સાકાર ન થતા હોય તોય સંકલ્પો લીધા કરવાના?
ગયા બેસતા વરસે મેં કયા સંકલ્પો કરેલા તે યાદ છે? તમને ક્યાંથી યાદ હોય, શું કામ યાદ હોય. મને યાદ છે.
પાંચ સંકલ્પો કરેલા. તબિયત સાચવવા વિશે, સમય ન વેડફવા વિશે, ફિક્શન લખવા વિશે, મ્યુઝિક શીખવા વિશે અને ફરવા વિશે, રખડવા વિશે.
અને લાંબા લેખના અંતે મેં લખેલું : 'તો બસ, આ પાંચ સંકલ્પો સાથે નવા વષર્ની શરૂઆત કરવી છે. 2073 આવશે ત્યારે આમાંના કેટલાક સંકલ્પો ક્યાં પહોંચ્યા એનું ઑડિટિંગ કરીશું...'
તો ચાલો, વિ.સે. 2073ના આ પહેલા દિવસે ઑડિટિંગ હાથમાં લઈએ. તબિયતની કાળજી રાખવી છે એવી વાત પ્રથમ સંકલ્પમાં કરી હતી. મારા મનમાં સતત એક વાત ઘોળાયા કરતી કે સાબૂત દિમાગ એવા જ શરીરમાં શોભે જે પોતે સાબૂત હોય. આવતાં બીજા 44 વર્ષ સુધી મારી તબિયત સારી ને સારી રહે તે માટે મિત્રો, મેં સ્મોકિંગ છોડી દીધું છે. આવતા મહિને એક વર્ષ પૂરું થશે સ્મોકિંગ છોડ્યે. સો દિવસ પૂરા થયા ત્યારે સ્મોકિંગ છોડવું અઘરું નથી' એવા શીર્ષકથી લેખ પણ લખેલો. સ્મોકિંગ છોડ્યા પછીના અગણિત ફાયદાઓ માણી રહ્યો છું. ફેફસાંની સ્ટેમિના ક્રમશઃ સુધરતી જાય છે. ઝડપી પગલે, લાંબું ચાલ્યા પછી પણ શ્વાસ ભરાતો નથી. કફમાં નાઈન્ટી પર્સેન્ટ રાહત છે. બધું જ એકદમ ક્લીન ક્લીન લાગે છે. સ્મોકિંગ છોડવાને કારણે મહિને જે કંઈ બચત થઈ રહી છે તેમાંથી કંઈ ભવિષ્યમાં બી.એમ.ડબલ્યુ. તો આવવાની નથી પણ સ્મોકિંગ છોડવાને લીધે શરીરના બીજા અંગોને થતી હાનિ અટકી જવાથી અને એને લગતા રોગો નહીં આવે અથવા એની ખરાબ અસર કમ્પેરેટિવલી ઓછી થશે તેને કારણે મારો આરોગ્ય પાછળ થનારો ખર્ચ હવે ઘટી જશે ને બચી જશે વત્તા સારા સ્વાસ્થ્યને કારણે સારું તેમ જ વધુ કામ કરી શકીશ ને એમાંથી જે કમાણી થશે તેના સરવાળામાંતી મારી કાલ્પનિક બી.એમ.ડબલ્યુ. ઑલરેડી આવી ગઈ છે. હવે મને એની જરૂર નથી રહી.
તબિયત સાચવવા માટે નિયમિત ચાલવાનું, યોગ પ્રાણાયમ તથા આહારનિયમન શરૂ થઈ ગયું. થોડા મહિના પછી એ ખોરવાઈ ગયું. પણ સ્મોકિંગ તો છૂટેલુંનું છૂટેલું જ રહ્યું છે. એક્સરસાઈઝ-આહારવાળું આ દિવાળીના દિવસો પૂરા થાય એટલે ફરી શરૂ કરીશું. ક્યારથી? લાભ પાંચમથી? ના, દેવ દિવાળીથી! ઘરમાં નાસ્તાના બધા ડબ્બા ખાલી થાય પછી!
બીજી વાત હતી સમય વેડફવાનું બંધ કરવા વિશે. પ્રથમ સંકલ્પને હું સિગરેટ છોડી દીધી એ સંદર્ભમાં સો ટકા પાળ્યો છે એમ ગણીને 100માંથી 100 માર્કસ આપું મારી જાતને. આ બીજા સંકલ્પમાં 75 ટકા માર્કસ મળે. મારે મારા સમયને વધુ સારી રીતે વાપરવો છે એવું મેં નક્કી કર્યું એ પછી આ બાબતે હું ઘણો કૉન્શ્યલ થઈ ગયો. પરિણામે મારું ક્વૉલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ 'ઉત્પાદન' ઘણું વધ્યું. ઘણું વધારે લખાયું, ઘણું સારું લખાયું. સમય વેડફનારી ઈવેન્ટ્સ, વ્યક્તિઓ વગેરેને ટાળવાનું શરૂ દીધું છે. પણ હજુય એમાં ઘણું કરવાનું બાકી છે. મોદીજીને જે રીતે કામ કરતાં જોઈએ છે તે પછી આપણી જાત માટે શરમ આવે કે તમને શેના ટીવી પરના ફાલતુ કૉમેડી શૉઝ જોવાના ભસ્કા થાય છે, તમારે શું કામ તદ્દન ડૂચા જેવા અંગ્રેજી છાપાઓ જોવામાં સમય વેડફવો પડે, તમારે શું કામ ફાલતુ લોકોએ બનાવેલી હિંદી ફિલ્મો અને ગુજરાતી નાટકોમાં જઈને સમય વેડફવો પડે. બી સિલેક્ટિવ. એવાં જ નાટકો અને એવી જ ફિલ્મો જુઓ જેમાં ખરેખ દમ હોય. વાંચવાની બાબતમાં પણ નીરક્ષીરનો વિવેક રાખો. ટીવી તો ખપ પૂરતું જ ચલાવો. આ ઉપરાંત તમારા પોતાના દિમાગને કેળવો જેથી રોજ રાત્રે તમે દિવસ દરમ્યાન વાપરેલા સમયનો કલાક-મિનિટ-સેકન્ડમાં હિસાબ મેળવતા હો ત્યારે અફસોસ ન થાય કે આજે કેટલો બધો સમય વેડફી નાખ્યો. 75 ટકામાંથી 100 ટકા તરફ ગતિ કરવી જરૂરી છે.
ફિક્શન લખવા માટે સિરિયસ હતો. વીતેલા 360 દિવસમાં એક નવલકથા તો લખાઈને પ્રગટ થઈ જ જવી જોઈતી હતી. ત્રણ ત્રણ જગ્યાએથી ધારાવાહિક નૉવેલ લખવાનાં આમંત્રણો હતાં ને ત્રણેયને આખા આખા સુંદર સબ્જેક્ટસ તથા ટોટલી ડિફરન્ટ ડિફરન્ટ જૉનરની નકવલથાઓ કમિટ કરેલી. જરા વધુ પડતો ઉત્સાહી હતો. છેવટે એકેય ન લખાઈ. આવતા વર્ષે એટલીસ્ટ એક નૉવેલ તો પુસ્તકરૂપે આવશે જ. વીતેલા વરસના છેલછેલ્લા દિવસોમાં ત્રણ વર્ષ પહેલાં પ્રગટ થયેલી એક નવલકથાની સેકન્ડ એડિશન આવી જે મારા માટે આશ્વાસન ઈનામ જેવી વાત હતી.
દર વર્ષે 500 લેખો લખું છું. 'મુંબઈ સમાચાર'માં છેલ્લે પાને છપાતી કૉલમ 'ગુડ મૉર્નિંગ' જે 365 દિવસ લખવાની હોય. છાપાંની રજાઓના તેમ જ ખૂબ જાહેરખબરો હોય તેવા દિવસો બાદ કરો ને એમાં એક-બે દિવસ મારાથી અનિવાર્ય કારણોસર ના લખાય એમ હોય તે મળીને પંદરેક લેખ બાદ કરો તો 350 લેખ એના. એમાં 'સંદેશ'ની રવિવારની પૂર્તિની 'તડકભડક' તેમ જ બુધવારની પૂર્તિની 'લાઉડમાઉથ'ના વર્ષના એટલીસ્ટ 50-50 પીસ ગણો. 'khabarchhe.com'ના બીજા 50. કુલ 500 પીસ થયા ઓછામાં ઓછા. ઘણું કહેવાય. એસ્પેશ્યલી હું કંઈ માત્ર કરન્ટ ટૉપિક્સ પર લખતો નથી કે મુલાયમ સિંહ અને અખિલેશ યાદવ વચ્ચેની બાપ-દીકરાની લડાઈના ન્યૂઝ આવ્યા ને બીજે દિવસે બેગાની શાદીમાં અબ્દુલ્લા બનીને ડાન્સ કરી આવ્યા. એવું કરવું ડાબા હાથનો ખેલ છે. મારે એવું કરવાનું નથી હોતું. નવા-નવા વિષયો પર રોજ નવેસરથી ચિંતન, મનન, અભ્યાસ કે રિસર્ચ કરીને લખવાનું હોય છે.
ચોવીસ કલાક પછી પેપર ભલે પસ્તીમાં જતું રહે જેની સાથે મારી કૉલમ પણ ભલે જતી પણ એમાં લખાયેલા વિચારો વાચકોના ચિત્તમાં ક્યાંક સંઘરાઈ જાય એ રીતે લખવાનું હોય છે. વર્ષે આવા 500 લેખ લખવાનો મતલબ એ થયો કે જે અઠવાડિક કૉલમ લખે છે તે દસ વર્ષમાં જે કામ કરે તે મારે એક વર્ષમાં કરવાનું રહે.
મારે એ ઓછું કરવું છે. ઓછું કરવું પડશે જ. જેથી મારી પાસે ફિઝિકલી અને ખાસ કરીને મેન્ટલી ફિક્શન લખવાની જગ્યા રહે. વર્ષે એક ફિક્શન તો પાક્કી.
ચોથી વાત મ્યુઝિક શીખવા વિશેની હતી. હવે હું જો તમને એમ કહું કે મેં સંગીતગુરુ શોધી કાઢ્યા છે, એમની સાથે દર અઠવાડિયાનું શેડ્યુલ પણ નક્કી કરી નાખ્યું છે તો તમને લાગશે કે અરે વાહ, તમે તો સંગીત શીખવાની એકદમ નિકટ પહોંચી ગયા. ના, એવું નથી. એક વખત શીખવાનું શરૂ કરીને ઓછામાં ઓછા છ મહિના સુધી હું નિયમિત એમની પાસે જાઉં પછી જ દાવો કરી શકું કે હવે હું સંગીત શીખી રહ્યો છું.
છેલ્લી વાત, ઘરની બહાર નીકળવા વિશે. પ્રવાસ વિશે.
હમણાં મઝાની વાત બની. નવરાત્રિ શરૂ થવાના આગલા દિવસે મુંબઈમાં એક યુનિક પ્રકારનો પ્રોગ્રામ મારા અને મિત્ર જય વસાવડા સાથે કેટલાક મિત્રોએ યોજ્યો. બે ગુજરાતી લેખકો સાથેનું કૉકટેલ સંમેલન! પીતાં પીતાં ગપ્પાં! અને વળી એમાં અમને અમારી ફીઝ આપીને બોલાવવામાં આવેલા. જૂદું જ આયોજન હતું એટલે અમે ગયા. મઝા આવી. મઝા કરાવી. પ્રવચન બ્રવચન કંઈ નહીં, પણ વાતો. ગોષ્ઠિ. એમાં મેં જય પોતાના ખર્ચે પણ વિદેશોમાં કેટકેટલું ફરે છે તે વાતનો પ્રેમથી ઉલ્લેખ કર્યો ત્યારે એમણે મને પૂછ્યું કે તમને પરદેશ જવાની આટલી બધી તકો છે, આમંત્રણો છે તો તમે કેમ મારા જેટલું ફરતા નથી. મેં કહ્યું, જે સાંભળીને બધાને મઝા આવી. કે : 'હું' ઘરની બહાર નીકળતો નથી એ એક મિથ છે. હું પવઈ રહું છું. મેં ઘાટકોપર જોયું છે! મુલુંડ અને કાંદિવલી પણ જોયું છે!' પછી હજુ એક સ્ટેપ આગળ જઈને મેં કહ્યું : 'જય, તમે પરદેશ જઈને શેક્સપિયર ક્યાં રહેતો હતો તે સ્ટ્રેટફોર્ડ અપોન એવન ગયા હશો, ચાર્લ્સ ડિકન્સ કે માર્ક ટ્વેઈનનાં ઘરો પણ જોયાં હશે.... બસ, મારે પણ આ જ કરવું છે. કંઈક એવું કામ કરવું છે આ જિંદગીમાં કે બસો વર્ષ પછીના પ્રવાસીઓ પવઈમાં જલવાયુ વિહારથી પસાર થતા હોય ત્યારે એમનો ગાઈડ બસ રોકીને એમને કહે કે...'
આમ તો આ હસવા માટેનું બહાનું જ હતું. અને મારા બિનરખડુ, બિન-પ્રવાસી સ્વભાવને જસ્ટિફાય કરવા માટે હું આ બધું વાપરી શકું. પણ મને ખબર છે કે આ ખોટું છે. જે લોકો ખૂબ ફરે છે, રખડે છે, પ્રવાસ કરે છે એમની મને હંમેશા ઈર્ષ્યા આવે છે. મારે પણ એવી રીતે ફરવું છે, ઘર છોડીને બધે ભમવું છે. ગયા વર્ષે આ બાબતને મેં કંઈ નહીં કર્યું એનો અફસોસ છે. જે કંઈ ફરાયું તો પ્રવચનોને લીધે જેને કંઈ ફરવું ન કહેવાય. પ્લસ નવરાત્રિ આખી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ગાળી. વૈષ્ણોદેવીની ખીણમાં આવેલા કટરા ગામે. ઉપર જઈને યાત્રા પણ કરી. પણ એ જસ્ટ આઉટિંગ કહેવાય, પ્રવાસ નહીં. મોરારિબાપુની કથા એમાં નિમિત્ત બની. ખરું રખડવાનું તો હજુ હવે શરૂ થવાનું.
તમે જોયું કે ગયા વર્ષે લીધેલા સંકલ્પોમાંથી કેટલા ઓછા સાકાર થયા છે.
તો સંકલ્પો લેવાનો અર્થ શું? એવો સવાલ થવો જોઈએને?
થયો જ.
અને એનો જવાબ એ જ આ નવા વર્ષને સ્ટાર્ટ કરવાની ચાવી છે.
શુભ સંકલ્પો કરવાનું છોડવું નહીં. ક્યારેક એવા સંકલ્પો કરવાથી સિગરેટ જેવી સિગરેટનું મહાદૂષણ છૂટી જતું હોય છે. ક્યારેક તમે 50-75 ટકાના અમલીકરણ સુધી જતા હો છો. અને સૌથી વધારે તો, જે સંકલ્પો પૂરા થતા નથી એ સંકલ્પોને પૂરા કરવા માટે તમે વધુ સભાન બનીને, વધુ જોર લગાવીને એને સાકાર કરવાનું નક્કી કરો છો. સંકલ્પો કરવાથી થતા આટલા ફાયદા શું પૂરતા નથી?
સાલ મુબારક!
લાઈફ લાઈન
આવતી કાલે 365 પાનાંના પુસ્તકનું પહેલું પાનું ખુલવાનું છે. સારી રીતે લખજો.
- બ્રેડ પેઈઝલી
(જન્મ : 28 ઑક્ટોબર 1972, અમેરિકન કન્ટ્રી મ્યુઝિક સિંગર - સૉન્ગ રાઈટર)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર