દરેક ટેવ બદલી શકાય,પણ આહિસ્તા આહિસ્તા...

24 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

મોટી આદતો કે અઘરી ટેવો પાડવી હોય તો પહેલાં નાની અને સિમ્પલ ટેવ પાડવી પડે. રોજ અડધો કલાક નિયમિત એક્સરસાઈઝ કરવા માટે જો તમે એમ વિચારશો કે હું દસ-દસ મિનિટથી શરૂ કરું તો તરત સફળતા નહીં મળે. કારણ કે તમને એક્સરસાઈઝ કરવાનો જ કંટાળો છે. દસ મિનિટ માટે પણ નહીં કરી શકો. એને બદલે વ્યાયામ શરૂ કરતાં પહેલાં બીજી કોઈ ઈનોસન્ટ ટેવ પાડવી. દાખલા તરીકે તમે નક્કી કરો કે તમને મ્યુઝિક સાંભળવું ગમે છે એટલે હું રોજ સવારે પંદર મિનિટ માત્ર મ્યુઝિક સાંભળીશ. છાપાં વાંચતાં કે કોઈ કામ કરતાં સંગીત સાંભળવાની વાત નથી. બીજું કશું જ કર્યા વિના માત્ર સંગીત સાંભળવાનું. તમને જે મ્યુઝિક પસંદ હોય તે. ઈન્ડિયન ઓશન સાંભળવું હોય, આર.ડી. બર્મનનું મ્યુઝિક સાંભળવું હોય, શિવકુમાર શર્માનું સંતુરવાદન સાંભળવું હોય કે લતા મંગેશકરે ‘ચલા વાહી દેસ’ આલબમમાં ગાયેલાં મીરાંના ભજનો સાંભળવાં હોય. પણ નિયમિયપણે પંદર મિનિટ પૂરી એકાગ્રતાથી મ્યુઝિક સાંભળવું. બને તો રોજ એક નિશ્ચિત કરેલા સમયેઃ સવારે સાત વાગ્યે, બપોરે બે વાગ્યે, સાંજે છ વાગ્યે કે રાત્રે સૂતા પહેલાં. અઠવાડિયું, પંદર દિવસ કે મહિના સુધી આ સિમ્પલ ટેવ કેળવવાની. એ પછી દસ-દસ મિનિટથી શરૂ કરીને અડધો કલાક કે પોણો કલાક વ્યાયામ કરવાનું પ્લાનિંગ કરવાનું.

આવી નાની-સિમ્પલ આદતો કેળવવાનું બહુ અઘરું નથી હોતું. હેબિટ્સ વિશેના આ ત્રીજા અને અંતિમ હપતામાં આદતો બદલવા વિશેની કેટલીક ટિપ્સ આપવાનો ઈરાદો છે. આમાંની કેટલીક મેં પોતે સફળતાપૂર્વક અમલમાં મૂકી છે, કેટલીક ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપે એવી ટિપ્સ છે અને કેટલીક ટિપ્સ મેં અલગ-અલગ સોર્સીઝમાંથી ઓવર અ પીરિયડ ઑફ ટાઈમ વાંચેલી જે મને વખત આવ્યે અમલમાં મૂકવા જેવી લાગી છે.

1. તમારે કોઈપણ આદત બદલવી હોય અર્થાત નવી સુટેવ પાડવી હોય કે જૂની કુટેવમાંથી છૂટવું હોય તો વિચાર આવ્યો કે તરત અમલમાં નહીં મૂકી દેતા. પૂરતી તૈયારી વિના અમલ શરૂ કરી દેશો તો આરંભે શૂરા પુરવાર થવાના. પહેલાં તો એ નક્કી કરો કે ફલાણી આદત મારે પાડવી છે તો શું કામ પાડવી છે. બીજાઓમાં એ આદત જોઈને મને પણ દેખાદેખીમાં મન થઈ ગયું કે પછી મારે અંદરથી, દૃઢપણે આ આદત પાડવી છે. એવી આદતને લીધે મને કયા-કયા ફાયદા થશે, કેવાં વિઘ્નો આવશે તેનો વિચાર કરવાનો. અને એ પછી એ આદતને અમલમાં મૂકવાની કોશિશ કરવાને બદલે ઉપર મ્યુઝિકના દાખલા જેવી કોઈ નાની, ઈનોસન્ટ અને સિમ્પલ આદત કેળવી લેવાની.

આવું જ કોઈ ટેવમાંથી છૂટવું હોય ત્યારે વિચારવાનું. આ ટેવ ખરેખર મારા માટે નુકસાનકારક છે, શું નુકસાન થાય છે કે થવાનું છે મને? બીજાઓને તમારી આ ટેવ માટે ચીડ છે એટલે એમાંથી છૂટવું છે કે પછી તમને જેન્યુઈનલી એવું લાગે છે કે મારે આ આદતમાંથી મુક્ત થવું છે. આટલું નક્કી કર્યા પછી અગેઈન, મ્યુઝિક જેવી સિમ્પલ આદત કેળવીને, તમારો વિલ પાવર છે એવું તમારી જ આગળ નાના પાયે પુરવાર કર્યા પછી કુટેવ છોડવાનું વિચારવાનું.

2. આવેશમાં કે એક ધડાકે કોઈ આદત બદલાતી નથી. ડાયેટિશિયનને મળીને જોસમાં ને જોસમાં બીજા જ દિવસથી સવારે એક વાટકી મમરા, બપોરે બે કોરી રોટલી અને મગ, સાંજે એક ફ્રુટ અને રાત્રે સુપ-સલાડવાળો ડાયેટ શરૂ કરનારાઓ બે-પાંચ અઠવાડિયામાં જ ઑફિસેથી પાછા આવતાં ચોરીછૂપીથી વડાપાઉં અને થોડા વખત પછી લગ્નજમણમાં અડધો ડઝન રસગુલ્લાં ઝાપટતાં થઈ જતા હોય છે.

રાતોરાત સિગરેટ માટે નફરત આવી જાય એટલે મોંઘું લાઈટર, ઍશ ટ્રે અને બાકી બચેલી સિગરેટ્સનું ખોખું કચરાના ડબ્બામાં પધરાવી દીધા પછી બે-ચાર દિવસમાં જ પાનના ગલ્લે જઈને સિંગલ-સિંગલ સિગરેટ ફૂંકતા અને મહિના પછી ફરીથી ખર્ચો કરી વધુ સારું લાઈટર, વધુ મોંઘી ઍશ ટ્રે અને સિગરેટનું એક પાકીટ નહીં, આખું કાર્ટન ઘરમાં રાખતા લોકો તમે જોયા છે. જિમમાં જવાનો સોલો ઉપડે એટલે આખા વરસની ફીમાં ડિસ્કાઉન્ટ મળે છે એવી લાલચથી હજારો રૂપિયાનો રોક આપીને નવા સ્પોર્ટ્સ શૂઝ, જિમના કપડાં, ગ્લવ્ઝ અને નવી જિમ બેગમાં ઈન્વેસ્ટમેન્ટ કરનારાઓ બે અઠવાડિયામાં જ હાંફી જતા હોય છે. માટે કોઈ પણ આદત રાતોરાત બદલાઈ જશે એવી ખોટી આશા રાખવી નહીં.

3. સ્ટેપ બાય સ્ટેપ આદત બદલવા માટે ધીરજ જોઈએ. તમારો સ્વભાવ અધીરો, ઉતાવળિયો અને તમને જ અકળાવનારો હશે તો જિંદગીમાં પડેલી ટેવો તમે આસાનીથી નહીં બદલી શકો. જે ટેવ પડી છે તે વર્ષોથી તમારા મનમાં સંઘરાઈ ગઈ છે. જે ટેવ તમે પાડવા માગો છો એ કામ તમે વર્ષોથી નથી કર્યું. એટલે નવો નકશો બનાવવાનું કામ તાબડતોબ નહીં થાય. બેસ્ટ એ છે કે તમારે જિમિંગ શરૂ કરવું હોય તો ઉપરના સ્ટેપ્સ પૂરા કર્યા પછી રોજ માત્ર દસ મિનિટ કસરત કરો અને એટલીસ્ટ એકવીસ દિવસ સુધી એક પણ દિવસનો ખાડો પાડ્યા વિના કરો.

તમારું મગજ તમારી વારંવાર થતી એક્ટિવિટીને બરાબર નોંધી લે છે અર્થાત્ તમને એની ટેવ પડતી જાય છે. એ પછી દસમાંથી વીસ મિનિટ કરો તો 21 દિવસ સુધી વીસ મિનિટ જ કરવાની, સમય વધારી દેવાનો નહીં. આમ ગ્રેજ્યુઅલી-ક્રમશઃ તમે થોડાક મહિનામાં તમારા ટાર્ગેટ મુજબ અડધો કલાક કે પોણો કલાકની કસરત પર આવી જશો. એ તબક્કે પહોંચ્યા પછી જ નવો ટાર્ગેટ બનાવવાનો કે મારે કેટલા કિલો વજન ઘટાડવું છે કે બૉડીમાં કેટલા પેક્સ ક્રિએટ કરવા છે - એ પહેલાં આવો કોઈ ટાર્ગેટ નહીં બનાવવાનો.

આવું જ સિગરેટ છોડવાની બાબતમાં રોજની વીસ પીતા હો તો ક્રમશઃ ઘટાડતા જાઓ. પહેલાં 21 દિવસ રોજની 15, પછી રોજની 10, પછી રોજની 5, પછી રોજની બે-ત્રણ, છેવટે એક અને ઝીરો સુધી જમ્પ મારી શકો. કોઈ તમને કહે કે મેં તો એક ઝાટકે સિગરેટ છોડી દીધી કે એક ઝાટકે પોણો કલાક જિમિંગ શરૂ કરી દીધું ત્યારે તમારે એમને બિરદાવીને એમનાં ચરણ પકડી લેવાના અને કહેવાનું કે ‘આપ મહાન છો, પ્રભુ!’ પણ એ વ્યક્તિ અપવાદ હોઈ શકે છે, અથવા અતિશયોક્તિ કરતી હોય એવું પણ બને. ખાલી બડાશ હાંકવા, તમને બધાને ઈમ્પ્રેસ કરવા કહેતી હોય એ શક્ય છે. ટ્રાય કરવી હોય તો તમે એક ધડાકે ટેવ બદલવાનો પ્રયત્ન કરી જો જો. સફળતા ન મળે તો પાછા અહીં આવી જવાનું. ઉત્તરોત્તર આગળ વધવાનો નુસખો તો આપ્યો જ છે.

4. ટેવ બદલતી વખતે લાઈફ નીરસ ન બની જાય એનું ખાસ ધ્યાન રાખજો. ડાયેટ બદલવો હોય તો ન ભાવતાં ભોજનવાળો ડાયેટ લાંબા સમય સુધી નહીં ચાલે. મીઠાઈ-આઈસ્ક્રીમની પરહેજ હોય તો પણ અઠવાડિયે એકવાર ઓછી કે તદ્દન નૉર્મલ ક્વૉન્ટિટીમાં ખાવામાં વાંધો નહીં, જો તમને મન થતું હોય તો. સિગરેટ છોડ્યા પછી મોઢામાં કંઈક મમળાવવા માટે ચ્યુઈંગ ગમ, પિપરમિન્ટ્સ, લવિંગ, જિરાગોળી કે મુખવાસ વગેરે સેંકડો વિકલ્પો છે, જે તમને જીભ પર મૂકવા ગમે. સુટેવો પાડીને કે કુટેવોથી મુક્ત થઈને તમારે કંઈ સાધુ-જીવન ગાળવાનું નથી. સંસારની જે કંઈ રંગરેલિયાં છે તે બધી જ તમારા માટે છે. એનો ઉપભોગ કરવાનું છોડતા નહીં. સિનેમા, ડિસ્કો, શૉપિંગ, ટ્રાવેલિંગ વગેરે ડઝનબંધ પ્રવૃત્તિઓ છે, જે તમને શુષ્ક નહીં થવા દે. એટલું જ નહીં આદતો બદલાયા પછી આ બધી પ્રવૃત્તિઓ કરવાની મઝા એટલી એન્હૅન્સ થશે કે તમને છૂટી ગયેલી કુટેવો યાદ પણ નહીં આવે કે પછી નવી પડેલી સુટેવો વિશે એવો વિચાર પણ નહીં આવે કે એ કંટાળાજનક છે.

5. છેલ્લી ટિપ એ કે એક વખત ટેવ બદલાઈ ગયા પછી જીવનમાં કંઈક એવું બને ત્યારે તમને એ બદલાયેલી ટેવ ત્યજીને પુનઃ , બૅક ટુ સ્કવેર વન આવી જવાનું મન થવાનું. ચેતી જજો. કોઈ ખરાબ ઘટના બને ત્યારે સિગરેટ પાછી ચાલુ કરવાનું વિચારતા નહીં. કામની વ્યસ્તતા ખૂબ વધી જાય અને આટલા દિવસમાં આટલું કામ પૂરું કરીશું તો આટલા લાખનો ફાયદો થઈ જશે એવી લાલચે જિમમાં ‘ટાઈમ વેસ્ટ’ કરવાનું બંધ કરી દેતા નહીં. કારણ કે યાર, લાઈફ છે. સારુંમાઠું તો બનતું રહેવાનું. આવી દરેક ઘટનાની આડશ લઈને જો આપણી મહામહેનતે કેળવેલી આદતો સાથે છેડછાડ કરવાનું શરૂ કરીશું તો નવેસરથી, એકડે એકથી શરૂઆત કરવી પડશે અને એ વધારે કપરું હશે. તમે ઓલરેડી હતોત્સાહ થઈ ચૂક્યા હશો, તમારો વિલ પાવર ભાંગીને ભૂક્કો થઈ ગયો હશે. માટે જે પણ આદતો છૂટી ગઈ હોય ને જે પણ આદતો નવી કેળવાઈ ચૂકી હોય એને તમારા સ્વ-ભાવનો એક ભાગ બનાવી દઈને જીવનમાં એક એવું સ્થાન આપી દેવાનું જે અચળ હોય, ખુદ ભગવાન પણ અપ્સરાને મોકલીને એ આદતને ચલિત કરવા માગે તોય ચળે નહીં.

લાઈફ લાઈન

જે પરિસ્થિતિ તમારી સામે સર્જાઈ છે એનાથી છટકી જવાની કોશિશ કરશો તો વહેલેમોડે એ પરિસ્થિતિ પાછળથી આવીને તમારો કૉલર પકડવાની જ છે.

- એલેક્સ હેઈલી

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.