શું ખરેખર સમય કરતાં પહેલું અને નસીબ કરતાં વધારે નથી મળતું

23 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

ધીરજ કેળવવા માટેની સૌથી જૂની ટિપ ભગવદ્દ ગીતામાંથી મળે છે : ફળની આશા રાખવી નહીં, કામ કર્યા કરવું.

ફળની આશા ન રાખવી એનો મતલબ એ નથી કે તમે પરિણામ પ્રત્યે લાપરવાહ બની જાઓ. એનો અર્થ એ પણ નથી કે તમને પરિણામની કોઈ લાલચ નથી. એનો અર્થ એ છે કે કામ કરતી વખતે વારંવાર પરિણામ વિશે વિચાર્યા કરવું નહીં. ધાર્યું પરિણામ આવશે ત્યારે હું આ કરીશ ને તે કરીશ અથવા ત્યારે હું આવો બની જઈશ એવું વિચાર્યા કરવું નહીં. કારણ કે તમે ગમે એટલી નિષ્ઠા સાથે કામ કરો તે છતાં તમને ધાર્યું પરિણામ ન મળે એ શક્ય છે. એ પરિણામ તમે ધાર્યું હોય એના કરતાં ક્વૉન્ટિટીમાં ઓછું હોય એવું બની શકે. એ પરિણામ તમારા ધાર્યા કરતાં મોડું મળે એ પણ શક્ય છે. પણ જો સતત તમારા મનમાં પરિણામ શું આવશે, ક્યારે આવશે એવી અધીરાઈ હશે તો એની ખરાબ અસર તમારા કામ પર પડવાની. તમારું કામ વારંવાર ખોરવાઈ જવાનું. પરિણામ આવતાં થોડી વધારે વાર લાગવાની છે એવું જણાશે તો તમારા કામની ગતિ મંદ કરી નાખવાનું મન થશે. ધાર્યા કરતાં ઓછું પરિણામ આવશે એવો વિચાર આવશે તો કામ કરવામાં તમે જેટલી સ્ફૂર્તિ, જેટલી એનર્જી રેડો છો તેને ઓછી કરી નાખવાનું મન થશે અને છેવટે શક્ય છે કે તમે રેડેલી જરૂર કરતાં ઓછી એનર્જીને કારણે જ તમને ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થાય. આ વિષયચક્રમાં ના ફસાઈ જઈએ એટલા માટે આ યાદ રાખવાનું : કર્મણ્યે વાધિકાસ્તે મા ફલેષુ કદાચન.

ધીરજ કેળવવા માટેની બીજી ટિપ સમજવા માટે થોડીક પૂર્વ તૈયારીની જરૂર પડે. કોઈપણ કામ આકર્ષક લાગે એટલે એને તાત્કાલિક હાથ પર લઈ લેવાની ટેવ ખોટી. કન્સેપ્ટમાં રૂપાળું લાગતું દરેક કાર્ય એના એક્ઝિક્યુશનમાં, એના અમલીકરણમાં ખૂબ કપરું હોવાનું. નવું કામ શરૂ કરતાં પહેલાં એ કામ અંગેનાં તમામ પાસાનો અભ્યાસ કરવો, શક્ય એટલી વધુ વ્યક્તિઓને મળીને કે કામના ક્ષેત્ર વિશે સંશોધન કરીને, વાંચીને બને એટલી વધુ વિગતો મેળવી લેવી, ઉતાવળે શરૂ કરી દેવાતું કામ ઉતાવળે આટોપાઈ જવાનું છે એ જાણી લેજો.

ધીરજ કેળવવાની ત્રીજી ટિપ લાગણીઓને કાબૂમાં રાખવાની. લાગણીઓને ક્યાં, ક્યારે છૂટ્ટો દોર આપવો અને ક્યાં એના પર લગામ રાખવી એની આવડત વિના ધીરજ રાખવાનું કામ અઘરું છે. અંગત જીવનમાં તેમ જ રોજગારના ક્ષેત્રમાં -બેઉ જગ્યાએ લાગણીઓ પર કાબૂ રાખવો પડે. અણગમતી વાત બની કે તરત મૂડ ઑફ થઈ જાય અથવા મોઢામાંથી ન બોલવા જેવા શબ્દો સરી પડે ત્યારે કેટલું નુકસાન થાય છે એની તમને ખબર છે. ગમતી વાત કોઈ કહે ત્યારે ખુશ થઈને ગજા બહારનાં પ્રોમિસ આપી દેવાથી પણ નુકસાન થતું હોય છે, એનીય તમને જાણ છે. જિંદગીના દરેક સંજોગોમાં સ્થિતપ્રજ્ઞ બની રહેવાનું બધા માટે શક્ય નથી, પણ એટલું જરૂર શક્ય છે કે કોઈપણ અનયુઝઅલ સિચ્યુએશનમાં ગમતી- ન ગમતી દરેક પરિસ્થિતિમાં આપણે તાત્કાલિક પ્રતિક્રિયા ન આપીએ. કોઈ વાતે ફટ દઈને કમિટ ન થઈ જઈએ. તેલ જુઓ, ‘તેલની ધાર જુઓ’ એવી વાણિયાશાઈ કહેવત ગુજરાતીઓને ગળથૂથીમાં મળેલી છે - એ ટાઈમ ટેસ્ટેડ ડહાપણનો લાભ લેવો. લાગણીમાં તણાઈ જવાને બદલે પ્રપોઝલ અને નિર્ણય વચ્ચે બફરનો સમયગાળો રાખવો અને એક વખત નિર્ણય લઈ લીધા પછી લાગણીઓને છૂટો દોર આપવો, પૂરેપૂરા નીચોવાઈ જવું. એવું થશે તો જ પરિણામ નીખરી ઊઠશે.

ધીરજ કેળવવાનો ચોથો નુસખો મને પર્વતારોહકોના અનુભવ પરથી મળ્યો. એવરેસ્ટની ટોચે પહોંચવાનું લક્ષ્ય નક્કી કરી લીધા પછી, તેઓ શું કરતા હોય છે? પોતાના લક્ષ્યને વિવિધ તબક્કાઓમાં વહેંચીને પેટા-લક્ષ્યો બનાવતા હોય છે. આરંભ તેઓ એક, બે કે ત્રણ વર્ષની તાલિમથી કરે. નાના નાના પર્વતો પર આરોહણ કરે. બીજા તબક્કે એવરેસ્ટ પર જવા માટે કયા ગ્રુપમાં જોડાવું તે નક્કી કરીને તમામ સાધનસામગ્રીઓ ખરીદે/ભાડે મેળવે. ત્રીજા તબક્કે એમનું લક્ષ્ય હોય એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવાનું. ત્યાં પહોંચ્યા પછી કેમ્પ-બી સુધી પહોંચવાનું. પછીનું લક્ષ્ય કેમ્પ-ટુ સુધી પહોંચવાનું. પછી કેમ્પ-થ્રી અને છેવટે કેમ્પ-ફોરથી સીધા એવરેસ્ટની ટૉચે જવાનું.

જ્યાં પહોંચવું છે ત્યાં રાતોરાત નથી પહોંચી શકવાના. એક શ્વાસે આરોહણ નથી કરી શકવાના. લક્ષ્યને વિવિધ તબક્કાઓમાં વહેંચ્યા પછી જ કામ શરૂ કરવાનું અને કામ શરૂ કર્યા પછી આંખ સામે મૂળ લક્ષ્ય નહીં, પેટા લક્ષ્ય જ રાખવાનું. તો જ ધીરજ કેળવાશે. વારંવાર જો મૂળ લક્ષ્ય તરફ ધ્યાન દોરાઈ જશે તો અત્યારે જે પગથિયું ચડવાનું છે તે ચૂકી જવાશે અને ભમ દઈને ભોંય પર પછડાઈશું. વિંદા કરંદીકર કે પછી કોઈ એવા જ બહુ મોટા ગજાના મરાઠી કવિની કવિતામાં કંઈક એ મતલબની વાત છે કે એક માણસ દરિયા કિનારે જઈને દરિયાના પાણીમાં પેશાબ કરે છે અને પછી કિનારે આવીને વાંકો વળીને જુએ છે કે દરિયાની સપાટી કેટલી વધી!

આપણી અત્યારની વાતમાં આ જરા વધારે પડતી અતિશયોક્તિની વાત છે પણ રિલેવન્ટ છે. લક્ષ્ય નક્કી કરી લીધા પછી વારેઘડીએ કેટલે પહોંચ્યા, ક્યાં પહોંચ્યા એવું વિચારવા નહીં બેસવાનું. હા, નિશ્ચિત સમયાંતરે તમે સાચી દિશામાં છો કે નહીં તે ચેક કરવા તમારા પ્લાનિંગના હોકાયંત્રના કાંટા તરફ જરૂર જોતા રહેવું જોઈએ પણ એ કામ ઘડીઘડીએ ના થાય. મારી મા મને કહ્યા કરતી - બહુ ભૂખ લાગી હોય અને હજુ રસોઈ ન બની હોય ત્યારે હું પૂછ્યા કરું : હજુ કેટલી વાર, હજુ કેટલી વાર - ત્યારે એ કહેતી : આ શું ચડ ચૂલા ખાઉં, ચડ ચૂલા ખાઉં કરે છે!

રસોઈ બનતી હોય ત્યારે વારેઘડીએ છીબું ઉઘાડીને જોવાય નહીં કે ખીચડી તૈયાર થઈ ગઈ કે નહીં, દાળ-ઢોકળી ચડી ગઈ કે નહીં.

ધીરજ કેળવવા માટે બીજી તો ઘણી ટિપ્સ હોવાની, દરેક અનુભવો પાસેથી નવી-નવી વાતો શીખવા મળવાની. અહીં મારા તરફથી પાંચમી અને છેલ્લી ટિપ આપું. લોકો કહેતા હોય છે વક્ત સે પહેલે ઔર નસીબ સે ઝ્યાદા કિસી કો કુછ નહીં મિલતા. મને આ વિધાન નિરાશાવાદી લાગે છે, માણસે પ્રયત્ન કરવો જોઈએ સમય કરતાં જલદી પ્રાપ્ત કરવાનો અને નસીબમાં હોય એના કરતાં વધારે મેળવવાનો અને શ્રદ્ધા હોવી જોઈએ કે એ મળશે જ. પાકી શ્રદ્ધા હોવી જોઈએ. આપણા પ્રયત્નોમાં અને આપણા સંજોગોમાં. બધું જ મળવાનું છે - વહેલું અને વધારે - એવી શ્રદ્ધા. આવી શ્રદ્ધા એક વખત જડબેસલાકપણે મનમાં જડાઈ ગયા પછી આપોઆપ ધીરજ આવવાની.

આવું માનવામાં વિરોધાભાસ છે એવું માનવાની ગલતી નહીં કરતા. જાતમાં શ્રદ્ધા આરોપવાની આ રીત છે. તમને ખબર નથી કે તમારા નસીબમાં શું લખાયેલું છે અને તમને ખબર નથી કે જે લખાયેલું છે તે તમને ક્યારે મળવાનું છે. તમારું નસીબ તમારે નક્કી કરવાનું છે અને પ્રાપ્તિનો સમયગાળો પણ તમે જ નક્કી કરશો. આવું થશે તો જ તમે તમારી નિષ્ફળતાઓના દોષનો ટોપલો બીજાઓ પર ઓઢાડવામાંથી બચી શકશો. તમારી ભૂલો માટેની જવાબદારીમાં લેતાં શીખી શકશો. એમાંથી શીખીને આગળ વધતાં આવડી જશે. આ તમામ માટે તમારી જાતમાં તમને શ્રદ્ધા હોય તે જરૂરી છે. આપણને કશુંક ન મળ્યું કે જોઈએ છે એટલું ન મળ્યું કે પછી જોઈએ તે સમયે ન મળ્યું એ માટે બીજું કોઈ નહીં, આપણે જ જવાબદાર હોઈએ છીએ. પોતાનામાં શ્રદ્ધા હશે તો જ કૉન્ફિડન્સ આવશે કે મેં જે લક્ષ્ય નક્કી કર્યું છે, ત્યાં સુધી હું પહોંચી શકીશ અને આવો આત્મવિશ્વાસ હશે તો આપોઆપ ધીરજ આવવાની કારણકે હવે તમને ખાતરી છે કે તમને જે જોઈએ છે તે મળવાનું જ છે, નસીબ કરતાં વધારે અને સમય કરતાં વહેલું. હવે તમારામાં રહેલી ઉતાવળ, અધીરાઈ દૂર થઈ ગઈ. તમારામાંનો તરફડાટ, ઉચાટ શાંત થઈ ગયો. હવે તમને જરૂર પડવાની કામના સાતત્યની.

વધુ આવતા સોમવારે.

લાઈફ લાઈન:
‘અજૂબા’ કરી એ મારી ભૂલ હતી. જીવનમાં મેં એવા ઘણા ખોટા નિર્ણયો કર્યા છે, ક્યારેક મારે એ બધા જ નિર્ણયો વિશે નિરાંતે લખવું છે.
- અમિતાભ બચ્ચન

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.