સેલ્ફ એસ્ટીમ વિશેના સાચા-જૂઠા ખ્યાલો
સેલ્ફ કૉન્ફિડન્સ અને વિલ પાવર વિશેની સિરીઝના આ અંતિમ હપતામાં સેલ્ફ એસ્ટીમ વિશે થોડી વાતો કરી લઈએ.
આત્મ સન્માન એટલે પોતાના માટેનું ગૌરવ. કેટલાક લોકો પોતાના વ્યર્થ ઈગોની સેલ્ફ એસ્ટીમ ગણીને પોતાના જ પગ પર કુહાડો મારતા હોય છે.
ઈગો હોવો એ સારી વાત છે અને ઈગો હોવો એ ખરાબ વાત પણ છે. વાતવાતમાં ‘હું આમ’ અને ‘હું તેમ’ એવો ભાવ બીજાઓ સમક્ષ વ્યક્ત કરનારા લોકો હકીકતમાં લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. એમનામાં ઈન્સિકિયોરિટી કૉમ્પ્લેક્સ હોય છે, કારણ કે તેઓ પોતે જ ઈન્ફિરિયર હોય છે. પોતાનું વામણાપણું છાવરવા તેઓ ઈગો દેખાડતા ફરતા હોય છે. આની સામે કેટલાકને ખબર હોય છે કે પોતે કોણ છે, કઈ કક્ષાનું કામ કર્યું છે. આવા લોકો પોતાના ઈગોને સાચવવા નહીં, પણ પોતાનું આત્મ સન્માન સાચવવા અમુક રીતે વર્તતા હોય છે.
બે દાખલા આપું તમને. ચંદ્રકાન્ત બક્ષી એક મહાન સર્જક હતા. પણ એમણે ક્યારેય વૈચારિક બાબતે કે અન્ય કોઈ બાબતે બહાદુરીનું કે શૌર્યનું કામ નહોતું કર્યું. આમ છતાં તેઓ સતત પોતાને વીર ગણાવતા રહેતા, બીજાઓને એ બાબતમાં ઊતારી પાડતા. બક્ષીની હયાતીમાં જ ઘણી વખત કહ્યું છે કે બક્ષીની છાતીના વાળ હકીકતમાં વિગ હતી.
આથી વિરુદ્ધ મિર્ઝા ગાલિબ હતા. એક વખત એમને બેકારીના દિવસોમાં ફારસીના ઉસ્તાદ તરીકેની સારા પગારવાળી નોકરી મળી રહી હતી. ગાલિબે કહેવડાવ્યું કે મને પાલખી લેવા મોકલો તો આવું. પાલખી આવી અને ગાલિબ ગયા પણ ત્યાં એમને આવકાર આપવા માટે કોઈ બહાર આવ્યું નહીં. ગાલિબ નોકરી લીધા વિના પાછાં આવી ગયા.
આને કહેવાય ખુમારી અને આને કહેવાય બહાદુરી. જે સંજોગોમાં બીજા કવિઓ, લેખકો, સાહિત્યકારો, સત્તાધીશોની પગચંપી કરતા હોય તે સંજોગોમાં ગાલિબે પોતાનું આત્મ સન્માન જાળવી રાખ્યું. કારણ કે ગાલિબ જાણતા હતા કે પોતે કઈ કક્ષાના સર્જક છે. ગાલિબ પોતાના વિશે ખોટા ભ્રમમાં નહોતા. મૃત્યુના દોઢસો વર્ષ પછી પણ પ્રજાને ગાલિબની ગઝલો, ગાલિબની વાતો યાદ છે. મોટા ભાગના સાહિત્યકારો અવસાનના બે-પાંચ કે દસ-વીસ વર્ષ પછી જનમાનસ પરથી ભૂંસાઈ જતા હોય છે.
આત્મ સન્માન બે ધારી તલવાર છે. તમારું આત્મ સન્માન સાચવવા જતાં તમે પોતે જ તમને ઈજા કરી બેસો એવું બને.
પોતાનું આત્મ સન્માન કેવાં લોકો સાચવી શકે?
સૌ પ્રથમ તો એવા લોકો જેઓ પોતાના વિશે ખોટા વહેમમાં રાચતા ન હોય અને બીજાઓને પણ પોતાના વિશે વહેમમાં રાખતા ન હોય. મારી પાસે કાર હોય જ નહીં અને હું ટ્રેન-બસ-રિક્શામાં જ અવરજવર કરતો હોઉં અને કોઈ દિવસ મને મારો મિત્ર કે મારો ચાહક મને પ્રવચન સ્થળે લાવવા-લઈ જવા માટે એની મર્સીડીસ કે જેગ્વાર મોકલી આપે અને હું માની બેસું કે હું આવી ગાડીઓમાં જ ફરવાને લાયક છું અને મારા શ્રોતાઓ આગળ ડંફાસ મારીને કૉલર ટાઈટ કરું તો મારા જેવો મૂરખ બીજો કોઈ નહીં. મારે સ્વીકારવું જોઈએ કે મારી આર્થિક હેસિયત શું છે. તમે જ્યારે તમારી ઓકાત બહારનું વર્તન કરવા જાઓ ત્યારે તમારી સેલ્ફ એસ્ટીમનો ભોગ લેવાતો હોય છે.
બીજું. મારા દરેક વર્તન માટે મારે જવાબદારી સ્વીકારવી જોઈએ. ફલાણાએ મને ફસાવી દીધો, ઢીકણાને કારણે હું ઉપર ના આવી શક્યો, આણે મને મિસગાઈડ કર્યો, તેણે મારી ચાડી ખાધી એવા બહાનાં કરનારી વ્યક્તિ કોઈ દિવસ પોતાની સેલ્ફ એસ્ટીમ જાળવી ના શકે. જે માણસ પોતાની જિંદગીમાં બનતી રહેતી તમામ બાબતો માટે પોતાને જવાબદાર માને છે. એટલું જ નહીં બીજાઓ સમક્ષ પણ પોતાની જવાબદારી કબૂલ કરે છે તેને જ આત્મ સન્માન પ્રાપ્ત થાય છે અને તેને જ પોતાની સેલ્ફ એસ્ટીમ જાળવવાનો હક્ક છે.
ત્રીજી વાત. ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસવાળી પ્રકૃતિ ધરાવતા લોકો ક્યારેય સેલ્ફ એસ્ટીમ જાળવી નહીં શકે. બીજાઓની ‘હા’માં હા અને ‘ના’માં ના પુરાવીને એમને વહાલા થઈને પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ ધરાવનારા અનેક લોકોને તમે તમારી આસપાસ જોયા હશે. ક્યારેક આપણેપોતે આવું વર્તન કરી બેઠાં હોઈશું. આવી રીતે વર્તનારા લોકો કદીય પોતાની સેલ્ફ એસ્ટીમ જાળવી શકતા નથી. કારણ કે, સેલ્ફ એસ્ટીમ જાળવવા માટે તમારે કશાકનો ભોગ આપવો પડતો હોય છે, કશુંક જતું કરવું પડતું હોય છે. જો તમે તમારા સ્વાર્થની કોઈ વાત જતી કરવા ન માગતા હો તો તમારે આત્મ સન્માનને નેવે મૂકીને બીજાના ઓશિયાળા બની જવું પડે એ સ્વાભાવિક છે.
ચોથી વાત, બીજાનાં આત્મ સન્માનનો આદર કરીએ. બીજાની સેલ્ફ એસ્ટીમને કચડી ના નાખીએ. જે લોકો સતત બીજાને ઉતારી પાડવાની ટેવ ધરાવતા હોય, જેમને એમ જ હોય કે હું એકલો ગ્રેટ અને બાકીના બધા તો વહેંતિયા છે એ લોકો વખત આવ્યે પોતાના આત્મ સન્માનને ગીરવે મૂકી દેતાં અચકાતાં નથી. કારણ કે એમને ખબર હોય છે કે અન્યથા એમની તથાકથિક મહાનતા છીનવાઈ જશે. તેઓ ખાનગીમાં સેલ્ફ એસ્ટીમ વેચીને જાહેરમાં બીજાઓને ઊતારી પાડવાનું ચાલુ રાખશે, જેથી પોતાનો ઈગો અખંડ રહે. હકીકતમાં આવા લોકોની પર્સનાલિટી પરનું વરખ સહેજ ઉખાડીને તમે જુઓ તો ખ્યાલ આવશે કે તેઓ કેટલા તૂટી ગયેલા છે. કવિ હરીન્દ્ર દવેએ એક જુદા સંદર્ભમાં લખેલો શેર યાદ આવે છે : મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી હું કરગરી ગયો છું, મને યાદ પણ નથી.
પાંચમી અને છેલ્લી વાત સ્વમાન વિશેની તે એ કે જેમનામાં વિલ પાવર છે અને જેમનામાં સેલ્ફ કૉન્ફિડન્સ છે એમને ક્યારેય કૃત્રિમ રીતે સેલ્ફ એસ્ટીમ જાળવવાની જરૂર પડતી જ નથી.
તમારી પાસે તમારી તમામ શક્તિ-પ્રતિભા નિચોવીને કામ કરવાનો વિલ પાવર હોય અને તમને તમારામાં વિશ્વાસ હોય કે તમે જે માર્ગે આગળ વધી રહ્યા છો તે સાચો અને સારો છે તો તમારું આત્મસન્માન તમારા કોઈ પ્રયત્નો વિના સચવાતું રહેશે. કોઈને બતાવી આપું કે હું કોણ છું એવી માનસિકતા ધરાવનારાઓ કે પછી હું અમુક રીતે ઍટિટ્યૂડ દેખાડીશ તો જ સામેવાળાને મારી મહત્તા સમજાશે એવું માનનારા લોકો ન તો બીજાનું આત્મ સન્માન જાળવી શકે છે ન એમનું પોતાનું.
‘ઝિંદગી મિલેગી ના દોબારા’ના આ સાપ્તાહિક સ્તંભમાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન અનેક લેખો અને અનેક શ્રેણીઓ લખાતા આ છેલ્લી શ્રેણી મને લખવા ખૂબ મઝા આવી હોય અને ભરપૂર મૌલિક વિચારોને લઈને આવી હોય એવી મારી શ્રેણીઓમાંની એક હતી. હવે થોડોક પોરો ખાઈએ. ‘ઝિંદગી મિલેગી ના દોબારા’ની ફર્સ્ટ સિઝન અહીં વિરામ પામે છે.
લાઈફ લાઈન:
તમે કોણ છો એની તમને ખબર પડતી જાય ત્યારે જ તમારામાં ડહાપણ આવતું જાય છે.
- એરિસ્ટોટલ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર