મંડળી મળવાથી થતા લાભ અને ગેરલાભ

14 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

એક બહુ જ ચાલુ રૂઢિપ્રયોગ વાપરીએ તો એકાંત અને મહેફિલ એક સિક્કાની બે બાજુઓ છે. સફળ થવા માગતા કે સફળ થઈ ચૂકેલા માણસોને એમનું એકાંત પ્રિય હોય તે છતાં તેઓ દોસ્તોની મહેફિલોને એટલી જ પેશનેટલી માણી શકતા હોય એવું બને.

દોઢસો-પોણા બસો વર્ષ પહેલાં નર્મદે એક નિબંધ લખ્યો હતો : ‘મંડળી મળવાથી થતા લાભ’. એ વખતે ચા-બિસ્કીટ સાથે બૌદ્ધિક ગોષ્ઠિ કરવાની કન્સેપ્ટ વિલાયતી ગણાતી હશે એવું નર્મદને વાંચવાથી તમને લાગે. નર્મદે એ નિબંધ દ્વારા ગુજરાતીઓને સમજાવવાની કોશિશ કરી હતી કે હિન્દુસ્તાનમાં પણ એવો ‘રિવાજ’ દાખલ કરવો જોઈએ.

નર્મદ પાસે સ્ટાર ટીવી નહોતું, ઝી ટીવી નહોતું, બીબીસી-સીએનએન-ટાઈમ્સ નાઉ નહોતું. કમ્યુનિકેશન, માસ મીડિયા વગેરે શબ્દો ભારતમાં બાલ્યાવસ્થામાં હતા, પરદેશમાં પણ. છાપાં અને ચોપડીઓ દ્વારા તથા જાણકારો સાથેની રૂબરૂ મુલાકાત વખતે થતું માહિતીનું આદાનપ્રદાન અધકચરું હતું, અપૂર્ણ હતું. કદાચ અપ્રદૂષિત હતું. માણસ એકલો દરિયા કિનારે બેસીને કવિતા કરી શકતો. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહદાન કુસુમવન વિમલપરિમલ ગહન નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે, એવું કવિ કાન્ત ગાતા. આજે કોઈ કવિતા લખવા બેસે તો મગજમાં સૌથી પહેલાં છંદ નહીં પણ હિન્દી ફિલ્મની ટ્યૂન સૂઝે. પ્રત્યાયનના ક્ષેત્રનું વાતાવરણ ખચિત અપ્રદૂષિત હતું એ વખતે. સાહિત્યસર્જન જેવી શુદ્ધ પ્રવૃત્તિઓ માટે અનુકૂળ હતું. પણ માહિતીનાં સ્ત્રોત મર્યાદિત હતાં. વિદેશી વર્તમાનપત્રો - સામયિકોથી ભાગ્યે જ કોઈ સામાન્યજન પરિચિત હતું. વિદેશી પુસ્તકો આવતાં પણ બહુ ઓછાં, બહુ મોડાં, બહુ મોંઘાં. એવા જમાનામાં મંડળી મળતી હશે ત્યારે મિત્રો-પરિચિતો પરસ્પર પોતપોતાના જ્ઞાનની તેમ જ પોતાની પાસેની માહિતીની આપ-લે કરીને વધુ સમૃદ્ધ થતા હશે. નર્મદ જેવા મૌલિક વિચારકો-સર્જકો આવી મંડળીઓને પોતાના આગવા વિચારો દ્વારા પ્રકાશિત કરી શકતા હશે. જ્ઞાતિપ્રથાના સખત બંધનમાંથી મુક્ત થઈને પરનાતના અને પરભાષાના લોકો સાથે હળવામળવા માટે આવી મંડળીઓ કે ‘જેને અંગ્રેજીમાં ક્લબ કહે છે’ ઉપયોગી પુરવાર થતી હશે એ વાત નિ:સન્દેહ છે. એ વખતે લોકોને મંડળીમાં સામેલ કરવા માટે ગુજરાતી નાટકોના સોલ્ડ આઉટ શો બતાડીને જમાડવા નહોતા પડ્યા.

આખી જ્ઞાતિના વસતીપત્રકનાં તમામ નામોને ‘આપણે તો એમની જોડે ઘર જેવો સંબંધ’ કહીને ઓળખવામાં અને સિલેક્ટેડ દોસ્તો સાથેની બેઠકોને કે નિકટતમ મિત્રોની મહેફિલોને માણવામાં ફરક છે. એકાંતપ્રિય માણસ પણ સંપૂર્ણ સમય પોતાની જાત સાથે રહી શકતો નથી. ગમે એવા સ્વકેન્દ્રી માણસને મન થતું હોય છે કે ક્યારેક પોતાના કરતાં બહેતર માણસોને મળીએ.

કૉમન ઈન્ટરેસ્ટ ધરાવનારાઓએ પોતપોતાની મંડળીઓ રચીને જોઈ. એક તબક્કે લાગ્યું કે એકના એક ક્ષેત્રની વ્યક્તિઓને મળ્યા કરવાથી ફરી એની એ જ વાતો, એ જ ગૉસિપ, એ જ પગ ખેંચવાની પ્રવૃત્તિ. લાયન્સ-જાયન્ટસ-રોટરી જેવી ક્લબો સર્જાઈ. સમાજસેવા સમયાંતરે ચાલતી રહે પણ મૂળભૂત હેતુ એકબીજા સાથે ઈન્ટરેક્ટ થવાનો. એક ‘ઈન્ટરેક્ટ ક્લબ’ પણ હતી, રોટરીના જુનિયર સભ્યો માટે. અલગ-અલગ વ્યવસાયના લોકો મળે, હળે, ભળે અને અંતરાત્મા ન ડંખે એટલે સામાજિક કાર્યો કરવાનો પણ આગ્રહ રાખે અને કાર્ય કરીને તરત જ છાપામાં જઈને પ્રવૃત્તિના અહેવાલો છપાવી આવે - ફોટા સાથે. આ ક્લબોનાં દેશી વર્ઝન જેવાં જૈન સોશિયલ ગ્રુપો, કપોળ સોશિયલ ગ્રુપો, પ્રેક્ટિકલી દરેક જ્ઞાતિ, પેટાજ્ઞાતિનાં આવાં અનેક મંડળો ઉદ્દભવ્યાં. મૂળ હેતુ એ જ - ખાઈપીને જલસા કરવા પણ પ્રગટ હેતુ જ્ઞાતિની-સમાજની પ્રગતિ માટે સારાં કાર્યો કરવા.

અમારો, મુંબઈના ગુજરાતી પત્રકારોનો, પણ એક સંઘ છે જે ટૂંકાક્ષરમાં મું.ગુ. પત્રકાર સંઘ તરીકે ઓળખાય છે. આ સંઘ હજુ કાશીએ નથી પહોંચ્યો કારણ કે અત્યારે તે પત્રકારેતર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. ખાઈ-પીને, વિશેષ કરીને પીને, છૂટા પડવા માટે અમારી પાસે મુંબઈના સી.એસ.ટી. સ્ટેશનની સામેના આઝાદ મેદાનમાં પ્રેસ ક્લબ તો છે જ જ્યાં દરેક ભાષાના પત્રકારો પોતપોતાના ગજા અને ગજવા પ્રમાણે પીવા-રમવા આવે છે. આ પ્રેસ ક્લબના મકાનનું નામ ‘ગ્લાસ હાઉસ’ છે, કાચનું ઘર. મહેરબાની કરીને ‘વક્ત’ ફિલ્મમાં રાજકુમાર ચિનૉય શેઠના મોઢા પર જે ડાયલોગ ફેંકે છે તે યાદ નહીં કરાવતા.

પાનના ગલ્લા પર ઊભા રહીને ઉપનિષદોની ચર્ચા થઈ શકતી નથી. કોઈપણ સિરિયસ કામ કરવા કે દિમાગને કસરત મળે તે માટે અનુકૂળ વાતાવરણ જોઈએ. નિરંતર આનંદ-પ્રમોદ કે પિકનિક પર્યટનોમાં જ રાચતી મંડળીઓથી કોનો અને શું હેતુ સરતો હશે, ભગવાન જાણે. જાગૃત સોશિયલ ગ્રુપો કે ક્લબો ક્યારેક ગંભીર, વિચારશીલ કે વર્તમાન વિષયો પર પ્રવચનો ગોઠવે છે પણ મોટાભાગના સભ્યોને પ્રવચન પહેલાંના યા પ્રવચન પછીના બુફે ડિનરમાં જ રસ હોય છે અને પોતે માત્ર જમવા આવ્યા છે એવી મેન્ટાલિટી બીજાઓ આગળ ખુલ્લી ન પડી જાય તે માટે તેઓ ઘણીવાર સ્ટેન્ડ અપ કૉમેડિયન જેવા વક્તાઓને વારંવાર તાળીઓથી વધાવ્યા કરતા હોય છે.

પોતે જેનું કેન્દ્ર હોય એ સિવાયનાં પણ અનેક વર્તુળો સફળ માણસ પાસે હોવાં જોઈએ. આ તમામ વર્તુળો ક્યારેક એકમેકના પરિઘમાં પ્રવેશી જાય ત્યારે માણસ પોતાને મેઘધનુષી મહેસૂસ કરતો હોય છે. પોતાની ધરી સાચવીને સપ્તરંગી બની શકતો આદમી નસીબદાર હોય છે. કમનસીબ એ હોય છે જે આવાં વર્તુળોમાં અટવાઈ જાય છે. એવો માણસ પોતાનું કેન્દ્ર છોડીને બીજાનાં વર્તુળોનું કેન્દ્ર બનવાની નાકામિયાબ કોશિશમાં કોઈ લાયન્સ ક્લબનો ડિસ્ટ્રિક્ટ ગવર્નર કે કોઈ જૈન સોશિયલ ગ્રુપનો પ્રેસિડેન્ટ બની જતો હોય છે.

લાઈફ લાઈન

મારા જેવા માણસને પણ જે મેમ્બર બનાવવા તૈયાર થતી હોય એવી કોઈપણ ક્લબમાં હું શું કામ જોડાઉં!

- ગ્રાઉચો માર્કસ

(અમેરિકન હાસ્યકાર, 1890-1977)

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.