નિર્ણયો નાના રાખવાથી ભૂલો મોટી થતી નથી
કોઈ કામ કેટલા સમયમાં પૂરું થશે એનો અંદાજ તમે કેવી રીતે લગાવી શકો? તમે અડધો કલાકમાં ઘરની જરૂરી વસ્તુઓની ખરીદી કરીને પાછા આવી જશો એમ વિચારીને નીકળો છો ને દોઢ કલાકે પાછા આવો છો. ક્યારેક ઊંધું પણ બને. પસ્તીની દુકાન જેવો બની ગયેલો સ્ટડીરૂમ નવેસરથી ગોઠવવા એક આખો દિવસ લાગશે એવું ધાર્યું હોય ને બે જ કલાકમાં તમારું કામ પૂરું થઈ જાય.
ભારતમાં જ નહીં પરદેશમાં પણ અસંખ્ય પ્રોજેક્ટસ ધાર્યા કરતાં મોડા પૂરા થાય છે જેને કારણે એની ઓરિજિનલ કૉસ્ટમાં ઘણો વધારો થઈ જાય છે. ડેન્વર ઈન્ટરનેશનલ એરપોર્ટ નક્કી કરેલી તારીખ કરતાં સવા વર્ષ મોડું તૈયાર થયું અને એની લાગતમાં બે બિલિયન ડૉલરનો તોતિંગ વધારો થયો. બૉસ્ટનનો 'બિગ ડિગ' હાઈવે પ્રોજેક્ટ પાંચ વર્ષ મોડો પૂરો થયો અને કૉસ્ટમાં અનેક બિલિયન ડૉલર્સ વધુ ખર્ચાયા.
કોઈપણ કામ પૂરું કરવા માટે તમે જે સમયમર્યાદા નક્કી કરો છો એમાં તમે ધાર્યાં હોય એવાં જ અણધાર્યા ફેક્ટર્સને લક્ષમાં રાખો છો. ન જાણ્યું જાનકીનાથે વાળી વાત તમે જાણો છો. આવતી કાલે શું થવાનું છે, એનીય તમને ખબર નથી હોતી ને તમે મોટે ઉપાડે ત્રણ મહિના, એક વરસ, ત્રણ વરસનું પ્લાનિંગ કરવા બેસો છો.
'સ્વિર્ક' પુસ્તકના લેખકો જેસન ફ્રાઈડ અને ડેવિડ હેઈનમેર હેન્સન ઉપરના મુદ્દાઓ રજૂ કર્યા પછી કહે છે કે, આપણે સૌ બહુ ટેરિબલ એસ્ટિમેટર છીએ. એટલે જ આપણું પ્લાનિંગ વારેઘડીએ બગડી જાય છે, ટાઈમ મેનેજમેન્ટ કરતાં ફાવતું નથી.
કોઈપણ લાંબા ગાળાના પ્રોજેક્ટને નાના-નાના ટુકડામાં વહેંચી નાખીને સમયનું પ્લાનિંગ કરવાનું. અમુક કામ 2020ની સાલના એપ્રિલમાં પૂરું કરવાનું છે, એવું વિચારવાને બદલે એના પ્રથમ ટુકડાના કામને આ વર્ષની પંદરમી ઑગસ્ટ પહેલાં પૂરું કરી નાખવું છે એવું પ્લાનિંગ કરવું. જરૂરી નથી કે તમારું કામ પંદરમી ઑગસ્ટે જ પૂરું થાય. વીસમી કે ત્રીસમી ઑગસ્ટે પણ પૂરું થશે. પણ 2020નો ટાર્ગેટ રાખશો તો કામ 2025માં પૂરું થશે અને ત્યાં સુધીમાં તમે હાંફીને તમારું કામ, તમારો પ્રોજેક્ટ અધૂરો છોડી દેશો. ઈનફેક્ટ, પંદરમી ઑગસ્ટે પૂરો કરવા ધારેલો કામનો ટુકડો હજુ નાનો કરી નાખો. એક અઠવાડિયામાં આટલું કામ થઈ જવું જોઈએ. દર રવિવારે તાળો મેળવતાં રહેવાનું કે કેટલું કામ કરવા ધાર્યું હતું અને એમાંથી કેટલું કામ થઈ શક્યું છે.
પૈસાની જેમ સમયની બાબતમાં પણ આપણે આપણી જાતને ઓવર એસ્ટિમેટ કરતાં રહીએ છીએ. અમુક રકમની જિંદગીમાં જરૂર છે એવું ધારીને માની લઈએ છીએ કે એટલા પૈસા તો આવી જશે. પછી કમાવવાનું શરૂ કરીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલે વીસે સો થાય છે. સમયનું પણ એવું જ છે. દોડવાનું શરૂ કરો ત્યારે ખબર પડે કે ઉસેન બોલ્ટની જેમ દસ સેકન્ડની અંદર સો મીટર દોડવું હશે તો કેટલા જન્મારા લેવા પડશે. મઝાની વાત જુઓ કે તમે દોડવાની પ્રેક્ટિસ શરૂ પણ કર્યા વિના સ્વીકારી લો છો કે તમે કોઈ કાળે ઉસેન બોલ્ટ બની શકવાના નથી. પણ એક લાખ રૂપિયા કમાતાં પહેલાં જ સપનાં જોવાનું કરી નાખો છો કે તમે પણ અંબાણી-અદાણી બની શકો એમ છો. જાણે લક્ષ્મીદેવી તમારે ભાલે ચાંદલો કરવા માટે કંકાવટી લઈને તમારા દરવાજાની બહાર જ ઊભાં છે. અને સૌથી મોટી ભૂલ તો આપણી સમયની ગણતરીમાં થતી હોય છે. કોઈ જાતના પાસ્ટ અનુભવ વિના આપણે ધારી લઈએ છીએ કે આ કામ આટલા સમયમાં પૂરું કરી નાખવું જ છે. અને એ જ રીતે પછી આપણે આ કાલ્પનિક પાયા પર વાસ્તવિક ઈમારત ચણવાનું શરૂ કરીએ છીએ. જેનો પાયો જ કાલ્પનિક હોય એના પર કોઈ ઈમારત ઊભી રહી શકે ખરી? આમ છતાં અંબાણી બનવાનાં અને અમુક વર્ષમાં આટલું કામ કરી નાખવાના મોહમાંથી આપણે છૂટતા નથી. એનું કારણ શું? આપણા તથાકથિત મોટિવેટર્સ પોતાના સેમિનારોમાં તમને ઊંધે રવાડે ચડાવે છે. આણે કર્યું તેમ કેમ ન કરી શકો? એવું કહીને તમને ઉપદેશો આપીને પાનો ચડાવે છે. સફળતાના આકાશને તમે પણ આંબી શકો છો એવી પ્રેરણા તમને પ્રવચનો, લેખો, પુસ્તકો દ્વારા આપે છે. આમાંનો કોઈ માઈનો લાલ તમને દસ સેકન્ડથી ઓછા સમયમાં સો મીટર દોડી શકશો એવી 'પ્રેરણા' નથી આપવાનો કારણ કે એને ખબર છે કે, દોડવામાં માત્ર પ્રેક્ટિસની કે સ્ટેમિનાની કે ટેકનિકની જ જરૂર નથી. આ ઉપરાંત બીજાં ઘણાં ફેક્ટર્સ એમાં હોય છે. જેની સાત નહીં, સત્તર પેઢીઓ જંગલોમાં શિકાર માટે દોડી હોય એના જિન્સમાં અને જેની આગલી પેઢીઓએ ગાંઠિયા-ફાફડાના નાસ્તા રોજ સવારે કર્યા હોય એના જિન્સમાં તફાવત હોવાનો. જેને કુદરતી રીતે લાંબા પગ, લાંબા પંજાની બક્ષિસ મળી છે અને જેનાં ફેફસાં જન્મથી જ વધારે ઑક્સિજન લેવા ટેવાયાં છે, એમનામાં અને બીજાઓમાં જે ફરક છે તે હંમેશાં રહેવાનો જ છે.
જેસન અને ડેવિડની બુક 'સ્વિર્ક' એવી કેટલીય મિથ તોડે છે જે અગાઉની ઘણી બિઝનેસ બુક્સે કે પછી અગાઉના ઘણા મોટિવેટર્સ કે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટસ વગેરેએ પ્રચલિત કરી હોય ને આપણા દિમાગમાં ઊંડે સુધી પેસી ગઈ હોય.
'સ્વિર્ક'માં લેખકો કહે છે કે કામ કરવાની લાંબી લાંબી યાદી ક્યારેય બનાવવાની નહીં. તમને થાય કે લાઈફમાં આ કરવું છે ને તે પણ કરી નાખવું છે ને પેલું પણ ભેગાભેગું કરી નાખીએ. આવી લાંબી લાંબી યાદીઓ બનાવવાની માણસને મઝા આવે. પણ આ રીતની દિલ્લગી તમને જીવનમાં આગળ નથી વધારવાની. એવાં કેટલાંય લિસ્ટ અત્યારે તમારાં જૂનાં કાગળિયાઓમાં ધૂળ ખાતાં હશે.
આવા લિસ્ટ જ્યારે તમારા હાથમાં આવશે ત્યારે એમાં નોંધેલી કેટલીય બાબતો જે તમે નથી કરી તે તમારામાં ગિલ્ટ પેદા કરશે. અને પછી તમે એના પર નજર નાખવાનું પણ છોડી દેશો. આને લીધે તમારામાં સ્ટ્રેસ ઊભો થશે કે કોઈ કામ કરવાને લાયક જ નથી, તમે જે કામ કરવા ધારો છો તે પૂરાં થતાં જ નથી.
આવું ન થાય એ માટે કરવાં જેવાં કામોની યાદી નાની બનાવો. સો કામને બદલે દસ કામ જ લિસ્ટમાં લખો. અને દસ કામ કરવાનાં ધાર્યા હોય તો એમાંથી ત્રણ કામની જ યાદી બનાવો અને કામ શરૂ કરી દો. બાકીના કામ વખત આવ્યે હાથ પર લેવાશે. અત્યારે એના વિશે વિચારીને જીવ બાળવાનો કોઈ મતલબ નથી.
આ જ રીતે લાઈફમાં મોટાં મોટાં નિર્ણયો લઈને લાઈફને રાતોરાત બદલી નાખવાની અભિલાષા છોડી દો. નાના-નાના નિર્ણયો લો, ઈગોને બાજુએ રાખીને દેખતી રીતે કોઈ પરિવર્તન ન આવતું હોય તેવું લાગે તો પણ નાના-નાના નિર્ણયો જ લો. આનો સૌથી મોટો ફાયદો એ કે, નિર્ણયો નાના રાખવાથી ભૂલો મોટી થતી નથી. આવા નિર્ણયો ખોટા પડે તો લાઈફમાં જબરી ઉથલપાથલ મચી જતી નથી. ઝાઝું નુકસાન કર્યા વગર તમે થોડું સમારકામ કરીને આગળ વધી શકો છો.
કસ્ટમર ઈઝ ઑલવેઝ રાઈટ અને કસ્ટમર ઈઝ ધ કિંગના વહેમમાંથી બહાર આવી જાઓ એવું આ લેખક જોડી કહે છે. કોઈ ઘરાક તમને કહે કે, તમારી ભેળપુરીમાં મને ચિલી સોસ, સોયા સોસ, ચીઝ અને થોડો કૉફી પાઉડર છાંટી આપો અને ઉપર સ્ટ્રોબેરીના ટુકડા મૂકી આપો તો તમારે એ ગ્રાહકને પરમેશ્વર ગણવાની જરૂર નથી. ધંધામાં અને પર્સનલ લાઈફમાં 'યસ' કહેવું બહુ સહેલું છે, પણ તમારે 'ના' પાડતાં શીખવાનું છે. દરેક વાતમાં હા, થઈ જશે, થઈ જશે કહેવાની જરૂર નથી, આને લીધે થોડાક લોકો તમારાથી નારાજ થતા હોય તો છો થાય.
'સ્વિર્ક'ના પાને-પાને આવી ઘણી ટિપ્સ છે. એક્કેક-દોઢદોઢ પાનામાં આખી વાત પતી જાય. વાંચવાની મઝા આવે એવી ભારરહિત ડિઝાઈનવાળી આ બુક વિશે આવતા સોમવારે વાત પૂરી કરીશું.
લાઈફ લાઈન
કલ્ટરમાંથી બહાર આવો, સિમ્પલિસિટીને શોધો.
- આલ્બર્ટ આઈન્સ્ટાઈન
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર