દરેક જણ આઈન્સ્ટાઈન, રવિશંકર કે તેન્ડુલકર બને એ શક્ય નથી

07 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

આસપાસની દુનિયાને કારણે આપણે પણ જીવનમાં ત્રણ વાતને ખૂબ મહત્ત્વ આપી દેવાની ભૂલ કરતા રહીએ છીએ : પૈસો, બુદ્ધિપ્રતિભા અને બાહ્ય સુંદરતા. હરીફરીને જીવનનાં લક્ષ્યો આ જ ત્રણ બાબતોની આસપાસ મંડરાતાં રહે છે. આપણાં મા-બાપોએ આપણી પાસેથી આ આશા રાખી હતી અને આપણે પણ આપણાં સંતાનો પાસે આ જ અપેક્ષા રાખતાં થઈ જવાનાં છીએ : એ મોટું થઈને ખૂબ પૈસા કમાય, ખૂબ બુદ્ધિશાળી બને અને દેખાવમાં રૂપકડું હોય અથવા રૂપકડા પાત્ર જોડે લગ્ન કરે - આ ત્રણ બાબતો જ જિંદગીની સૌથી મહત્ત્વની છે એવાં મૂલ્યો નાનપણથી આપણામાં સિંચાયાં છે અને આપણા બાળકોમાં પણ એનું જ સિંચન આપણે કરવાનાં છીએ. જરાક સજાગ થઈ જઈએ તો જણાશે કે આપણાં પોતાનાં ફ્રસ્ટ્રેશન્સ અને આપણી પોતાની હતાશાઓના જન્મ પાછળ આવાં મૂલ્યોનાં સિંચનનો ઘણો મોટો ફાળો છે.

તમારાં માતા-પિતાનું કે તમારું પોતાનું બાળક ધારો કે સાધારણ બુદ્ધિવાળું કે સામાન્ય પ્રતિભાવાળું કે એવરેજ લુકવાળું પુરવાર થયું તો તમને ગમે? તમે કહેશો : ના. અમે પૂછીશું કે શા માટે ન ગમવું જોઈએ? તમે કે તમારાં સંતાનો કંઈ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે પંડિત રવિશંકર કે સચિન તેન્ડુલકર જ બનવા જોઈએ એવું કોણે કહ્યું? તમારા માતા-પિતા પણ એવરેજ તો હતા. બાળક સાધારણ કે સામાન્ય અક્કલ ધરાવતું હોય ત્યારે ઘણાં મા-બાપને ઓછું આવતું હોય છે.

મિત્રો કે સગાંવહાલાંની સમક્ષ તેઓ ક્ષોભ અનુભવતા જ જાય છે. બાળક આ વાતની બરાબર નોંધ લેતું હોય છે. તમે મા-બાપ છો એટલે તમારા બાળકને પ્રેમ કરો એમાં કશી નવાઈ નથી, પરંતુ બાળકને તમે બીજાઓ કરતાં ઊતરતું ગણશો અને એ જ રીતે એની સાથે વ્યવહાર રાખશો તો બાળકનું આત્મગૌરવ ધીરે ધીરે હણાતું જશે. એનામાં છુપાયેલી અન્ય કોઈ શક્તિ પણ ક્યારેય બહાર નહીં આવે. તું તો બહુ હોંશિયાર છે ને લાખોમાં એક છે એમ કહીને સંતાનને ચડાવી મારવાની જરૂર નથી. સાથોસાથ એનામાં એવી પણ કોઈ લાગણીઓ સર્જાવા ન દેવી જોઈએ કે એને લાગવા માંડે કે પોતે વર્થલેસ છે, ભૂલથી આ દુનિયામાં આવી ચડ્યું છે, આ જગતમાં એની કોઈને જરૂર નથી, આ વિશ્વમાં પોતે કોઈ વધારાની વ્યક્તિ છે.

બાળકનું આત્મગૌરવ સાચવવાનો બીજો પણ એક ઈલાજ છે, ઘણાં મા-બાપ વિચારે છે કે પોતે પોતાની નબળી બાજુઓ વિશે ચર્ચા કરશે તો બાળકને લાગશે કે મા-બાપ કેટલાં નિખાલસ છે. એવું નથી. તમને ભલે ક્યારેય બાળક આગળ સ્વટીકા કરવી ગમે પણ તમારી લાગણી શબ્દસ્થ થઈને બાળક સુધી પહોંચે છે ત્યારે ત્યારે તમારા પોતાના મનમાં એક વાત ઘર કરી જતી હોય છે કે આ નબળી બાજુ વિશે હવે કંઈ સુધારો થઈ શકે એમ નથી. તમારા પોતાનામાં જ જો આત્મગૌરવ કે સેલ્ફ એસ્ટીમ નહીં હોય તો બાળકમાં કેવી રીતે આવશે? બાળકનું આત્મગૌરવ સાચવવાનો બીજો ઈલાજ આ જ છે - તમારા પોતાના આત્મગૌરવને હણાવા ન દો.

બાળકને કોઈકને કોઈક બાબતમાં તો શ્રેષ્ઠ તાલીમ મળવી જ જોઈએ જેથી ભવિષ્યમાં એ કહી શકે કે ભણવામાં હું ભલે પહેલા નંબરે નથી પણ સ્કૂલમાં મારા જેવો બેસ્ટ ઢોલી બીજો કોઈ નથી. બાળક પાસે, જે બાબત વિશે એ અભિમાન લઈ શકે એવી, થોડીક તો સિદ્ધિઓ હોવી જ જોઈએ.

માત્ર ઉત્તમ રેન્ક કે રમતગમત/વક્તૃત્વ સ્પર્ધામાં જીતેલા કપ/શિલ્ડનો જ આ સિદ્ધિમાં સમાવેશ થતો નથી. ચેસ રમવાથી માંડીને પતંગ ચગાવવા સુધીની અને લખોટીની રમતમાં ઉત્તમ નિશાનબાજી દેખાડવાથી માંડીને પાંચ મિનિટમાં વધુમાં વધુ આઈસ્ક્રીમ ખાવા સુધીની નાની-મોટી અનેક બાબતોમાંથી કેટલીક બાબતો વિશે એ ગૌરવ લઈ શકે એવી વાતો એને શીખવવી જોઈએ.

બાળકે આખરે તો, એક બાજુ અદ્દભુત ગુણોથી હરીભરી અને બીજી બાજુ સતત કપટજાળો બિછાવતી આ દુનિયામાં જ જીવવાનું છે. ટકવાનું છે, આગળ વધવાનું છે. માટે દુનિયાદારીની દૃષ્ટિએ આપણે એને સૌંદર્ય, બુદ્ધિમત્તા અને શ્રીમંતાઈની મહત્તા વિશે જરૂર શીખવીએ પણ સાથોસાથ આ ત્રણેય માટે શેનો ભોગ ક્યારેય ન આપી શકીએ એ પણ સમજાવીએ. જિંદગીના કેટલાક મૂલ્યવાન સંબંધોનો ભોગ આ ત્રણ કે એમાંના કોઈ એક માટે ન આપી શકીએ તે સમજાવીએ. વફાદારી, સચ્ચાઈ અને નિષ્ઠાની ઉપયોગિતા તથા અનિવાર્યતા વિશે બાળકને કહીએ અને સાથોસાથ એ પણ કહીએ કે સામેવાળી વ્યક્તિ તમામ નિયમોને નેવે મૂકીને તમારી સામે પડે ત્યારે તમારે શું કરવાનું.

સતત ટોક ટોક કર્યા કરવાથી બાળક વિકસતું અટકી જાય છે. નિસ્તેજ, મંદ, ભૂલકણું અને પ્રમાદી થતું જાય છે. વધુ પડતી કાળજી લેનારાં મા-બાપ સંતાનને ભીરુ બનાવી દે છે. ઝાડ પર ચડતો નહીં, પાણીમાં નહીં પડતો, કૂદકો નહીં મારતો જેવી લાખ સૂચનાઓથી બાળક અંદરખાનેથી ડરપોક બની જાય છે. સાવ નાનું બાળક અંધારા ઓરડામાં જતાં ડરતું હોય તો એ રૂમમાં ચોક્કસ જગ્યાએ ચૉકલેટ મૂકીને બાળકને લઈ આવવાનું કહેજો. મોટેભાગે બાળક નિર્ભય બનીને ચૉકલેટ લઈ આવશે. બાળકને લાલચ આપવી ખોટી વાત છે. પણ આને તમે પોઝિટિવ લાલચ કહી શકો અને એટલું ચાલે.

બાળકમાં વિશ્વાસ નહીં રાખીને તને નહીં આવડે, તું ખરાબ કરીશ, તું હજુ નાનો છે કહીને આપણે એમને હતોત્સાહ કરી નાખીએ છીએ. બાળકને સતત પ્રોત્સાહન મળતું રહે એ માટે મા-બાપે સામે ચાલીને પ્રયત્ન કરવા જોઈએ. બાળકની સર્જનશક્તિ ખીલવવી એ જરૂરી છે.

દરેક મા-બાપ એમની પોતાની ઊણપોથી વાકેફ હોય છે. પોતાના ઉછેરમાં રહી ગયેલી કૌટુંબિક અને સામાજિક વાતાવરણગત ખામીઓની એમને જાણ હોય છે. એટલે જ મા-બાપ સંતાનોને પોતાનાં કરતાં બહેતર બનાવવાની કોશિશ કરતાં હોય છે, અને બહેતર બનાવવાના અન્ય કોઈ માપદંડ પોતાની પાસે ન હોવાથી એમને આઈન્સ્ટાઈન, રવિશંકર કે તેન્ડુલકર બનાવવાના ચક્કરમાં અબોવ એવરેજ બનવાની એની યાત્રા પણ ખોરવી નાખે છે.

લાઈફ લાઈન
તમે તમારાં બાળકોને ઈન્ટેલિજન્ટ બનાવવા માગતા હો તો એમને પરીકથાઓ વાંચીને સંભળાવો, તમે તમારા બાળકોને વધારે ઈન્ટેલિજન્ટ બનાવવા માગતા હો તો એને વધારે પરીકથાઓ સંભળાવો.
- આલ્બર્ટ આઈન્સ્ટાઈન
www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.