ચાલીમાં બીજી બે રૂમ કે પછી મન્નત?
કેટલીય એવી વાતો છે જે યુગોથી આપણે સાંભળતા આવ્યા છીએ પણ હજુ ય જીવનમાં એને સ્થાન નથી આપ્યું. આ વાતો અમલમાં નથી મૂકાઈ એનું કારણ એ હોય કે એટલી બધી વખત સાંભળી લીધી છે કે હવે એમાંની નવીનતા, એમાંનું આકષર્ણ, એમાં રહેલા સંદેશની સ્પષ્ટતા – બધું ય ખોવાઈ ગયું છે. કદાચ એવું પણ હોય કે જે વાત વારંવાર કહેવાતી હોય એના પ્રત્યે મન આપોઆપ બેધ્યાન બની જતું હોય, ક્યારેય કોઈનીય સાથે સરખામણી કરવી નહીં – એવું જ એક વાક્ય છે જે હજારો વખત સાંભળ્યું પણ અમલમાં મૂકવાનો વિચાર પણ આવ્યો નહીં.
સરખામણી બીજાની સાથે થાય. બીજા પર તમારો કોઈ કાબૂ હોતો નથી. એના વર્તન પર, એના પ્લાનિંગ પર, એની વિચારસરણી પર, એની પરિસ્થિતિ પર તમારો કોઈ કન્ટ્રોલ નથી. આપણે જ્યારે કોઈની સાથે આપણી કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે હંમેશાં ખોટનો ધંધો કરીએ છીએ. કારણ કે જે બાબતો પર આપણો કોઈ કાબૂ નથી એની સાથે આપણી સરખામણી કેવી રીતે થઈ શકે?
સરખામણી કરીને આપણે આપણું વિશ્વ સંકુચિત કરી નાખીએ છીએ. આપણે આપણી સરખામણી કોની સાથે કરીએ? મોટેભાગે એવી વ્યક્તિઓ સાથે જે આપણી આસપાસ હોય અથવા જેમની આસપાસના વર્તુળમાં આપણો સમાવેશ થતો હોય. અથવા એવી વ્યક્તિઓ સાથે જેમના વિશે આપણે આપણી નજીકના દોસ્તો-સગાં-પરિચિતો વિશે કંઈક સાંભળ્યું હોય. ધીરુભાઈ પોતાની સરખામણી ભૂલેશ્વરની એમની ચાલીની રૂમના પાડોશીઓ સાથે કરતા રહ્યા હોત એ ક્યરેય મોટા માણસ ન બની શક્યા હોત, બહુ બહુ તો પાડોશી કરતાં બે-ચારગણા વધારે પૈસાદાર બન્યા હોત અને એ જ ચાલીમાં બે દીકરાઓ મોટા થાય તો એમને પરણાવીને જુદા કાઢવા માટે બે વધારાની રૂમ ખરીદી લીધી હોત. શાહરૂખ ખાને બાન્દ્રાના નાનકડા ફ્લેટમાંથી બેન્ડ સ્ટેન્ડ પરના લેન્ડમાર્ક બંગલો (જેને એણે મન્નત નામ આપ્યું) સુધીની છલાંગ મારી કારણ કે એ પોતાની સાથેના બીજા અભિનેતાઓ બેને બદલે ચાર કે ચારને બદલે છ બેડરૂમના ફ્લેટ્સમાં રહેવા જાય છે એવી સરખામણી કરતો નહોતો. કરી હોત તો મન્નત સપનામાં જ રહી જાત.
સરખામણી તમને તમારી અસલી શક્તિનો પરિચય નથી આપતી. તમને નાનકડા ચોકઠામાં ગોંધી રાખે છે. તમારા કમ્ફર્ટ ઝોન તમારું પાંજરું બનાવવાનું કામ સરખામણી કરે છે. આપણે બીજાઓ સાથે આપણી સરખામણી કરીએ છીએ ત્યારે બીજું એક નુકસાન જે થાય છે તે આ જ કે આપણે બીજાઓની શક્તિને જોઈને વિચાર્યા કરીએ છીએ કે મારામાં તો આ ટેલન્ટ છે જ નહીં. પછી એ ટેલન્ટ કલ્ટિવેટ કરવા આપણે ધમપછાડા કરીએ છીએ. આપણે સમજતા નથી કે બીજામાં જેવી યુનિકનેસ છે, એવી જ યુનિકનેસ તમારામાં પણ છે. એનામાં જે ટેલેન્ટ છે તમારામાં નથી તો તમારામાં જે ટેલન્ટ છે તે એનામાં પણ નથી. પણ એની સાથેની ચડસાચડસીમાં આપણે આપણામાંની ટેલેન્ટને ઓળખવાનું જ ભૂલી જઈએ છીએ અને જો ઓળખી હો તો એને જતનપૂર્વક ઉછેરવા પર ધ્યાન આપતા નથી. કારણ કે આપણું ફોકસ આપણી નહીં, સામેની વ્યક્તિની ટેલેન્ટ પર હોય છે.
બીજાની સાથે સરખામણી કરીને હંમેશાં નાસીપાસ જ થવાના. ધારો કે હું એના કરતાં મોટો પુરવાર થયો તો પણ શું? જિંદગીમાં મારો મકસદ કંઈ એના કરતાં વધારે મોટા બનવાનો થોડો છે? મારે તો મારું જે પોટેન્શ્યલ છે તે પૂરેપૂરું કેવી રીતે બહાર આવે તે જોવાનું છે.
બીજાઓ તમારા કરતાં શું કામ આગળ છે એ વિશે તમે વિચારતા હો છો ત્યારે તમને જે કારણો જડે છે તે બાહરી કારણો હોય છે. અંદરનાં કારણોની તમને ખબર પડતી જ નથી. અને તમે એની સાથે કૉમ્પીટિશન કરવા જાઓ છો ત્યારે પેલાં એક્સટર્નલ ફેક્ટર્સ જ ધ્યાનમાં રાખો છો. દાખલા તરીકે તમે કેમિકલ્સના ધંધામાં છો. તમે જુઓ છો કે તમારા કોમ્પીટિટર ખૂબ મોટો ધંધો કરે છે અને ખૂબ કમાય છે. આ બેઉ વાતો ઉપરછલ્લી રીતે સાચી હોવા છતાં વ્યવહારમાં તમને ખબર નથી કે એનું ટર્નઓવર તમારા કરતાં ઘણું વધારે છે. કારણ કે એનો પ્રોફિટ માર્જિન તમારા કરતાં ઘણો ઓછો છે. ઘણો એટલે ઘણો જ ઓછો. તમે એટલા માર્જિને ધંધો કરવા જાઓ તો તમારે ત્રણ મહિનામાં શટર પાડી દેવું પડે. તો પછી એની લાઈફસ્ટાઈલ આવી લેવિશ કઈ રીતે? ગયા મહિને એની દીકરીનાં લગ્નમાં કરોડોના ખર્ચે ડેસ્ટિનેશન વેડિંગ કર્યું તો કોના જોરે? તમને ખબર નથી કે એની પાસે બાપદાદાનો પૈસો છે જે એણે દાયકાઓથી શેરબજારમાં સારી રીતે ઈન્વેસ્ટ કર્યો છે અને એમાંથી જે કમાણી થાય છે તેમાંથી આ બધા ખર્ચા નીકળે છે, નહીં કે કેમિકલ્સના બિઝનેસમાંથી. અથવા તો એની પાસે ટોચના પોલિટિશ્યનો અને વગદાર લોકોની એવી એવી ઓળખાણો છે જેનો ઉપયોગ કરીને એ બીજાઓનાં તોતિંગ પ્રોજેક્ટ્સ પાસ કરાવીને ફેવર રૂપે સસ્તામાં જમીનો મેળવીને વખત આવ્યે એના વેચાણમાંથી મોટી કમાણીઓ કરે છે, જેની સાથે કેમિકલના બિઝનેસને કોઈ લેવાદેવા નથી. તમે ધંધામાં તમારી સરખામણી એની સાથે કરવા જશો તો ક્યાંથી ફાવશો?
સરખામણી તમારામાં ફ્રસ્ટ્રેશન પેદા કરે છે. કારણ કે તમે તમારું ધાર્યું કરી શકતા નથી. ક્યાંથી કરી શકવાના? જે ફેક્ટર્સ પર તમારો કોઈ કરતાં કોઈ કન્ટ્રોલ નથી એ પરિબળોને કાબૂમાં લેવાનાં નિષ્ફળ પ્રયત્નો તમારામાં હતાશા જ પેદા કરવાના ને? તમે જો તમારા તાબામાં હોય એવા તમારા સંજોગો, તમારા પ્લાનિંગ, તમારા વિચારો અને તમારા વર્તન પર હન્ડ્રેડ પર્સેન્ટ ફોકસ કરશો તો બીજાઓની સાથે તમારી જાતની સરખામણી કરવા માટે માથું ઊંચું કરીને ઉપર જોવાનો સમય જ નહીં રહે.
લાઈફ લાઈન
બીજાઓ સાથેની સરખામણી કરવાનું જે ઘડીએ છોડી દેશો તે ઘડીથી તમને તમારા અસલી વ્યક્તિત્વનો પરિચય થવા માંડશે.
શેનન એસ. એલ્ડર
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર