વિલ પાવર ક્યાંથી આવે છે?

26 Jun, 2017
12:08 AM

સૌરભ શાહ

PC: estonoentraenelexamen.com

કોઈ વાત કરવી કે સમજવી બહુ અઘરી છે એવું આપણને કહેવામાં આવે ત્યારે આપણે એ વાતથી જલદી ઈમ્પ્રેસ થઈ જઈએ છીએ. પણ આ વાત સમજવી કે જીવનમાં ઉતારવી સાવ સહેલી છે એવું કહેવામાં આવે છે ત્યારે એ વાતનું ગ્લેમર આપણા મનમાંથી ઓછું થઈ જતું હોય છે, એ વાત ક્ષુલ્લક લાગવા માંડતી હોય છે.

વિલ પાવર કે ફૉર ધેટ મેટર એવા કોઈ પણ સદ્દગુણને જીવનમાં ઉતારવાનું કામ અઘરું નથી, બલ્કિ સાવ સરળ છે. આપણે અધીરા હોઈએ છીએ એટલે આપણા માટે આ બધી વાતો અઘરી બની જાય છે. ડૉક્ટર તમને રોજના પાંચ કિલોમીટર ચાલવાની સલાહ આપીને કહેશે કે આવું કરવાથી છ મહિનામાં જ તમારી ફલાણી-ફલાણી તકલીફો દૂર થઈ જશે અને વજન પણ દસ કિલો ઘટી જશે ત્યારે તમને ખબર હોય છે કે તમે રોજના પાંચને બદલે ત્રીસ કિલોમીટર ચાલવાનું શરૂ કરશો તો છને બદલે એક મહિનામાં તમારું વજન દસ કિલો ઘટી નહીં જાય, ફલાણી-ફલાણી તકલીફો પણ ભાગી નહીં જાય ઉલટાની રાતોરાત આટલું બધું ચાલવાનું શરૂ કરવાથી અમુક તકલીફો નવી નોતરી બેસશો. એટલું જ નહીં છ મહિના સુધી રોજના પાંચ કિલોમીટર ચાલવાની સાથે તમારે આહાર તેમ જ દિનચર્યાની બાબતમાં કેટલાક ડુઝ અને ડૉન્ટ્સનું પાલન કરવાનું રહેશે.

વિલ પાવરનું આવું જ છે. એ રાતોરાત નથી આવતો. કોઈના કહેવાથી નથી આવતો. કોઈના દબડાવવાથી કે કોઈના પ્રેમભર્યા આગ્રહથી પણ નથી આવતો. વિલ પાવર તમારી પોતાની સમજણથી આવે છે. ડૉક્ટર તમારો રિપોર્ટ જોઈને તમને શ્યુગર બંધ કરવાનું કહે અને તમે શુગર બંધ કરી શકો છો એવો વિલ પાવર તમારામાં છે એવું તમારી જાતને જતાવવા રાતોરાત તમારા ખોરાકમાંથી તમામ વધારાનો શ્યુગર બંધ કરી દેશો તો થોડા જ દિવસમાં એવો વખત આવશે કે રાત્રે ઘરમાં બધાં ઊંઘી ગયા હશે ત્યારે તમે ચૂપચાપ ઊઠીને રસોડામાં જઈને કોઈ મિન્ટ પદાર્થ ખાઈ લેશો અને ઘરમાં કંઈ ગળ્યું નહીં હોય તો ચા-ખાંડના ડબ્બા ફંફોસીને સાકરનો ટુકડો મોઢામાં ભરી લેશો.

મારામાં વિલ પાવર છે એવું જતાવવાનો જેમને શોખ હોય એમની સાથે આવું જ બનતું આવ્યું છે. વિલ પાવર નિર્ણય લેવાથી નથી આવી જતો. વિલ પાવર સમજણથી આવે છે. તમારી સમસ્યા શું છે? તમારે જિંદગીમાં શું કરવું? તમારા ઉકેલની આડે શું આવે છે? તમારા હેતુ સુધી પહોંચવાની આડે કયા વિઘ્નો નડે છે? આ સવાલોના જવાબો શોધતાં પહેલાં ખુદ આ સવાલોને તમારે સમજવા પડશે. જે પરિસ્થિતિને કારણે આ પ્રશ્નો ઊભા થયા હોય તે પરિસ્થિતિને પહેલાં તો ઝીણવટથી સમજવી પડશે. પરિસ્થિતિનું પ્રોપર નિરીક્ષણ, આકલન અને પૃથક્કરણ કર્યા વિના તમે તમારા સવાલને ઘડી નહીં શકો. અને જ્યારે સવાલ જ સરખી રીતે ઘડાયો ન હોય ત્યારે તમને એનો યોગ્ય જવાબ ક્યાંથી મળવાનો?

નાનકડો કલ્પિત દાખલો લઈએ. તમે માનો છો કે તમારામાં એવો વિલ પાવર જ નથી કે તમે બચત કરી શકો. જે કંઈ કમાઓ છો તે બધું જ મહિનાના અંતે વપરાઈ જાય છે. એક વખત દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયાની બચત કરવાની કોશિશ કરી હતી પણ ત્રણ મહિનામાં જ તમારો સંકલ્પ તૂટી ગયો અને પેલા પંદર હજાર પણ વપરાઈ ગયા. શું કરવું?

નાના એકમથી શરૂ કરવું અને પિરિયોડિસિટી પણ ઘટાડી નાખવી. મહિને પાંચ હજારને બદલે રોજના પચાસ રૂપિયા બચાવવા સહેલા છે. સાતત્ય વિલ પાવર કેળવવાની જાદુઈ ચાવી છે. સાતત્ય જાળવવા માટે બર્ડન ઓછું કરી નાખવું પડે. ભાર ઓછો થઈ જતાં હસતાં રમતાં સાતત્ય જળવાય છે. જિમમાં જઈને ફટાફટ કસરતો કરીને શરીર સુડોળ બનાવી નાખવાનાં સપનાં જોનારાઓમાંના 90 ટકા લોકો સ્પેશ્યલ સ્કીમ આવે ત્યારે વરસના પૈસા ભરી દે અને પછી મહિનામાં જ જિમ જે રસ્તે આવતું હોય તે રસ્તે જવાનું જ છોડી દે. રોજના પચાસ રૂપિયાની બચતની જેમ રોજની પાંચ જ મિનિટની કસરતથી શરૂઆત કરી હોય તો આવું ન થાય.

કોઈને બતાવી આપવા માટે કોઈની આગળ કશુંક પુરવાર કરવા માટે મારે મારામાં વિલ પાવર લાવવો છે એવો હેતુ હશે તો વિલ પાવર નહીં આવે. વિલ પાવર તમારી આંતરિક જરૂરિયાતોની પ્રાયોરિટી તમે સેટ કરી હોય તો જ આવે. મારી બહુ ઈચ્છા હોય કે હું કોઈક વાજિંત્ર શીખું પણ જ્યાં સુધી મારું આ ફેસિનેશન મારી આંતરિક જરૂરિયાત ન બને ત્યાં સુધી મારે ગિટારના ક્લાસમાં ફી ભરવાની જ ન હોય. ચાર વખત જઈને પાંચમા વખતથી બહાનાં કાઢતો થઈ જઈશ અને છ મહિના પછી ગિટાર ધૂળ ખાતી કોઈક ખૂણામાં પડી હશે – વાંદા, ગરોળીને ઘર બનાવવામાં કામ લાગશે.

જે ઘડીએ વાજિંત્રવાદન મારી આંતરિક જરૂરિયાત બની ગઈ તે જ ઘડીથી મારામાં ગિટાર શીખવા માટેનો વિલ પાવર આવી જશે એવું માની લેવાની પણ જરૂર નથી. આવી તો કેટલીય આંતરિક જરૂરિયાતો મારામાં ધરબાઈને પડી હોવાથી વાજિંત્રવાદનનો નંબર કેટલામો – એ મારે નક્કી કરવું પડે. જ્યાં સુધી એની પ્રાયોરિટી સૌથી ઉપરના પગથિયે નહીં આવે ત્યાં સુધી મારે મારી પ્રાયોરિટીવાળી આંતરિક જરૂરિયાતોને સંતોષવા વિલ પાવર કેળવવાનો છે. કારણ કે મારી આંતરિક જરૂરિયાતોની પ્રાયોરિટીને સમજ્યા કર્યા વિના હું ગિટાર શીખવાનું શરૂ કરીશ તો હું એને અડધેથી જ પડતું મૂકી દઈશ અને પછી મને લાગવા માંડશે કે મારામાં વિલ પાવર જ નથી. તમે અત્યાર સુધી એવી કઈ કઈ બાબતો માટે માનતા રહ્યા કે મારામાં વિલ પાવરનો અભાવ હોવાથી મેં આટલાં કામ ન કર્યા કે અધૂરાં છોડી દીધાં એની યાદી બનાવો અને પછી જાતમાં જરા ઊંડા ઊતરીને વિચારો કે જે તે સમયે એ બધાં કામ શું તમારી આંતરિક જરૂરિયાતોના પ્રાયોરિટી લિસ્ટ પર હતાં? ચાન્સીસ એવા છે કે નહીં હોય. અને હવે એક યાદી બનાવો કે જિંદગીમાં તમે ક્યાં ક્યાં શરૂ કરીને પાર પાડ્યાં અથવા હજુય એ કામ તમે કરતાં રહો છો? ઘણી લાંબી યાદી થશે. આ બધાં કામો કરવાનો વિલ પાવર તમારામાં ક્યાંથી આવ્યો? કોઈએ ચમચીમાં મૂકીને પીવડાવ્યો? ના. તમારામાંથી જ એ પ્રગટ્યો કારણ કે એ કામ કરવાની તમારી આંતરિક જરૂરિયાત હતી. તો હવેથી મારામાં વિલ પાવર નથી. એવું કહીને જાતને કોસ્યા કરવાનું બંધ અને વિલ પાવરની કન્સેપ્ટને ગૂંચવી નાખવાનું બંધ.

વિલ પાવર જેવી જ વાત સેલ્ફ કૉન્ફિડન્સની છે. આવતા સોમવારે.

લાઈફ લાઈન

આજે જે હકીકત છે તે એક જમાનામાં કલ્પના હતી.

(ઇંગ્લેન્ડનો કવિ : 1757-1827)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.