સુખનું સરનામું શોધવાનું બંધ કરીને પીડાનો પિનકોડ યાદ રાખીએ
નવા વર્ષનો આરંભ એક આઉટ ઑફ બૉક્સ વિચાર સાથે કરવો જરૂરી છે. સ્ટેચ્યુટરી વૉર્નિંગ એ છે કે આ વિચાર સિક્સ્ટી પ્લસના સિનિયર સિટિઝન્સ માટે નથી. ઉદ્દેશ્ય ટ્વેન્ટી પ્લસની જનરેશન સાથે આ વાત વહેંચવાનો છે. અને એનો લાભ બહુ બહુ તો ફોર્ટી પ્લસની જનરેશન પણ લઈ શકે. પરંતુ સિક્સ્ટી પ્લસે આ વાંચીને અફસોસ કરવો નહીં કારણ કે એમની જિંદગીમાં તો જે થવાનું હતું તે થઈ ગયું. હવે પાકા ઘડે કાંઠા નહીં ચડે.
આપણે માની લીધું છે કે સૌ કોઈ સુખની શોધમાં છે. દુઃખ કોઈને જોઈતું નથી. અને એટલે દુઃખ આવે ત્યારે બધા વિહવળ બની જતા હોય છે.
દુઃખ, વેદના, પીડા આ બધું જ ન જોઈતું હોવા છતાં અનિવાર્યપણે જિંદગીમાં આવવાનું જ છે. જિંદગીની સૌથી મોટી અસલામતી એમાંથી જ સર્જાય છે કે એ આવી પડશે તો? કેવી રીતે સહન કરીશું? પીડા સહન ન કરવી પડે એના ઉધામા આખી જિંદગી કરીએ છીએ. પીડાથી દૂર રહીએ અને સદાય સુખમાં રહીએ એવી સલામતીની ઝંખનાથી મનમાં સતત ડર રહે છે. આ ડર દૂર કરવા, આ અસલામતી દૂર કરવા આપણે પીડા સાથે દુશ્મની વહોરી લઈએ છીએ.
પીડા સાથે દોસ્તી કેવી રીતે કરવી એના વિશે લખવું છે. પીડાની મહત્ત્વાકાંક્ષા નથી કરવાની, મહત્ત્વાકાંક્ષા તો સુખની જ હોય. પણ પીડા આવે ત્યારે એને આવકારવાની વાત છે. આવકાર્યા પછી એની સાથે કમ્ફર્ટેબલ થવાની વાત છે. કારણ કે એને અંદર નહીં આવવા દઈએ તો એ કંઈ આંગણેથી પાછી વળી જાય એમાંની નથી. એક વખત બારણે આવીને ઊભા રહ્યા પછી પાછા વળી જવાનો એનો સ્વભાવ નથી. એટલે બેટર છે કે એને હસતે મોઢે આવકારીએ. સંઘર્ષ ઓછો થશે અને ભવિષ્યમાં એની સાથે કમ્ફર્ટેબલી રહેવાનું નક્કી કરશો ત્યારે એ પણ યથાશક્તિ તમને મદદ કરશે.
શારીરિક અને માનસિક બેઉ પીડાની વાત છે. પણ પહેલાં શારીરિક પીડાની વાત કરું. ગયા અઠવાડિયે મારા એક અંગત મિત્રનાં પત્ની કેન્સરમાં ગુજરી ગયાં. રાતોરાત થોડા કલાક માટે અમદાવાદ જઈને પાછો આવતો હતો ત્યારે એક વિચાર આવ્યો. મિત્રપત્ની નાની ઉંમરનાં હતાં – પિસ્તાલીસ-પચાસની વચ્ચે. સ્વાભાવિક છે કે એંશી-પંચ્યાશીએ કોઈ ગુજરી જાય અને જેટલો શોક-સંતાપ કુટુંબીજનો, પરિવારના બીજા સભ્યો તથા મિત્રો-સંબંધીઓને થાય તેના કરતાં આ ઉંમરે મૃત્યુ પામેલા સ્વજનનો આઘાત વધારે હોય. મિત્રે સવા વર્ષ દરમ્યાન પત્નીની ખૂબ સેવા કરી – તન,મન અને ધનથી સેવા કરી. અને સ્વર્ગસ્થ જીવે ખૂબ પીડા સહન કરી. સારવારમાં કોઈ કમી નહોતી છતાં એનું પરિણામ છેવટે જે જોઈતું હતું તે ન આવ્યું તે ન જ આવ્યું.
બીમારી શરીરનો સ્વભાવ છે. પીડા બીમારીનો સ્વભાવ છે. માથું કે પેટ દુઃખવાની પીડાથી લઈને કેન્સર જેવા આકરાં દર્દ શરીરમાં પ્રવેશે તેની અસહ્ય પીડા. કેન્સરની કે પછી એવાં કોઈ મોટાં દર્દની પીડા જોઈ છે, જાતે સહન કરી નથી. પણ મેન્ટલી એના માટે હું તૈયાર છું. મારી થિયરી એવી છે કે જેમ રસગુલ્લાને ઘટતા તુષ્ટિગુણનો નિયમ લાગુ પડે તેમ પીડાને પણ એવો નિયમ લાગુ પડે. પહેલું રસગુલ્લું સ્વાદિષ્ટ લાગે, બીજુ ઔર સ્વાદિષ્ટ લાગે અને ત્રીજું તમને સ્વાદની ચરમસીમાએ પહોંચાડી દે. એ પછી જો ચોથું ખાઓ તો બહુ બહુ તો ત્રીજા જેટલી જ મઝા આવે, એનાથી વધારે નહીં. પાંચમામાં ત્રીજા-ચોથામાં આવી હતી તેના કરતાં જરાક ઓછી મઝા આવે, છઠ્ઠામાં એનાથીય ઓછી અને ક્રમશઃ આ મઝા ઘટતાં ઘટતાં સાવ શૂન્ય થઈ જાય અને પછી પણ જો ચાલુ રાખો તો ત્રાસ શરૂ થાય.
શું પીડામાં એવું નહીં થતું હોય? પીડાના આગમન પછી એની તીવ્રતા વધતી જાય અને એક તબક્કે એમાં વધારો થવાનો બંધ થઈ જાય અને એ પછી આ તીવ્રતા ઘટવાનું શરૂ થાય અને એક તબક્કે પીડાની તીવ્રતા શૂન્ય થઈ જાય અને એથીય આગળ વધ્યા પછી એ પીડામાંથી આનંદ આવવા માંડે એવું નહીં થતું હોય? જેમ એક તબક્કે રસગુલ્લાં ત્રાસ આપવાનું શરૂ કરે એવું જ કંઈક!
ભવિષ્યમાં ન કરે નારાયણ ને એવી કોઈક બીમારી આવી તો એની પીડા ઓછી કરવા માટે પેઈન કિલર્સ કે પછી અઢળક આડ અસરોવાળી દવાઓ ફાકવાને બદલે સહન કરીશ એવો સંકલ્પ કર્યા પછી આય ફીલ સિક્યોર્ડ અબાઉટ માય ફ્યૂચર. કોઈ વૃક્ષ પોતાની આવરદા પૂરી કરવાનું હોય ત્યારે ચીસાચીસ નથી કરતું એવું તમને કહીશ તો તમે કહેશો કે ભાઈસાહબ કવિતાવેડા રહેવા દો ને. રહેવા દીધા, બસ. જંગલમાં કોઈ સિંહ ઈન્જર્ડ થાય અને શિકાર ન કરી શકે ત્યારે એનું મોત નિશ્ચિત હોય છે. વૃદ્ધાવસ્થામાં એની પાસે સક્ષમ દાંત ન રહે કે પછી દોડવા માટે ઘૂંટણ કામ ન આપે ત્યારે એ ડેન્ટિસ્ટ પાસે નવું ડેન્ચર બનાવવા દોડી જતો નથી, ઘૂંટણની ઢાંકણીઓ બદલાવવા દોડી જતો નથી. એને ખબર છે કે હવે મોત નિશ્ચિત છે. તમામ પીડા સહન કરીને એ મોતને ભેટે છે.
માણસ પાસે ડેન્ટિસ્ટ છે એ સારું છે. નાની-મોટી સારવાર ઉપરાંતની છટપટાહટો કર્યા કરવાથી તમે મોતને થોડા દિવસ કે પછી થોડા મહિના પાછું ઠેલી શકો પણ બદલામાં તમારી જિંદગીની ક્વૉલિટી ગુમાવી બેસો છો. હસતાં હસતાં નિફિકર બનીને જીવાયેલી જિંદગીને લંબાવીને તમારે ડરતાં ડરતાં સહમી ગયેલી જિંદગી જીવવી હોય તો એ તમારો ઑપ્શન છે, કોઈને શું? પણ એવી જિંદગી જીવવાનો કોઈ અર્થ ખરો? આ સવાલ તમારે તમને પૂછવાનો છે.
પીડામુક્ત થવાની ઈચ્છા તમને ડરાવે છે. જિંદગીમાં પીડા આવશે ત્યારે એને સહન કરતાં શીખી જઈશ તો આપોઆપ એ મને સતાવતી બંધ થઈ જશે અને હું એની હાજરી છતાં મારે જે કામો કરવાં છે તે કરતો રહીશ.
ઈસુના નવા વરસની શરૂઆત થઈ રહી છે ત્યારે આ એક તદ્દન નવો જ પાઠ હું શીખી રહ્યો છું. દુઃખ, વેદના, પીડા, આપત્તિ કે અણગમતી પરિસ્થિતિઓ ટાળવા છતાંય આંગણે આવીને ઊભી રહે છે ત્યારે એને આવકારીને એની સાથે સંઘર્ષ કર્યા વિના, એને કમ્ફર્ટેબલ બનાવીને જીવીએ તો આ બધાની તીવ્રતા, આ બધાનો આઘાત આપણને નિષ્ક્રિય કરવાને બદલે વધુ સારું જીવવાની દિશા સુઝાડશે. આફ્ટરઑલ, આ બધું એ જ તો મોકલે છે જેણે સુખ, શાંતિ અને સંતોષ મોકલ્યાં છે.
લાઈફ લાઈન
પીડાના ઘા યાદ રહે છે. સુખને કારણે ઘા થતા હોત તો સુખ પણ યાદ રહેતું હોત.
-અજ્ઞાત
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર