દોસ્તી કરવી, દોસ્તી નિભાવવી અને દોસ્તી સજાવવી
આજે એક જ સૂત્ર લઈશ. પાંચમું સૂત્ર. બ્રિટિશ લેખક સેમ્યુઅલ બટલરનું આ વાક્ય છે, ‘દોસ્તી પૈસા જેવી છે, પૈસા બનાવવા આસાન છે, સાચવી રાખવા અઘરું કામ છે. મૈત્રીનું પણ એવું જ.’
ફેસબુકના આવ્યા પછી તો ફ્રેન્ડનો મતલબ જ સાવ બદલાઈ ગયો છે. બિલકુલ અજાણી વ્યક્તિ પણ તમારા માટે ‘ફ્રેન્ડ’ હોઈ શકે છે. તમારા સર્કલમાં તમે કૉલર ઊંચો રાખીને કહેતા ફરી શકો છો: એ તો મારો એફબી ફ્રેન્ડ છે. ઈન ફેક્ટ ફ્રેન્ડ સર્કલનો મતલબ પણ બદલાઈ ગયો છે. તમારા વૉટ્સએપ ગ્રુપમાં તમે જેને સામેલ કર્યા હોય અને વરસને વચલે દહાડે જેને મળવાનું થતું હોય એ પણ લોકોને કહેતા ફરે: હું તો ફલાણાના ગ્રુપમાં છું.... પણ કયા ગ્રુપમાં એવું કોઈ પૂછવા નથી આવતું.
દોસ્તીની મારી વ્યાખ્યા આખી જુદી છે. નાનો હતો ત્યારે મારી મા મને કહ્યા કરતી: ‘બાપડી બાપડી બધા કરશે, કાપડી કોઈ નહીં સિવડાઈ આલે.’ તમારી આજુબાજુ ભેગા થયેલા પરિચિતો જેમને તમે મિત્રો માની બેઠા છો એ તમારી વાહ વાહ કર્યા કરશે પણ સંજોગો વિપરીત થયા અને તન પર પહેરવાનું વસ્ત્ર પણ ન રહ્યું ત્યારે કપડું કોઈ સિવડાવી આપવાનું નથી.
તમારી ફોનબુકમાં જે બધા દસ આંકડાનાં નંબરો ઠાંસી ઠાંસીને ભર્યા છે એ બધા તમારા કૉન્ટેક્ટ્સ છે, તમારા સંપર્કો છે. એમાંના પચાસ ટકા તમારા પરિચિત છે, ઓળખીતાઓ છે. એ પચાસ ટકામાંથી માંડ દસ ટકા તમારા આત્મીયજનો કે સ્વજનો છે જેમાં કેટલાક કુટુંબીજનો છે. અને આ દસ ટકામાં માંડ પાંચ-દસ તમારા રિયલ મિત્રો છે, દોસ્ત છે જે તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી થાય છે. એટલું જ નહીં, જિંદગીમાં તમે ઝાંખા પડતા હો ત્યારે પોતે ઘસાઈને તમને ઉજળા રાખે છે.
‘યાર, અડધી રાતે પણ કામ પડે તો કહેજે, જાન હાજર છે.’ એવું કહેવાવાળાઓને તમે બપોરે બાર વાગ્યે ફોન કરો અને એમનાં પત્ની કહે: ‘તમારા ભાઈ બાથરૂમમાં છે. કશું અર્જન્ટ હતું?’ તમને ખબર પડી જાય કે સ્ક્રીન પર તમારો નંબર જોઈને તમને અવૉઈડ કરવામાં આવ્યા છે. મારી જિંદગીમાં આવા તથાકથિત દોસ્તોને સ્થાન નથી. આના કરતાં મને દુશ્મનો ગમે, જેઓ મને એમની મારા પ્રત્યેની લાગણીની બાબતમાં અંધારામાં રાખતા નથી. દોસ્તો પાસે મારી અપેક્ષાઓ મોટી હોય છે કારણ કે મેં પોતે મારી જાતને દોસ્તોની એવી અપેક્ષાઓ સંતોષતાં જોઈ છે. દોસ્તની અપેક્ષાઓ જન્મે એ પહેલાં જ પામી જઈને મેં એ સંતોષી છે, મારી જાતને સ્ટેક્સ પર મૂકીને સંતોષી છે.
વર્ષો પહેલાંની વાત. મુંબઈના એક પ્રતિષ્ઠિત અને નામી સદ્દગૃહસ્થ ઓવર અ પીરિયડ ઑફ ટાઈમ મારા મિત્ર બન્યા. અમારી વચ્ચે ઘણા મુદ્દે મતભેદો થાય પણ ક્યારેય મૈત્રીનો તંતુ તૂટે નહીં. એક દિવસ સવારના પહોરમાં હું રસોડામાં બટાટા પૌંઆનો ડબ્બો અને ચાનું થરમોસ ભરાવતો હતો. (એ ગાળો ઘર છોડ્યાના બે દાયકા પછીનો હતો. હું પપ્પાની સાથે રહેતો થઈ ગયો હતો.) પપ્પાએ રસોડામાં ડોકિયું કર્યું અને ચા-નાસ્તાનો સરંજામ જોઈને પૂછ્યું : ‘અરે વાહ, પિકનિક પર જાય છે?’
મેં કહ્યું, ‘ના, સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને.’
‘કેમ?’
‘મારા એક ફ્રેન્ડ પોલીસ કસ્ટડીમાં છે.’
‘કોણ?’
મેં નામ કહ્યું.
‘શું આક્ષેપ છે?’
‘ત્રણસો બે. મર્ડર?
‘એમણે ખૂન કર્યું?’
‘ના, આક્ષેપ છે, તદ્દન જૂઠ્ઠો કેસ છે.’
‘તને કેવી રીતે ખબર?’
‘મને ખબર છે. એમને હું જાણું છું. એ કોઈ દિવસ ન તો પોતે ખૂન કરે, ન તો કરાવે.’
સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઈન્સ્પેક્ટર વગેરેને વિનંતી કરીને મેં એમને અને એમની સાથે પકડાયેલા એમના બીજા મિત્રોને તેમજ હવાલદારોને ગરમ નાસ્તો કરાવ્યો, ચા પીવડાવી. મારી અને મારા મિત્ર વચ્ચે એ વખતે તબિયતના ખબરઅંતર સિવાયની કોઈ વાતચીત નહોતી થઈ. પણ મેં એમની આંખોમાં આવી કટોકટીના સમયે સામેથી આવી ચડેલા દોસ્ત માટેનું ગૌરવ જોયું. અને એમણે મારી આંખોમાં એમના માટેની શ્રદ્ધા, ભરોસો જરૂર જોયાં હશે.
એ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે ઘણા લોકો મને પૂછતા કે, તું શું કામ બધા આગળ એનો બચાવ કરતો ફરે છે? હજુ કોર્ટે તો ડિસાઈડ કર્યું નથી. હું કહેતો, આ માણસ નિર્દોષ છે કારણ કે એમના જીવનને મેં દૂરથી-નજીકથી જોયું છે. એ ઉસૂલવાળા આદમી છે. કોઈનું ખૂન કરવાનો વિચાર સુદ્ધાં એમને ન આવે. નક્કી કોઈએ એમને સાઝિશ કરીને ફસાવી દીધા છે.
આટલું કહીને હું ઉમેરતો : એ તો નિર્દોષ છે જ. પણ ધારો કે મેં જેને મારો મિત્ર માન્યો હોય એવો, આમના જેવો જ કોઈ બીજો ફ્રેન્ડ, હાથમાં લોહી નિગળતી છરી લઈને મારા સ્ટડી રૂમમાં આવીને કહે કે ‘યાર, મેં ખૂન કર્યું છે, પોલીસ મારી પાછળ છે, મને ખાતરી છે કે મારા માટે તારી આ જગ્યા સૌથી મહેફૂસ છે, સલામત છે, મને અહીં કોઈ નહીં શોધી શકે...’ તો એ ખૂની છે તે જાણવા છતાં હું એને આશરો આપીશ. કાયદામાં એક ખૂનીને આશ્રય આપવાની શું સજા છે તે જાણવા છતાં હું આ કૃત્ય કરીશ. મારે જે ભોગવવું પડે તે. કારણ કે મેં એને મિત્ર માન્યો છે. આ કે આવી કોઈપણ કટોકટીમાં મિત્રનો સાથ ન છોડવો, મક્કમપણે એની પડખે રહેવું એ મારી ફરજ છે એવું હું નથી માનતો, મારા માટે એ તદ્દન સાહજિક છે. આવું કરવા માટે મારે પ્રયત્નો નથી કરવા પડતા. ઈન્સ્ટિંક્ટિવલી થઈ જાય છે. જો કે પાછળથી એ મિત્ર પરના તમામ આક્ષેપો તદ્દન જુઠ્ઠા પુરવાર થયા.
હું માનું છું કે મારી પાસે છ રોટલી હોય અને મારી ભૂખ ચારની જ હોય ત્યારે હું બે રોટલી જેના પર ભૂખના ઓળા ઊતર્યા હોય એવા મિત્રને ખવડાવું ત્યારે મૈત્રીધર્મ નિભાવાતો નથી. ખરો મૈત્રીધર્મ ત્યારે નિભાવાય છે, જ્યારે મને કકડીને ચાર રોટલીની ભૂખ લાગી હોય અને ભાણામાં ચાર જ રોટલી હોય, તે વખતે વખાનો માર્યો તમારો મિત્ર તમને મળવા આવે ત્યારે તમે એને બે રોટલી આપી પોતે અડધા ભૂખ્યા રહીને તમારા દોસ્તનું પેટ ભરો.
દસ હજાર રૂપિયાનું મૂલ્ય આજના લાખ રૂપિયા જેટલું હતું ત્યારની વાત. મારી પાસે તે વખતે એવી કોઈ રકમ સ્પેરમાં રહેતી નહીં કારણ કે લખવામાંથી પૈસા આવે ને ખર્ચાઈ જાય. પણ તે દિવસે મારા માનસિક મહેનતાણાનો (પ્રકાશકો એને ‘પુરસ્કાર’ કહેતા હોય છે) એક હિસ્સો સવારે જ આવ્યો હતો. શનિવાર હતો. મોડી સાંજે એક પરિચિતનો ફોન આવ્યો: તમારો ફલાણો દોસ્તાર ચેક બાઉન્સિંગના કેસમાં આજે જ જ્યુડિશલ કસ્ટડીમાં અર્થાત્ કાચા કેદી તરીકે જેલમાં ગયો. મેં પૂછ્યું, કેટલાનો ચેક હતો? પચ્ચીસ હજાર. મેં કહ્યું મારી પાસે દસ છે કાલે રવિવાર છે, તું આવીને લઈ જા અને મને ખાતરી છે બાકીનાનો બંદોબસ્ત થઈ જશે. સોમવારે દોસ્ત જેલની બહાર હતો.
એક પ્રેમમાં પડેલું યુગલ પોતાનાં લગ્નની તારીખ જણાવવા મને મળ્યું. દોસ્તાર મારો હતો. દોસ્ત કંઈક કહીને અચકાઈ જતો હતો. કદાચ ગર્લફ્રેન્ડની હાજરી ખટકતી હશે. મેં એને વાત કરવાનું દબાણ ન કર્યું. હું સમજી ગયો. મેં એક રકમ કાઢીને એના હાથમાં મૂકી દીધી: તમારા લગ્નપ્રસંગની ભેટ એડવાન્સમાં. સાદાઈથી લગ્ન નિપટી શકે એ માટે આટલી રકમ પૂરતી હતી. દોસ્તે ભારે સંકોચ સાથે રકમ લીધી. એને ખબર હતી કે નૉર્મલી આ રકમ આપનારની એવી કોઈ ત્રેવડ નથી કે આટલો મોટો ચાંદલો કરે. લગ્નના એકાદ વરસ પછી એ મને મળ્યો. એની પાસે હાથ રૂમાલમાં બાંધેલી પોટલી હતી. મારા હાથમાં મૂકી. રૂપિયો, બે રૂપિયા, પાંચ-દસ, નાની રકમની નોટો. બચત કરી કરીને જમા કરેલા પૈસા એ મને પાછા વાળવા આવ્યો હતો.
જિંદગીમાં એવા કેટલાય કર્જ હોય છે જે તમે ક્યારેય ઉતારી શકવાના નથી. રૂપિયાનું કર્જ તો નાનું કહેવાય. ભાવનાઓથી જે માણસ તમને દેવાદાર બનાવી દે છે એના તમે આજીવન ઋણી રહેતા હો છો.
અમદાવાદ સ્થાયી થયો એ જ વર્ષે દિવાળીમાં કુટુંબ-સગાંવહાલાંઓ સાથે મહુડી જવાનું નક્કી કર્યું હતું. પ્રયોજન મહુડી જવાનું નહોતું, મહુડીના પાદરે કોટયર્ક દેવનું સ્થાનક છે. અમારા ખડાયતા વૈષ્ણવોના એ કુળદેવતા - કૃષ્ણનું જ સ્વરૂપ. નીકળવાની આગલી રાતે મને થયું કે જિંદગીમાં હું પહેલવહેલીવાર કુળદેવતાનાં દર્શને જઉં છું, મેં બાધા લીધી : સિગરેટ છોડવાની. કૉલેજના દિવસોથી પીતો. વચ્ચે વચ્ચે બે ડઝન વાર છોડી હશે. પણ થોડા દિવસ, થોડા મહિના પછી પાછી શરૂ. આ વખતે તો છોડવી જ છે.
અને છૂટી ગઈ, પાંચ વરસ સુધી નહીં પીધી. જેલની પહેલી જ મુલાકાતમાં મેઘા મળવા આવી ત્યારે પંદર મિનિટ પૂરી થતી હતી અને પૂછતી ગઈ : તમે સિગરેટ શરૂ કરી? ના. મેં કહ્યું.
અંદર ભયંકર માનસિક તાણમાં હું રહેતો પણ મન સાફ હતું એટલે રાત્રે નિરાંતે સળંગ સાત કલાકની ઉંઘ મળતી. જેલની કેન્ટીનમાં તે વખતે ઑફિશ્યલી સિગરેટ મળતી. આજુબાજુવાળા ઘણા પીતા. મને ઑફર કરતા. પણ એવા ટેન્શનમાંય મેં સિગરેટ નહીં પીધી.
બહાર આવ્યાના બે-એક મહિના પછી હું ક્યાંક જતો હતો. પાનના એક ગલ્લા પાસે ગાડી ઊભી રખાવીને મેં ભરતભાઈને કહ્યું : બે સિગરેટ લઈ આવો. ભરતભાઈ ચોંકી ગયા. એમણે મને છેલ્લા પાંચ વરસમાં ક્યારેય સિગરેટ પીતાં જોયો નહોતો. કારણકે કોટયર્ક મહુડીની બાધા પછી એ મારા જીવનમાં આવ્યા. એ પહેલાં એ શિક્ષણમંત્રી આનંદીબહેન પટેલની ગાડી ચલાવતા. ભરતભાઈએ પૂછ્યું, ‘કઈ?’ મને યાદ પણ નહોતું કે છેલ્લે હું કઈ સિગરેટ પીતો હતો. એ હદ સુધી હું એને ભૂલી ગયો હતો. પાનના ગલ્લા પર મેં બોર્ડ જોયું : ક્લાસિક. મેં કહ્યું : ‘એ જ લેતા આવો.’
બેમાંની એક શર્ટના ખિસ્સામાં મૂકીને બીજી મેં કારના લાઈટરથી સળગાવીને કશ લીધો. ભરતભાઈએ મારી સામે જોયું. એ જરાક હસ્યા. નૉર્મલી ભરતભાઈનું વર્તન ભારે વિવેકી. બહુ જ અદબવાળા. હું જેટલું એમને માન આપું એના કરતાં વધારે આદર એ મારો જાળવે.
‘શું થયું, ભરતભાઈ? કેમ હસ્યા તમે?’ મેં પૂછ્યું :
‘કંઈ નહીં, ભાઈ...’
‘કહો તો ખરા. કંઈક કહેવું છે તમારે’ મેં બહુ આગ્રહ કર્યો ત્યારે એમણે ફોડ પાડ્યો.
એ ક્યારેક સિગારેટ-બીડી પીતા, તમાકુ નિયમિત ખાતા- પાનમાં કે પછી ગુટકો. હું જેલમાં હતો ત્યારે જેલના નિયમો પ્રમાણેની પરવાનગી કઢાવીને બીજા તમામ કાચા કેદીઓની જેમ મને પણ ઘરેથી ટિફિન મેળવવાની છૂટ હતી. ભરતભાઈ રોજ એમની બાઈક પર ટિફિન જમા કરાવીને આગલા દિવસનું ખાલી ટિફિન પાછું લઈ જતા. મહિનો થયો. હું રોજ ભરતભાઈએ આપેલું ટિફિન બીજા સાથી કેદીઓ સાથે જમતો અને મને થતું આટલા નજીક આવીને ભરતભાઈ મને મળ્યા વગર જતા રહે છે. બીજે દિવસે મેં મુલાકાત જેલરને રિક્વેસ્ટ કરી - એક અનઑફિશ્યલ વિઝિટ માટેની. જેલમાં સુપરિન્ટેન્ડન્ટથી માંડીને જેલરો, સિપાઈઓ બધાને મારા આગમનની અને કેસ વિશેની જાણકારી મળી ગઈ હશે અને દરેક જણ ‘આ ખોટે-ખોટો ક્યાં અહીં ભેરવાઈને આવી પડ્યો’ એવી લાગણી સાથે મારી સાથે તમીઝથી વર્તતું. મુલાકાત જેલરને વિનંતી ન કરી હોત તો મને દર અઠવાડિયે એક વાર પંદર મિનિટ માટેની મુલાકાતનો જે ક્વોટા મળતો હતો તે એમાં વપરાઈ જાત. મુલાકાત જેલર પોતે ભરતભાઈ ટિફિન આપવા આવ્યા ત્યારે એમને મુલાકાત રૂમમાં લઈ આવ્યા. મારી અને ભરતભાઈની વચ્ચે બે જાળી. અમે એકબીજાને માત્ર જોઈ શકીએ. અત્યાર સુધી હું આ ગાળામાં રડ્યો નહોતો. મારી ધરપકડ થઈ ત્યારે નહીં, પોલીસ કસ્ટડીમાં નહીં, અદાલતે મને સાબરમતી જેલમાં જ્યુડિશ્યલ કસ્ટડી હેઠળ રાખવાનો હુકમ કર્યો ત્યારે નહીં, જેલની પહેલી રાતે, મારા માટેની બેરેકની ફાળવણી થાય એ પહેલાં ‘આફ્ટર’માં જન્મટીપના કેદીઓ (કાં તો મર્ડર કાં રેપ) વચ્ચે ગાળેલી રાતે પણ નહીં, જેલના મુલાકાત રૂમમાં મેઘાની પહેલી વિઝિટ વખતે પણ નહીં... જેલના રાતના ભેંકાર અંધકારમાં છુપા છુપા પણ નથી રડ્યો પણ ભારતભાઈને જોતાંવેંત એક મહિનાથી બાંધી રાખેલો બંધ તૂટી ગયો. પાંચ મિનિટ સુધી કશું બોલ્યા વિના અમે બંને માત્ર રડતા રહ્યા...
મેં સિગરેટ સળગાવ્યા પછી મારા ખૂબ આગ્રહ બાદ ભરતભાઈએ મને કહ્યું : ‘ભાઈ, મેં મૂકી અને તમે શરૂ કરી.’
‘હું સમજ્યો નહીં.’
