જિંદગીની પાટીને કોરીકટ રાખવામાં એની શોભા છે કે પછી એના પર લીટાલપેડા હોય એ એનો ખરો ઉપયોગ છે
ટૉપ ટેન બિઝનેસ બુક્સમાં આપણે અત્યાર સુધી ચાર પુસ્તકોનો પરિચય કર્યો. જેમ્સ એલનની કિતાબ 'એઝ અ મેન થિન્કથ' અને નેપોલિયન હિલનું પુસ્તક 'થિન્ક એન્ડ ગ્રો રિચ' દાયકાઓ પહેલાં પ્રગટ થયેલાં હોવા છતાં આજની તારીખે મૉડર્ન બિઝનેસ મેનેજમેન્ટને લગતી બુક્સની યાદીમાં પણ અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. આ બે પુસ્તકો પછી માર્ક ઝકરબર્ગ જેનાં વખાણ કરતાં થાકતો નથી એ પીટર થીલના 'ઝીરો ટુ વન' પુસ્તક વિશે વાત કરી અને છેલ્લે વર્લ્ડ ફેમસ બિઝનેઝ કન્સલ્ટન્ટ ગાય કાવાસાકીની એટલી જ ફેમસ બુક 'ધ આર્ટ ઑફ ધ સ્ટાર્ટ'નો વિગતે પરિચય કર્યો.
આજે રયાન હૉલિડેની (Ryan Holiday) 'ધ ઑબ્સ્ટેકલ ઈઝ ધ વે' નામની બે વર્ષ અગાઉ પ્રગટ થયેલી નાનકડી પણ ઠોસ વિચારો ધરાવતી બુકનો પરિચય કરવો છે.
રયાન હૉલિડે એકદમ યંગ અમેરિકન બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ છે. જૂન 16, 1987ના રોજ જન્મેલો અને હજુ ત્રીસ પણ પૂરા નથી થયા એવો રયાન કૉલેજ ડ્રૉપઆઉટ છે. 2012માં એણે 'ટ્રસ્ટ મી, આયમ લાયિંગ' (વિશ્વાસ રાખો મારા પર, હું જુઠ્ઠું બોલું છું!) જેવું કેચી ટાઇટલ ધરાવતું પુસ્તક લખ્યું જે પેન્ગવિને પ્રગટ કર્યું. બેસ્ટ સેલર બન્યું. પછીના વર્ષે 'ગ્રોથ હેકર માર્કેટિંગ' આપ્યું. મે 2014માં આજે જેની વાત કરવાના છીએ તે પુસ્તક 'ધ ઑબ્સ્ટેકલ ઈઝ ધ વે' પ્રગટ થયું જેની ઑલરેડી એક લાખ નકલ હાર્ડ બાઉન્ડ એડિશનમાં વેચાઈ ચૂકી છે. અત્યારે એ બીજા બે રાઇટર્સ સાથે મળીને ચોથું પુસ્તક લખી રહ્યો છે.
'ધ ઑબ્સ્ટેકલ ઈઝ ધ વે' પાછળ બિઝનેસ બુક્સના પ્રેમીઓ કેમ પાગલ છે? જાણીએ,
માર્કસ ઓરિસિયસ બહુ જાણીતા અને આદરણીય એવા રોમન સમ્રાટનું નામ છે. આજથી બે હજાર વર્ષ પહેલાં એ થઈ ગયો. એનું પુસ્તક 'મેડિટેશન્સ' ઘણું વખણાયું. રયાન હૉલિડેએ એ પુસ્તકની જે સેન્ટ્રલ થીમ છે તેનાથી ઇન્સ્પાયર થઈને 'ધ ઑબ્સ્ટેકલ ઑફ ધ વે' લખ્યું છે અને સેન્ટ્રલ થીમ શું છે? માર્કસના જન્મના ત્રણસો એક વર્ષ પહેલાં ઝીનો નામના રોમન ફિલોસોફરે એક કન્સેપ્ટ આપી સ્ટોઇસિઝમની અર્થાત સુખદુઃખને સમાન ગણવું (સ્ટોઈક રહેવું એટલે તટસ્થતા અર્થમાં ઉદાસીન રહેવું.) સમજ્યા કંઈ? સુખદુઃખ મનમાં ન આણીએ રે અને આ દિવસો પણ જશે વાળી ફિલસૂફી જે આપણાં વેદ-ઉપનિષદ અને ભગવદ્ ગીતામાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. ગીતામાં તો સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય એ વિશેની ઊંડી સમજ આપી છે. અને માત્ર સ્થિતપ્રજ્ઞતાની જ નહીં, બીજી ઘણી ઘણી કન્સેપ્ટ્સ આપણા મૂલ્યવાન પ્રાચીન ગ્રંથોમાંથી વેસ્ટર્ન ફિલોસોફર્સે કોઈ જાતના એક્નોલેજમેન્ટ વિના એડોપ્ટ કરી લીધી છે. ટૂંકમાં, આપણું જ આપણને પાછું આપ્યું છે, રયાન હૉલિડેએ, માર્કસ ઓરિસિયસે અને ઝીનોએ. અલબત્ત, સૌનો વઘાર જુદોજુદો અને કોથમીર-કોપરાનું ડેકોરેશન અલગ-અલગ એટલે વાનગી પણ ડિફરન્ટ નામે ઓળખાય.
એની વે, અત્યારે અહીં આપણને મમ-મમ સાથે કામ છે, ટપ-ટપ સાથે નહીં.
જિંદગીમાં સતત રટણ ચાલ્યા કરે: આમ થયું હોત, તો આવું થઈ જાત અને તેમ થાય તો તેવું થઈ જાય. તમારી લાઇફનો ટોટલ કન્ટ્રોલ તમારા હાથમાં નથી એવું લાગે. પરિસ્થિતિ તમારા કાબૂમાં નથી અને એટલે જ વારંવાર વિઘ્નો આવ્યા કરે છે, રાઇટ? ના. એવું નથી. આ દુનિયામાં નાની-મોટી દરેક વ્યક્તિની જિંદગીમાં તમે જેને વિઘ્નો માનો છો તે અડચણો આવતી જ રહેતી હોય છે. નાના માણસની જિંદગીમાં નાની, મોટા માણસની જિંદગીમાં મોટી અને મહાન માણસોના જીવનમાં તોતિંગ મુસીબતો આવતી હોય છે અને એક મુસીબત પાર કર્યા પછી બીજી આવવાની જ છે. બીજી પૂરી થશે એટલે ત્રીજી. આવું આયુષ્યભર ચાલ્યા જ કરવાનું. જો તમે તમારી આ મુસીબતો માટે બીજાઓને દોષી ગણ્યા કરશો તો જીવનમાં ક્યારેય ઊંચા નહીં આવો. મારાં માબાપ, મારું કુટુંબ, મારું સર્કલ, મારી પત્ની, મારાં સંતાનો, મારા બોસ, મારા ભાગીદાર, મારા ક્લીગ્સ જો આવા ન હોત ને તેવા હોત તો અત્યારે હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત અને જીવનમાં સફળતા, સુખ, શાંતિની નદીઓ વહેતી હોત એવું જો તમે માનતા હો તો તમે એકલા નથી. સોમાંથી 99 જણા તમારા જેવું જ માને છે અને એ 99 જણાની જેમ તમે પણ આવું વિચારવાની ગલતી કરી રહ્યા છો, સો એ સો ટકા ભૂલ કરી રહ્યા છો.
એવું તે શું છે નરેન્દ્ર મોદીમાં, મુકેશ અંબાણીમાં અને શાહરૂખ ખાનમાં જે તમારામાં નથી. આ બધા પાસે જિંદગીની શરૂઆતમાં એટલી જ તકો હતી જેટલી તમારી પાસે હતી. ઓકે, મુકેશભાઈ પાસે ધીરુભાઈને કારણે તમારા કરતાં વધારે તક હતી પણ વૉટ અબાઉટ નરેન્દ્રભાઈ. એમની પાસે તો તમારા કરતાંય ઓછી ઑપોર્ચ્યુનિટીઝ હતી જિંદગીની શરૂઆતમાં. અને શાહરૂખ? એણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે રાજ કપૂર કે અમિતાભ બચ્ચન કંઈ એના પિતા નહોતા કે એના બૉલિવુડ પ્રવેશ માટે કોઈ રેડ કારપેટ બિછાવી આપે.
ગાંધીજી અને સરદાર પટેલથી માંડીને બરાક ઓબામા સુધીના સૌ કોઈ પાસે જીવનના આરંભે આપણા જેટલી જ કે આપણાથી ઓછી તકો હતી અને એમની બુદ્ધિમત્તામાં તથા આપણી અક્કલમાં પણ કંઈ ઝાઝો તફાવત નહોતો. તો પછી આજે એ લોકોના ચહેરા શા માટે રૂપિયાની નોટો પર, પોસ્ટલ સ્ટેમ્પમાં કે નોબેલ પ્રાઈઝના વિજેતાઓની યાદીમાં દેખાય છે અને આપણું નામ ક્યારેય મંદિરની બહાર મૂકેલા બાંકડા પર ચોંટાડેલી તખ્તી પર પણ મૂકાતું નથી?
કારણ કે, આપણી ઇચ્છાઓ એટલી જ છે કે કાલ ઊઠીને આવી કોઈ તખ્તી પર આપણું નામ લખાય. કારણ કે આપણે ક્યારેય વિચાર્યું જ નથી કે ભવિષ્યમાં આપણો પણ ફોટો રૂપિયાની નોટ પર હોઈ શકે છે, પોસ્ટલ સ્ટેમ્પ પર હોઈ શકે છે, નોબેલ પ્રાઇઝ વિજેતાઓની યાદીમાં હોઈ શકે છે. આવું વિચાર્યું નથી કારણ કે આપણે આપણી આસપાસના લોકોને, વાતાવરણને બ્લેમ કરીને બેઠા છીએ કે આવા સંજોગોમાં જીવતા હોઈએ ત્યારે આપણાથી થઈ થઈને શું થઈ શકે? આવા વિચારો ઘર કરી જવાનું કારણ એ કે આપણે ક્યારેય એવી જિંદગીની જવાબદારી લેવા તૈયાર જ નથી થયા કે જેમાં અનેક અગવડો વચ્ચે રહીને આપણે ધ્યેયપૂર્તિ માટે મચી પડીએ. આપણે ભવિષ્યની સલામતી માટે પૈસા કમાવા માગીએ છીએ પણ સમજતા નથી કે મહાન કાર્યો કરવાં હશે તો સલામતીની ભાવનાને છોડવી પડશે. બંદર પર લંગર સાથે જોડાયેલું જહાજ ક્યારેય સાત સમંદરની સફર નહીં કરી શકે. લંગર સાથે જોડાઈને મળતી સલામતી એને બંદર પર જ રાખશે. લંગર છૂટશે તો જ દેશ-દેશાવરના વાવટા જહાજ પર ફરકશે અને સ્વાભાવિક છે કે બંદર છૂટશે એટલે મધદરિયે આવતાં તોફાનોનો સામનો તો કરવો જ પડવાનો. અજાણ્યા સમુદ્રમાં આગળ વધવાની બિનસલામતી ભોગવવી જ પડવાની. આના કરતાં તો બંદર પર સલામત હતા એવા વિચારો પણ સમુદ્રનાં તોતિંગ મોજાંને તૂતક પર પટકાતાં જોઈને આવવાના જ.
મૂળ વાત છે તકલીફોનો સામનો. એ ત્યારે જ થઈ શકે જ્યારે તમે સુખ અને દુઃખ બંનેને એકસરખાં ગણો. મુસીબતો તમને મુસીબત જેવી ત્યારે જ ન લાગે જ્યારે તમે સમૃદ્ધિના સમયે એશોઆરામમાં સરી ન પડો.
દુનિયામાં જે લોકોની તમને ઇર્ષ્યા કરવાનું મન થાય છે એ બધા જ લોકોએ ધાર્યું હોત તો પોતાની સફળતા પ્રાપ્તિ પછી ઐય્યાશીમાં જીવન વિતાવ્યું હોત. જો એવું થયું હોત તો આજે તેઓ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયા હોત. એવું ન થયું એનું કારણ એ કે એમણે નવા નવા પડકારો ઝીલ્યે રાખ્યા, પોતાની જાત માટે નવા-નવા પડકારો ઊભા કર્યા, મુસીબતો અને સંઘર્ષોના વિચારથી ડરી જવાને બદલે એને સામેથી આવકાર્યા. અણધાર્યા ઊભા થતા સંજોગો સામે પીછેહઠ કરવાને બદલે એમાંથી પોતાની રીતે માર્ગ શોધી લીધા.
બહુ જબરજસ્ત વાતો છે આ પુસ્તકમાં કે તમારું નુકસાન થશે એવી મુસીબતભરી લાગતી પરિસ્થિતિમાંથી પણ તમે તમારો ફાયદો કેવી રીતે ઊભો કરી શકો. રયાન હૉલિડેના 'ધ ઓબ્સ્ટેકલ ઈઝ ધ વે' વાંચ્યા પછી તમને આ બધું જ શીખવા મળશે. ત્રણ ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકનાં બસો નાનકડાં પાનાંઓમાં જે ટિપ્સ આપી છે તે આવતા સોમવારે તમારી સાથે શેર કરવાનો ઇરાદો છે.
લાઇફલાઇન
જેના જીવનમાં ક્યારેય દુઃખના પહાડ તૂટી પડ્યા નથી, એને ક્યારેય ખબર પડવાની નથી કે ઉપરવાળાના આશીર્વાદ કોને કહેવાય.
- એડગર ઍલન પો (જ. 1809 - અ. 1849. ફેમસ મિસ્ટરી રાઇટર જેણે માત્ર 40 વર્ષના આયુષ્ય દરમિયાન સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં એવું ચિક્કાર કામ કર્યું કે આજે એની ગણના લેજન્ડ તરીકે થાય છે. ડિટેક્ટિવ વાર્તાઓના જનક તરીકે એનું નામ લેવાય છે અને કવિ નર્મદની જેમ માત્ર લખવાના ધંધાથી જ ઘર ચલાવનાર આ સૌ પ્રથમ જાણીતા અમેરિકન રાઇટર જીવનભર જિંદગીમાં અને કરિયરમાં આર્થિક અડચણો ભોગવતા રહ્યા.)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર