મૈત્રી તમારું ભોજનગૃહ, મિત્રો તમારું તાપણું

29 May, 2017
12:00 AM

સૌરભ શાહ

PC: sivanaspirit.com

ક્યારેક ટાઈમ મળે તો ખલિલ જિબ્રાનને વાંચજો. મારી પાસે એના કમ્પ્લીટ વર્ક્સનું દળદાર વૉલ્યુમ છે પણ મારી જે ફેવિરટ બુક છે તે છે ‘વિદાય વેળાએ' જેમાં ખલિલ જિબ્રાનની વિશ્વપ્રસિદ્ધ કૃતિ ‘ધ પ્રોફેટ’નો કિશોરલાલ ઘ. મશરૂવાળાએ પરફેક્ટ અનુવાદ કર્યો છે.

જિબ્રાન અરેબિક અને અંગ્રેજી બેઉમાં લખતા. ‘ધ પ્રોફેટ’ પ્રેરણાત્મક પુસ્તક છે. જીવનનાં વિવિધ પાસાં વિશે ખલિલ જિબ્રાને તદ્દન મૌલિક એવી ઘણી બધી વાતો લખી છે. લગ્ન વિશે એ કહે છે કે ‘પરમેશ્વરની શાંત સ્મૃતિમાંયે તમે સાથે જ રહેશો’ અર્થાત આજીવન એકમેકનો સાથ નિભાવજો પણ ‘તોયે, તમારા સહ-વાસમાં ગાળા પાડજો’ અર્થાત સાથે રહેતાં હો ત્યારે એકબીજાને સ્પેસ આપજો. કેટલા સરસ શબ્દોમાં અભિવ્યક્તિ કરી છે : ‘જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતાં છતાં પ્રત્યેક (તાર) છૂટો જ રહે છે, તેમ.’

સુખી દામ્પત્યજીવનની ચાવી આપતાં એ કહે છે :

‘તમે એકબીજાની પ્યાલીઓ ભરી દેજો, પણ બેય એક જ પ્યાલી મોઢે માંડશો નહીં... એકબીજાને પોતાના રોટલામાંથી ભાગ આપજો, પણ એક જ રોટલાને બેય કરડશો નહીં.... તમારાં હૃદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં... અને સાથે ઊભાં રહેજો, પણ એકબીજાને અડોઅડ નહીં : જુઓ મંદિરના થાંભલા અલગ-અલગ જ ઊભા રહે છે... અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઊગતા નથી’.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડમાં બેઉને પોતપોતાનું આખું અસ્તિત્વ હોવાનું. કોઈ એકબીજા માટે પોતાના આગવાપણાનો ભોગ આપવાની જરૂર નથી હોતી. એકબીજાની સહાયથી બંનેએ પોતપોતાના આગવાપણાને આગળ વધારવાનું, વિકસાવવાનું હોય અને જાળવી રાખવાનું હોય.

સંતાનો વિશે જિબ્રાન કહે છે : ‘તમે એમને તમારો પ્રેમ ભલે આપો પણ તમારી કલ્પનાઓ નહીં.’

ખલિલ જિબ્રાન ભારે સ્વતંત્ર્યવાદી વિચારક છે. મા-બાપ આદર્શ પેરન્ટિંગ કરવાની લાહ્યમાં પોતે જે સપનાંઓ સાકાર નથી કરી શક્યા તેને પોતાના સંતાન દ્વારા સાકાર થતાં જોવા માગે છે. હું તો ડૉક્ટર નહીં થઈ શક્યો, તને હું ડૉક્ટર બનાવીશ. અરે પણ, તમારા છોકરાને સરકસના જોકર બનવું છે. તો બનવા દો એને. એનું સપનું, એની કલ્પના તમારાં કરતાં જુદાં છે કારણ કે એ તમારું બાળક છે તે હકીકત હોવા છતાં તમારે સ્વીકારવાનું છે કે એનું અસ્તિત્વ અલગ છે, એની પર્સનાલિટી અલગ છે, એના જન્મ પછી તમે તરછોડી દીધું હોત તોય એણે પોતાની રીતે જિંદગી બનાવી લીધી હોત. ભગવાને પૃથ્વી પર જન્મ લેનારી દરેક વ્યક્તિમાં ઈનબિલ્ટ એવી શક્તિ મૂકી જ છે. એટલે ઓવર પઝેસિવ થઈને તમારાં સંતાનની ઝિંદગીમાં દખલગીરી કરવાની ટેવ છોડી દો હવે.

પ્રેમ વિશે જિબ્રાને આ યાદગાર અને એવર લાસ્ટિંગ વાત લખી છે :

‘પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી, અને કોઈનો તાબેદાર બનતો નથી.’

કોઈપણ સંબંધમાં પઝેસિવનેસથી ઘણી પીડાઓ સર્જાતી હોય છે. આરંભમાં પ્રેમ જતાવવા માટે કહેવામાં કે દર્શાવવામાં આવતી પઝેસિવનેસવાળી બીહેવિયર ભલે ગમી જતી હોય પણ વખત જેમ વીતતો જાય તેમ આવી વર્તણૂક સંબંધને ગૂંગળાવી નાખે, બંધિયાર બનાવી દે. પ્રેમની બાબતમાં જિબ્રાન તમને પહેલેથી જ ચેતવી દે છે :

‘જેમ પ્રેમ તમને સિંહાસન પર ચડાવે છે, તેમ તમને શૂળી પર પણ ચડાવશે. જેમ એ તમારી વૃદ્ધિનું કારણ છે, તેમ તમારી કાપણીનું યે કારણ છે.’

લેબેનોનમાં 1883ની સાલમાં જન્મેલા ખલિલની માતા એક પાદરીની પુત્રી હતી. પિતા આ માતાનો ત્રીજો પતિ હતો. કુટુંબ ગરીબ, પદ્ધતિસરનું શિક્ષણ ન મળ્યું પણ પાદરીઓ પાસેથી બાઈબલનું અને અરબી ભાષાનું જ્ઞાન મળ્યું. બાપ જુગારી, આર્થિક ગરબડગોટાળાને કારણે જેલમાં જઈ આવેલો. મા દીકરાને લઈને 1895માં પોતાના ભાઈને ત્યાં અમેરિકા જતી રહી. અહીં એને ભણવાની તક મળી. ભણીને બૈરુત પાછો આવ્યો.

થોડા વર્ષો રહીને ફરી પાછો બોસ્ટન ગયો. વચ્ચે પેરિસમાં ચિત્રકળાનું ભણવા ગયો. ત્યાં એના કરતાં દસ વર્ષ મોટી મેરી એલિઝાબેથ નામની શ્રીમંત નારી સાથે મૈત્રી થઈ. આખી જિંદગી બેઉ મિત્રો બનીને રહ્યાં, પ્રેમી બનીને રહ્યાં. મેરીનાં લગ્ન પછી પણ એ જિબ્રાનને ચાહતી રહી અને એનો આર્થિક ટેકો બનીને રહી.

48 વર્ષની ઉંમરે લીવરના સિરોસિસ તથા ટીબીને લીધે જિબ્રાનનું મૃત્યુ થયું.

‘વિદાય વેળાએ’ પુસ્તકનું એક અગત્યનું પ્રકરણ છે ‘હર્ષ અને શોક’. ખલિલ જિબ્રાન માત્ર છ જ શબ્દોમાં તમારી આખી જિંદગી બદલાઈ જાય એવી વાત લખે છે :

‘હર્ષ એટલે વેશ ઊતારી નાખેલો શોક’

શોક ભલે ઘટનાઓ સર્જાવાથી પેદા થતો હોય. પણ છેવટે તો એ મનમાં જ ઉછરતો હોય છે. તમે મનમાં પેસી ગયેલાં શોકને બહાર કાઢી નાખો તો એ જ પરિસ્થિતિ તમારા માટે હર્ષની બની જવાની. જે સંજોગો તમને તમારી જિંદગીમાં પહાડ જેટલી મુસીબત લઈને આવ્યા છે એવું લાગતું હોય તે જ સંજોગોને જોવાની દ્રષ્ટિ બદલીને જો તમે એવું વિચારતા થઈ જાઓ કે આ કપરી પરિસ્થિતિને લીધે મારી જિંદગીમાં કઈ-કઈ નવી તકો ઊભી થઈ, તો તમે એ શોકમાંથી બહાર આવી જવાના એટલું જ નહીં તમારો શોક હવે તમારા માટે હર્ષ બની જવાનો. જિબ્રાન કહે છે :

‘જ્યારે તમને હર્ષ થાય ત્યારે તમારા હૃદયમાં ડૂબકી મારીને જો જો, એટલે તમને જણાશે કે જેણે તમને શોક કરાવેલો એ જ તમને હર્ષ ઉપજાવી રહ્યું છે... જ્યારે તમને શોક લાગે ત્યારે વળી તેમાં જોજો અને તમને જણાશે કે સાચે જ તમે તેને માટે રડી રહ્યા છો જે તમારા હર્ષનો વિષય હતું...’

મિત્રતા વિશે એ કહે છે કે, ‘તમારો મિત્ર એટલે તમારી જરૂરિયાતોની પ્રાપ્તિ... એ તમારું ક્ષેત્ર (ખેતર) છે જેમાં તમે પ્રેમથી વાવો છો અને કૃતજ્ઞતાથી લણો છો. અને એ તમારું ભોજનગૃહ અને તમારું તાપણું છે કેમ કે તમે એની પાસે ભૂખ ભાંગવા આવો છો અને એની પાસે હૂંફને શોધો છો.’

મિત્રતા વિશે જિબ્રાન આગળ કહે છે કે : ‘જ્યારે તમારો મિત્ર પોતાનું મન તમારી આગળ ખુલ્લું કરે છે ત્યારે તમારા મનમાં આવેલા નકારથી તમને બીક લાગતી નથી, અને તમારો ‘હકાર કહેતાં અચકાતા નથી. અને જ્યારે એ મૂંગો બેઠો હોય છે, ત્યારે તમારું હૃદય તેના હૃદયને સાંભળતું અટકતું નથી.’

પ્રેમી વિશે છેવટે જિબ્રાન કહે છે કે :

‘તમારા મિત્રથી છૂટા પડતા દુઃખ ન માનો. કેમ કે તેનામાં રહેલી જે વસ્તુ તમને અત્યંત વહાલી લાગે છે, તે કદાચ તેની ગેરહાજરીમાં વધારે સ્પષ્ટ થાય, જેમ ચડનારને પર્વત મેદાનમાંથી વધારે સ્પષ્ટ દેખાય છે તેમ.’

આવતા સોમવારે પૂરું કરીએ.

લાઈફ લાઈન

જેણે સહન કર્યું હોય તે જ તાકતવર બને. ભવ્ય વ્યક્તિત્વ જેમનાં છે એમની અંદર અનેક ઉઝરડા હોવાના.

ખલિલ જિબ્રાન.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.