ગીતા ડોસા-ડગરા માટે છે?
ભગવદ્દ ગીતાનો જન્મ માગસર સુદ અગિયારથી થયો એવી આપણામાં માન્યતા છે અને બે દિવસ પહેલાના શનિવારે જ એ પવિત્ર અવસર ઉજવાયો. એના બે દિવસ પહેલાં અમારા પવઈમાં ચિન્મય મિશનના સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીની કર્મસંન્યાસ યોગ પરની સપ્તાહ ચાલતી હતી તેમાં આંટો મારવા ગયા.
સ્વામી બ્રહ્માનંદના કંઠથી અમે પ્રભાવિત છીએ. ગીતાપઠન (ગીતા ચેન્ટિંગ)ની એમની એમપીથ્રી મળતી થઈ એ પહેલાં એની સીડીનો સેટ અને એ પહેલાં એમની કેસેટ્સનો સેટ ખૂબ મિત્રોમાં વહેંચ્યો છે. ગીતાના સાતસો શ્લોકોનું એમનું પઠન તમે સાંભળો તો ટ્રાન્સમાં પહોંચી જાઓ.
સ્વામી બ્રહ્માનંદને સાંભળવા આવનાર શ્રોતાઓમાં પંચાણું ટકા સિનિયર સિટિઝન્સ હતા. અમને સવાલ થયો કે આ ઉંમરે એમના ભેજામાં ગીતાનું જ્ઞાન ઊતર્યું તોય શું અને ન ઊતર્યું તોય શું. પોણા ભાગની જિંદગી તો ગીતાના ગાઈડન્સ વિનાની ગઈ છે.
ભગવદ્દ ગીતા વિશે અમે અમારું નામ છુપાવીને, બીજા નામે બે-અઢી વર્ષ સુધી દર અઠવાડિયે લખ્યું છે. જેવું આવડે એવું લખ્યું છે. નામ સાથે લખવામાં સંકોચ થાય કારણ કે અમે તો હજુ ગીતાના કાચા વિદ્યાર્થી છીએ. સંસ્કૃતનું જ્ઞાન અલ્પ, ભારતીય આધ્યાત્મિક વારસામાં હજુતો છબછબિયાં મારી રહ્યા છીએ. પણ એક હોંશ કે ગીતા કંઈ આ સંસારમાંથી પરવારી ગયેલા લોકો માટે નથી. જીવનમાં જેટલી વહેલી આ જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલો વધારે ફાયદો. કૉલેજના અભ્યાસ સુધી ગીતાનું જ્ઞાન મેળવવાનો કંઈ અર્થ નથી. દુન્યવી વાતાવરણમાં પ્રવેશ્યા પછી જ ગીતાને તમે એપ્રિશ્યેટ કરી શકો. અમારે હિસાબે ગીતાનું જ્ઞાન ટ્વેન્ટીઝમાં સમજીને જીવનમાં ઉતારી લેવું જોઈએ.
પણ યંગસ્ટર્સમાં એક ફોબિયા હોય છે - જે વાતમાં ડોસા-ડગરા ઈન્ટરેસ્ટ લેતા હોય એ વાતથી દૂર રહેવું. કાલ ઊઠીને વૉટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ તો રિટાયર્ડ લોકો જ વાપરે કે ટૉર્ન જિન્સ તો દાદા-દાદીઓ જ પહેલે એવી ફેશન થઈ જાય તો યંગ જનરેશન આ બધાથી વિમુખ થઈ જશે.
આ એક નાનકડા લેખમાં ગીતાના મહાત્મ્ય વિશે, ખાસ કરીને યંગર જનરેશન માટે એ કેવી રીતે ઉપયોગી છે એના વિશે જ વાત કરવાની છે. ગીતા બેઝિકલી જીવન જીવવાની કળા શીખવાડે છે. તમારી ખરી લાઈફ તમે ભણવાનું પૂરું કરીને નોકરી-ધંધો કરતા થાઓ, લગનબગન કરીને ઠરીઠામ થાઓ, (જો લગ્ન કરો તો. બાકી કર્યા વિના પણ 'ઠરીઠામ' થઈ શકાય.) એ વખતે તમને લાઈફને લગતા, મૂંઝવતા જે પ્રશ્નો થાય તેના જવાબો તમને ગીતાના શ્લોકોમાંથી મળે. આ માટે સૌ પ્રથમ તો જે ને તે વાતમાં ગીતાનો ઉપયોગ કરવાની લાલચ છોડી દેવી જોઈએ. દાખલા તરીકે અનેક ચાંપલાં અને આંધળુકિયા સો કોલ્ડ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ ગીતા વડે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરતાં શીખવાડવાનો દાવો કરતા હોય છે. આમ મારીમચડીને ગીતાને દરેક જગ્યાએ માથે થોપવામાં આવે તે સારું નહીં. બીજું, ગીતા પુનરાવર્તનનો ગ્રંથ છે. એકની એક વાત આપણા દિમાગમાં ઊંડે સુધી ઊતરી જાય એ માટે વારંવાર અલગ-અલગ રીતે કહેવામાં આવી છે. આ પુનરાવર્તનના શ્લોકો જેઓ ઊંડા અભ્યાસી છે એમના માટે રાખીને આપણા જેવાઓએ એના સીમિત શ્લોક પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ત્રીજી વાત એ કે ગીતાના કેટલાક શ્લોક સાથે તમે એપરન્ટલી સહમત થઈ શકતા નથી. જો ઑન સેકન્ડ થૉટ પણ તમારી સહમતિ ચાલુ રહે તો એ શ્લોકોનું મનફાવતું વિશ્લેષણ કરવાને બદલે એને છોડી દેવાના. ગીતાના દરેકે દરેક શ્લોકના અર્થની તમને ખબર હોવી જ જોઈએ અને એને જીવનમાં ઉતારવો જોઈએ એવી જડતા આપણા લોકોમાં નથી. કુર્રાન-બાઈબલને ફૉલો કરનારાઓમાં હોય તો ભલે હોય.
ચોથી વાત એ કે, ગીતામાં ઉલ્લેખ પામતી આત્મા, પરમાત્મા કે મોક્ષ જેવી કન્સેપ્ટસ જ્યારે સમજાવવામાં આવે છે ત્યારે એ ઘણી અટપટી છે, ગૂઢ છે એમ કહીને તમને ઊંધે રવાડે ચડાવી દેવામાં આવે છે. ઘરે ફ્રિજ રિપેર કરવા આવનારો મિકેનિક કે તમારી કાર રિપેર કરવાવાળો ગેરેજનો મિકેનિક તમને કહે કે સાહેબ, આમાં તો બહુ ખરાબી છે, વાર લાગશે, ઘણું અટપટું કામ છે, આ પાર્ટ તો શોધીને લાવવો પડશે તો તમે એણે માંગેલી ફી હોંશેહોંશે ચૂકવી દેશો. પણ એટલી જ ફી માંગીને જો એ તમને એમ કહેશે કે સાહેબ, આમાં તો કંઈ જ રિપેર કરવાનું નથી. આ એક બોલ્ટ ઢીલો થઈ ગયો છે એટલે મશીન ચાલતું નથી. બે આંટા ફેરવીને ટાઈટ કરી દઉં તો તરત ચાલુ થઈ જશે. આવું કહેનારા મિકેનિકને તમે એણે માગેલી ફી આપવાના છો? ના.
ગીતાનું કે પછી કોઈ પણ વેદ-ઉપનિષદના ગ્રંથનું અટપટું, ગૂઢ, ન સમજાય એવું, તમને હાય ફન્ડા લાગે એવું, તદ્દન ભળતી જ કન્સેપ્ટ્સની ભેળપુરી બનાવીને તમને બિલકુલ ન સમજાય એવું અર્થઘટન કરનારાઓને તમે ભોળા લોકો માથે ચડાવશો, પગે પડશો, એમની તમામ માગણીઓ પૂરી કરશો. અને જો કોઈ મિકેનિક તમને માત્ર ટાઈટ કરી આપવાની વાત કરશે તો તમે કહેશો કે આમને તો કંઈ સમજાવતાં જ નથી આવડતું! ભોગ તમારા.
પાંચમી ને છેલ્લી વાત એ કે ગીતાના જે શ્લોકને રોજમર્રાની જિંદગીમાં ઊભી થતી પરિસ્થિતીઓ સાથે સાંકળી શકીએ છીએ તે દરેક શ્લોકના સંદર્ભો આપણા વેદ-ઉપનિષદો સાથે સંકળાયેલા છે અને તે રેફરન્સીસ સાથે જો અર્થઘટન કરવામાં આવે તો સમજવામાં ઘણી સરળતા રહે. ગીતાની સમજણ આપતી વખતે ઘરની ધોરાજી હાંકવાને બદલે આવું રિસર્ચવર્ક થવું જોઈએ.
ગીતા કંઈ કુર્રાન કે બાઈબલ જેવો જડ ગ્રંથ નથી એ સમજવું જોઈએ. એ બે ગ્રંથોની રચના થઈ એના હજારો વર્ષ પહેલાં ગીતાની રચના થઈ હતી અને આજની તારીખેય એ રિલેવન્ટ છે. બીજું, ગીતામાં જડતા નથી એનો મતલબ એ નથી કે એની ફ્લેક્સિબિલિટીને કારણે આપણે એને ધારીએ એમ મારીમચડી નાખીએ. ના. એવું કરશો તો તમને જ નુકસાન થશે.
વેદ વ્યાસ રચિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 20થી 30 વર્ષની ઉંમર વચ્ચેના યુવાનો માટે રિલેવન્ટ છે એવી પાકી શ્રદ્ધા સાથે જ અમે ઉપનામથી 'સિમ્પલ ગીતા' લખવાનું શરૂ કર્યું હતું. ટ્વેન્ટીઝમાં મહાલતા આજના યુવાનો ડોસાડગરા બનીને રેલવેમાં સિનિયર સિટિઝનનું ડિસ્કાઉન્ટ મેળવતાં થઈ જાય તે પહેલાં (તેના ઘણા પહેલાં) ગીતા વિશેના અભ્યાસનું રિવિઝન કરીને એક નાનકડું પુસ્તક એમને આપી દેવું છે. 2017ના નવાવર્ષના સંકલ્પોની યાદીમાં આ એક પોઈન્ટ ઉમેરી દેજો ને, ભાઈ.
લાઈફ લાઈન
યજ્ઞશેષ અન્નને જમનાર સંત પુરૂષો સર્વ પાપથી મુક્ત થાય છે, જેઓ માત્ર પોતાને માટે રાંધે છે, તે પાપીઓ ખરેખર પાપ જ ખાય છે.
(ગીતા, અધ્યાય ત્રીજો, શ્લોક તેરમો)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર