સેલ્ફ કૉન્ફિડન્સ ક્યાંથી આવે છે અને ક્યાં જતો રહે છે
સેલ્ફ કૉન્ફિડન્સ યાને કિ આત્મવિશ્વાસ પણ કોઈનું જોઈને કે કશુંક વાંચીને/સાંભળીને આપણામાં આવી જતો નથી. આત્મવિશ્વાસ હોવાનાં કે ન હોવાનાં કારણોમાં જઈએ તો અત્યારની જિંદગી પહેલાં વીતેલાં વર્ષો તપાસવાં પડે. તમારો ઉછેર, તમારા સંજોગો, તમારું વાતાવરણ તમને સેલ્ફ કૉન્ફિડન્સ આપે છે. ને એમાં એવું નથી, કે તમે અભાવગ્રસ્ત, હેન્ડ ટુ માઉથ વાતાવરણમાં ઉછર્યા હો તો તમારા આત્મવિશ્વાસની કમી હોય અને શ્રીમંત કુટુંબમાં જન્મયા તો તમારામાં આત્મવિશ્વાસ છલકતો હોય. વળી મોટા થતાં થતાં તે છેક મૃત્યુ પામો ત્યાં સુધી તમારામાંનો આત્મવિશ્વાસ સતત વધતો ઓછો થતો રહેવાનો. એટલું જ નહીં જિંદગીના અંત સુધી એવું પણ રહેવાનું કે અમુક બાબતોમાં તમે ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતા રહો અને અમુકમાં તમે લાખ પ્રયત્નો પછી પણ આત્મવિશ્વાસ કેળવી શક્યા ન હોત.
વિગતે વાત કરીએ. મને કાર ચલાવતાં નથી આવડતું. હું શીખ્યો જ નથી. આમ મારા માટે ડ્રાઈવિંગની બાબતમાં સેલ્ફ કૉન્ફિડન્સ હોવા કે ન હોવાનો સવાલ જ નથી આવતો. મારા પપ્પા મોટી ઉંમરે કાર ચલાવતા શીખેલા. નવા નવા શીખીને એક દિવસ કાર ચલાવીને મલબાર હિલ એમના કઝિનને ત્યાં ગયા. હિલનો ઢાળ ચડતી વખતે ગિયર-ક્લચ-એક્સલેટરના કૉમ્બિનેશનમાં એવો લોચો કર્યો કે ગાડી ઉપર જવાને બદલે રિવર્સમાં ઢળતી જાય. માંડ હેન્ડ બ્રેકથી રોકી અને પછી કોઈની મદદથી સાઈડમાં લીધી. બીજે દિવસે ડ્રાઈવરને મોકલીને પાછી મંગાવી લીધી. એ અનુભવ પછી પપ્પાનો સેલ્ફ કોન્ફિડન્સ સાવ તૂટી ગયો. જીવ્યા ત્યાં સુધી ક્યારેય સ્ટિયરિંગને હાથ સુદ્ધાં ન લગાવ્યો.
સેલ્ફ કૉન્ફિડન્સ માટે જે તે વિષયની આવડત માત્ર જરૂરી નથી. આવડત તો પપ્પામાં હતી, ગાડી ચલાવવાની, આવડત પછી સતત રિયાઝ જોઈએ અને ભૂલ સુધારીને આગળ વધતાં રહેવાની તત્પરતા જોઈએ, જે પપ્પામાં નહોતી.
તો આ પહેલી વાત. આવડત પ્લસ રિયાઝ પ્લસ ભૂલ સુધારવાની તત્પરતા. કોઈ કહે કે તમે અંગ્રેજી બોલવાનો કૉન્ફિડન્સ નથી ત્યારે એણે સમજવું જોઈએ કે શું મેં આવડત કેળવી છે? અર્થાત શું હું પ્રોપર્લી અંગ્રેજી બોલતાં શીખ્યો છું? એ પછી એટલે કે અંગ્રેજી બોલવાનં શીખ્યા પછી શું હું સતત એની પ્રેક્ટિસ, એનો રિયાઝ કરું છું? અને છેલ્લે જ્યારે જ્યારે મારી અંગ્રેજી બોલવામાં ભૂલ થાય ત્યારે ત્યારે હું મારી ભૂલ સુધારીને વધારે સારું અંગ્રેજી બોલવાની કોશિશ કરું છું.
આટલું કર્યું હશે તો અંગ્રેજી બોલવામાં તો શું જિંદગીમાં કોઈ પણ કામ કરવામાં તમને આત્મવિશ્વાસનો અભાવ નહીં નડે. અને આટલું નહીં કરો તો ડગલે ને પગલે તમને તમારામાં સેલ્ફ કૉન્ફિડન્સનો અભાવ વર્તાતો રહેશે.
સેલ્ફ કૉન્ફિડન્સ વિશે આ તદ્દન પાયાની વાત થઈ. સમજોને કે પ્રથમ પગથિયું.
આગળ વધીએ.
કેટલીક વાર આપણને જે બાબતનો આત્મવિશ્વાસ હોય તે બીજાની સાથે સરખામણી કરતી વખતે અલોપ થઈ જતો હોય છે. મને એવો સેલ્ફ કૉન્ફિડન્સ હોય કે હું વેલડ્રેસ્ડ અને વેલ ગ્રુમ્ડ છું પણ કોઈ એવી પાર્ટીમાં જઉં કે એવા લગ્ન સમારંભમાં જ્યાં મોટા ભાગના મહેમાનોએ એવી એવી વિદેશી બ્રાન્ડસનાં કપડાં, એસેસરીઝ પહેર્યા હોય જે બ્રાન્ડસનાં અહીં ભારતમાં તો આપણે નામ પણ ન સાંભળ્યાં હોય તો મને ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ લાગવાનો જ છે. સેલ્ફ કૉન્ફિડન્સ જાળવવાનો સૌથી મોટો નિયમ એ કે કોઈનીય સાથે સરખામણી ન કરવી. આ દુનિયામાં દરેક શેરના માથે સવા શેર હોવાનો. તમારા માથે પણ, કપડાંની બાબતમાં તમે લઘુતાગ્રંથિ અનુભવો એવા વાતાવરણમાં જવું તમારા માટે અનિવાર્ય હોય તો તમારે તમારી ઔકાતની બહાર જઈને નવાં કપડાં ખરીદવાનાં નથી પણ તમે શું કામ આવા લોકોની સાથે કે આવા લોકોને ત્યાં ઈન્વાઈટ થયા છો તે વિચારવાનું છે. યજમાનને ખબર છે કે મારે ત્યાં જે મહેમાનો આવશે તે બધા આઉડી, બીમર કે મર્કમાં જ પધારવાના છે. અને યજમાનને એ પણ ખબર છે કે તમે એકલા જ ત્યાં રિક્શામાં કે ઉબર/ઓલા/કાળી-પીળીમાં પહોંચવાના છે. તો પછી શું કામ તમને ઈન્વાઈટ કરે છે? યજમાને તો વિચાર્યું જ હશે, તમારે પણ વિચારવાનું કે શું કામ? આ વિચારોમાંથી તમારો સેલ્ફ કૉન્ફિડન્સ આવશે. તમારી પાસે બ્રાન્ડેડ ક્લોથ્સ કે આઉડી નથી તે છતાં તમને બોલાવવામાં આવ્યા છે. તમારી પાસે બ્રાન્ડેડ ક્લોથ્સ કે આઉડી ખરીદવાનાં પૈસા નથી એ તો ખરું જ પણ એટલા પૈસા હોય તોય તમને એ ખરીદવાની જરૂર નથી કારણ કે તમારું સ્ટેટસ એમાંથી નહીં, કંઈક બીજામાંથી આવે છે, તમારી પ્રતિભામાંથી, તમે કરેલા કામમાંથી આવે છે.
અહીં એ ધ્યાનમાં રાખવાનું કે તમાચો મારીને ગાલ લાલ રાખવાથી સેલ્ફ કૉન્ફિડન્સ ના આવે. ઊલટાનું એવું કરવાથી તો ક્યારે આપણે ખુલ્લા પડી જઈશું એવું ભય સતાવે અને એને કારણે ઊલટાની આત્મવિશ્વાસમાં ઓટ આવે. ‘દીવાર’માં શશી કપૂર પાસે કોઈ શસ્ત્ર નથી અને પોલીસની મદદ આવતાં વાર લાગે એમ છે ત્યારે એ વિલનના અડ્ડામાં પોતાના ખાખી યુનિફોર્મના પાટલૂનના બેઉ ખિસ્સામાં હથેળીઓ છુપાવીને પોતાની પાસે બે રિવોલ્વર છે એવો દેખાવ કરીને વિલનની આખી ગેન્ગને મ્હાત કરે છે. ફિલ્મોમાં આવું બને. રિયલ લાઈફમાં ખિસ્સા ખાલી હોય અને ભપકા ભારી રાખતા હોય એવા લોકોની શું દશા થતી હોય છે એની તમને ખબર છે.
સેલ્ફ કૉન્ફિડન્સ પરાંત સેલ્ફ રિસ્પેક્ટ વિશેની બીજી કેટલીક તદ્દન મૌલિક વાતો આવતા સોમવારે.
લાઈફ લાઈન
જે ઘડીએ તમને શંકા ગઈ કે હું આ કામ કરી શકીશ કે નહીં, તે જ ઘડીએ નક્કી થઈ ગયું કે તમે એ કામ કરી શકવાના નથી.
અજ્ઞાત
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર