી પત્ની મૃત્યુ પામી. ત્યારથી જ જાણે કે મારો ખરાબ સમય શરૂ થયો હોય તેમ લાગ્યું. હું સાવ એકલો પડી ગયો. શરૂઆતમાં જે પપ્પા પપ્પા કહીને ખૂબ માનભેર બોલાવતાં અને સાચવતાં બંને પુત્રો અને પુત્રવધુઓ હવે મને ઘરની કોઈ વધારાની વસ્તુની જેમ તરછોડવા લાગ્યાં. ચોવીસ કલાક જેઓ મારી ચાકરી કરતાં અને મારો પડ્યો બોલ ઝીલતાં તે હવે મને ધુત્કારવા માંડ્યા અને પાણીનો ગ્લાસ પણ ભરીને ન આપે એવી પરિસ્થિતિ થઈ ગઈ. ઉંમર અને ધુત્કાર વધતાં મારી તબિયત પણ લથડવા લાગી. દિવસે દિવસે મારું વધુને વધુ અપમાન થવા લાગ્યું અને ઘરમાં તિરસ્કૃત બનતો ગયો. એ અપમાનના કડવા ઘૂંટ એક દિવસ મારાથી સહન ન થયા અને હું ઘર છોડીને ચાલી નીકળ્યો. કોઈને કંઈ જ કહ્યા વિના હું ઘરેથી નીકળી ગયો. અમદાવાદમાં તો કેટલાંય લોકો મને ઓળખતા હોવાથી હું ત્યાંથી દૂર સૌરાષ્ટ્ર બાજુ આવી ગયો. આમથી તેમ કેટલાંય દિવસો સુધી ભટકતો રહ્યો. થોડી ઘણી ભિક્ષા મળે તો એમ બાકી અન્નક્ષેત્રમાં કે ભંડારામાં જમી લેતો. એવી જ કોઈ જગ્યાએ રાતવાસો કરી લેતો. ફરતો ફરતો એક દિવસ વીરપુર પહોંચ્યો જલારામબાપાનાં ધામમાં. થોડાં દિવસો પસાર કર્યાં તો બહુ સારું લાગ્યું. ત્યાંથી એક ભાઈએ મને જેતપુર આ મંદિર વિશે કહ્યું અને હું અહીં આવી ગયો. થોડી લાલચ જાગી કે થોડી ભિક્ષા વધુ મળી જાય તો હું દ્વારકા મારાં ઠાકોરજીનાં ધામ સુધી પહોંચી જાઉં અને ત્યાં જ મારાં છેલ્લા શ્વાસ લઉં. પરંતુ એકાદ બે દિવસથી અહીં આવ્યા પછી તબિયત વધુ બગડી ગઈ. બે દિવસથી સરખું જમ્યો પણ ન હોવાથી અને આટલી ગરમીમાં ચક્કર આવી ગયાં અને હું રસ્તા પર જ લથડી પડ્યો. એવામાં તમે મને જોયો અને અહીં લાવ્યા.’ 

બાબાની આંખો ધોધમાર વરસી રહી હતી સાથે અમારી પણ. 

‘બાબા આમ કોઈ વાંક ગુના વિના તમે કેટલી મોટી સજા ભોગવો છો...!! તમે એ લોકોને કેમ કંઈ કહ્યું નહીં..? તમે કાયદાનો સહારો કેમ ન લીધો..?’

‘શું કહેવું બેટા એને જેઓ લાગણીશૂન્ય બની ગયા હોય. છતી આંખે અંધ બની ગયા હોય. કાયદો તો છે પણ પોતાનાં જણેલાની વિરુદ્ધમાં લડીને શું મતલબ...? એ બધાંથી અંતે તો મને જ વધુ તકલીફ થવાની હતી.’

‘તો પણ બાબા જે લોકોએ તમારી સાથે સાવ આવું નઠારું વર્તન કર્યું તેમને કંઈક તો સજા મળવી જ જોઈએ ને...’

“એમને સજા આપીને કે દુઃખી કરીને હું જ દુઃખી થઈશ. તેમનાં કર્મોનું ફળ ઠાકોરજી તેમને આપશે….’

‘હમ્મ્મ... એ લોકોને જ્યારે ભૂલ સમજાય ત્યારે પણ ત્યાં સુધી તમે અહીં અમારી સાથે જ રહેશો. હું તમને ક્યાંય નહીં જવા દઉં.’

‘તમારો ખૂબ ખૂબ આભાર બેટા, તમે જે કર્યું છે તે આમ પણ ઓછું નથી. હવે તો હું ઠાકોરજીના શરણોમાં જ રહેવા માગુ છું.’

‘એ બધું પછી થઈ જશે… તમે હવે આરામ કરો...’

કેટલાંય વિચારો કરતો હું અવનિને લઈને પહેલાં માળે આવી ગયો. ત્રણ ચાર દિવસ અમે બંનેએ  બાબાની બરાબર સેવા ચાકરી કરી. તેમને પિતાની જેમ જ રાખવા લાગ્યાં. અમારી ચાકરી અને વર્તનથી તેમનાં ચહેરાં પર નવી જ તાજગી અને પ્રસન્નતા જોવા મળી. બીજા દિવસે રવિવાર આવતો હોઈ મેં અવનિ સાથે ચર્ચા કરી બાબાને દ્વારકા દર્શન કરવા લઈ જવાનું નક્કી કર્યું. 

રવિવારની જ વહેલી સવારે હું અને અવનિ બાબાને લઈને દ્વારકા જવા નીકળી પડ્યા. આખા રસ્તે બાબાના મુખેથી યમુનાષ્ટક અને બીજાં કેટલાંય સત્સંગના ભજન સાથે અમારાં માટે આશીર્વચનો સાંભળવા મળતાં રહ્યાં. બાબાના મોઢે અમારાં માટે અપાર દુઆઓ નીકળતી રહી. દ્વારકામાં ભીડભાડમાં પણ સતત બાબાને સારી રીતે દર્શન કરાવ્યા. મંદિરના પગથિયાં ઉતર્યા બાદ તેમને થાક જેવું વર્તાતા મેં બાબાને સામે જ આવેલા ઘાટ પાસે મૂકેલા બાંકડા પર બેસાડ્યા. હું બાબા માટે લીંબુ શરબત કે એવું કંઈક મળે તો તે લેવા માટે ગયો. અવનિ પણ ઘાટમાંથી થોડું આચમન લેવા માટે ગઈ. બાજુની જ દુકાનમાં લીંબુ શરબત મળી જતાં હું ઉતાવળા પગલે બાબા પસે લઈને આવ્યો.

‘બાબા, લો આ પી લો એટલે થોડું સારું લાગશે...’

મેં શરબત બાબા તરફ લંબાવ્યું પણ બાબા એ હાથ ન લંબાવ્યો. મેં જરા એમને ખભાથી હલબલાવ્યા ત્યાં બાંકડાની એક બાજુ તેઓ ગબડી પડ્યા અને મારાથી ચીસ પડાઈ ગઈ...

‘બા..........બા.....!’

હું અને અવનિ ક્યાંય સુધી બાબાના પગ પાસે બેસી રહ્યાં. બાબા એમની ઈચ્છા મુજબ ઠાકોરજીનાં ધામમાં જ ઠાકોરજી પાસે સિધાવી ગયેલાં. બાબાની મરજી હતી એમ એમની અંત્યેષ્ટિ પણ અમે ત્યાં જ કરાવી. બીજા દિવસે અમે લોકો પરત ફરતાં હતાં ત્યારે અનેક વિચારો મને ઘેરી વળેલાં.

‘પેટ કાપી કાપીને જે મા-બાપ આપણને ઉછેરે છે. આખી જિંદગી આપણી દેખભાળ કરે છે, આપણા સપનાઓ પૂરા કરવા માટે પોતાનાં પ્રાણ પૂરે છે, શું એમનાં જીવનનાં થોડાં વરસો પણ આપણે તેમનાં માટે જીવી ન શકીએ..? શું તેમને સાચવી ન શકીએ..? તેમની ઈચ્છાઓ, તેમનાં સપનાં પૂરા કરવાની આપણી ફરજ નથી...? પોતાની આંગળી પકડીને જેમણે આપણને પા પા પગલી ભરાવતાં શીખવી હોય, ઘડપણમાં તેમને ખભો આપવાની આપણી ફરજ નથી..? જેમણે આપણને ઉગતો સૂરજ બતાવ્યો એમની સંધ્યા ટાણે આપણે સાથ ન આપવો જોઈએ..? એમને પણ તેમનું અંતિમ ચરણ સુખમાં વિતાવવાનો હક નથી….?’

મારી આંખો સકારણ ભીની થતી રહી પણ કાર ચાલતી રહી. રસ્તો ચાલતો રહ્યો. જીવન ચાલતું રહ્યું આમ જ અવિરત......

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.