‘તે દિવસે હું તમને પહેલીવાર જેલમાં મળવા આવ્યો યાદ છે? એ રાતે મને ઊંઘ ન આવી. બીજા દિવસે મારા આખા કુટુંબને લઈને અમે સૌ ઉઘાડા પગે અમારી કુળદેવીનાં દર્શને ગયાં. અમદાવાદથી થોડે દૂર છે. ત્યાં મેં તમારા માટે બાધા રાખી. હેમખેમ બહાર આવી જશો તો હું આખી જિંદગી બીડી-સિગરેટ-તમાકુ-ગુટકો- સાદું પાન પણ, છોડી દઈશ.’
આજની તારીખે મારી સિગરેટ ફરી શરૂ થઈ ગઈ તે થઈ ગઈ પણ સાત વરસ થયાં એ વાતને, ભરતભાઈએ ન તો સિગેરટ-બીડી શરૂ કર્યાં છે, ન તમાકુ-ગુટકો, ન ઈવન સાદું પાન.
છ વરસ પહેલાં અમદાવાદ છોડ્યું ત્યારે એ મને મુંબઈ સુધી મૂકવા આવ્યા હતા. બે-ત્રણ દિવસ રહીને પુસ્તકો વગેરે ગોઠવવામાં મદદ કરીને પાછા ગયા. બીજે વરસે એમના દીકરાનાં લગ્ન હતાં. એમની ખૂબ ઈચ્છા હતી અને મારી પણ. પરંતુ તે વખતે મારે જે વહેવાર કરવો જોઈએ એટલા તો શું ગાડીભાડાનાં પણ ફાંફા હતા. હું બહાનું કરીને ન ગયો. ભરતભાઈને માઠું લાગ્યું હશે પણ સમજતા પણ હશે. એ પછી એમની દીકરીનાં લગ્નનો પ્રસંગ આવ્યો. હું થાળે પડી રહ્યો હતો. મારે જે વહેવાર-ભેટો વગેરે લઈ જવું હતું તે તો ખરું જ પણ વહેલી સવારના માંડવા મુહૂર્તથી મોડી સાંજે કન્યા વિદાય સુધી હું ને મેઘા એમની, એમના કુટુંબીઓ, સગાં, નાતીલાઓ, મિત્રો-સ્વજનોની સાથે રહ્યા. ઘરનાં લગ્ન હોય એ જ ઉમળકાથી એ લગ્ન માણ્યાં.
અમદાવાદ જતો આવતો હોઉં ત્યારે એમને મળવાનું ચૂકતો નથી, વારતહેવારે ફોન પર વાત થતી રહે, નવમી જૂને એમની વર્ષગાંઠે સવારે અચૂક હું ને મેઘા એમની સાથે વાત કરીએ. એ પણ મારી વર્ષગાંઠે ખાસ ફોન કરે. ક્યારેક અમદાવાદમાં હોઉં ત્યારે સાંજે ભરતભાઈને ફોન કરીને કહું : ‘બહેનને કહેજો કે બે રોટલી વધારે બનાવે, હું જમવા આવું છું.’
દોસ્તી પૈસાથી નથી મપાતી, દોસ્તીમાં સામાજિક સ્તર નથી હોતા, દોસ્તી ભાવનાઓથી/લાગણીઓથી સિંચાય છે.
જિંદગીમાં જે પ્રિય છે એવું ત્યજીને દોસ્તીનો ધર્મ સચવાય છે એવું મને ભરતભાઈ પરમારે શીખવાડ્યું.
લાઈફલાઈન
પરમાત્મા,
અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓ પિછાણી શકીએ અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ. અમારી ઊણપો, નબળાઈઓ, ભૂલો દૂર કરવાના અને સાત્ત્વિકતા, સત્યનિષ્ઠા, નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં અમે એકમેકને સક્રિય સાથ આપીએ. અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતા, તેમનો માર્ગ ખીણમાંથી પસાર થાય ત્યારે તેમને વીસરીએ નહીં.
-કુન્દનિકા કાપડીઆ
(‘પરમ સમીપે’માં)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર