પહેલી જિંદગીની મજબૂરી પછી શરૂ થતી બીજી જિંદગી

28 Nov, 2016
12:00 AM

સૌરભ શાહ

PC: gigaom.com

કોનું છે એની ખબર નહોતી પડી છતાં આ વાક્ય વાંચ્યું ને તરત ગમી ગયું : આપણા સૌની પાસે બે જિંદગી હોય છે. અને બીજી જિંદગી ત્યારે શરૂ થતી હોય છે જ્યારે સમજણ આવે છે કે લઈદઈને આ એક જ જિંદગી છે આપણી પાસે.

ખાંખાંખોળા કરીને પત્તો મળ્યો કે ચાઈનીઝ ફિલસૂફ કન્ફ્યુશ્યસનું આ સુવાક્ય છે. માત્ર સુવાક્ય નથી ઉપનિષદના મંત્ર જેવું આ સૂત્ર છે.

ઘણું બધું કરવું હતું પણ તે વખતે સંજોગો એવા હતા કે ના થઈ શક્યું. જિંદગીના દરેક તબક્કે તમને આવો અફસોસ થતો રહેવાનો.

શરૂઆત કૉલેજ લાઈફથી થાય. ઘરના દબાણને લીધે કે પછી પિયર પ્રેશરને લીધે તમારે જે ફિલ્ડમાં ભણવા જવું હતું તેમાં ગયા નહીં. કૉલેજમાં જે ભણી રહ્યા છો એમાં રસ પડતો નથી. પણ અભ્યાસ અધૂરો રાખી શકાય એમ નથી. બેજવાબદાર ગણાશે. અફસોસોની પરંપરા અહીંથી શરૂ થાય છે. જે ફિલ્ડમાં આગળ વધવું હતું એ ફિલ્ડનો કોર્સ કરવાને બદલે કોઈ ભળતા જ ક્ષેત્રમાં ઘૂસી ગયા. મારી મજબૂરી હતી.

ભણીને થોડુ કમાતા ધમાતા થયા ત્યાં લગ્ન. ફરી અફસોસ જેની સાથે ઘર માંડવું હતું તેનો સાથ છૂટી ગયો. પછી જે મળ્યું તેની સાથે પરણી જવું પડ્યું. મારી મજબૂરી હતી.

પછી બાળકો. ફરી અફસોસ. લગ્ન પછી તરત બાળકો થયાં તો ઉતાવળ કરી. હજુ જરા રાહ જોવી હતી. ખોટી જવાબદારીઓ વધારી નાખી. મોડેથી બાળકો થયાં તોય અફસોસ. હવે આ ઉંમરે કરિયર પર ધ્યાન આપીએ કે બાળકોના ઉછેર પર? એના કરતાં મમ્મી-પપ્પાની સલાહ માનીને લગ્ન પછી ફટાફટ બે બાળકો કરી નાખ્યાં હોત તો અત્યારે બેઉ ઈન્ડિપેન્ડન્ટ થઈને સ્કૂલમાં ભણતા હોત. બાળકો ન હોય તો પાછો જુદો પ્રૉબ્લેમ. વંશ આગળ કેવી રીતે વધશે? જાણે શિવાજી મહારાજ કે શાહજહાંનો વંશવેલો આગળ વધારવાનો હોય! બાળકો પેદા કરવાની પણ મજબૂરી અને નિઃસંતાન હોવાની પણ મજબૂરી.

બાળકો મોટા થઈને સ્વતંત્ર રીતે વર્તતાં થઈ જાય, કૉલેજમાં જઈને 'તમારું કહ્યું માનતા નથી' એવી લાગણી ઊભી થાય અને આ તરફ કરિયરમાં, અંગત જીવનમાં સ્થગિતતા આવી જાય, બધું જ સ્ટેન્ડ સ્ટિલ થઈ ગયું છે એવું લાગે.

સ્થિરતાને લીધે સિક્યોરિટી લાગવાને બદલે બંધિયારપણું લાગવા માંડે. 40 પ્લસની ઉંમરે અડધા જીવનનું સરવૈયું કાઢીને બી જવાય. જિંદગીમાં કેટલું બધું કરવું હતું ને એમાંથી કેટલું ઓછું કરી શક્યા, અને જે નથી કરી શક્યા તે કરવા માટે હવે કેટલો ઓછો સમય બાકી છે. મજબૂરી ના હોત તો જિંદગી આખી કંઈક જુદી જ રીતે ગોઠવી હોત. પણ હવે શું થાય?

સાઠ પછી તો હાથ જ ખંખેરી નાખવાના... બહોત ગઈ ઔર થોડી રહ ગઈ એવું વિચારીને.

જિંદગીના અંત સુધી આપણે સમજી શકતા નથી કે જ્યારે જ્યારે મજબૂરીની પરિસ્થિતિઓ સર્જાઈ હતી તે વાસ્તવમાં તો તક હતી. મજબૂરીનો બુરખો ઉઠાવીને જોયું હોત તો રૂપાળી મઝાની તક દેખાઈ હોત.

જિંદગીમાં કોઈપણ તબક્કે તમને લાગે કે આ કામ કરવાની તમારી મજબૂરી છે ત્યારે વિચારજો કે જો હું આવું ન કરું તો? ત્યારે તમને જે જવાબ મળશે તે તમારી તક હશે. ઘરમાંથી સૌ કોઈએ તમને એન્જિનિયરિંગનું ભણવા માટે મજબૂર કર્યા છે. જાતને સવાલ કરજો કે જો હું એન્જિનિયરિંગ ન ભણું તો? જે જવાબ એમાં તમારા માટે ઢેર સારી ઑપોર્ચ્યુનિટીઝ છુપાયેલી હશે. આની સાથે જ લગ્ન કરવા માટે મજબૂર છું એવું લાગે ત્યારે જાતને સવાલ કરજો કે આ વ્યક્તિ સાથે ન પરણું તો? જવાબમાં ઢગલો તક ઊભી થશે.

મજબૂરીની પાછળ ઊભેલી તકને જોઈ શકતા નથી એટલે એક પછી એક અફસોસો ઉમેરાતા જાય છે. ક્યારેક તો આ ઘટમાળ તોડવી પડશે. ક્યાંક તો કટ ઑફ પૉઈન્ટ લાવવો પડશે. ધસ ફાર એન્ડ નો ફર્ધર કહીને 'કાંટોં સે ખિંચ કે યે આંચલ' ગાવું પડશે.

તમે જ્યાં સુધી તમને સતાવી રહેલા ભૂતકાળ સાથેનો નાતો તોડી શકતા નથી ત્યાં સુધી તમારાં અરમાનો પૂરાં થાય એવી શક્યતાવાળું જીવન શરૂ કરી શકતા નથી. જે ઘડીએ તમને બોધિજ્ઞાન થશે કે લઈદઈને ફક્ત આ જ એક જિંદગી છે તમારી પાસે, અને એ ફરી ક્યારેય મળવાની નથી, ત્યારે તમારું અત્યારનું જીવન, વીતેલા જીવન કરતા જુદું બનવાની શક્યતા ઊભી થવાની. વીતેલી જિંદગી કરતા આવનારી જિંદગી જુદી હોવાની. આમ બે જિંદગી તમને મળવાની.

આ બીજી જિંદગી શરૂ કરવા માટે કેટલીક પૂર્વ તૈયારીઓ કરવાની છે. અન્યથા જૂતા જેવી જ ઘરેડમાં આ નવી જિંદગી પણ શરૂ થવાની અને પૂરી પણ થઈ જવાની.

બીજી જિંદગી જોઈતી હોય તો ક્યારેય જાતને એવું નહીં પૂછવાનું કે હવે કેટલાં વરસ? કારણ કે તમને ખબર જ નથી કે હવે કેટલાં વરસ બાકી છે. તમે ચાળીસના હો અને કાલે જ ટપકી જાઓ એવું બને અને 75ના હો અને બીજા 20 ખેંચી કાઢો એવું પણ બને. નવી જિંદગી શરૂ કરવા માટેની કોઈ વયમર્યાદા હોતી નથી.

વીતેલી જિંદગીની વ્યથાઓ તો ભૂલી જ જવાની, ભૂતકાળના આનંદો પણ ભૂલી જવાના. તો જ તમે ભાર વિના આગળ વધી શકવાના અને તો જ તમે નવા ફ્રેશ આનંદો જીવનમાં ઉમેરી શકવાના.

ત્રીજી અને છેલ્લી વાત એ કે ફર્સ્ટ લાઈફની કોઈપણ સારી-નરસી વાતને જસ્ટિફાય કરવાનું બંધ કરો. ન તો કોઈપણ બાબતના જશનો સહરો તમારા માથે બાંધો ન કોઈ પણ બાબતના દોષનો ટોપલો માથે ઓઢી લો. જે થવાનું હતું તે થઈ ગયું. એ સમય, એ ઉંમર, એ સમજ કે અસમજ અને એ વખતે જે આસપાસ હતા તે લોકો આમાનું કંઈ તમારી બીજી લાઈફમાં, હવે શરૂ થઈ રહેલી જિંદગીમાં સાથે આવવાનું નથી. તમે જેમ બદલાઈ ગયા છો તેમ આ બધામાં પોતપોતાની રીતે પરિવર્તન આવી ચૂક્યું છે. એટલે અગાઉની જિંદગી જેવા સરવાળા-બાદબાકી હવે કામ નહીં લાગે. અગાઉનાં સમીકરણો હવે એક્સપાયરી ડેટ વીતાવી ચૂક્યાં છે. માટે જ જે કંઈ કરવાનું છે તે નવી સમજદારી સાથે કરવાનું છે અને જાત સાથેની ઈમાનદારી જ આ સમજદારી પ્રગટાવશે. જાત સાથે પૂરેપૂરા નિર્વસ્ત્ર થઈને, જેવા છીએ એવા દેખાઈને, કોઈ સંકોચ વિના કબૂલ કરીશું કે હવે પછીની જિંદગી મને આવી નહીં, પણ આવી જોઈએ છે તો સમજવાનું કે એ કબૂલાતની ક્ષણ સેકન્ડ લાઈફના જન્મની સૌથી પહેલી સેકન્ડ છે.

લાઈફ લાઈન

જિંદગીમાં માત્ર સારા હોવું પૂરતું નથી. કશુંક કરવાની હિંમત પણ હોવી જોઈએ.

- જ્યૉર્જિયા ઓ'કીફ (અમેરિકન ચિત્રકાર)

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.